ભાગ 2
ઈન્વેસ્ટીગેશન
(ભાગ ૧ માં આપણે જોયું કે MKC નામ ની કંપનીમાં કોઈ અજાણ્યો વ્યક્તિ ઘૂસીને બ્લાસ્ટ કરે છે અને લાંબા સમય સુધી ના મળતા કંપનીના હેડ પોલીસ ની મદદ લે છે અને એની શોધખોળ શરુ થાય છે. હવે આગળ.... )
મીટીંગમાં નક્કી થયા પ્રમાણે એક લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું, જેમાં કંપનીના બધા ડીપાર્ટમેન્ટના કર્મચારીઓની વિગતો હતી. કર્મચારીઓના નામ, ઉમરથી લઈને તેમનો કામ કરવાનો અનુભવ પણ આ લીસ્ટ માં સામેલ હતો. જોકે, એનો કોઈ મતલબ નહોતો. કારણકે, કંપનીના કર્મચારીઓ માંથી કોઈક હોય એવી શક્યતા બહુ જ ઓછી હતી. પરંતુ શક્યતા હતી ત્યાં કામ કરતા પ્રોજેક્ટ વર્કરો ઉપર. જેમાં દરરોજ ના એકસો થી વધારે રો-મટીરિયલ્સ લઈને આવતી ટ્રકના ડ્રાઈવર અને હેલ્પેર, વેલ્ડીંગ નું કામ કરતા વર્કરો, સાફ-સફાઈ કરતા વર્કરો માંથી કોઈ હોઈ સકે.
એ દિવસ રો- મટીરિયલ્સ લઈને છેલ્લા બે કલાકમાં આવેલી બધી ટ્રકના ગેટ-પાસ ફરી ચેક કર્યા. ઇન્સ્પેકટર કુલાડી એ જે સિક્યુરિટીગાર્ડ ને મુક્કો મારીને અજાણ્યો માણસ ભાગ્યો હતો એની પૂછપરછ કરી, જોકે એનું શરીર જોઇને કોઈ પણ વ્યક્તિ એને જમીનદોસ્ત કરી દે એમ લાગતું હતું. આજે સિક્યુરિટી હેડ મિસ્ટર શર્મા ને પેહલીવાર આવું લાગ્યું કે કોઈક નો ભાણિયો, કોઈકનો ભત્રીજો, કોઈનો મિત્ર એમ નિમણુંક કરવા કરતા યોગ્ય લોકો ની સિક્યુરિટી ગાર્ડ તરીકે નિમણુંક કરી હોત તો આ ઘટના બની જ ના હોત, પરંતુ જે થવાનું હતું એ તો થઇ ગયું. અત્યાર સુધી જે સિક્યુરિટીગાર્ડ મજબૂત બાંધો ધરાવતા હતા એમાંના મોટા ભાગનાના પેટ આજે બહાર આવી ગયા છે, ૩૦ ની કમર ના પેન્ટ ૩૪-૩૬ ના થઇ ગયા છે. જોકે એનું કારણ પણ બરાબર જ હતું , સિક્યુરિટી ના કામમાં એમણે કરવાનું પણ શું આવતું, દરરોજ લોકોના આઈ-કાર્ડ ચેક કરવાના, જો કોઈ આઈ-કાર્ડ ભૂલી ગયું હોય તો એનું નામ, નંબર, ઇન-ટાઇમ, દરેક ટ્રકના ગેટ-પાસ ચેક કરી એના ઉપર સહી-સિક્કા કરવાના. હવે આવા કામ માં કોઈ શારીરિક શ્રમ તો આવતો જ નહોતો એટલે ના ઇચ્છવા છતાં પેટ બહાર આવી જતા.
