અજ્ઞાત સંબંધ - ૧૨ Shabda Sangath Group દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

અજ્ઞાત સંબંધ - ૧૨

પ્રકરણ-૧૨ ફરિશ્તો

(ઈશાન એના નાનાને મળે છે અને બંને વચ્ચે કોઈક યોજનાની વાત થાય છે. નાના એને સમય વેડફ્યા વગર અમદાવાદ પાછા ફરવાનું કહે છે. દિવાનગઢમાં છેલ્લા કેટલાક સમયથી ક્રૂરતાપૂર્વક ખૂનો થઈ રહ્યાં છે જેનાથી ગામવાસીઓ પરેશાન છે. ઇન્સ્પેકટર રણજિત કેસ હાથમાં લે છે અને જંગલમાં પોતાની ટીમ સાથે એક ગુફામાં પહોંચે છે. અજાણતાં જ એક આત્મા જાગૃત થઈ જાય છે અને ગુફામાં કહેર વર્તાવીને એક પહેલવાનના શરીરમાં પ્રવેશે છે. હવે આગળ...)

સાંજના સાતેક વાગ્યા હતા. ચારેક પહેલવાનોએ મળીને મહામહેનતે સાંકળની મદદથી શ્યામાને થાંભલે બાંધ્યો હતો. ખુદને સાંકળના બંધનથી છોડાવવા તે ધમપછાડા કરી રહ્યો હતો. તેની આંખો લાલ હતી. શરીર ધ્રૂજી રહ્યું હતું. આમ તો એ શેતાની શક્તિ કોઈને પણ જાનથી મારવા સશક્ત હતી. પરંતુ અખાડાની બહાર હનુમાનજીનું વર્ષો જૂનું મંદિર હતું ત્યાથી એક પહેલવાને તેમના ચરણોમાંથી સિંદુર લઈને શ્યામાના કપાળે લગાવ્યું હતું અને બસ તે આત્મા નિર્બળ થઇ ગઈ અને તરફડવા લાગી ત્યારે છેક એને કેદ કરવામાં બધાને સફળતા મળી હતી. છતાંય હિંમત ન હારતાં તેણે શ્યામાનું શરીર છોડ્યુ નહોતું. બપોરના સમયે જે ઘટ્યુ હતું તેનાથી બધાની શંકાને પાંખો મળી હતી કે તેના પર કોઈ આત્માએ કબજો જમાવ્યો છે. વાત વાયુવેગે પ્રસરતાં લગભગ બસોથી વધારે માણસો ત્યાં આવી પહોચ્યા હતા. નજીકના ગામથી એક ભુવાને બોલાવવામાં આવ્યો હતો જેથી શ્યામાનો વળગાડ કાઢી શકાય. રાતના દસ વાગી ગયા હતા. ન તો ભુવાએ હાર માની કે ન તો શ્યામાની અંદર રહેલી આત્મા બહાર નીકળી.

ગામવાળાઓનું નસીબ આજે થોડું કમજોર હતું. વરસાદ આજે ઘણા દિવસો પછી પડ્યો. પાણીનાં બુંદો શ્યામાને સંપુર્ણ ભીંજાવી ગયાં. તેના કપાળે લાગેલું સિંદુર ધોવાઈ ગયું હતું. અહીંથી જ બધાની મુસીબતો પ્રારંભ થવાની હતી. શ્યામા જોરથી હસ્યો અને એક જ ક્ષણમાં તેણે સાંકળને તોડી પાડી. ચાર પહેલવાનોએ મળીને તેને પકડ્યો, પરંતુ તેણે ખુદની શક્તિથી તમામને પછાડી દીધા.

