દોસ્ત સાથે દુશ્મની
ભાગ-5
(અત્યાર સુધીમાં માં જોયું કે MKC માં થયેલા બ્લાસ ની તપાસ ઇન્સ્પેકટર કુલાડી કરી રહ્યા છે અને શંકા ની સોય ભુતપૂર્વ એન્જીનીઅર અંશુના માથે છે, તપાસમાં ઇન્સ્પેકટર કુલાડી અંશુના ભૂતકાળમાં જાય છે જયારે અંશુ અને હાર્દિક ખુબ સારા મિત્રો હતા અને અંશુ એ હાર્દિકને MKC માં જ જોબ અપાવી હતી હવે આગળ.....)
ઇન્સ્પેકટર કુલાડી ચા ની ચૂસકી લેતા લેતા અંશુ અને હાર્દિક ની ફાઈલ વાંચતા હતા.
ભાઈબીજના બીજા દિવસથી હાર્દિક એ MKC કંપની જોઈન કરી. એના આગળના દિવસે હાર્દિક એની બેગ લઈને કંપનીએ આપેલા કવાર્ટસમાં અંશુ ના રૂમમાં શિફ્ટ થઇ ગયો. આ પેહલા અંશુ સાથે મિકેનિકલ ડીપાર્ટમેન્ટ નો એક ટેકનિશિયન રહેતો હતો પરંતુ અંશુ અને હાર્દિકની જૂની મિત્રતાને લીધે એ બાજુની રૂમમાં શિફ્ટ થઇ ગયો.
હાર્દિક પહેલા દિવસ માટે ખુબ જ ઉત્સાહિત હતો. એ પહેલીવાર કોઈ કંપનીમાં પ્રવેશ કરી રહ્યો હતો. જયારે અંશુ તો કોલેજમાંથી પણ બે વાર એક-એક મહિનાની ટ્રેઈનીંગમાં જઈ આવ્યો હતો અને એ સમયમાં હાર્દિકને આ બધું ટાઇમપાસ લાગતા એણે ટ્રેઈનીંગ લીધી જ નહોતી. અંશુ એ એને પેહલેથી જ MKC વિષે ઈન્ટરનેટ ઉપરથી માહિતી જોઈ લેવાનું કીધું હતું જે હાર્દિકે આગલી રાત્રે જ પતાવી દીધું હતું.
પહેલા દિવસે હાર્દિક ઉઠીને જલ્દી તૈયાર થઇ ગયો અને અંશુ પાસે પણ ઉતાવળ કરાવી. આખરે બસ આવી અને ૯ વાગ્યે હાર્દિકે MKC માં એની નવી ઇનીંગ નો પ્રારંભ કર્યો. અંશુ એને સૌથી પેહલા HR ડીપાર્ટમેન્ટમાં લઇ ગયો અને ત્યાં એની હાજરી પુરાવડાવી અને પોતાનું પણ પંચીંગ કરીને ઇન્સટ્રુમેન્ટ ડીપાર્ટમેન્ટમાં લઇ ગયો.
Welcome to Instrument Department નું ધૂળિયું બોર્ડ વાંચીને પણ હાર્દિક ખુશી થી ઉછળવા લાગ્યો. અંશુ એ ડીપાર્ટમેન્ટમાં દાખલ થઈને ડીપાર્ટમેન્ટના બધા સ્ટાફ સાથે એની ઓળખાણ કરાવી. બધા એ હાર્દિક ને એનું નામ અને ક્યાંથી આવે છે એ પૂછ્યું. થોડીવાર પછી હાર્દિક અને અંશુ ને મેનેજર- મોહિત તિવારી એ એમની કેબીનમાં બોલાવ્યા અને અંશુ ને કહી દીધું કે પંદર દિવસમાં એને શિફ્ટ આપવાની હોય આ પંદર દિવસમાં તારે હાર્દિક ને બધું સમજાવી દેવાનું, એને પ્લાન્ટ બતાવી દેવાનો.
