પાનેતરના રંગ
નટવર મહેતા
ન્યુ જર્સી, યુએસએ.
આંગણાંમાં સફેદ સુમો આવી ઊભી રહી એટલે ઈશ્વરભાઈ ઓટલા પર બહાર આવ્યા. આગળથી ડ્રાઈવરે ઉતરી પાછળનો દરવાજો ખોલ્યો એટલે રમણિકલાલ હળવેથી બહાર ઉતર્યા.
-છે એવાને એવા જ છે…! ઈશ્વરલાલે વિચાર્યુઃ રમણિકલાલ સહેજ નમી ગયા છે. ઉંમરની અસર હશે. પેટ બહાર આવી ગયું છે. રમણિકલાલ એટલે રમણિકલાલ કાપડિયા! આર કેના નામથી મશહૂર. એક જમાનો હતો એમનો યુગાન્ડામાં.
‘આવો આવો….!’ ઈશ્વરલાલે આરકેને આવકાર્યા. કઠેરાને પકડી ચાર પગથિયાં પકડી ચઢી આરકેએ ઓટલો ચઢ્યો. મ્હોં પર હાસ્ય ફરકાવતા એમની પાછળ પાછળ એમના ધરમ પત્ની આવ્યા. છ ફૂટ ઊંચા આર કેની બાજુમાં ચાર ફૂટના એમના પત્ની કુંદનબહેન વધારે બટકા લાગતા હતા.
‘કેમ છો ઈશ્વરલાલ…?!’ ઈશ્વરભાઈનો હાથ એમના બે વિશાળ પંજાથી પકડી હલાવતા હલાવતા આરકેએ હસ્તધૂનન કર્યું, ‘યુગાન્ડા છોડ્યા ને છોડ્યા ટમારા ટો કોઈ સમાચાર જ ની મલે !’ આરકેનું ગુજરાતી એકદમ ગામઠી હતું. આટલા વરસથી પરદેશ રહેતા હોય કે ગમે તે કારણસર હોય પણ એમનું ગુજરાતી જરા વિશિષ્ટ હતું. એ ‘ત’ ને બદલે ‘ટ’ બોલતા. ઘરમાં દાખલ થઈ આરકે બે ગાળાના ઘરમાં નજર ફેરવી મુખ્ય ખંડમાં વચ્ચે લટકાવેલ હીંચકા પર ગોઠવાતા કહ્યું, ‘ટમે ટો આહાંપોરમાં બરાબર જમાવ્યું લાગે છે…!’
‘ઠીક છે… ખાસ નહિં…!’ સહેજ ખાસિયાણું હસી ઈશ્વરલાલે કહ્યું, ‘એક નાનનકડો સ્ટોર છે. કટલરી અને કાપડનો અને થોડી ખેતી છે શેરડીની…!’
ઈશ્વરલાલના પત્ની વિમળાબેન તાસક પર બે ગ્લાસ મૂકી પાણી લઈ આવ્યા.
‘ના અમે તો મિનરલ વોટર…જ…’ કુંદનબહેન જરા અટકીને બોલ્યા. અને સાથે લાવેલ થેલીમાંથી બિસલેરી મિનરલ વોટરની બોટલ કાઢી બોટલ આરકે તરફ ધરતા પૂછ્યું, ‘પિવાના છો હમણાં…??’
-આરકેએ એમને સાવ અવગણ્યા.
આરકેને નિહાળી ઈશ્વરલાલને યુગાન્ડા યાદ આવી ગયું. આરકે સાથે એમના લવ-હેઈટના સંબંધો હતા. આરકેએ યુગાન્ડામાં ઈશ્વરલાલને મદદ કરી હતી જ્યારે ઈશ્વરલાલ યુગાન્ડા ગયા હતા ત્યારે. આરકે વરસોથી ત્યાં રહેતા હતા એટલે બરાબર ગોઠવાય ગયા હતા. એમનો ત્યાં બહોળો વેપાર હતો. આરકે ટેક્ષટાઈલ્સના નામે કંપાલામાં એમનો મોટો કાપડનો સ્ટોર હતો. જેમાં દેશ-વિદેશનું કપડું મળતું. ત્યારબાદ, આરકેએ ‘આરકે ફેશન્શ’ ના નામથી તૈયાર કપડાનો શો રૂમ ખોલ્યો હતો. એમનો સ્ટોર ધમધોકાર ચાલતો હતો. ‘આરકે ફેશન્સ’ બ્રાન્ડથી કમ્પાલા સહિત આખા યુગાન્ડામાં નાના મોટા શહેરો જેવાં કે, કિરા, ગુલુ, લિરા અને જીંજા ખાતે આરકે તૈયાર ફેશનેબલ વસ્ત્રોના દુકાનોની શૃંખલા ખોલી હતી. મોટે ભાગે આરકે દેશથી આવેલ ભારતિયોને એમની આરકે બ્રાન્ડનો શો રૂમ ખોલવામાં મદદ કરતા. અને એમાંથી લાખો શિલિંગનો નફો કમાતા. આમ આરકેનો જમાનો હતો એક વખતે યુગાન્ડામાં. એવું કહેવાતું કે આરકે જ્યાં હાથ નાંખતા ત્યાંથી પૈસા કમાતા અથવા તો જ્યાં હાથ નાંખતા ત્યાંથી પૈસા મેળવતા. એન કેન પ્રકારેણ…! આરકેને એમના સસરાનો પણ વારસો મળ્યો હતો. એમના પત્ની કુંદનબેન એમનું એકનું એક સંતાન હતા.
આરકેના સસરા પણ ગજબની માયા હતા! આરકેના સસરાના મૃત્યુ પાછળ પણ કેટલીક વાયકાઓ હતી. આરકે અને એના સસરા કારમાં જઈ રહ્યા હતા અને અકસ્માત થયો હતો. આરકે બચી ગયા હતા. અને સસરાશ્રી પ્રભુને પ્યારા થઈ ગયા હતા. આરકેને ઘસરકો ય થયો ન હતો. યુગાન્ડાના લાંચિયા કાળિયા પોલિસ પણ આરકેના ગજવામાં રહેતા હતા. સસરાના આકસ્મિક અવસાન બાદ આરકે એમના આલિશાન મહેલ જેવા ઘરમાં રહેવા જતા રહ્યા હતા. આરકે કદી ખોટનો સોદો ન કરતા. એમની માન્યતા હતી કે પૈસાથી કંઈ પણ થઈ શકે. મની કેન ડુ એવરિથીંગ. ક્યારેક આરકે એમના સ્ટોર ચલાવતા કે આરકે બ્રાન્ડના કપડા વેચતા ભારતિયો, એમના સગા સંબંધીઓની દુકાને અચાનક પહોંચી જતા અને ગલ્લા કે કેશબોક્ષમાં જે કંઈ હોય એ બધું ઊસેટી લાવતા. આવી દાદાગીરી હતી આરકેની. આરકેનો આવો અનુભવ ઈશ્વરભાઈને પણ બે ત્રણ વાર થઈ ગયો હતો.