શ્યામાએ ખુન્નસભરી નજરે તે ભુવા તરફ જોયું. ભુવાએ બીકના મારે જાણે હથિયાર હેઠાં મૂકી દીધાં અને ઊભી પૂંછડીએ તે ભાગ્યો. એક પહેલવાન ફરી મંદિરમાથી સિંદુર લઈ આવ્યો, પણ શ્યામાએ માટીનું કૂંડું હાથમાં લીધું અને જોરથી એ પહેલવાનના માથા પર ફેક્યું. એ ત્યાં જ ઢળી પડ્યો. લોકોના ટોળામાંથી દસેક માણસો તેને કાબુમાં કરવા દોડી આવ્યા, પણ તેણે બધાંને એક-એક લાતમાં જ પાડી દીધા. ત્યાં હાજર કોઈમાં શક્તિ નહોતી કે શ્યામાનો સામનો કરી શકે. ગામવાસીઓમાં અફરાતફરી મચી ગઈ. બધા ભાગવા લાગ્યા. ઘટનાની જાણ થતાં રણજિત અને આહિર તુરંત ત્યાં આવી પહોચ્યા.

લોકોની ભાગદોડની વચ્ચે એક માણસ શ્યામાના હાથે આવી ગયો. તેણે એક જ ક્ષણમાં એ માણસનું હ્યદય એની છાતી ચીરીને ખેંચી કાઢ્યું અને સ્વાદ માણીને ખાવા લાગ્યો. રણજિતે શ્યામાને ડરાવવા હવામાં ગોળીબાર કર્યો અને શ્યામાનું ધ્યાન એ દિશામાં ગયું. તે રણજિતની નજીક આવ્યો, “બપોરે તું બચી ગયો, પણ હવે નહિ બચે.” આંગળી ચીંધતાં તે બોલ્યો.

આહિરે શ્યામાને લાફો માર્યો, “સાલા, ગામમાં મવાલીગીરી કરે છે...”

શ્યામાએ આવેશમાં આવીને આહિરની બોચી પકડી અને દીવાલ પર છૂટ્ટો ફેંક્યો. આહિરના માથાના ભાગે ઈજા થઈ અને તે બેભાન થઈ ગયો.

“બપોરે ગુફામાં જ તને મારી દેવાની ઇચ્છા હતી.” મુઠ્ઠી વાળીને શ્યામાએ બીજા હાથની હથેળી પર પછાડીને પસ્તાવો વ્યક્ત કર્યો.

રણજિતે ગુસ્સામાં શ્યામાને જોરથી ધક્કો માર્યો, પણ તે માત્ર સહેજ હલ્યો. વળતી જ પળે તેણે રણજિતને જોરથી ધક્કો માર્યો અને તે દૂર જમીન પર જોરથી પટકાયો.

વીસેક માણસો લાકડીઓ સાથે લઈને આવ્યા. તેમણે શ્યામાને ઘેરી લીધો અને લાકડીથી આકરા પ્રહારો તેની ઉપર કરવા લાગ્યા. જ્યારે શ્યામાએ સામો પ્રહાર કર્યો તો માત્ર એક બે મુક્કા ને લાતમાં જ એણે બધાને ધૂળ ચટાવી દીધી.

હવે રણજિતે બહાદુરીપૂર્વક લડવાની તમામ કોશિશ કરી, પણ તે શ્યામા સાથે લડવાને કારણે ખૂબ ઘાયલ થઈ ગયો હતો. આહિર ભાનમાં આવી ગયો હતો અને હેડક્વાર્ટર્સમાં ફોન કરીને વધારે પોલીસ ફોર્સ મોકલવાની માંગ કરી હતી. તેઓ હજુ સુધી આવ્યા નહોતા.

લોકોની ભાગદોડ વચ્ચે શ્યામાએ એક નાની બાળકીને જોઈ. એના એક હાથમાં ઢીંગલી હતી અને બીજા હાથનો અંગુઠો મોમાં રાખીને એ ચૂસતી હતી. કોઈ પણ ભય વગર તે શ્યામાને જોઈ રહી હતી જે તેની તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો. રણજિત થોડે દુર અર્ધબેભાન હાલતમાં આ નજારો જોઈ રહ્યો હતો. તેના માથે, ખભા અને પગ પર ઘણી ઈજાઓ થઈ હતી. એ માસૂમ બાળકીને બચાવવા રણજિત માંડ માંડ લથડિયાં ખાતો ઊભો થયો. તે શ્યામાથી થોડો દૂર હતો છતાંય લંગડાતા પગે ઝડપથી આગળ વધવાના પ્રયાસ કરી રહ્યો હતો.

