મુરતિયો Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુરતિયો

મુરતિયો

રાકેશ ઠક્કર

મનેશ ડોક્ટર થયો એ જાણીને સમાજના પરિવારો તેના ઘરે અભિનંદન આપવા ઉમટી પડ્યા હતા. તેમાં યુવાન છોકરીઓના માતા-પિતાની સંખ્યા વધુ હતી. રતિલાલનો પરિવાર સંસ્કારી ગણાતો હતો. અને એકનો એક દીકરો મનેશ ડોક્ટર બની ગયો હતો. તેનો ડોક્ટરના રૂપમાં ફોટો વોટસએપ પર ફરવા લાગ્યો હતો. અને તેના સ્માર્ટફોનમાં અભિનંદનના સંદેશાઓનો ઢગલો થઇ ગયો હતો. મનેશ દેખાવમાં સ્માર્ટ નહીં પણ સામાન્ય હતો. તેના ચશ્મા તેના ડોક્ટરના રૂપને પ્રભાવશાળી બનાવતા હતા. દરેક છોકરીના માતા-પિતાને જમાઇ તરીકે મનેશ સપનું બની ગયો હતો. પરંતુ અભિનંદન આપવા આવેલા પરિવારોએ મનેશના લગ્નની વાત આડકતરી રીતે છેડી ત્યારે રતિલાલ અને કૌશલ્યાબેને સ્પષ્ટ કહી દીધું કે દીકરો મનેશ અત્યારે લગ્ન કરવા માગતો નથી. એકવાર પ્રેક્ટીસ બરાબર જામી જાય પછી લગ્ન કરશે. એટલે ઘણા માતા-પિતા ખુશ થઇને આવ્યા હતા એ મનોમન નિરાશ થઇને ગયા.

બે દિવસ પછી મનેશને મળવા તેનો જિગરી દોસ્ત રત્નેશ આવ્યો ત્યારે તેણે ભેટીને અભિનંદન આપ્યા. અને ટીખળથી જ શરૂઆત કરી. "શું છે યાર! તું ડોક્ટર બન્યો ત્યારથી સમાજની છોકરીઓ તારા પ્રેમમાં બીમાર પડવા લાગી છે."

"તું મારી ફીરકી લે છે કે શું? માન્યું કે સમાજમાં મારી માંગ વધી છે પણ હું એવો કોઇ રૂપાળો રાજકુમાર નથી કે છોકરીઓ મારા પર મોહિત થઇ જાય."

"અરે યાર! મોહિત તો બધાં પેલી મોહિની પર થઇ ગયા છે. પણ કોઇને હા પાડતી નથી."

"કોણ મોહિની?" મનેશને ખ્યાલ ના આવ્યો.

"અરે પેલા શંકરલાલ નાસ્તાવાળાની છોકરી..."

"અચ્છા, બે-ત્રણ નાસ્તાની શાખા છે એ શંકરલાલ નભુરામની વાત કરે છે..."

"હા, ખબર છે કે કેટલાય છોકરાઓને તેને અંગૂઠો બતાવી દીધો છે. તેનું રૂપ એવું ચાંદની રાત જેવું છે કે છોકરાઓના માગા આવતા જ રહે છે. નહીં નહીં તોય પચીસેકને તો ના પાડી ચૂકી હશે."

"એમાં આપણે શું? તેની અપેક્ષા મુજબ છોકરો મળતો નહીં હોય."

"અરે પણ ના પાડવાનું કોઇ સટીક કારણ તો હોવું જોઇએ ને? છોકરો સારા ઘરનો સુંદર અને કમાતોધમાતો હોય તો ના પાડવાનું કોઇ કારણ જ ના હોય. મને તો એની આ દાદાગીરી જ લાગે છે. આ રીતે તો તે સમાજના છોકરાઓને અપમાનિત કરી રહી છે. ના જાણે પોતાને કેટરિના કે દીપિકા શું સમજી રહી છે.."

"ભાઇ, આપણે શું? એને પણ આજે નહીં તો કાલે કોઇ મુરતિયો પસંદ તો કરવો પડશે ને...એની વાત એ જાણે પણ તું આવ્યો ત્યારથી આ મોહિનીનું મહાપુરાણ લઇને કેમ બેસી ગયો? તારા તો લગ્ન થઇ ગયા છે ને!" મિનેશે ટીખળ સાથે રત્નેશની બોલતી બંધ કરી દીધી.

