ખેલ... (ભાગઃ૧) Natver Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેલ... (ભાગઃ૧)

ખેલ

ભાગ-

નટવર મહેતા

ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો.

આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોકરીના શરૂઆતના વરસોમાં એ અઘરું હતું. પણ સમય જતા એઓ સમજી ગયા કે એમણે એવી નોકરી સ્વીકારી છે કે જેમાં કાયમી નોકરી પર હોય એવું લાગ્યા કરે. શિવાંગી સાથે લગ્ન થયા બાદ એમને ખ્યાલ આવ્યો કે જીવન જીવવાની રીત બદલવી પડશે. એઓ જીવનમાં સંતુલન શીખ્યા શિવાંગી પાસે. પણ આ સંતુલન હમણાં હમણાં ખોરવાય ગયું હતું….ફક્ત એક કેસને કારણે…અજય ખન્ના ખૂનકેસને કારણે…!!

અજય ખન્ના ‘ખન્ના ગૃપ ઑફ ઈંડસ્ટ્રીસ’ના સર્વેસર્વા હતા. ખન્ના ગૃપનો છેલ્લા દશબાર વરસોમાં હરણફાળ વિકાસ થયો હતો. અજય ખન્ના મૂળ તો લખનૌના હતા. એમની શરૂઆત થઈ હતી ભિંવડીથી એમની ખન્ના વીવિંગ પાવર લુમ્સની હારામાળાથી…! ધીરે ધીરે એમણે ટેક્ષટાઈલથી શરૂઆત કરી અન્ય ઉદ્યોગમાં ઝંપલાવ્યું અને આજે તો મુંબઈ અને પરા વિસ્તારમાં ખન્ના કન્સ્ટ્રક્શન, ખન્ના ડાયમંડસ્, ખન્ના સુપર બીગ બઝાર…વગેરે વગેરે ધંધાઓ ધમધમતા હતા. આવા ખન્ના સામ્રાજ્યના સ્વામી એવા અજય ખન્નાના કોઈએ બેરહમીથી રામ રમાડી દીધા હતા.

‘ઈંસપેક્ટર અનંત…’ કમિશ્નર રિતેષ દેશમુખના શબ્દો ઈ. અનંતના મનમાં ગુંજ્યા રાખતા હતા, ‘અજય ખન્ના કેસ હવે તમને સોંપવામાં આવી રહ્યો છે. યુ સી. ઈટ ઈસ અ વેરી હાઈ પ્રોફાઈલ કેસ. કેસમાં ઘણા ગૂંચવાડા ઉભા થયા. અને આઈ એમ નોટ હેપી વિથ વિજય! અજય ખન્નાની બોડી આઈ મીન સ્કેલેટનને ગટરમાંથી મળ્યાને ય એક મહિનો પુરો થવા આવવાનો. ને વ્હોટ વી હેવ…!! ફ્યુ નેઈમ્સ…એસ અ સસ્પેક્ટ…!! ધેટ્સ ઈટ…!! વિ આર લાઈક ઓન ધ ડેડ એંડ…!! હોમ મિનિસ્ટ્રીમાંથી પણ પ્રેસર વધી રહ્યું છે…અને યસ્ટરડે આઈ ટોલ્ક્ડ ટુ સીએમ…!! હિ વોંટ સમ રિઝલ્ટ…!!’

સબ ઈંસ્પેક્ટર વિજય વાઘમારે પહેલાં અજય ખન્ના કેસનું ઈન્વેસ્ટીગેશન કરતા હતા. ખન્ના ખૂન કેસ બહુ ગૂંચવાય ગયો હતો; ચૂંથાઈ ગયો હતો. અને એક પોલીસ અધિકારીના હાથમાંથી બીજાના હાથમાં તબદીલ થવાથી એમાં ગૂંચ વધી હતી. ખન્નાકેસની શરૂઆત થઈ હતી એક કિડનૅપ કેસ તરીકે…!! અપહરણ થયું હતું અજય ખન્નાનું આજથી દોઢેક વરસ પહેલાં. દશમી જુન ૨૦૦૭ના રોજ એક ફોન આવ્યો. વિકી ખન્નાએ એ ફોન રિસિવ કર્યો. વિકાસ ઉર્ફે વિકી ખન્ના અજય ખન્નાનો નાનો ભાઈ…ફોન પર સીધો સાદો સંદેશો: અજય ખન્ના અમારા કબજામાં છે. જો જીવતા છોડાવવા હો તો દશ ખોખા એટલે દશ કરોડ રૂપિયા તૈયાર રાખો. પોલીસને જાણ કરી તો અજય ખન્નાકો ટપકા દેંગે…! સમજા ક્યા…??

હવે…!? વિકાસ ખન્ના ત્રીસેક વરસનો ફુટડો યુવાન. અજયનો એકનો એક નાનો ભાઈ. એ ડરી ગયો.

-ભાઈસાબ કો કિસીભી તરહ સે બચાના ચાહીએ!!

અજયને વિકી ભાઈસાબ કહેતો. એણે એક નાદાની એ કરી કે એણે કોઈને ય ભાઈસાબના અપહરણની વાત ન કરી. અરે! એની પ્યારી ભાભી ગરિમા ખન્નાને પણ જરા જાણ ન થવા દીધી. ભાઈસાબ કિસી કામસે દિલ્હી જાને વાલે થે.. મિનિસ્ટ્રીસે કામ નિકલવાના હૈ એમ કહી ભાભીને પણ અજાણ રાખ્યા.

પૈસાનો તો કોઈ સવાલ ન્હોતો. ચારેક કલાકમાં તો પૈસાની વ્યવસ્થા કર્યા બાદ એ બીજા ફોનની રાહ જોવા માંડ્યો. પોલીસને જાણ કરી ભાઈસાબની જિંદગી એ ખતરામાં મૂકવા માંગતો ન્હોતો. થોડા સમય પહેલાં જ કોલકાતામાં પણ બિઝનેસ ટાયફૂન નિર્મલ ચેટરજીનું પણ આમ જ કિડનૅપ થયેલું. એના સગાવ્હાલાઓએ પોલીસની મદદ લીધેલ ને નિર્મલની લાશના રેલ્વેના પાટા પરથી ટૂકડે ટૂક્ડા મળેલ. ના, પૈસા કરતા ભાઈસાબની જાન વ્હાલી. પોલીસ પર વિકીને વિશ્વાસ ન્હોતો. પોલીસને જાણ કરી ભાઈસાબના મોતને એ નોતરું મુકવા માંગતો ન્હોતો. અરે!! ગયા મહિને જ ખટાઉશેઠની પણ કોઈએ ગેમ બજાવી દીધેલ. ચાલતી ગાડીએ જ વીંધી નાંખેલ…!! મુંબઈ પોલીસને ક્યા કિયા?? કુછભી નહિં…!! આ ભાઈલોગ ક્યારે શું કરે કહેવાય નહિ…!!

-રોકડા તૈયાર હૈ…?! રાત્રે એક વાગે ફરી ઘરની લેંડલાઈન રણકી. ધ્રૂજતા અવાજે વિકીએ વાત કરી. ભાઈસાબ સાથે એક વાર વાત કરવા માટે વિનવણી પણ કરી. પણ સામેથી બે કોથળામાં રોકડા ભરી તૈયાર રાખવાનો આદેશ મળ્યો. સ્પોટ માટે દશ મિનિટમાં જણાવવામાં આવશે. બીજી કોઈ વાત ન થઈ ને ફોન તરત કટ થઈ ગયો. વિકીએ પૈસા બેગમાંથી કોથળામાં ભર્યા. ને એ કોથળાઓ એની લેંડરોવરમાં મૂકી આવ્યો. એક પળ પણ એ ખોવા માંગતો ન્હોતો.

[caption align="aligncenter"

width="470"]

mukesh-mill-spot[/caption]

- મુકેશ મિલ…!! આઠમી મિનીટે ફરી ફોન આવ્યો, મુકેશ મિલ…કોલાબા..!! રાતકો ઢાઈ બજે…!! કિસીકો સાથ મત લાના…!! કિસીકોભી નહિ…સમજે ક્યા..!? મિલકે કમ્પાઉન્ડ કે અંદર એક કમરા હૈ. રાઇટ સાઈડમેં…!! ઉસકા દરવાજા નીલે રંગ કા તૂટા હુઆ હૈ..! ઉસમેં દોનો કોથલે છોડ કે પતલી ગલીસે નિકલ જાનેકા…!! મુડકે દેખના ભી નહિ…! અજય ખન્ના સુબહ આ જાયેંગે…!! સમજા ક્યા…?? જરાભી ગલતી કી તો તુમેરે ભૈયાકી ગેમ બજા ડાલેંગે…!!

