પ્રકરણ – ૧૫
‘એણે શું કહ્યું...?’ જ્યારે ધ્રુવે મને પૂછ્યું, ત્યારે અમે ફરી વાર કારમાં ગોઠવાઈ રહ્યા હતા. હું લગભગ એના આવવાની કલાક જેટલો સમય રાહ જોતો રહ્યો હતો પણ એ ન આવી. કદાચ ઘરમાં કામ હોય, અથવા પછી એવુય બને કે એ મને મળવા જ ન ઈચ્છતી હોય. ત્યારે મારા મનમાં વિચારો વધુને વધુ ગતિશીલ બનતા જઈ રહ્યા હતા. હું ધીમા પગલે જાણે કે માંડ માંડ પગ ઉપાડી રહ્યો હતો, ત્યારે ધ્રુવે ફરી કહ્યું. ‘એ આવવાની હતી...? પણ, છેલ્લે જયારે તમે મળ્યા હતા ત્યારે એણે તને કહ્યું શું હતું...?’
ધ્રુવની વાતો સાંભળવા છતાં હું એને ત્યારે કાઈ જવાબ આપી જ ન શકયો.
‘આપણે નીકળવાનું છે હવે.’ મિલને મક્કમ અવાજે કહ્યું.
‘હા, પણ...’ ધ્રુવ પણ કદાચ કઈક કહેવાનો હતો.
‘પણ શું ભાઈ...?’
‘મિલન તું જા અને બસમાં જગ્યા રોક, આપણે વરરાજાની કારમાં નથી જવું. હું અને નીલ પણ હમણા જ બસમાં આવીએ છીએ.’
‘પણ, ભાઈ વરરાજાની કાર...’
‘આપણે હજુ કલાક કામ છે અહિયાં, એટલે બસમાં ત્રણેય જણા સાથે જ જઈશું. પપ્પાને પણ તું જ કહી દેજે.’ ધ્રુવે આટલું કહીને મારા તરફ આશાભરી નજરે જોયું.
‘ચલ નીલ આપણે આવીએ.’ એણે ફરી મારા મનમાં ચાલતી વાતને શબ્દો આપ્યા.
‘પણ ક્યાં...?’
‘એની જોડે.’
‘કોની જોડે...?’ હું ખરેખર હવે વિસ્મયથી ઉભરાતો હતો.
‘એ જ છોકરી.’
‘સ્વરા...?’
‘હા, એ જે કોઈ પણ હોય.’
‘એ સ્વરા જ છે.’
‘હા તો ચલ હવે.’
‘પણ કેમ...?’
‘તું એની રાહ જોઇને જ તો ક્યારનો ખોવાયેલો ખોવાયેલો ઉભો છે.’
‘કદાચ... ના... હા... પણ...’
‘એણે તને કાઈ કહ્યું હતું...?’
‘ના... પણ...’
‘તો પછી કેમ અહી ઉભો છે, ક્યારનો...?’
‘મને કોણ જાણે કેમ એવું લાગી રહ્યું છે કે એ જરૂર આવશે.’
‘તો આપણે બસમાં જ જઈશું. બરાબર ને...?’
‘હા...’ હું હજુ સુધી ગામની અંદર સરી જતા ધુળીયા પથ્થરના રસ્તાઓને જોઈ રહ્યો હતો.
છેવટે લગભગ કલાક પછી ત્યાં સામેથી કોઈક આવતું હોય એવો આછેરો અહેસાસ અનુભવાયો.
‘આ તો એ જ છે.’ ધ્રુવે મારા કાન નજીક આવીને કહ્યું.
‘હા, આ તો...’ હું વધુ બોલું એ પહેલા માસા બસમાંથી ઉતરીને છેક અમારી નજીક પહોચી ગયા હતા. એટલે મજબૂરી વશ અમારે ત્યારે કોઈ સ્પષ્ટતા વગર એમની સાથે બસમાં બેસી જવું પડ્યું. મારૂ ધ્યાન હજુ સુધી દુરથી આવતી સ્વરા તરફ જ ફરતું હતું. મારું શરીર બસ તરફ જેટલી ઓછી ગતિએ વધતું હતું એની અનેક ઘણી બમણી ગતિએ મન સ્વરાને ભેટી પાડવા વિરુદ્ધ દિશામાં દોડતું હતું. માસા સાથે ન ઈચ્છવા છતાં અમારે એ દિવસે નીકળી જવું પડ્યું.