ત્યારપછી દરરોજ અંશુ હાર્દિક ને લઈને અલગ અલગ પ્લાન્ટ માં લઈને બધું સમજાવતો. અને એક નોટબુકમાં એ યાદ રાખીને લખી લેવાનું પણ કહ્યું. એમ તો બંને સાથે રેહતા હતા એટલે જો કઈ પણ ભૂલી જવાય તો અંશુ તો હતો જ.
નોકરી પરથી આવીને અંશુ હાર્દિક ને જમવાનું બનાવવાનું અને એને બહાર ફરવા લઇ જઈ અગત્યની દુકાનો અને જગ્યા બતાવતો. જેમ કે જમવાનું ટીફીન લેવું હોય તો નજીકનું એક ભોજનાલય અને નજીક નું એક જૈન દેરાસર, કરિયાણાની દુકાન, શાકભાજી કે ફ્રુટ લાવવું હોય, મોબાઈલ રિચાર્જ કરાવવો. દુધ લાવવા માટે નજીક ની ડેરી. આમ, હમણાં હાર્દિક એકદમ અંશુ ઉપર જ નિર્ભર હતો. એનો બધો ખર્ચો પણ અંશુ જ ઉઠાવતો અને જયારે હાર્દિક કઈ બોલતો ત્યારે અંશુ કહેતો કે પહેલા પગાર માંથી બધું વસુલ કરી લઈશ.
આમ જોત જોતામાં પંદર દિવસ નીકળી ગયા. અંશુ નો હમણાંનો જ અનુભવ અને હાર્દિકની પ્લાન્ટ જાણવાની જીજ્ઞાસાને લીધે હાર્દિક ખુબ જલ્દી ઘણું શીખી ગયો. પંદર દિવસ પછી અંશુ ની શિફ્ટ શરુ થઇ ગઈ અને પેહલા જ એને ફર્સ્ટ શિફ્ટ મળી એટલે પહેલા જ અઠવાડિયામાં એને લોંગ ઓફ મળ્યો એટલે અંશુ ઘરે જવા નિકળ્યો. હાર્દિક ની જનરલ શિફ્ટ ના લીધે એ વાપી જ રહ્યો.
ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યો. હાર્દિક પંદર જ દિવસમાં પ્લાન્ટનો દરેક હિસ્સો જાણે છે, કયું ટૂલ્સ ક્યાં અને કેવી રીતે ઉપયોગ માં લેવું, કયું ઇન્સટ્રુમેન્ટ ક્યાં વપરાય છે એ બધું જાણતા અંશુએ બે મહિનાનો સમય લીધો જયારે હાર્દિકે ખુબ ટુંકા સમયમાં જાણી લીધું એ જોઇને તિવારી સર ખુબ ખુશ થયા. વળી, અંશુ ની ઉંચાઈ ઓછી, શરીર પણ એકવડું જયારે હાર્દિક ની ઉંચાઈ ૬ ફૂટ અને શરીર પણ મજબુત એટલે જયારે પણ કોઈ વજન ઊંચકવાનું કે જોર કરવાનું કામ આવે ત્યારે તિવારી સર અંશુ ને કહેતા ખચકાતા જયારે હાર્દિક આવા કામ ઘણા સરળતાથી કરી સકતો અને એમનો પડતો બોલ ઝીલતો એટલે થોડા જ સમયમાં તિવારી સરનો જમણો હાથ બની ગયો.
આ બાજુ અંશુ ની શિફ્ટ શરુ થઇ ગઈ. જનરલ અને શિફ્ટ ના કામ ઘણી રીતે અલગ. જનરલ શિફ્ટ નવો પ્લાન્ટ નાખવાનું કે જુના પ્લાન્ટમાં સુધારા વધારા કરવાનું કામ કરતા અને બાકી તો મોટે ભાગે આરામ જ. જયારે શિફ્ટ વાળાએ બાકીના બધા પ્લાન્ટ ને કોઈ પણ હિસાબે ચાલુ રાખવાનું કામ. કોઈ પણ પ્રોબ્લેમ ક્યારેય પણ આવે એને સોલ્વ કરવાનું કામ શિફ્ટ વાળનું. અંશુની શિફ્ટ શરુ થઇ એટલે એને શારીરિક તકલીફો પણ પડવાની શરુ થઇ. ફર્સ્ટ શિફ્ટમાં સવારે સાડા ચાર વાગે ઊઠવાનું અને વળી નાઈટ શિફ્ટમાં સુવાના સમયે કામ કરવાનું સાંભળીને જ અંશુ ની બપોરની ઊંઘ બમણી થઇ ગઈ.
