Atrupt Ichchhao - 4 books and stories free download online pdf in Gujarati

અતૃપ્ત ઈચ્છાઓ- 04 (અંતિમ)

અતૃપ્ત ઈચ્છાઓ

(અંતિમ ભાગ)

(આપણે જોયું કે આકાશ અને મોનીકાનો પ્રેમ વ્યક્ત થાય એ પહેલાં જ તેઓ અલગ પડી ગયાં. વર્ષો પછી મોનીકા અને આકાશની કોમન ફ્રેન્ડ આકાશને મોલમાં મળે છે અને તેઓ બંનેને ભેગા કરવાની યોજના ઘડી કાઢે છે. તેઓ ત્રણેય સાંજે ટર્બી કેફે પર મારા મળે છે......)

થોડીવાર શાંતિ છવાઈ રહી. આકાશ મોનીકા સામે જોઈ હસવા લાગ્યો અને કહ્યું....

"યાદ છે તને.... આપણે ફર્સ્ટ ટાઈમ સુરતમાં મળેલા ત્યારે શરું વરસાદે ચા પકોડા ખાવા ગયેલાં, ત્યારે મારા હાથ પર ચા ઢોળાય ગઈ હતી...!!"

"હા, આજથી બરાબર પંદર વર્ષ પહેલાં, ઓગસ્ટ મહિનામાં જ.... અને ત્યારે તે ચા સાફ કરવા ઘણો પ્રયત્ન કરેલો. પણ વ્યર્થ. ના છુટકે તે સ્લિવ્ઝને કોણી સુધી વાળી દીધી હતી, જેથી ચા નાં ધબ્બા છુપાઇ જાય.... બિલકુલ તારી ફિલીંગ્સ ની જેમ જ...." -મોનીકા એકસરખા લયમાં બોલી રહી હતી. તેનાં ચહેરા પર કોઈ જાતના હાવભાવ નહોતાં. આ વાતને યાદ કરીને તે ખુશ હતી કે દુ:ખી એ પણ સમજી શકવું મુશ્કેલ હતું.

"મીન્સ વ્હોટ...?! મને સમજાયું નહીં..." -આકાશ થોથવાયો.

મોનીકા કંઈ જવાબ આપે એ પહેલાં મિતાલી સમયસૂચકતા જાળવી, પોતાના હસબન્ડ સાથે ડિનર પર જવાનું બહાનું કાઢી ત્યાંથી નીકળી ગઈ. તેણે આગ બંને તરફ લગાવી દીધી હતી. તે જે કામ માટે આવી હતી તે હવે પુરું થયું છે, એમ સમજી એ ત્યાંથી ચાલી નીકળી.

હવે આકાશ અને મોનીકા બંને એકલા હતાં. મોનીકાને પોતાના પ્રશ્નો, ફરીયાદો, દુ:ખ અને લાગણીઓ વ્યક્ત કરવા માટે મુક્ત આકાશ મળી ગયું. આટલા વર્ષોના ઇંતજાર પછી એ પડી ભાંગી હતી. અંદરથી તૂટી ગઈ હતી. પણ હા, તેની લાગણી બુઠ્ઠી નહોતી થઈ ગઈ. તેણે આજે બધીજ હિંમત એકઠી કરી લીધી. એ ઘાયલ શેરની ની જેમ પ્રશ્નોનો વરસાદ કરવા તત્પર હતી. બધાંજ પડકારોનો સામનો કરવા તૈયાર હતી.

"આકાશ તારો પ્રોબ્લેમ શું છે એ ખબર છે તને? તું દિલથી એકદમ સાફ છે, પણ તારામાં સાચું બોલવાની હિંમત નથી. પોતાની લાગણીઓને વ્યક્ત કરવાની હિંમત નથી તારામાં."

"તું શું બોલી રહી છે અને શા માટે બોલી રહી છે એ મને કંઈ જ સમજાતું નથી. અને પ્લીઝ હું આવી ખોટી દલીલો કરવા નથી માંગતો. આઈ હોપ કે આ વાત અહીં જ અટકાવી દેવામાં આવે." -આકાશ વાતને ટાળવાનો પ્રયત્ન કરે છે.

"ના આકાશ આજે નહીં.... મેં પંદર વર્ષ તારી રાહ જોઈ છે. મારી ધીરજની હવે વધારે પરીક્ષા નહીં લેવાય. હું તને ચાહું છું આકાશ, તને પ્રેમ કરું છું. સુરતમાં મળ્યા હતા ત્યારથી લઇને આજ સુધી મેં ફક્ત તને જ પ્રેમ કર્યો છે. અને હું એ પણ જાણું છું કે તું પણ મને એટલો જ પ્રેમ કરે છે. હું ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે તું પ્રેમનો ઇઝહાર કરે બસ. પણ ના, તે એવું ક્યારેય કર્યું જ નહીં અને હું તારી રાહ જોતી રહી. તું આટલો સેલ્ફ સેન્ટર્ડ (આત્મ કેન્દ્રીય) કેવી રીતે હોઈ શકે આકાશ??"