ગેટ નંબર 2 માં પ્રવેશતા જ દરેક આવતી જતી વ્યક્તિનો રેકોર્ડ રાખી શકાય એ હેતુ થી બંને ગેટ ઉપર CCTV કેમેરા લગાવેલા હતા. આજે પેહલીવાર CCTV ફૂટેજ જોવી પડે એવી પરીસ્થિતિ ઉભી થઇ હતી અને ત્યારે ખબર પડી કે બંને કેમેરાના એંગલ બદલાઈ ગયા હતા. CCTV ને એ રીતે સેટ કરવામાં આવ્યા હતા કે ગેટ નો આખો વિસ્તાર આવરી લેવાય પરંતુ એંગલ બદલાઈ જવાને લીધે ગેટનો અમુક વિસ્તાર છુટી જતો હતો અને અજાણ્યો માણસ જાણે આ વાત જાણતો હોય એમ છુટી જતા ભાગમાંથી જ પ્રવેશ્યો હતો એટલે એનો મોઢા તરફ નો ભાગ ના દેખાતા આગળ જતા માત્ર કમર નો ભાગ CCTV માં દેખાયો. ખાખી કલરની કોલેજ બેગ, ડાર્ક બ્લ્યુ કલરનું ફોર્મલ પેન્ટ, સફેદ કલરના શર્ટ અને માથે એક સ્કાર્ફ. કદાચ આ સ્કાર્ફ એણે મોઢું ઢાંકી રાખવાના ઉદેશ્ય થી જ પેહર્યો હશે.
ઇન્સ્પેકટર કુલાડી અને મિસ્ટર શર્મા CCTV રૂમમાં છેલ્લા બે કલાકથી CCTV કેમેરા ના ફૂટેજ ચેક કરતા હતા. એના પરથી એ નિષ્કર્ષ પર આવ્યા કે એ વ્યક્તિ માત્ર અને માત્ર બ્લાસ્ટ કરના ઉદેશ્યથી જ પ્લાન્ટ માં આવ્યો હતો. ગેટ પાસે સિક્યુરિટીને શંકા ના જાય એટલે સ્કાર્ફ નહોતો પેહર્યો અને ત્યાંથી આગળ વધીને તરત જ સ્કાર્ફ પેહરી લીધો કે જેથી એનો ચેહરો કોઈ જોઈ ના સકે, પરંતુ ગેટ સિક્યુરિટીની અચાનક બુમથી ગોડાઉન સિક્યુરિટી એલર્ટ થઈને સામે આવતા ઉતાવળ અને ગભરાટમાં સ્કાર્ફ ઉતરી જતા ગોડાઉન સિક્યુરિટીને એના મુખ દર્શન થઇ ગયા.
કોઈ પણ ભોગે એ અજાણ્યા વ્યક્તિને પકડવાનો જ હતો એટલે ઇન્સ્પેકટર કુલાડી એમની અણી-ચોટી નું જોર લગાવતા બધાના બયાન પોલીસ ચોપડે ચડાવ્યા અને ગોડાઉન સિક્યુરિટીને બોલાવીને એનો સ્કેચ બનાવડાવ્યો . CCTV કેમેરા ફૂટેજ પરથી અજાણ્યો વ્યક્તિ પ્લાન્ટમાં ક્યાંથી ક્યાં ગયો એ જોઈ તો શકાતું હતું પરંતુ થોડા સમય માટે જ, પછી એ અચાનક પાતાળ માં ઉતરી ગયો એમ પ્લાન્ટમાં ક્યાય ના દેખાયો.
ઇન્સ્પેકટર કુલાડીએ ફૂટેજ જોતા કંપનીના પ્લાન મંગાવ્યા અને દરેક CCTV કેમેરા ના લોકેશન અને કેટલો વિસ્તાર કવર કરી શકે એનો અભ્યાસ કરવા મિસ્ટર શર્મા ને કહીને કંપનીની સિક્યુરિટી ફાઈલ મંગાવી. CCTV ફૂટેજ જોતા પ્લાન્ટના ડ્રોઈંગ દ્વારા એ વ્યક્તિ ક્યાંથી ક્યાં ગયો એ તો ખબર પડી ગઈ પરંતુ ઇન્સ્પેકટર કુલાડી પ્લાન્ટ માં જાતે જઈને એક CCTV કેમેરાથી બીજા CCTV કેમેરા સુધી પહોચતા કેટલો સમય પોતાને લાગે અને અજાણ્યા વ્યક્તિને કેટલો સમય લાગ્યો એ ચેક કર્યું તો બે-ત્રણ જગ્યાએ એને ધાર્યા કરતા વધારે સમય લાગ્યો એવું લાગતા તરત જ ઇન્સ્પેકટર કુલાડી મિસ્ટર શર્મા સાથે એક ટીમ લઈને ત્યાં કોઈક પુરાવા મળી રહે એ આશા એ ત્યાં પહોચ્યા પરંતુ ત્યાંથી પણ એમને માત્ર નિરાશા જ સાંપડી.