ઈશ્વરભાઈને એમણે જરૂર મદદ કરી હતી યુગાન્ડામાં પણ એનો પુરો લાભ પણ લીધો હતો. ઈશ્વરભાઈ એમને ત્યાંથી કાપડ લઈ આવતા અને એમના સ્ટેશન વૅગનમાં એ કાપડના તાકા રાખી યુગાન્ડાના અંતરિયાળ ભાગ, ગામડાઓમાં એ કાપડ ત્યાંની અબૂધ પ્રજાને ખાસો એવો નફો લઈને વેચતા. આમ કરી ઈશ્વરભાઈએ થોડા પૈસા બચાવી કંપાલામાં પોતાની ટેલરિંગની દુકાન ખોલી હતી. જો કે એ આરકેને પસંદ પડ્યું ન હતું. આરકે એટલે આરકે…! અનપ્રેડીક્ટેબલ…! ખંધા…! લુચ્ચા...! આવા આરકે આમ અચાનક આટલા વરસો બાદ ઈશ્વરભાઈની ઘરે આવ્યા એટલે ઈશ્વરભાઈને અંદરોઅંદર મૂંઝવણ થતી હતી.
‘ટો ઈશ્વરલાલ કેમનું ચાલે છે…? ટમે ટો મને એકદમ ભૂલી જ ગયા…! યાદ આવે કે’ની યુગાન્ડા…?’
‘એવું કંઈ નથી.. રમણિકલાલ…! પણ તમે પહોંચી ગયા અમેરિકા અને મેં અહિં આવવાનું નક્કી કર્યું.’
‘પેલો રાક્ષસ ઈદી અમીન જો આડો ની ફાટટે ટો આપણું રાજ હોટે યુગાન્ડામાં…!’ આરકે વાત કરતા ત્યારે એમનો નીચેનો હોઠ જે જરા મોટો હતો એ ધ્રૂજતો, ‘સાલ્લાએ પટ્ટર ખાંડી નાંખી જમાવેલ ધંધાની!’ સ્ત્રીઓની હાજરીને અવગણીને આરકે એક બિભસ્ત ગાળ બોલ્યા. હા…! આરકેને અપશબ્દ બોલવાની ય કૂટેવ હતી.
-પણ તમે તો બધા જ પૈસા યુકે શિફ્ટ કરી દીધા હતા. ઈશ્વરલાલે વિચાર્યું. પણ એ કંઈ બોલ્યા નહિં. આરકે જાણી ગયા હતા કે ગમે ત્યારે ઈદી અમીન આડો ફાટવાનો છે એટલે એમને એમની મોટાભાગના પૈસામાંથી સોનું અને કિંમતી હીરા ખરીદી લીધા હતા. અને એ બધું યુગાન્ડા એરલાઈનના પાઈલૉટ, એર હોસ્ટેસ મારફત લંડન મોકલાવી દીધું હતું. આરકે કદી હાર માને એવા નહતા. ત્યારબાદ, આરકે સહકુટુંબ એમના બે પુત્રો અને એક પુત્રી સહિત લંડન પહોંચ્યા હતા. લંડનમાં ત્રણેક વરસ પસાર કરી યુએસએ પહોંચી ગયા હતા. ત્યાં ન્યુ જર્સી ખાતે એમણે મોટૅલ બિઝનેસમાં ઝંપલાવ્યું હતું અને હાલે એઓ ત્રણ મોટૅલના માલિક હતા.
‘જો કે આઈ હેવ નો પ્રોબ્લેમ નાઉ…’ હીંચકાને ઠેસ મારી, ‘ન્યુ જર્સી ખાતે આપણી ટન ટન મોટેલ છે. ટમે જો લંડન આવટે ટો હારું પડટે…! મેં તો કીધેલું ટમને પણ ટમે ની માઇના…!’
‘મારી ખેતી હતી. એટલે મેં એવું વિચાર્યું કે હવે દેશ જઈને ખેતી સાચવીયે. અને મારામાં તમારા જેટલી હિમંત ન હતી. ઈદી અમીને જેમ ખાલી હાથે કાઢ્યા એમ બીજા દેશમાંથી થાય તો….’
‘એ ટો હિંમટ ટો કરવી જ પડે…’ હસીને આરકે બોલ્યા, ‘પેલું કહેવાય ને કે હિમંટ્ટે મર્દા ટો મદદે ખુદા…!’
ઈશ્વરભાઈ મ્લાન હસ્યા. એમને સમજ પડતી ન હતી આરકેની આ અચાનક મુલાકાતની. કોઈ કારણ વિના આરકે એમને એમ તો ન જ ટપક્યા હોય…! સવારે એમનો ફોન આવ્યો હતો કે એ મળવા આવે છે.
‘એની વે…!’ આરકે નીચેનો હોઠ ધ્રૂજાવતા બોલ્યા, ‘ ઈશ્વરલાલ, ટમુને થટું હશે કે હું કામ આવ્યો…?’ આરકેની આ બીજી અગત્યની ખાસિયત હતી કે એ સામેની વ્યક્તિનું મન વાંચી લેતા હતા!
‘ના…ના…! એવું કંઈ નથી!’ સહેજ ખાસિયાણા પડી જતા ઈશ્વરભાઈ બોલ્યા, ‘તમે અમને આટલા વરસો બાદ યાદ કર્યા એ કંઈ ઓછું છે!!’
‘ટો ટો હવે અમે જમીને જ જવાના…!’ આરકે હસીને બોલ્યા.
‘એમાં કંઈ કહેવાનું જ ન હોય…!’ ઈશ્વરભાઈએ કહ્યું, ‘મેં દેશી મરઘીની વ્યવસ્થા કરેલી જ છે…! મને ખબર છે તમને દેશી મરઘી અને જુવારના રોટલા પસંદ છે એ તો…!’
‘અરે વાહ…! ટો ટમે એ ભુઈલા નથી…!’ એમની આંખના મોટા ડોળા ગોળગોળ ફેરવતા આરકે બોલ્યા, ‘હું ટો હાથે આરટીનો સામાન હાથે જ લેઈને ફરટો છું. સોડાની વ્યવસ્થા કરો એટલે આપણે શરૂ કરીએ…! મને ટો મારી બ્રાન્ડ વિના ની ચાલે…’ આરકે એ એમના ડ્રાઈવરને હાંક મારી, ‘સો…મા..! બેગ લાવજે…’
ડ્રાઈવર સોમો બેગ લઈને આવ્યો અને એ આરકે તરફ ધરી. આરકેએ ઈશારો કરી એ બેગ એમના પત્ની કુંદનબહેનને આપવા આંખથી ઈશારો કર્યો. કુંદનબહેને બેગ ખોલી અંદરથી શિવાસ રિગલ વિસ્કીની મોટી બોટલ બહાર કાઢી.
ઈશ્વરભાઈના પત્ની વિમળાબેન અંદરથી બે ગ્લાસ લઈને આવ્યા. એમના ચહેરા પર આવી જતો અણગમો એમણે માંડ છૂપાવ્યો હતો.
