કૃષ્ણ - મારી દ્રષ્ટિએ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ - મારી દ્રષ્ટિએ

કૃષ્ણ - મારી દ્રષ્ટિએ

રાધા એટલે કૃષ્ણનો પ્રેમ. વાંસળી એટલે કૃષ્ણનું સંગીત. મોરપીંછ એટલે કૃષ્ણનું કામણ. આ દરેકની સાથે કૃષ્ણ એવાં અતૂટ રીતે જોડાયેલાં છે કે એક વગર બીજાની કલ્પના કરવી મુશ્કેલ છે. જાણે એક વગર બીજું અધૂરું. કૃષ્ણ વગર રાધા અધૂરી છે અને રાધા વગર કૃષ્ણ અધૂરા છે. કૃષ્ણ વગર વાંસળી અધૂરી છે અને વાંસળી વિના કૃષ્ણ. કૃષ્ણ વગર મોરપીંછ અધૂરું છે અને મોરપીંછ વિના કૃષ્ણ. કૃષ્ણ વગર ગોકુળ અધૂરું છે અને ગોકુળ વગર કૃષ્ણ. કૃષ્ણ વગર ગોપીઓ અધૂરી છે અને ગોપીઓ વિના કૃષ્ણ. કૃષ્ણ વગર વૃંદાવનની રાસ અધૂરી છે અને રાસ વિના કૃષ્ણ અધૂરા છે. કૃષ્ણ વગર ગોકૂળની ગાયો અધૂરી છે અને ગાયો વિના કૃષ્ણ. કૃષ્ણ વગર સુદામા અધુરો છે અને સુદામા વિના કૃષ્ણ. કૃષ્ણ વગર અર્જુન અધુરો છે અને અર્જુન વગર કૃષ્ણ અધૂરા છે. કેટકેટલું અધૂરું છે કૃષ્ણ વગર..! કૃષ્ણ વિના ગીતા અધૂરી છે. કૃષ્ણ વગર મહાભારત અધૂરું છે. કૃષ્ણ વગર પાંડવો અધૂરા છે. કૃષ્ણ વગર રુકમણી અધૂરી છે. કૃષ્ણ વગર દ્રૌપદી અધૂરી છે. કૃષ્ણ સાથે જે પણ સંકળાયેલા છે એ દરેક વિના કૃષ્ણ અધૂરા છે અને તેમનાં વગર કૃષ્ણ...!

કૃષ્ણનાં જીવનમાં જ્યારે જ્યારે જેણે પણ પ્રવેશ કર્યો છે તે દરેકનો કૃષ્ણએ બહુ સહજતાથી સ્વીકાર કર્યો છે. દરેકને પોતાનામાં પ્રેમપૂર્વક સમાવી લીધાં છે. સ્વીકારની સાથે જ તે દરેકને પોતે સમર્પિત થઈ ગયાં છે. કૃષ્ણે ક્યારેય રાધાને એમ નથી કહ્યું કે, " તું મારી છે." પરંતું એમ જ કહ્યુ છે કે, " હું તારો છું." દરેકને કૃષ્ણ પોતાના જ લાગતાં હતાં કારણ કે તે દરેક વ્યક્તિનાં બની જતાં હતાં. કૃષ્ણ જશોદાનાં પણ હતાં અને દેવકીનાં પણ હતાં. કૃષ્ણ રાધાનાં પણ હતાં અને રુકમણીનાં પણ હતાં. કૃષ્ણ ગોપીઓના પણ હતાં ને સોળ હજાર એકસો આઠ રાણીઓનાં પણ હતાં. કૃષ્ણ સુદામાનાં પણ હતાં ને અર્જુનના પણ હતાં. કૃષ્ણ પોતે પ્રેમ સ્વરુપ હતાં. પોતાની જાતે તે દરેકને પ્રેમથી સમર્પિત થઈ જતાં અને બીજાને પ્રેમથી પોતાનાં કરી શકતાં.

