નિજાનંદ
રૂપેન પટેલ
રવિવારની ઉમળકા ભરતી સવારની પળોમાં સરદાર પટેલ કોલોનીમાં સમાચાર પત્ર ન આવ્યું હોવાથી બુમાબુમ થઇ હોય છે અને આ બુમાબુમની પ્રોફેસર પરીખ બાલ્કનીમાં બેઠા બેઠા તેમની શ્રીમતીજીના હાથની લિજ્જતદાર ચાની ચુસ્કી લેતા લેતા મજા માણતા હતા. પ્રોફેસર સાહેબને મંદ મંદ હસ્તા જોઈ તેમની શ્રીમતીજી પૂછે છે, "શું વાત છે પ્રોફેસર સાહેબ? , આજે પેપર વાંચ્યા વગર પણ આટલા બધા મૂડમાં આવી ગયા છો ?" પ્રોફેસર પરીખ હસ્તા હસ્તા બોલ્યા "આજે મને ધનીયો યાદ આવી ગયો છે, મને જૂની વાતોનું સ્મરણ થઇ આવતા મને મોજ આવી ગઈ છે." પ્રોફેસર પરીખ ધનિયાને યાદ કરતા સુવર્ણ ઇતિહાસની યાદોમાં ખોવાઈ જાય છે.
પ્રોફેસર પરીખનો ધનીયો એટલે ધનંજય. ધનીયો પહેલા કોલોનીમાં ઘણા બધાને ત્યાં સમાચાર પત્રો, સામાયિક પહોંચાડતો હતો. ધનીયો નાનપણથી ભણવાની સાથે ઘરે ઘરે પેપર નાંખવાનું કરતો હતો. ધનીયો ઠંડી, ગરમી, વરસાદ કે વાર તહેવાર હોય તો પણ કયારેય રજા રાખતો નહીં પણ તે આખા વિસ્તારના અન્ય પેપર વાળા કરતા થોડું મોડું પેપર અને સામાયિક પહોંચાડતો હતો. ધનીયો વહેલો ઉઠીને બીજાઓની સાથે જ પેપર સેન્ટર પરથી લઇ આવતો પણ તેનું કામ શબરીના એંઠા બોર જેવું હતું. ધનીયો વાંચવાનો ભારે શોખિન એટલે પહેલાં પોતે પેપર વાંચી લેતો અને પછી જ બીજ સુધી પહોંચાડતો. ઘણી વાર ધનીયાને પૂર્તિ વાંચવામાં જ મોડું થઇ જતું અને સવાર સવારમાં તેના નામની બુમો પડતી. ધનીયો સામાયિક તો તબિયતથી વાંચીને બીજા દિવસે જ ગ્રાહકને પહોંચાડતો. ધનીયાને બધા સામાયિકની પ્રકાશન તારીખ યાદ રહેતી અને તે ગ્રાહકો કરતાં વધારે કાગડોળે સામાયિકની રાહ જોતો. પ્રોફેસર પરીખને આજે આ જ કારણે ધનીયો યાદ આવી ગયો હતો.
ધનીયો સાહિત્ય પ્રેમી હોવાથી બધા સમાચાર પત્રો ઉપર ઉપરથી વાંચી લેતો પણ બધાની પૂર્તિઓ રસપૂર્વક વાંચતો હતો. રવિવારની અને બુધવારની પૂર્તિનું તેને ઘણું આકર્ષણ અને ઇન્તેજારી હોય. ચિત્રલેખા, જી, સ્ત્રી, ફીલિંગ્સ જેવા મેગેઝીન તો એકાદ દિવસ નિરાંતે વાંચીને જ પહોંચાડવામાં માનતો હતો. પ્રોફેસર પરીખના ઘરે ઘણા બધા સામયિક આવતા હતા. પ્રોફેસર પરીખ તે બધા સામાયિક પસ્તીમાં ન આપતા ધનીયાને વાંચવા આપતા. ધનીયો પણ હોંશેહોંશે બધી પસ્તી લઇ જઈ નિરાંતે વાંચતો અને તેમાંથી ગમતી વાર્તાને કટીંગ કરી સાચવી રાખતો. ધનીયો પસ્તીવાળા સાથે પણ સારી એવી દોસ્તી રાખતો અને પસ્તીની લારીમાંથી પણ વાંચવા જેવું સાહિત્ય ખૂણેખાંચરેથી શોધી વાંચવાની ભૂખ સંતોષવામાં સહેજ પણ શરમ ન રાખતો.
