વસુધૈવ કુટુમ્બકમ Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધૈવ કુટુમ્બકમ

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail - brsinh@live.com

+1 732 406 6937

Scranton, PA, USA.

વસુધૈવ કુટુમ્બકમ.

“આખી પૃથ્વી મારું કુટુંબ છે” કહેનારા કોઈ પ્રાચીન મનીષી શાયદ જાણતાં હોવા જોઈએ કે આખી પૃથ્વી ઉપર માનવજાત ફેલાઈ છે તેના જિન્સ એક જ છે. એક જ Y અને X ક્રોમોજોમનો વ્યાપ સમસ્ત પૃથ્વી ઉપર છે. કહેવાતા ધર્મોએ ઉચ્ચ આદર્શની વાતો કરી અને પોતાના ભાઈઓના ખૂન વહાવ્યા. આખી પૃથ્વી મારું કુટુંબ છે તે સાબિત કરી રહ્યા છે આજે જેનેસેસિસ્ટ વૈજ્ઞાનિકો, કહેવાતા ધર્મો નહિ. સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના ડૉ લુકાએ આના વિષે રિસર્ચ શરુ કરેલું. આખી દુનિયાના તમામ માનવ સમૂહો અને ખાસ આદિવાસી જાતિઓના જિન્સ એકઠા કરીને વર્ષો સુધી સંશોધન કર્યું.

Y X પુરુષમાં હોય છે, જ્યારે સ્ત્રીમાં ફક્ત X X ની જોડી હોય છે. એનો મતલબ Y ફક્ત પુરુષમાં જ હોય છે. આ Y, પિતા પોતાના પુત્રમાં ટ્રાન્સ્ફર કરે છે. સાથે પોતાની માતા પાસેથી મળેલો X પણ ટ્રાન્સ્ફર થાય છે. Y દ્વારા પિતાની જિનેટિક ટ્રેઈલ જાણી શકાય છે. તેવી રીતે X દ્વારા માતાની. નેશનલ જિયોગ્રાફી એક જિનોગ્રાફ નામનો પ્રોજેક્ટ ચલાવે છે. એના વડા છે, ડૉ અલ સ્પેન્સર. વર્ષોના રિસર્ચ પછી માલૂમ પડ્યું છે કે આખી પૃથ્વીની માનવજાતનું ઉદગમ સ્થાન આફ્રિકા છે. આશરે ૬૦,૦૦૦ વર્ષ પહેલા એક નાનકડો હોમોસેપિયન માનવ સમૂહ આફ્રિકા છોડી મધ્યપૂર્વ (મિડલ ઇષ્ટ) થઈને આખી દુનિયામાં ફેલાયો. ધીમે ધીમે સુસંસ્કૃત થતો થતો આગળ અને આગળ વધતો ગયો. Y ક્રોમોઝોમ કોઈ પણ ફેરફાર થયા વગર પુત્રને વારસામાં પિતા તરફથી મળતો હોય છે. એમાં કોઈ મોટો ફેરફાર થતો નથી પણ નજીવો જે ફેરફાર મ્યુટેશન થાય છે તેને માર્કર કહે છે. આ માર્કર પણ પાછળની પેઢીઓમાં ચેઇન્જ થયા વગર આગળ વધતો જાય છે. આવી રીતે માર્કર વધતા જાય છે, તેનો અભ્યાસ કરવાથી માનવ વંશની જુદી જુદી શાખાઓ જાણી શકાય છે.