અંશુ નો શિફ્ટ ઇન્ચાર્જ ગુજરાતના જ કેશવ પ્રતિક હતા પણ બધા એમને મહારાજ તરીકે જ ઓળખે. મહારાજને MKC માં આવ્યા ને લગભગ ૮ વર્ષ થયા એટલે કે MKC નો વાપીમાં પ્લાન્ટ શરુ થયાના બે વર્ષ પછી બનેલી બધીન ઘટનાઓના ચસ્મદિત ગવાહ હતા. MKC ની ઇન્સટ્રુમેન્ટ ડીપાર્ટમેન્ટમાં માત્ર મહારાજ ની શિફ્ટ જ એવી હતી જેમાં બધા ગુજરાતી હતા. મહારાજની શિફ્ટમાં અંશુ ઉપરાંત ટેકનીશીયન ગુરુજી, કાર્તિક અને હેલ્પર મહેશભાઈ હતા. બધા જ ગુજરાતી હોવાથી તાલમેલ પણ સરસ બેસતો. જયારે બીજી શિફ્ટ માં બે ગુજરાતી સાથે બે યુપી કે બિહાર ના રહેતા અને એમાં જો ઇન્ચાર્જ યુપી નો હોય અને હેલ્પર ગુજરાતી હોય તો ખુબ મઝા પડતી, એન્જીનીયર હેલ્પર ને કહે કંઈ અને હેલ્પર કરે કંઇક. પછી અકળાઈને એન્જીનીયર હેલ્પર ને ગાળો દે તો હેલ્પર એની આદિવાસી ભાષામાં એન્જીનીયરને સામે ગાળો આપે, એન્જીનીયરને હેલ્પર શું બોલ્યો એ ખબર જ ના પડતા જોઈએ એવો તાલમેલ ના બેસતો.
મહારાજ ને પણ યુપી ના ભૈયાઓ થી પ્રોબ્લેમ તો હતો જ, એમના આટલા બધા વર્ષોનો અનુભવ એમને આ કરવા માટે મજબુર કરતો હતો. એના બહુ બધા કારણોમાં અમુક નીર્વિવાદિત સાચા હતા. જેમ કે,
૧. પેહલું કારણ કે મેનેજર-મોહિત તિવારી યુપી નો ભૈયો હતો. અને મહારાજ ને સૌથી મોટી ચીડ એ વાત ની કે ગુજરાતના લોકોમાં ટેલેન્ટ હોવા છતાં ગુજરાતમાં આવીને ભૈયાઓ ઉંચી પોસ્ટ પર બેસી જતા. અને આપણા ગુજરાતી ભાઈઓ બેરોજગાર રહેતા.
2. મહારાજ ને એક પ્રકારે ઇર્ષાભાવ પણ હતો. મેનેજર તરીકેનો હોદ્દો તિવારીજી એ બહુ જ ઓછા અનુભવ માં મેળવી લીધો હતો. તિવારી સર MKC માં જોડાયાને પણ હજી માંડ 3 વર્ષ થયા હતા, અને ટોટલ અનુભવ પણ ગણીને માત્ર ૧૨ વર્ષ નો જ હતો, જયારે મહારાજ નો ખુદ નો અનુભવ ૧૮ વર્ષ થી વધારે હતો, પોતાના કરતા ઓછા અનુભવ વળી વ્યક્તિને સલામ કરવામાં માનવસહજ દ્રેષવૃત્તિ આવી જ જાય.
3. મેનેજર તરીકેની તિવારી સરની ની કાર્યપ્રવૃત્તિ એકદમ અલગ પરંતુ ઢીલી હતી. જરૂરી ટુલ્સની પણ હમેશા અછત રહેવા લાગી.
