દોસ્ત સાથે દુશ્મની
ભાગ-૧૦
(મિસ્ટર કુલાડીની MKC બ્લાસ્ટ ની તપાસ પૂરું થવાનું નામ જ નથી લેતી. ગત ભાગમાં જોયું કે અંશુ સાથે કામ કરવા જતા હાર્દિક સીડી પરથી પડી જય છે અને જમણા પગમાં ફ્રેકચર થાય છે, હવે શું હાર્દિક આ વાતને સરળતાથી ભૂલી જશે કે એમાં પણ અંશુને જ દોષી ગણીને ફરી કંઇક કરશે, જાણવા વાંચો દોસ્ત સાથે દુશ્મની નો આ દસમો ભાગ....)
હાર્દિક પગના ફ્રેકચરને લઈને રજા ઉપર હતો. ઘરે એક જ પથારીમાં બેસી રહીને એ ગાંડો બન્યો હતો અને આ બધું થવાનું કારણ અંશુને જ ગણતો હતો. અંશુ એ એની તબિયત પૂછવા ફોન કર્યો ત્યારે પણ ગંદી ગાળ દઈને ફરી ફોન નહિ કરવાનું કહ્યું. અંશુ હાર્દિકના સ્વભાવ થી ખુબ સારી રીતે પરિચિત હતો એટલે આ વાતને એની નાદાનિયત સમજીને કઈ બોલ્યા વગર ફોન મૂકી દીધો. હાર્દિક ઘરે બેઠા બેઠા અંશુ સામે શું કરાય એ જ વિચારતો રહેતો. જયારે મેનેજર અને HOD-સિંઘ સાહેબે હાર્દિકને તબિયત પૂછવા ફોન કર્યો ત્યારે એણે અંશુનો જ વાંક હોવાનું એમના દિમાગમાં પણ બેસાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સિંઘ સાહેબને હાર્દિક ની ઉંમર જેટલો અનુભવ હોય, શું થયું અને શું નથી થયું એનો પૂરો ખ્યાલ હતો એટલે એ કઈ બોલતા નહિ.
મિકેનીકલના એક એન્જીનીયર મિત્રએ જયારે હાર્દિકને ખબર પૂછવા ફોન કર્યો ત્યારે હાર્દિકે એને પણ બધી વાત કરી. હાર્દીકનો સારો મિત્ર હોવાને લીધે એને અંશુ અને હાર્દિક વચ્ચે બનેલી બધી વાતો ખબર હતી. મિત્ર ની મદદ માટે એણે હાર્દિકને એક અફલાતુન આઈડીયા આપ્યો. મિકેનીકલના એ મિત્ર એ હાર્દિકને સેફટી નો એક રુલ કહ્યો એ મુજબ “ કોઈ પણ એન્જીનીયર, મેનેજર કે HOD, તેની ટીમને કોઈ પણ કામ સોંપે અને જો એ દરમિયાન કોઈ પણ સભ્યને કોઈ પણ રીતની શારીરિક ઈજા થાય તો એની સંપૂર્ણ જવાબદારી સોંપનાર વ્યક્તિની રહેશે.” આ રીતે જોવા જાય તો આ કેસમાં સંપૂર્ણ જવાબદારી અંશુ પર જ આવે કારણકે અંશુ ના કહેવાથી જ હાર્દિક સીડી ચડ્યો હતો. અને એ દિવસે ઇન્ચાર્જ માં પણ અંશુ જ હતો. આમ અંશુ ના ગળે ફરી મુશ્કેલીનો ફંદો બંધાયો હતો.