માનવ જાતને પેદા થયા પછી જે સૌથી પહેલો માર્કર થયો હોય તે દુનિયાની તમામ જાતમાં મળી આવે છે તેનાથી સાબિત થાય કે આપણે એક વૃક્ષના થડ ઉપર રચાયેલી વિવિધ શાખાઓ છીએ. જો કે દેવોની ભાષા બોલવાવાળા આપણને આ બધી વાતો જલદી ગળે નહિ ઊતરે. ઊતરતી હોવા છતાં દંભી મન સ્વીકારવા તૈયાર ના થાય કે માનવજાત આફ્રિકાથી પેદા થઈને બધે ફેલાઈ છે. પણ genes કોયડા ઉકેલે છે. ભારતમાં એક વખત માનવજાતનું આગમન થયું નથી, અનેક વખત થયું છે. સૌથી પહેલો માનવ આફ્રિકાથી મિડલ ઇષ્ટ થઈને ભારત પહેલો આવેલો. ત્યાંથી પછી છેક ઓસ્ટ્રેલીયા સુધી પહોંચી ગયો હતો. પણ ત્યાર પછી પણ માનવ અનેક વાર ભારતમાં આવ્યો છે. પ્રાચીન દ્રવિડિયન દક્ષિણ ભારત અને શ્રી લંકા સૌથી પહેલા પહોચેલા. ત્યાર પછી હરપ્પન આવ્યા. છેલ્લું મોટું આગમન આર્યોનું થયું જે ઘોડાઓ ઉપર આવ્યા તેવું વેદો અને પુરાણો દ્વારા જાણવા મળે છે. એના પુરાવા જિન્સ આપી શકે છે. ચાલો નીચેની વિગત તપાસીએ.
૧) સૌથી પહેલો માનવ જે આફ્રિકાથી બહાર નીકળ્યો તેના જિન્સનો માર્કર હતો M168. આ માર્કર આફ્રિકા સિવાયના બાકીની દુનિયાના માનવોમાંથી મળે છે. એમાં શ્વેત,અશ્વેત અને બ્રાઉન તમામ આવી જાય. તમામ નોનઆફ્રિકન માનવોનો આદમ આને કહેવાય છે. M168 પછી M130 અને M89 માર્કર થયેલો છે. M89 ઉત્તર તરફ આગળ વધ્યો એમાં M9 માર્કર થયેલો છે.
૨) ભારતમાં પહેલું આગમન થયું તેનો માર્કર છે M130. આ માર્કર M168 પછીનો તરતનો બીજો જ થયેલો માર્કર છે. આ માર્કર શ્રી લંકા, દક્ષિણ ભારત અને છેક ઓસ્ટ્રેલીયન આદિવાસીઓમાં મળે છે. આ બહુ જુનો આશરે ૫૦,૦૦૦ વર્ષ જુનો માર્કર છે. તામિલનાડુના ભાઈ વિરુમાંડીનાં જિન્સમાં આ માર્કર મળ્યો છે. આ લોકો પહેલા ભારત આવેલા દ્રવિડિયન લોકો હોવા જોઈએ કે આના પછી આવેલા.
૨) ગ્રુપ L માર્કર(M20) – આ ગ્રુપ બીજા નંબરનું સૌથી મોટું ભારતમાં પ્રવેશેલું અને આ માર્કર આશરે ૩૦,૦૦૦ વર્ષ જુનો છે આને ઇન્ડિયન Clan પણ કહે છે. દક્ષિણ ભારતમાં વ્યાપક પ્રમાણમાં આ માર્કર છે. આ ગ્રૂપ મને લાગે છે દ્રવિડિયન હોવું જોઈએ. M9 માર્કર ૪૦,૦૦૦ જુનો છે, આ પછીનો માર્કર M20 છે. એટલે M9 આગળ ઉત્તર તરફ વધ્યો પણ એક બ્રાંચ M20 થઈને ભારતમાં આવ્યો. હવે આને હરપ્પન કહેવું કે આના પછી પ્રવેશેલું ગ્રૂપને?
૩) ગ્રૂપ H માર્કર છે M69 ૩૦,૦૦૦ વર્ષ જુનો માર્કર. આ ગ્રૂપ ભારતમાં આવ્યું અને પછી માર્કર બન્યો M52
૪)ગ્રૂપ H1 અને માર્કર છે M52 ૨૫૦૦૦ વર્ષ જુનો આ માર્કર ભારતમાં વ્યાપક છે. ૨૫% લોકો આ માર્કર ધરાવે છે. ગ્રૂપ L (M20) અથવા ગ્રૂપ H(M69) અથવા ગ્રૂપ H1(M52)આ ત્રણમાંથી કોઈ એક હરપ્પન હોવા જોઈએ.
૫)એક જુનો માર્કર M174 ગ્રૂપ D પણ ભારતમાં થઈને શ્રી લંકા અને આગળ સાઉથ ઈસ્ટ એશિયા તરફ ગયેલો છે.
૬) ગ્રૂપ Q -M242 તમામ નેટીવ અમેરિકન્સ અને સાયબેરીયન અને ભારતમાં પણ આ માર્કર મળે છે. કદાચ હિમાલયની તળેટીના લોકોમાં આવા ફીચર્સ મળે છે. સાવ નાના બુચિયા નાક ટૂંકા હાથપગ આ લોકોની ખાસિયત છે. આ ગ્રૂપ મૂળ સાયાબેરીયન લોકોનું છે. ભારત અને નેપાળના ગુરખા આ જાતના રંગરૂપ ધરાવે છે.
૭) ગ્રૂપ R2 -M124 ૨૫૦૦૦ વર્ષ જુનો આ માર્કર ધરાવતું ગ્રૂપ ચીપિયા આકારે માર્ગ બનાવી ભારતમાં પ્રવેશેલું. આ પણ એક બહુ મોટું ગ્રૂપ ગણાય છે. ભારત, પાક અને સાઉથ એશિયામાં આ માર્કર વ્યાપક છે. યુરોપના જિપ્સી લોકોમાં આ માર્કર મળી આવે છે. યુરોપિયન જિપ્સીના પૂર્વજ ભારતીય વણજારા છે તેની સાબિતી છે.
૮) સૌથી નવું ગ્રૂપ M17 ૧૦,૦૦૦ થી ૧૫૦૦૦ વર્ષ જુનો આ માર્કર ભારત અને આઈસ લેન્ડમાં મળે છે. આ લોકો આર્યો હોવા જોઈએ.કારણ આ ગ્રૂપ સૌથી પહેલું ઘોડાઓને પાલતું બનાવનારાઓનું ગણાય છે. મેં પોતે મારા જિન્સ ચેક કરવા નેશનલ જિયોગ્રાફીમાં મોકલ્યા હતા અને મારો માર્કર M17 છે.