મનેશની પ્રેક્ટીસ બહુ જલદી જામી ગઇ. બે મહિનામાં જ શહેરમાં તેની નામના થઇ ગઇ. તેણે કેટલાક નિયમ બનાવ્યા હતા. સમાજના જરૂરિયાતમંદ પરિવારો પાસે ઓછી ફી લેતો હતો. સમાજનું કોઇપણ સેવાનું કામ હોય તો તે તરત દોડી જતો હતો. તેનું ક્લીનીક દર્દીઓથી ભરાયેલું રહેતું હતું. ધીમે ધીમે તેને બધા ઓળખવા લાગ્યા હતા. પણ એક વાત તેના કાન પર સતત કોઇને કોઇ કારણથી સાંભળવા મળતી હતી કે મોહિની કોઇ છોકરાને પસંદ કરી રહી નથી. અને છોકરાઓને જ પોતાને ત્યાં જોવા બોલાવે છે. તે કોઇને ત્યાં જતી નથી. સમાજના ઘણા યુવાનોએ પ્રયત્ન કરી જોયો પણ કોઇને હા પાડતી નથી. મનેશને થયું કે આ યોગ્ય થઇ રહ્યું નથી. તેણે કંઇક વિચારવા માંડ્યું.

મનેશે રાત્રે ઘરે જઇને માતા-પિતા સમક્ષ વાત મૂકી કે એક છોકરીને જોવા જવાનું ગોઠવો.

રતિલાલ અને કૌશલ્યાબેન તો ખુશ થઇ ગયા. તેમને કલ્પના ન હતી કે દીકરો આટલો જલદી લગ્ન કરવા તૈયાર થઇ જશે.

કૌશાલ્યાબેન તો આનંદથી ઉછળી પડ્યા. "દીકરા, તું નામ આપ. આજે જ જઇને પાકું કરી આવીએ. તને કોઇ ના પાડી શકે નહીં."

"પણ મા, હું ના પાડવા માટે જ છોકરી જોવા જવા માગું છું."

રતિલાલ અને કૌશલ્યાબેન ચમકી ગયા. "આ શું કહે છે બેટા, વાત શું છે?"

મનેશ કહે,"જુઓ, હું ઘણા સમયથી સાંભળું છું કે શંકરલાલની મોહિની છોકરાઓને ના પાડી રહી છે. આ યોગ્ય નથી. કોઇ જો એને ના પાડશે તો તેને પોતાની ભૂલ સમજાશે. આ પણ સમાજસેવાનું કામ છે. મારા ખ્યાલથી મોહિની ભણેલી ગણેલી અને સંસ્કારી યુવતી છે. આવું કેમ કરે છે તે સમજવું મુશકેલ છે."

"પણ બેટા, એ જ પહેલાં ના પાડી દેશે તો તારું દિલ દુ:ખાશે." કૌશલ્યાબેન ચિંતિત થયા.

"મા, તું ચિંતા ના કરતી. હું એને એવી તક આપીશ જ નહીં."

અને રતિલાલે શંકરલાલને ત્યાં મનેશનું માગું નાખી એક દિવસ મોહિનીને જોવાનું ગોઠવી દીધું.

રતિલાલ અને કૌશલ્યાબેન મનેશ સાથે પહોંચ્યા ત્યારે શંકરલાલ અને નીલાબેને તેમને આવકાર આપ્યો. થોડીવાર સમાજની અને ધંધાની વાત કરી. શંકરલાલે મનેશની ડોક્ટરી સેવાને વખાણી. અને અહોભાવથી વાત કરી. તેમની વાતો પરથી એમ લાગ્યું કે મનેશ માટે તેમની હા હશે. પણ બધો આધાર મોહિનીના જવાબ પર હોવાનો ઇશારો તેમણે વાતવાતમાં કરી દીધો. મોહિની શરબત લઇને આવી ત્યારે ખુદ મનેશ પણ તેના રૂપથી પ્રભાવિત થઇ ગયો. તે એમફીલનું ભણતી હતી અને બોલવામાં પણ હોંશિયાર લાગી. થોડીવાર પછી શંકરલાલે બંનેને બંગલાના ઉપરના હોલમાં જઇ પરસ્પર વાતચીત કરવાની વ્યવસ્થા ગોઠવી આપી.

મનેશ ઉપર પહોંચ્યો ત્યારે મોહિની અખબાર પર નજર નાખતી બેઠી હતી. મનેશને જોઇ તેણે આવકાર આપી બેસવા કહ્યું.