વિકીએ બરાબર એમ જ કર્યું. ચુપચાપ. વરસોથી બંધ પડેલ અવાવરુ મુકેશ મિલના સુમસામ વેરાન કમ્પાઉન્ડમાં તૂટેલ લીલા રંગના દરવાજા વાળા ઓરડામાં રૂપિયાથી ઠાંસોઠાંસ ભરેલ બે કોથળાઓ એ ધબકતે હ્રદયે મૂકી આવ્યો. આખી રાત એ જાગતો રહ્યો. સવાર થઈ…!! બપોર પડી…!! સાંજ થવા આવી…!! ને ભાઈસાબનો કોઈ પત્તો ન્હોતો…!! સેલ પર રિંગ કરી તો આઉટ ઑફ એરિયા…!! હવે…એ ગૂંચવાયો…!! મૂંઝાયો…!! ભાભી ગરિમાજીને વાત કરી. ભાભીએ તો તરત હૈયાફાટ રુદન જ શરૂ કરી દીધું!! વધુ રાહ જોવી કે કેમ એની પણ વિચારણા થઈ. મિત્રો સાથે એણે મિટિંગ કરી. ભાઈસાબને એ કંઈ થવા દેવા માંગતો ન્હોતો. છેવટે પોલીસને જાણ કરવાનું નક્કી થયું.

વિકીએ ઉપરની સર્વે વાતો પોલીસને કરી.

ત્યારે અંધેરી મુખ્ય પોલિસથાણાના પોલીસ ઓફિસર હતા હેમંત આમટે.

ઇન્સ્પેક્ટર આમટેએ પહેલાં તો વિકીને જ બરાબર ખખડાવ્યો. એણે પોલીસને જ પહેલાં જણાવવું જોઈતું હતું. પોલીસ પાસે જ પ્રથમ આવવું જોઈતું હતું. રાતોરાત પોલીસ સક્રિય થઈ. મુકેશ મિલ પર તુરંત ડોગ સ્કોવડ્ મોકલવામાં આવી. પણ દશમીએ જુને પડેલ સીઝનના પહેલા ધોધમાર વરસાદે સર્વે નિશાનીઓ…ગંધ વગેરે દૂર કરી દીધેલ…!! કૅનલ ટીમ નિષ્ફળ ગઈ. મુકેશમિલની આજુબાજુ ફેરિયાઓ, ટેક્ષીવાળા-રિક્ષાવાળા સર્વને રાઉન્ડઅપ કરવામાં આવ્યા. એમની કાળજીપુર્વકની ઊલટતપાસ લેવામાં આવી. એક ટેક્ષીવાળાએ રાત્રે વિકીની લેંડરોવર જોયેલ એ જણાવ્યું પણ બીજી કોઈ ચહલ પહલ એના ધ્યાનમાં આવી ન્હોતી અને તોફાની વરસાદી રાતને કારણે ઘરાકી મંદી હોય એ ઘરે જતો રહેલ. આમ પણ મુકેશમિલની આસપાસ રાત્રે નીરવ શાંતિનું સામ્રાજ્ય હોય છે. અલબત્ત, એક વાર જ્યારે એ મિલ ધમધમતી હતી ત્યારની વાત અલગ હતી. કોલાબા વિસ્તારના છૂટક ટપોરીઓની સામૂહિક ધરપકડો કરવામાં આવી. પણ એઓએ કોઈ માહિતી ન આપી.

