અ સ્ટોરી [chap-16] Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ સ્ટોરી [chap-16]

(16)

લગભગ ત્રીશ દિવસ સુધી અમારા વચ્ચે ફોન દ્વારા વાતચીત થઇ અને ત્યાર બાદ એ દિવસ પણ આવ્યો, જ્યારે એ ગામ છોડીને ફરીથી મુંબઈ રહેવા માટે જતી રહી હતી. એના મુંબઈ ગયા પછી એની તરફથી કોઈ પ્રતિભાવ સતત કેટલાય દિવસો સુધી મળ્યો નહી, મારા દિલના ખુણામાં એ ચહેરો સતત ફરતો, ટળવળતો, છુપાતો અને ઓગળી જતો. ધીરે ધીરે એનાથી દુર રહેવાની ક્ષણોમાં મારા દિલમાં એના પ્રત્યેની લાગણીઓમાં સતત વધારો થતો રહ્યો. ક્યારે એની યાદોની અસર મારામાં પ્રેમની કુંપળ સ્વરૂપે અંકુરિત થઇ ગઈ એ મને આજ પણ નથી સમજાયું.

‘તો પછીથી તમે એની સાથે વાત કરવાની ક્યારેય કોશિશ જ ન કરી...?’

‘મારા સ્વનીર્ધારિત નિયમો પ્રમાણે હું કોઈના જીવનમાં દખલ કરવામાં રસ જ નથી રાખતો. એના પ્રત્યેની લાગણીઓ તો હતી જ, પણ એકતરફી લાગણીનું ક્યારેય કોઈ મહત્વ હોતું જ નથી. હોવું પણ ન જોઈએ, કારણ કે એક તરફી પ્રેમ એક પ્રકારના આભાસી મૃગજળ જેવું હોય છે.’

‘એટલે તમે એને એવા વિચારે ભુલાવી દીધી કે એ પણ તમને શોધવાનો પ્રત્યન કરે...?’

‘એની જરૂર જ ન હતી. સગાઓ દ્વારા એ સહજ હતું. અમારા સબંધો લગ્ન સુધી પહોચવાના ભણકારા પણ સંભળાયા હતા. મામાએ વાત કરેલી કદાચ ઘરે, ત્યાંથી વાત બંને પક્ષે પણ થઇ. સહમતી સધાય એ પહેલા એમાં વિક્ષેપ આવ્યો. સબંધોના ગૂંચળામાં ફરી એક વખત એવી ઘડી આવી, જ્યારે લાંબા દોરાઓને સલામત કાઢવા માટે ગૂંચળા વાળો ભાગ તોડીને દુર કરવો જ પડ્યો. અને એ ભાગમાં જ આમારા સંબંધોની દોરના કિનારાઓ પણ હોમાઈ ગયા. આમારો સંપર્ક એ પછી ક્યારેય થયો જ નથી. એના વિચારો અને ચહેરાની ધૂંધળી યાદો સિવાય એના પ્રેમની પોટલીને પણ મેં દિલના કોઈ અદ્રશ્ય ભાગમાં દબાવી દીધી છે.

‘પણ, તમે ક્યારેય વાત કરવાનો પ્રયત્ન...’

‘એ સંજોગોમાં વાત કરીને કોઈ જ અર્થ ન હતો. આમારા રીવાજોમાં બંને પક્ષની સહમતી વગર સંબંધ બંધાતા જ નથી. બંને પક્ષમાં જોડાણ માટે પણ સગા-સબંધીઓમાં મેલજોલ હોવો પણ જરૂરી છે, અને આજ મુદ્દે અમારો સંબંધ હારી ગયો હતો. મેં ઘણી વખત એના ઘરે ફોન કરેલા, પણ એના હોવાના સમાચાર કદી ન મળતા. છેવટે મેં પણ નિયતિના ભરોસે બધું છોડવાને જ સમજદારી ગણી અને એને હું સતત ન ઈચ્છવા છતાં પણ ભૂલતો ગયો. પણ, ભૂતકાળ ક્યારેય સંપૂર્ણપણે તો નથી જ ભુસાતો અથવા એને ક્યારેય નષ્ટ પણ નથી કરી શકાતો. ભૂતકાળનું ભૂત હમેશા વર્તમાનના વાદળોમાં ઘેરાયેલું રહે છે. મારા જીવનમાં આ વાદળ જીનલના આવ્યા પછી પ્રથમ વખત વરસી પડ્યું હતું. સ્વરાની યાદો જીનલ પ્રત્યે મને આકર્ષણ જન્માવતી હતી. કદાચ આ એક જ એવું તત્વ હતું જે જીનલમાં રસ દર્શાવવા માટે મને ઉશ્કેરતું હતું. દિલનો હઠાગ્રહ સતત મનની મક્કમતા સામે મજબુત બનતો જઈ રહ્યો હતો.