ધનીયાને તેની પડોશના મિત્રો કરતા સાહિત્ય પ્રેમી કે તેનાથી મોટા હોય તેવા સાથે મિત્રતા વધુ હતી. ધનીયાને પ્રોફેસર પરીખ, સરકારી પુસ્તકાલયના ગ્રંથપાલ વિષ્ણુભાઈ, બુક સ્ટોલવાળા અજયભાઈ સાથે સારી એવી મિત્રતા હતી. ધનીયો સમય મળતા સરકારી પુસ્તકાલયમાં પુસ્તકો અને વિષ્ણુભાઈને મળી આવતો. વિષ્ણુભાઈ સાથે નવું વાંચવાનું મળ્યું હોય તેની ચર્ચા કરતો અને વિષ્ણુભાઈ પુસ્તકાલયના વાચકોને ગમેલા પુસ્તકો વિશે ધનીયાને જાણ કરતા. વિષ્ણુભાઈ ધનીયા માટે નવા અને વધુ વંચાયેલ પુસ્તકો અલગ તારવી રાખતા.
ધનીયો વારંવાર નવા સામયિક વિશે જાણકારી મેળવવા બુક સ્ટોલવાળા અજયભાઈને ત્યાં જતો હતો. ધનીયો સામયિકોનો બંધાણી હતો. અખંડ આનંદ, કુમાર, નવનીત સમર્પણ, સમણું, તાદર્થ્ય, પરબ, તથાગત, ભૂમિપુત્ર, કોડિયું, શબ્દસર, ઉદ્દેશ, સંશોધન, નવચેતના, એતદ્, તથાપિ, અભિયાન, અલકમલક, સફારી, સુગણિતમ્, વિચાર વલોણું, ચંદન, કવિતા, કવિલોક, નાટક, છુક છુક, ચંપક, આરપાર જેવા સામાયિકનો તે નિયમિત વાંચતો હતો.
ધનીયાના મનપસંદ લેખકો અને પુસ્તકોમાં નંદશંકર મહેતાનું કરણઘેલો, જોસેફ મેકવાનની આંગળિયાત, કુન્દનીકા કાપડીયાની સાત પગલાં આકાશમાં, બિંદુ ભટ્ટની અખેપાતર, હિમાંશીબહેન શેલતની અંધારી ગલીમાં સફેદ ટપકાં, મુનશીનું જય સોમનાથ, ધ્રુવ ભટ્ટની તત્વમસિ, ધૂમકેતુનો વાર્તા વૈભવ, પન્નાલાલ પટેલનું માનવીની ભવાઈ, ધીરુબેન પટેલની આંગન્તુક, રતિલાલ બોરીસાગરનું એન્જોયગ્રાફી અને બીજા ઘણા બધા હતા.
ધનિયાનો વાંચવાનો ગાંડો શોખ જોઈ પ્રોફેસર પરીખ તેને ભણવા માટે પ્રેરણા આપતા. પ્રોફેસર પરીખના પ્રયાસો અને દબાણથી ધનીયો બારમાં ધોરણમાં ૯૦ ટકા ગુણથી પાસ થયો હતો. પ્રોફેસર પરીખે આગળના ઉચ્ચ અભ્યાસ માટે કોલેજ અને સ્કોલરશીપની પણ વ્યવસ્થા કરી આપી. કોલેજ કાળ દરમ્યાન ધનીયો વાંચવા માટે લાયબ્રેરીનો ભરપુર ઉપયોગ કરતો હતો.
ધનીયાને કોલેજ દરમ્યાન ભણવા સાથે જનરલ નોલેજ , રોજ બરોજની ઘટનાઓ, ધાર્મિક પુસ્તક જાણવા અને વાંચવામાં રસ પડવા માંડ્યો હતો. ધનીયાને પ્રોફેસર પરીખે UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની જાણકારી આપી હતી અને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ પૂરું પાડતા હતા.
ધનીયાની પાસે હંમેશા કોઈના કોઈ પુસ્તક હોય જ. ધનીયાના ઓશિકાની એક બાજુ એલાર્મ અને બીજી પુસ્તક હોય જ . ધનીયાના પ્રિય લેખકોમાં કાઝલ ઓઝા વૈધ, શરદ ઠાકર, જય વસાવડા, વિનોદ ભટ્ટ, રઘુવીર ચૌધરી, મોહમ્મદ માંકડ, રમણભાઈ નીલકંઠ, ભુપતભાઇ વડોદરિયા, ગુલાબદાસ બ્રોકર, વીનેશ અંતાણી, હિમાંશીબેન શેલત, ધીરુબેન પટેલ, ફાધર વાલેસ, વર્ષા અડાલજા, બકુલ ત્રિપાઠી, ગિજુભાઈ બધેકા, ધૂમકેતુ, ગુણવંત શાહ, દેવેન્દ્ર પટેલ, પન્નાલાલ પટેલ, નિરંજન ત્રિવેદી, કનૈયાલાલ મુનશી, નીલમ દોશી, જગદીશ ત્રિવેદી, ઉમાશંકર જોશી, કુંદનિકા કાપડિયા, આઈ કે વીજળીવાળા, ઈશ્વર પેટલીકર, શરીફા વીજળીવાળા, રઈશ મણીયાર અને બીજા ઘણા બધા હતા. ધનીયાને વધુ પડતી નવલકથા, નિબંધો, નવલિકા, વ્યંગ રચનાઓ, પ્રવાસ રચનાઓ વાંચવાનો શોખ હતો.
પ્રોફેસર પરીખે ધનીયાને upsc અને gpsc પરીક્ષાનું વાંચન સાહિત્ય મફતમાં લાવી આપ્યું હતું. ધનીયો હવે સાહિત્યની સાથે સાથે જનરલ નોલેજના સાગરમાં પણ ડૂબકીઓ મારીને જ્ઞાન મેળવવાની મજા લેતો હતો. ધનીયાનું gpsc ની પરીક્ષાનું ફોર્મ પ્રોફેસર પરીખે ભરી આપ્યું હતું. પરિક્ષાની તારીખની જાહેરાત થતા ધનીયો પરિક્ષા માટે ખુબજ મહેનત કરવા માંડ્યો. ધનીયો સવારે પેપર નાંખી આખો દિવસ વાંચવામાં જ મસ્ત રહેતો અને સમજવામાં કંઈપણ તકલીફ પડે તે પ્રોફેસર પરીખ તેને સરળ કરી આપતા. ધનીયાએ અમદાવાદમાં gpscની પરીક્ષા માટે તાલીમ આપતી સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટીટયુટની પણ મુલાકાત લીધી હતી. ધનીયાના પરિવારમાં માત્ર તેની વિધવા મા હતી. ધનીયાની મા પણ તેને ભણવા માટે પ્રોત્સાહિત કરતી અને સંભવ ઘણી બધી મદદ કરતી હતી.
ધનીયાએ gpsc પરીક્ષા પૂર્ણ કરી અને તેને સારા પરિણામ માટે વિશ્વાસ હતો. પરીક્ષામાં પૂછેલ તમામ પ્રશ્નોનો ક્રમવાર જવાબ ધનીયો પ્રોફેસર પરીખ સમક્ષ આપતો જોઈ પ્રોફેસરને પણ સારા પરિણામ માટે વિશ્વાસ હતો. ધનીયો પરીક્ષા પૂરી થતા સાહિત્ય તરસ સંતોષવા પુસ્તકો વાંચવામાં લાગી ગયો. ધનીયાને બુક સ્ટોલવાળા અજયભાઈ સાથે એકવાર સમાચાર પત્રની ઓફિસે જવાનો મોકો મળ્યો અને ત્યાં ધનીયો સંપાદક, તંત્રીશ્રીને પણ મળ્યો. ધનીયાને મળી તંત્રીશ્રી પણ ખુશ થઇ ગયા અને તેઓ પણ ધનીયાના મિત્ર બની ગયા. ધનીયો હવે નિયમિત સમાચાર પત્રની ઓફિસે તંત્રીશ્રીને મળવા જવા માંડ્યો.
પેપર નાંખનાર ધનીયો તંત્રીશ્રી સાથે ચા પીતો થઇ ગયો હોવા છતાં તેને સહેજ પણ અભિમાન ન હતું. તંત્રીશ્રીએ પૂર્તિમાં કોલમ લખનાર લેખક સાથે ધનીયાનો પરિચય કરાવ્યો. ધનીયો વર્ષોથી જેમનું લખાણ વાંચતો હતો તેમને સામે જોઈ ખુશ થઇ ગયો હતો. ધનીયાને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તે આટલા મોટા લેખકોને કયારેય રૂબરૂ મળશે.