પણ, એ દિવસની આખી સફર મારા માટે વિચિત્ર પ્રકારની મૂંઝવણો ભરેલી જ હતી. ન હું એને કઈ કહી શક્યો, કે ન એ મને, ના એની પાસે મારો કોઈ જ સંપર્ક હતો ન મારી પાસે એનો. કદાચ અમારી આખરી મુલાકાત આ ચારેય પ્રશ્નોના જવાબમાં પરિણમી શકી હોત, જો વધુ અડધો કલાક બસ રોકાઈ હોત અને માસા અમને લેવા માટે ઉતરીને ન આવ્યા હોત. પણ... એ માત્ર જો અને તો બનીને હવે ભૂતકાળના એક પ્રકરણમાં સરી ચુકી હતી.
***
‘એટલે... તમારા વચ્ચે કોઈ વાત થઇ જ નહી એમ...?’ મેં જલ્દીમાં પૂછી લીધું.
‘થઇ હતી પણ મારા મહેસાણા આવી ગયા પછી. એ દિવસે તો એના મળતા પહેલા જ અમારે જાન સાથે રવાના થઇ જવું પડ્યું હતું.’ વિમલે જવાબ વાળ્યો.
‘ઓહ...’ હું આગળ શું થયું હશે એ જ વિચારમાં હતો.
‘લગભગ ત્યાંથી ઘરે આવી ગયાના દશ દિવસ પછી મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબર દ્વારા થયેલા કોલમાં એનો જોઈતો જવાબ મળ્યો હતો.’ વિમલે એ દિવસોને યાદ કરતો હોય એમ વાતની વચ્ચે અટકીને ફરી વાતનો દોર સાધ્યો. ‘એની અસ્ફુટ યાદોમાં એ દશ દિવસ પણ મારા માટે દશ વર્ષ જેટલા લાંબા થઇ ગયા હતા. એના વિચારો દરેક દિવસે વધુને વધુ વિચારોમાં મને વલોવી રહ્યા હતા. આપણા જીવનમાં જવાબ મળ્યા પછીની બેચેની કરતા જવાબની અસ્પષ્ટતા વાળી સ્થિતિ વધુ બેચેન કરી મુકે છે.’
‘મતલબ છેવટનો જવાબ હકાર હતો. એમજ ને...?’
‘હકારમાં છુપાયેલો નકાર, અથવા સ્પષ્ટ નકારની આગેવાની કરતો હકાર.’ વિમલે વાતને વિરામ આપ્યો અને ફરીથી ફોન પર કઈક વાત કરીને મારા પાસે જવાની રજા માંગી.
***
આમારી દરેક મુલાકાત ઔપચારિક મુલાકાત જેવી તો હવે ન જ હતી. કદાચ એક બીજા સાથે સમય વિતાવવાની એક પ્રેમી ઝંખનાઓ કરે એ પ્રકારની ઝંખનાઓ મને વિમલ સાથેની મુલાકાતોમાં મળતી. એની વાતો મને આગળ જાણવા માટે મજબુર કરતી અને એનું કામ એમાં નવા નવા ટ્વીસ્ટ ઉભા કરતા રહેતા હતા.
મિતેશની અચાનક થયેલી ડેથના સમાચાર ત્યારે આખી વાતમાં મહત્વનું સ્થાન મૂકી ગયા હતા. આખર શા માટે બે દિવસ પહેલા જ મારી સાથે રેસ્તરાના ટેબલ પર બેસીને કોફીના ઘૂંટડા મારતો વ્યક્તિ સમયની થપાટમાં ખોવાઈ ગયો હતો. વિમલના રહસ્યો જાણવા માટે એની સાથે મેં મુલાકાત કરેલી પણ એની મુલાકાત અને એના જીવનની વાત બંને સ્વયં હવે એક રહસ્ય બની ચુક્યું હતું. આજે લગભગ બીજા જ દિવસે હું અને વિમલ એના ઘરે પહોચ્યા, ત્યારે એ ખુરશીના ચોકઠામાં મુકેલી ફ્રેમમાં એના પર ચઢાવેલો હાર મારી આંખો સામે મીતેશને જાને સજીવન કરી દેતો હતો. લગભગ કલાક બાદ જ્યારે ફરી અમે વિમલના ફ્લેટ જેવા એક રૂમમાં મળ્યો ત્યારે વિમલની આંખોમાં જે સવાલ હતો એ હું બરાબર સમજી ચુક્યો હતો.
‘તમે અને મિતેશ...?’
‘બસ, કામના સિલસિલે એ મને મળેલો અને અમારા વચ્ચે એક સામાન્ય ઓળખ થઇ. આજે તમારી પાસે જ્યારે નામ સાંભળ્યું ત્યારે થયું લાવને હું પણ જઈ આવું. આમ પણ વ્યક્તિના સુખના સમયમાં સહભાગી બનવા કરતા દુખના સમયમાં સહભાગી બનવું હું વધુ મહત્વનું માનું છું.
‘સાચી વાત છે.’ વિમલે ફરી એક સિગાર પગની એડીએ ઘસીને બુઝાવી તરત જ નવી સિગાર સળગાવી.
‘તો પણ આપણે હવે પછી રાજસ્થાનમાં મળીએ. જેમ તમે વાયદો આપ્યો હતો આપણે માઉન્ટ આબુ મળીશું.’ મેં મિતેશની વાત છુપાવ્યા પછી ફરી મારી સ્ટોરીમાં આગળ જાણવા વિમલેને કહ્યું.
‘સોરી પણ, એના માટે ત્રણ દિવસ રાહ જોવી પડશે.’
‘વાંધો નથી. હું પણ મારું કામ પતાવું અને પછી સીધા જ દશેક દિવસ માટે આબુ શિફ્ટ થઇ જાઉં.’ મેં કહ્યું.
‘એક શરતે...’
‘શું...? મેં ચિંતાજનક ભાવો છુપાવીને કહ્યું.
‘તમારે હોટેલ ભાડે શોધવાની જરૂર નથી, હું રૂમ બુક કરાવી દઈશ મને ખાલી હોટેલ બ્લુડાયમંડ હોટેલ પહોચીને કોલ કરજો.’ એણે જવાબ આપ્યો અને મારી સામે મરક્યો. ફરી કદાચ હું ના-હા કહું એ પહેલા કહ્યું. ‘હું આમ પણ ચાર પાંચ રૂમના હોટલ રૂમમાં એકલો હોઉં છું. સાથે રહીશું તો વધુ સારી રીતે ઊંડાણપૂર્વક વાત ચિત કરી શકીશું.’
‘ઓકે... નો પ્રોબ્લેમ.’ મારી સમસ્યાનો પણ અંત અને વધેલા સમયનો પણ અંત આવ્યો એટલે મેં રાજા માંગી.
‘ફરી મળીએ...’ એણે મને રજા આપતી વખતે ભેટીને કહ્યું.
***
‘આપણે આગળ વાત કરી શકીએ...?’ મારી સામે બેઠેલા વિમલને મેં કોઈક વિચારોમાં ખોવાયેલા જોઇને પૂછ્યું. આબુ પર્વતનો એજ રૂમ આજે પણ જાણે સમયને ઇતિહાસના વર્તમાનમાં ધારણ કરીને એમ જ શાંત પડ્યો હતો.
‘હા...’
‘તો એનો હકાર હતો કે નકાર...?’
‘એ જવાબ અસ્પષ્ટ હતો છતાં ત્યારે મારા માટે સ્વીકાર્ય હતો. શરૂઆતમાં તો એ હકાર જ હતો. પણ, ક્યારે એ હકાર પણ નકાર બની ગયો અને ક્યારે મારા દિલના ખૂણામાં એનો આકાર કોતરાઈ ગયો એ તો હું સમજી જ ન શક્યો.’ એણે સિગારનું બોક્ષ હાથમાં લઈ ફરી એક સિગાર સળગાવી.
‘એટલે...?’
‘એ દિવસે જ્યારે હું મારા ઘરે માસી અને મિત્રા સાથે બેસીને ગપાટા મારતો હતો, ત્યારે મારા અગીયારસો મોબાઈલના રીંગટોન અને ધ્રુજારી દ્વારા વાતાવરણ ડહોળાયું. મેં સહજ વિચારોમાં મગ્ન થયા પછી કાને ધરેલા ફોનમાં થોડાક અસ્ફુટ સ્વરો સાંભળ્યા અને એમાં હું ડૂબી ગયો. એ અવાજ સ્વરાનો જ હતો. ગામડાની અમારી પ્રથમ મુલાકાત, એક બીજા સાથે થયેલી અજાણતા વાત, અને અનુભવાયેલ લાગણીના સંવાદ, અને છેલ્લી અધુરી રહી ગયેલ મુસાફરીની વાત કરી. છેવટે એણે અસ્પષ્ટ રીતે એવું સ્વીકાર્યું કે એ પણ મારા વિષે એવી જ વિચિત્ર લાગણીઓ અનુભવે છે, જે મને અનુભવાય છે.
મને કદાચ એ જ દિવસે પ્રેમનો અનુભવ થયો. હું સમજની તો નહી પણ પ્રેમની અનુભૂતિની વાત કરું છું, એને જ પ્રેમ કહી શકાય એ મને જરાક મોડા સમજાયું. કદાચ પ્રેમ શું છે? એ તો મને નહોતી ખબર ત્યારે કારણ કે, મેં એની વિભાવના, સંભાવના અને પ્રભાવના અસરોની આંધી બહુ મોડા સ્વીકારી હતી. છતાય ત્યારે મેં મારી લાગણીઓને જ મહત્વ આપ્યું. મારા માટે ત્યારે પ્રેમના સ્વરૂપને સમજવા કરતા લાગણીના પ્રવાહની ગતિ અને એમાંથી થતા આનંદને અનુભવવો મહત્વનો પ્રશ્ન હતો.
ત્યાર બાદ રોજ અમારી વાતોનો એ દોર આગળ વધતો રહ્યો. ક્યારે મહીને વપરાતું પચાસનું બેલેન્સ પાંચસોને પાર ગયું એની સમજ બહુ મોડા જ થઇ. ક્યારે સસ્તા કોલના પ્લાન અનલીમીટેડમાં ફેરવાયા એ બધું પણ સંભવત મોડા જ સમજાયું. પણ, શરૂઆત સાથે અંત નિશ્ચિતતા લઈને જ આવે છે. મુંબઈમાં ઉછરેલી એ છોકરી ગામડામાં બહુ ઓછો સમય રોકાઈ, પણ જ્યાં સુધી રોકાઈ વાતોમાં વ્યસ્તતા વધતી જ રહી હતી. અને એ વ્યસ્તતામાં ઘણી બધી લાગણીઓના વિચિત્ર અનુભવોનો મેં સાથ પણ માણ્યો. કદાચ આ એ જ સમય હતો, જ્યારે મેં મારામાં રહેલી એ વાસ્તવિક અનુભૂતિઓનો અહેસાસ કોઈ સામાજિક માન્યતાના બંધનમાં રહ્યા વગર વિતાવ્યો હતો. હું શું હતો અને શું બન્યો હતો, એ સમયમાં તો મને જરા પણ સમજાતું ન હતું.
‘પણ... સમય ક્યારેય સ્થિર નથી રહેતો. સમય એના પ્રવાહના સતત અને અવિરત પ્રવાહમાં વહેતો જ રહે છે. પછી ભલે એમાં કેટલા સબંધોના સમીકરણો બદલાય એની પણ એ પરવા સુધ્ધા નથી કરતો. સમય પ્રકૃતિના મૂળ અસ્તિત્વવાદી તત્વ પરિવર્તનના નિયમ મુજબ જ વહેતો રહે છે.’ એણે આટલું કહીને કદાચ બારીમાંથી આવતા પાણીના ઝીણા છાંટા અનુભવવા સહેજ બ્રેક લીધો અને ઘડિયાળ તરફ નજર ફેરવી. ‘આપણે હવે સુઈ જવું જોઈએ. આગળની વાત માટે આપણી પાસે હજુ ઘણો સમય છે.’
‘ભલે...’ મેં પણ સહમતીમાં માથું હલાવ્યું.
***