દોસ્ત સાથે દુશ્મની
ભાગ-૧૧
(અંશુ ૬ વર્ષ પહેલા પ્રોજેક્ટ વર્ક માટે વાપીથી બેંગ્લોર એક ટ્રેઈની તરીકે જાય છે અને બેંગ્લોરથી પરત એક આસિસ્ટન્ટ મેનેજર બનીને આવે છે. હાર્દિક શું કરતો હશે, હજી MKC માં જ હશે, જો હશે તો અંશુ અને હાર્દિક ફરી સામે આવશે ત્યારે શું થશે, જાણવા માટે વાંચો દોસ્ત સાથે દુશ્મની નો ભાગ-૧૧....)
બેંગ્લોરથી આવ્યાના બીજા દિવસે અંશુ વાપી પ્લાન્ટમાં હાજર થયો. વાપી પ્લાન્ટ માં હજી ખાસ કઈ સુધારા –વધારા નહોતા થયા, બસ એ જ અણઘણ હાલતમાં પ્લાન્ટ ચાલતો હતો. પરંતુ અંશુએ હવે વધારે મગજમારી કરવા કરતા માત્ર પોતાના કામ કરવા પર જ ધ્યાન આપવાનું વિચાર્યું. આમ પણ એ વાપીમાં માત્ર પ્રોજેક્ટ માટે જ આવ્યો છે એ પતી જાય પછી ફરી બેંગ્લોર જ જવાનું હતું. પરંતુ વિધાતાએ અંશુ ની કુંડળીમાં કંઇક અલગ લખ્યું હતું. વાપીમાં નવો પ્લાન્ટ નાખવાની મુદત લંબાતી ગઈ અને છેલ્લે પ્રોજેક્ટ રદ્દ કરવો પડ્યો. અંશુ ફરી બેંગ્લોર જવાનો વિચાર કરતો હતો ત્યારે જ બેંગ્લોરના HOD એ અંશુને વાપી જ રહેવા જણાવ્યું. આમ ૬ વર્ષ પછી અંશુ ફરી MKC વાપી નો વર્કર બન્યો.
હાર્દિક પણ હજી MKC માં જ હતો. ૬ વર્ષ નો અનુભવ થઇ જવાને લીધે હવે એ ઇન્ચાર્જ બની ગયો હતો. અને આખો પ્લાન્ટ સંભાળતો. કંપનીની ક્રિકેટ ટીમનો કેપ્ટન હજી એ જ હતો. પણ હજી કામ માટે એટલો જ આળસુ. બસ કેમે કરીને કામ ના આઠ કલાક કાઢવા એ જ એને આવડે. બીજાની ચુગલી કરવાની પણ આદત. એક વાત ને અહીની ત્યાં કરવામાં એને બહુ મઝા આવતી. અંશુ એ બેંગ્લોરમાં MBA અને સેફટી નો કોર્સ પૂરો કર્યો જયારે હાર્દિક બસ માત્ર આઠ કલાક કરી રીતે ટાઈમપાસ કરવો એની જ ફિરાક માં રહેતો.
અંશુને હવેથી પોતે ફરી વાપી પ્લાન્ટમાં જ રહેવાનું હોઈં એ વાતથી એ નાખુશ હતો. બેંગ્લોરનું વાતાવરણ એને એકદમ અનુકુળ હતું કારણકે એ વાતાવરણ એણે પોતે જ બનાવ્યું હતું. જયારે અહિયાં વાપીમાં હવે એને શ્વાસ રૂંધાતો હોય એવું લાગતું. હાર્દિકને અંશુ આવવાથી કોઈ ફર્ક તો નહોતો જ પડ્યો. પરંતુ ૬ વર્ષ પહેલા હાર્દિકે જે કર્યું હતું એ અંશુ હજી ભૂલ્યો નહોતો. એટલે આ વખતે અત્યારથી જ નક્કી કર્યું કે જો હાર્દિક સાથે રહેવાનું આવશે તો MKC છોડી દઈશ.પરંતુ સિંઘ સાહેબે અંશુને શિફ્ટ ની જગ્યા એ જનરલ શિફ્ટમાં મુક્યો. આથી બંને વચ્ચે મુલાકાતો એકદમ ઓછી થઇ ગઈ અને મળે તો મોટાભાગે અબોલા જ રહેતા.
