Ay vatan books and stories free download online pdf in Gujarati

અય વતન..

પ્રકરણ - ૧

ધિરાણનો ધંધો

કેશુ મામા જતા જતા કહેતા ગયા સવિતા અને સવજીએ તો કરાંચી તેમને ત્યાં જ આવવાનું છે. સવિતા તેમની ભાણી નહીં, દીકરી છે અને સવજી જમાઈ નહીં દીકરો છે. તે વખતે કરાંચી ભારતનો એક ભાગ હતો અને ધીરધારનાં કેશુ મામાના ધંધામાં પડછંદ સવજી દીકરાની જેમ પડખે ઊભા રહી શક્યા.

સવિતાની માએ કેશુ મામા અને શાંતામામીને ધારણા આપી હતી જ કે સવિતા તારી છોડી છે. ૧૯૪૫માં સવિતા ૧૮ની થઈ ત્યારે સવજી સાથે તેને વળાવી અને તાજુ પરણેલું જોડું માંડવીથી કરાંચી પહોંચ્યું ત્યારે શાંતા મામીએ બધુ તૈયાર રાખેલું. ઘરવખરી અને જુદુ ઘર. કેશુ મામા તો જાણે વિરુદ્ધ હતા પણ શાંતા મામી માનતા કે જમાઈને ઘર જમાઈ ન બનાવવો હોય તો થોડીક પ્રાયવસી આપવી જોઈએ.

સવજી સવિતાથી એક વર્ષ મોટો, ઠરેલ વહેવારીઓ અને હાથનો ચોખ્ખો. તેથી કેશુમામાને તે ગમતો. દુકાને પોતાની સાથે બેસાડ્યોત્યારે મામા બધાને કહેતા... આ મારો જમાઈ છે પણ દીકરો વધારે છે. કેશુ મામાની જબાન ભારે મીઠ્ઠી અને ઘરાકને ઘરાક જેવી રીતે નહોંતા સાચવતા અને ઘરાક નાનો હોય તો મોટાભાઈ બનીને સાર સંભાળ રાખતા અને એક સારી ટેવ ઘરમાં નાના મોટા સૌનાં નામ તેમની જબાને એટલે દુકાન ઉપર ચઢતા કચ્છી, મેમણી કે ઉર્દૂભાષામાં સૌની સાથે વાત કરતા ખેર ખબર પૂછતા અને બહુ સલુકાઈથી ચાનો પ્યાલો પીવડાવતા. આ વર્તંનથી તેઓ એક કદમ આગળ નીકળતા અને ઘરાક્ને કદી એવું લાગવા ન દેતાકે તે ઘરાક છે પણ ઘરાક ને કુટુંબી હોવાનો અહેસાસ દેવડાવતા.

આ જબાન મીઠાશ અને સારો આવકાર ઘરાકનું મન જીતતું. દુકાનની વચ્ચોવચ્ચ બે નાળી-બે બંધુકો રહેતી અને કાપડનાં તાકા કાઢવા અને વાળવા બે મદદગાર સદા હાજર રહેતા.

સવજીનું કામ ઉઘરાણીનું હતું જેથી ચોપડો જોતા અને ઘરાકોમાં જ્યાં ધિરાણ હતું તે સૌ ઘરાકોમાં ઓળખાણો કરવી જરૂરી હતી. કેશુ મામા દેશી લવાણા. જ્યારે સવજી કચ્છી લવાણા. આમ તો લગ્ન પછી આ વર્ગીકરણનો કોઈ અર્થ જ નહીં, પણ ક્યારેક સવજીને લાગે કે દેશી લવાણા કરતા તેમને વાણીયા જ કહેવા સારા. કારણ કે ધંધા પ્રમાણે તેમની જબાન બદલાતી. ક્યારેક તો તેમની જબાન કાતરની જેમ વેતરતી અને ક્યારેક મીઠી જબાને ટાંકા ભરી કાતરેલું વણી લેતી.

પીયર અને સાંસરું એક જ ગામમાં હોય તેના ફાયદા ઘણા અને ક્યારેક ગેરફાયદા પણ ઘણા સવિતા તો જો કે ફાયદા જ લેતી અને ગેરફાયદા તો માળીયે જ રાખતી. વારે તહેવારે જમાઈ ને સાસરે રહેવું ગમતું નહીં, પણ શાંતા મામીનો સ્વભાવ પ્રેમાળ તેથી જમાઈનો રાજીપો સચવાતો અને સવિતાનું ઘર આડકતરી દરેક પ્રકારની ગ્રોસરીથી ભરાતું રહેતું.

સવજીને ખાવા વધુ જોઈએ તેથી સવિતા તેનું ભાણું બરોબર સાચવે અને સાથે સાથે મામાને ત્યાં પણ રસોઈ પહોંચાડે. મામી ખાલી ખાલી ગુસ્સો કરે પણ પછી હાંડવો સરસ બનાવ્યો, ઢોકળા મોળા છે જેવી કોમેન્ટ કરે. જ્યારે કેશુ મામા તો માઢામોઢ કહે તું સરસ તારી મા જેવી રસોઈ બનાવે છે.

રક્ષાબંધનનાં દિવસોમાં મામી તેને કહે, “હવે તારે ત્યાં ચૂલો ના પેટાવતી અહીં આવજે. મામાને રક્ષા બાંધજે, અઠવાડીયું મારે ત્યાં રહેજે. મામી દૂધ પાક બનાવે દુકાનનાં પાંચેય મદદગારો - મુનિમ તેના કુટુંબ સાથે આવે અને પ્રેમથી બધાને મામી રાખડી બાંધે, દૂધપાક પૂરીનું પાકું જમણ જમાડે અને સૌને આશીર્વાદ આપે અને ટિફિન ભરી પણ આપે. કેશુ મામા હીંચકે ઝલુતા ઝુલતા છેલ્લે ટિફિન સાથે કવર આપતા તે વખતે તો ૧૧ રૂપિયા માં તો સૌનો આનંદ ચહેરે છલકાતો ટિફિન ફરસાણ, દૂધપાક, પૂરી અને કઢી ભાતથી ભરેલું રહેતું કે તેમાંથી બે દિવસ સૌને ચાલતુ.

કેશુ મામાને સવિતા રાખડી બાંધતી ત્યારે મામીની આંખો છલકાતી. મામા કહેતા અમારા વાંઝીયાપણાનું મેણું ભાંગવા તારા જનમ પછી તને તારી માએ મને આપી હતી. થોડીક મોટી થતા જ અહીં તને લાવવાની હતી પણ બનેવીને પણ તું એટલી જ વહાલી એટલે મુદતો ઉપર મુદતો પડતી હતી. જ્યારે લગ્ન લેવાયા ત્યારે શાંતાએ જીદ કરીને સમુબેનને કહ્યું હવે તો આ છોડી કન્યાદાન અને લગ્નનો ખર્ચ અમે કરીશું અને જમાઈ માનશે તો મારી હારે કરાંચી લઈ જઈશું.

આ વખતે સમુબહેને કોઈ વાયદો ન કર્યો અને સવિતાનાં લગ્નમાં મા-બાપની જગ્યાએ અમને બેસાડીને કન્યાદાન દેવડાવ્યું. જમાઈરાજને કરાંચી કામે લગાડ્યા. અમારી સાથે લઈ આવ્યા. સમુબહેન અને જમાઈ અમુલખભાઈ ઉદાસ તો થયા પણ જબાન કચરી હતા. તેથી જબાન પ્રમાણે દીકરીને અને દીકરીની જવાબદારી મામાને સોંપી. સવિતાનો નાનો ભાઈ નાગજી પણ માંડવીથી આવ્યો હતો. મામા પછી તેને રાખડી બાંધી.

સવજીને કેશુમામાનું સ્વરૂપ ગમતું. તેમની મોરછા સમુબા જેવીજ અને પાંચે પાંચ કામ કરનાર અને મુનિમ સૌને પોતાનું ઘર હોય અને મા-બાપ જેવું વ્હાલ મળતું તે ગમતું. કેશુમામા સૌને ટિફિન અને કવર આપ્યા પછી સૌની સાથે વાતો કરતાં અને સુખ-દુઃખના હાલ પૂછતા અને જેને કોઈ દુઃખ હોય તેને આશ્વાસન આપતા આવી ઘરસભા દરેક તહેવારમાં દિવસે તેઓ ભરતા... પણ બેસતું વર્ષ અને રક્ષાબંધન એ બહુ ઉલ્લાસથી ઉજવતા.

દુકાનમાં સૌને તે બેટા જ કહેતા અને કાયમ કહેતાં તાકા બતાવતાં અને ખોલતા ક્યારેય સુસ્તતા નહીં કરવી અને ગ્રાહક કંઈ ના લે તો પણ મોં પર કંટાળો નહીં લાવવાનો ઘરાકની નજર સામેથી તાકા પણ જલ્દી નહીં ખસેડવાના. કોણ જાણે કયું કાપડ તેને ગમી જાય અને જબાન ઉપર માહિતી કડકડાટ રાખવા આ શીફોન છે. આ ટેરીકોટન છે, આ રેશમ છે અને શક્ય હોય તો રંગોની તારીફ પણ કરવાની. જેટલો વધારે સમય ગ્રાહક લે તેટલું સારું. કારણ કે તે શોધે છે. તે મળશે તેવી તેને શ્રધ્ધા હોય તો જ તે બેસે.

આવી બધી કેશુ મામાની વાતોથી વાકેફ હોવા છતા બધા તે સાંભળે. અને પછી ભજનોની ભક્તિ આરતી અને પ્રસાદમાં મામી એ કરેલ કોઈ પણ મીઠાઈ લઈને બધા છુટા પડે.

શાંતા મામી બધાને મા જેવા વહાલથી માથા ઉપર હાથ ફેરવે અને સૌને કહે કલ્યાણ થાવ !

પંદરેક દિવસ દુકાનનો વહીવટ જોયા પછી એક દિવસ વાત વાતમાં સવજી કહે “કેશુ મામા તમે ઉછીનો માલ પણ આપો છો અને ઉધારી પણ કરો છો. તેમાં બે જાતનાં ભય. એક તો માલ ક્યારેક ડૂબે અને પૈસા પણ ન આવે તેવું ના બને ?”

“હા તે જોખમ તો છે જ. પણ તેને કારણે જ મને વ્યાજ મળે છે અને ઘરાક બીજી દુકાને જતો નથી.”

બાજુમાં બેઠેલા શાંતા મામી કહે, “હું પણ તેમને સમજાવું છું કે ધીરાણ સામે કોઈ જણસ તો કે જેથી આવા સમયે મૂડી તો પાછી આવે.”

સવજીએ હકારમાં માથુ ધૂણાવ્યું ત્યારે કેશુ મામા બોલ્યા, “હું પૈસા મોટે ભાગે લાંબી ઓળખ વાળા જાણીતા ઘરાકોને જ આપું છું.”

“પણ ક્યારેક એવુ પણ બને કે પૈસા સઘળા ડૂબી જાય ને ?”

“જો એક વાત સમજ. ધીરધારનાં ધંધાની એ એક નબળી બાજુ છે. પણ હું વ્યાજ ઉંચું લઉં એટલે ધરાક સૌથી જલ્દી મૂડી પરત કરે.”

શાંતા મામી બોલ્યા, “ઉંચું વ્યાજ આપનારો, ઉંચું વ્યાજ કેમ આપે ? તેને નીચું વ્યાજ પર ધીરનારો કોઈ મળતો નથી. હું તારા મામાને કાયમ કહું, ઉંચું વ્યાજ આપનારો વધુ જોખમી.” કેશુમામા કહે, “હા. તે વાત સાચી. ઉંચું વ્યાજ આપનારો જોખમી.પણ તું એક વાત ભૂલી જાય છે કે ધીરધાર એ વિશ્વાસ નો ધંધો છે - હું જણસ કે બાંહેધરી માગુ એટલે ધરાક પ્રતિ પ્રશ્ન કરે તમને મારા ઉપર વિશ્વાસ નથી ?”

સવજી તરત બોલ્યો - “કપડાનો ધંધો અને ધીરધાર બેઉ તમે ભેગા કર્યા છે તેથી જોખમ બમણું થાય છે.”

“બમણાં જોખમની તો આ કમાણી છે. શું તું માને છે કપડાની દુકાન પર ખાલી ઘર ચાલે ?”

“ગમે તે કહો મને મામીની વાત વધુ સાચી લાગે છે. ધીરાણ જણસ ઉપર જ કરાય.”

“કેટલાય બાંધેલા ઘરાકો છે જેમના લગ્ન પ્રસંગે તેમને અપાતા કપડામાં મને ભાવફેર ઉંચો મળે છે અને તેને ઉધારી આપીયે ત્યારે વ્યાજ પણ સારું મળે.”

“આ ઉધારી પાછી ક્યારે થાય ? ” સવજીએ પૂછ્યું

“વર્ષે જ્યારે પાક પાકે ત્યારે.”

“અને કોઈક માથા ભારે પાક સીધો કપાસ જીનમાં ભરે અને પૈસા ના આપે તો ?”

“ત્યારે તો આ બે નાળી તાણવાની હોય ને ?”

“અત્યાર સુધી કેટલીક વાર બે નાળી તમે વાપરી ?”

“૨૫ વર્ષમાં એક પણ વાર નહીં.”

શાંતા મામી બોલ્યા “પણ તેનો મતલબ એવો નહીં કે તાણવી નહીં પડે.”

કેશુ મામા મીઠુ મધ જેવું હસ્યા અને બોલ્યા.

“ત્યાં જ ઘરાકનું સિલેકશન અગત્યનું છે ને ?”

“એટલે” સવજીએ પ્રશ્ન પૂછ્યો.

“જેનો ચોપડો નિયમિત તેની ધિરાણ ક્ષમતા સારી.”

“મને સમજણ ના પડી મામા” સવજી બોલ્યો.

“આખુ વરસ જે માલ લઈ જાય અને વરસ પહેલા ધિરાણ હું માંગુ તે પહેલા આપી જાય તેની ધિરાણ યોગ્યતા શ્રેષ્ઠ. જેની જબાન ના બદલાય તેની ધિરાણ યોગ્યતા શ્રેષ્ઠ અને જેની પૈસા પરત ન કરવાની પરિસ્થિતિ હોય તે સમયસર જાણ કરી નજર છુપાવે તેવા માણસની ધિરાણ યોગ્યતા નબળી.”

“તે ખરું. પણ મામા કંઈ લખાણપટ્ટી તો રાખો. કોર્ટ પેપરનાં સ્ટેમ્પ ઉપર અંગુઠો પડાવો.”

શાંતા મામી હવે મલક્યા - “જુઓ સવજી પણ મારી જેમ બોલ્યો ને ?”

“સવજી હું માણસોને ૨૫ વર્ષથી ઓળખું છું. અને તેઓની જબાનની કિંમત હું સમજું છું. લખાપટ્ટી વિના પણ તેઓ પૈસા પરત કરે છે.”

સવજીની આંખમાં પણ પ્રશ્નો હતા જે શાંતાએ ઘણી વખત અગાઉ પૂછ્યા હતા અને તે સૌનો છેલ્લો જવાબ હતો મને પૈસા કોને ધીરવા અને ના ધીરવા તેનો આખી જિંદગીનો અનુભવ છે.

સવજી તો થોડું ભણેલો હતો તેણે ચોપડો ફેંદી નાખ્યો અને મામીને કહ્યું - મામી આવકો કરતા ધિરાણ વધુ છે. મામાને કંઈ થઈ ગયું તો ?

એનો નિશ્વાસ જેટલો મોટો નિઃસાસો નાખીને મામી બોલ્યા... “હું તો કહી કહીને થાકી કે કપડાનો એકલો ધંધો કરો. ધિરાણનો ધંધો બંધ કરો....”

કેશુ મામા કહે - “ધિરાણનો ધંધો જે કાપડના ધંધાને ચલાવે છે - અને તમે બંને માનો કે ના માનો પણ રોટી, કપડા અને મકાન જ શ્રેષ્ઠ કામ છે.”

“મામા તમે ધિરાણ કચ્છી ભાઈઓમાં અને મેમણીમાં વધુ કર્યું છે. જે બધામાં સરખે ભાગે કહી શકાય ?”

“હા. કહી શકાય. પણ મને ભરોસો આ કોમ ઉપર વધુ છે. કેમ કે તેમને આંખની શરમ છે.”

સવજીએ ફરી મોટો નિઃસાસો નાખતા કહ્યું, “મામા - તમારો જાત અનુભવ અને મારું ભણતર બંને જુદા છે. મારો અનુભવ કહે છે - બધુ રોકાણ એક જગ્યાએ નહીં કરવું. આશા છે તમારો જાત અનુભવ જીતે.”

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED