જિંદગીની રમત Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગીની રમત

*આ જિંદગી એમ જ જીવાતી જાય છે*

આમ જ રોજ સવારની સાંજ થાય છે, તેમ છતાં,

આ જિંદગી એમ જ જીવાતી જાય છે,

સપનાઓનાં બોજ તળે એમ જ કચડાતી જાય છે, તેમ છતાં,

આ જિંદગી એમ જ જીવાતી જાય છે,

જીવવું જોઈએ મન ભરીને પણ,

મન મારીને જ જીવાતી જાય છે, તેમ છતાં,

આ જિંદગી એમ જ જીવાતી જાય છે.

આજનું કાલ અને કાલનું આવતીકાલ જ થતું જાય છે,તેમ છતાં,

આ જિંદગી એમ જ જીવાતી જાય છે.

પોસ્ટપોન કરતા કરતા જિંદગી જ પોસ્ટપોન થતી જાય છે, તેમ છતાં,

આ જિંદગી એમ જ જીવાતી જાય છે.

કોઈને કરેલ વાયદાઓ ચૂકી જવાય છે તો ક્યારેક

કોઈને આપેલાં વચનો તુટી જાય છે, તેમ છતાં,

આ જિંદગી એમ જ જીવાતી જાય છે.

સવારને સાંજ તો રોજ થાય છે, પણ

જિંદગીની સવાર કયાં થાય છે...!!!

જીવવાની દોડમાં આ જિંદગી જીવવાનું જ ભુલાતું જાય છે, તેમ છતાં

આ જિંદગી એમ જ જીવાતી જાય છે.

*ઝાંઝવાના જળ*

ઝાંઝવાના જળ વચાળે પાણી ક્યાં મળે છે?

મૃગજળની મમત પાછળ તો માત્ર માયા જ મળે છે,

હોય છે જેની ઝંખના એ વ્યક્તિ જ ક્યાં મળે છે?

મળી જાય વ્યક્તિ તો પણ સાચો પ્રેમ જ ક્યાં મળે છે?

ઇન્દ્રધનુષનાં રંગો પર હોય છે હક માત્ર આકાશનો,

નદીના જળમાં તો માત્ર એનો આભાસ જ મળે છે,

જીંદગી આખી ખર્ચી નાંખે છે લોકો મારા તારા પાછળ,

અંતે તો છેવટે હાથમાં રાખ જ મળે છે.

*જિંદગીની રમત*

મંજિલ ન શોધનારાઓને

રસ્તો ક્યાં જડે ?

કોઈક વાર મળી જાય રસ્તો તો પણ,

ક્યારેક મંજિલ પણ ક્યાં મળે છે?

જિંદગીની રમતમાં ખોવાઇ જાય છે રસ્તાઓ,

સંતાકૂકડી રમતાં રમતાં ભુલાઈ જાય છે રસ્તાઓ,

ક્યારેક આંખ મિચોં જરા ત્યાં જ,

જડી જાય છે રસ્તાઓ,

હસતાં રહો જિંદગીની રમતમાં,

રમતા રહો જિંદગીની રમત,

કેમ કે,

ફરી ફરી આ જિંદગી જ ક્યાં મળે છે...?

*દોસ્ત*

ખીલેલી વસંતનું સરનામું એટ્લે દોસ્ત,

ટહુકામાં ગુંજતું કોઈ નામ એટ્લે દોસ્ત,

ખડખડાટ હાસ્ય પાછળનું કારણ એટ્લે દોસ્ત,

મલકાતાં મુખડા પાછળનું રહસ્ય એટ્લે દોસ્ત,

પાનખરની ઉદાસીમાં સ્મિત લાવે એટ્લે દોસ્ત,

શરદનાં થનગાટમાં હૈયું ધબકાવે એટ્લે દોસ્ત,

હાથમાં તાલી આપી તાલ પૂરાવે એટ્લે દોસ્ત,

વિના કારણે યાદ આવતો ચહેરો એટ્લે દોસ્ત,

મસ્તીમાં ગણગણાતું કોઈ ગીત એટ્લે દોસ્ત,

જેની હસ્તી ના ભુલાય એવી કોઈ હસ્તી એટ્લે દોસ્ત.

*એક મઝાનું ફૂલ*

ના કોઈ અવાજ, ના કોઈ જાહેરાત,

શાન્તિની સમૃદ્ધિમાં ખીલ્યું છે આજ,

એક મઝાનું ફૂલ ઊગ્યું છે આજ,

પ્રકૃતિની ખોળે ખીલ્યું છે આજ,

ખુશ્બુ ફેલાવી મ્હેક્યું આજ,

એક મઝાનું ફૂલ ઊગ્યું છે આજ,

એકે એક કળી ખોલી છે આજ,

સોળે કળાએ ખીલ્યું છે આજ,

એક મઝાનું ફૂલ ઊગ્યું છે આજ,

ભમરાઓને બોલાવતું આજ,

વાતો સંગે કરવા કાજ,

એક મઝાનું ફૂલ ઊગ્યું છે આજ,

ગુલાબી ફૂલ ખીલ્યું છે આજ,

હવા ગુલાબી કરવા કાજ,

બે હૈયાને ભેગા કરવા આજ,

એક મઝાનું ફૂલ ઊગ્યું છે આજ.

