Atrupt echhao books and stories free download online pdf in Gujarati

અતૃપ્ત ઈચ્છાઓ

અતૃપ્ત ઈચ્છાઓ

  • અમારા માટે એ દિવસ કંઈક અલગ જ હતો. ખાસ હતો. આર્મી ટ્રેનિંગનો છેલ્લો દિવસ જ્યાંથી અમારે હવે અનંત સફરે નીકળી પડવાનું હતું. પરત ફરી શકીશું કે નહીં એની કોઈ ખાત્રી નહીં !!

    વરસાદના લીધે બધા પલળી ગયેલા. અમે ઉતાવળ અને ઉત્સાહમાં આર્મી ટ્રકમાં ગોઠવાય જવાની ફીરાકમાં હતાં. લેડીઝ માટેની જીપ્સી ખરાબ થઈ જવાથી તેઓને પણ અમારી સાથે ટ્રકમાં આવવાની ફરજ પડી. મારે જગ્યા મેળવવાની કોઈ ઉતાવળ નહોતી !! કેમકે 'એ' હજું મારી પાછળ જ હતી....

    આખરે અમે પણ બધાની સાથોસાથ ટ્રકમાં ગોઠવાઈ ગયાં. લગેજ અને બાવીસ લોકોથી ટ્રક ચિક્કાર હતો. હું પાછળની તરફ સપોર્ટીંગ હેન્ડલ પકડીને ઉભો રહેલો. એ તદ્દન મારી સામે જ ઉભી હતી. મને પહેલીવાર આ તુટેલી છત વાળા ટ્રક પર માન થઈ આવ્યું. હું જાણે જન્નતમાં ઉભો હતો !!

    મને એ હંમેશા ગમતી. એમની વાતો પણ ગમતી જે સોફીસ્ટીકેટેડ નહીં, પણ નેચરલી હતી. એ જ્યારે પણ મારી સાથે વાતો કરતી, બસ હું એને જ તાકી રહેતો. એ હંમેશા હસતી રહેતી અને મને એમનું હસવું ગમતું. અજીબ કેમીસ્ટ્રી હતી અમારી વચ્ચે. એક અજાણ્યું આકર્ષણ, જે મને એના તરફ અવિરત ખેંચતું રહેતું.

    એ દિવસે તેણે કોઈ બ્રાન્ડેડ કપડાં નહીં, પણ સામાન્ય ટીશર્ટ અને ટ્રેક પહેર્યું હતું. છતાં એ ઘણી સુંદર લાગતી હતી. અમે એટલા નજીક ઉભા હતાં કે મારા હાથનો સ્પર્શ સતત તેનાં હાથને રહેતો. આ સ્પર્શ વખતે મને જે ફીલીંગ્સ આવેલી એ મારા માટે નવી અને લાઇફની સૌથી બેસ્ટ ફીલીંગ્સ હતી. કોઈ છોકરીનો સ્પર્શ મને પહેલી વાર થયેલો અથવા તો મને એવું અનુભવ્યું.

    આ પહેલા પણ મેં એના રૂપને અનેકવાર માણેલું. સવારમાં એક્સરસાઈઝ કરતી વખતે જ્યારે પણ એ ઉછળતી, હું એને જોઈ જ રહેતો. કોઈપણ છોકરાને ગમી જાય એવું કસાયેલું, યૌવન ભર્યું શરીર. લયબદ્ધ ઉછળતી તેની છાતીને હું અનિમેષ નજરે તાકી રહેતો. ક્યારેક તો મને મારી હરકતો પર જ આશ્ચર્ય થતું. મને આવા વિચારો આવે જ શા માટે ?!