એક બાજુ ઇન્સ્પેકટર કુલાડી અને મિસ્ટર શર્મા આ તપાસ કરતા હતા ત્યાં ઇન્સ્પેકટર કુલાડીના આદેશથી MKCના પ્રોજેક્ટ વર્કરો અને મજુરોની પૂછતાછ ચાલતી હતી. ભૂતકાળમાં થયેલી ઘટનાઓમાં જે પણ સામેલ હતા એમને પહેલા બોલાવાયા હતા. એમાં બે ડ્રાઈવર, વેલ્ડીંગનું કામ કરતા 4-5 વેલ્ડર ઉપર થોડી શંકા ઉપજી એટલે એમની પુછપરછ થોડી આકરી કરાઈ.
“નામ?” સિક્યુરિટીએ એક ને પૂછ્યું.
“સાહબ, રામુ હૈ હમ.” પેલા એ ધીમેથી જવાબ આપ્યો.
રામુ હરિયાણાથી કંપની માટે રો-મરીરિયલ્સ લાવતો હતો. આમ તો આ કામ એ છેલ્લા થોડા મહિનાથી કરતો હતો પરંતુ છેલ્લા વખતે એણે કરેલા પરાક્રમને કારણે આજે એના ઉપર શંકા ઉપજી હતી. છેલ્લી વખતે પ્લાન્ટમાં છૂપી રીતે પકડાયો હતો ત્યારે તો પેશાબ કરવા આવ્યો છું એમ કહીને એને જવા દીધો હતો. રામુ પાસેથી બધી ડીટેઈલ્સ લીધા પછી પાજીનો નંબર આવ્યો. પાજી એક વાર CCTV કેમેરા ને છેડતા પકડાયા હતા. બાકીના વેલ્ડરોની પણ ડીટેઈલ્સ લઈને જરૂર પડશે ફરી બોલાવીશું એમ કહીને જવા દેવાયા.
p2 પ્લાન્ટમાંથી Utility પ્લાન્ટ સુધી પહોચવાના બધા રસ્તા પરના CCTV કેમેરા ચેક કરતા ખબર પડી કે અજાણ્યો માણસ ત્યાંથી ગયો નથી, એટલે ઇન્સ્પેકટર કુલાડી એ અજાણ્યો માણસ p2 પ્લાન્ટમાં જ્યાં છેલ્લી વાર દેખાયો હતો ત્યાંથી Utility પ્લાન્ટ સુધી પહોચતા બધા રસ્તાના CCTV ફૂટેજ ચેક કર્યા. અમુક CCTVના એંગલ બદલાઈ ગયા હતા તો વળી લાંબા સમય થી કેમેરાની માવજત ના અભાવે એના લેન્સ ઉપર એટલી ધૂળ જામી ગઈ હતી કે ચિત્ર એકદમ ઝાંખું દેખાતું હતું. ઇન્સ્પેકટર કુલાડી આ જોઇને ખુબ જ અકળાયા, મિસ્ટર શર્મા ને જો પોતે હોય તો અત્યારે ને અત્યારે જ સસ્પેન્ડ કરી દે. p2 પ્લાન્ટમાંથી જયારે બધા ઉતરીને p1 પ્લાન્ટ થઈને ગેટ તરફ જતા હતા ત્યારે માત્ર એક વ્યક્તિ બધાથી ઉલ્ટો Utility તરફ જતો દેખાયો. તરત જ ઇન્સ્પેકટર કુલાડી ની આંખો માં તેજ આવ્યું, બહુ મેહનતના અંતે કંઇક હાથ માં લાગ્યા ની ખુશી એમના મોં ઉપર દેખાતી હતી. તરત જ એમણે આ CCTV ફૂટેજ ની એક કોપી લઇ લીધી અને આ વ્યક્તિ કોણ છે એના તપાસ નો આદેશ આપ્યો.