હાર્દિકે મિકેનીકલ મિત્ર ના કહેવા પ્રમાણે સેફટી ડીપાર્ટમેન્ટ નું ફોર્મ 3A ભરીને એની કોપી સેફ્ટીના મેનેજર, સિંઘ સાહેબને મોકલી આપી. હાર્દિકે મેનેજરને પણ કંઇક કરવા કહ્યું, પરંતુ મેનેજર ના હાથ બંધાયેલા હતા અને હવે અંશુને મહારાજ નો પણ પૂરો સપોર્ટ હતો. વળી કંપનીમાં હાર્દિકને વાગ્યા કરતા અંશુ એ જે રીતે એના પગ માટે સપોર્ટ(લાકડાના પાટિયા મુકીને એને ઇલેકટ્રીકલ ટેપ વડે બાંધીને) બનાવ્યો એ વધારે ચર્ચા નો મુદ્દો બન્યો હતો. અને બધા એની તારીફ કરતા થાકતા નહોતા.
હાર્દિકે ફોર્મ ભર્યાના બે દિવસ પછી પણ કઈ જવાબ ના મળતા તે ઔર અકળાયો. શું કરવું એના વિચારમાં ને વિચારમાં એ એના ફોનમાં કંપનીના નંબર જોતા એક નામ પર એની આંગળી સ્થિર થઇ ગઈ. નામ હતું- લાભશંકર. લાભશંકર MKC યુનિયન ના લીડર હતા. કંપનીના જૂનામાં જૂના વર્કર માં એમનું નામ આવતું. એકદમ આખાબોલા અને તીખામિજાજી લાભશંકર આગળ પણ કંપનીના વર્કરો ના હિત માટે ઘણીવાર મેનેજમેન્ટ સામે લડ્યા હતા. હાર્દિક એમને વ્યક્તિગત રીતે ઓળખતો હતો. જયારે કંપનીની ક્રિકેટ ટીમમાં હાર્દિકને રમતા જોયો ત્યારે સૌથી પહેલા એમણે જ હાર્દિકને કેપ્ટન બનાવાનો મત રજુ કર્યો હતો. હાર્દિક એમને ખુબ માનતો હતો. આથી આ સમયે એ જ કામમાં આવશે એમ વિચારીને એણે સીધો લાભશંકરજી ને ફોન કર્યો.
આમ તો કંપનીનું યુનિયન માત્ર કંપનીના હેલ્પર, પ્રોજેક્ટ વર્કરો માટે જ કામ કરતું હતું. એન્જીનીયર, મેનેજર એ બધી પોસ્ટ તો ઉંચી ગણાતી. અને હાર્દિક પણ એન્જીનીયર હતો એટલે લાભશંકરએ પોતે એમાં કઈ નહિ કરી શકે એમ હાર્દિકને કીધું. પણ હાર્દિક હજી અંશુ ને માફ કરવાના મૂળ માં નહોતો. એણે તરત જ એના ફોનમાં સેવ રહેલી સેફટી રુલ્સ ની PDF ઓપન કરી. અને તરત જ સેફ્ટીના બધા નિયમો વાંચ્યા. ત્યારે એક નવો આઈડીયા એના દિમાગમાં આવ્યો.
સેફ્ટીના 3A ફોર્મના કહેવા પ્રમાણે: “તમારો ઉપરી તમને જે કંઈ કામ સોંપે, જે કામનો ઓર્ડર આપે એ કામ કરવા એની ટીમનો દરેક સભ્ય કટિબદ્ધ છે.” પરંતુ આ તો માત્ર હેલ્પર અને પ્રોજેક્ટ વર્કરો માટે હતું. હાર્દિક એક એન્જીનીયર તો હતો પરંતુ હજી ટ્રેનીંગ માં હતો, અને કંપનીનો કાયમી વર્કર પણ ના કહેવાય. મતલબ કે હાર્દિક આ ફોર્મ ભરવા લાયક હતો. સેફ્ટીની રુલ્સ બુકમાં કોઈ પણ જગ્યાએ ટ્રેઈની એન્જીનીયર માટે રુલ્સ લાગુ પડે કે નહિ એ વિષે કઈ લખ્યું નહોતું.(ટ્રેઈની એન્જીનીયર ના તો કંપનીનો પરમેનન્ટ વર્કર કહેવાય ના તો પ્રોજેક્ટ વર્કર કહેવાય.) હાર્દિકે આ જ વાત નો ફાયદો ઉઠવાનું નક્કી કર્યું. એણે તરત જ લાભશંકરને ફરી ફોન કરી પોતાનો ટ્રેનીંગ પીરીયડ હજી પૂરો ના થયો હોઈ એ કંપનીનો પરમેનન્ટ વર્કર નથી બન્યો એમ જણાવ્યું. લાભશંકરને પણ હાર્દિક સાથે સારું બનતું અને હંમેશા કંપનીના કોઈ પણ વ્યક્તિને કંપની તરફથી કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એ માટે એ હમેશા પ્રયત્નશીલ રહેતા, એટલે જ એમણે હાર્દિકના કેસ માં પણ એમનાથી બનતું કરી આપવાનો વાયદો કર્યો.