મનેશ બેઠો અને તરત જ બોલી ઉઠ્યો."જુઓ, આ સંબંધ માટે મારી હા નથી. આ તો મારા માતા-પિતાએ ગોઠવ્યું એટલે આવ્યો છું."

કોઇ બેટસમેન સ્ટેન્ડ લે અને બોલર પહેલો જ બાઉન્સર નાખે અને બેટસમેન ચમકી જાય એમ મોહિની મીનેશના પહેલા જ વાક્યથી ચોંકી ગઇ. પણ સ્વસ્થ થઇને બોલી:"તો પછી અહીં સુધી આવવાની તકલીફ શું કામ લીધી?"

"અહીં આવ્યા વગર ના પાડી શકાય એમ ન હતું." મનેશે સ્પષ્ટતા કરી.

"કોઇ ખાસ કારણથી ના પાડી રહ્યા છો?" મોહિનીએ સવાલ કર્યો.

"હા, તમારી પાસે તો ઘણા કારણો છે. તમે તો અસંખ્ય મુરતિયાઓને ના પાડી ચૂક્યા છો. એ જ કારણથી હું ના પાડી રહ્યો છું." મનેશ સહજ રીતે બોલ્યો.

"એ મારી અંગત બાબત છે." મોહિનીએ સ્વરને સખત બનાવ્યો.

"પણ આ તો છોકરાઓના જીવનનો સવાલ હોય છે. કોઇ દેખીતા કારણ વગર નકારી કાઢવાનું યોગ્ય નથી. આ રીતે કોઇની લાગણી સાથે ખેલવું યોગ્ય ના કહેવાય. જો તમારે મુરતિયો પસંદ કરવો છે તો સમાજમાં છોકરાઓ સાથે સ્વયંવર ગોઠવી કાઢો. એક જ વખતમાં તમને ખબર પડી જશે કે આપણા સમાજમાં તમારે યોગ્ય કોઇ મુરતિયો છે કે નહીં." મનેશ એકશ્વાસે બોલી ગયો.

"મારે કોઇની સલાહની જરૂર નથી. આપની સલાહ બદલ આભાર." કહી મોહિની ઊભી થઇ ગઇ.

મનેશ નીચે આવ્યો અને પછી મળીશું એમ કહી માતા-પિતા સાથે નીકળી ગયો.

તેમના ગયા પછી શંકરલાલે પુત્રીને પૂછ્યું. "દીકુ, કેવો લાગ્યો છોકરો? અને તેના જવાબની રાહ જોયા વગર પોતાનો મત જણાવી દીધો:"અમને તો ગમ્યો છે. સંસ્કારી કુટુંબનો છે અને ડોક્ટર તરીકે સારી પ્રેક્ટીશ પણ છે. તું કહે તો વાત આગળ વધારીએ."

"પપ્પા, વાત આગળ વધે એમ નથી. એ સંસ્કારી છોકરો ના કહીને ગયો છે." કહીને મોહિની પોતાના રૂમમાં જતી રહી.

શંકરલાલ અને નીલાબેન નવાઇથી એકબીજાનું મોં તાકવા લાગ્યા.

મનેશ તો ફરી પોતાની પ્રેક્ટીસમાં વ્યસ્ત થઇ ગયો. તેને હવે અવારનવાર પોતાના મોહિની માટેના નકારના પડઘા સાંભળવા મળતા હતા. ખબર એવી આવતી હતી કે મનેશના ઇન્કાર પછી તેને જોવા જનારા છોકરાઓની સંખ્યા ઘટી ગઇ હતી. અને ધીમે ધીમે પરિસ્થિતિ એવી આવી ગઇ કે હવે મોહિનીને જોવા જવા કોઇ છોકરો તૈયાર ન હતો. મનેશને આ બધી વાતો સાંભળીને થયું કે પોતે કંઇ ખોટું તો નથી કર્યું ને? પણ પછી તેના મનમાં સમાધાન પણ આવી ગયું. એને ના પાડનાર તો હું એકલો જ હતો. એણે કેટલાયને ના પાડી હતી એમને કેવું લાગ્યું હશે. મનેશ ઘણી વખત આ રીતે મોહિની વિશે વિચારતો રહેતો હતો.