ઈશ્વરભાઈએ ટિપોઈ હીંચકા પાસે ગોઠવી એના પર ગ્લાસ, સોડા અને વિસ્કીની બોટલ મૂક્યા. હીંચકા પરથી ઊભા થઈ આરકેએ બોટલમાંથી વિસ્કી ગ્લાસમાં રેડી એમનો ગ્લાસ પોણો ભર્યો તો બીજા ગ્લાસમાં થોડી વિસ્કી રેડી ઈશ્વરલાલ તરફ જોઈ કહ્યું, ‘મને ટમારી કેપેસીટીની જાણ ની મલે…’ હસીને બોલ્યા, ‘બોલજો….”
‘એમ તો હું તો લેતો જ નથી…’ ઈશ્વરલાલ બોલ્યા.
‘ટો આજે બરાબર લેજો…! આખ્ખી પોણા બે લિટરની બોટલ છે… ટ્વેલ યર ઓલ્ડ સ્કોચ…!’ એમના ગ્લાસને સોડાવોટરથી આખો ભરતા આરકેએ કહ્યું, ‘ટમે ટો યુગાન્ડામાં પણ ક્યાં લેટા…? મને તો ભાઈ એના વિના ની ચાલે…!’
ગ્લાસમાં જમણાં હાથની પ્રથમ આંગળી વિસ્કીના પ્રવાહીમાં બોળી આરકેએ એ રંગિન પ્રવાહીના થોડા છાંટા ફરસ પર નાંખી વિસ્કીનો મોટો ઘૂંટ ભર્યો.
‘ટો હવે સસ્પેન્સ ઓપન કરવાનો ટાઈમ આવી ગીયો છે…’ વ્હિસ્કીનો ગ્લાસ બે હાથ વડે બરાબર પકડી રાખી આરકે બોલ્યા, ‘મને આડી-ટેડી વાટ કરટા ટો પેલ્લેથી જ ની આવડે…’
-ઈશ્વરભાઈનો ઘૂંટ ગળામાં જ અટકી ગયો.
‘ઈશ્વરલાલ…! અમે મારા નાલ્લા સન વિજયના હારુ ટમારી દીકરી વૈશાલી માટે આવ્યા છીએ.’
-ઈશ્વરલાલ મૌન…!
‘મારો વિજય બેન્ક ઓફ અમેરિકામાં ઓફિસર છે. ઓનલાઈન બેન્કિંગ… પેલું ઈન્ટરનેટ પર બધુ કરે એનો મોટો ઓફિસર છે. એ પણવા જેવો થઈ ગીઓ ટો પેલ્લા ટમારી વૈશાલી જ મારા ધ્યાનમાં આવી. મોટો સન ટો ડૉક્ટર છે અને નાલ્લી પરણીને કેલિફોર્નિયા મુવ થઈ ગયેલ છે. બાકી રહ્યો વિજય… ટે પણવા જેવો થઈ ગયો ટો… ટમે ટો ઘરના જેવા એટલે થીયું કે ચાલો ઈશ્વરલાલને વૈશાલી શું ખોટી?’
‘…પણ મળતું ય આવતું હોવું જોઈએ…’ ધીરેથી વિમળાબેન બોલ્યા, ‘અને અમારે વૈશાલીનું મન પણ જાણવું પડે…!’ વેશાલી એમનું એક માત્ર સંતાન હતી.
‘ટેટો હાચી જ વાટ….’ આરકે બોલ્યા, ‘અમે ટો એ ટપકા-ફપકામાં માનતા ની મલે…! પન ટમારે જો બટલાવવું હોય ટો બટલાવી જોજો….! બાકી વિજય વૈશાલીની જોડી એટલે પેલુ કેવાયને એવી રબને બનાદી જોડી જેવી લાગહે…!’ હસીને આરકે બોલ્યા, ‘બન્ને જરા હબધા છે…! તો મસ્ટ લાગહે…! અને એક વાટ ટમને કેઈ દઊં કે મારો વિજય એટલે એકદમ હીધો પોઇરો…! એને મારી જેમ કોઈ વ્યસન ની મલે. ખૂબ ભણેલ. નોકરી પણ બહુ સારી. એનું પોટાનું વર્જિનિયામાં મોટ્ટું હાઊસ છે. ટમારી વૈશાલી ટો રાજ કરહે…! નોકરી કરવાની બી જરૂર ની પડે એટલું વિજય કમાઈ લે છે….! દર વરહે પચ્ચી-ત્રીસ હજાર ડૉલરનું ટો એને બૉનસ મલે છે!’
‘લો…અમારી વૈશાલી પણ આવી ગઈ…!’ વૈશાલીની સ્કૂટી આંગણાંમાં આવીને ઊભી એટલે ઈશ્વરલાલ બોલ્યા, ‘ એ નવસારી કૉલેજ જાય છે. કેમેસ્ટ્રીનું ભણે છે.’
-આઈ નો એવરિથીંગ એબાઉટ હર…! આરકે મનોમન હસ્યા.
વૈશાલી હળવેકથી બેઠકખંડમાં દાખલ થઈ. ઘરમાં અજાણી વ્યક્તિઓને જોઈ એ જરા મૂંઝાઈ ગઈ.
‘વૈશુ, આ છે રમણિક અંકલ.. યુએસથી આવ્યા છે…! હું તને ઘણી વાર વાત નથી કરતો યુગાન્ડાની…? ત્યારે જે આરકેની વાત કરું એ જ આ ગ્રેઈટ આરકે અંકલ…!’
‘ઓહ…!’ વૈશાલી હસીને બોલી, ‘નમસ્તે…’ પુસ્તકો સાઈડના ટેબલ પર મૂકી વૈશાલીએ બન્ને હાથ જોડી વંદન કર્યા. વૈશાલી ભરાઊદાર શરીરની હતી એટલે હોઈ એ કરતા ઉંમરમાં જરા મોટી લાગતી હતી. વજન ઉતારવાની ઘણી કોશિષ કરી હતી એણે પણ વજન હતું કે જે ઉતરવાનું નામ જ લેતું ન હતું….!
પછી તો ઘણી વાતો થઈ. આરકેએ બરાબર પીધું. ખાધું. એમના પુત્ર વિજયની જન્મપત્રિકાની નકલ ઈશ્વરભાઈને આપી. નવસારી જવા રવાના થતા પહેલાં કહ્યું, ‘જો ટમને મારી પ્રોપોઝલમાં ઇન્ટરેસ્ટ હોય ટો જરા જલ્દી કરજો. બને ટો કાલેજ નવસારી પરેશ મહારાજને બટલાવી આવજો. વિજય આવતા ફ્રાઈડેએ મુંબઈ ઉટરવાનો છે. એને બે વિકની જ રજા માંડ મળેલ છે. ટો…’ ઈશ્વરભાઈના ખભા પર સહેજ દબાણ આપી આરકેએ કહ્યું, ‘ટમારે જેને પુછાવવાનું - કરાવવાનું હોય એમાં ઊટાવળ કરજો. હું બે દિવસ પછી ફોન કરીશ. બાકી આ ટો લખ્મી ચાંદલો કરવા આવેલ છે…!’
