દોસ્ત સાથે દુશ્મની Shah Jay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્ત સાથે દુશ્મની

દોસ્ત સાથે દુશ્મની

ભાગ-4

(અત્યાર સુધીમાં જોયું કે MKCમાં થયેલા બ્લાસ્ટ માટે ઇન્સ્પેકટર કુલાડી મિસ્ટર અંશુ અને દક્ષની સોચી સમજી સાદિશ સમજે છે અને એ દિશામાં ઇન્વેસ્ટીગેટ કરતા દક્ષની ફાઈલ મળે છે. તો હવે આગળ વાંચો આ ઘટનાનું મૂળ જે ઘટના ના બાર વર્ષ પેહલા રોપાયું હતું. વાંચો અંશુ અને હાર્દિકની મિત્રતા ઉપરનું એક સોપાન....)

૧૨ વર્ષ પહેલા.....

હાર્દિક અને અંશુ કોલેજથી જ એકબીજાના બહુ સારા મિત્રો હતા. બંને એ ઇન્સટ્રુમેન્ટ & કન્ટ્રોલ એન્જીનીયરીંગ ગાંધીનગર ની કોલેજ માંથી કર્યું હતું. બંને એન્જીનીયરીંગના છેલ્લા ત્રણ વર્ષ તો એકસાથે જ રહી ને કાઢ્યા હતા. હાર્દિક મિસ્ત્રી સુરતનો તો અંશુ શાહ ભરૂચથી હતો. એટલે બંને વાર પ્રસંગે એકબીજાના ઘરે પણ જતા આવતા.

કોલેજ પૂર્ણ થતા અંશુ ને MKCમાંથી ઓફર મળી અને અંશુ MKC માં જોઈન થઇ ગયો, જયારે હાર્દિક કોઈ સારી કંપનીની શોધમાં હતો. સોફ્ટવેર અને માર્કેટિંગની ઘણી ઓફર આવતી હોવા છતાં પોતાની જ ફિલ્ડ વિશેના ઊંડા લગાવને લીધે ભલે ચાર મહિના ઘરે બેસવું પડે પરંતુ ફિલ્ડ ચેન્જ નહિ કરું એમ વિચારીને હાર્દિક હજી ઘરે જ બેઠો હતો.

પણ જયારે ખરેખર ચાર મહિના વીતી ગયા અને હજી નોકરી નું કોઈ ઠેકાણું ના પડ્યું એટલે હાર્દિક ખુબ નિરાશ રહેવા લાગ્યો. કોલેજ માં હમેશા અવ્વલ લાવનારો આજે બેકાર હતો અને એની પાછળના ઘણા મિત્રો નોકરીએ લાગી ગયા એ વાત હાર્દિકને અંદરથી કોરી ખાતી હતી. એટલે એણે બીજી સરકારી નોકરી અને હીરા ઘસવા ઉપર પણ એકવાર હાથ અજમાવી જોયો. પણ કહેવાય ને “મન હોય તો માળવે જવાય” એમ કામ માં મઝા ના આવતા બધી નોકરી બે-ચાર દિવસમાં છોડી દીધી.

ધીરે ધીરે હતાશાના લીધે એણે અંશુ અને બીજા કોલેજ મિત્રો સાથે વાત કરવાનું ઓછુ કરવા લાગ્યું. જયારે પણ અંશુ એને દર થોડા દિવસે ફોન કરતો અને પૂછતો કે ફોન કેમ નથી કરતો કે whatsapp પર મેસેજ નો રીપ્લાય કેમ નથી કરતો તો એના બદલા માં હાર્દિકનો જવાબ રહેતો કે તમે કમાઓ છો તો તમારે ફોન કરવાનો. હું તો હજી બેકાર છું, મારી પાસે ક્યાંથી પૈસા હોય. અંશુ અને બીજા મિત્રો ને પણ હાર્દિકની આ વાત નહોતી ગમતી પરંતુ એની વાત પણ સાચી હતી કે બધાથી ભણવામાં આગળ હોવા છતાં આજે એ બેકાર હતો. એટલે અંશુ અને અન બીજા મિત્રો એ પણ હાર્દિક માટે જોબ શોધનું શરુ કર્યું. અને નક્કી કર્યું કે જો એમને કોઈ ઓફર આવે તો એના માટે હાર્દિક નું નામ આપવું.