‘કદાચ એટલે જ પ્રથમ નજરમાં એ બધું અનુભવાયું હશે. જે સ્વરા સાથે ઘણા મોડા સમજાયું...?’

‘એવું જ કઈક... પણ આ સબંધને પ્રેમ કહેવો મને ત્યારે તો જરાય યોગ્ય નહતો લાગ્યો.’

‘એવું કેમ...?’

‘આમારા બંનેમાં ઘણા અસમાન ગુણો હતા.’

‘ધર્મ, જાતી, રંગ, રૂપ...?’

‘ના... હું જાતિવાદ જેવા કોઈ વાદ-વિવાદોમાં નથી માનતો. પણ, અમારા વિચારવાદ અને અનુભવવાદ તદ્દન જુદા હતા. એના અને મારા ખયાલોમાં સામ્યતાઓ સાવ શૂન્ય હતી. કદાચ અનુભવોના આધારે તો એનામાં પરિપક્વતાની પણ ઉણપ મને સતત વર્તાતી હતી.’

‘હું નથી માનતો પ્રેમ માટે કોઈ બંધનો હોઈ શકે...?’

‘હવે તો, હું પણ...’

‘એટલે ત્યારે તમે માનતા હતા...?’

‘તમે સમજી શકો છો.’ એણે ચહેરા પર સ્મિત સાથે જવાબ વાળ્યો.

***

સવારના પહોરમાં એની યાદો હજુ તો મારા વિચારોમાં ઘુમળાઈ રહી હતી. હું ઊંઘ ખંખેરીને સવારના કુમળા તડકાનો પ્રકાશ અનુભવું એ પહેલા જ દરવાજા પર કોઈકનું આગમન મને અનુભવાયું. એ જીનલ હતી પણ, સવારના પહોરમાં...?

‘તું અહી...?’

‘મારે તારું કામ છે.’

‘પણ, આટલી સવારમાં તને મારું શું કામ હોઈ શકે...?’

‘રાત્રે સાતના ટકોરે મને છત પર મળજે.’ આટલું કહીને એ તરત જ મારા દ્રષ્ટિના પ્રકાશપથ કરતા ક્યાય દુર નીકળી ગઈ હતી.

***

સૂરજનો સોનેરી પ્રકાશ અંધારાની ચાદર ઓઢીને છુપાઈ રહ્યો હતો, ત્યારે હું જીનલના કહ્યા પ્રમાણે છત પર સમયસર પહોચી ગયો હતો. એણે આપેલા સમયનું પાલન કયા માયાભ્રમના વશમાં હું કરી રહ્યો હતો. એ મને ત્યારે તો સમજાતું ન હતું. પણ, એ લાગણીઓનું મહત્વ અત્યારે મને સમજાય છે. વ્યક્તિને બાંધવાની જે શક્તિ પ્રેમમાં અથવા આકર્ષણમાં હોય છે, એ અન્ય કોઈ પણ શક્તિમાં શક્ય જ નથી. અમારા વચ્ચેનો તંતુ પણ આ શક્તિના કારણે જ વધુ મજબૂતાઈ ધારણ કરી રહ્યો હતો.

‘હું એને શું કહીશ...?’ મારા મનમાં વિચાર ઝબક્યા. એના ધાબાની સીડીઓથી સહેજ દુર સામેની દીવાલ પરથી બલ્ફનો પ્રકાશ નિરંતર પરાવર્તન પામી રહ્યો હતો. કોઈ અહેસાસ કે આભાસ ત્યાં ન હતો, માત્ર શૂન્યતા અને પ્રકૃતિના સહસ્ત્રવૃત ચક્રોમાં નિરંતર ભ્રમણ સિવાય. મન મૂંઝવણ અનુભવતું હતું પણ વાતાવરણની શીતળતામાં એ અપ્રભાવિત સિદ્ધ થઇ રહ્યું હતું. આનંદ અને વ્યથા બંને વચ્ચેની સ્થિતિ હતી કદાચ મારી એ સમયે. પ્રેમ અને નફરતનમાં આ એક જ સમાનતા હોય છે. કદાચ કે તમે એને જેટલું ભૂલવા માટે પ્રયત્ન કરો છો એટલું બળપૂર્વક એ યાદોમાં વધુ ઘુમળાયા કરે છે. સમય સાથે જીવન અને આચાર વિચારોમાં પણ એ હાવી બનતું જાય છે.

‘સોરી, મને આવતા...’ એણે આવતા વેંત જ ત્રાંસી નજરે જ કહ્યું.

‘શું કહેવાનું હતું...?’

‘મેં ક્યાં કીધું કે મારે કાઈ કહેવાનું છે.’

‘તો શા માટે રાત્રે છત પર આવવા માટે કહ્યું...?’

‘બસ મને થયું કે તમે આવો છો કે નહિ...’ એની આંખોમાં કોઈ તો એવો ભાવ પણ હતો જે દરેક વખત કરતા તદ્દન અલગ હતો.

‘તો હવે હું જાઉં. તારે જો કઈ કહેવું જ ન હોય તો...’

‘પણ...’

‘શું...?’

‘કહેવું... તો... મારે... છે... તમને... પણ...’

‘કઈ સમજાય એમ બોલ.’

‘બસ.... એ જ કહેવાની... હું તમને કે... કે...’

‘કે... શું...?’

‘આઈ... આઈ... લવ... લવ... યુ...’ આટલું કહીને એ ભાગી ગઈ. જેટલી ઝડપે આવી હશે એનાથી બમણી ઝડપે એ નીચે ઉતરી ગઈ. એના શબ્દોમાં વિચિત્ર ભાવો હતા ત્યારે, ડર, થડક અને લાગણીઓનો ઝંઝાવાત. એણે જે કાઈ પણ કહ્યું કદાચ એટલું કહી શકવાની પણ, હિમ્મત એકઠી જાણે એ માંડ કરી શકી જશે.

***

‘એક વાતનો જવાબ આપીશ મને...?’ એ બીજી વખત જ્યારે મળી ત્યારે મેં એને પૂછી લીધું.

‘બોલો શું કામ છે...?’ એના અવાજમાં ભય હતો. કયા કારણે એ આમ હતોત્શાહ હતી એ મને ત્યારે સમજાતું જ ન હતું.

‘કેમ આટલી ડરે છે...?’

‘આપણે રાત્રે વાત કરીએ તો, આજે પાક્કું આખી વાત કરીશ બસ. અત્યારે ભાઈ અને પપ્પા બંને ઘરે છે, જોઈ જશે તો બોલશે.’ એણે કદાચ ભયનું કારણ પણ કહ્યું. તેમ છતાય કઈક તો હજુ એવું હતું જેના કારણે એના શબ્દો એકબીજા સાથે થોથવાતા હતા. કઈક અનિશ્ચિત પ્રકારની મૂંઝવણ હતી ત્યારે એના શબ્દોમાં.

‘ઓકે... વાંધો નથી મને.’ મેં કહ્યું અને હું નીકળી ગયો ત્યાંથી...

