‘અપી’ના અરમાનોનો ઉંબર
વૈશાલી રાડિયા
‘જુઓ, મારા મમ્મી આખો દિવસ તમારે ત્યાં બધું કામ કરી દેશે, પણ જયારે મારે મહેંદીમાં જવાનું હોય, ત્યારે મારા મમ્મીને વચ્ચે બીજા કામ કરવા જવા દેજો હો, મારે એમની હેલ્પ જોશે.’ એટલી સ્માર્ટનેસ અને ચોખ્ખી વાત કરીને એ મારો જવાબ સાંભળવા મારી સામે જોઈ રહી. મને એ એટલી ગમી ગઈ અને મેં કીધું, “તું જ મારે ત્યાં રહી જાને, આખો દિવસ કામ કરવા.” તો કહે, ‘હું તો થોડા ઘરના જ કામ કરું છું, એ પણ હવે મૂકી દઈશ. મારે તો મહેંદી જ કરવી છે. ઘણા વર્ષોથી મહેંદી કરું છું હું તો.’ 17 વર્ષની એ છોકરી જે આત્મવિશ્વાસથી બોલતી હતી એ એની ઉંમર કરતાં ઘણો વધુ દેખાતો હતો! અને મારી સાથે એણે કેટલી શરતો કરી જે મેં હસતાં-હસતાં સ્વીકારી. બીજા દિવસથી એના મમ્મીને મારે ત્યાં કામ કરવા મૂકી ગઈ. મને વર્ષોથી કમર અને ગોઠણનો દુખાવો એટલે ઘરનું એક પણ કામ ના થાય, નોકરી કરી આવું અને બજારની વસ્તુઓ લાવી દઉં બાકી બધું એના મમ્મીએ એટલું સરસ રીતે સંભાળી લીધું કે થોડા જ દિવસમાં મારા રસોડામાં વસ્તુ શોધવા એમની ગેરહાજરીમાં મારે એમને ફોન કરવો પડે! અરે હા, તમને થશે કે આ ‘એ’ એટલે કોણ છોકરી? અને ‘એ’ના મમ્મી એટલે કોણ? અમારી ‘એ’ એટલે એનું નામ તો અલ્પા પણ તમે એને બોલાવો એટલે તરત લટકો કરીને કહેશે મને ‘અપી’ કેજો હોં! અને એ અપીના મમ્મી એટલે અમારા ઘરના ‘નીમુમાસી’. થોડા દિવસોમાં તો ઘર જ જાણે નીમુમાસીનું! ‘આ વસ્તુ હું અહીં જ રાખીશ, આજે હું રસોઈમાં જ આ જ બનાવીશ, આ તમે કેમ આમ મૂક્યું? આ હું નહિ કરું....નહિ તો કામ મૂકી દઈશ....’ વગેરે બાદશાહી! અને અમને પણ નીમુમાસી વિના ના ચાલે. બીજે જ દિવસે આવીને કહેવાના હોય કે, ‘જો આ તમારા માસાને કેન્સર થઇ ગયું’તું એમાં કેટલા વર્ષ ખટલામાં પડ્યા રહ્યા, કોઈ દિ’ કામીને ના દીધું મને. છોકરાંવ નાના અને કામ કરું, દવા કરું કેમેય પૂરું ના થાય. બે દીકરી પયણાવી, દીકરો ભણે હજી અને હવે આ અપીનું સારું ઠેકાણું મળી જાય એટલે શાંતિ..કેટલા માંગા આવે છે ને આ છોરીને તો ક્યાંય હા નથી કહેવી બોલો. આ ટેન્શલમાં મને મગજ કોક’દિ ઠેકાણે ના’ રે તે બોલાય જાય હો .કોક દિ તમે શું કે કોક દિ હું. હાયલે રાખે કાં?’ એમ કહી ફરી એ વિધવા દુખિયારી એક ઉત્સાહથી કામ કરવા લાગે! અને એની અપી? થોડા દિવસ થયા ત્યાં એક દિવસ મને કહે, ‘તમને મહેંદી કરી દઉં?’ મને એમ કે એનું માન રાખું તો બાકી કેવા લીટોડા મારતી હશે? અને મહેંદી બની ત્યાં મારા હાથ તો બોલી ઉઠ્યા એવી સરસ ડીઝાઇન ત્યાં તો એની ડાયરી હાથમાં આવી અને એડવાન્સ મહેંદી બૂકિંગનું થોડું લીસ્ટ જોયું! ત્યાં તો મને કહે, ‘તમે સખી ક્લબમાં જાવ છો એમાં મારે પણ ફી ભરવી છે. આ વર્ષે મને પણ કેજો હો ! તમે સ્વીમીંગમાં જાવ છો તો મારે પણ સાથે આવવું છે હો! તમે ટ્રેકિંગમાં જાવ છો તો મારે પણ આવવું છે હો, મારી ફી હું જ ભરીશ! પાર્લરના ઓર્ડર પણ લઉં છું હો, ઘરે પણ જાઉં અને મહેંદી માટે તો રાતોની રાતો જાગી શકું. મને અડધી રાતે કોઈ ગોદડું ખેંચી એમ કહે કે મહેંદી કરાવવી છે તો હું બંધ આંખોએ પણ કોન હાથમાં લઇ ચલાવવા લાગું! મારા નખ ખૂબ લાંબા પણ મને નેઈલપોલિશ કે મેકઅપનો કોઈ શોખ જ નહીં. એક દિવસ મને કહે, ‘ચાલો બજારમાં.’ હકથી ઓર્ડર જ કરી દયે, પણ એનું વર્તન એવું કે તમને એ હક કરે એ ગમી જ જાય. મારા માટે એણે બજારમાંથી નેઈલપોલીશના ઢગલા લીધા અને દર અઠવાડિયે નવા રંગો અને નવા નેઈલઆર્ટ! હું સુતી હોઉં અને આવીને મારા નખ પકડી રીમુવર કરવા લાગે. આંખ ખોલું ત્યાં કહે, ‘કાલે કરી એ ડીઝાઇન મને નથી ગમતી. આજે વહેલી ફ્રી થઇ ગઈ, મને નવરું રહેવું જરાય ના ગમે.’ અને મારા નખના રંગો ફરી બદલી જાય એની મરજી મુજબ! એક વાતમાં અપી બિલકુલ પાક્કી સંબંધ પછી, પહેલા હિસાબ. અને સમયની વાતમાં તો કોઈ એને પહોંચે જ નહિ! પાર્લરનું કામ કે મહેંદી, એ આપે એ જ સમય ફાઈનલ! એમાં તમે એમ કહો કે પાંચ મિનીટ રાહ જો એટલે આરામથી કહી દયે કે તો હવે કાલે આવીશ. બીજા દિવસનો સમય કહીને હસતી-હસતી કહી દયે બાય! ભલે તમે સવારે 6 વાગ્યાનો સમય કેમ ના કહો એ 6 ના ટકોરે હાજર!
પેલા જ વરસે મહેંદીની સિઝન પૂરી થઇ એટલે કહે એલ.ઈ.ડી. લીધું. અમારે ઘરે જોવા આવજો હો! આ ‘હો’ નો લહેકો તો ઊભો જ હોય. બીજા વરસે કહે લગ્ન માટે સોનું લીધું. ત્રીજા વરસે રોડ પરથી બુમ પાડી બાલ્કનીમાં બોલાવી કહે, જુઓ સેકન્ડમાં સ્કુટી લીધું. ચોથા વરસે મારો હાથ ખેંચી આંખો પર હાથ મૂકી હસતી-હસતી મને પાર્કિંગમાં લઇ ગઈ અને હાથ હઠાવ્યા ત્યાં તો સામે નવું ચમકતું સફેદી વાળું એકટીવા! અને તરત કહેશે ચાલો સેલ્ફી લઈએ! હા એ તો ભૂલાઈ જ ગયું, આ વરસો દરમિયાન બે નવા ફોન પણ આવ્યા! ગામમાં લગ્નના ઢોલ વાગ્યા નથી કે અમારી અપી સવારથી સાંજ રાત સુધી બસ કોન જ ચલાવ્યા કરે અને પછી ચાલે શોપિંગ ...જીન્સ..ગોગલ્સ... મૂવી.. ક્યારેક સખીઓની તીન પત્તી અને બસ, જલસો....એનું જોમ હંમેશા બરકરાર!
ઘણીવાર નીમુમાસી કહે કે આ છોકરીને સમજાવોને કે લગ્ન માટે હા કહી દયે અને જો અપી સાંભળી જાય એટલે કહે કે, ‘માસીને તો એક જ વાત સુજે. જે જોવા આવે એને હા કહી દેવાની? મારે પાર્લર ચલાવવું છે. મહેંદી તો કોઈ દિવસ મુકીશ જ નહિ. તો બધું સરખું જોવું કે નહિ? પહેલા કમાઈ લઉં અને હું છું ત્યાં ભાઈને ભણાવી લ્યો, નવું ઘર લઇ લ્યો પછી હું સાસરે જાઉં તો તમને વાંધો ના આવે.’ આજના જમાનાની સ્વતંત્ર વિચારધારા એનામાં ફૂટી-ફૂટીને ભરેલી હતી.