શ્યામા ઘૂંટણિયે બેસી ગયો અને તે બાળકીને ઘુરવા લાગ્યો. એની છાતીનો સ્પર્શ કરીને શ્યામાએ પોતાની જીભ હોઠ પર ફેરવી. એની ઇચ્છા બાળકીનું કાળજું ખાવાની હતી.

“નાની બચ્ચીનું કાળજું ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.” શ્યામા બોલ્યો.

શ્યામા કંઈ કરે એ પહેલાં જ પાછળથી રણજિતે એનું ગળું કસીને પકડી લીધું અને માથાના ભાગે મુક્કાઓ મારવા લાગ્યો. શ્યામા વધુ ખિજાયો અને તેણે રણજિતના કપાળના નીચેના ભાગે જોરથી કોણી મારી. રણજિતના નાક પાસે ઈજા થતાં તેને ચક્કર આવવા લાગ્યાં અને તે જમીન પર ઢળી પડ્યો. શ્યામાએ આસપાસ નજર કરી અને એક મોટો પથ્થર લઈ આવ્યો અને હાથને ઉગામ્યા. તે રણજિતના માથા પર પથ્થર મારીને તેનું કાસળ કાઢવા માગતો હતો. રણજિત હવે કંઈ પણ કરવા માટે અશક્ત હતો. તેને લાગતું હતું કે જીવન હવે સમાપ્ત થઈ જશે. રણજિતે આંખો મીંચી દીધી.

***

આ દુનિયામાં આસુરી શક્તિ મોજુદ છે તો ઈશ્વરીય પવિત્ર શક્તિઓ પણ છે જ. એ આવી પહોંચે છે આવી જ શેતાની શક્તિઓનો નાશ કરવા. બતાવવા માટે કે કુદરતથી મોટું કંઈ જ નથી. પ્રકૃતિ પણ હંમેશા તેનું સમતોલન જાળવી રાખે છે. જ્યારે પણ તેને લાગે કે પાપ વધી રહ્યું છે ત્યારે કોઈ ને કોઈ રૂપે સંહાર કરવા આવી પહોંચે છે. આવી જ એક શક્તિ એટલે રતનસિંહ !

શ્યામા રણજિત પર મોટો પથ્થર ફેંકવા જતો જ હતો ત્યાં જ સામેથી પૂરઝડપે રતન દોડતો આવતો હતો. નજીક આવીને તેણે શ્યામાની છાતી પર જોરથી લાત મારી. એ પ્રહારમાં એટલી તાકાત હતી કે શ્યામા દૂર ફેંકાઈ ગયો. હાથમાં રહેલો પથ્થર બાજુ પર પડી ગયો.

શ્યામા તુરંત ઊભો થયો. તે હવે વધારે ખિજાયો હતો.

“ભુલી ગયો ? હજુ ચાર દિવસ પહેલાં તારા શું હાલ કર્યા હતા મેં ?” રતન બોલ્યો.

“એ દિવસમાં અને આજમાં ફરક છે. ત્યારે ભલે તેં મને કેદ કર્યો હોય, પણ આજે હું બદલો લઈને રહીશ.”

“મંકોડી..!” રતન જોરથી બોલ્યો. તેનો ચેલો સમજી ગયો કે આગળ શું કરવાનું છે. એણે પાણીથી ભરેલો કળશ રતનને આપ્યો.