એમની પેહલાના મેનેજર વખતે ટુલ્સ બાબતે કોઈ દિવસ લડાઈ નહોતી થઇ, પહેલા બધા વચ્ચે એક જ કોમન ટુલબોક્ષ હતું, આમણે આવતા જ શિફ્ટ પ્રમાણે અલગ ટુલબોક્ષ કરી નાખ્યા અને બધા ટુલ્સની એ ખુદ નોંધ લેતા.
4. પહેલાના મેનેજર રજા આપવામાં કોઈને કંઈ કહેતા નહિ, ઉપરથી સવાર સવારમાં આવીને સામેથી પૂછી લેતા કે કોઈને રજા જોઈએ તો બોલો, જયારે હવે તો એક પણ રજા પડે તો એમનું મસમોટું ભાષણ સાંભળવા તૈયાર રહેવાનું.
5. પોતાના જ સ્ટાફ ઉપર કદી ભરોસો ના કરતા. જયારે કોઈ પ્રોબ્લેમ આવે અને શિફ્ટ વાળા સોલ્વ કરતા હોય તો પણ અધૂરા કામે પણ આડોડાઈ કરતા. પોતાનો સ્ટાફ આપણો પ્રોબ્લેમ નથી, મિકેનીકલ કે ઇલેક્ટ્રિકલ નો પ્રોબ્લેમ છે એવું કહે છતાં ત્યાં ખુદ ચેક કરવા જતા.
આવું તો બહુ લાંબુ લિસ્ટ હતું દરેક પાસે તિવારી સરને પસંદ નહિ કરવાનું. મહારાજનો સ્વભાવ એમનાથી એકદમ વિપરીત. એમની ટીમ સ્માર્ટ વર્ક કરશે એવું એમનું કહેવું. ખાલી ખોટી ભાગદોડ નહિ કરે, પદ્ધતિસરનું કામ કરશે અને જરૂર પડશે ત્યારે આરામ પણ કરશે. અંશુને પણ મહારાજનો આ સ્વભાવ ગમતો અને મહારાજને પણ અંશુ ની કામ કરવાની રીત અને અંશુ ની દરેક વસ્તુ સીખવા માટેની લગન, પરંતુ કામમાં ઠંડી શાંતિ, સહેજ પણ ઉતાવળ નહી, આ બધું મહારાજને પોતાના જેવું જ લાગતું,આથી અંશુ મહારાજની ટીમમાં બહુ જલ્દી હળી-મળી ગયો.
MKC કંપનીમાં HR ડીપાર્ટમેન્ટ દ્વારા એક પોઈન્ટ સિસ્ટમ લાગુ કરી હતી, એ પ્રમાણે દર વર્ષે દિવાળીએ બધાના કામનું પૃથક્કરણ કરાતું અને તેમને પોઈન્ટ અપાતા અને પોઈન્ટ પ્રમાણે કંપની જે તે વ્યક્તિને દિવાળીનું બોનસ આપતી. એમાં ઘણા બધા મુદ્દા ઓ ને ધ્યાનમાં લેવાતા. જેમ કે, કંપનીમાં હાજરી, કામની આવડત,કંપની ને કોઈ નુકસાન થયુ હોય-કોઈ ઇન્સટ્રુમેન્ટ બગડી ગયું હોય કે ખરાબ થઇ ગયું હોય, શિફ્ટ માં કામ કરતા હોય તો કામ કરવાનો અને કામ છોડી દેવાનો ratio, કોઈ બીજી ડિગ્રી હોય કે કોઈ કોર્સ કર્યો હોય, વગેરે વગેરે. આના માટે “MKC RULES & REGULATION” કરીને એક ૨૦-૨૫ પેજની ગાઈડલાઈન HR ડીપાર્ટમેન્ટએ દરેક ડીપાર્ટમેન્ટમાં આપી હતી, અને એને સાચવવાની જવાબદારી જે તે ડીપાર્ટમેન્ટના મેનેજરની હતી.