પ્યારા મિત્રો જિનેટિક માર્કરનો અભ્યાસ કરવાથી જાણી શકાય છે કે આખું વિશ્વ એક કુટુંબ છે.જેણે કહ્યું હશે કે આખું વિશ્વ મારું કુટુંબ છે તેને હાલના કહેવાતા ધર્મો સાથે કોઈ લેવાદેવા નહિ હોય. કારણ આજે ધર્મો કહો કે સંપ્રદાયો, માનવને માનવથી વખુટા પડવાનું કામ કરી રહ્યા છે.

યુરોપ બાજુથી પણ અહીં સ્થળાંતર થયું છે. એટલું જ નહીં, વેસ્ટ એશિયા (મિડલ-ઈસ્ટ) નું પણ કનેક્શન છે. છેલ્લે Steppesનાં જંગલો સાથે ઇતિહાસ વધારે સ્પષ્ટ થવા લાગે છે. એ તો આર્યો જ ! અને શક્ય છે કે અહીં આવેલા ’આર્યો’ આ કુર્ગાન ઘોડેસવારો જ હશે. હીરોડોટસને ઇતિહાસકારો માન્યતા નથી આપતા પણ એના ’ઇતિહાસ’નો એક ભાગ ઇંટરનેટ પર ખાંખાખોળા કરતાં વાંચવા મળ્યો. એના અનુસાર રશિયા-યૂક્રેન અને બાયલોરશિયા આ ત્રિપુટિ ઘોડા માટે જાણીતી હતી. ઋગ્વેદમાં પણ એક સ્થળે કહ્યું છે કે “રુશમ દેશના રાજાએ અમને ઘોડા આપ્યા”. આ રીતે લોકમાન્ય તિલકનું અનુમાન પણ સાચું હોવાનું મારા પોતાના જેનેટિક પ્રવાસ પરથી પ્રત્યક્ષ રીતે સાબીત થાય છે કે આર્યો ઉત્તર ધ્રુવ તરફથી આવ્યા. મારા પૂર્વજો પશ્ચિમ એશિયા જઈ, યુરોપ ગયા ત્યાંથી ફરી મધ્ય એશિયા આવ્યા. પશ્ચિમ એશિયા સાથેનું કનેક્શન પહેલીવાર સામે આવ્યું.