મિસ્ટર કુલાડી આંખ બંધ કરી આખી ઘટના વિષે વિચારી રહ્યા હતા ત્યાં જ એમનો ફોન રણક્યો અને એ સીધા CCTV રૂમ માં પહોંચી ગયા. તપાસ કરતા CCTV ફૂટેજનો આ વ્યક્તિ કોઈ નહિ પરંતુ દક્ષ નામનો એક નવો જ જોઈન થયેલો ઇન્સટ્રુમેન્ટ એન્જીનીયર હતો. જયારે સમયની સાથે સરખામણી કરવામાં આવી તો પહેલો બ્લાસ્ટ p1 પ્લાન્ટમાં બરાબર ૧૨:૩૫ એ થયો હતો અને એની બરાબર બે મિનિટ પછી ૧૨:૩૭ એ Utility પ્લાન્ટ માં અને આ જ સમયે દક્ષ ત્યાં જતો દેખાયો. તરત જ ઇન્સ્પેકટર કુલાડી એ દક્ષની ફાઈલ મંગાવી અને દક્ષ ને બોલાવવા માટે કહ્યું.
“હેલ્લો , દક્ષ.” ઇન્સ્પેકટર કુલાડી એ દક્ષ ને ખુરશી પર બેસવા ઈશારો કરતા કહ્યું.
સિક્યુરિટી ઓફીસ હમણા પુરતી પોલીસ સ્ટેશનમાં ફેરવાઈ ગઈ હતી. ઇન્સ્પેકટર કુલાડી એમનાથી બનતા બધા પ્રયત્નો કરી રહ્યા હતા એમાં આ દક્ષ કંઇક અલગ જ કડી છે આવું લાગતા એમણે દક્ષ ને થોડી સામાન્ય પૂછ-પરછ છે એમ કહીને ફોન કરી બોલાવડાવ્યો હતો.
“હેલ્લો, સર.” દક્ષ પુરા આત્મવિશ્વાસ સાથે કેબીનમાં આવ્યો. કેબીનની હાલત જોઇને દક્ષ પણ વિચારમાં પડી ગયો. કેબીનમાં ચારે બાજુ પોલીસ અને સિક્યુરિટી ગાર્ડસ ભેગા થઈને બધી ડીટેઈલ્સ એકઠી કરતા હતા. દક્ષ ની આખા રૂમ માં ફરતી નજર ઇન્સ્પેકટર કુલાડીથી છાની નહોતી. પરંતુ એ ખુદ ઇચ્છતા હતા કે દક્ષ આ બધું જુવે અને જો અને પોતે જ આવું કર્યું હોય તો અહિયાં જ કબુલ કરી લે તો કેસ પણ સોલ્વ થઇ જાય. એટલે એમણે દક્ષ ને કઈ પૂછ્યા વગર બે મિનીટ બેસીને આસપાસ જોવા દીધો અને પોતે ત્રાંસી નજરે દક્ષના મોં પરના હાવભાવ નિહાળવા લાગ્યા.
“બેટા, આપકો જોઈન હુએ કિતના ટાઇમ હુઆ?” ઇન્સ્પેકટર કુલાડી એ બે મિનીટ પછી દક્ષને પૂછ્યું.
“સર, સાયદ એક મહિના ઔર ઉપર થોડે દિન.” દક્ષે આસપાસ જોતા કહ્યું.
“ઓકે, બેટા. મુજ્હે આપકા ફોન ઔર બેગ ચેક કરના હૈ, બસ થોડી દેર કે લિયે. ક્યાં આપ મુજ્હે દેંગે?”