એ દિવસે અજય ખન્નાની ઘરે આવેલ ફોનની પ્રિંટ આઉટ મેળવવામાં આવી. એમાંથી જાણવા મળ્યું કે બે ફોન પબ્લિક ફોનબુથ પરથી થયા હતા. ત્રણે ફોનના લોકેશન અલગ. એક નવી મુંબઈમાં આવેલ મૉલમાં ગોઠવેલ પબ્લિક કોનથી. બીજો શાંતાકૃઝ એરપોર્ટના બૂથ પરથી. ત્રીજો અને છેલ્લો ફોન કે જેમાં મુકેશમિલનું સ્પોટ બતાવેલ એ થોડો શંકાસ્પદ હતો. એમાં ઈંટરનેશલ ફોન થયાનું જણાતું હતું પણ લોકેશન મળતું ન્હોતું. મોટેભાગે ફોન કાર્ડનો ઉપયોગ થયાની શંકા થતી હતી. અને ફોનનું ઉદ્ગમ સ્થાન નક્કી કરવું મુશ્કેલ હતું! ભારતીય સંચાર નિગમની વધુ મદદ લેવામાં આવી પણ એમાં કંઈ સ્પષ્ટ માહિતી મળતી ન્હોતી. ફોનની હકીકત પરથી એવો નિષ્કર્ષ નીકળતો હતો કે સ્થાનિક ગેંગની સાથે સાથે આંતરરાષ્ટ્રિય કનેક્શનો જોડાયેલ હોય શકે. બે દિવસ પછી અજયની સફેદ એસ્ટીમ બોરીવલી નેશનલ પાર્કના પાર્કિંગ લોટમાંથી મળી આવી. એની પણ બરાબર તપાસ કરવામાં આવી. પરંતુ એમાંથી કોઈ પણ દિશાસૂચક પરિણામ ન મળ્યું! કારમાં એમની, વિકીની કે એમના ડ્રાયવરની જ ફિંગરપ્રિન્ટસ્ મળી. કોઈ અજાણી નિશાની કે ફિંગરપ્રિન્ટસ્ ન મળી. એ દિવસે એઓ પોતે જ ડ્રાઈવ કરેલ. ડ્રાયવર તો ગરિમા ખન્ના સાથે આખો દિવસ રોકાયેલ હતો.

એ અઠવાડિયાના અજયના દરેક પ્રોગ્રામ, મિટિંગસ્, એપોઈંટમેંટની વિગતો એકત્ર કરવામાં આવી. અજય ખન્ના બહુ સક્રિય રહેતા હતા. એમની એક એક મિનિટનો હિસાબ મળ્યો. એ ઘરે આવવા નીકળ્યા ત્યારે જ એમનું અપહરણ કરવામાં આવ્યું હોય એમ લાગતું હતું. પણ ક્યાં થયું હોય એની જાણ થઈ શક્તી ન્હોતી. એ દિવસે અજય ભિવંડી ખાતે એમની ખન્ના પાવર લુમ્સની મુલાકાતે ગયા હતા. આખો દિવસ ત્યાં રોકાયા હતા. કંઈ યુનિયનનો મામલો હતો. ત્યાં એમની સાતસો લુમ્સ કાર્યરત હતી અને બે હજારથી વધુ કામદારો એમની ખન્નાગૃપ ઓફ બેઝિક ટેક્ષટાઈલમાં કાર્યરત હતા.

દિવસો પસાર થતા હતા.

અજય ખન્નાનો કોઈ સુરાગ મળતો ન્હોતો. પૈસા આપવા છતાં પણ એ આમ ગુમ થયા એ વધુ આશ્ચર્યજનક અને અણધાર્યું હતું. થોડા દિવસ ટીવી ચેનલ અને સમાચારપત્રોને કાગારોળ મચાવી. પોલીસને માથે માછલા ધોવામાં કંઈ બાકી ન રાખ્યું. પોલીસ પણ જાણે અંધારાંમાં તીર ચલાવી રહી હોય એમ લાગતું હતું! અગાઉ કોઈએ પણ અજય ખન્ના પાસે પ્રોટેક્ષન મની કે ખંડણીની ઉઘરાણી કરી ન્હોતી. જો કરી હોય તો ખન્નાબંધુઓએ એ છુપાવી પણ હોય. કારણ કે, આવી વાતો કોઈ પોલીસને સામાન્ય રીતે જણાવતું નથી. જરૂર એવું કંઈક થયું હોવું જોઈએ કે અજય ખન્નાને ખતમ કરી દેવા સિવાય કિડનેપર પાસે કોઈ ઉપાય ન હોય. કદાચ, એઓ કિડનેપરને ઓળખી ગયા હોય તો પણ કિડનેપરે કાંટો કાઢી નાંખ્યો હોય. અજય ખન્ના પચાસેક વરસના હટ્ટાકટ્ટા તંદુરસ્ત વ્યક્તિ હતા. એમનું અપહરણ કરવામાં આવે તો એઓ જરૂર પ્રતિકાર તો કરે જ. એમ થયું હોય અને એમાં કંઈ આડુંઅવળું થયું હોય અને એમણે જાન ખોયો હોય એવી પણ શક્યતાઓ હતી. દરેક હોસ્પિટલને એમના ફોટાઓ મોકલવામાં આવ્યા. કોઈ લાવારિસ લાશ મળી આવે તો વિકી દોડી આવતો.