અમારી સાથે એ પણ એના મમ્મીને માસી કહેવા લાગેલ! માસીની મા થઇ ક્યારેક વારો પણ કાઢી લેતી કે, કાકા આવે કે બાપા આવે આપણા ઘરમાં કોઈ કહેશે એમ નહિ થાય. જાતે કામ કરી જાતે કમાવું અને સમાજના નામે સગાં ઘરમાં ઓર્ડર શેના કરે? કોઈ રોટલા દેવા આવે છે? અને નીમુમાસી ચૂપ! પાછળથી મારી પાસે હૈયાવરાળ ઠાલવે કે તમારા માસા નથી તો જેઠ અને દેર કહે એમ કરવું જોઈએ કે નહિ ?તમે જ કયો. હું વિચારવા લાગુ કે નીમુમાસી એની રીતે સાચા પણ આજની યુવા પેઢી એને જે કહેવું છે, જે કરવું છે એ વાતમાં ચોક્કસ છે અને સમાજની ખોખલી માન્યતાઓ સામે ઝૂકી જવાને બદલે વાસ્તવિકતા સ્વીકારી અને સાચી વાત રજુ કરવાની હીંમત હોવી એ કેટલું મોટું પરિબળ? અપીની વાતો મારામાં એક નવો ઉત્સાહ અને વાસ્તવિકતાના રસ્તે ચાલવા પ્રેરકબળ પૂરતી હતી! અને મને એ ગમવા લાગ્યું હતું. અને હું નીમુમાસીને સમજાવતી કે, ‘માસી, એ કેટલું કામ કરે છે, તમને મદદ કરે છે અને એક રીતે વિચારો તો એની વાત ખોટી પણ ક્યાં છે? આપણે બોલતા નથી પણ મનમાં તો સમજીએ જ છીએ કે કોઈ ઘર ચલાવવા નથી આવતું. જયારે અપી બોલી દયે છે તો સાચી વાત કેમ ના સ્વીકારવી?’ અને અભણ છતાં સમજુ એવા અમારા એ માસી સમજી જતાં કે, ‘હા, ઈ વાત તમારી સાવ સાચી.’
અપીને જુઓ એટલે તમારામાં હીંમત આવી જાય. સમાજ સામે લડવાની, મોજથી જીવવાની, દરેક વાતનો સામનો કરવાની. કોઈ ના કહે કે પિતાની છત્ર છાયા નથી, ભાઈ નાનો, બહેનો સાસરે છે. તો એકલતા સાલે. એ તો ઉડતું પંખી! આ પંખીને કોઈ રોકી ના શકે, ટોકી ના શકે. એનું પોતાનું સ્વતંત્ર ગગન અને પોતાનું સ્વતંત્ર મન. એના અરમાનો ઊંચા અને એ પુરા કરવાની એની તાકાત પણ હું વરસોથી જોતી આવી. સમય અને ધગશ સાથેનો એનો લડાયક મિજાજ પણ જાજરમાન! એનું કામ એટલું પરફેક્ટ કે તમને એકવાર એની સાથે કામ કર્યાં પછી કે ડીલ કર્યા પછી એની જ ટેવ પડી જાય એ એના કામની માસ્ટરી! તમને એના સમય પર ચાલવા મજબુર કરી દયે. અને જયારે જોઈએ ત્યારે એક નવો ઉત્સાહ, કઈ પણ નવી વસ્તુ પહેલીવાર કરવી હોય અને ક્યાંય શીખી હોય તો જરા પણ ગભરાયા વિના મને કહે, ‘આજે હું નવીન બનાવી તમને જમાડીશ’. આપણે એનો આત્મવિશ્વાસ જોઈ ખબર પણ ના પડે કે પહેલીવાર બનાવતી હશે! પછી ક્યારેક સારું ના બને કે બગડે તો કહે, ‘મેં તો ટ્રાય કરેલ’. અને ખડખડ હસવા લાગે.
અપીને જોઇને કોઈ એમ ના કહે કે એ દસ નાપાસ છે. ભણતર એની પાસે ક્યાંય પાણી ભરે. નીમુમાસી પણ હવે તો સમજી ગયા છે કે, ‘છોરી સાચી તો છે.’ એટલે હવે એ શાંત થતાં જાય છે. અને ચોવીસીમાં પહોંચેલી અમારી અપી આજે એના અરમાનોના ઉંબરે ઉભી છે એનો મહેંદીનો કોન હાથમાં લઇ કોઈ રાજકુમાર એના અરમાનોની ડોલી સજાવી આવે તો મહેંદીથી એનું નામ હથેળીમાં લખવા! એ ઉંબર પર જ છે. નથી ઉંબર વળોટી પાગલ થતી કે નથી ઉંબર પરથી પગ પાછો ખેંચી સમાજની ખોખલી માન્યતાઓ સ્વીકારતી! એ યુવાનીને મને તો જિંદાબાદ કહેવાનું મન થાય છે ‘હો’! તમને થાય છે??
***