Panch mahabhuto ane tenu manushyna jivanma mahatv books and stories free download online pdf in Gujarati

પંચ મહાભૂતો અને તેનું મનુષ્યનાં જીવનમાં મહત્વ

પંચમહાભૂતો અને તેનું મનુષ્યનાં જીવનમાં મહત્વ.

સમગ્ર બ્રહ્માંડ પાંચ મહાભૂતો એટલે કે પાંચ તત્વોથી બનેલું છે. આ પાંચ મહાભૂતો છે - પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. સમગ્ર પ્રકૃતિ તેમજ આપણું માનવ શરીર પણ આ જ પાંચ તત્વોથી બનેલું છે. આ પાંચે તત્વો , પૃથ્વી, જળ , અગ્નિ, વાયુ અને આકાશ ઉર્જાથી ભરપૂર છે તેમજ આપણાં શરીરની ઉર્જાનું સંતુલન રાખે છે. આ તત્વોની ઉર્જાથી જ આપણું શરીર દરેક કાર્ય કરે છે. શરીરમાં રહેલ ચુંબકીય ઉર્જા, વિદ્યુત ઉર્જા, રાસાયણિક ઉર્જા આ પાંચ તત્વોને જ આભારી છે. આ પંચ તત્વોની શક્તિ એ 'પ્રાણ શક્તિ' કહેવાય છે. પાંચમાંથી કોઈ પણ એક તત્વ અસંતુલિત થાય ત્યારે આપણી પ્રાણ શક્તિ પણ અસંતુલિત થાય છે. પૃથ્વીનો ૭૨% ભાગ પાણીથી બનેલો છે તેમ આપણાં શરીરમાં પણ ૭૨% ભાગ પાણી છે. આપણાં શરીરની માંસપેશીઓ, સ્નાયુઓ, હાડકાં, વાળ, નખ વગેરે પૃથ્વી તત્વથી બનેલા છે. પૃથ્વી પરના નદી, સરોવર, દરિયો વગેરે પ્રવાહી સ્વરૂપો જેમ પાણી તત્વથી બન્યાં છે, તેમ આપણાં શરીરમાં પ્રવાહી સ્વરૂપે રહેલું લોહી પણ પાણી તત્વથી બન્યું છે. પૃથ્વી પરનાં વાતાવરણમાં જેમ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વગેરે વાયુઓ જરુરી છે એમ જ આપણાં શરીરમાં શ્વાસ- ઉચ્છશ્વાસની ક્રિયામાં ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ જરુરી છે. પૃથ્વી પર જેમ સુર્ય રૂપી અગ્નિ પ્રજ્વલિત રહી આપણને ગરમી અને હૂંફ પૂરી પાડે છે તેમ આપણાં શરીરમાં રહેલ જઠરાગ્નિ શરીરની ચયા-પચયની ક્રિયામાં મદદરૂપ બની શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ઉર્જાથી જ તો આપણે બધી શારિરીક ક્રિયાઓ કરી શકીએ છીએ. આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત આકાશ જેમ બધા ધ્વનિ આપણને પહોંચાડે છે તેમ આપણાં મગજમાં રહેલ આકાશરૂપી તત્વ આપણને થતી અંત:સ્ફૂરણા આપણાં સુધી પહોંચાડે છે.

પંચમહાભૂતોનું આપણાં વેદો- પુરાણોમાં ખૂબ જ મહત્વ છે. બાળપણમાં આપણે જે વિજ્ઞાન વિષય ભણ્યા હતાં તેનાં પ્રાથમિક ખ્યાલ મુજબ તત્વો અણુઓ અને એથી પણ નાના પરમાણુઓથી બનેલા છે. આ તત્વોથી જ બ્રહ્માંડમાં રહેલ દરેક સજીવ તેમજ નિર્જીવ વસ્તુઓ બની છે. આ પાંચ તત્વોથી જ આપણે બન્યા છીએ અને મૃત્યુ પછી પણ આ જ તત્વોમાં વિલીન થઈ જઈશું. આ પાંચે તત્વો નિત્ય અથવા તો શાશ્વત છે. તેમનો અંત નથી તેમજ તેઓ સમયથી પર છે. આપણાં પ્રાચીન ઋષિમુનિઓએ ધાર્મિક વિધિ, પૂજા તેમજ હવન વગેરે પરંપરા દ્રારા આપણને આ પંચ મહાભૂતો સાથે સાંકળી રાખ્યાં છે. આપણી હિન્દુ પરંપરા મુજબ આપણે જ્યારે પણ કોઈ ધાર્મિક વિધિ, પૂજા કે હવન કરીએ ત્યારે અમુક વસ્તુઓ પૂજા કરતી વખતે ફરજીયાત હોય છે. જ્યારે આપણે પૂજા થતી જોઈએ છીએ ત્યારે આ પાંચે તત્વો ત્યાં હાજર જ હોય છે. જેમ કે પૃથ્વી તત્વ તરીકે ચંદન કે કંકુ , જળ તત્વ તરીકે ગંગા જળ, અગ્નિ તત્વ તરીકે દીવો, વાયુ તત્વ તરીકે અગરબત્તી કે ધૂપ તેમજ આકાશ તત્વ તો દરેક જગ્યાએ વ્યાપ્ત હોય જ છે. આપણે માત્ર પરંપરા તરીકે આ બધી પૂજા વિધિ કરતા હોઈએ છીએ પરંતું તેની પાછળ રહેલા વિજ્ઞાનને જાણવાની કોશિશ પણ નથી કરતા...! આ બધી પૂજા, હવન કે ધાર્મિક વિધિઓ એમ જ માત્ર પરંપરા માટે અનુસરવાની નથી હોતી પણ તેની પાછળ આ પંચતત્વો સાથે જોડાઈ રહેવાનું પણ એક અલગ વિજ્ઞાન છે. પંચતત્વોનું આપણાં શરીરમાં યોગ્ય સંતુલન હોવું જરુરી છે. આ પાંચે તત્વો શરીરમાં અસંતુલિત થાય ત્યારે જ કોઈ શારિરીક કે માનસિક મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે. હિન્દુ ધર્મની આ બધી પરંપરાઓનો આપણે જો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીશું તો જણાશે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ તેમજ ઋષિમુનિઓ એટલાં મહાન હતાં કે તેમને આ પંચ મહાભૂતો વિશે પહેલેથી જ્ઞાન હતું અને તેથી જ તેઓએ અત્યાર સુધી સામાન્ય માણસને આ બધી પરંપરાથી આ પંચ મહાભૂતો સાથે સાંકળી રાખ્યાં છે.

પ્રકૃતિના આ પાંચમાંથી કોઈ પણ એક તત્વની નજીક હોઈએ ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય છે. દા.ત - પર્વત, દરિયાકિનારો, જંગલ. જેમ કે આપણે પર્વત પાસે ઉભા છીએ, તો પર્વતમાં ઘણાં કણો હોય છે, ત્યાં પર્વતની સામુહિકતા વઘુ હોય છે. આપણે જાણીએ જ છીએ કે પરમાત્મા કણ કણમાં વ્યાપ્ત છે. પર્વત તો હજારો- લાખો કણોનો બનેલો હોવાથી ત્યાં પર્વતની બાજુમાં આપણને પરમાત્મા હોવાની અનુભૂતિ થાય છે. જો આપણે દરિયાકિનારે ઉભા હોઈએ તો ત્યાં પાણીની સામુહિકતા હોય છે. ત્યાં ઘણાં પાણીના બિંદુઓ મળીને સાગર બનતો હોવાથી તેનાં સાનિધ્યમાં પણ આપણને શાંતિનો અનુભવ થાય છે. આપણે જ્યારે કોઈ મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે આપણને ભગવાનની મૂર્તિના દર્શન કરીને શાંતિનો અનુભવ થાય છે, જ્યારે ઘરે પાછા આવીએ ત્યારે મંદિર જેવી શાંતિનો અનુભવ ઘરમાં થતો નથી. એમ કેમ? કારણ કે મંદિરમાં ભગવાનની મૂર્તિમાં પોઝિટિવ ઉર્જા વધુ હોય છે. મૂર્તિના દર્શન કરવાથી મૂર્તિમાંની પોઝિટિવ ઉર્જા આપણને મળે છે. ભગવાનની મૂર્તિ પણ આ પાંચ તત્વોમાંનાં એક પૃથ્વી તત્વથી જ બની હોય છે. મૂર્તિની રોજ પંચતત્વોથી પૂજા વિધિ કરવામાં આવે છે, તેથી જ તેનામાં વધુ ઉર્જા એકઠી થયેલી હોય છે અને એટલે જ ભગવાનની મૂર્તિના દર્શન દૂરથી જ કરવા દેવામાં આવે છે કેમ કે જો બધાં વ્યક્તિઓને મૂર્તિનો સ્પર્શ કરવા દેવામાં આવે તો દરેક વ્યક્તિની નેગેટિવ ઉર્જા મૂર્તિમાં આવી જાય છે અને તેની પોઝિટિવ ઉર્જા ઓછી થતી જાય છે. આપણે ત્યાં ભગવાનની મૂર્તિ પૂજાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ પ્રસાદ, ચરણામૃત તેમજ પંચામૃતનું પણ છે. કેમ કે ભગવાનને ધરાવેલી પ્રસાદ, પાણી તેમજ પંચામૃત પણ એટલાં જ ઉર્જાથી ભરપૂર હોય છે અને એટલે જ તો આપણને ઘરે બનાવેલ શીરા કરતા સત્યનારાયણનો મહાપ્રસાદ વઘુ મીઠો લાગે છે. એમ જ બધાં પ્રસાદ, ચરણામૃત, પંચામૃત કે મહાપ્રસાદ લેવા તલપાપડ નથી થતા હોતા. હિન્દુ ધર્મમાં દરેક તત્વના એક એક દેવ છે. પૃથ્વી તત્વના દેવ-ગણેશ છે, ગણપતિ વિઘ્ન-હર્તા છે. જળ-તત્વના દેવ શિવજી છે, તે જ્ઞાન અર્પે છે. તેજ (અગ્નિ) તત્વના દેવ સૂર્ય છે, તે આરોગ્ય બક્ષે છે. વાયુ તત્વના દેવી માતાજી છે, જે બુદ્ધિ અને ધન બક્ષે છે. આકાશ તત્વના દેવ વિષ્ણુ છે, જે પ્રેમ બક્ષે છે.

પ્રકૃતિ તેમજ આપણાં શરીરમાં રહેલ આ પંચતત્વો બહુ મહત્વનાં છે. એક પણ તત્વ જો ગેરહાજર હોય તો આપણું શરીર ટકી ના શકે. જેમ કે વાયુ. જો વાયુ તત્વ ના હોય તો આપણો શ્વાસ- ઉચ્છશ્વાસ શકય ના બને. પાંચ મિનિટ પણ આપણામાંનું કોઈ શ્વાસ લીધાં વિના જીવી ના શકે. એ જ રીતે પાણી વગર પણ આપણે જીવનની કલ્પના ના કરી શકીયે. થોડા કલાકો કે વધુમાં વધું 2-3 દિવસ પાણી વગર જીવી શકાય એથી વઘુ નહીં. એ જ રીતે જો પૃથ્વી તત્વ ના હોય તો આ બધી જીવન સૃષ્ટિ શેની પર ટકત ? જો અગ્નિ તત્વ ગેરહાજર હોત તો સમગ્ર પૃથ્વી અંધારામાં જ હોત...કેમ કે અગ્નિ રૂપી સૂર્ય વગર પૃથ્વી પર પ્રકાશ અને ગરમી મેળવવી શકય નથી. સૂર્ય વગર આખી પૃથ્વી ઠંડો ગોળો જ બની જાય. પ્રકાશ, ગરમી અને હૂંફ વગર જીવન સૃષ્ટિ શકય નથી. અગ્નિ વગર આપણે જે ખાવા માટેનું અન્ન રાંધીયે છીએ એ પણ શકય ના બને. સૌથી મુખ્ય આકાશ તત્વ છે. આકાશ તત્વમાંથી જ બાકીના ચારેય તત્વો ઉત્પન્ન થયા છે. આપણે બધાં આકાશ તત્વનાં ઓછા સંપર્કમાં છીએ એટલે એનાં વિશે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. આકાશ તત્વ વગર એકબીજાનો અવાજ સાંભળવો શકય નથી. આપણે બધા ભગવાનના મંત્ર કે જપ કરતા હોઈએ છીએ , આ મંત્ર કે જપથી આકાશમાં એક બ્રહ્માંડીય ઉર્જા ઉત્પન્ન થાય છે જેનાથી આપણને શાંતિનો અનુભવ થાય છે.

સમગ્ર બ્રહ્માંડ આ પાંચ તત્વોની એક રમત છે. આ પાંચ તત્વોની આંતર-પ્રક્રિયાનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. જો શરીરની અંદર તેમજ બહાર રહેલા આ પાંચ તત્વો વચ્ચે સંવાદિતા સાધી શકીયે તો તે આપણને શારિરીક તેમજ માનસિક સ્વસ્થતાની સાથે સાથે ભૌતિક વિકાસ તેમજ આનંદ પ્રદાન કરે છે. ખુદ પ્રકૃતિ પણ બ્રહ્માંડમાં રહેલ આ પાંચ મહાભૂતોને સંતુલિત કરવા સતત સંઘર્ષ કરતી જ હોય છે. આપણાં શરીરમાં પણ આ પંચ તત્વો વધ- ઘટ થતા રહે છે. તેને સંતુલિત રાખવા ખૂબ જરુરી છે, કારણ કે મોટા ભાગની શારિરીક તેમજ માનસિક મુશ્કેલીઓ આ પંચ તત્વો અસંતુલિત થવાથી જ થાય છે. આ પાંચે તત્વો પ્રકૃતિમાં પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. આ પાંચે તત્વોનો જરૂર મુજબ ઉપયોગ કરી મહત્તમ લાભ કેવી રીતે લેવો એ માણસના હાથની વાત છે. આ પંચ તત્વોને સંતુલિત કરવાની ઘણી પદ્ધતિઓ છે. જેમ કે યોગાસન, પ્રાણાયામ, મુદ્રાયોગ, આયુર્વેદિક ઉપચારો, વાસ્તુશાસ્ત્ર વગેરે. વ્યક્તિ પોતાને અનુરૂપ પદ્ધતિ અપનાવી પ્રકૃતિના આ પાંચ તત્વોને સંતુલિત કરી શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે.

આવતાં અંકમાં આપણે પૃથ્વી તેમજ જળ તત્વનું માનવજીવનમાં મહત્વ તેમજ તે બન્ને તત્વોને સંતુલિત કરવા માટેના સરળ ઉપાયો વિશે જાણીશું.

Contact me @ Facebook/ pri19patel

Email @ patelpriyanka19@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED