Vruddhashram : aapnu potanu ghar books and stories free download online pdf in Gujarati

વૃદ્ધાશ્રમ : આપણું પોતાનું ઘર

વૃદ્ધાશ્રમ : આપણું પોતાનું ઘર

19 Feb. 2017

દર રવિવારની જેમ આ વખતે પણ અમે બપોર પછી ક્યાંક ફરવા નીકળી ગયા. ગાડીમાં બધા ગોઠવાઈ ગયા પરંતુ ક્યા જઇશું એ હજુ નકકી નહોતું કર્યું. ગાડી SP રીંગરોડ થી મહેમદાબાદ-ડાકોર હાઇવે પર દોડવા લાગી. ભીમાપુરા દર્શન કરી ત્યાંથી કોઈ ફાર્મ કે બીજે ક્યાંક જઇશું એવો પ્લાન હતો, કેમકે નાના છોકરાઓ પણ સાથે હતા, તો તેઓની જરુરીયાત પણ જોવાની હતી.

અમદાવાદથી 16 Km દુર હીરાપુર ચોકડી પાસે આવેલ પરમ આનંદ ધામ "વૃદ્ધાશ્રમ" પાસેથી પસાર થતા જ અચાનક નકકી કરી લીધું કે અહીયાં જઇએ તો કેવું !!? બધાને વિચાર ગમી ગયો. કાર પાછી વાળી અંદર પ્રવેશ્યા.

વાલ્મિકી ૠષીની કુટીરમાં પ્રવેશતા હોઇએ એવું મનોરમ્ય દ્રશ્ય. મેઇન ગેટની અંદર જતાંની સાથે જ ફુટ-વે ની બંને સાઇડ ઘટાટોપ વૃક્ષો અને વાંસ ભેગા મળીને કુદરતી છાપરું બનાવતા હતા. આ છાપરાને મજબુતી આપવાનું કામ નાનામોટા વેલાઓએ ઉઠાવી લીધું હતું. અમુક વેલાઓ નીચે સુધી લટકતાં હતા. આહહ આટલી શીતળતા !!

સામેની તરફ વૃદ્ધાશ્રમનું પ્રવેશદ્વાર અને જમણી બાજું બાર જ્યોતિર્લિંગનુ શિવ મંદિર અને હનુમાનજીની ભવ્ય મૂર્તિ. મંદિરની સામે જ એક ઘાસમાંથી બનાવેલી ઝુંપડી. પહેલાંના સમયમાં ૠષીમુનીઓ સાધના માટે બનાવતા એવી જ આબેહૂબ નકલ સમજો.

અમે આશ્રમમાં પ્રવેશ્યા. એક સેવકે પાણી ભરી આપ્યું. તેઓની એક આંખ રીટાયર્ડ થવાની અણી પર હતી. પગ પણ ગમે ત્યારે થંભી જાય એમ હતા. છતાં તેઓ હજુ એટલું જ શાનથી જીવતા હતા. તેઓએ અમને આશ્રમ વિશે સારી એવી માહીતી આપી. લાલભાઈને મળી અમે રુમ તરફ આગળ વધ્યા.દરેક રુમમાં બે વ્યક્તિ. રુમ નાની હતી પણ ઘણી સગવડતા થી રહેતા હતા તેઓ. કોઈ દાદી લસણ ફોલતા હતાં, કોઈ માથામાં તેલ નાખતાં હતાં તો કોઈ ન્યુઝ પેપર વાંચતા હતાં. આમ દરેક પોતપોતાના કામમાં મશગુલ હતાં. જ્યારે અમે દરેકને પાસે જઇ જય શ્રી કૃષ્ણ કહ્યું ત્યારે બધાનાં ચહેરા પરની ખુશી જોયા જેવી હતી.

એટલામાં એક દાદી પાસે સરોજબેન ગયાં. (મારા ફ્રેન્ડના વાઇફ, અલબત મને 'બહેન' બોલવું વધારે માફક આવે) દાદીને જોતાં જ એવું લાગતું હતું કે એ કોઈ મોટા ઘરાનાના સદસ્ય છે. તેમના ગૌર ચહેરા પર પડેલી કરચલીઓ ચાડી ખાતી 'તી. કશુંક બોલતા હતાં પણ અમે કંઈ સમજી શક્યા નહીં. તેઓએ સરોજબેનનો હાથ પકડ્યો અને ઓળખવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. ચહેરા પર પણ હાથ ફેરવી જોયો. કંઇક બોલતા બોલતા સુઈ ગયાં. કદાચ તેના પુત્ર કે વહુને ઓળખવાની કોશિશ કરતાં હશે એવું લાગ્યું. તેઓની સાથે હતાં એ દાદી એ કહ્યું કે તેમને એવું લાગે કે તેના 'દિકરાઓ'(?) તેને લેવા આવશે !! અને ઉંમરની અસર મગજમાં પણ બેસી ગઈ છે. મારી બહેન અને સરોજબેન ત્યાંજ રડી પડ્યા એટલે મેં જેમ બને એમ જલદી ત્યાથી રસ્તો શોધી લીધો.

ત્યાંના ટ્રસ્ટી લાલભાઈ અને મેનેજીંગટ્રસ્ટી 'અવધબીહારીદાસજી' સાથે અમે પંગત તાણી.

"વૃધ્ધોને કોઈ મળવા આવે ખરું? "-અમારી તરફથી હળવા પ્રશ્નો શરું થયા.

"કોણ આવે !? મુકી ગયાં પછી કોઈ આવતું નથી જેઓને દિકરીઓ છે, એ ક્યારેક આવે છે. આંટો મારી જાય."

"કોઈને દિકરાની યાદ આવે તો રડે ખરાં ??"-અમે બીજો પ્રશ્ન થોપી દિધો.

"ના. બધાં ખુશ છે. કોઈને આશા જ નથી તો રડે શા માટે ? ત્રણ ટાઈમ જમવાનું, નાસ્તો અને સમયસર ચા પાણી આપીએ છીયે. નવરા પડે ત્યારે પ્રભુ ભક્તિ કરે, રડવાનો સમય જ ક્યાં છે." તેઓએ ઠંડો જવાબ આપ્યો પણ સત્ય અમે જોઇને આવ્યા હતા એ તેઓ પણ જાણતાં હતાં.

ચાર વાગી 'ગ્યા હતાં એટલે અમે બધાં વૃદ્ધોને નાસ્તો કરાવવાની ઇચ્છા દર્શાવી. ઉંમર ધ્યાનમાં રાખી ફાફડી અને કઢી મરચાં મંગાવ્યા. ટ્રસ્ટીઓના મતે પ્રમાણે આ ડીશ વૃધ્ધોની 'ફેવરીટ' હતી.

મારા જીજુ અને અલ્પેશભાઇ નાસ્તો લેવા માટે બહાર ગયા.મારી બહેન દક્ષા અને સરોજબેન છોકરાઓને લઈને આજુબાજુ ઘુમવા લાગ્યાં.

બસ આ જ તક ની હું રાહ જોઈને બેઠેલો. ટ્રસ્ટીની ઓફીસમાં હું પહોંચી ગયો અને પ્રશ્નોનું બોંબારડીંગ શરું કર્યું.

"વૃધ્ધોને અહીં આવવું કેમ પડે છે?"

"છોકરાઓને હવે નકામા લાગે છે એટલે..."- તેઓએ બેફિકર જવાબ આપ્યો.

"તમને નથી લાગતું આ માટે દિકરો-દિકરી બંને સરખી રીતે જવાબદાર છે..??"

"છોકરીઓ શું કરે ? એક સમયે સાસરે જતી રહેવાની....પછી...?"

"દિકરો પણ લગ્ન પહેલા તો મા-બાપને નથી કાઢી મુકતો.... પરણીને આવ્યા પછી વહુની એક ફરજ એ પણ નથી કે વડીલોને સાચવવા ? જો વહુ મક્કમ હોય તો સેવા ઘરમાં જ થઇ શકે "

ઘણાં પાસા તપાસીને નકકી થયું કે જો એક દિકરી મા બાપને કોઈ પણ પરીસ્થિતીમાં સાચવવા તૈયાર હોય તો તેઓએ 'ઘર'ની બહાર જવાની ફરજ જ ના પડે.

વૃદ્ધાશ્રમની એકદમ મધ્યમાં જાંબુનું ઝાડ છે. તદ્દન સુકાયેલું. છતાં એ અડીખમ ઊભું છે. કેમ?? કેમકે તેની આસપાસ એક નાજુક વેલ વીંટળાયેલી છે જે તેને પુરતી હુંફ આપે છે. (આ કામ આપણા સમાજમાં વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ/દાતાઓ કરે છે.) નીચે કેળની ઘટાટોપ છાયામાં લોર્ડ ક્રિષ્ના શેષનાગ સાથે બીરાજમાન છે, તેમની આસપાસ કાચબાઓ આંટાફેરા મારે છે. અતિ મોહક દ્રશ્ય !!

સાઉથ-ઇસ્ટ ખુણામાં ક્લિનિક છે, જ્યાં દરેકની સારવારની સંભાળ રાખવામાં આવે છે. બીજા માળ પર અખંડ ધૂન ચાલે છે. રસોડાની પાછળના ભાગમાં લગભગ 200 સસલાં,100 સફેદ કબુતર, 20-30 નાના વાંદરા, મોર, સફેદ ઉંદર, ગૌશાળા..... આવું તો કંઈ કેટલુંય.....

મોગરો અને ગલગોટાની આછી સુગંધ વાતાવરણને એક નવી ઓપ આપતાં હતા. જાણે કુદરતે એકસાથે બધું જ સૌંદર્ય અહીં નીચોવી દીધું હોય !!

સંસ્થાનું એક ખુબ ગમેલું સુત્ર.....

"પશુ, પક્ષી તથા વૃક્ષોની પુકાર....

હે પૃથ્વીના 'સુપુત્રો' અમોને બચાવો...."