“યા, સ્યોર, સર.” કહીને દક્ષે એનું બેગ અને મોબાઈલ ફોન ઇન્સ્પેકટર કુલાડીને આપ્યા.
કુલાડીએ તરત જ એમની ટીમના એક વ્યક્તિને મોબાઈલ અને બેગ ચેક કરવા કીધું અને એ ફરી દક્ષ સાથે વાત કરવા લાગ્યા.
“આપ યહા કિસ કે રેફરન્સ સે આયે હૈ?
“જી, મીકેનીકલ કે ગુપ્તાજી કે રેફરન્સ સે.” દક્ષએ કીધું.
બીજી થોડી વાતચીત દરમિયાન બેગ અને મોબાઈલ ચેક થઇ ગયા હતા. દક્ષના મોબાઈલ અને બેગના ચોપડામાંથી કંપનીના ઘણા બધા ડ્રોઈંગ્સ અને ફોટા મળ્યા હતા. તરત જ ઇન્સ્પેકટર કુલાડીએ આ બધા ફોટા અને ડ્રોઈંગસ ના ફોટા પાડી લીધા જેથી એ પુરાવા તરીકે ચાલે. આ પુરાવા મળતા જ ઇન્સ્પેકટર કુલાડી એ જોર થી આળસ મરડી અને મન માં જ પોતાની જાત ને એક જ દિવસ માં કેસ સોલ્વ કરવાની શાબાશી આપી. બસ હવે તો થોડા સવાલ પૂછીને સાબિત કરવાનું જ બાકી રહ્યું છે એમ વિચારીને ઇન્સ્પેકટર કુલાડી જલ્દીથી બધું પતાવવાના મૂડ માં આવી ગયા.
“યે સબ ફોટો ઔર ડ્રોઈંગ્સ સબ કહાં સે ઉઠાયા તુને?” ઇન્સ્પેકટર કુલાડી દક્ષના જવાબ નો આતુરતાથી રાહ જોતા પૂછ્યું.
“સર, યે સબ તો મેરે સેલ્ફ સ્ટડી કે લિયે હૈ, પ્લાન્ટ મેં કોઈ સિખાતા નહિ થા તો મૈને સબ કે ફોટો ખીંચકર ઘર પે કે જાકે ડ્રોઈંગ બના કે ખુદ સે સીખતા થા. ઇસી તરહ મૈને પ્લાન્ટ કા કોન સા ડીપાર્ટમેન્ટ કહાં પે હૈ વો સબ સીખા.” દક્ષે બહુ શાંતિથી જવાબ આપતા કીધું.
ઇન્સ્પેકટર કુલાડી દક્ષની આ વાત બિલકુલ માનવા તૈયાર નહોતા. એ દક્ષ ઉપર ગુસ્સે થઇને અને સાચું બોલીશ તો કંઇક મદદ કરીશ એમ પણ કીધું પરંતુ દક્ષ એની વાત ઉપર કાયમ રહેતા છેલ્લે ઇન્સ્પેકટર કુલાડીએ MKCના ડિરેક્ટર, ઇન્સટ્રુમેન્ટના હેડ, મેનેજર, બધાને તરત સિક્યુરિટી કેબીન માં તેડાવ્યા. ઇન્સટ્રુમેન્ટના હેડ અને મેનેજર કંપનીમાં જ હોવાથી તરત સિક્યુરિટી કેબીનમાં પહોચ્યા. ઇન્સ્પેકટર કુલાડીએ એમને વિગતવાર વાત કહી તો બંને દક્ષ ઉપર બહુ ગુસ્સે થયા અને દક્ષ ને મન ફાવે એમ બોલવા લાગ્યા. દક્ષે તરત અમને બોલતા રોક્યા અને આ ફોટા ઉપરથી એણે ડ્રોઈંગ કઈ રીતે બનાવ્યા એની વિગતવાર માહિતી આપી ત્યારે બંને ના મોં ખુલ્લા જ રહી ગયા. કારણ કે આટલું સરળતાથી પ્લાન્ટને તો કોઈ પણ ના સમજાવી સકે એટલું સરળતાથી દક્ષની રીત થી પ્લાન્ટ ને સમજી સકાય એવા ડ્રોઈંગ એને બનાવ્યા હતા.
હવે દક્ષ ની તપાસ પૂરી કરવા ગુપ્તાજી ને બોલાવવા જરૂરી હતા એટલે તરત ગુપ્તાજીને બોલાવવામાં આવ્યા.ગુપ્તાજી સાથે વાતચીતમાં એમણે કીધું કે, એમણે મિસ્ટર અંશુના કહેવા મુજબ દક્ષને આ કંપનીમાં લેવા ઇન્સટ્રુમેન્ટના હેડ સાથે વાત કરી હતી. એટલે શંકા ની સોય MKC કંપનીના ભુતપૂર્વ પરંતુ અત્યારની પ્રતિસ્પર્ધી કંપની SHREE INDUSTRIS ના ઇન્સટ્રુમેન્ટ મેનેજર મિસ્ટર અંશુ ઉપર ગઈ.
અંશુ શાહ. અંશુ શાહ એટલે એ જ જેણે ચાર વર્ષ પેહલા MKC છોડીને ત્યાં નજીકમાં જ નવી શરુ થયેલી SHREE INDUSTRISમાં ઇન્સટ્રુમેન્ટ મેનેજર તરકે જોડાયા હતા. ઇન્સટ્રુમેન્ટ ડીપાર્ટમેન્ટમાં ૮ વર્ષ નો અનુભવ કઈ વધારે ના કહેવાય. કારણકે. ઇન્સટ્રુમેન્ટ એટલે એકદમ પ્રેક્ટીકલ ડીપાર્ટમેન્ટ. એક રીતે મેઈન્ટેનન્સ ડીપાર્ટમેન્ટ. દરરોજ જાત જાતના પ્રોબ્લેમ આવે, અને વળી આજે જે પ્રોબ્લેમ આવે એ આવતા બે-ચાર વર્ષ સુધી ના આવે અને કદાચ બીજા દિવસે ફરી પણ આવે એટલે આવા કામ માં ડીગ્રી કરતા અનુભવ ઉંચો ગણાય. પરંતુ અંશુ આમાં અપવાદ હતો. ટ્રેઈની તરીકે જોડાયાના બહુ ઓછા સમયમાં તેમણે એક સારા એન્જીનીયરની શાખ મેળવી લીધી હતી. પરંતુ અંશુ ને છેલ્લે તેની સાથેના જ અને એના ખાસ કહેવાતા મિત્ર હાર્દિક મીસ્ત્રી સાથે પ્રોબ્લેમ થતા MKC છોડી હતી.
હાર્દિક મિસ્ત્રી અત્યારે MKC કંપનીમાં ઇન્સટ્રુમેન્ટ ડીપાર્ટમેન્ટમાં સીનીયર એન્જિનિયર છે. તેનો આ કંપની સાથેનો નાતો આજથી ૧૨ વર્ષ પેહલા અંશુ એ જ જોડ્યો હતો અને ત્યારથી શરુ થયેલી રામાયણ આજે ૧૨ વર્ષ પછી દક્ષ નામના એક ૨૧ વર્ષ ના યુવાન ઉપર બોમ્બ બ્લાસ્ટનો આરોપ લગાવીને અટકી.
