‘ફૂલગુલાબી અરમાનો’
વૈશાલી રાડિયા
જીવનસંગીની
ભવોભવની
તા. 14/2/18
લવ ડે
પ્રેમનગર
ભાવિ જીવનસાથી,
તારા વિના સુનું સઘળું હવે સાજન
જલ્દી લાવો ઢોલ-નગારા, સાથે સાજન-માજન
એયયયય.... પ્રિય,
જ્યારથી તું ચંદેરી ભાતની ચૂંદડી ઓઢાડી ગયો અને ગોરા હાથોમાં તારા નામના કંગન, જે નજાકતથી તું પહેરાવી ગયો એ સ્પર્શ યાદ આવતાં જ રોમ-રોમ મહેકી ઉઠે છે. તારી પહેરાવેલ પાયલના ઝંકારથી ઘર રણઝણી ઉઠે છે.
મને યાદ છે પ્રિય સગાઇ પછીની પહેલી જ મુલાકાતમાં તેં કહેલ, “સ્વીટુ, એક પ્રોમિસ આપીશ? આ જમાનો ભલે મોબાઈલ અને નેટનો રહ્યો પણ મને તો શબ્દોના સંગાથે વહેવું ગમે છે. લાગણીઓને આંગળીઓની માંગણીઓથી વાઘા પહેરાવવા મને બહુ નથી ફાવતા. તું સાથ આપે તો જ્યાં સુધી કંકુ પગલે તું મારા ઉંબરે કળશ ઢોળે ત્યાં સુધી આપણે હંમેશ આમ શબ્દના સથવારે જ મળી, એકમેકને ઓળખતા જઈએ એ મારું સપનું છે. હું પત્ર પરના તારા સ્પર્શને સતત સ્પર્શવા માંગું છું. અક્ષરો થકી તારા મનોભાવોને જાણવા ઈચ્છું છું. ભલે આ ડીજીટલ યુગમાં કોઈને એ વેવલાવેડા લાગે પણ હું તારા આ ચાંદ જેવા મુખને મારા દિલમાં જ ભરીને મહેસુસ કરવા દિવાનો છું. પ્રેમની એ પણ એક કસોટી કહે કે પછી પ્રેમની દોરી મજબુત કરવાનું એક સાધન કહે, મારું મન મેં તારી પાસે ખુલ્લું કરી દીધું છે. બાકી જીવનભર સાથે રહેવું છે એટલે તને નારાજ તો નહિ કરું. તું કહીશ તો નેટ દ્વારા લાગણીઓ મોકલીશ. પણ પલ-પલના હિસાબ આપી- શું ખાધું જાનુ? અને શું પીધું ડાર્લિંગ? કે કયો ડ્રેસ પહેર્યો એ ફોટા મોકલ એવી વાતોને બદલે પત્ર દ્વારા થોડી જુદાઈ પછી રાહ જોઈ જે ઉર્મિઓ આનંદ આપે છે એ મિલનની મજા મને તો ઓર જ લાગે! ફોનમાં લાગણીઓને વાઇરસનું ફોરમેટ લાગી શકે પણ પત્રમાં આપણે ઇચ્છીએ ત્યાં સુધી કોઈ વાઇરસ ઘૂસી ના શકે કે કોઈ ડીજીટલ કારસ્તાન એમાં ફોરમેટ ના મારી શકે. બોલ સ્વીટી, તું શું ઈચ્છે છે? વિચારીને મને કહેજે. તારી નારાજગી મને નહિ ગમે. આજથી હું તારા જવાબની રાહ જોઇશ. મારા દિલનું અને ફોનનું નેટ તારા માટે ૨૪ કલાક ચાલુ રાખીશ. તારો મેસેજ આવશે તો સમજી જઈશ અને જીવનભર ૨૪ કલાક તને મેસેજ, વિડીઓ કોલથી જવાબ આપવા પ્રોમિસ. અને જો તારો જવાબ પત્ર સ્વરૂપે આવશે તો સમજી જઈશ કે તને ધીરજ અને સમજણથી પ્રેમ પામવો પસંદ છે. તું કોઈપણ રસ્તો પસંદ કરીશ, મારા દિલનું નેટવર્ક તારા માટે જીવનભર ઓનલાઈન જ રહેશે બકુડી.”
જયારે જીવનભર સાથે ચાલવાનું જ છે તો સાચું જ કહીશ ડીયર, તમે તો દિલની વાત કહીને ચાલ્યા ગયા અને હું વિચારે ચડી કે આ ક્યા બાબા આદમના જમાનાની વાતો કરી ગયો છોકરો? મારી બધી ફ્રેન્ડસને સતત ફોનમાં ચીપકેલી, દિવસમાં સતરવાર ફોટા શેર કરતી, હાલતાં ને ચાલતાં વિડીઓ કોલ કરી નખરા કરતી જોતી, હું પણ એ જ સમણામાં થનગનતી હતી કે મારો ફિયાન્સ લાઇફમાં આવે એટલે હું પણ ઓનલાઈન! કદાચ એ ઈર્ષ્યા પણ હતી ફ્રેન્ડસની, પણ શાંતિથી વિચારતા મને પણ એ યોગ્ય લાગ્યું કે શા માટે ગાડરિયા પ્રવાહમાં વહેવું? એમ પણ જમાનો કંઇક હટકે કરવાનો છે. પ્રિય વ્યક્તિના મિલનની જે મજા છે એનાથી વધુ એની રાહ જોવામાં અનેકગણી મજા છે એ લહાવો મારે પણ લૂંટવો છે. જ્યાં જીવનભર સાથે રહેવું છે ત્યાં થોડી ધીરજ ઓર સહી. અને એક ખાનગી વાત કહું? હવે તારાથી મારી જિંદગીમાં કશું ખાનગી ક્યાં રાખવું એટલે તને શેર કરું છું. ફોન તો આપણા જમાનામાં આવ્યા પણ મેં એકવાર કબાટ સાફ કરતાં મોમ-ડેડના લગ્ન પહેલાના લેટર્સ હાથમાં આવતા એક મીઠડી ચોરી કરી લીધેલી ! એ વાચવાની ચોરી ! અને મને એટલી મોજ આવેલી યારર.. કે સોળમાં વર્ષે મને સગાઇ કરવાનું મન થઇ ગયેલું! પણ ફોન આવતા એ ભૂલાઈ ગયેલું સપનું તે જગાડ્યું એ માટે તને જાદુકી જપ્પી દેવાનું મન થાય છે ડીયર!
‘લાગે છે આજે મનને પલપલનો સ્વાદ મીઠો
શરણાઈ થઈ શરમ ને આનંદ આ અદીઠો
ખીલતું કશુંક અંદર ઉમર બની અંતર
વાગી રહ્યું જીવનમાં કોઈ ઝીણું જંતર
છલકાતા સૂર એને હૈયે સમાય નહિ
બોલ્યા વિનાય કહી દે .....’
મારા કાકા અને કાકીના બે વર્ષ પહેલા જ લગ્ન થયા. એ લોકો ડીજીટલ ઇન્સટ્રુમેન્ટ જરૂર પૂરતા જ વાપરે છે. સાથે બેસીને રોજ સાંજે એક કલાક વાતો કરે ત્યારે એમના ચહેરા પરની ખુશી જોઈ અને એમના જીવનની સંવાદિતા જોઈ તારી વાત તરફ વધુ લગાવ જાગ્યો. આટલી સમજણ આપવી અને મારી પસંદગીને માન આપવું એ પ્રેમ ક્યારેય કાચો ના હોઈ શકે એ મારા દિલે સમજી લીધું છે જાનેમન.
જમાનો ભલે ડીજીટલ બન્યો જાનુ, પણ મારે તારી સાથે કાકા-કાકી જેવી જ અને તારી દિલની ઈચ્છા જેવી જ સંવાદિતાનો સૂર છેડીને પ્રેમનો તાંતણો મજબુત કરવો છે. રોજ સાંજે આપણી ફળીના હિંચકે બેસી મારે તારી રાહ જોવી છે. કોઈ ફોન વિના તું સમયસર આવી જ જઈશ એ ખાતરી રાખી ચા રેડી રાખી તારી સાથે વાતો કરતાં ઝૂલતાં-ઝૂલતાં સાંજને મારે ઘૂંટડે-ઘૂંટડે પીવી છે. ક્યારેક કઈ બોલ્યા વિના એકમેકને આંખોના ઈશારે સમજી જવું છે અને ક્યારેક એમજ તારો હાથ પકડી બેસી રહી દિલને ધબકવા દેવું છે. આ ટચ સ્ક્રીનના બદલે તારા હાથથી તારા દિલ સુધી ટચ થવું છે ડાર્લિંગ! કોઈ સાંજ તારી સાથે દરિયાની રેતીમાં પગલાંની છાપ પાડતા અને હાથમાં હાથ નાખી ચાલવું છે અને ક્યારેક રેતીમાં આળોટવું છે. તારી સાથે રેતીમાં પડ્યા રહી સનબાથ પણ લેવો છે અને પુનમની ચાંદનીમાં નહાવું પણ છે! ક્યારેક કિલ્લોલ કરતાં તારો હાથ ઝાલી મોજાઓ સામે ધસીને બાથ ભરવી છે અને સાથે તને પણ ! એ પળોને ડીજીટલ ક્લિક આપી કેદ કરવી છે અને મઢાવીને રાખવી છે દિલમાં અને આપણા રૂમની દીવાલોમાં. કોઈ રજાના દિવસે ઘરમાં જ રહી સરસ મજાનું મૂવી જોવું છે અને તારી આંખોમાં આંખો અને હાથોમાં હાથ નાખી ઝૂમવું છે
‘વીતે છે જે સમય રોકાય જાય આજે
કહેવું છે જે હૃદયને કહેવાય જાય આજે
સ્નેહ થઈને સાવન વરસી રહે આંગન
ઝૂમી ઉઠે તનમન બદલાય જાયે જીવન
મનગમતો સાથ છોડી પલભર જીવાય નહિ
શબ્દોને ભૂલીને સીધું ચૂમી શકાય નહિ’
જ્યારથી તું ગયો ત્યારથી પલ-પલ તે પહેરાવેલી રીંગ ચૂમી લઉં છું અને તારા હાથની રીંગ બનાવી ક્યારે મને એમાં વીંટી દે એ જ સપનામાં મહાલું છું. તારી સીધી ને સટ વાતો, દિલને સ્પર્શતી ઓફર, સમજણથી ભરેલો પ્રેમ મને જાણે એક જ દિવસમાં ‘ઠાવકી’ કરી ગયો! મોબાઈલ અને મનની ઇચ્છાઓનો આવો વરસાદી વાયરો બંને એકસાથે ઝીલવાની અને ભીંજાવાની આ જમાનામાં સપનું લાગે એ વાત તારા થકી ‘આપણે’ જીવશું જાનેમન! સાથે-સાથે જીવવું અને એકમેકના પ્રેમમાં તરબોળ થઈ એકસૂરમાં રહેવું અઘરું હોય શકે પણ અશક્ય નહિ, જો તારા જેવો સમજદાર જીવનસાથી હોય તો!
‘પ્રેમનું પરબીડિયું હોય ફૂલગુલાબી
અત્તર ભળે સમજણનું જીવન બને સંવાદી’
મને શું પસંદ છે એ જવાબ તો હવે તને મળી જ ગયો હશે ડાર્લિંગ! તો હવે તો જ્યાં સુધી વાજતેગાજતે ઢોલના અવાજે લેવા નહિ આવ ત્યાં સુધી હું પણ રોમરોમ મહેકાવીને તારા દિલના અત્તરથી મઘમઘતા લવ લેટરની રાહ જોવા ઉંબર પર પ્રેમભરી ઉભી રહીશ ડીયર.
દિલ ભરીને વહાલ મોકલું છું, આમંત્રણ અમથું ના જાણતો
સમજણના દરિયે નાવ મોકલું છું, જલ્દી આવજે હલેસા મારતો
તારી જ,
જીવનભરની જ નહીં
ભવોભવની સંગીની .
~વૈશાલી રાડિયા