બીજા દિવસે લાભશંકર હાર્દિકનો પક્ષ લઈને હાર્દિક તરફથી એક લેટર VP સર મિસ્ટર કુમાર અને HR મેનેજર ને આપ્યો જેમાં અંશુ વિરુદ્ધ તાકીદે પગલા લેવાની માંગ કરી હતી અને જો એ નહિ થાય તો યુનિયન સેફટી રુલ્સ માં સુધારા કરવા માટે હડતાળ ઉપર ઉતરવાની વાત પણ કહી. HR મેનેજર અને VP સર યુનિયનના વચ્ચે પડવાથી મુંજવણ માં મૂકી ગયા. હજી સુધી બધાને એ સમાજ નહોતી પડતી કે આટલી નાની વાત એ આટલું મોટું સ્વરૂપ કેમ લઇ લીધું. એમણે સૌથી પહેલા લાભશંકરને ચર્ચા માટે આમંત્રણ આપ્યું અને મીટીંગમાં લાભશંકરને આ વાત માં યુનિયનને વચ્ચે ના પડવાની સલાહ આપી, પરંતુ લાભશંકર એમ પીછેહઠ કરે એમાંના નહોતા.
છેલ્લે લાભશંકરજીના માંગવા પ્રમાણે બે વ્યક્તિની એક ટીમ બનાવવામાં આવી જે આ ઘટનાની પૂરી તપાસ કરી બે દિવસની અંદર VP સરને રીપોર્ટ આપે અને જો એમાં અંશુ દોષી ઠરે તો પછી અંશુ ઉપર કંપનીના રુલ્સ પ્રમાણે સજા કરવામાં આવશે. તપાસ ટીમે બે દિવસમાં હાર્દિક,અંશુ, ટેકનીસીયન, સ્ટ્રેચર લઈને આવેલા સેફટી ડીપાર્ટમેન્ટના બે વર્કરો, બધાની પુછપરછ કરી અને એનો રીપોર્ટ બીજા દિવસે લાભશંકરની હાજરીમાં VP સરને આપ્યો.
તપાસ સમિતિના કહેવા પ્રમાણે પ્રોબ્લેમ ક્રિટીકલ હતો અને અંશુ એ જે કર્યું એ બરાબર છે. અંશુ એ બે વખત હાર્દિકને ધીરેથી ચડવા-ઉતરવાનું કીધું હોવા છતાં હાર્દિક ગુસ્સામાં ઉતર્યો અને પડ્યું એમાં અંશુનો કોઈ વાંક ના કહેવાય. અને સમિતિએ સ્પેશીયલ જણાવ્યું કે અંશુ એ જે આવડત થી હાર્દિકના પગને બાંધ્યો એ ચોક્કસ કાબેલેતારીફ છે. વળી સમિતિએ ધ્યાન દોર્યું કે આ કેસ સેફ્ટીના ફોર્મ 3-Aમાં રહેલી ખામી ને લીધે થયો છે તો એમાં ટ્રેઈની એન્જીનીયર કંપનીના પરમેનન્ટ વર્કરમાં આવે કે નહિ એ નક્કી કરીને આ ફોર્મના રુલ્સ ને બદલવાનું ફરમાન કર્યું.