આરકે નવસારી ખાતે હોટલમાં રોકાયા હતા.
આરકેના ગયા બાદ ઈશ્વરભાઈ, એમના પત્ની અને વૈશાલીએ બહુ ચર્ચા-વિચારણા કરી. વૈશાલીએ પણ પરદેશ, ખાસ તો અમેરિકા જવું હતું. એનું વજન વધારે હતું. એ કારણે લગ્નમાં થોડી અડચણ આવવાની હતી એ પણ એ જાણતી હતી. આજકાલ બધાને ઝીરો ફીગર ગમતું હતું. આરકે સાથે એમને સારા નરસા અનુભવ હતા. રાતે મોડે સુધી સામસામી દલીલો થઈ. એ દરમ્યાન મોડી રાતે અમેરિકા ખાતે રહેતા ઇશ્વરભાઈના પિતરાઈ બનેવીનો ફોન આવ્યો અને એમણે આરકે અને એમના પુત્ર વિજયની વૈશાલી માટે જ વાત કરી જણાવ્યું કે વિજય દેશ ખાસ પરણવા જ આવે છે અને બહુ સારો છોકરો છે. બરાબર સેટ થઈ ગયેલ છે. કદાચ, આરકે ખુદ એના માટે પ્રપોઝલ લઈને આવશે અને જો છોકરા છોકરી એકબીજાને પસંદ પડી જાય તો બેસી જવા જેવું છે. છેવટે બીજે દિવસે નવસારી જ્યોતિષ પરેશભાઈને મળી જો બન્નેના ગ્રહો મળતા આવે વાત આગળ ચલાવવી એવું નક્કી કરી સહુ નિંદ્રાધિન થયા.
સવારે બન્ને જન્મપત્રિકા લઈ ઈશ્વરભાઈ અને વિમળાબહેન પરેશભાઈને મળ્યા. પરેશભાઈએ ગણતરી માંડી. ગ્રહોની દશા, મહાદશા, શનિ-મંગળની લાંબી લાંબી વાતો કરી સવાસો રૂપિયા લેતા ઊંડો શ્વાસ ભરી કહ્યું, ‘કરો કંકુના….! વાહ…! વાહ…! સોળ આની મળતું આવે છે ઈશ્વરલાલ….! ભાઈ, જોને, મને તો આ બન્ને ટપકાઓ જોતા તો એમ જ લાગે કે જાણે બન્ને એકબીજા માટે એક દુજે કે લિયે એવું લાગે છે…! પછી તો છોકરા છોકરી એકબીજાને ગમવા જોઈએ. ગ્રહાદેશ તો કહે છે કે બન્ને પરણીને જ રહેશે !’
‘જેસી કૃષ્ણ….!!’ કહી ઈશ્વરભાઈ-વિમળાબેનના ગયા. પરેશભાઈએ ઈશ્વરભાઈએ આપેલ સવાસો રૂપિયા એક પરબિડિયામાં મુક્યા જેમાં પહેલેથી જ આરકેએ આપેલ દશહજાર રૂપિયા હતા જે આરકેએ આજે જે જવાબ ઈશ્વરભાઈને આપ્યો એ કહેવા માટે અગાઉથી જ આપેલ હતા…!
-હરિ હરિ…! પરેશભાઈએ ફરી ઊંડો શ્વાસ લીધો.
પછી તો સમયચક્ર ગતિમાં ફર્યું. ગોળમટોળ વિજય આવ્યો. વિજય-વૈશાલી મળ્યા. એકબીજાને પસંદ આવ્યા.ગોળધાણા વહેંચાયા. પાંચ દિવસમાં લગ્ન થઈ ગયા. વિજયે એક અઠવાડિયું રજા લંબાવી. સાથે જરૂરી પેપરવર્ક લઈને એ આવ્યો હતો અને ફિયાન્સી વિસા મળી જતા વિજય-વૈશાલી સાથે અમેરિકા આવી ગયો. વૈશાલી તો માની જ શકતી નહતી કે અમેરિકા આવી ગઈ છે! વિજયનું વિશાળ હાઉસ હતું વર્જનિયા ખાતે. ક્યારેક એ ઘરેથી કામ કરતો. ક્યારેક એ એની ઓફિસે જતો. ક્યારેક અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં એને પ્રવાસ કરવાનો થતો તો સાથે વૈશાલીને ય લઈ જતો. વૈશાલી હુંશિયાર તો હતી જ. દેશથી ડ્રાઈવિંગ શિખીને આવી હતી. એટલે અહિં લાઈસંસ મળી ગયું. જ્યારે તક મળતી ત્યારે એ જ ડ્રાઇવિંગ કરતી. વૈશાલી તો જાણે સાતમા આસમાનમાં ઊડી રહી હતી.
પાનખરની શરૂઆત થઈ ગઈ હતી. વૃક્ષોએ રંગ બદલી રહ્યા હતા. સાવ પર્ણવિહિન થઈ જવા પહેલાં જાણે સન્યાસ લઈ રહ્યા હતા. વિજય એના કામ માટે ન્યૂયોર્ક ગયો હતો. મોડી રાતે એ આવ્યો ત્યારે એનું શરીર ધગધગી રહ્યું હતું. માંડ ડ્રાઇવ કરીને એ એરપોર્ટ પરથી આવ્યો. ઘરે આવી એ લગભગ બેહોશ થઈ ગયો. વૈશાલી ગભરાઈ ગઈ. નાઈન વન વનને ફોન કરવા વિજયે કહ્યું. એમ્બ્યુલંસ આવી અને વિજયને હોસ્પિટાલમાં દાખલ કરવામાં આવ્યો. તાવ વધતો જતો હતો. ઊતરવાનું નામ લેતો ન હતો. જુદા જુદા ટેસ્ટ થયા.
-અને વૈશાલીનું લોહી ઊડી ગયું! વૈશાલીના આંસુ સુકાતા નહતા.
વિજયને બોનમેરો કેન્સર હતું. લાસ્ટ સ્ટેઈજમાં! આકાશમાં ઊડી રહેલ વૈશાલી ધરા પર પટકાઈ હતી. તાત્કાલિક એનો કોઈનો બોનમેરો અનુદાનમાં મળવો જરૂરી હતો. નહિંતર કંઈ પણ અશુભ બની શકે.
મુશ્કેલી એ હતી કે વિજયને મેચ થાય એવો બોનમેરો ડોનર મળવો અતિ મુશ્કેલ હતો. લગભગ અશક્ય હતો. એનું બ્લડ ગ્રુપ હતું ‘બોમ્બે બ્લડ ગ્રુપ’. આવા પ્રકારનું રક્ત બહુ જૂજ હોય છે એના માટે બોનમેરો મેચ થવો પણ લગભગ અશક્યવત્ હતો! દશલાખ વ્યક્તિ માંડ એકાદ વ્યક્તિને આ પ્રકારનું રક્ત હોવાની શક્યતા હતી. વૈશાલીને આની જાણ નહતી.