પ્રોફેસર પરીખે ધનીયાને ફોન કરીને gpsc પરીક્ષા ઉચ્ચ ક્રમાંક સાથે પાસ થવાની ખુશ ખબર આપતાં જ ધનીયો જીવનમાં આજે સૌથી વધુ ખુશ હતો. ધનીયાએ પોતાની આ સફળતાનો શ્રેય પ્રોફેસર પરીખને આપ્યો . ધનીયાએ પોતાને મદદ કરનાર તમામ મિત્રોનો પણ આભાર માન્યો. ધનીયાએ બીજા સ્તરની પરીક્ષા માટેની પણ તૈયારી શરુ કરી દીધી અને તેમાં પણ સફળતા મેળવી. ધનીયાની મહેનત અને નસીબ દરેક સ્તરની પરીક્ષાની ઉચ્ચ સફળતા માટે મદદ કરતું હતું.
ધનીયો હવે ધનંજયના નામથી જાણીતો બન્યો હતો. ધનીયાએ પેપર નાંખવાનું કામ બંધ કરીને અન્ય મિત્રને આપી દીધું હતું. ધનીયો સરકારી નોકરી માટે પસંદગી પામ્યો હોવાથી સ્પીપા સંસ્થામાં તાલીમ લેવા જતો હતો. ધનીયાની મામલતદાર તરીકે નિમણુંક થઇ હતી. ધનીયો હવે મામલતદાર શ્રી ધનંજય થઈ ગયા હતા. એક સામાન્ય પેપર નાંખનાર આજે મામલતદાર જેવું ઉચ્ચ પદ મેળવનાર છોકરાને જોઈ પ્રોફેસર પરીખ ગર્વ અનુભવતા હતા.
પ્રોફેસર પરીખ ચાની ચુસ્કી લેતા લેતા અટકી જાય છે અને તરત ધનંજયને ફોન કરે છે. પ્રોફેસર પરીખને વિશ્વાસ હતો કે આજે રવિવારની રજા હોવાથી મામલતદાર સાહેબ પાસે સમય હશેજ. ફોન પર પ્રોફેસર પરીખ ઉત્સાહ સાથે બોલી ઉઠે છે કે, "શું મામલતદાર સાહેબ શ્રી ધનંજય સાથે અત્યારે વાત થઇ શકશે ?" ધનીયો ફોનમાં પ્રોફેસર પરીખનો અવાજ સાંભળીને ખુશ થઇ જાય છે અને જવાબ આપે છે," સાહેબ આપનો ધનીયો હર હંમેશ આપના માટે હાજર છે, આપશ્રી ગમે તે સમયે ધનીયાનો સમ્પર્ક કરી શકો છો." જવાબ સાંભળતા જ પ્રોફેસર પરીખની આંખોમાં ખુશીનો વરસાદ વરસી જાય છે. પ્રોફેસર પરીખ કહે છે, "આજે ઘણા દિવસ થયા માટે તારી યાદ આવતા ફોન કર્યો." ધનીયો પણ સામે કહે છે, "હું પણ આજે તમને મળવા આવવાનો જ હતો અને તમારો ફોન આવી ગયો." ધનીયાએ કહ્યું સાહેબ, હું એક કલાકમાં જ આપને ત્યાં એક ખુશ ખબરી લઈને આવું છું."
પ્રોફેસર પરીખને એક મિત્રએ અપ્રકાશિત પુસ્તક વાંચવા માટે આપ્યું હતું. પ્રોફેસર પરીખ આ પુસ્તક ધનંજયને ભેટમાં આપવા માંગતા હતા. પ્રોફેસર પરીખ તે પુસ્તકને લઈને ધનંજયની રાહ જોતા બેસી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે ધનંજય પાસે શું ખુશ ખબરી હશે ? એવામાં ડોર બેલ વાગતા તેઓ તરત સફાળા ઉભા થઈ દરવાજો ખોલે છે અને સામે ધનંજયને નવા રૂપમાં જોઈ ખુશ થઇ જાય છે. પેપર નાખનાર ધનીયો સામાન્ય કપડા પહેરતો છોકરો આજે મામલતદાર ધનંજય સફારી સુટમાં, ખિસ્સામાં પેન, હાથમાં પાકીટ જોઈ તેને એકી ટસે જોતા જ રહ્યા.