છ મહિના પસાર થઈ ગયા.

અજય ખન્નાની કોઈ માહિતી ન મળી. વિકીએ ખન્ના ગૃપનો કારોબાર ધીરેધીરે બરાબર સંભાળી લીધો. પણ પોલીસની કાર્યવાહીથી એ ખૂબ ખફા હતો. ખન્ના બંધુઓની ઘણી વગ હતી રાજકારણમાં કે પછી કોઈ અન્ય કારણ હોય ઈંસ્પેક્ટર હેમંત આમટેની બદલી થઈ ગઈ સોલાપુર…!! અને અજય ખન્ના કિડનૅપ કેસ સોંપાયો ઈ. વિજય વાઘમારેને…!! વાઘમારે સક્રિય થયા. ખન્ના જે રીતે કિડનૅપ થયા એ પરથી વિજયને યાકુબ યેડા એન્ડ કંપની પર વધુ શક જતો હતો. યાકુબ યેડા બેંગકોકથી એના ઓપરેશન પાર પાડતો હતો. મોટેભાગે કિડનૅપ કરી પૈસા મેળવતો. આ ઉપરાંત એ મુંબઈના બિલ્ડરો, બાર માલિકો અને ઝવેરીઓ પાસે નિયમિત ખંડણીના પ્રોટેક્ષન મની મેળવતો. હવાલા મારફતે એના નાણાં બેંગકોક અને દુબઈ પહોંચતા. હમણાં એવી માહિતી આવી હતી કે દુબઈની ડી-કંપની સાથે એને અણબનાવ થઈ ગયો હતો. ખાસ તો ડી-કંપની જે રીતે હવે ટેરેરિસ્ટ સાથે જોડાય હતી એ કારણે યાકુબ યેડાએ ડી-કંપની સાથે ધીમે ધીમે સંબંધો કાપી નાંખવા માંડ્યા હતા. યાકુબને પકડવો અઘરો હતો કારણકે એ પોતે સીધો ચિત્રમાં આવતો નહિ. એની ટીમનો એક ખેલાડી હતો સુભાષ સુપારી. સાયન-કોલીવાડાનો સુભાષ સુપારી. ફાંદેબાજ… લુચ્ચો.. કાતિલ…અને લોમડી જેવો ચતુર…!! સુભાષની વગ રાજકારણમાં પણ ખરી. એના છોકરાઓને એ છ મહિના કે વરસથી વધારે અંદર થવા દેતો નહિ. ઈ. વિજયને લાગતું હતું કે સુભાષ સુપારી ખન્નાકેસમાં સંડોવાયેલ હોવો જોઈએ. એની સાથે બેઠક થવી જરૂરી હતી. પણ સુભાષને એમ હાથમાં આવે એમ ન્હોતો. એને સપડાવવો જરૂરી હતો.

ઈ. વિજય આ સિવાય બીજી અન્ય થિયરીઓ પર પણ વિચારતા હતા. અજય ખન્નાના અપહરણ પાછળ ઘરના કે ખન્ના ગૃપના કોઈ પણ વ્યક્તિનો પણ હાથ હોય શકે. ખન્નાની જે રીતે પ્રગતિ થઈ એ કોઈની ખૂંચતી હોય અને એણે અપહરણ કરાવી પૈસા મેળવી એમનો કાંટો કાઢી નાંખ્યો હોય. ખન્ના ગૃપ ઘણું મોટું હતું.