-તો?
આખરી ઉપાય તરીકે વૈશાલીએ જીદ કરી!!.... અને સહુના આશ્વર્ય વચ્ચે એનું બ્લડ ગ્રુપ પણ ‘બોમ્બે બ્લડ ગ્રુપ’ જ હતું. વૈશાલી વિજયનો બોનમેરો મેચ કરવામાં આવ્યો અને જે મળતો આવ્યો. તરત જ એનો બોનમેરો મેળવી વિજયને આપવામાં આવ્યો. વિજયનું શરીર એનો સ્વિકાર કરે એવી આશા સાથે. ધીરે ધીરે વિજયની તબિયત સુધરવા લાગી. તો ય જોખમ ઘટ્યુ ન હતું.
જિંદગીની ઘટમાળ સાવ બદલાય ગઈ વૈશાલીની. વિજયને વારેઘડી હોસ્પિટલ લઈ જવો પડતો. એની રોગપ્રતિકારક શક્તિ સાવ ઓછી થઈ ગઈ હતી. વૈશાલી દ્વારા એને અનુદાનમાં મળેલ બોનમેરો એનું શરીર સ્વિકાર કરે એ માટે એના એન્ટિબોડિસ મંદ કરી દેવાયા હતા. આરકે અને એમના પત્ની કુંદનબેન પણ ન્યુ જર્સીથી વર્જીનિયા વૈશાલી વિજય સાથે રહેવા આવી ગયા.
છ મહિનામાં ત્રણવાર વૈશાલીનો બોનમેરો વિજયને આપવામાં આવ્યો. વારંવાર આમ કરવાથી વૈશાલીની પણ તબિયત પર અસર થઈ. એનું વજન ખાસુ ઉતરી ગયું. અને તો ય વિજયની તબિયતમાં ખાસ સુધારો થતો ન હતો. વિજયની આંખો ઊંડી ઉતરી ગઈ હતી.આંખોની ફરતે કાળા કુંડાળા વધી રહ્યા હતા. ગોળમટોળ વિજય સોસવાઈ રહ્યો હતો!
‘એવરિથીંગ વિલ બી ઓકે…!’ વૈશાલી વિજયને સધિયારો આપતા કહ્યું, ‘વીકે…!’ વિજયને પણ આરકેની માફક વિકેના નામે ઓળખાવાનું પસંદ હતું, ‘પ્લીસ બી પોઝિટિવ…! આઈ વિલ ડુ વોટ કેન આઈ ડુ ફોર યુ હની…!’
‘થેન્ક યુ ડાર્લિંગ…!આઈ એમ વેરી લકી… એન્ડ ઓબલાઈઝ્ડ…!’ વૈશાલીના હાથ પસવારતા પસવારતા મ્લાન હસીને વિજય બોલ્યો. ત્રણ દિવસથી એ ફરી હોસ્પિટલમાં હતો. વૈશાલી દ્વારા અનુદાનમાં મળેલ બોનમેરો હવે એનું શરીર સ્વિકારવાની અવગણના કરતું હતું. ડૉક્ટર એમના બધા જ પ્રયત્ન કરતા હતા. હવે વધારાનો બોનમેરો જો વૈશાલી પાસેથી લેવામાં આવે તો વૈશાલીને પણ જોખમ થાય એવું હતું. તો ય વૈશાલી બોનમેરો આપવા તૈયાર હતી.
સહુની ચિંતા વધી રહી હતી. આરકેને ગુસ્સો આવતો હતો. વારે વારે એ સહુ પર ગુસ્સે થઈ જતા હતા. એમના ધંધા પર પણ અસર થઈ હતી. વારંવાર એ વિજયને કંઈ સમજાવી રહ્યા હતા. વિજય માનતો નહતો. જ્યારે હોસ્પિટાલમાં આવતા ત્યારે સહુ કોઈને વિજયના રૂમમાંથી બહાર મોકલાવી દેતા. અને વિજય સાથે લાંબો સમય બન્ને એકલા જ પસાર કરતા. એમના ગયા બાદ વિજયની તબિયત વધુ બગડતી. વિજય રડતો રહેતો. એની આંખમાં લાંબો સમય આંસુ વહેતા રહેતા.
‘વ્હોટ હેપન્ડ…?’ આરકેના ગયા બાદ વૈશાલી રુમમાં આવી, ‘વાય…? વાય…? વાય યુ આર ક્રાઈંગ…?’ જો કે વૈશાલીની આંખ પણ છલકાય રહી હતી. એ સમજી ગઈ હતી કે કંઈક એવું હતું કે જે એનાથી છુપાવવામાં આવી રહ્યું હતુઃ એના સસરા આરકેના ગયા બાદ વિજય કેમ રડવા લાગતો હતો? એની તબિયત કેમ વધુ બગડતી? વિજય કંઈક કહેવા માંગતો હતો પણ એના હોઠ કેમ સિવાઈ જતા? એને વિજયથી દૂર કરવાની કોશિષ કેમ થઈ રહી હતી? વિજયની તબિયત આટલી બગડી હતી તો ય એનો ડૉક્ટરભાઈ અને એની પત્ની કેમ ફક્ત એક જ વાર ખબર લેવા આવ્યા હતા? વૈશાલીની સાસુએ એક વાર એમ કેમ કહ્યું હતું કે લગ્ન પાછળ આટલા પૈસા ખર્ચ્યા એ બધા સાવ પાણીમાં જવાના? શું એમને અને આરકેને બસ પૈસાની જ પડેલ હતી? લગ્નને અને વિજયની તબિયતને શું લાગે વળગે?
શંકાનો કીડો સળવળવા લાગ્યો હતો વૈશાલીના મનમાં. એક તરફ વિજયની તબિયત બગડતી જતી હતી. સાસુ સસરા મેંણા-ટોણાં મારતા હતા. અને વિજયને કંઈ પુછતા એ સાવ મૌન થઈ જતો. પણ એની આંખના ખૂણા ભીના થઈ જતા. વૈશાલીનું ચાલે તો એના સાસુ સસરાને એના ઘરેથી જવા કહી દે.
લેપટોપ લઈ હેલ્થ ઇન્યુરંસ કંપની ઍટનાની વેબસાઈટ પર વૈશાલી વિજયને આપવામાં આવેલ સારવાર અને એ અન્વયે થયેલ ખર્ચ અને કો-પેમેન્ટ વિશેની માહિતી જોઈ રહી હતી. ખાસો ખર્ચ થઈ રહ્યો હતો એની સારવારનો અને કદાચ આરકેને એ અંગે કોઈ વાંધો હોય હશે એમ વિચારી એ ઍટનાની વેબસાઈટ પર એ સર્ચ કરી રહી હતી. વિજયની સારવારની સર્વ વિગત તારીખ, સમય વાર જે તે દવા અને ડૉક્ટરની માહિતી સાથે વેબસાઈટ પર હતી અને વૈશાલી અંદરને અંદર ઊતરતી જતી. વિજય ઊંઘી ગયો હતો. હોસ્પિટાલના એ રૂમમાં વિજયના ભારે શ્વાસોશ્વાસના અવાજ સિવાય શાંતિ હતી.