આ વાતના થોડા સમય પછી નવરાત્રીના બીજા નોરતાએ અંશુને અમદાવાદની એક કંપનીમાંથી ઇન્ટરવ્યુ માટે ફોન આવ્યો ત્યારે અંશુ એ હાર્દિકનું નામ સૂચવ્યું અને કીધું કે એ પોતે તો બીજી એક કંપનીમાં જોબ કરે જ છે પરંતુ બીજો એક મિત્ર છે જે એના કરતા પણ વધારે સારો છે ત્યારે કંપની હાર્દિકને ઇન્ટરવ્યુ માટે બોલાવવા તૈયાર થઇ ગઈ. એ માટે હાર્દિકે બે દિવસમાં કંપનીના મેઈલ-એડ્રેસ પર એનો બાયોડેટા મોકલવાનો હતો.

કંપનીનો અંશુ પર ફોન આવતા જ અંશુએ તરત જ આ વાત જણાવવા હાર્દિકને ફોન કર્યો અને કીધું કે આ કંપનીમાં તારો બાયોડેટા બે દિવસ માં મોકલીએ આપજે અને એ લોકો તારીખ આપે ત્યારે ત્યાં જઈને ઇન્ટરવ્યુ આપી આવજે. પરંતુ આ ચાર મહિના મહિના દરમિયાન હાર્દિક એટલો બધો બેજવાબદાર અને આળસુ થઇ ગયો હતો કે એ બે દિવસમાં બાયોડેટા મોકલવનું પણ ભૂલી ગયો અને જયારે બે દિવસ પછી અંશુ એ ફોન કરીને પૂછ્યું તો એકદમ ચીલાચાલુ બહાનું આપ્યું કે અત્યારે તો નવરાત્રી ચાલે છે, તું મને ફોન કરીને હેરાન ના કર. એના આવા જવાબથી અંશુ ને ખુબ ગુસ્સો આવ્યો છતાં એ કંઈ ના બોલ્યો.

થોડા દિવસ પછી અંશુ અને હાર્દિકના કોલેજના એક બીજા મિત્ર એ હાર્દિકને એની કંપનીમાં જોડાવાનું કહ્યું પરંતુ ત્યાં પગાર બહુ ઓછો છે અને કંપની તો હજી સ્ટાર્ટ જ થઇ છે એમ કહીને હાર્દિકે ફરીથી એક સારી તક ગુમાવી. આખરે અંશુએ એક સારા મિત્ર તરીકેની ફરજ બજાવતા તેના weekly off ના દિવસે હાર્દિકને વાપી એના રૂમ પર બોલાવ્યો અને કીધું કે આરામથી આવજે, આપણે એક દિવસ જલસા કરીશું. જયારે હાર્દિકે કીધું કે મારે પાસપોર્ટ નું કામ છે એટલે નહિ આવ તો પણ અંશુ એ હાર્દિકને વાપી આવવા માનવી લીધો.

એ દિવસ શનિવાર હતો. અંશુએ કંપનીને જોઈન કર્યાને લગભગ દોઢ મહિનો જેવું થયું હતું, ચાલી ચાલીને થોડું વાપી સીટી પણ ફરી લીધું હતું અને જમવાનું બનાવવાનું પણ થોડું ઘણું શીખી ગયો હતો એટલે અંશુ એ હાર્દિકને એક સરપ્રાઈઝ તરીકે પોતાના હાથનું જમાડવાનું નાક્કી કર્યું. સરપ્રાઈઝ એટલા માટે કારણકે ચાર વર્ષ ગાંધીનગરમાં સાથે વિતાવેલા એમાં અંશુ જ એક એવો હતો કે જે રૂમ માં જમવાનું બનાવવાના વિરોધમાં હતો, જયારે પણ રૂમમાં જમવાનો પ્રોબ્લેમ થતો અને બધા એવું વિચારતા કે જો આપણે જાતે જમવાનું બનાવતા હોત તો આ પ્રોબ્લેમ જ ના આવતે!!! ત્યારે અંશુ જ બધાને ફોસલાવીને આ વાત ઉડાવી દેતો અને તેના પરિણામરૂપે ચાર વર્ષ દરમિયાન રૂમમાં ગેસ નો સીલીન્ડર હોવા છતાં એનો ઉપયોગ ખાલી પાણી ગરમ કરવા માટે જ થતો. એટલે અંશુના હાથ નું જમવાનું એ તો કોઈના પણ માટે સ્વપ્ન સમાન વાત હતી.