આ સિસ્ટમના લીધે મહારાજને છેલ્લા ઘણા વર્ષોથી સૌથી વધારે બોનસ મળતું. માત્ર ઇન્સટ્રુમેન્ટ ડીપાર્ટમેન્ટમાંથી જ નહી પરંતુ આખી કંપનીમાંથી સૌથી વધારે બોનસ નો ઈજાફો મહારાજ જ લઇ જતા. મહારાજ ને આટલો બધો વધારો મળવા પાછળનું કારણ એકદમ સરળ હતું, મહારાજ સિંગલ હતા, એમણે લગ્ન નહોતા કર્યા, એટલે એકલા જ રહેતા. રજા પાડવા માટે કોઈ કારણ પણ નહોતું, ડબલ શિફ્ટ કરવાની હોય તો પણ મહારાજ હમેશા તૈયાર. પ્લાન્ટમાં કોઈ મોટો પ્રોબ્લેમ આવે અને મહારાજ ઓફ ડ્યુટી હોય અને ફોન આવે તો પણ તુરંત હાજર થઇ જય. ઘરે કોઈ આવવાની રાહ જોવાવાળું નહોતું એટલે એકદમ નિયમિત. કામ કરવાની આવડત માટે તો કહેવું જ ના પડે, આ પ્લાન્ટના દરેકે દરેક ઇન્સટ્રુમેન્ટ એમના હાથ નીચે થઈને ગયા હશે. આ બધા કારણોને લીધે એમના પોઈન્ટ વધારે રહેતા અને એમને હમેશા સૌથી વધારે બોનસ મળતું.
મહારાજનું કામ એટલે એકદમ શિસ્તબદ્ધ. એકવાર મહારાજએ કહી દીધું કે આ ઇન્સટ્રુમેન્ટ ખરાબ છે, નહિ ચાલે, તો મેનેજર તો શું HOD- સિંઘ સાહેબની પણ હિમ્મત નહિ કે ના પાડે. આટલો આત્મવિશ્વાસ એમને એમના ૧૮ વર્ષની કારકિર્દીમાં જોયેલા અનેક કિસ્સાઓ અને એમાંથી લીધેલા અનુભવને કારણે આવ્યો હતો. એમણે એમની નોકરીની શરૂઆત એક ટેકનીશીયન તરીકે કરી હતી, એટલે નાનામાં નાના કામ પણ એમણે પોતાના હાથે કર્યા હતા. MKC માં આવ્યાને એવું કોઈ ઇન્સટ્રુમેન્ટ નહિ હોય જે મહારાજ ના હાથ નીચેથી પસાર ના થયું હોય. પ્લાન્ટમાં મોટો પ્રોબ્લેમ આવે અને જયારે કોઈ સોલ્વ ના કરી શકે તો છેલ્લા નામ તરીકે મહારાજ નું જ નામ આવે, એમને મેનજર તેડાવે, મહારાજ રજા ઉપર હોય તો પણ આવે અને પ્રોબ્લેમ સોલ્વ કરીને પાછા જતા રહે. મહારાજ ને પ્લાન્ટ નો એક એક વ્યક્તિ ઓળખે.
એમ તો સિંઘ સાહેબ- ઇન્સટ્રુમેન્ટ ડીપાર્ટમેન્ટ ના HOD બહુ જ કડકીલા સ્વભાવના. પ્લાન્ટમાં કોઈ ની હિંમત નહિ કે એમની સામે કોઈ આંખ ઉંચી કરીને પણ વાત કરે, પરંતુ મહારાજ જ એક માત્ર એવા કે સિંઘ સાહેબ જાતે ડીપાર્ટમેન્ટમાં એમની સલાહ લેવા આવે અને એ જે કહે એ પ્રમાણે કરે પણ ખરા. સિંઘ સાહેબ જયારે ડીપાર્ટમેન્ટમાં આવે અને જો કોઈને પણ ત્યાં બેઠેલો કે ટાઇમ પાસ કરતા જોય જાય તો બહુ ગુસ્સે ભરાય અને તરત જ શ્લોકો સંભળાવે એટલે એમના આવતાવેત જ બધા પ્લાન્ટમાં ગમે ત્યાં છુપાઈ જાય. માત્ર મહારાજને આ વાત ની બિલકુલ ચિંતા નહિ. મહારાજ તો એમનું કામ કર્યે રાખતા. મોબાઈલ લઈને પણ બેઠા હોય અને સિંઘ સાહેબ અવે તો પણ મોબાઈલ એમની સામે જ વાપરતા. એટલે જ અંશુને મહારાજના હાથ નીચે કામ કરવા મળ્યું એ એનું સારુ ભાગ્ય જ હતું.