જીવનમાં આટલી સહજતાથી દરેક વ્યક્તિ અને પરિસ્થિતિનો સ્વીકાર કરવો સરળ નથી. સ્વીકરની સાથો સાથ કૃષ્ણએ ઘણું બધું છોડવું ય પડયું છે જીવનમાં. અને તે દરેક વ્યક્તિ, વસ્તુને તેમણે બહુ સહજતાથી છોડી છે. જન્મ થતાં જ પોતાનાં માતા-પિતાને છોડવા પડ્યાં. ગોકુળમાં નંદ-જશોદાને ત્યાં મોટાં થયાં. મોટાં થઈને ગોકુળ છોડવું પડયું. ગોકુળની સાથે સાથે રાધા, વાંસળી, ગોપીઓ, રાસ, ગાયો, બાળ સખાઓ દરેકને છોડવા પડ્યાં છે કૃષ્ણએ. છતાં પણ એ દરેકને સહજતાથી છોડ્યા છે કૃષ્ણએ. એવું નથી કે એમને દુઃખ નહોતું થયું બધાને છોડતાં, દુઃખનો પણ એટલો જ સહજતાથી સ્વીકાર કર્યો હતો એમણે. પોતાની માથે આવી પડેલા ધર્મનો સ્વીકાર કરવો એ જ કૃષ્ણનાં જીવનની ફિલોસોફી હતી. મામા કંસના વધ પછી જરાસંઘ કૃષ્ણ અને બલરામનો વધ કરવા મથુરા પર ચઢાઈ કરવાની તૈયારી જ કરતો હતો ત્યારે મથુરા પણ છોડી દીધું હતું કૃષ્ણએ. મથુરાના લોકોના રક્ષણ માટે કૃષ્ણએ પલાયનવૃત્તિ પણ સ્વીકારી હતી. હારીને પણ કેવી રીતે જીતવું એ કૃષ્ણ બરાબર જાણતાં હતાં. જીવનને એક ઉત્સવ તરીકે કેવી રીતે જીવી શકાય એ માત્ર કૃષ્ણ પાસેથી જ શીખી શકાય.

કૃષ્ણએ એમનું જીવન કર્મ, ધર્મ અને જ્ઞાનની ઉચ્ચ કક્ષાએ પ્રસ્થાપિત કર્યું હતું. જીવનમાં પોતાનો ધર્મ શું છે એ સમજવા આપણે કૃષ્ણનાં જીવન પર જ નજર કરવી પડે. કૃષ્ણનો જન્મ જ ધર્મને પ્રસ્થાપિત કરવાં અને અન્યાયનો અંત લાવવાં થયો હતો. માણસની મર્યાદામાં રહીને ધર્મને પ્રસ્થાપિત કરવાનું કામ ઘણું કઠીન હતું. કૃષ્ણએ ધાર્યું હોત તો પોતાની દૈવી શક્તિઓથી જ મહાભારતના યુદ્ધમાં જાતે જ અન્યાયીઓનો અંત લાવી દીધો હોત. બીજા ઘણાં યુદ્ધો પણ એમ જ દૈવી શક્તિઓથી જ જીતી શક્યાં હોત. છતાં પણ એક સામાન્ય માનવીની મર્યાદામાં રહીને જ એમણે દરેક કાર્ય કર્યું હતું. ગોકુળમાં માખણ ચોરવાથી લઈને મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથિ બનવા સુધી.

કૃષ્ણ દુનિયાના સર્વશ્રેષ્ઠ લીડર હતાં. મહાભારતનાં યુદ્ધમાં છેવટ સુધી તેઓ યુદ્ધ ના થાય તે માટે પ્રયત્નશીલ રહ્યાં. પણ જ્યારે યુદ્ધ જ કલ્યાણ છે એનો નિશ્ચય થતાં અધર્મીઓ સાથે છળ-કપટ કરતાં પણ અચકાયા નહોતા. કૃષ્ણ દરેકને સાથે લઈને તેની ખૂબીઓ અને ખામીઓ ઓળખીને ધર્મનાં કામમાં જોડી શકતાં. પોતે એમાં કંઈ કર્યું જ નથી એવી નિર્લેપતા રાખી શકતાં એ. " મેં કર્યું " એવો અહંકાર એમણે ક્યારેય નહોતો કર્યો. અર્જુનના સારથિથી લઈને દ્વારકાના રાજા બન્યાં હતાં કૃષ્ણ, છતાં પણ દરેક સ્થિતિમાં મનની એ જ સ્થિરતા, એ જ સહજતા ,એ જ નિર્લેપતા રાખી શક્યાં હતાં એ.