-અને વૈશાલી એકદમ ચોંકી ગઈ…! કોઈ અંધારિયા કૂવામાં એને કોઈએ ધકેલી દઈ કૂવા પર ઢાંકણ બંધ ન કરી દીધું હોય…!! એવી ગુંગળામણ થઈ આવી વૈશાલીને….! ઓહ માય ગોડ….! ઓહ માય ગોડ….!
વિજય તરફ એણે નજર કરી. વિજયને એકદમ ઢંઢોળી જગાડી વિજયને પુછવાનું મન થઈ આવ્યુઃ શું કામ મારી સાથે આવું કર્યું? તને પહેલેથી જ ખબર હતી કે તને બોનમેરો કેન્સર છે તો ય શું કામ લગ્ન કર્યા મારી સાથે? કેમ કેમ…? મારા સેંથામાં તારા નામનું સિંદુર પૂરતી વખતે તારા હાથ કેમ ન ધ્રૂજ્યા….? લગ્ન વખતે જ્યારે તું મને સપ્તરંગી પાનેતર નહિં પણ વિધવાનું શ્વેત વસ્ત્ર ઓઢાડી રહ્યો હતો ત્યારે જ તારા હાથ કેમ ખરી ન ગયા?!
ઍટેચ્ડ બાથરૂમમાં જઈ વૈશાલી ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી. એને છેતરવામાં આવી હતી. શરૂઆતથી જ કુટીલ રમત રમાઈ રહી હતી અને એને એક પ્યાદુ બનાવવામાં આવી હતી !
-ઓહ….! વૈશાલીને મરી જવાનું મન થતુ હતું. વિજયનું જે થવાનું હોય એ થાય…! બાથરૂમમાં જડેલ અરીસામાં પોતાનું પ્રતિબિંબ નીહાળતી એ ક્યાંય સુધી રડતી રહી…!
કંઈક વિચારી એ ઝડપથી બાથરૂમમાંથી બહાર આવી. વિજયને ચાદર સરખી ઓઢાડી નર્સને મળી ડ્રાઈવ કરી એ ઘરે આવી. એને સમજ પડતી ન હતી કે હવે શું કરવું? એનું કોઈ નજીકનું સગુ નજીક રહેતું ન હતું. આખી માણસજાત પરથી એનો વિશ્વાસ ઊઠી ગયો! એના સાસુ-સસરા એમના રૂમમાં હતા. એટલે એમને ખબર ન પડી કે વૈશાલી હોસ્પિટલથી ઘરે આવી ગઈ છે!
વૈશાલીનું માથું ફાટ ફાટ થતું હતું. કેટલાય દિવસથી એ બરાબર ઊંઘી નહતી. આજ સુધી એને વિજયની ચિંતા થતી હતી. પરંતુ, એ ઠગની ચિંતા કરવાની હવે ક્યાં જરૂર હતી? એમ વિચારી એણે ઊંઘની બે ગોળી ઍમ્બિયન અને ટાયલેનોલની બે ગોળી ગળી પથારીમાં લંબાવી એણે કમ્ફોર્ટર ઓઢી પોતાની જાતને નિંદ્રાને શરણે કરી….! જો કે ઊંઘમાં પણ એ છાના છાના ડૂસકાં તો ભરતી જ હતી.
સવારે આરકે ઊઠ્યા ત્યારે ડ્રાઈવવેમાં વૈશાલીની કાર જોઈ મનોમન રાજી થયાઃ સો વિજય ઈસ એલોન એટ હોસ્પિટલ…! જલ્દી જલ્દી પરવારી એ હોસ્પિટાલ પર પહોંચી ગયા.
વિજયનો પલંગ સહેજ ઊંચો કરી નર્સ એને કોફી પીવડાવી રહી હતી. વિજયના માથા પર એક પણ વાળ રહ્યો ન હતો. કેમોથેરેપીની આડ અસરને કારણે એની આંખોના ખાડા મોટા થઈ ગયા હતા અને આંખો ઊંડી ઉતરી ગઈ હતી. ચહેરો સાવ સુક્કો થઈ ગયો હતો. દાક્તરે હવે હાથ ઊંચા કરી દીધા હતા.
‘ગુડ મોર્નિંગ…નર્સ…!’ આરકેએ રૂમમાં દાખલ થતા કહ્યું, ‘આઈ એમ હીયર… સૉ યુ કેન ટેઈક કેર ઓફ અધર ધેન વીકે…!’
‘ગુડ મોર્નિંગ સર…!’ ગોરી પાતળી નર્સે હસીને કહ્યું, ‘થેન્કસ…! પ્લિસ ગિવ ધિસ પિલ્સ ટુ હિમ આફ્ટર ટેન મિનિટસ્…’
‘આઈ વિલ…!’ આરકેએ એમનો નીચેનો મોટો હોઠ ધ્રૂજાવતા કહ્યુ. નર્સ ગઈ એટલે એમણે રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો..
દયામણી દૃષ્ટિએ વિજયે એના ડેડ આરકે તરફ જોયું. એની આંખના ખૂણા સહેજ ભીના થયા. એ કંઈ કહેવા માંગતા હતો. કદાચ, વૈશાલી વિશે પુછવા માંગતો હતો પણ એ કંઈ બોલી ન શક્યો.
‘હાઊ ડુ યુ ફિલ..?’ વિજયના પલંગ પર એક તરફ ગોઠવાતા આરકે એ પુછ્યું.
‘…’ વિજય મૌન.
વિજયનો પાતળો થઈ ગયેલ પંજો પોતાના બન્ને પંજામાં લઈ ધ્રૂજતા સાદે આરકે બોલ્યા, ‘યુ નો માય સન…! યોર ડેડ નેવર ડિફીટેડ…! વિ ટ્રાઈડ અવર બેસ્ટ…! બટ ઈટ લુક્સ લાઈક ઈટ ઇસ ઓલ ઓવર…! લિસન સન! આઈ નીડ યોર સાઈન હિયર…! વિ વિલ ટેઈક કેર ઓફ વૈશાલી.’ આરકેએ એક ફાઈલમાંથી થોડા કાગળ બહાર કાઢી વિજય તરફ ધર્યા. એ વિજયનું વિલ હતું. વસિયતનામું હતું જેમાં આરકે અગાઊથી જ એમના અંગત એટર્નીની સહિ મેળવી લીધેલ હતી.વસિયતનામામાં વિજયની સર્વ સંપત્તિ, ઘર, કાર, બીજી થોડી જે કંઈ પ્રોપર્ટી હતી એ સર્વ એના પિતાને મળે એવી વ્યવસ્થા કરવાની વિજયની ઈચ્છા છે એવું દર્શાવેલ હતું, ‘આઈ નીડ યોર સાઈન ટુડે…નાઊ…!’
-વિજયે આંખો બંધ કરીઃ ડેમ ગો…ડ!! હી ઇસ અ રિયલી બિઝનેસમેન…! એ જાણતો હતો કે એક વાર એ વિલ પર સહિ કરી દે પછી વૈશાલીને ઘરમાંથી હાંકી કાઢતા એના વેપારી પિતા જરા ખંચકાવાના ન હતા. નો ડાઉટ એને બચાવવા માટે એમણે બધું જ કર્યું. પણ આખરે તો મેન પ્રોપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોસીસ્…!
‘આર યુ લિસનિંગ મી ?’ આરકે વિજયને જગાડવા માટે એનો હાથ થપથપાવ્યો.
‘ડેડ…!’ ધીમા અવાજે વિજય બોલ્યો, ‘યોર સન ઇસ ડાઇંગ…! એન્ડ યુ થિન્ક ઓફ પ્રોપર્ટી? મની? હાઊસ? કાર??’
‘લિસન સન…! વોટ શુલ્ડ આઈ સે?’ ભીનો સાદ કરતા આરકેએ કહ્યું, ‘આઈ ટ્રાઈ માય બેસ્ટ…! વિ ટ્રાઈ અવર બેસ્ટ…!’ આરકે ધ્રૂજતા હતા, ‘તારા ભાઈ ડોક્ટર સમીરે ડેટા સર્ચ કરી માહિતિ મેળવી અને જેવી આપણને જાણ થઈ કે વૈશાલીનું બોમ્બે બ્લ્ડ ગ્રુપ છે અને એનો બોર્ન મેરો મેચ થવાનો ચાન્સ છે તો નેકસ્ટ વિક હું ને તારી મોમ ઈન્ડિયા ગયા કે નહિં?! એ તો સારું હતુ કે સમીર જીનોમ પ્રોજેક્ટ પર કામ કરતો હતો એટલે આખી દુનિયાની રેર બ્લડ ગૃપની માહિતિ એની પાસે આવતી હતી અને વિ બ્રોટ હર હિયર એસ સુન એસ પોસિબલ આફ્ટર યુ મેરિડ ટુ હર. શિ ડિડ હર પાર્ટ. વિ વિલ ડુ અવર પાર્ટ…! બટ નાઊ, વોટ યુ અર્ન્ડ, મેઈડ એન્ડ બિલ્ટ ઇસ નોટ સપોસ્ડ ટુ ગો ડાયરેક્ટલિ ટુ હર …! તને ભણાવવાનો મેં કેટલો ખર્ચ કરેલ છે. આઈ સ્પેન્ટ લોટ ફોર યુ…! યુ ઓલ્સો નો ધેટ…! અરે તારા લગ્નમાં પણ પાણીની જેમ પૈસા વહાવ્યા છે મેં…!’
એટલામાં જ બારણે ટકોરા થયા એટલે આરકેએ રૂમનો દરવાજો ખોલવો પડ્યો.
‘વિ હેવ ટુ ટેઈક હિમ ફોર કૅમો….!’ નર્સે દાખલ થતા કહ્યું, ‘ડિડ હી ટેઈક ધ પીલ વીચ આઈ ગેવ…’
‘યસ…!’ આરકેએ કહ્યું, ‘ગિવ અસ ફ્યુ સેકન્ડસ્…! આઈ નીડ ટુ ટોલ્ક ટુ હીમ પ્રાઈવેટલી!’
‘ઓ..કે…! ટુ મિનિટસ્…!’ નર્સે દરવાજો વાસતા કહ્યું.
‘લિસન વિજય, હું આ પેપર્સ મૂકી જાઊં છું. વ્હેન યુ કમ બેક પ્લિસ, સાઈન ઈટ…આઈ વિલ કમ એટ આફ્ટરનુન…! એન્ડ આઈ નીડ ઈટ વિથ યોર સાઈન…કમ વૉટ મે…’ એમના અવાજમાં એક આદેશ હતો. હુકમ હતો. એમણે એ ફાઈલ વિજયની પથારીના તકિયા નીચે બરાબર મુકતા કહ્યું અને વિજય તરફ એક નજર કરી બહાર નીકળી ગયા અને જતા જતા નર્સને કહેતા ગયા, ‘ઓલ યોર્સ….!’
નર્સ વિજયના રૂમમાં દાખલ થઈ ત્યારે એણે જોયું કે વિજયના શ્વાસોશ્વાસની ઝડપ વધી ગઈ હતી. એ હાંફી રહ્યો હતો. પરસેવે રેબઝેબ વિજય શ્વાસ લેવા માટે તડપી રહ્યો હતો. નર્સે જલ્દીથી સેન્ટ્રલી ઓક્સિજન સપ્લાઈની ટ્યુબ એના નસકોરાંમાં બરાબર ગોઠવી ઓક્સિજન આપવાની શરૂઆત કરી દીધી. પલ્સ અને પ્રેશર માપી એક ઇન્જેક્ષન આપ્યું. ઓક્સિજન મળવાથી વિજયને થોડી રાહત થઈ.
ઈશારો કરી એણે નર્સને પાસે બોલાવી ધીમા સાદે કહ્યું, ‘ આઈ વિલ નોટ મેઈક ઈટ ટુડે…!! ઈટ ઈસ ટાઈમ ટુ લૉગ ઑફ નાઊ…! પ્લિસ કોલ માઈ વાઈફ નાઊ. આઈ નીડ હર એએસપીએસ…!’
‘ટેઈક ઈટ ઈસી વિકે…! યુ વિલ બિ ફાઈન…પરફેક્ટલિ ઓકે…!’
દયામણી નજર કરી વિજયે ફરી કહ્યું, ‘પ્લિસ કોલ હર…! વ્હેર ઈસ શી?’
વૈશાલી એકદમ ઝબકીને જાગી ગઈ. એનો આઈફોન જોર જોરથી વાઈબ્રેટ થઈ રહ્યો હતો. પ્રથમ તો એને ખ્યાલ જ ન આવ્યો કે હોસ્પિટલને બદલે એ એના બેડરૂમમાં કેમ છે? ફોનમાં જોયા વિના જ એણે કહ્યું, ‘હલ્લો! … હુ ઈસ ધીસ?’
‘…..’
‘ઓકે…! આઈ એમ ઓન માય વે…!’ ઝડપથી એ રૂમમાંથી બહાર આવી. મ્હોં ધોયા વિના જ એ કારમાં બેઠી અને યંત્રવત્ કાર હોસ્પિટલ તરફ હંકારી મુકી.
-આજે તો ખરાખોટી કરી જ નાંખવી છે એની સાથે…!! વિચારતી એ વિજયના રૂમમાં દાખલ થઈ. નર્સ વિજયની નાડી તપાસી રહી હતી. વિજયની છાતી જોરજોરથી ઊંચી નીચી થઈ રહી હતી. વિજય આંખ બંધ કરી સુતો હતો.
‘થેન્કસ મિસિસ કાપડિયા…! હિ ઇસ આસ્કિંગ ફોર યુ…! મિસિંગ યુ…વેરી મચ…’ નર્સે પેડ પર લખતા લખતા કહ્યું, ‘ હિ ઇસ નોટ ફિલિંગ વેલ સો વી હેવ પોસ્ટપોન્ડ કેમો વિચ ઇસ સ્કેડ્યુઅલ નાઊ…’
વિજયે હળવેથી આંખ ખોલી. એની આંખ ભીની હતી. એ જોતા જ વૈશાલીને ખ્યાલ આવી ગયોઃ એ રડ્યો હતો.
‘આઈ નો એવરિથિંગ….! યુ હેડ કેન્સર બિફોર અવર મેરેજ…!’ નર્સની હાજરી અવગણી વૈશાલીથી કહેવાય જ ગયું, ‘…એન્ડ યુ એન્ડ યોર ડેડ હાઈડ ફ્રોમ મી…માય પેરન્ટ…!’ જો કે વિજયની હાલત જોઈ વૈશાલીની આંખમાં પણ ભેજ છવાયો…!
‘….!’ વિજય મ્લાન હસ્યો અને ઈશારો કરી એણે વૈશાલીને પલંગ પર બેસવા કહ્યું.
પરિસ્થિતિ સમજીને નર્સ રૂમમાંથી બહાર સરકી ગઈ.
‘તુ હજુ બીજૂ એ નથી જાણતી ડાર્લિંગ કે તારું બ્લડ ગૃપ મારા બ્લડ ગૃપને મેચ થાય એવું મારા બ્રધરે શોધી કાઢ્યું હતું. તારી બ્લડ એક્ષામનો રિપોર્ટ તારા સ્પેશ્યલ ગૃપને કારણે જીનોમના સર્વર પર આવી ગયો હતો. યુ ડોન્ટ નો કે ડો સમીર જીનોમ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. અને એનો પ્રોજેક્ટ લિડર છે. એટલે એણે શોધી કાઢેલ કે મારો અને તારો બ્લડ મેરો મેચ થવાના ચાન્સિસ હતા. આઈ વોન્ટેડ ટુ લિવ…! સો…!’
‘ઓહ…! તો આપણું લગ્ન એક વેલ પ્લાન્ડ, એક્ઝિક્યુટેડ નાટક હતું તને બચાવવા માટે…?!’ સહેજ વક્રતાથી હસીને વૈશાલીએ કહ્યું, ‘ડ્રામા ડાયરેક્ટેડ બાય ગ્રેઈટ આરકે એન્ડ રિટન બાય ડૉક્ટર સમીર કાપડિયા…! નાઊ વોટ…?’
‘ના…ઉ…! માય ફાયનલ એક્ઝિટ ફ્રોમ ધ સ્ટેઈજ…!’ ઊંડો શ્વાસ લેતા વિજય બોલ્યો. એને હવે બોલવાની તકલીફ પડતી હતી. એ હાંફી રહ્યો હતો, ‘પ્લિસ ફરગિવ મી. હું તારો ગુનેગાર છું.’ વિજયે વૈશાલીનો હાથ પોતાના કૃશ હાથમાં લેતા કહ્યું, ‘માય ડેડ ઇસ ડેવિલ…! હી વિલ કિક યુ આઊટ…પણ હું એવું નથી થવા દેવાનો…!’
બારણે ટકોરા મારી એક સુટેડ ઊંચો પુરુષ રૂમમાં દાખલ થયો.
‘થેન્કસ ફોર કમિંગ મિસ્ટર એન્થની…! આઈ હોપ યુ હેવ ઓલ પેપર્સ રેડી એસ આઈ મેઇન્શન્ડ…?’
‘યસ મિસ્ટર વીકે…!’ ફોલ્ડરમાંથી કાગળિયા કાઢી એણે વિજય તરફ ધર્યા. વિજયે કાગળો હાથમાં લઈ વૈશાલીને કહ્યું, ‘ડાર્લિંગ..! આ મારા એટર્નિ છે… વકિલ…! મારું વિલ લઈને એ આવ્યા છે. પ્લિસ રેઇસ માઈ બેડ…!’ વૈશાલીએ ઊભા થઈ પલંગ ઊંચો કરતા વિજય લગભગ બેઠો થયો. એટર્નિએ પેન ધરી અને જ્યાં જ્યાં પૉસ્ટ સ્ટિક લગાવેલ હતી ત્યાં વિજયે ધ્રૂજતા હાથે સહિ કરી. એ થાકી ગયો હતો. હારી ગયો હતો. તકિયા નીચેથી એના પિતાએ આપેલ, બનાવેલ વિલ એણે એન્થની તરફ ધરી કહ્યું, ‘પ્લિસ શ્રેડ ધીસ વન એસ સુન એસ પૉસિબલ…!’
વૈશાલીને સમજ પડતી નહતી! શું થઈ રહ્યું છે…! એણે નર્સને બોલાવવા માટે બૂમ પાડી અને કોલબેલનું બટન પણ દબાવ્યુઃ વિજયની ડોક નમી ગઈ હતી. એ હાંફી રહ્યો હતો. શ્વાસ લેવા માટે વલખાં મારી રહ્યો હતો.
‘વો…ટ…ર…!’ એકદમ મંદ અવાજે વિજયે વિનવણી કરી. એણે જોરથી વૈશાલીનો હાથ પકડી રાખ્યો હતો, ‘આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાઈ…! વૈશુ…! પ્લિસ! મને બચાવ…હેલ્પ મી…!’ ફક્ત વૈશાલી સાંભળી શકે એટલા મંદ અવાજે વિજય બોલી રહ્યો હતો.
વૈશાલીએ હાથ છોડાવી ચમચી વડે વિજયને પાણી પિવડાવ્યું. એની આંખના ડોળા ચકળવકળ થતા હતા.
‘વૈશુ…હોલ્ડ મી…!’ એણે વૈશાલીને વિનવણી કરતા કહ્યું.
‘નો…’ વૈશાલીએ વિજયના જમણી હથેળી બન્ને હાથ વડે દબાવીને પકડી, ‘નો…તને કંઈ નથી થવાનું…! હું તને કંઈ થવા ન દઊં…નો… નો….!’ વેશાલી આક્રંદ કરતી હતી… ‘નો… નો….!’
‘પ્લિ…. ઇ…. ઇ… સ.. વૈ…શુ…!! ફ… ર… ગિ… ઇ… ઇ…. ઇ… વ… મી… ઈફ…. યુ કેન… પ્લિ… ઇ…. ઇ…’
વિજયની ડોક નમી ગઈ…એનો આત્મા એનું કૃશ શરીર છોડી અનંત યાત્રાએ નીકળી પડ્યો હતો…!
વિજયની ઠંડી હથેળી વૈશાલીના બન્ને હાથમાં રહી ગઈ હતી. જેને આંખે લગાવી વૈશાલી ધ્રુસકે ધ્રૂસકે રડતી રહી … રડતી રહી… રડતી રહી… રડતી જ રહી…!
(સમાપ્ત)