પ્રોફેસર પરીખ પહેલા ધનંજયની ખબર અંતર પૂછે છે અને ધનંજયના હાથમાં પેલું પુસ્તક મુકતા બોલી ઉઠ્યા, "ધનંજય આ પુસ્તક તારા જેવા સાહિત્ય રસિકને રસ ઉપજાવે તેવું છે. આ પુસ્તકનું પ્રકાશન અને લોકાર્પણ કદાચ આવતા મહીને છે. મને આ પુસ્તક મારા મિત્રે ખાસ વાંચવા આપ્યું છે. મને આ પુસ્તકની વાર્તાઓ ઘણી ગમી અને મને વિચાર આવ્યો કે આ પુસ્તક તને પણ વાંચવું ગમશે. પુસ્તકના લેખકનું આ પ્રથમ પુસ્તક છે પણ તેઓ થોડા સમયથી સમાચાર પત્રની પૂર્તિમાં લખે છે." પ્રોફેસરને બોલતા જોઈ ધનંજયને બોલવાનો અવકાશ જ ન હતો.
પ્રોફેસર પરીખ ધનંજયને પુસ્તક વાંચવા જણાવે છે. પુસ્તક વાંચતાની શરૂઆત કરતાંજ ધનંજયના ચહેરા પર અનોખો ભાવ જોઈ પ્રોફેસર બોલી ઉઠે છે, "બોલ ધનંજય છે ને મજાનું પુસ્તક ! ધનંજય તે જોયું આ પુસ્તકનું પ્રસ્તાવનાનું પાનું કોળું છે અને પ્રકાશનની માહિતી પણ છાપવાની બાકી લાગે છે તે વાત સમજાતી નથી." ધનંજય તરત પોતાની વાત કહેવા ઉભો થયો અને પ્રોફેસરને બોલતા અટકાવ્યા .
ધનંજયે પ્રોફેસર પરીખને કવર હાથમાં આપે છે અને ખોલીને નિરાંતે વાંચવા જણાવે છે. પ્રોફેસર ઉતાવળે કવર ખોલે છે ત્યાં એમાંથી આમંત્રણ પત્રિકા જેવું જોઈ બોલે છે,"અલ્યા આ શેનું આમંત્રણ છે ?" "સાહેબ! આપ નિરાંતે એમાં રહેલ પત્ર વાંચો તો આપને સમજાશે." ધનંજય પ્રોફેસરના ચહેરાના ભાવની નોંધ કરતા બોલ્યો. પ્રોફેસર આખો પત્ર અને આમંત્રણ પત્રિકા વાંચી ગયા અને તેમના ચહેરાના ભાવો ખુશીમાં છવાઈ ગયા. પ્રોફેસર પરીખને આટલા બધા હરખાતા જોઈને તેમના શ્રીમતીજી બોલી ઉઠે છે, "સાહેબ અમને પણ કંઈ હરખાવા જેવું હોય તો જણાવજો." પ્રોફેસર પરીખને ઉત્સાહ સાથે મુંજવણ હતી.
ધનંજય પ્રોફેસરને મુંઝાતા જોઈ આખી પરીસ્થિતિ સંભાળી લે છે અને કહે છે, "સાહેબ! આ લેખકને તમે સારી રીતે નથી ઓળખતા પણ લેખક આપને નજીકથી ઓળખે છે. વાચકો લેખકના ચાહક છે અને લેખક આપનો ચાહક છે. આ પુસ્તકનું પ્રસ્તાવના પેજ ખાલી છે તે પ્રસ્તાવના તમારે લખવાની છે એવું લેખક ઈચ્છે છે. આ પુસ્તક સૌ પ્રથમ તમને જ ખાસ વાંચવા આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. બોલો સાહેબ આપ લેખકને ઓળખો છો ?" ધનંજયને બોલતો જોઈ પ્રોફેસર ભૂતકાળમાં સરી ગયા અને કહે છે,"હશે કોઈ મારો જુનો વિદ્યાર્થી, પણ મને વધુ યાદ આવતું નથી."