એક દિવસ મનેશ વારાફરતી દર્દીઓને તપાસીને દવા આપવાનું કામ કરી રહ્યો હતો ત્યારે સાડી પહેરેલી એક યુવતી તેનો નંબર આવતાં મનેશની સમક્ષ આવીને બેઠી. તેના ચહેરા પરનું નૂર ઊડેલું હતું. મનેશે બીપી અને હાર્ટબીટ તપાસીને યુવતીને પૂછ્યું:"કોઇ તકલીફ છે?"

"આમ કહો તો તકલીફ ખરી અને આમ જુઓ તો કંઇ નથી." યુવતીએ ધીમેથી કહ્યું.

"હું સમજ્યો નહીં." મનેશ નવાઇ પામી પૂછવા લાગ્યો.

"હું સતત ચિંતામાં રહું છું. ચિંતા દૂર થાય એવી કોઇ દવા આપો." યુવતીએ નિરાશ વદને કહ્યું.

"જુઓ, ચિંતાની તો કોઇ દવા નથી. પણ જો કહી શકો એમ હોય તો કઇ ચિંતા છે એ જણાવો તો ખબર પડે."

"લગ્નની ચિંતા છે! લગ્ન થતા ન હોવાથી હવે મન કયાંય લાગતું નથી." બોલતાં બોલતાં યુવતી જરા શરમાઇ ગઇ.

"આ ચિંતાની તો મારી પાસે કોઇ દવા નથી." કહીને ડોક્ટર મનેશે હાથ ઊંચા કરી દીધા.

"તમે આવી સ્થિતિમાં હોવ તો શું કરો?" યુવતીએ અઘરો પ્રશ્ન કર્યો.

" કંઇ નહીં..." બોલતાં મનેશે પ્રિસ્ક્રીપ્શન લખવા માંડ્યું. અને લખીને આપ્યું. યુવતી કેટલા ટાઇમ દવા લેવાની છે એમ પૂછવા જતી હતી પણ ગુજરાતીમાં કંઇક લખેલું જોઇને અટકી ગઇ. તેણે વાંચ્યું અને તેના ચહેરા પરની બધી નિરાશા-હતાશા અને ચિંતા જાણે છૂમંતર થઇ ગઇ. કાગળમાં લખ્યું હતું."મોહિની, તારી સાથે લગ્ન માટે હવે મારી હા છે. તારો જવાબ શું છે?"

મોહિનીને નવાઇ લાગી કે મનેશ તેને કેવી રીતે ઓળખી ગયો? તે હેરસ્ટાઇલ બદલીને સાડી પહેરીને આવી હતી. અને તેનું રૂપ થોડું ઝંખવાયેલું હતું.

"અમુક ચહેરા એક જ નજરે યાદ રહી જતા હોય છે." મનેશ તેના મનની વાતને પામી ગયો હોય એમ બોલ્યો. "તો આ વખતે તમારી હા છે કે પછી...?"

"મારી તો પહેલી વખતે પણ તમારા માટે ક્યાં ના હતી? તમે જ ના કહી દીધી અને મને લાજવાબ કરી દીધી. સાચું કહું? મને જે પણ છોકરા જોવા આવ્યા એ મારા રૂપને કારણે આવ્યા હતા. મે તેંમની આંખોમાં તમારા જેવો પ્રેમ જોયો ન હતો. શારિરીક આકર્ષણથી ખેંચાઇને બધા આવતા હોય એવું લાગતું હતું. તેમને મારા ભણતરમાં કે શોખમાં રસ ન હતો. રૂપમાં જ રસ હતો. રૂપાળી પત્નીના પતિ કહેવાય એવું ઇચ્છતા હતા. એટલે મેં પણ છોકરાઓ જોવાનું ઓછું કરી દીધું હતું. હું એટલી લજ્જિત હતી કે તમારી માફી ના માગી શકી કે તમને ફરી લગ્ન માટે પૂછવાની હિંમત કરી ના શકી....આજે દર્દી બનીને આવી તો સારું થયું!"

મનેશે પોતાનો હાથ ધર્યો. મોહિનીએ તેનો હાથ મનેશના હાથમાં મૂકી દીધો. મનેશે તેના હાથ પર પોતાનો બીજો હાથ મૂકી સ્મિત કર્યું.

બીજા દિવસે જ્યારે મનેશ અને મોહિનીના લગ્નની જાહેરાત થઇ ત્યારે સમાજના બધા યુવાન મુરતિયાઓ માથું ખંજવાળતા હતા કે આ કઇ રીતે બની ગયું!

***