***

રાતનો અંધકાર અને એના ન આવવાનો અહેસાસ બંને મારા મનમાં વધુ ઘટ્ટ સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા. સાંજે એણે જ્યારે મને ઘરના બધા હોવાનું બહાનું બનાવ્યું ત્યારે પણ એ છત પર આવેલી તો હતી જ, તો પછી કઈ કહ્યું કેમ નહિ હોય...?’ હું વારંવાર એના સાંજના છેલ્લી વખતના જોયેલા ચહેરા પરના ચકળવકળ ભાવો સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચક્રવ્યુહમાં ફસાયેલા અભિમન્યુના જેમ આ બંને તર્ક મારા મનમાં મુંઝવણો વધારી રહ્યા હતા. એવું તો વળી શું હોઈ શકે જેના કારણે એ સાંજના સમયે મારા આવવા સુધી ધાબા પર જ બેઠી હતી અને અચાનક... અચાનક જ જ્યારે મેં એને હાથથી પકડીને પૂછ્યું, તો એ ભાઈ પપ્પાનું બહાનું કરીને નીચે ભાગી ગઈ. પણ, વાસ્તવિકતાતો એ હતી ને જે મિત્રાએ કહી, મિત્રા તો કહેતી હતી સાંજે કે જીનલના પપ્પા બે દિવસથી ઘરે નથી. ઓફીસના કામે એ ક્યાંક બહાર જતા રહ્યા છે અને હજુ એમને આવતા લગભગ બે દિવસ બીજા પણ લાગવાના છે. તો પછી એણે મને ખોટું કેમ...?’ મારા મનમાં તર્કોનો ચક્રવાત વકરતો જઈ રહ્યો હતો.

‘તો મને...?’ એ રાત્રે છેક નાવના ટકોરે ધાબા પર આવીને મારી સામે ઉભી રહી ગઈ. એની આંખોમાં વિચિત્ર પ્રભાવ હતો પણ કદાચ ઉતરતો જઈ રહેલો પ્રભાવ સતત ઘટતો જઈ રહ્યો હતો. એની આંખોમાં જોયા પછી હું વધુ કઈ બોલી પણ ન શક્યો.

‘મારે તારી સાથે વાત કરવી તો છે, પણ શું કહું એ મને નથી સમજાતું.’ એણે સ્પષ્ટતા કરી.

‘એટલે...?’

‘તું મને સારો લાગે છે. મેં આગળ પણ તને આ વિશે વાત કરી હતી. પણ તું...?’

‘હું શું...?’

‘તું કાઈ સમજવા જ નથી માંગતો.’

‘શું સમજવાનું છે મારે...?’

‘આપણી વચ્ચે એવું શા માટે કઈ ન હોઈ શકે જે છોકરી અને છોકરા વચ્ચે હોય છે. જેવું ફિલ્મોમાં બતાવે છે.’

‘તું પ્રેમની વાત કરે છે...?’ મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘તને જે લાગે એ, પણ મને છે ને તારી આસપાસ હોવું બહુ ગમે છે.’ એણે મારો હાથ પકડી લેતા કહ્યું. એ જે કાઈ પણ કહી રહી હતી એ બધા જ શબ્દો અસ્તવ્યસ્ત પણે બોલાઈ રહ્યા હતા. એની આંખોના ભાવ મારાથી અજાણ હતા. એની પારદર્શક આંખોમાં રાતની ચાંદની વધુ લાવણ્યમયી લાગતી હતી.

‘પણ, આપણે સાથે હોઈએ જ છીએને...?’

‘એમ નહિ...’

‘તો પછી...’

‘તું બધું સમજવા છતાં મારી સાથે આવો અતડો વ્યવહાર કરે છે ને...?’

‘ના... હું એવું તો કાઈ નથી કરતો.’ હું અટક્યો અને એને મારી સહેજ વધુ નજીક ખેંચી એના ચહેરાને મારી આંખો સામે સમાંતર લાવીને કહ્યું.’ સ્પષ્ટ કેમ નથી કહેતી કઈ...?

‘મને નથી સમજાતું કે એને શું કહેવાય પણ...’

આટલું કહીને જીનલ મારી પાસે દીવાલ પર ગોઠવાઈ.

‘પણ શું...?’

‘હું કહું એને સાંભળજે પછી સમજાવજે કે એને શું કહેવાય...?’

‘હા ભલે.’

‘તું મારી આસપાસ હોય છે ત્યારે મને એક વિચિત્ર પ્રકારનું જુદું જુદું વાતાવરણ હોય એવું થાય છે. આંખો દિવસ મનમાં કંઈકને કઈક તારા વિશે જ ચાલ્યા કરે છે. કઈ પણ કામ કરુને ત્યારે મને એમ જ લાગે છે કે તું મારી પાસે જ કેમ ના હોય...? મને બસ એટલું જ લાગે છે કે તારા હાથ બસ મારા હાથમાં જ રહે. તું અડે છે તો મને એક અલગ જ પ્રકારનો આનંદ થાય છે. જીવ જ નથી થતો કે તારાથી દુર જઉં. આ મમ્મીને બધા પણ ઘરમાં મને બોલ બોલ કરે છે કે હું કાઈ બરાબર નથી કરતી પણ... એમાં મારો શું વાંક...? મારું મન જ કાઈ કામ નહી કરતું ને...’

હું તો બસ ચકળવકળ થતી એની આંખોની આભા અને એના ફરકતા હોઠો પર છવાયેલી ઉત્કંઠા, ઈચ્છા અને આશાઓના વહેતા પ્રવાહને જોઈ જ રહ્યો હતો.

‘તને એવું લાગે છે...?’

‘ના મને તો ખાસ કઈ...’ મેં કહ્યું.

‘તો મને શા માટે...?’

‘તું શું ઈચ્છે છે...?’ મેં સીધા જ પૂછ્યું.

‘મને એ જ તો નથી સમજાતું ને વિમલ, કે મારી સાથે કેમ આવું બધું ઘટી રહ્યું છે...? આખર આ બધું શું છે, કે મને હેરાન પરેશાન કરે છે. વારંવાર તારા વિચારો જ કેમ આવતા હશે મને...?’

‘પણ તારી આ સ્થિતિ વિશે મને કઈ રીતે ખ્યાલ હોઈ શકે...?’

‘એ તો તું જાણે કે નહિ પણ મને લાગે છે તું જ મને સમજાવી શકે છે.’

‘એવું કેમ...?’

‘અત્યારે તું સાથે છે તો મને એવો કોઈ વિચાર નથી આવતો, પણ જો તું અહી નહિ હોય તો મને માત્ર તારો જ વિચાર આવ્યા કરશે.’ એણે સહેજ મારા વધુ નજીક આવતા કહ્યું. ‘મેં તો આ બધું મિત્રાને પણ કહ્યું છે.’

‘એણે જ મને કીધું હતું.’

‘શું...?’

‘કે આનો જવાબ તું જ આપી શકે...?’

‘કેમ...?’

‘તું મને ગમે છે વીમલ, મને તારી સાથે હોવું ગમે છે. તો પછી તું મને આનો જવાબ પણ શોધી જ આપેને...?’

‘હું કઈ રીતે...?’

‘એ તો તને ખબર.’

‘પણ...’

‘પણ બણ નહિ હો વીમલ, તારે આજે મારા પ્રશ્નનો જવાબ આપવો પડશે.’

‘મારી વાતતો સાંભળ.’

‘હા... બોલ...’

‘તું હાલ ઘરમાં જા, થોડીક વાર એકલી બેસ શાંતિથી, અને પછી વિચાર તારા દિલના ઊંડાણથી કે ખરેખર તારે શું જોઈએ છે...?’ મેં એને કહ્યું. હું જાણતો હતો કે એ જે કાઈ પણ અનુભવે છે એના પરિણામ સારા તો ન જ હોઈ શકે. કારણ કે એની ઉંમર પ્રમાણે કદાચ એ વધુ વિચારી રહી હતી. આ કદાચ વાસ્તવિકતા પણ હતી જે આજે મારી સામે જીનલ સ્વરૂપે આવી હતી. કદાચ એક નિર્દોષ લાગણીઓનો અજ્ઞાની પ્રવાહ. જે જીનલ જેવી દરેક છોકરીના મનમાં સહજ પણે કોઈકના પ્રત્યે એ ઉમરે અનુભવાતી હોય છે. આ પાછળના બે કારણ હું સમજી શક્યો છું, અથવા તો ઘરમાં મળતા પ્રેમનો અભાવ હોય અથવા એને ખરેખર એ પ્રેમની જરૂર હોય જે એને ક્યારેય મળ્યો જ ન હોય. છતાય હું શાંત જ રહ્યો.

‘હું દશ વાગે સીધી તારા ઘરે જ આવીશ.’

‘મારા ઘરે...?’

‘હા વિચારીને જવાબ આપવા, ઉપરનો દરવાજો ખુલો રાખજે.’ એણે જવાબ વાળ્યો. અને એ નીચે ઉતરી ગઈ.

***