"કૂલ ડાઉન યાર.... મને તો કંઈક પુછ. મારી લાઇક્સ ડિસલાઇક્સ તો પુછ. મારા દિલમાં શું છે એ તો પહેલાં જાણી લે..."

"મતલબ....?"

"મતલબ એટલો જ કે આપણે ફક્ત સારા ફ્રેન્ડઝ છીએ. મેં તને ક્યારેય લવ કર્યો જ નથી. અરે તને શું મેં તો કોઇને ક્યારેય લવ કર્યો જ નથી. મને આવો ક્યારેય વિચાર પણ નથી આવ્યો."

મોનીકા તેને સાંભળતી જ રહી. તેનાં અસ્તિત્વને કોઇએ રગદોળી નાંખ્યું હોય એટલું દર્દ થયું તેને. તેનાં શરીર પર પરસેવો આવવા લાગ્યો. તેનાં સ્વપ્નાઓનું ગળું ઘૂંટાતું તે જોઈ રહી. તેની આંખોના આંસુએ વર્ષોના બંધ તોડીને વહેવાનું ચાલુ કરી દીધું.

"પ્લીઝ આકાશ... હું તને સાચે જ ચાહું છું. મેં પંદર વર્ષ તારી રાહ જોઈ છે. આનાથી મોટી સાબિતી કંઈ આપી શકું તને?!"

"મોનીકા લાઈફને પંદર વર્ષ સુધી અટકાવી દેવાથી પ્રેમ સાબિત નથી થઈ જતો. હું તારી અને તારા પ્રેમની રીસ્પેક્ટ કરું છું. તેને કોઈ સાબિતીની જરૂર નથી. તું મને ચાહે છે એટલું પુરતું છે. પ્રેમ ક્યારેય કોઇને બંધનમાં નથી રાખતો. એ તો હંમેશાં આઝાદી જ ઇચ્છે. મારું માને ત્યાં સુધી તારે મારી રાહ નહોતી જોવી જોઇતી અને હજું ના જોવી જોઈએ. એનાથી તું મને પ્રેમ નથી કરતી એવું સાબિત નહીં થઈ જાય..."

મોનીકા બદલાયેલ આકાશને જોઈ રહી. એ વિચારતી હતી કે આ એક ખરાબ સ્વપ્ન હોય તો સારું. તે માત્ર રડ્યે જતી હતી. તે એ પણ જાણતી હતી કે આકાશને વધારે ફોર્સ કરવાનો કોઈ અર્થ નથી. છતાં તેણે છેલ્લો પ્રયત્ન કરી જોયો....

"પણ હું તો હવે હંમેશા માટે અધુરી જ રહીશ ને??"

"જો મોનીકા પ્રેમમાં ઉમંગ, ઉમળકો અને ઉત્સાહ હોય છે. માટે અગત્યના નીર્ણય લેતી વખતે આપણી પાસે ખુબસુરત દિલ નહીં, પણ શાંત મન હોવું જોઇએ. જરુરી તો નથી કે આપણને જે વ્યક્તિ ગમતી હોય એ મળી જ જાય. આપણને ભાવતું ભોજન પણ રોજ નથી મળતું. તો શું આપણે જમવાનું છોડી દેવાનું ?! સારી સેહત માટે બધું જ પચાવવાની આદત પાડવી પડે છે. તો કેમ ના ખુશી ખુશી જ જમી લઈએ!! બધી જ વસ્તુ આપણા કંન્ટ્રોલમાં નથી હોતી. આપણે તે પ્રમાણે ચાલવું જોઈએ....

મિત્ર તરીકે હું અત્યારે તને એક જ સલાહ આપીશ અથવા હું ઈચ્છું છું કે તું કોઇ યોગ્ય પાત્ર સાથે પરણી જા. જીવનને ખુશીથી વિતાવવું એ જ જીવનની સૌથી મોટી સિદ્ધી છે. આખરી સત્ય પણ એ જ છે."

મોનીકા એ રડવાનું બંધ કરી દીધું. આકાશની વાત સાચી છે, પણ એ વાતો તેના માટે સહજતાથી સ્વિકારવી શક્ય નથી. આકાશે સૌથી મોટો છેલ્લો વિસ્ફોટ કર્યો....

"મોનીકા, આવતી કાલથી હું યુરોપ જતો રહું છું. એટલે જ આજે શોપીંગ માટે ડાયમંડ મોલ ગયો હતો. બે વર્ષ પહેલાં જ મારા મેરેજ બ્રિગેડીયર આશુતોષ શાહની મોટી દિકરી સાથે થઈ ચૂક્યા છે.... હું તેને બોવજ પ્રેમ કરું છું."

ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. અંધકાર પોતાના કામણ દેખાડવાની સંપૂર્ણ તૈયારીમાં હતો. રસ્તાઓ લગભગ ખાલી થઈ ગયા હતા. મોનીકાએ ઊંડો શ્વાસ લીધો, મોબાઇલ પર્સમાં ગોઠવ્યો અને ઉભી થઈને ચાલવા લાગી....

"ચાલ હું ઘર સુધી છોડી જાવ છું." -આકાશે ઉભા થતાં કહ્યું.

"થેંક્યુ આકાશ. પણ હું એકલી જઈ શકું છું. અને હા... મારી સહનશક્તિ પર વિશ્વાસ કરવા બદલ આભાર."

આકાશ ત્યાં જ ઉભો રહ્યો. તેણે મોનીકાને ઝડપથી બહારની તરફ જતાં જોઈ, પણ તેને હવે રોકવાનો કોઈ અર્થ નહોતો. આકાશને પણ આ નિર્ણયથી દુ:ખ પહોંચ્યું હતું. એ પણ રડવા માંગતો હતો, પણ હવે ઘણુંબધું બદલાઈ ચુક્યું હતું. તેનાં દિલમાં સૌથી વધું વાર ટ્યુન થયેલું સોંગ ફરીથી ગુંજ્યું....

આઁખો કે પન્નોં પે, મૈંને લીખા થા સૌ દફા;

લફ્ઝોં મૈં જો ઇશ્ક થા,

હુઆ ના હોંઠો સે બયાં,

ખુદ સે નારાજ હૂઁ, ક્યોં બેઆવાજ હૂઁ;

મેરી ખામોશિયાઁ હૈં સજા...

આકાશે પણ વર્ષો સુધી તેની રાહ જોઈ હતી. એ પણ પ્રેમની આગમાં દાઝ્યો હતો. યાદોમાં જુર્યો હતો. પણ તેનું વ્યક્તિત્વ વ્યવહારું હતું. તે લાઇફને ફરીયાદો કરીને વેડફવા નહોતો માંગતો. પોતાની લાઈફમાં મોનીકા પાછી આવવાની શક્યતા શૂન્ય ગણીને તેણે મોનીકાને ભવ્ય ભુતકાળ માની ભૂલી જવાનો અંતિમ નિર્ણય કર્યો અને બ્રિગેડીયરની દિકરીને પરણી ગયો.

મોનીકાને આકાશનું વર્તન સમજાયું જ નહીં. આખરે તેણે પણ સ્વિકારી લીધું કે તેનો પ્રેમ એકતરફી હતો. આકાશે ક્યારેય તેને પ્રેમ કર્યો જ નહોતો. આમ પણ કોઈનું ઘર ભાંગીને પોતાનું ઘર ના મંડાય.

તે ઝરમર વરસાદમાં પણ ધોધમાર ભીંજાતી હતી. અંધકારને ચીરીને આવતા દેડકાનાં ડ્રાઉંઉં... ડ્રાઉંઉં અવાજ વાતાવરણને વધારે ભયંકર બનાવી રહ્યા હતા. તેણે પોતાની સમજ પ્રમાણે અગત્યના નિર્ણયો લેવાનું નક્કી કર્યું.

તેને આત્મસ્વરુપ સ્વામીની વાત યાદ આવી : અંતિમ સ્થિતિને ધ્યાનમાં લઇ માર્ગ પકડવો. મહત્વના નિર્ણયો લેવાનાં થાય ત્યારે લાગણીઓને આધારે નિર્ણય ન લેવો, પરંતુ સિધ્ધાંત પ્રમાણે નિર્ણયો લેવાં. જે વ્યક્તિ લાગણીઓ ઉપર વિજય મેળવી લે છે, એ જ વિજેતા છે.

તેણે પોતાના આંસુ લુછ્યાં. જીવનને વહેતું રાખવાનાં સિધ્ધાંત પ્રમાણે તેણે પ્રેમીની યાદમાં રડવાને બદલે લાઈફમાં આગળ વધવાનું નક્કી કર્યું. તેને "સમય અને સંજોગો જોઇને નિર્ણય લેવાની" આકાશની વાત યાદ આવી. તેણે વર્તમાન પરિસ્થિતિને વધાવી લીધી. સ્વિકારી લીધી.

તેનાં પગની ગતિ, શ્વાસ અને વિચારોની ગતિ તેજ થઈ ગઈ. તેણે પોતાની જાત સામે જોયું. તે કંઈ "બિચારી" કે "અબળા" કેટેગરીમાં નથી આવતી. તે પોતાની જાતને સાચવવા સક્ષમ છે. તો પછી કોઈ એક વ્યક્તિનાં કારણે એ પોતાનું જીવન સ્થિર કરી દેય? ના ક્યારેય નહીં. આકાશ હવે માત્ર તેનો ભુતકાળ છે.વર્તમાન કે ભવિષ્યમાં તેની અસર ના થવી જોઈએ. તેણે મન મક્કમ કરીને તેની મમ્મીને કૉલ લગાવ્યો.....

"મમ્મી તમે કહેતાં હતાં ને કે કોઈ છોકરાંવાળા જોવા આવવાનાં છે.... એમને કાલે સવારે બોલાવી લો."

(સમાપ્ત)

- આપનું કિંમતી મંતવ્ય ચોક્કસ જણાવજો....

- આપનો આભારી..... ભાવિક રાદડિયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED