પાંચ પાંચ મિનિટની મુલાકાતો Bhavik Radadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાંચ પાંચ મિનિટની મુલાકાતો

પાંચ પાંચ મિનિટની મુલાકાતો

એ મારો ઓગણીસમો જન્મદિવસ હતો. કદાચ દર વખતની જેમ એ તે દિવસે પણ પાંચ મિનિટ ની મુલાકાત માટે આવવાની હતી. કદાચ..?! ના ના.. કદાચ શું કામ? એ આવવાની જ હતી. એણે જ મને કહ્યું હતું કે એ આવશે અને એટલે જ હું એની રાહ જોઈ રહ્યો હતો.

હું એના મનપસંદ કપડાં પહેરીને, વ્યવસ્થિત તૈયાર થઈને ગયો હતો. મારી બાઈક ની બંને તરફ પગ ના ટેકે, નક્કી કરેલી જગ્યાએ હું એના આવવાની રાહ જોતો ઊભો હતો. સાચું કહું? મેં મારી લાઈફમાં ક્યારેય પણ કોઈની 'રાહ' નથી જોઈ! આપણે જ્યારે ખૂબ જ વ્યસ્ત હોઇએ ત્યારે સમય કેટલો ઝડપથી જતો રહે છે તેની ખબર જ નથી પડતી. પણ 'રાહ જોવી' એ એક એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ પોતાની જાતને સંપૂર્ણ રીતે વિચારોમાં અને ઉત્સુક્તામાં વ્યસ્ત કરી દે છે, તેમ છતાં સમય ધીમો પડી જાય છે!! રાહ જોવી કે કોઈને રાહ જોવડાવી એ મને બિલકુલ નથી ગમતું. પણ જ્યારે 'એને' મળવાનું થતું ત્યારે અગાઉથી જ હું વગર વિચાર્યે સમયને 'બિજા સ્થાન પર' ખસેડી દેતો. મારા નિયમો અને સિધ્ધાંતો અફર હોવા છતાં હું તેને મળતી વખતે બધું જ ભૂલી જાવ છું. તેની દરેક વાત મારા માટે શિરોમાન્ય હોય છે. તેની સાચી ખોટી દરેક વાત મારા માટે સાચી જ હોય છે. એ મારી લાઈફની એક એવી વ્યક્તિ છે જેનાં માટે હું કંઈપણ કરી શકું, કંઈપણ સહી શકું. તેણે પણ મને ઘણું બધું આપ્યું છે..... તેણે મને દુનિયાની સૌથી શ્રેષ્ઠ ખુશી આપી છે, એટલી યાદો આપી છે જેને સહારે હું આખી જિંદગી એકલતામાં ગુજારી શકું.

હું થોડી થોડી વારે ઉત્સુકતા અને ઉતાવળથી એની બસ જ્યાં આવવાની હતી ત્યાં તાકી રહેતો. મારી નજર હાથમાં પહેરેલી ઘડિયાળ ના કાંટા તરફ ચિડથી મંડાયેલી રહેતી. એ જેટલાં ઝડપથી ફરતાં, એટલો ટાઇમ હું તેને સાથે ઓછો રહી શકીશ એ યાદ આવતા છાતી ભારે થઈ જતી. છતાં એ આવે ત્યાં સુધી કાંટાને ઝડપ આપવા હું આ પહેલાની તેની સાથેની મુલાકાતો, તેની મીઠી વાતો અને મેં જોયેલા સોનેરી સ્વપ્ન મહેલના સ્મરણોને વેગ આપતો રહેતો.

અમે જ્યારે પણ મળતા, એ ઘણી ઉતાવળમાં જ રહેતી. એનો કોલેજ થી છૂટવાનો સમય સાડા પાંચનો હતો અને બસમાં ઘરે આવતા લગભગ દોઢ કલાક જેવું થતું, જોકે મને કોઈ જ વાંધો નહોતો એને ઘર સુધી મુકવા જવામાં પરંતુ એને એની સોસાયટીની બહાર બાંકડે બેઠેલા નિવૃત વૃધ્ધોની વગરકામની ચર્ચાનો નવો મુદ્દો બનવું પસંદ નહોતું. અને ઘરે તો ખબર જ હોય કે ટ્રાફિક ને લીધે કદાચ દસ પંદર મિનિટ કે અડધો કલાક મોડું થાય. એને એ પણ પસંદ નહોતું કે એના પર રહેલો ઘરના સભ્યો નો વિશ્વાસ તૂટે. એટલે માંડ માંડ કરીને એ લગભગ પાંચ મિનિટ કાઢતી હતી મારા માટે. ના, એ પણ દરરોજ નહીં ક્યારેક અઠવાડિયે બે એક વાર તો ક્યારેક પખવાડીએ. પણ એ બધું જ માત્ર મારી ખુશી માટે કરતી. એકદમ પરફેક્ટ ગર્લ યાર. કેટલું બધું એકસાથે મેનેજ કરી શકે છે એ.

અમારી વચ્ચે એવું કંઈજ નહોતું જે ખરેખર હોવું જોઈતું હતું. યા તો કદાચ હતું પણ ખરું અમારી જાણ બહાર. બસ જાણમાં તો એટલું જ હતું કે અમે સારા ફ્રેન્ડ છીએ અને રહીશું હંમેશા માટે. તેનાથી અલગ થવાનો ડર મને ધ્રુજાવી નાંખે છે. એ ના હોય એવી દુનિયાની હું કલ્પના પણ ના કરી શકું.

મેં ફરી એક વાર ઘડિયાળ માં જોયું અને ત્યાં જ એક બસ આવતી દેખાઈ. બસ મારા થી લગભગ પંદર ફૂટ દૂર ઉભી રહી અને એના આગળ ના દરવાજા માંથી એ ઉતરી. એણે મારુ ગમતું, આછાં પીળા રંગ નું ટી-શર્ટ પહેર્યું હતું. આમ તો એ બસ નું છેલ્લું જ સ્ટોપ હતું એટલે વધારે લોકો નહોતા. અને વિસ્તાર પણ એકંદરે નિર્જન હતો.

આજે એ કંઈક અલગ જ લાગી રહી હતી, અને હું વિચારતો હતો કે કેમ ? ત્યાં જ એ બોલી "વિશ યુ હેપ્પી બર્થડે."

"હમમ.. થેંક્યુ...." હું મારા વિચારો માંથી બહાર આવી ગયો. મારી આંખો હજીપણ એનાં પર જ મંડાયેલી હતી. અમારી વચ્ચે હવે પહેલાં જેવો કોઈ સંવાદ ન હતો. મારે એને ઘણું બધું કહેવું હતું. મારે દર વખત ની મુલાકાતે કહેવું હોય છે પરંતુ હું એને બોલતી જોઈ રહેવામાં જ બધુ ભૂલી જાવ છું. એના નિર્દોષ ચેહરા પર આજે ખુશી દેખાતી હતી, પરંતુ કંઈક અલગ વાત હતી કે એ વધારે બોલતી નહોતી. ખાલી થોડીક વાતો જેવી કે, "તબિયત કેવી છે?", "કેવો રહ્યો દિવસ? , "શું શું કર્યું ?" , "હવે પછી નો શું પ્લાન છે?".

...અને હું એના ચહેરા પર નજર ટેકવી ને એના સવાલો ના જવાબ આપતો રહ્યો. વાત કરતા કરતા એના જમણા કાન પર ની વાળ ની લટ એના ચહેરા ને ઢાંકવા લાગી. એક સેકન્ડ માટે તો વિચાર આવ્યો કે કોઈ ફિલ્મ ની જેમ હું જ તે લટ ને મારા હાથેથી તેનાં કાન પાછળ સરકાવી દઉં. પરંતુ તરત જ એ વિચાર દૂર કરીને મેં એને ઈશારા માં કહ્યું કે તારી લટ સરખી કર. ઈરાદો તો મારો એના ચહેરા ને જોવાનો જ હતો પણ મારું શરમાળપણું મને એ કરતા રેહવાની મંજૂરી નહોતું આપતું.

એ મારી બાઈક ની એક તરફ ના ટેકે ઉભી હતી અને હું એની સામે ઉભો હતો. અચાનક એણે કહ્યું કે "સોરી યાર, હું ગિફ્ટ જ ભૂલી ગઇ ઉતાવળ માં".

મેં કોઈ જ પ્રતિકાર ન કર્યો એના વાક્ય નો અને એ એનો ચહેરો મારી વધારે નજીક લાવી એમ પૂછવા કે "શું થયું છે ?" હું હજી પણ એની આંખો માં જોતો રહ્યો હતો અને ક્યારે મારા બંને હાથ એની કમર ફરતે વીંટળાઈ ગયા એ ખબર જ ના રહી. બંને ની ચુપકીદી કદાચ અમારા હોંઠો ને ભેગા થવા માં મદદ કરી રહી હતી. શરીર માં હજારો આવેગો અને દિમાગ માં એ સમય એ હજારો તંતુઓ વાવાજોડા ની જેમ ઘૂમરીઓ લેતા હતા. શરીર માં જાણે અંદર એક શાંત ધ્રુજારી થઈ રહી હતી. અને અમારી આંખો આ બધા આવેગો ની વચ્ચે બંધ થઈ ગઈ હતી. થીરકતા હોંઠો અને લયબદ્ધ તેનાં ચહેરા પર ફરતી મારી આંગળીઓ એ સુમેળ સંધાન સાધ્યું. સ્વર્ગ નો અનુભવ તો ક્યારેય નથી કર્યો પરંતુ આ પળ એના કરતાં પણ ચડિયાતી હતી તેમ કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.

જે થયું એ ખોટું થયું હતું કે સાચું એ કેહવા માટે કદાચ બંને અસક્ષમ હતા. પરંતુ આજ સુધી ના જન્મદિવસ નું આ મારુ સૌથી અમૂલ્ય ગિફ્ટ હતુ. મારી આંગળીઓના ટેરવે હજું પણ એનો નાજુક સ્પર્શ રમે છે. મારા હોંઠો હજું પણ એનો તરવરાટ અનુભવી શકે છે. તેની મોટી કાળી આંખોમાં આજે પણ હું વગર વિચાર્યે ડૂબતો જ રહું છું. આ પાંચ પાંચ મિનિટ નો એહસાસ મને જિંદગી ભર નહીં ભુલાય.

(સમાપ્ત)

લેખક: ભાવિક એસ. રાદડિયા તથા યશ માંડાણી