મિસ્ટર અંશુ વિષે જાણ થતા જ ઇન્સ્પેકટર કુલાડી તેમની ટીમ સાથે સીધા SHREE INDUSTRIS પહોચ્યા. અંશુને સવારથી જ MKC માં ઘટેલી ઘટનાની જાણ હતી પરંતુ તપાસ એના સુધી પહોચશે એવો કોઈ આઈડીયા નહોતો. ઇન્સ્પેકટર કુલાડી એ અંશુ ને સીધે સીધું એમનું આવવાનું કારણ બતાવ્યું અને દક્ષ સાથેનો સંબંધ જણાવવા કીધું. અંશુએ જવાબમાં કહ્યું કે કંપનીના નીતિ-નિયમો પ્રમાણે જેટલા ટ્રેઈની લેવાય એટલા બધાની નિમણુંક થઇ ગઈ હતી, દક્ષ ત્યાર પછી આવ્યો અને નજીકના સગામાંથી હોવાને લીધે એને સેટ કરાવવાની જવાબદારી અંશુ ઉપર હતી એટલે એણે MKC ના ગુપ્તાજીને પૂછ્યું અને ગુપ્તાજીએ કીધું કે હજી જગ્યા છે એટલે દક્ષને ગુપ્તાજીના રેફરન્સ ઉપર MKC માં લગાવ્યો.
અંશુ એ પણ ચોખવટ કરી કે ‘મને પેહલા કંપની સાથે થયેલા પ્રોબ્લેમ ની અસર દક્ષ ઉપર ના પડે એટલે મેં જ ગુપ્તાજી અને દક્ષ ને મારું નામ નહિ કહેવા કીધું હતું. આથી બેમાંથી એક પણ મારું નામ બોલતા નહોતા.’
બીજા દિવસના લોકલ સમાચારપત્રોમાં પેહલા જ પેજ ઉપર જયારે MKC કંપનીમાં “ એક ઔર મુસીબત” નામથી ત્યાના લોકલ પત્રકારે જયારે મોટો લેખ છાપ્યો ત્યારે કંપનીના શેરના ભાવ “ ઓલ ટાઇમ લો” સુધી આવી ગયા. પ્લાન્ટ એક દિવસ બંધ રેહવાને લીધે કંપનીને ખુબ નુકસાન થયું. વળી MKC કંપનીની પ્રોડક્ટ ને રો-મટીરિયલ્સ તરીકે ઉપયોગ કરતી કંપનીઓને પણ એની સીધી અસર થતા એમને જો તાત્કાલિક ઓર્ડર પ્રમાણે માલ ના મળે તો ઓર્ડર રદ કરી તેમની પ્રતિસ્પર્ધી SHREE INDUSTRIS ને આપવા જણાવ્યું.
બ્લાસ્ટ થવાથી ઈજાગ્રસ્ત થયેલા બે યુવાનોમાંથી એકની હાલત થોડી વધુ નાજુક હતી અને સેફટીના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ કંપનીમાં થયેલી ઘટનાથી ઈજાગ્રસ્ત થયો હોય અને ૪૮ કલાકમાં નોકરી ઉપર પાછો ના આવી સકે તો એને ગંભીર કેસ ગણી કંપની ઉપર કાર્યવાહી થઇ સકે છે. આથી આ આખી ઘટના SHREE INDUSTRIS ના ઇન્સટ્રુમેન્ટ મેનેજર અંશુ શાહએ દક્ષ પાસે ખુબ ચતુરાઈપૂર્વક કરાવવાની ફરિયાદ નોંધાઈ અને પોલીસે પણ બીજી કોઈ કડી ના મળતા આ જ દિશામાં કાર્યવાહી શરુ કરી.
(શું ખરેખર આ બ્લાસ્ટ પાછળ અંશુ અને દક્ષનો હાથ છે કે પછી કઈ બીજું જ? કોણ છે આ દક્ષ, શું છે એનો સંબંધ આ બ્લાસ્ટ સાથે? અંશુ અને હાર્દિક વચ્ચે શેની લડાઈ હતી? આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો- “દોસ્ત સાથે દુશ્મની”.......)
આ ભાગમાં આવતા પાત્રોના નામ અને એમનો ટૂંકો પરિચય:
હાર્દિક મિસ્ત્રી- અંશુ નો જુનો મિત્ર અને અત્યારના MKCમાં ઇન્સટ્રુમેન્ટ સીનીયર એન્જિનિયર
ગુપ્તાજી- અંશુ ના જુના મિત્ર, દક્ષના રેફરન્સ
પાજી અને રામુ- બ્લાસ્ટ માં શંકાસ્પદ