“નહિ...નહિ...” શ્યામા ફફડી ગયો. તેમાંથી થોડું પાણી ખોબામાં લઈ, કંઈક મંત્ર ફૂંકીને રતને એ પાણીનો છંટકાવ શ્યામાના શરીર પર કર્યો. શ્યામા પર પાણીના બૂંદો પડતાં જ તેની અંદર રહેલી આત્મા તરફડવા લાગી. ભયાનક અવાજથી ગામમાં ભયનું મોજું ફરી વળ્યું. થોડે દૂર ઊભેલા ગામવાસીઓ આ નજારો જોતા હતા.

“મેં ત્રણ કલાક મંત્રોચ્ચાર કર્યા, આટલી મહેનત કરી. મારાથી આ પહેલવાનમાંનું ભૂત ન નીકળ્યું, તો આનાથી શું કંકોડા નિકળશે ?” સાંજથી જે ભુવો શ્યામામાં રહેલું ભૂત કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે બીજાના કાનમાં બોલ્યો.

“શીશ...” બીજા માણસે હોઠ પર આંગળી મૂકીને સામે જે થઈ રહ્યું હતું તે જોવા નિર્દેશ કર્યો. ઘણા લોકો તેમના ઘરના ઓટલા પાસે ઊભા રહીને, તો અમુક લોકો તેમની બારીમાંથી ઝાંખી રહ્યા હતા.

રતને કળશ મંકોડીને આપતાં કહ્યું, “આની આસપાસ કુંડાળું બનાવ, જલ્દી.” મંકોડીએ તેના માલિક રતનની આજ્ઞાનું પાલન કર્યું. કળશમાંથી પાણીની ધાર રેડીને શ્યામાની ચોતરફ કુંડાળું બનાવ્યું. શ્યામા તેને અવગણીને તેની બહાર નિકળવા ગયો ત્યાં જ જોરથી ભડકો થયો અને કુંડાળાની રેખામાંથી અગ્નિની જ્વાળા ઉત્પન્ન થઈ. ચમત્કાર જોઈને ગામવાળા પણ અચંબિત થઈ ગયા. જમીન પર પડેલો રણજિત આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. મનોમન તે રતનનો આભાર માની રહ્યો હતો.

રતને મંકોડી તરફ હાથ લંબાવ્યો. મંકોડીએ કાચની બોટલ આપી.

“તો તું તારી ઈચ્છાથી આમાં આવીશ, કે પછી હું તને મજબૂર કરું ?” રતને પૂછ્યું.

શ્યામા ખૂબ જ બેચેન થઈ ગયો હતો. પાણીના છંટકાવથી તે હજુ તરફડી રહ્યો હતો, “નહિ, હું ફરી તારી કેદમાં નહિ આવું. થાય એ કરી લે, જા.”

મંકોડીએ અટ્ટહાસ્ય કર્યું. જાણે કે આગળ શું થવાનું છે એની એને ખબર હતી.

રતન નિર્ભયતાથી એ કુંડાળાની અંદર પ્રવેશ્યો. શ્યામાએ એનું ગળું પકડી લીધું. રતને પણ સામે પ્રહાર કર્યો અને ઉંધા હાથે એને તમાચો માર્યો. પેલો જમીન પર ઢળી પડ્યો. પડવાને કારણે તે ફરી સીમારેખાને ભુલથી અડક્યો અને ઉત્પન્ન થયેલી અગ્નિથી એ સહેજ દાઝ્યો. તે તુરંત અગ્નિથી દૂર ખસી ગયો.

શ્યામા ઊભો થઈને રતનની નજીક આવ્યો, એક જ હાથે રતનનું ગળું પકડ્યું અને તેને ઊંચો કરી દીધો. લગભગ જમીનથી દોઢ ફૂટ ઉપર તે હતો. ગળું કસીને પકડવાના કારણે રતનની ગૂંગળામણ વધી રહી હતી. તેની આંખોમાં પાણી આવી ગયું અને ચહેરે પરસેવો બાઝી ગયો.