સમિતિ એ અંશુને કોઈ પણ વોર્નિંગ વગર કે કોઈ પણ સજા કર્યા વગર મુક્ત કર્યો વળી અંશુના સેફ્ટીના રૂલ્સને ધ્યાનમાં લઈને એનું સન્માન કરવાનું પણ VP સરને સુચન કર્યું. ફરી એકવાર અંશુ જીત્યો, હાર્દિક હાર્યો. પરંતુ આ વાત થી અંશુ ને ઘણું લાગી આવ્યું. એક સમયનો ખાસ મિત્ર જેને પોતે જ આ કંપનીમાં લગાવ્યો એ જ આજે દુશ્મનની જેમ વર્તે છે. મિત્રતાની બિછાવેલી દરેક સરહદ હાર્દિક પાર કરી ગયો હતો આ વાત થી અંશુ ખુબ દુખી થયો.
અંશુ અને હાર્દિક ની લડાઈ એ એક નવું સ્વરૂપ લીધું હતું. કંપનીમાં પહેલા અંશુ અને હાર્દિકની મિત્રતા ની વાત થતી હતી તો હવે ખુલ્લેઆમ બંનેની દુશ્મનીના તારલા ચમકતા. HOD સિંઘ સાહેબ પણ આનો કોઈ તોડ ઇચ્છતા હતા. એટલેજ એમણે એક દિવસ અંશુને કેબીન માં બોલાવ્યો. સ્વભાવ તો એકદમ ગુસ્સાવાળો પરંતુ અંશુ સાથે શાંતિ થી વાત કરી અને આ વાત નો નિવેડો લાવવા માટે અંશુ ને બેંગ્લોર જવાની ઓફર આપી.
MKC કંપનીનો નવો પ્લાન્ટ બેંગ્લોરમાં નખાતો હતો. ત્યાં કામ તો શરુ થઇ ગયું હતું, આ પહેલા પણ MKC વાપીમાંથી બે એન્જીનીયર ત્યાં હતા જ (એમાંથી એકની જગ્યા એ તો હાર્દિક MKC વાપીમાં જોડાયો હતો). પરંતુ પ્રોજેક્ટ જલ્દી પૂરો કરવા વધારે એન્જીનીયરની જરૂર હતી જ. જો અંશુ ત્યાં જતો રહે તો અહિયાં અંશુ અને હાર્દિક જુદા પણ થઇ જાય અને ત્યાં પ્લાન્ટમાં મદદ રહે. અંશુ એ પણ બહુ વિચાર ના કરતા હામી ભણી. બસ તરત જ સિંઘ સાહેબે VP સરને આ વિષે વાત કરી. VP સર પણ આ વાતથી થાક્યા હતા, એટલે જેટલું જલ્દી બને એટલું જલ્દી અંશુ ને બેંગ્લોર મોકલી આપવાની પરમિશન આપી. અને બીજા 3 જ દિવસમાં અંશુ અને એક બીજા ટેકનીસીયનને કંપનીના ખર્ચે બેંગ્લોર મોકલી આપ્યા.
હવે અંશુ બેંગ્લોરમાં અને હાર્દિક વાપી માં હતો.