*શમણાંઓનું શહેર*

મારું શમણાંનું શહેર કંઇક એવું હોય,

જયાં ઉમંગ-ઉલ્લાસનો વૈભવ હોય,

અને ખુલ્લા દિલના માનવી હોય,

જયાં પ્રેમ પારાવાર હોય,

અને સ્નેહનાં સંબંધો હોય,

જયાં લાગણીઓના મેળા હોય,

અને સપનાઓનાં વાવેતર હોય,

જયાં દિલોની દિવાળી હોય,

અને ભોળા હૃદયના માનવી હોય,

જયાં બંગલાઓનાં બદલે ઘર હોય,

અને ઘરમાં સુખ અને શાંતિ હોય,

જયાં ચકલી ચીં ચી કરતી હોય,

અને મોર અને કોયલ ટહેંકતાં હોય,

જયાં ચોખ્ખી ચણાક શેરી હોય,

અને પરોઢમાં થતી ભજન ફેરી હોય,

જયાં સાચા દિલના માનવી હોય,

જે નીતિથી પ્રામાણિક હોય,

જયાં રામ-રહીમ સાથે રહેતાં હોય,

તહેવારો સંગ ઉજવતા હોય,

મારું શમણાંનું શહેર કંઇક આવું હોય...

*એક વૃક્ષ*

એક વૃક્ષ ઉભું છે મુજ પાસ,

ચૂપચાપ, નિઃશબ્દ,

કંઇ જ ના કહેતું,

છતાં પણ,

ઘણું બધું કહી જાય છે મને,

પવનમાં ફરફર કરતાં એનાં પાંદડા,

હવામાં લહેરાતી એની ડાળીઓ,

પવન ના હોય ત્યારે બધું જોયા કરે છે,

કંઇ પણ બોલ્યા વગર,

છતાં પણ,

ઘણું કહી જાય છે મને,

કે, સુખમાં લહેરાતા રહો સદા,

પણ દુઃખમાં બધું જોયા કરો,

કશી ફરિયાદ કર્યા વગર,

એ વૃક્ષ,

દિવસ-રાત, ટાઢ-તાપ-વરસાદ સહન કરે છે,

ચૂપચાપ બધું સહન કરે છે,

કશુંય બોલ્યા વગર,

છતાં પણ,

ઘણું કહી જાય છે મને,

કે, જીવનના ટાઢ-તાપ સહન કરો,

કોઈ ફરિયાદ કર્યા વગર,

પરંતું, બીજાને તો આપો,

માત્ર, તમારી શીતળ છાયા.

*આત્મીય મિત્ર*

એક એવો આત્મીય મિત્ર મળે,

જે ભલે અંતરથી નજીક ના હોય,

પરંતું જે મારા આત્માની નજીક હોય,

જેના હૃદયના સ્પંદનો મારા અંતરના સ્પંદનોને જગાડતાં હોય,

જેની નજર માત્રથી મારુ હૈયું એનાં ધબકારા ચૂકી જતું હોય,

જેનાં વિચાર માત્રથી હું એનાં મય બની જતી હોઉં,

જેનાં સ્મિત પર મારુ દિલ પર ફિદા થઇ જતું હોય,

જેનો સહવાસ સતત મારું મન અને હૃદય જંખતું હોય,

જેનાં હોવાથી મારા અસ્તિત્વનો અર્થ સરતો હોય,

જેનાં ખભે માથું રાખીને હું જીવનની બધી વેદના ભૂલી જતી હોઉં ને,

એ મારા ખભા પર માથું ઢોળીને હળવોફુલ બની શક્તો હોય,

એક એવો આત્મીય મિત્ર મળે જેને મળીને,

મારું જીવન એને સમર્પિત કરવાનું મન થઇ જતું હોય,

*અદ્રશ્ય પ્રેમ*

તારો અદ્રશ્ય પ્રેમ મને મોગરાની જેમ મહેકાવી જાય છે,

એ કોમળ ફૂલોની સુગંધ મારામાં ભરતો જાય છે,

આંખોથી મન અને મનથી હૃદયમાં તું સોંસરવો ઉતરી જાય છે,

તારી એક જ ઝલક માત્ર હજારો સપનાઓ ખીલવી જાય છે,

તારા એ સપનાઓમાં ખોવાઇ જવું મને ગમે છે,

તારા એ પ્રેમમાં ભીંજાઇ જવું મને ગમે છે.

હવાની જેમ તું મારી બાજુમાંથી પસાર થઈ જાય છે,

એ હવાની લહેરખી મને દિલથી તડપાવી જાય છે,

મારા શ્વાસોમાં હળપળ તું જ વહે છે

ને આ હૈયે હંમેશા તું જ વસે છે.

તારી સુગંધથી તારી યાદો મહેંકી જાય છે,

ને તારી યાદો મને મજબૂર કરી મૂકે છે તારી વાટ જોવા માટે,

આ હોઠ ને હૈયું તને મળવા આતુર છે,

તારી બની તારામાં ખોવાઇ જવા,

એકમેકમાં ઓગળી જઈ એક બની જવા...

*હાથમાંથી સરકતી જતી આ જીંદગી*

હાથમાંથી જેમ રેત સરકે એમ જીંદગી સરકતી જાય છે,

શ્વાસોની આ ઘડી હાથમાંથી છટકતી જાય છે,

સંબંધો જે હૈયે ધબકતા રાખ્યાં છે,

એ છૂટતાં જતા જણાય છે,

પ્રેમ જે શ્વાસોમાં ભરી રાખ્યો છે,

એ ઓછો થતો જણાય છે,

સ્મરણો જે દિલમાં સંઘરી રાખ્યાં છે,

એ અદ્રશ્ય થતાં જણાય છે,

મીઠાં સપના સમી આ જીંદગી,

આંખોથી ઓઝલ થતી જણાય છે.

***