    પણ એ દિવસે મારા બધાંજ વિચારો થીજી ગયા હતાં. વરસાદના કારણે નહીં... એના સ્પર્શના લીધે જ... ખાસ એવી ઠંડી નહોતી, છતાં હું ધ્રુજી ગયો. શરીરમાં એક કંપારી આવી ગઈ હતી. એ સ્પર્શ હવે મને ગમવા લાગ્યો હતો. એ સ્પર્શ હું વારંવાર માણવા ઇચ્છતો હતો. હું પહેલીવાર એને આટલી નજીકથી માણી રહ્યો હતો. એટલો નજીકથી કે હું એના શ્વાસોશ્વાસ પણ ગણી શકું !! તેનાં પ્રમાણસરનાં આકર્ષક ઉરોજ સાથે ભીનું ટીશર્ટ ચીપકી જવાથી વધારે સ્પષ્ટ જોઈ શકાતાં હતાં.

    એમણે મારી તરફ જોયું અને મારી ચોરી પકડાઈ ગઇ !! મેં આમતેમ જોવાનો ડોળ કર્યો. પણ એ મારી સામે જોઈ હંમેશની જેમ હસી !! મને તો જાણે તેનાં તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું.

    હવે વારો હતો મારી છાતીમાં ઉથલપાથલ થવાનો. અને કેમ ના થાય ? તેણે પોતાનું શરીર મારી છાતીનાં ટેકે અટકાવી રાખેલું. તેનો એક ખભો, કમર અને છાતીનો થોડો ભાગ મારી સાથે ચીપકેલો હતો. તેનાં શરીરની ગરમીને હું મહેસુસ કરી શકતો હતો. જેવી મારી હાલત હતી, તેવી જ હાલત તેની પણ હતી. કેમકે આ દરમ્યાન મેં નોંધ્યું હતું કે તે શરમાઈ રહી હતી. પોતાની જાતને સંકોચવાને બદલે તેણે સંપૂર્ણ શરણાગતિની અવસ્થા ધારણ કરી, પોતાના શરીરને મારા પર ઢાળી દીધું હતું.

    મારો તો જાણે શ્વાસ જ રોકાઈ ગયો હતો. શરીરના બધાંજ સ્નાયુમાં કોઈ અનિચ્છનીય કરંટ લાગ્યો હોય એમ નિષ્ક્રિય બની ગયા. હું તેના શરીરના એક એક ભાગને મનભરીને આંખોથી પી રહ્યો હતો.

    મેં મનોમન મ્યુનિસિપાલિટીનો આભાર માન્યો હતો. કેમકે રસ્તો ખરાબ હોવાથી જ એ વારંવાર સંતુલન ગુમાવી બેસતી હતી. અને આ બધું શક્ય બન્યું.

    એ 'ગુલાબી જામ' નો નશો મને વધારે પાગલ કરી મૂકે એ પહેલાં મેં એને મારાથી સાવચેતી પૂર્વક અલગ કરી.

    અમારા કલીગ્સ અમારી આસપાસ ન હોત, તો મેં એને ક્યારેય અલગ ના કરી હોત. પણ મેં ત્યારે આટલી બધી ચિંતા કેમ કરી? એ હજું નથી સમજાયું.

    આમ પણ એ દિવસોમાં મારા વિચારોનો ગ્રાફ કંઈક નવી જ ક્ષિતિજે હતો. એ લપસી જાય અને હું એને ફિલ્મી સ્ટાઇલમાં બાહોશ લઈ એના ચહેરાને હેરાન કરતી લટને કાન પાછળ ભેરવી, એની આંખોમાં જોઈ રહું ને' બીજી તરફ રોમેન્ટિક સોંગ વાગતું હોય....

    "યહ જો હલ્કી હલ્કી ખુમારીયા હૈં મોહોબ્બતો કી તૈયારીયાઁ...."

    આવા તો કંઈ કેટલાય વિચારો એકીસાથે દોડી આવતા. ને' હું એક પછી એક રિજેક્ટ કરે રાખતો. પણ એ દિવસે એના વાળ ભીનાં અને અવ્યવસ્થિત હતાં. કોઈ સુગંધ કે સંગીત પણ નહીં. પણ આ બધી ચિંતા હતી કોને ? મને એ જેવી છે એવી જ પસંદ હતી.

    એના રૂપનો નશો ઉતરે એ પહેલાં એણે બીજો જામ ઘુંટવાનું શરું કરી દીધું હતું.

    વરસાદના ટીપાં ચશ્મા પર વારંવાર આવી જવાથી એણે ચશ્મા જ નિકાળી દીધા. આહા!! ચશ્મા વગર તો એ વધારે મોહક, વધારે કાતીલ લાગતી હતી. તેની મોટી કાળી ચકળવકળ થતી આંખોમાં અલગ જ ઊંડાણ હતું. એક આકર્ષણ હતું. હું વિવશ થઇ એમાં ડુબતો રહ્યો. તેની આંખોની ભીનાશ ત્યારે દરરોજ કરતાં અલગ હતી.મેં એ રહસ્ય ઉકેલવા પ્રયત્ન કરી જોયો...

    વધારે કંઈ વિચારું એ પહેલાં રસ્તામાં પડેલા ભૂવા ને કારણે જબરજસ્ત બ્રેક લાગી. ને' અમારા રોમાન્સની બ્રેક ફેઇલ થઇ ગઈ!!

    એનું માથું મારા ખભા પર હતું. મારો હાથ તેની કમર ફરતે સહજતાથી વીંટળાઇ ગયો. મારી આંગળીઓ તેની કમર પર ધ્રુજતી હતી. એ કંપને તેને પણ એક ઊંડો શ્વાસ લેવા મજબૂર કરી દીધી.

    હું ઈચ્છતો હતો કે સમય અહીં જ રોકાઈ જાય. જો એમ શક્ય ના હોય તો મને અહીં આમ જ છોડીને આગળ ચાલ્યો જાય. કોઈપણ કિંમતે હું આ થોડી પળોને ગુમાવવા નહોતો માંગતો. પહેલીવાર મને આનંદ કે ખુશી નો સાચો અર્થ સમજાયો હતો. આનાથી વધારે મારે કશું નહોતું જોઇતું.

    પણ એ શક્ય ના બન્યું. મારી ઇચ્છાઓ હંમેશ માટે અધૂરી જ રહી ગઈ. સમય પણ ના રોકાયો અને મને પણ પ્રેમનો અભિશાપ આપી સાથે ઢસડી ગયો.

    મારે ઉતરવાનું સ્ટેન્ડ આવી ગયું. કાશ શ્વાસને પણ મેં એ દિવસે જ રજા આપી દીધી હોત.

    ઉતરતી વખતે એણે મારો સામાન નીચે ઉતારવામાં મદદ કરી. મારી સ્ટોપ-વૉચ એણે પરત આપી. પણ એ સાથે એણે કંઇ કેટલુંય રાખી લીધું હતું. જેનો હીસાબ અમારા બંને માંથી કોઈ પાસે નહોતો.

    "બાય...." - હું ફક્ત આટલું જ બોલી શક્યો હતો. એ માત્ર મારી સામે જોઈ રહી, કંઈ પ્રત્યુતર વગર.

    તેની આંખોમાં કંઇક અલગ જ ચમક અને ચહેરા પર સંપૂર્ણ સંતુષ્ટ સ્મિત હતું.....

    કાશ એ મારી આંખોમાં અતૃપ્ત ઇચ્છાઓ વાંચી શકી હોત... મારા માટે તો વિરહની વેદનાની કલ્પના કરવી પણ દુષ્કર થઈ રહી.

    આ પછીના બાર વર્ષ મેં ફક્ત બેટલ ટેન્ક, ગોળીઓ અને શહિદોની કારમી ચીસો જ સાંભળી છે. મારી આંગળીઓ એ ફક્ત ટોર્પીડો, મેગઝીન્સ અને ગ્રેનેડનો જ સ્પર્શ અનુભવ્યોછે.

    આજે પણ જ્યારે હું વરસાદમાં પલળું છું ત્યારે એક જ ખ્યાલ આવે છે... 'શું આ વરસાદ તેને પણ ભીંજવતો હશે ?? અતૃપ્ત સંવેદનાના ડંખ તેને પણ વાગતા હશે ?!'

    - ભાવિક રાદડિયા "પ્રિયભ"

    આપના પ્રતિભાવ આવકાર્ય

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED