આપણે જિંદગીને કેટલી નજીકથી જાણીને માણીએ છીએ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આપણે જિંદગીને કેટલી નજીકથી જાણીને માણીએ છીએ

"આપણે જિંદગીને કેટલી નજીકથી જાણીને માણીએ છીએ?"

જીંદગી એટલે એવી સફર કે જેમાં અણધાર્યા વળાંકો આવતા જાય અને આપણે સહુ મુસાફરો એ વળાંકોને અનુરૂપ થતા થતા જીંદગીની સફરની મજા માણવાનો પ્રયત્ન કરતા જઈએ. ઘણી વાર ખૂબ મજા પડે. કોઈ વાર ખૂબ કંટાળો પણ આવે. કોઈ વાર આગળના સફરની ચિંતામાં અટવાઈ પડીયે તો કોઈ વાર સફરમાં એટલા ખૂંપી જઇએ કે આ જીંદગીરૂપી સફર ક્યાં પહોંચવા માટે શરૂ કરી છે એ ય વિસરી જઈએ અથવા તો જીંદગીરૂપી સફરની શું મંજિલ છે એ વિચાર્યા વગર માત્ર સફરના રસ્તાની આંટીઘૂંટીમાં અટવાઈ જઈએ છીએ. ઘણા ઓછા લોકો આ સફરની ખરેખર મજા માણતા હોય છે અને આ લોકો જ જીંદગીને જાણતા હોય છે.

જીંદગી જીવવાનો અર્થ શું? અથવા તો પછી આ જીંદગી પ્રભુએ આપણને શા માટે બક્ષી છે એનો ખરેખર મર્મ સમજી લઈએ તો જીવનનો અડધો ભાર ઓછો થઈ જાય છે અને વ્યક્તિ જીંદગીને હળવાશથી જીવી શકે છે. મોટેભાગે લોકો જીવન વેંઢારતા હોય છે. કેમ કે એ લોકોએ ક્યારેય જીંદગીને નજીકથી જાણવાનો પ્રયત્ન જ કર્યો નથી હોતો. આ તો બસ ભગવાને જીવન આપ્યું છે એટલે જીવવું પડે છે, એવી જ વિચારધારા હોય છે એમની. જીંદગીને નજીકથી જાણવી એટલે? તમે ક્યારેય ભગવાનને જાણવાનો પ્રયત્ન કર્યો છે?

મોટાભાગના લોકો ભગવાનમાં માનતા હશે પણ એ બધા લોકોમાંથી જૂજ લોકોએ ખરેખર ભગવાનને જાણવાનો પ્રયત્ન કર્યો હશે અથવા તો કરતા હશે. મોટા ભાગે લોકોના મતે ભગવાન એટલે સૃષ્ટિના કર્તા-હર્તા અને એમનું પૂજન- અર્ચન કરવાથી પ્રસન્ન થઈ લોકોનું દુઃખ હળવું કરતાં ચમત્કારિક વ્યક્તિ. એમણે જ સર્જેલો માણસ પોતાની સ્વાર્થી માંગણીઓ માટે એમને અમુક તમુક ભેટો ધરાવશે ને એ એમની માંગણીઓની પૂર્તિ કરશે. આટલામાં જ ભગવાનનો અર્થ સમાઈ જાય છે એ લોકો માટે. ભગવાનને માનવું અને એમને સમજવા એ બન્ને વચ્ચે આસમાન જમીનનો અર્થ છે. આપણે માણસો માણસ દેખાતો હોવા છતાં ક્યાં સમજી શકીએ છીએ એકબીજાને નજીકથી ! તો પછી ભગવાનને સમજવાનું ક્યાંગજું છે માણસમાં? એમ જ જીંદગી જીવવી અને એને નજીકથી સમજવી એ બન્નેમાં પણ આસમાન અને જમીન વચ્ચે છે એટલો જ ફરક છે. ફૂટપાથ પર જ ઝૂંપડું બાંધીને રહેતો ગરીબ વ્યક્તિ અને આલીશાન બંગલામાં સુખ સાહ્યબીભર્યું જીવન જીવતા વ્યક્તિ માટે પણ જ્યારે જીંદગીને સમજવાની વાત આવે છે ત્યારે કદાચ ફૂટપાથ પર રહેતો ગરીબ વ્યક્તિ જીંદગીને વધુ સમજી શકે છે. કારણ કે દુઃખો, કષ્ટો વચ્ચે જ વ્યક્તિ જીંદગીને વધુ નજીકથી જોઈ શકે છે તથા જીંદગીનું મૂલ્ય પણ તે જ સમજી શકે છે.

તમારી આજુબાજુ રહેતા લોકો, તમારા ઘરનાં સભ્યો, ઘરથી ઓફિસ જતા રસ્તામાં બસ કે રેલ્વે મુસાફરી દરમિયાન મળતા માણસો, ઓફિસ સ્ટાફના માણસો, સગા- સંબંધીઓ, મિત્રો વગેરીની રોજીંદી જીંદગીને નજીકથી જોવા-સમજવાનો પ્રયત્ન કરી જોજો કોઈકવાર ઝીણી નજર કરીને. કેટલા રઘવાયા હોય છે અમુક લોકો અંદરથી. જીંદગીથી કેટલી કમ્પ્લેન્ટ્સ હોય છે એમને. એ પોતાને ગૂંચવતા પ્રશ્નોનું જાતે સમાધાન નથી શોધી શકતા હોતા. જીંદગીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જે તે પ્રશ્નોનું મૂળ શું છે એ જ શોધી નથી શકતા તો પછી સમાધાન કેવી રીતે શોધી શકે? ભૂતકાળનો ભાર અને ભવિષ્યની ચિંતા જ કરતા લોકો વર્તમાનનું સાન-ભાન ભૂલી જતા હોય છે. વર્તમાન ક્ષણ ભરપૂર જીવવા માટે છે, નહિ કે મળેલ જીંદગીનું ટેંશન કરવા ! વર્તમાનને ગળે લગાડીને જીવવું પડે છે. જીંદગી સાથે હાથ મિલાવીને તેની સાથે બાથ ભીડવી પડે છે!

ભગવાને માણસ માત્રને આ જીંદગીરૂપી ભેટ માણવા માટે આપી છે. આ ભેટને આપણે આશીર્વાદ રૂપે લઈએ છીએ કે અભિશાપરૂપે એ આપણી પર નિર્ભર છે. 'માણસ' એ ભગવાનની શ્રેષ્ઠ રચના છે. ભગવાને તેને બીજા જીવોની સરખામણીમાં ઘણું બધું શ્રેષ્ઠ આપ્યું છે. આપણે બધા વિચારી શકીએ છીએ, લાગણી અને સંવેદના અનુભવી શકીએ છીએ. બીજા માણસ પાસે પોતાના સુખ-દુઃખ વહેંચી શકીએ છીએ. હસી શકવાનું વરદાન ભગવાને માત્ર માણસને જ આપ્યું છે, છતાં પણ આપણે બધા દિવસમાં કેટલી ઓછી વાર સ્મિત કરતા હોઇએ છીએ! માણસ સપનાઓ જોઈ શકે છે, જે સપનું જુએ એને પોતાના પ્રયત્નોથી હાંસલ કરી શકે છે, એ પછી હિમાલય સર કરવાનું સપનું હોય કે મંગળ ગ્રહ પર પહોંચવાનું સપનું હોય! સત્ય, પ્રેમ, કરુણા, દયા, શ્રદ્ધા, વિશ્વાસ આ બધા ગુણો માણસને માણસ હોવાની અનુભૂતિ કરાવે છે. શ્વાસ લેવા માટે હવા આપી છે તો સુગંધ માટે ફૂલ, તરસ છીપાવવા પાણી આપ્યું છે તો ભીંજાવા માટે વરસાદ, પ્રકાશ માટે સૂર્ય આપ્યો છે તો , શીતળ ચાંદની માટે ચંદ્ર આપ્યો છે, સાથે ઝગમગતા તારલાઓ આપ્યા છે. ખળખળ અવાજ સાથે વહેતું ઝરણું આપ્યું છે અને ભરતી ને ઓટ ભરતો અફાટ દરિયો આપ્યો છે. છાયા માટે લીલાછમ વૃક્ષો ને ગીતો ગાતા પક્ષીઓ સર્જ્યા છે. રંગબેરંગી ફૂલો અને તેની આજુબાજુ ઉડતા પતંગિયા સર્જ્યા છે. આ બધું ખોબલે ખોબલે આપ્યું છે ભગવાને આપણને. આ બધું આશીર્વાદ રૂપ છે કે નહીં? છતાં માણસ કેમ પોતાની જીંદગી માણી શકતો નથી! પોતે રચેલી ભૌતિકતામાં રચ્યો પચ્યો રહેતો એ કુદરત અને જીવન તરફ અવગણના અને તિરસ્કાર કરતો ફરે છે.

જીંદગીને નજીકથી એ જ લોકો જાણે છે જે ખરેખર જીંદગીને જીવવા માંગે છે. જેમણે મન ભગવાને આપેલી જીંદગીનું મૂલ્ય હોય તે જ એને નજીકથી જાણવાનો પ્રયત્ન કરશે અને તેને જીવી પણ જાણશે. આખો દિવસ નાની-નાની મુશ્કેલીઓ માટે આજુબાજુના લોકોને તેમજ ભગવાનને તેમની મુશ્કેલીઓ માટે જવાબદાર ઠેરવતા લોકો માટે તો જીંદગી દૂરથી દેખાતા વરસાદ જેવી છે. એ જ લોકો વરસાદને માણી શકે છે જેઓ વરસાદના પાણીમાં પલડ્યા હોય. વરસાદમાં પલડ્યા વગર એનો અનુભવ ન મેળવી શકાય. ભીંજાવું શું એ કોરાકટ લોકો ન સમજી શકે. એ જ રીતે જીંદગીને દૂરથી જોતા લોકો કદી જ જાણી ન શકે કે જીંદગી ખરેખર શું છે? પોતાની જીંદગીને દિલથી ભેટ્યા વગર તેની ઓળખાણ પડતી નથી.

જીંદગીમાં જેણે શારીરિક, માનસિક તેમજ આર્થિક મુશ્કેલીઓ અને દુઃખો વેઠયા હોય છે અને એ દુઃખો હસતાં મોઢે સહી હિંમતથી એનો સામનો કર્યો હોય છે એ લોકોએ જ જીંદગીનો નજીકથી સાક્ષાત્કાર કર્યો હોય છે. કોઈ વાર મોકો મળે તો પૂછી જોજો ' જીંદગી એટલે શું?' એ વ્યક્તિને જે જન્મથી જ અંધ છે. ભગવાને આપેલ જીંદગીનું તેમજ ન આપેલ આંખોનું મૂલ્ય એ જ ખરેખર સમજી શકે છે બાકી જે જોઈ શકતો હોય છે એને શું ખબર આંખોની રોશની ના હોવી એટલે શું? એ અંધ વ્યક્તિ જિંદગીની વાસ્તવિકતાને હસતાં મોઢે સહી હિંમત હાર્યા વગર દરેક મુશ્કેલીઓનો સામનો કરી જીંદગી જીવી જાણે છે. બાકી આંખો હોવા છતાં સામાન્ય માણસો એ આંખોથી ભગવાને સર્જેલ સુંદર દુનિયા અને જીવનનો આનંદ માણી શકતા નથી હોતા.

જીંદગીને માણવી એટલે પતંગિયાની જેમ હળવાફૂલ બનીને જીવવું. નાના બાળકના નિર્દોષ હાસ્યમાં ખોવાઈ જઈ તેની જેમ નિર્દોષ બની જવું. ફૂટપાથ પરના ઝૂંપડા પરથી પસાર થતા ઝૂંપડામાં રહેતા માણસને પોતાનાથી ઉતારતો ન સમજવો. કોઈ ભૂખ્યા બાળકને જોઈ પોતાની પાસેનો મનપસંદ વાનગીનો ડબ્બો ખુશીથી ખવડાવી દેવો. ગરીબની મજબૂરીનો લાભ લેવાનો વિચાર સુધ્ધાં ન કરવો. ભગવાનને મૂર્તિ કરતા માણસના ગુણોમાં તેને શોધવો. જીંદગી જાણવી એટલે સપના જોવા અને એને પૂરા કરવા મચી પડવું. માતા-પિતાની સેવાને ભગવાનની સેવા સમજવી. કોઈના સાચા પ્રેમને સમજવો અને ભગવાને અર્પણ કરેલ અમૂલ્ય જીંદગીનો દિલથી આભાર માની તેને મન ભરીને જીવવી.

હું મુસાફર તો બાકી ફરવા આવ્યો છું,

અહીં ક્યાં હું કોઈને મળવા આવ્યો છું!

ઘડી બે ઘડી આનંદ માણી,

જીવનને જીવવા આવ્યો છું,

તું જ માલિક આ જીવનનો પ્રભુ,

હું તો ઘડીક ફરવા આવ્યો છું...

તે આપેલી જિંદગી જીવી જાણું,

એટલે જ તો અહીં ફરવા આવ્યો છું,

હું મુસાફર તો બાકી ફરવા આવ્યો છું,

અહીં ક્યાં હું કોઈને મળવા આવ્યો છું...!

- પ્રિયંકા પટેલ

Contact me - patelpriyanka19@gmil.com