શ્યામાએ સામેની તરફ જોયું. તે એક દરબારનું ઘર હતું જેના મુખ્ય કક્ષમાં તેને દીવાલ પર એક તલવાર લટકતી દેખાઈ. માત્ર આંખોના ઈશારાથી જ બે ક્ષણમાં તે તલવાર ઊડીને શ્યામાના હાથમાં આવી ગઈ. એક હાથે તેણે રતનને પકડેલો હતો અને બીજા હાથમાં રહેલી તલવારથી તે વધ કરવા જઈ રહ્યો હતો. રતન હાથ પગ હલાવીને તેનાથી છૂટવાના પ્રયાસો કરી રહ્યો હતો. શ્યામા તલવારથી રતનનું માથું ધડથી અલગ કરવા જતો હતો.

“આ...હ...” શ્યામાએ જોરથી ચીસ પાડી. તેણે છાતી તરફ જોયું. લોહી વહી રહ્યું હતું. રતને એની છાતીમાં ચાંદીનું ચપ્પુ હુલાવી દીધું, “તમને, ભૂત લોકોને ચાંદી હદતી નથી ને ?”

ચાંદીવાળા ચપ્પુના વારથી શ્યામાની અંદર રહેલી આત્માને સો ગણી વધારે પીડા થવા લાગી. તે દર્દથી કણસવા લાગ્યો. ભયાનક રીતે જોરથી ચીસો પાડવા લાગ્યો. શ્યામાના હાથની પકડ ઢીલી પડી અને તેના હાથથી રતન છૂટી ગયો. સહેજ દૂર થઈને એ ખાંસવા લાગ્યો.

“તો આ માણસના શરીરને છોડવું છે કે નહિ ?” રતને બે મિનિટ બાદ ગુસ્સાથી ચીસ પાડી.

“નહિ...” શ્યામાએ નજીક આવીને રતનને લાફો માર્યો.

રતન હવે ગુસ્સે ભરાયો અને મંકોડીને જોરથી સાદ પાડ્યો. રતને પહેલેથી જ મંકોડીને જરૂરી સુચનાઓ આપેલી હતી. ક્યારે શું કરવું એ મંકોડી પહેલેથી જ જાણતો હતો. એક ધુપેડામાં લોબાન અને ગુગળને સળગાવેલા કોલસાઓ પર મૂકીને મંકોડી પણ આગને ઓળંગીને અંદર આવ્યો. તેણે ધુપેડો રતનને આપ્યો. રતને એ પવિત્ર ધુમાડાની સુગંધ શ્યામાની આસપાસ ફેરવી. નાકમાં એ હવા જતાં શ્યામા હવે પરાસ્ત થઈ ચૂક્યો હતો.

એ જ મિનિટે શ્યામાના નાક મારફતેથી કાળોમસ ધુમાડો બહાર નીકળવા લાગ્યો. રતને કાચની બોટલનું ઢાંકણ ખોલ્યું અને એ ધુમાડો ફરી એ જ બોટલમાં કેદ થઈ ગયો. રતને બોટલનું ઢાંકણ તરત બંધ કર્યું. શ્યામાની છાતીમાંથી ચપ્પુ કાઢ્યું અને મંકોડી સાથે ફરી જંગલ તરફ જવા રવાના થયો.

ગામના લોકોએ રણજિત અને ઇજા પામેલ લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા. એ રાત્રિ બાદ ગામવાસીઓના મત બે ભાગમાં વિભાજીત થઈ ગયા. ઘણા લોકો રતનસિંહ જે એક ભુવો હતો, તેને ઇશ્વરનો ‘ફરિશ્તો’ માનવા લાગ્યા હતા, તો ઘણા લોકો હજી એ જ વિચારતા હતા કે ગામમાં થતી હત્યાઓ પાછળ કોણ જવાબદાર હશે ? કદાચ રતનસિંહ જ ?

***

ત્રણ દિવસ બાદ...

રતનસિંહ પોલીસ સ્ટેશનમાં રણજિતની સામે બેઠો હતો.

૨૮ વર્ષીય રતનસિંહના વ્યક્તિત્વમાં ગજબનો આત્મવિશ્વાસ હતો. સાડા છ ફુટની ઉંચાઈ હતી. કસરતી મજબૂત બદન, માથા પર કચ્છી પાઘડી, પાઘડીમાંથી ડોકાતા લાંબા વાળ, તેજ ચમકતી ઝીણી આંખો, વિશાળ તેજસ્વી કપાળ, રાજપુતી મૂંછો, શરીરમાંથી આવતી એક અજીબ પ્રકારની મનમોહક સુગંધ, જમણા હાથમાં વજનદાર કડું અને કમંડળ તેની આભાને વધુ શોભાયમાન બનાવતાં હતાં.

“તમારી ગુફામાંથી માણસની લાશ બરામત થઈ છે. એ મરેલી વ્યક્તિને ત્યાં કેમ રાખી હતી ?” રણજિતે પૂછ્યું.

“પહેલી વાત કે તમે ખૂબ જ ખોટું કર્યું મારી ગુફામાં આવીને. બીજું એ કાચની બોટલ ફોડીને અને ત્રીજું એ માણસને ત્યાંથી ખસેડીને.” રતન ગુસ્સે થતાં બોલ્યો.

“એ લાશ ત્યાં કેમ હતી ?” રણજિતનો અવાજ ઊંચો થયો.

“તમે આ બધામાં બચ્ચાં કહેવાઓ. નહિ સમજી શકો.” રતને શાંત ચિત્તે કહ્યું.

“તો સમજાવો ને.” રણજિતે રાડ નાખી.

“તો સાંભળો. એ માણસ મરેલો નહોતો. એની આત્માને મેં બીજી દુનિયામાં મોકલી હતી. મારા અંગત કામ માટે. હવે તો એ જીવતો પણ થઈ ગયો હશે. તમે પોસ્ટમોર્ટમ માટે એને હોસ્પિટલમાં જ મોકલ્યો હશે ને, ત્યાં જઈને જોઈ લો.”

રણજિતે સરકારી હોસ્પિટલમાં ફોન કર્યો અને તેને ચોંકાવનારી માહિતી મળી. રતનની વાત સાચી હતી. એ લાશને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં કલાક બાદ જ એ માણસ ભાનમાં આવી ગયો હતો. રણજિતે ફોન મૂક્યો અને અચરજભરી નજરે રતનને જોવા લાગ્યો. રતને ક્ટાક્ષમા સ્મિત વેર્યું.

“ગામમાં એક પછી એક ખૂન થઈ રહ્યાં છે એ વિશે તમારું શું કહેવું છે ?” રણજિતે પૂછ્યું.

“મને નથી ખબર.” રતને ટુંકમાં કહ્યું.

“ક્યાંક એવું તો નથી ને કે તમે તંત્ર-મંત્રની વિધિ માટે માણસને મારીને એનું દિલ કાઢી દેતાં હશો.” રણજિતે સીધો આરોપ જ લગાવ્યો.

“સાબિત કરો અને મને ગિરફ્તાર કરો.” રતને કહ્યું અને ઊભો થઈને ત્યાંથી જવા લાગ્યો.

“સાંભળો...” કંઈક યાદ આવતાં રણજિતે એને થોભાવ્યો.

રતને માત્ર ગરદન પાછળ ફેરવીને નેણ ઊંચા કર્યા.

“આ... અસીતો કોપાણ લાતુકે શું છે ? તમારી ગુફાની દીવાલ પર લખ્યું હતું.” રણજિતે પૂછ્યું.

“મેં કહ્યું ને કે હજુ તમે બચ્ચા કહેવાઓ.” રતને ખંધું સ્મિત વેર્યું અને ત્યાંથી જતો રહ્યો. એક રહસ્યમય માણસને રણજિત તાકતો રહ્યો જ્યાં સુધી તે અલોપ ન થયો.

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક છે: રોહિત સુથાર