અંશુ બેંગ્લોર જોબ કરી આવ્યો હોવાથી સિંઘ સાહેબે એને આસિસ્ટન્ટ મેનેજરના પદે નિયુક્ત કરી દીધો. હવે અહીનું ગણું ખરું કામ અંશુ સંભાળતો. ૬ વર્ષ બેંગ્લોર રહ્યો હોવાથી સેટ થતા થોડો સમય લાગ્યો પરંતુ અંશુ એની બુદ્ધિથી બહુ જલ્દી બધું સમજી લેતો.
સિંઘ સાહેબે અંશુ ના કંપનીના મેઈલ એડ્રેસ પર એક મેઈલ મોકલીને પ્લાન્ટ માં કેટલાક જરૂરી સુધારા વધારા કરવા માટે સુચન માંગ્યા. અંશુ એ થોડો સમય માંગીને પોતાની રીતે જોઇને જણાવવા કહ્યું. વળી, દિવાળી એકદમ નજીક જ હતી અને અંશુએ છેલ્લી ૬ દિવાળી પ્લાન્ટમાં જ ઉજવી હતી એટલે આ વખતે એક મહિનાની લાંબી રજા લઈને પોતાના ઘરે-ભરૂચ જવાનો હોઈ સુધારા વધારાનું કામ દિવાળી પછી જ રાખવાનું સિંઘ સાહેબને કહ્યું અને સિંઘ સાહેબે વાત મંજુર પણ રાખી.
અંશુ ના વાપી પ્લાન્ટમાં પાછા આવવાથી પ્લાન્ટમાં ફરી અંશુ અને હાર્દિક ની દોસ્તી અને દુશ્મનીની વાતો થવા લાગી. જયારે હાર્દિક પ્લાન્ટમાં જતો ત્યારે ઘણી વખત એને ચીડવવા બધા અંશુ ની તારીફ કરતા, આવી વાતો થી હાર્દિક ખુબ અકળાતો. પણ બધી રીતે જોવા જાય તો આ લડાઈમાં અંશુ ખુબ મોટા માર્જિનથી જીત્યો હતો.
બેંગ્લોર માં ૬ વર્ષ કામ કરીને અંશુ ટ્રેઈની થી આસિસ્ટન્ટ મેનેજર બની ગયો હતો જયારે હાર્દિક એ જ હજી સડી જીંદગી જીવતો હતો. આ દિવાળી એ યોજાવાના કંપનીના એન્યુઅલ ફંકશનમાં અંશુ ને સન્માનિત કરવાના હતા અને બેંગ્લોરમાંથી MBA અને સેફટી નો કોર્સ કરી આવવાને કારણે આ વખતે અંશુ બોનસ પણ ખુબ સારું લઇ જવાનો હતો. અંશુ નું નામ કંપનીના “Most 10 Inspiring Person of MKC” માં આટલી નાની વયે આવી ગયું હતું.
અંશુની આટલી સારી પ્રતિસ્થા હાર્દિકને પચતી નહોતી પરંતુ આગળની બે હારથી હાર્દિક એટલું તો શીખ્યો હતો કે જે કરવું એ મોટું કરવું જેથી અંશુનો કંપનીમાં જે માન-મરતબો, પ્રતિસ્થા છે એ ધૂળમાં મળી જાય. પરંતુ કઈ રીતે એ હાર્દિકને સમજાતું નહોતું. દિવાળીના એક અઠવાડિયા પહેલા યોજાયેલા એન્યુઅલ ફંક્શનમાં અંશુનું કંપનીના વાઈસ પ્રેસીડન્ટ મિસ્ટર કુમારના હાથે સન્માન થતું હતું ત્યારે હાર્દિક પાછળ છેલ્લી ખુરશી પર બીયર પીતો બેઠો હતો.
અંશુ બીજા જ દિવસથી એક મહિનાના દિવાળી વેકેશન પર ઉપડ્યો. આગલા દિવસે સૌને “હેપ્પી દિવાળી” કહેતી વખતે અંશુ અને હાર્દિક જયારે સામે આવ્યા ત્યારે બંને ને ચોક્કસ એ દિવાળી યાદ આવી હશે જયારે અંશુના લીધે હાર્દિકની દિવાળી સુધરી ગઈ હતી અને હાર્દિકની આ દિવાળી બગડવાનું કારણ પણ કદાચ અંશુનું વાપી પરત આવવું જ હશે.
એક મહિના પછી અંશુ દિવાળી વેકેશનમાં એક્દમાં ફ્રેશ થઈને કામમાં પરોવાયો. આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ ના કારણે હવે દરેક મીટીંગ માં હાજર રહેવું જરૂરી બન્યું, જે તે કંપની સાથે સીધો સમ્પર્ક સાધીને જરૂરી instrument ખરીદવું આ બધા કામ આવવા લાગ્યા. હાર્દિક ડીપાર્ટમેન્ટ ની ખુરશી માં પગ પર પગ ચડાવીને સુતો હોય ત્યારે અંશુ કમ્પ્યુટર પર બેસીને પ્લાન્ટના સુધારા-વધારા કરતો હોય.
દિવાળી પછી કંપનીએ વાપીમાં નવો પ્લાન્ટ વિશેનો જે વિચાર પડતો મુયો હતો એ ફરી શરુ કરવાની તજવીજ હાથ ધરી. એમાં ઇન્સટ્રુમેન્ટ તરફ્થી બધુ કામ અંશુ સંભાળતો હતો. અંશુ આ નવા પ્લાન્ટને ઉભો કરવામાં વ્યસ્ત થઇ ગયો અને હાર્દિક જુના પ્લાન્ટોને સાચવવામાં. બંને વચ્ચે મુલાકાતો એકદમ ઘટી ગઈ. કામ સિવાયની વાત તો બંને બિલકુલ ના કરતા.
કંપની આ વખતે નવા પ્લાન્ટ માટે એક નવી ટેકનોલોજી નો ઉપયોગ કરવાનું વિચારી રહી હતી અને એ હતું રોબોટ પાસે કામ કરાવવાનું. અમુક જગ્યાએ માણસ ની જગ્યાએ રોબોટ કામ કરે. અને એમ પણ આ આગળ વધતી ટેકનોલોજી સાથે કદમ મીલાવવું જરૂરી જ હતું. આ રોબોટ ટેકનોલોજી સમગ્ર વિશ્વમાં કદાચ બહુ ઓછી જગ્યા એ ઉપયોગમાં લેવાતી હશે. ઇન્સટ્રુમેન્ટ નું બધું કામ અંશુ સંભાળતો હોવાથી આ કામ પણ અંશુ ઉપર જ આવ્યું. અંશુ એ કોલેજ સમયમાં રોબોટ બનાવ્યો હોઈ થોડું તો એ જાણતો હતો, બાકીનું જાતે શીખીને 3 મહિનાની અંદર કંપનીમાં કામ પ્રમાણે રોબોટ તૈયાર કરીને રજુ કરવાનો હતો. અંશુ એક ટીમ લઈને એના કામ માં જોડાઈ ગયો.
ઘણા બધા પ્રયત્નો પછી 3 મહિનાના અંતે અંશુ અને તેની ટીમ ને રોબોટ બનાવવામાં સફળતા મળી. આ બનેલા રોબોટ નો કંપનીના બધા ઉચ્ચ હોદ્દેદારો ની હાજરીમાં પરીક્ષણ કરાયું અને સફળ રહ્યું, હવે અંશુ અને તેની ટીમ એ બીજા ૬ જ મહિનામાં આવા 3 રોબોટ બનાવીને કંપનીને આપી દેવાના હતા. અંશુ અને તેની ટીમ તે કામ માં પરોવાઈ ગઈ. અંશુ પ્રોજેક્ટનું બધું જ કામ સંભાળતો હોય ઘણું કામ રહેતું. જોતજોતામાં આખો પ્લાન્ટ ઉભો કરતા સહેજે આઠેક મહિના નીકળી ગયા.બીજા નાના-મોટા સુધારા કરતા ફરી બે-ત્રણ મહિના નીકળી ગયા, આમ અંશુનું વાપીમાં એક વર્ષ ક્યાં નીકળી ગયું એનું ભાન જ ના રહ્યું.
MKC માં ઇન્સટ્રુમેન્ટ ડીપાર્ટમેન્ટ ની વાત આવે એટલે બધી જગ્યા એ અંશુનું જ નામ બોલાતું. મહારાજ ની છાતી આ જોઇને ગદગદ ફૂલતી હતી અને કેમ ના ફૂલે, એમના પ્રિય શિષ્ય એ કામ જો એવું કર્યું હતું?!!!!! પોલીસ્ટર ચિપ્સ બનાવતી વિશ્વ ની બધી કંપની ઓમાં MKC નું નામ હવે બહુ જ ગર્વ થી લેવાતું હતું.
અંશુ અને હાર્દિક વચ્ચે આજથી ૮ વર્ષ પહેલા એક ઇલેકટ્રીકલ ટેપ અને પછી હાર્દિકના સીડી ઉપરથી પડી જવાને મામલે જે લડાઈ થઈ હતી ત્યારે અંશુ અને હાર્દિક બંને પ્લાન્ટમાં નવા કહેવાય એવા જ હતા. પરંતુ ત્યાર પછી અંશુ એ એની મહેનત, લગન, આત્મવિશ્વાસ થી એક ઉપર એક મુકામ સર કરીને આજે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર બેઠો છે જયારે હાર્દિક હજી પણ એ જ પરચુરણ કામ કરે છે. હજી પણ હાર્દિકની માનસિકતામાં બહુ ખાસ ફર્ક નહોતો પડ્યો, એ જ જૂની આઠ કલાક કોઈપણ હિસાબે પૂરી કરીને ઘરે ભાગવાની ઉતાવળ.
અંશુ એ કંપનીના વાઈસ પ્રેસીડન્ટ મિસ્ટર કુમાર ને કહીને MKC માં જ એક ટ્રેઈનીંગ ડીપાર્ટમેન્ટ ખોલાવ્યો અને એમાં નવા આવતા બધા જ વર્કર ને એમના અનુભવ પ્રમાણે અને એમના ડીપાર્ટમેન્ટ વિષે બધી માહિતી આપવામાં આવતી. ટ્રેઈનીંગ ડીપાર્ટમેન્ટના ઉદઘાટન વખતે પણ અંશુ એ એના અમુક કિસ્સાઓ કીધા અને એમાં સિફતથી હાર્દિકનું નામ લેવાનું ટાળ્યું.
અંશુની કારકિર્દી મેટ્રો ટ્રેનની જેમ ચાલતી હતી જયારે હાર્દિક ની ગાડી તો ત્યાં જ ઉભી હતી, હાર્દિક તો જાણે આખી જીન્દગી અહિયાં જ પડી રહેવાનો હોય એમ નવું કામ કરવાનો ઉત્સાહ જ ના બતાવતો અને એમ પણ ૮ વર્ષ MKC માં કામ કર્યા પછી એ બીજી કંપનીમાં જાય તો પણ એને ત્યાં નવેસરથી જ કક્કો ઘૂંટવો પડે એમ હતું.
અંશુ કંપનીના કામ માટે ઘણીવાર બેંગ્લોર કે કંપનીના ઇન્ટરનેશનલ પ્લાન્ટ સાઉદી અરેબિયા દસ-પંદર દિવસ માટે જતો. એકબાજી અંશુ પ્લેન માં બેઠો બેઠો ઇન્સટ્રુમેન્ટ ડીપાર્ટમેન્ટ ને વધુ સારું કઈ રીતે બનવું હોય એ વિચારતો હોય ત્યારે હાર્દિક ડીપાર્ટમેન્ટ માં ખુરસી ઉપર પગ લાંબા કરીને અંશુ ને કઈ રીતે પાડવો એ વિચારતો હોય , ખરેખર અંશુ અને હાર્દીકમાં મોટામાં મોટો ફર્ક આ જ હતો, એમની વિચારસરણી નો.
આ જ રીતે એકવાર અંશુ સાઉદી ના પ્લાન્ટ માં થોડા સુધારા-વધારા માટે એક અઠવાડિયાની ટુર પર હતો. સાઉદી પહોચ્યાના બીજા જ દિવસે સિંઘ સાહેબ નો અંશુ ઉપર તાત્કાલિક વાપી પરત આવાનો ઓર્ડર આવ્યો. અંશુ ના ઘણા પૂછવા છતા પણ એક બહુ અગત્યની વાત હોઈ સિંઘ સાહેબે વધારે એકપણ સવાલ પૂછ્યા વગર બીજી જ ફ્લાઈટ પકડીને જલ્દીમાં જલદી વાપી આવાનું કીધું. અંશુ પણ વધારે વિચાર્યા વગર વાપી આવવા નીકળી ગયો.
(એવું તો શું થયું હશે ? અંશુ એ કોઈ ભૂલ કરી કે હાર્દિકે ફરી કોઈ સાજીશ રચી અને એનો ભોગ અંશુ બનશે? કે પછી ખરેખર પ્લાન્ટમાં જ કોઈ મોટો પ્રોબ્લેમ આવશે, આ માટે વાંચો દોસ્ત સાથે દુશ્મની નો આવનારો ભાગ.....)