પ્રોફેસર ફરી પુસ્તકના પાના પલટાવા લાગે છે અને તેમાં લેખકનું નામ વાંચી સમાચાર પત્રની પૂર્તિમાં મેળવે છે. લેખક વિશે વધુ જાણવા પ્રયત્ન કરે છે પણ સમજણ પડતી નથી. "ધનંજય આ લેખકનું નામ નિજાનંદ છે અને તે મને ઉપનામ લાગે છે. જો લેખકનું સાચું નામ મારા ધ્યાનમાં આવી જાય તો તરત હું ઓળખી લઉં." પ્રોફેસર પરીખ વિચારતા વિચારતા બોલતા હતાં.
પરીખ સાહેબના ચહેરા પર ખુશીના વાદળો મુંજવણમાં ફેરવાઈ જતા જોઈ ધનંજય વધુ ચોખવટ કરવા પરીખ સાહેબની નજીક જઇ ધીમા સ્વરે કહે છે,"સાહેબ આપનો ધનીયો એટલે સરકારી કર્મચારી ધનંજય અને એજ ધનીયો વાચકોનો મનપસંદ લેખક નિજાનંદ છે. સાહેબ આપ જેવા વડીલો, મિત્રોની પ્રેરણા,આશીર્વાદ, દિશા સૂચન અને માર્ગદર્શનથી એક પેપર નાંખનાર છોકરો મામલતદાર અને લેખક બની ગયો અને તેનો મોટો શ્રેય આપના ફાળે જાય છે. સાહેબ તમે મારા અંદર રહેલી શક્તિઓને ઓળખી તેને યોગ્ય દિશામાં વાળી મને મામલતદાર બનવા સહાય કરી. સાહેબ મને મારા બુક સ્ટોલવાળા મિત્રએ મારી ઓળખાણ સમાચાર પત્રના તંત્રી સાથે કરાવી હતી. તંત્રી સાહેબના પ્રયત્નોથી હું લખવા માટે પ્રેરાયો અને તેઓએ મને પૂર્તિમાં લખવા માટે પ્રોત્સાહન આપ્યું ." પ્રોફેસર બધી વાત એકીટસે સાંભળતા જ રહ્યા.
"સાહેબ ઘણા વાચકોના સારા પ્રતિભાવ મળવાથી તંત્રી સાહેબે પુસ્તક સંકલન માટેનું સૂચવ્યું. પુસ્તક પ્રકાશન માટેની તમામ વ્યવસ્થા પણ તંત્રી સાહેબે કરી આપી. પુસ્તકની પ્રસ્તાવના કોની પાસે લખાવવી એ વાત આવી ત્યારે મેં પ્રકાશકને આપનું નામ સુચવ્યું. પ્રકાશકે તેમના એક મિત્ર થકી પુસ્તક સૌ પ્રથમ આપની સુધી પહોંચાડ્યું. સાહેબ આપ પુસ્તક વાંચનાર સૌ પ્રથમ વાચક છો અને આ પુસ્તક માટેની પ્રસ્તાવના આપ લખી આપો તેવી મારી ઈચ્છા છે. પુસ્તકનું લોકાર્પણ પણ આપના હ્સ્તે જ કરવાનું છે અને તે પણ આપની અનુકુળતાના સમય પર." ધનંજય બોલતા બોલતા પ્રોફેસર પરીખને પગે લાગી આશીર્વાદ લે છે.
ધનંજયની વાત સાંભળતા સાંભળતા પ્રોફેસર પરીખની આંખોમાં ખુશીનો સુનામી આવી ગયો હતો. પરીખ સાહેબનું મન આંનદના હિલ્લોળે ઝુલી રહ્યું હતું. પરીખ સાહેબે નિસ્વાર્થ ભાવે સફળતાના બીજ ધનીયાના મનમાં રોપ્યા હતા અને આજે ધનીયાની સફળતાઓનું આટલું ધટાદાર વટવૃક્ષ જોઈ પરીખ સાહેબ ખુબ જ પ્રભાવિત થઇ ગયા હતા.
પ્રોફેસરે અત્યાર સુધીનું ધનંજયનું જે સમગ્ર જીવન જાણ્યું અને માણ્યું હતું તેને સુંદર શબ્દો થકી પુસ્તકની પ્રસ્તાવનામાં ઉતાર્યું. પ્રોફેસર પરીખના હસ્તે નિજાનંદનો વાર્તા સંગ્રહ લોકાર્પણ થયું. પ્રોફેસર પરીખ અને અન્ય મિત્રોની પ્રેરણાથી વાચકોને નવા લેખક મળ્યા નિજાનંદ.
***