બેંગ્લોર પ્લાન્ટ:
અંશુ થોડો માનસિક રીતે ડીસ્ટર્બ હતો. સિંઘ સાહેબ ના કહેવાથી બેંગ્લોર આવી તો ગયો પણ શું એ નિર્ણય બરાબર છે કે નહિ એ નક્કી નહોતો કરી શકતો. કંપનીએ આવવા-જવા માટે ગાડી, રહેવા માટે હોટેલ, જમવાનું, બધાની સરસ સગવડ કરી આપી હતી એટલે બહુ વાંધો આવે એમ તો લાગતું નહોતું. આ બધા ઉપરાંત કંપની પગાર કરતા ડબલ રૂપિયા પણ આપવાની હતી. મતલબ અંશુ જ્યાં સુધી બેંગ્લોરમાં છે ત્યાં સુધી એની સેલેરી પણ ડબલ અને બાકી બધું ફ્રી માં. આમ એક સુવર્ણ મોકો અંશુ ના ખોળામાં આવીને પડ્યો હતો.
બેંગ્લોરનો MKC પ્લાન્ટ સૌથી મોટો પ્લાન્ટ હતો. વાપીના પ્લાન્ટ કરતા એની કેપેસિટી 3 ગણી હતી. અંશુ અને ટેકનીસિયન બેંગ્લોર પહોચ્યાના બીજા દિવસે પ્લાન્ટ માં પહોચતા જ ત્યાના MD સાથે મુલાકાત થઇ. MD અંશુને જ્યાં સુધી પ્રોજેક્ટ ના પતે ત્યાં સુધી રહેવાની ભલામણ કરી, અત્યાર પુરતી તોં અંશુએ હા કરી દીધી. બીજા જ દિવસથી અંશુ અને ટેક્નીસીયન ત્યાનો પ્લાન્ટ જોઈ આવ્યા અને એમણે શું કામ કરવાનું છે એ સમજીને એમનું કામ શરુ કર્યું. અંશુ પાસે પ્રોજેક્ટ વર્કનો કોઈ અનુભવ નહોતો પરંતુ સાથે આવેલા ટેક્નીસીયનને 3 વર્ષનો દુબઈમાં પ્રોજેક્ટ વર્ક નો અનુભવ હતો એટલે એણે અંશુ ને ક્યારે શું કરવું એ જરૂર પડે સમજાવતા.
પ્રોજેક્ટ વર્ક હોવાને કારણે સવારે ૯ વાગ્યે જવાનો સમય તો નક્કી રહેતો પણ આવાનો સમય નક્કી ના રહેતો, કામ પતે પછી જ આવાનું હોય ઘણી વાર રાતે ૮ કે ૯ પણ વાગી જતા. બેંગ્લોરના ઈન્સ્ટ્રુમેન્ટ HOD એ અંશુ ને એક ટીમ આપી હતી. અંશુ એન્જીનીયર હોવાને લીધે આખી ટીમ હેન્ડલ એણે જ કરવાની રહેતી. દરરોજ ના કામ નું સવારે લિસ્ટ બનાવીને, એ કામ બરાબર થાય છે કે નહિ એનાથી લઈને કામ વ્યવસ્થિત પૂરું કરાવીને બીજા દિવસે HOD ને ઇન્ફોર્મ કરવાનું બધું કામ અંશુ ઉપર હતું. અંશુને શરૂઆતમાં આ સાહેબગીરી કરવી બહુ અઘરી લાગતી. જો કે ટીમને સારી રીતે લીડ કેમ કરવી એના બીજ તો અંશુમાં MKC માં હતો ત્યારે જ મહારાજએ રોપી દીધા હતા અને આજે એ જ કામ આવતું હતું.
અંશુ એ પોતાની રીત થી કામ કરાવાનું શરુ કર્યું, હવે એની ઉપર કોઈ રહ્યું નહોતું એટલે એને એની રીતે કામ કરવાની આ શ્રેષ્ઠ તક હતી. એના હાથ નીચે કામ કરતા કોઈ પણ વ્યક્તિને અંશુ ના કોઈ પણ નિર્ણય પર સામે બોલાવની છૂટ નહોતી એટલે અંશુ પોતાની રીતથી કામ કરાવતો. પરંતુ અંશુ ખુબ સારી રીતે ટીમને લીડ કરતો હતો. એના હાથ નીચે કામ કરતી આખી ટીમ અંશુથી ખુશ પણ હતી આને લીધે કામ પણ સરસ રીતે અને જલ્દી થવા લાગ્યું. ત્રણ અઠવાડિયાનું કામ અંશુ ની ટીમે માત્ર પંદર દિવસમાં પૂરું કર્યું ત્યારે બેંગ્લોરના ઈન્સ્ટ્રુમેન્ટ HOD ખુબ ખુશ થયા. આથી એમણે ધીમે ધીમે અંશુ ઉપર જવાબદારીનો બોજો ઔર વધાર્યો. અંશુ કોઈને કોઈ પણ વાતમાં ના કહેવા ટેવાયો નહોતો એટલે ના પણ ના પાડી શક્યો. ધીમે ધીમે આખા પ્લાન્ટમાં એન્જીનીયર તરીકેનો મોટા ભાગનો ચાર્જ અંશુના હાથ માં હતો.
એવું નહોતું કે અંશુ ભૂલ નહોતો કરતો, હજી નવું નવું હોવાને લીધે ઘણી ભૂલો કરતો પણ એ હમેશા એની ભૂલોમાંથી શીખતો. પોતે માત્ર આદેશ જ આપશે અને એની નીચે વાળા લોકો કામ કરશે એવામાં અંશુ નહોતો માનતો, જરૂર પડ્યે પોતે પણ બધા કામ કરી લેતો. પોતાના સાહેબ ને એમની સાથે કામ કરતા જોઇને એની ટીમનો જુસ્સો વધી જતો અને કામ સરસ રીતે પૂરું થતું. અંશુનું દિમાગ, એની મેહનત સાથે એનું નસીબ પણ એને સાથ આપતું.
એકવાર કામ કરતા એક ઈન્સ્ટ્રુમેન્ટ ખરાબ હોવાનું ખબર પડી. અંશુએ એની ટીમ પાસે આખું ઈન્સ્ટ્રુમેન્ટ ખોલાવી નખાવ્યું, અને ચેક કરતા એની સર્કીટ ખરાબ હોવાનું માલમ પડ્યું. અંશુ એ HOD સરને આ કંપનીના ઈન્સ્ટ્રુમેન્ટ ખરાબ હોવાને કારણે ઉપયોગમાં ના લેવાની સલાહ આપી. આજકાલનો આવેલો છોકરો એમને કયું ઈન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ કરવું અને કયું નહિ કરવું એ કહી જાય એ વાત HODને ના ગમી અને એમણે અંશુને એનું કામ કરવા કહ્યું અને જરૂર પડે ઈન્સ્ટ્રુમેન્ટ બીજું ઉપયોગમાં લેવાનું કહ્યું. પણ આ રીતે બીજા કોઈના કામમાં દખલ કરવાની ના પડી.
પરંતુ અંશુનું નસીબ એક કદમ આગળ ચાલતું હતું. બે-ત્રણ દિવસમાં એ જ કંપનીના બીજા 4 ઈન્સ્ટ્રુમેન્ટ ખરાબ નીકળ્યા અને દરેક વખતે એની સર્કીટ ખરાબ હતી. ઈન્સ્ટ્રુમેન્ટ ખુબ મોંઘુ હોવાથી એને રિપ્લેસ કરી શકાય એવું નહોતું. HOD સર એ ખુદ અંશુને લઈને MD સરને ભલામણ કરી અને ફરી આ કંપનીના ઈન્સ્ટ્રુમેન્ટ નહિ વાપરવાની મનાઈ ફરમાવી દીધી અને એ કંપની સાથેનો કોન્ટ્રાક્ટ પણ કેન્સલ થઇ ગયો.
આ જ રીત લગભગ છ મહિના પુરા થવા આવ્યા. બેંગ્લોર પ્રોજેક્ટ પતવાની અણી ઉપર જ હતો. થોડા દિવસોમાં અધૂરું કામ પત્યું અને પ્લાન્ટ શરુ થયો. અંશુ અને ટેકનીસીયનનું કામ પણ પૂરું થયું. પરંતુ ત્યાના HOD અંશુને પરત મોકલવા તૈયાર નહોતા. એમણે અંશુ ને પૂછ્યા વગર જ સિંઘ સાહેબ ને વાપી ફોન કરીને જણાવી દીધું કે માત્ર ટેકનીસીયન જ વાપી ફરશે, અંશુ અહિયાં થોડું વધારે રોકીને ઇન્સટ્રુમેન્ટ ડીપાર્ટમેન્ટ ના બધાને વ્યવસ્થિત શીખવાડીને આવશે.
અંશુ હવે તો MKC બેંગ્લોર નો વર્કર બની ગયો હતો. એનો પગાર પણ વાપી કરતા ત્રણ ગણો થઇ ગયો અને કામ કરવાનો સમય પણ પ્રોજેક્ટ પૂરો થતા માત્ર ૮ કલાક જ રહ્યો. એટલે અંશુ અચાનક ફ્રી પડ્યો. એટલે આ ફાજલ સમયનો પણ કંઇક ઉપયોગ કરવાના હેતુથી એણે બેંગ્લોરમાં જ પાર્ટ ટાઇમ MBA શરુ કર્યું. આમ પણ હવે અંશુ અહિયાં એન્જીનીયર તરીકે ઓછુ અને એક મેનેજર તરીકે વધારે કામ કરતો એટલે એને MBA અત્યારે કરી લેવું યોગ્ય લાગ્યું.
સમય વીતવા લાગ્યો. ઇન્સટ્રુમેન્ટ HOD અંશુ ને કોઈ ને કોઈ બહાને વાપી પાછો મોકલતા જ નહોતા. દર ૬ મહીને અંશુ પંદરેક દિવસ માટે એના ગામ-ભરૂચ જઈ આવતો. બે વર્ષમાં MBA પણ સારી રીતે પૂરું કરતા હવે તો બેંગ્લોરમાં જ એને આસિસ્ટન્ટ મેનેજર નો હોદ્દો આપી દેવામાં આવ્યો. નીર્વિવાદિત રીતે અંશુ સૌથી નાની ઉમરનો આસિસ્ટન્ટ મેનેજર બન્યો.
બેંગ્લોરમાં આવ્યાના અઢી વર્ષમાં એક ટ્રેઈની થી આસિસ્ટન્ટ મેનેજર બન્યા પછી પણ અંશુનું વાપી જવાનું કઈ ઠેકાણું નહોતું. પ્લાન્ટ ધમધોકાર ચાલતો હતો. કંપનીની શેર વેલ્યુ પણ ખુબ ઉછાળા પર હતી અને ખુબ સારો નફો રળતી હતી. આથી કંપની એ વાપીમાં જ એક પ્લાન્ટ નાખવાનો વિચાર કર્યો અને ઇન્સટ્રુમેન્ટ તરફથી એના પ્રોજેક્ટ કામ માટે અંશુને વાપી મોકલવાનું નક્કી થયું. અને અંશુ લગભગ ૬ વર્ષ પછી MKC વાપીમાં પાછો આવ્યો.
(૬ વર્ષ પછી અંશુ ફરી એકવાર વાપી આવે છે, આ ૬ વર્ષમાં અંશુ તો આસિસ્ટન્ટ મેનેજર બની ગયો હતો, MBA પૂરું કરી લીધું. એની સામે હાર્દિક ક્યાં છે, એણે શું કર્યું, શું હાર્દિક હજી MKC વાપીમાં જ છે કે કોઈ બીજી કંપનીમાં જતો રહ્યો?? બધા સવાલોના જવાન આવતા ભાગમાં.... )