મહાભારત અને ગીતાની કલ્પના કૃષ્ણ વગર શક્ય નથી. યુદ્ધ વચ્ચે પણ જે સહજતાથી તેમણે પોતાના પ્રિય સખા અર્જુનને પોતાનો ધર્મ સમજાવવા ગીતાનો ઉપદેશ આપ્યો એ જીવનના મેનેજમેન્ટનો શ્રેષ્ઠ પાઠ છે. ધર્મ અને ન્યાયની જીત માટે તેઓ અર્ધ-સત્ય પણ બોલતાં ખચકાયા નહોતાં. દરેક કર્મમાં લેપાયા વગર કેવી કુશળતાથી કરવું એ એમનાં જીવન પરથી જ શીખી શકાય. સંગીત, પ્રેમ, શૃંગાર, જ્ઞાન, કર્મ, ધર્મ એ દરેકનું તેમનાં જીવનમાં અનેરું મહત્વ હતું. જીવનને તેની શ્રેષ્ઠ કક્ષાએ માણીને એનો પરિત્યાગ કરી શકતાં હતાં કૃષ્ણ.

કૃષ્ણ પરમ સખા હતાં, પરમ પ્રેમી હતાં, પરમ પુત્ર હતાં. કૃષ્ણએ દરેક સંબંધને શ્રેષ્ઠતાથી નિભાવ્યો હતો. એમની દ્રષ્ટિમાં કોઈ ઊંચ કે નીચ ન હતું અને જો હતું તો માત્ર કર્મથી. ગરીબ સુદામા માટે પણ એમનાં હૃદયમાં એટલો જ પ્રેમ હતો કે જેટલો અર્જુન માટે હતો. દુર્યોધન પાસે યુદ્ધ ન થાય એ માટે સંધિ પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર આવ્યાં ત્યારે પણ એમણે દુર્યોધનનાં પ્રેમ ભાવ વગરનાં પકવાન કરતાં વિદુરની પ્રેમભરી ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. એમનાં જીવનમાં પ્રેમ સૌથી ઉચ્ચ સ્થાન પર હતો. પૃથ્વી પરની એમની વિદાય પણ એક સામાન્ય માનવી તરીકે જ થઈ હતી. જે કર્મોનાં બંધનો સામાન્ય મનુષ્યે સ્વીકારવા પડે છે એ જ કર્મોનાં બંધનો એમણે પણ સ્વીકાર્યા હતાં દરેકને માટે ઉદાહરણરૂપ બનવા. પોતે સામાન્ય મનુષ્યથી પર છે એવો વ્યવહાર એમણે ક્યારેય કર્યો નહોતો.

કોઈને કદી કૃષ્ણનો પ્રેમ અધુરો લાગ્યો જ નથી. એમનાં જીવનમાં રહેલ દરેક વ્યક્તિને એમણે સંપૂર્ણતાથી જ પ્રેમ કર્યો છે. એ પછી રાધા હોય કે રુકમણી, અર્જુન હોય કે સુદામા, ઉદ્ધવ હોય કે પછી ગોપીઓ. કૃષ્ણ એટલાં પ્રેમમય હતાં કે એમની આજુબાજુની સમગ્ર સૃષ્ટિ પ્રેમમય બની જતી. રાધા-કૃષ્ણની સાથે યમુનાનાં નીર, વૃંદાવનનાં વૃક્ષો, ફૂલો, પક્ષીઓ, ગાયો બધું જ પ્રેમમય બની જતું. કૃષ્ણ એટલે આકર્ષણ. કૃષ્ણથી કોઈ આકર્ષાયું ના હોય એવું હજુ સુધી સાંભળ્યું કે જોયું નથી. શૃંગાર એમને પ્રિય હતો. પગથી માથાં સુધી એ સુંદર અને આકર્ષક હતાં. દ્વાપર યુગમાં સૌથી બેસ્ટ હેન્ડસમ મેનનો એવોર્ડ આપવાનો હોય તો કૃષ્ણ સિવાય બીજા કોઈને એ ના મળી શકે. એ સરસ મઝાનું મોરપીંછ સોનેરી પાઘડીમાં ખોસેલું હોય, ગળામાં ફૂલોની માળા ધારણ કરી હોય, પીળી ધોતી પહેરીને ત્રિભંગી અવસ્થામાં ઉભા હોય, વાંસળીને પોતાના અધરો પર મૂકી હોય અને એ વાંસળીના સૂરોથી ગોપીઓના હૈયાનાં તાર જોડતા કૃષ્ણનો જોટો જડવો મુશ્કેલ છે.

મારી દ્રષ્ટિએ કૃષ્ણ ગુલાબના ફૂલ સમાન હતાં, જેઓ કાંટાઓ ભરી જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પ્રેમની સુવાસ ચારે તરફ ફેલાવતા રહયાં હતાં.