આખરે હાર્દિક ગુજરાત એક્ષપ્રેસમાં વાપી પહોચ્યો, અંશુએ એને સ્ટેશન પરથી પીક-અપ કરી લીધો અને સીધા રૂમ પર પહોચ્યા. અંશુએ પેહલેથી જ બધી તૈયારી કરી રાખી હતી, જમવાની તો ખરી જ પરંતુ એક વિશેષ મેહમાનગીરીની પણ. બારણાની પાછળ એક સાવરણી મુકી રાખી હતી, હાર્દિકને મારવા માટે જ તો.... હાર્દિકના રૂમ માં પ્રવેશતા જ અંશુએ સાવરણી ઉપાડી અને બારણું બંધ કરીને પુછ્યું કે બોલ કેમ જોબ નથી કરવી? શી તકલીફ છે? જોબ નહિ કરે તો શું કરીશ? એમ પૂછતા પૂછતા જ બે-ત્રણ સાવરણી તો મારી દીધી. અંશુની આવી મહેમાનગીરી હાર્દિક થોડો ગભરાઈ ગયો એણે આવું વિચાર્યું નહોતું કે એના ઉપર આમ સર્જીકલ સ્ટ્રાઈક થઇ જશે. અને તરત કીધું કે, હા જોબ કરવી છે પણ તું સાવરણી મુક, આપણે શાંતિથી બેસીને વાત કરીએ. બીજી બે-ત્રણ સાવરણી મારીને અંશુને પણ દિલ ની ટાઢક વળી એટલે સાવરણી મુકીને સીધો રસોડામાં ગયો.

હાર્દિક એની પાછળ રસોડામાં ગયો અને બોલ્યો કે યાર ભૂખ લાગી છે, આપણે જમવાનું કંઇક લઈને જ આવાનું હતું. અંશુએ કીધું કે એની કોઈ જરૂર નથી, તું બાથરૂમમાં જઈને હાથ-પગ ધોઈને આવ હું દસ જ મિનિટમાં જમવાનું તૈયાર કરું છું. હાર્દિક તો આ વાત સાંભળીને આંખના ડોળા કાઢીને અંશુને જોવા લાગ્યો કે, આ બોલતા કેજરીવાલ કામ કરતા મોદી ક્યારથી થઇ ગયા!! અંશુએ હાર્દિકને બાથરૂમ નો દરવાજો ઇશારાથી બતાવ્યો અને હાર્દિક અંદર ગયો ત્યાં સુધી અંશુએ ડીશ પીરસીને તૈયાર કરી દીધી.

જમતા-જમતા બંનેએ ઘણી વાતો કરી. અંશુએ પણ પેહલીવાર પોતાના હાથનું જમવાનું કોઈ બીજાને જમાડ્યું હતું. જમવાનું એટલું સારું તો ન્હોતુ પરંતુ બહારથી લાવેલા ટીફીન કરતા તો ઘણું જ સારું હતું. જમતી વખતે હાર્દિક એ કીધું કે, જોબ તો કરવી છે પરંતુ કોઈ સારી કંપનીમાં અને એ પણ આપણી ફિલ્ડમાં જ. અંશુએ હાર્દિકની ડીશ માં એક રોટલી મુકતા પૂછ્યું કે, તો મેં જયારે ફોન કરવાનું કીધું ત્યારે એ કંપનીમાં ફોન કેમ ના કર્યો? તો હાર્દિકે કીધું કે કંપની હજી તો નવી જ છે.તો એમાં શું કરવાનું હોય, કોઈ કંપની જેનો ખુબ સારો અનુભવ હોય એમાં જ મારે જવું છે. હાર્દિકની આ વાત નો અંશુ પાસે કોઈ જવાબ નહોતો એટલે એ ચુપ થઇ ગયો.