આ માત્ર એક સુત્ર કે સુવિચાર નથી. તેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ત્યાંનું શિવ મંદિર છે. મંદિરની મધ્યમાં આવતાં વૃક્ષને કંઈજ કર્યા વિના તેની આસપાસ બાંધકામ કરવામાં આવ્યું, જે ખરેખર ઘણું મુશ્કેલ અને આશ્ચર્યજનક છે.

નાસ્તો આવી ગયો એટલે ત્યાં લટકાવેલો બેલ વગાડતા જ બધાં ડીશ લઇનેે લાઇનમાં ગોઠવાયા. એકવાર બેવાર ત્રણવાર પેટભરીને નાસ્તો કરાવ્યો. એક એક રુમ પર જઈને ખવડાવ્યું . એમના ચહેરા ચમક્યા....

અચાનક કંઈક એવું થયું કે દરેકના ચહેરા ફિક્કા પડી ગ્યા.

એક ખાધેલ-પીધેલ ઘરનો યુવાન, પગમાં મોંઘા દાટ શુઝ, શર્ટના ખીસ્સામાં ગોગલ્સ અને કમરપટ્ટાની હૂકમાં કારની ચાવી ભેરવી અંદર આવ્યો.

અંદર આવેલ વ્યક્તિ દુનિયાનો સૌથી 'ગરીબ' વ્યક્તિ હતો. કેમકે એ 'પોતાના' પપ્પાને બે ટાઇમ જમવાનું આપી શક્તો નો'તો. એટલે અહીં મુકવા આવ્યો હતો એક જોડ કપડાં સાથે !!

મને અકારણ જ તેના પર ગુસ્સો આવી ગયો. પણ ભુલ તો એના પપ્પાની જ હતી કે આવા જાનવર જેવા 'સ્માર્ટ' દિકરા(?) ને જન્મ આપ્યો અને વળી ઉછેરીને પગભર પણ કર્યો. મેં 'દિકરા' ની જગ્યાએ યાદ આવી એ એક-બે ગાળો મનમાં જ ભાંડી દીધી.

ત્યારે મને એંથોનીનું એક વાક્ય યાદ આવ્યું.... -"વૃધ્ધાવસ્થા એ એવા અપરાધનો કઠોર દંડ છે, જે તમે કર્યો જ નથી. "

***

માણસ લાંબું તો જીવવા માંગે છે, પણ કોઈને વૃધ્ધ નથી થવું. આ એક કડવી વાસ્તવિકતા છે. પણ તેનાથી વિરુદ્ધ વિચારીએ તો વૃધ્ધત્વ એ જીવનમાં સૌથી શ્રેષ્ઠ તબક્કો છે કેમકે ત્યારે વ્યક્તિ પોતાની બધી જ જવાબદારી માથી મુક્ત થઈને દરેક ક્ષણને પોતાની રીતે આનંદથી માણી શકે છે. જીવી શકે છે.

મા બાપ તો ઘરનું છાપરું છે, જે ટાઢ-તાપ-વરસાદ બધીય રીતે આપણું રક્ષણ કરે છે. આપણને સાચી દિશા બતાવે છે. તેમના માથામાં વાળ કંઈ એમ જ નથી સફેદ થય ગ્યાં, અનુભવ અને ઉંમરનું સરવૈયું છે એ.

યુવાઓ પાસે માર્ગદર્શક હોય છે, અધિકાર હોય છે, શક્તિ હોય છે. જેનાં થકી એ દરેક પરિસ્થિતિને સંભાળી લે છે. પરંતુ ઘરડા મા બાપ પાસે ?? તેઓની પાસે નથી માર્ગદર્શક, નથી અધિકાર કે શક્તિ પણ નથી. તેઓને પરિસ્થિતિ સંભાળવા માટે જરુર છે સંતાનોની હુંફની. યુવાન પુત્રનો ખભો પુરતો છે તેમના માટે, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે.

દુનિયાની સૌથી મોટી બે કરુણતા....

"માબાપ વિનાનું ઘર અને

ઘર વિનાના માબાપ"

યુવાઓ કેમ ભુલી જાય છે કે એક દિવસ પોતે પણ વૃધ્ધ થવાનો છે, એના શરીરમાં પણ કંપારીઓ આવવાની છે !!?

મને ત્રણ વિચારોએ ખુબ જ આકર્ષીત કર્યો -સેવા, સહાનુભૂતિ અને 'લાલભાઈ'.

હા, લાલભાઈ જેવાં માણસ અને બીજા કેટલાંય અનામી પાત્રો જે વડીલોની સારસંભાળ લે છે, સફાઈ કરે છે અને રસોઈ બનાવી આપે છે એ કોઈ વ્યક્તિ નહીં પણ "વિચાર" છે. ધન્ય છે એ માનવદેહ જે વડીલોની સેવામાં ઘસાઈ છે.

વૃધ્ધાવસ્થા ની આદર્શ તસ્વીર.....

શીતળ છાંયા માં બેસીને,

વિતેલા દિવસો ફરીથી જીવવા...

ને' અનિચ્છનીય યાદોને ભુલી જવી....

(અતીતના આશીર્વાદ સેવા ટ્રસ્ટને સમર્પિત)

- ભાવિક રાદડિયા (પ્રિયભ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED