સાસુ - માતા ઉદારતા Sneha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાસુ - માતા ઉદારતા

Description:

બહુ ટૂંકામાં વધુ કહેવાનો 'સ્નેહા પટેલ' કાયમનો પ્રયાસ રહે છે ને એ જ મુજબ આ નાનકડાં લેખમાં મોટી સમજણ સમાવવાનો યત્ન કર્યો છે. નામ પર ના જશો..ફકત સ્ત્રી - માતા કે સાસુ જ નહીં પણ જો આપ એક પુરુષ - બાપ કે સસરાં હો તો પણ આ લેખ અચૂકપણે વાંચજો, વાંચજો ને વાંચજો જ. જો આપણે આ લેખનો ભાવાર્થ સમજી શકીએ તો,

'ગુસ્સે ભરાયેલા જમાઈએ સાસુને એસએમએસ કર્યો,

તમારી પ્રોડક્ટ મારી જરૂરિયાત પ્રમાણે બંધબેસતી નથી.

તેને પાછી લઈ જાઓ.

સ્માર્ટ સાસુએ જમાઈને રીપ્લાય કર્યો..

તેની વોરંટી પુરી થઈ ગઈ છે અને એકવાર વેચાણ થયા બાદ ઉત્પાદક તેના માટે જવાબદાર નથી.'

આવા સડેલાં જોકસને 'બાય બાય' જ નહીં પણ ધૃણાથી હડસેલવાનો, સમાજમાંથી નાબૂદ કરી દેવાનો સમય હાથવેંતમાં જ છે.

‘સાસુ’ આ શબ્દ પ્રત્યે આપણા સમાજમાં કાયમ ‘અણગમાથી નાકનું ટીચકું ચડી જવું’ જેવી ક્રિયાઓ જોડાયેલી છે. જે સ્ત્રી માતા હોય ત્યારે પ્રેમના શિખર ઉપર બિરાજમાન હોય છે, મમતાના ઝૂલે ઝૂલાવતી હોય છે એ સ્ત્રીને ‘સાસુ’ નામી સંબંધનુ છોગું લાગતા જ એ એકાએક તકરાર,કકળાટની તળેટીએ ધકેલાઈ જતી દેખાય છે. સ્ત્રે એક સ્વરુપ અલગ. એક જ સ્ત્રીના બે સ્વરુપ વચ્ચે આટ્લુ અંતર કેમ ? દરેક સ્ત્રીના બે ફાંટા હોય છે. એક માતા અને બીજો સાસુ. બેયના ઉદગમસ્થાન એક તો પ્રવાસસ્થાન અને મંઝિલ અલગ અલગ કેમ ? કોઇક તો એવું સંગમસ્થાન હોવું જ ઘટે કે જ્યાં આ બે અસ્તિત્વ એક થાય !

દરેક માતામાં અમુક અંશે એક સાસુ છુપાયેલી હોય છે. એ પોતાના સંતાનને એના ઘડતર, સારા વિકાસ માટે કડવી જન્મઘુટ્ટીઓ સમ સંસ્કાર જન્મથી જ મક્ક્મતાથી પાતી હોય છે. માતા બાળક પર ગુસ્સો કરે તો પણ એની આંખોમાંથી આંસુ વહેતા હોય છે અદ્દ્લ શિયાળાના તડકાની જેમ. એનો શિયાળી ચહેરો પર્ણ પરના ઝાકળબિંદુથી ગૌરવવંતો – ગુણવંતો -રુપવંતો દીસે છે. શિયાળાની જેમ માતાનો પ્રેમ પણ એના સંતાનોને પ્રમાદની છૂટ નથી આપતો.એ બાળકાને સતત કાર્યશીલ, ગતિશીલ રાખવાના પ્રયાસોમાં રત હોય છે ગુસ્સાના પાલવ તળે હૂંફના ધબકારા સંભળાય છે. માતૃત્વનો આવો શિયાળુ તડકો પણ એક માણવા જેવી આહલાદક ઘટના હોય છે. એ જ રીતે દરેક સાસુમાં એક માતા છુપાયેલી હોય છે. દરેક માની જેમ એ પોતાની વહુ પાસેથી અમુક અપેક્ષાઓની પૂર્ણાહુતિની આશા રાખતી હોય છે.જેને પૂરી કરતી એ એની વહુનુ પરમ કર્તવ્ય છે એમ સમજે છે.ખરો પ્રશ્ન તો ત્યાં ઉદભવે છે કે એ જ સાસુને એક દીકરી હોય છે. એ દીકરી જ્યારે એક વહુ બને ત્યારે એ એની સાસુની અપેક્ષાઓમાથી પાર ઉતરે એવી તાલીમ આપવામાં એ સાસુ કમ માતાએ ધ્યાન રાખ્યું હોય છે ખરું ?

સાસુ અને માતાનુ સહઅસ્તિત્વ જ્યાં વિશાળતા હોય ત્યાં શ્વસે છે.સાસુના ‘સો કોલ્ડ’ ઇર્ષ્યા – કપટ – વેર ઝેર – તકરાર જેવા અવગુણોની સંકુચિતતા છોડીને માતાના ‘સો કોલ્ડ’ કરુણા -વાત્સલ્ય – મમતા જેવા ગુણની વિશાળતાને જે સ્ત્રી સ્પર્શે છે એ સાસુ માતા સમ બની શકે છે.વિશાળતાને લોકપ્રિયતા મેળવવામાં બાહ્ય સુંદરતાની જરુર નથી પડતી.કદરુપી સાસુઓ પણ માતા સમ વ્હાલુડી લાગી શકે છે. સામે પક્ષે મા પોતાના સંતાનો પ્રત્યે ગમે એટલું કડક વર્તન દાખવે તો પણ એ અણખામણી નથી લાગતી. ‘મા અને સાસુ’ આ બે શબ્દોની માયા અપરંપાર છે. તટસ્થતાથી – પ્રેકટીકલી વિચારીએ તો દરેક સ્ત્રીએ સંકુચિત – ઇર્ષ્યાખોર -ઝગડાળુ માનસ છોડીને વિશાળ – પારદર્શી -મમતાળુ વર્તન અપનાવીને કાયમ ‘માતા’ બની રહેવું જોઇએ. કારણ આ લેખની શરુઆતની લીટીમાં કહ્યા મુજબ ‘સાસુ’ નામનો શબ્દ આપણા સમાજમાં ઓરમાયાપણું જ પામે છે. એથી દરેક સાસુએ વિશાળ બનીને માતાના સ્તર સુધી વિસ્તરવું જ પડે એ સિવાય એ એની વહુ પાસેથી દીકરી સમ પ્રેમ ક્યારેય પ્રાપ્ત ના કરી શકે.

આ જ વાતને લિંગભેદની જાતિને ભૂલીને વિચારીએ તો વિશાળતા નામનું તત્વ એટલી જ ઉત્કટતાથી પુરુષોને પણ સ્પર્શે છે. વિશાળતાને જાતિભેદ ક્યારેય નથી નડતો. દરેક હેતાળ – સમજુ પુરુષ માતા સમ છે જ્યારે કર્કશ, તાનાશાહી અને આપખુદ વલણ ધરાવતો પુરુષ સાસુ !

ઘણા પુરુષો પોતાની પત્નીનું સ્વતંત્ર અસ્તિત્વ નથી સ્વીકારી શકતો. પત્નીને પોતીકા અરમાનો હોય છે એ વાત તરફ એ આંખ આડા કાન કરે છે. પત્નીને એ કાયમ પોતાની અપેક્ષાઓ પૂરી કરનારું મશીન જ સમજે છે.આવા મશીન પાસેથી એ રેમની અપેક્ષાઓ કેમની રાખી શકે. એને મળે છે તો ફકત બીક -ડર -ધ્રુણા ના ઓથા નીચે છેતરપીંડીયુક્ત નકલી પ્રેમ. તો અમુક સ્ત્રીઓ પોતાની શંકા – સંકુચિત સ્વભાવ દ્વારા પુરુષોને કનડતી જોવા મળે છે. આવી સ્ત્રીઓનો સ્માય કૂતરાની જેમ પોતાના પતિની ચોકીપહેરામાં જ વ્યતીત થાય છે. આ કવાયતમાં એ પતિનો પ્રેમ પામી નથી શકતી. મેળવે છે તો ફક્ત એક ત્રસ્ત, કાયમ એના ચોકીપહેરાને તોડીને નાસી જવા આતુર એક રીઢો ગુનેગાર. જે લગ્નજીવનમાં વિશાળતા ના હોય ત્યાં બે ગુનેગારો એક બીજા સાથે જાતજાતની રમતો રમવામા જ વ્યસ્ત રહે છે. એ રમતો જ રમી શકે એકબીજાને પ્રેમ ક્યારેય ના કરી શકે. પ્રેમ નામના તત્વનો ત્યાં છેદ ઉડી જાય છે.

અપેક્ષાઓની વાત આવે છે ત્યારે એને સકુચિતતાનો નાગ ડંખ મારીને ઝેર ના ચડાવે એ ધ્યાન રાખવું ઘટે. અપેક્ષાઓને ઉદારતાની હદ સુધી વિસ્તારવાથી એની તીવ્રતા પણ ઓછી થઈ જાય છે. આપણી ઓફિસમાં આપણા હાથ નીચે કામ કરતા કર્મચારીઓ પાસે આપણે કેટલી હદ સુધીની અપેક્ષા રાખીએ છીએ ? એમને ચૂકવવામાં આવતા એક એક પૈસાનું પૂરેપૂરું મૂલ્ય વસૂલવાની આપણી સંકુચિત મંશામાં આપણે એ કર્મચારીઓને કેટલી હદ સુધી અન્યાય કરીએ છીએ એ વાત એકાંતમાં જાત સામે જાતને રાખીને વિચારતા ચોકકસ સાચો જવાબ મળશે. વળી એ જ અપેક્ષાની પૂર્તિની વાત આવે ત્યારે આપણે કાચા પડીએ છીએ. આપણે જેના હાથ નીચે કામ કરતાં હોઇએ, જેમના કર્મચારી હોઇએ એમની અપેક્ષાઓ સંતોષવામાં આપણે જાતજાતના ગલ્લાં તલ્લાં કરીએ છીએ, કાચા પડીએ છીએ. આપણે જે વર્તન સંતોષકારી રીતે નથી કરી શકતા એ જ વર્તન બીજાઓ પાસેથી રાખાવાનું કેટલું યોગ્ય એ પણ એક વિચારપ્રદ વાત છે !

માનવીનું ભીતરી સૌન્દર્ય એના શારીરિક સૌંદર્યમાં ભળે ત્યારે વ્યક્તિ તેજોમય -રુપાળો લાગે છે. બધો ફર્ક ઉદારતાનો – વિશાળતાનો જ હોય છે. ભગવાનનો આશીર્વાદ પામેલી પ્રક્રુતિ વિશાળતા નામના ગુણનો બરાબર પચાવીને બેઠી છે એથી જ એ સુંદર છે અને સુંદર છે એથી એ માતા છે. વિકસવું એ માતૃત્વ-ઘટના છે જ્યારે સંકુચિતતા એ સાસુપદ. દરેક સાસુપણાની અત્યંત નિમ્ન કક્ષાએ એક ખલનાયક કે ખલનાયિકા પેદા થાય છે.

આજે જ્યારે અમુક રાજ્યો પોતાની અલગ ઓળખાણની માંગ કરે છે ત્યારે વિકાસ માટે એમણે પણ આ ઉદારતા અને વિશાળતાનું મહત્વ સમજવું જ રહ્યું.

હવે તમારે નક્કી કરવાનું કે તમારે કઈ ભૂમિકા ભજવવાની છે – સાસુની કે માતાની ? વળી જે ભૂમિકા પસંદ કરો એને સતત વળગીને એને અનુકૂળ થઈને જીવવાની હિંમત પણ કેળવવાની રહેશે. ફકત વિચારોથી કશું નથી સાબિત થતું, વર્તન જ આપણો સાચો આઈનો છે.

પૂર્વાકાશમાં ક્ષિતિજરેખા પર ધીરે ધીરે ખસતાં સૂર્યે પોતાની દિશા બદલી છે કદાચ આપણે પણ એમ જ કરવાનું છે. મીરાં કહે છે, ‘ઉલટ ભઈ મેરે નયનન કી.’

-sneha patel.