જમીને બંને મિત્રો બેઠા ત્યારે અંશુ ને એની કંપનીના whatsapp ગ્રુપ માં મેસેજ આવ્યો અને અંશુને યાદ આવ્યું એટલે હાર્દિકને કીધું કે એક ચાન્સ છે, મારી કંપનીમાંથી બે જણને કંપની બેંગ્લોર મોકલવાની વાત ચાલુ છે, જો એમનું જવાનું નક્કી થઇ જાય તો એમની જગ્યા ખાલી પડે અને ત્યાં તારા માટે હું પૂછી જોવ જો કઈ થતું હોય તો. હાર્દિક પણ આ વાત સાંભળીને ખુશ થઈને અંશુને ભેટી પડ્યો કે હા જો તારી જ કંપનીમાં મારું લાગી જય તો બહુ સારું. પછી ખાવા-પીવાનું, ફરવાનું બધું સાથે કરીશું. અંશુએ તરત એને વધારે ભવિષ્ય જોતા અટકાવ્યો કે આ તો હજી એક શક્યતા છે એટલે બહુ વિચાર ના કર. અને તારું હું કરાવી જ આપીશ એ હું ચોક્કસ નથી કહી સકતો, પણ પ્રયત્ન જરૂર કરીશ.

ત્યારપછી તો અંશુ અને હાર્દિક એમની કોલેજની વાતોના પોપડા એમની સ્મૃતિપટ પરથી ઉખેડ્યા અને ઘણી વાતો કરી અને રાત્રે હાર્દિક ફરી સુરત જવા નિકળ્યો ત્યારે ફરી અંશુને યાદ કરાવતો ગયો.

આશરે એકાદ મહિના પછી અંશુ એ હાર્દિકને ફોન કર્યો અને એનો બાયોડેટા પોતાને મેઈલ કરવા કહ્યું. હાર્દિકએ અંશુ ને મેઈલ કરી દીધો અને બીજા દિવસે એની પ્રિન્ટ કાઢીને અંશુ કંપનીના HR ડીપાર્ટમેન્ટમાં આપી આવ્યો. એના બીજા જ દિવસે MKC માંથી હાર્દિકને ફોન આવ્યો અને એક અઠવાડિયા પછીની ઇન્ટરવ્યુ ની તારીખ આપી. આ ખુશખબર જણાવવા હાર્દિકે તરત જ અંશુ ને ફોન કર્યો અને બધી વાત જણાવી. અંશુ પણ આ સાંભળીને ખુશ થઇ ગયો.

આ એક અઠવાડિયામાં લગભગ દરરોજ હાર્દિક અલગ અલગ કારણોથી અંશુને ફોન કરતો. જેમ કે, કપડા ફોર્મલ પેહરવાના કે જીન્સ? કંપની પહોચવાનું કેટલા વાગે અને કઈ રીતે? ઇન્ટરવ્યુ માં શું પૂછશે? એની તૈયારી કઈ રીતે કરવાની? અંશુ એ એના બધા સવાલો ના શાંતિ થી જવાબ આપ્યા.

આખરે એક અઠવાડિયા પછી હાર્દિકનો ઇન્ટરવ્યુ થયો, અને ખુબ સરળતાથી એ પાસ પણ થઇ ગયો અને બે દિવસ પછી એને ફોન કરીને જોઈનીંગ તારીખ આપવામાં આવશે એમ કહીને જવા દીધો. બે દિવસ પછી કંપનીમાંથી હાર્દિકને દિવાળી પછીના દિવસથી કંપની જોઈન કરવાનું કીધું અને એ પેહલા કંપની પર આવી એક વાર મેડીકલ રિપોર્ટ કઢાવીને આપી જવા કીધું. હાર્દિક ખુબ જ ખુશ હતો અને તરત જ અંશુ ને ફોન કરીને કીધું કે આ વખતે દિવાળી બેકાર જશે એમ લાગતું હતું પરંતુ તારા લીધે દિવાળી સુધરી ગઈ.

(અંશુ ના કહેવાથી હાર્દિકને જોબ તો મળી ગઈ, પણ ગાઢ મિત્રતા પણ કેવા કેવા રંગ રચે છે એ જાણવા વાંચો દોસ્ત સાથે દુશ્મની નો નવો ભાગ આવતા સપ્તાહે )

મિત્રો આપના તરફથી હકારાત્મક પ્રતિભાવો મળવા બદલ ખુબ ખુબ આભાર. આજ રીતે વધારે મેહનત કરવાની પ્રેરણા આપતા રહેશો એવી આશા.

આપનો પ્રતિભાવ મને mail કરી પણ જણાવી શકો છો- jay.shah0908@gmail.com