અંશુ જયારે MKC માં અવ્યો ત્યારે મહારાજ સાથે એને ઠીક ઠાક ફાવતું, અંશુ જનરલ શિફ્ટમાં હોવાને લીધે હમેશા મેનેજર સાથે રહેતો અને મહારાજ ને મેનેજર સાથે એટલું ફાવતું નહોતું એટલે અંશુએ એ દિવસ સિવાય મહારાજ સાથે કઈ ખાસ કામ નહોતુ કર્યું. એ દિવસે મહારાજની ફર્સ્ટ શિફ્ટ હતી અને પ્લાન્ટ માં ક્રિટીકલ પ્રોબ્લેમ આવ્યો ત્યારે મહારાજની આખી ટીમ બીજા કામ પર લાગેતી હતી એટલે બીજા વ્યક્તિ તરીકે મહારાજ જનરલ શિફ્ટમાંથી અંશુને લઇ ગયા. મહારાજએ ત્યાના ઓપરેટરને શું પ્રોબ્લેમ છે એ પૂછ્યું અને પછી અંશુને કીધું કે, જો આ કંટ્રોલ વાલ્વ છે, અને ક્રિટીકલ લાઈનમાં છે,એટલે હું ઉપર ચઢીને જાવ છુ, તું નીચે જ ઉભો રહે અને કોઈ ટુલ્સ માંગું ત્યારે મને આપજે. અંશુ હામી ભણી નીચે જ ઉભો રહ્યો, પણ જયારે દસ-પંદર મિનીટ પછી પણ કઈ ના થયું એટલે મહારાજ એ અંશુ ને ઉપર બોલાવીને સમજાવ્યું કે , આ વાલ્વમાંથી એર(હવા) લીક થાય છે એટલે કામ નથી કરતો, તું આને ખોલીને ડીપાર્ટમેન્ટમાં લઇ જા, હું અહીના ઓપરેટર પાસેથી પરમીટ પર એની સહી લઈને આવું છું.
અંશુ મહારાજના કહેવા પ્રમાણે ડીપાર્ટમેન્ટ માં પહોચ્યો. એણે પહેલા પણ વર્કશોપમાં આ વાલ્વ ઉપર કામ કર્યું હતું એટલે મહારાજ આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે એણે જાતે જ કરવાનો વિચાર કર્યો. મહારાજ આવ્યા ત્યારે એમણે જોયું કે, અંશુ એકલો એના ઉપર કામ કરતો હતો. મહારાજ ખુશ પણ થયા કારણકે એ ખુદ માનતા કે જેટલું જાતે કામ કરશો, જેટલા હાથ બગાડશો એટલું વધારે શીખશો અને આત્મવિશ્વાસ પણ વધશે. મહારાજ અંશુ ની નજીક જઈને પૂછ્યું કે, શું કર્યું તે, તો અંશુ અચાનક મહારાજના આવવાથી ગભરાઈ ગયો, પરંતુ તરત સ્વસ્થતા કેળવતા એણે કીધું,સર, એર મારીને ચેક કર્યું તો લીક થાય છે એટલે લાગે છે કે એની “ઓ”-રીંગ ખરાબ થઇ ગઈ છે તો એ નવી નાખવી પડશે, બાકી બધું બરાબર છે, મેં તમારા ટુલબોક્ષ માંથી નવી “ઓ”-રીંગ લઈને નાખી દીધી છે અને હવે એને વાલ્વ સાથે કેલિબ્રેટ કરવાનો પ્રયત્ન કરું છું.