પારસીઓનો ઇતિહાસ પણ દક્ષિણ ઇરાનમાં એમની વસ્તી હોવાનું દેખાડે છે અને મને યાદ આવે છે ત્યાં સુધી ઝોરોસ્ટર (અષો જરથુષ્ટ્ર) ઉત્તરથી દક્ષિણ તરફ આવ્યા હતા. અહીં સર્વોચ્ચ દેવતા ’અસુ્ર’ (અહુર – અહુરમઝ્દ) હતો. ઋગ્વેદનાં શરૂઆતનાં મંડળોમાં ’અસુર’ ખરાબ શબ્દ નથી. આ ગ્રુપમાં બે ફાંટા પડ્યા અને મારૂં ગ્રુપ ભારત તરફ આવ્યું, જે ઇન્દ્રપૂજક હતું. ઇન્દ્રના મિત્રો અને શત્રુઓ વચ્ચે સંઘર્ષ હતો. આ તો વિભાજનનાં કારણો થયાં પણ વિભાજન પછી ભારત તરફ જવાનો પુરાવો મારા જેનેટિક હિસ્ટરીમાંથી મળે છે. જાણે આ ઇતિહાસને સહારે હું પણ ચાલતો ભારત આવ્યો એવું મને લાગ્યું. ખરેખર પહેલી વાર મુંબઈ ગયો ત્યારે સમુદ્ર જોઈને મને અહેસાસ થયો જે આજ સુધી કાયમ છે. મને એક તરફથી ક્ષુદ્રતાની લાગણી થઈ અને બીજી બાજુ લાગ્યું કે આ સમુદ્ર મને કેટલાય દેશો સાથે જોડી દે છે. શરીરમાંથી એક રોમાંચની લહેર પસાર થઈ ગઈ હતી. એવો જ અનુભવ મારો જેનેટિક હિસ્ટરી વાંચીને થયો. આપણે કોણ, ક્યાંથી આવ્યા… આવતી પેઢીઓ ક્યાં જશે, કોઈ જાણતું નથી અને તેમ છતાં…!

આર્યો બહારથી આવ્યા અને હિંદુકુશ પાંર કરીને આવ્યા એના પુરાવા ઋગ્વેદમાં જ છે (અને મારાં જેનેટિક ચાર્ટમાં પણ). ઋગ્વેદ કહે છે કે સોમની વેલ મુંજ ઘાસથી છવાયેલા પર્વતમાં થાય છે જે ઉભા ઉભા હાથેથી તોડી શકાય એવી છે. એટલે કે સોમ લતા સહેલાઈથી મળતી હતી. આ વાત સાત નદીઓના પ્રદેશમાં થાય છે. તે પછી આર્યો મધ્ય ભાગમાં આગળ વધે છે અને સપ્તસિંધુમાં પણ આજુબાજુ ફેલાય છે. હવે એકવીસ નદીઓનાં નામ મળે છે. આમાં કુભા(કાબુલ) નદી અને ગંગાનાં નામ પણ છે. આ સમયે સોમની કથા બદલાય છે. હવે કહે છે કે સોમને શ્યેન (બાજ) પક્ષી સ્વર્ગમાંથી લાવ્યું! તે પછી, યજ્ઞ તો થતા જ. અને કહેવાતો સોમ-રસ પણ બનતો જ. પણ હવે ઋગ્વેદ કબુલ કરે છે કે ’ગૃહિણીઓ કોઈ પણ ફળનો રસ બનાવે છે અને એને સોમ-રસ કહે છે. મધ્ય ભારતમાં સોમ લતા નહોતી મળતી. હરપ્પન લોકો Negroid હતા એ તો મોહેં-જો-દડોમાંથી મળેલી મૂર્તિઓ પરથી જ સાબિત થઈ જાય છે. ઋગ્વેદ પણ કૃષ્ણ -કાળા-લોકોનો ઉલ્લેખ કરે છે. RSSની મુખ્ય દલીલ એ છે કે મુસલમાનો બહારથી આવ્યા. હવે, આર્યો પણ બહારથી આવ્યા એમ કહીએ તો એમ નક્કી થાય કે બધા જ વિદેશી છે, એટલે એમનું કહેવું છે કે આર્યો અહીંના જ હતા. પછી ઇતિહાસ, પુરાતત્વ, બધાનું ભલે કાટલું નીકળી જાય. આભીરો (સ્વયં કૃષ્ણ ભગવાન) બહારથી આવ્યા, બાલ્હિકો (પંજાબી-બહેલ) બૅક્ટ્રિયાથી આવ્યા, શક, કુષાણ, હુણ બધા બહારથી આવ્યા પણ એમનાં લોહી હિન્દુ સમાજમાં ભળી ગયાં. નાગરો ગ્રીસ (મેસિડોનિયા)થી સિકંદરના સૈન્ય સાથે આવ્યા અને સેલ્યૂકસે તો અહીં (ગાંધારમાં) રાજ્ય બનાવ્યું. કોણ બહારનો નથી? મહાભારતમાં તો મ્લેચ્છોનો પણ ઉલ્લેખ છે.

આરબોએ કેરળમાં પહેલી મસ્જિદ બાંધી ત્યારે આદિ શંકરાચાર્ય જન્મ પણ નહોતો થયો. સેન્ટ થોમસ (?) ઇસુના મૃત્યુ પછી તરત જ કેરળ આવ્યા. કોચીનમાં આજે પણ યહૂદીઓ રહે છે. ભારતીયો કંબોડિયા ગયા અને ત્યાં રાજ પણ કર્યું. કોણ બહારનો કોણ અહીંનો, એ લડવાના મુદ્દા છે. મોટાભાગના લોકો એ પણ જાણતા નથી હોતા કે એમના પરદાદાના પરદાદાનું નામ શું, તો પણ “અમારું લોહી શુદ્ધ” એવો દાવો કરતા હોય છે, જાણે નામ જાણ્યા વગર જ એણે શું કર્યું તે ઇતિહાસ જાણતા હોય!

એક બહુ મોટા વૃક્ષની ડાળીઓ કેટલી બધી હોય? પણ તે વૃક્ષનું થડ તો એક જ હોય છે. વૈજ્ઞાનિકોએ આખી દુનિયાની તમામ જાતોના જિન્સ ચેક કર્યા ૧૫ વર્ષ રીસર્ચ કર્યું. જિન્સમાં થતા ફેરફાર માર્કર ચેક કર્યા. અને જાણ્યું કે તમામ જાતોના જિન્સનો સૌથી પહેલો માર્કર તો એક જ છે. એટલે એમને લાગ્યું કે આખી દુનિયાની માનવજાત એક જ વૃક્ષની વિવિધ ડાળીઓ છે. જિન્સમાં જેટલી વિવિધતા આખી દુનિયાના માનવોમાં નથી એટલી વિવિધતા આફ્રિકામાં વસતી માનવ જાતોમાં છે.

ટૂંકમાં માણસ આફ્રિકાથી ઉત્ક્રાંતિ પામ્યો અને આખી દુનિયામાં ફેલાયો તે સાબિત થાય છે.