મહારાજ અંશુ ની કામ કરવાની પદ્ધતિથી ખુબ ખુશ થયા, કારણકે તમે સારા એન્જીનીયર ત્યારે જ બનો જયારે તમે સ્માર્ટ વર્ક કરો, પેહલા પ્રોબ્લેમ શું છે એ સમજ્યા પછી એના ઉપર કામ કરવું એ સૌથી અસરકારક ટેકનીક છે, જે અંશુ ભલીભાંતિ જાણતો હતો. MKC માં જ્યારથી તિવારી સર એ મેનેજર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારથી બધાની કામ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ હતી. મેનેજર દીર્ઘદ્રષ્ટા નહોતા. એમણે પેહલેથી જ સુચના આપી હતી કે જે પ્રોબ્લેમ આવે એમાં માત્ર પ્રોબ્લેમ જ સોલ્વ કરવાનો બાકીનું જેવું હોય આવું રેહવા દેવાનું. જયારે ભૂતપૂર્વ મેનેજર હતા ત્યારે પ્લાન્ટના કોઈ પણ ઇન્સટ્રુમેન્ટ માં પ્રોબ્લેમ આવે તો એને સોલ્વ કરીને સીધો લાઈનમાં લેતી વખતે એને ફરીથી અખો ચેક કરીને એના બધા પાર્ટ્સ ચેક કરવા અને જરૂર પડે એને પણ રીપેર કરીને જ લાઈનમાં લેવાનો આગ્રહ રાખતા. એમાં ટાઇમ તો લાગતો પણ પછી એ ઇન્સટ્રુમેન્ટની લાઈફ વધી જતી અને કામ પણ ઘટી જતું.
જયારે આ મોહિત તિવારની મેનેજર તરીકે નિમણુંક થઇ ત્યારે એમણે જુના મેનેજરની આખી રીત બદલી નાખી, જે પ્રોબ્લેમ હોય એ જ જોવાનો બાકી જેવું હોય એવું ચલાવી લેવાનું, ભલે ને એના નટ-બોલ્ટ કટાઈ ગયા હોય એ એવા જ રાખવાના, જયારે એનો પ્રોબ્લેમ આવશે ત્યારે એ બદલીશું.એમની કામ કરવાની આ પદ્ધતિ મહારાજને બિલકુલ નહોતી ગમતી. ઘણીવાર મહારાજ અને તિવારી વચ્ચે આ બાબતે રકઝક પણ થતી. મહારાજ કહેતા પણ ખરા કે આના લીધે આપણું કામ વધી જય છે. આજે જે ઇન્સટ્રુમેન્ટ માં પ્રોબ્લેમ આવ્યો એ જ ઇન્સટ્રુમેન્ટ માં થોડા દિવસ ફરી પ્રોબ્લેમ અવે તો એને ફરી ખોલવો પડે, એમાં મેહનત અને સમય ખોટા જ ખર્ચ થાય છે. પણ મેનેજર આ વાત સાંભળવા જ તૈયાર નહોતા.
અને અંશુ ની પ્રોબ્લેમ સોલ્વ કરવાની આ જ પદ્ધતિ મહારાજને ખુબ ગમી હતી અને જે રીતે અંશુ અનુભવી ટેકનીસિયન અને હેલ્પરને લીડ કરતો જોઇને જ મહારાજ સમજી ગયા હતા કે ભવિષ્ય માટે એક અચ્છો લીડર તૈયાર થઇ રહ્યો છે, ત્યારે જ મહારાજે અંશુ ને એ પોતાની શિફ્ટ માં લેશે એ નક્કી કરી લીધું હતું.
(બે પાક્કા મિત્રો વચ્ચે અંતર વધીને એકબીજાના દુશ્મન બનવાનો પ્લોટ બની ગયો છે, સિનીયર એન્જીનીઅર મહારાજ અને મેનેજર તિવારી વચ્ચે નાની મોટી રકઝક કેટલું મોટું સ્વરૂપ બનશે, એમાં અંશુ અને હાર્દિક કઈ રીતે જોડાશે, ભવિષ્યમાં એનું શું પરિણામ આવશે એના માટે તમારે વાંચવો પડશે દોસ્ત સાથે દુશ્મની નો આવનારો ભાગ......)
આ ભાગમાં આવતા પાત્રોના નામ અને એમનો ટૂંકો પરિચય:
મહારાજ- ઇન્સટ્રુમેન્ટના સિનીઅર એન્જીનીયર
મોહિત તિવારી- ઇન્સટ્રુમેન્ટના હાલના મેનેજર
સિંઘ સાહેબ- ઇન્સટ્રુમેન્ટના HOD
***