કોણ…? કોણ…?? કોણ…?!

અજય ખન્ના નિઃસંતાન હતા. એમના ચાલ્યા જવા બાદ સહુથી વધારે ફાયદો કોને થવાનો હતો?

-એમની પત્ની ગરિમાદેવીને…!

-ત્યારબાદ વિક્રમને…!! વિકી ખન્નાને….!!

વિકી ખન્ના કુંવારો હતો. પાર્ટી એનિમલ હતો. જ્યાં સુધી અજય ખન્ના જીવતા હતા ત્યાં સુધી તો એ ખન્ના ગૃપમાં બહુ સક્રિય ન્હોતો…!! રોજ એ ફક્ત અડધો દિવસ ખન્ના ટાવરની એની ઑફિસમાં આવતો ત્યારબાદ તો એ એનો સમય ક્યાં તો પબ, બિયર બાર કે ડિસ્કોમાં અથવા તો રૅવ પાર્ટીમાં જ પસાર થતો. એના આવી પ્રવૃત્તિથી એના પ્યારા એવા ભાઈસાબ એનાથી થોડા ખફા ખફા રહેતા એવું જાણવા મળેલ. વિકી અજય ખન્નાના ગુમ થયા બાદ ગંભીર બની ગયો હતો. જાણે રાતો રાત એનું પરિવર્તન થઈ ગયું હતું. ઈ. વિજય વાઘમારેએ અજયની પર્સનલ સેક્રેટરી મિસ પિંટો સાથે ઘણી વાતો કરી. મિસ પિંટો અજયની એક એક પળનું આયોજન કરતી. ઈ. વિજયે સીધે સીધું મિસ પિંટોને પુછેલ: અજય અને વિકીને કેવું બનતું? કદી વિકીએ..

‘નો…વિકી ઈસ કાઈંડ અ પ્લેબોય…!! બટ નો…!! હિ લવ્સ બોસ..!! વો અપને ભાઈસાબ કો ખુદાસેભી જ્યાદા ચાહતા હૈ…!!’ મિસ પિંટોએ ઈ. અજયની વાત તરત જ કાપી નાંખેલ. પણ મિસ પિંટો કંઈ પોલીસ ઓફિસર ન્હોતી. ખન્ના ગૃપની એક કર્મચારી હતી. ઈ. વિજયે મિસ પિંટો સાથે વધુ સમય પસાર કરવાનું નક્કી કર્યું. કારણ કે ખન્ના ગૃપના કોઈ કર્મચારીઓનું પણ આ કારસ્તાન હોઈ શકે. એ માટે મિસ પિંટો જેવો માહિતીનો સ્રોત બીજો કોઈ હોય ન શકે.

મિસ પિંટો પાસે એક અન્ય રસપ્રદ માહિતી એ મળી કે ખન્ના ગૃપમાં પાંચેક વરસથી યુનિયનની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. એ કારણે ખન્ના ગૃપને તકલીફ પડી હતી. ગઈ દિવાળીએ તો વીસ ટકા બોનસ માટેની યુનિયનની માંગણી સંતોષવી પડી હતી. એ ઉપરાંત દર વરસે દરેક કર્મચારીઓને નિયમિત પગાર વધારાની માંગણી સાથે સાથે મેડિકલ એલાઉન્સ અને રજાઓમાં વધારાની માગણીઓ તો ઊભી જ હતી અને ગમે ત્યારે હડતાળ તોળાઈ રહી હતી. અપહરણ થયેલ એ દિવસે અજયની મિટિંગ યુનિયન લીડર બાબુ બિહારી સાથે હતી. બાબુ બિહારી ખન્ના વિવિંગ્સમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. બાબુની જબાનમાં જાદુ હતું. નેતૃત્વની એક આગવી કળા હતી. મુળ ઝારખંડનો હતો. ન જાણે એ કેટલા સમયથી ભિવંડી રહેતો હતો અને જ્યારથી અજયે નાના પાયે લુમ્સની શરૂઆત કરી ત્યારથી જ એ ખન્ના ફેમિલી સાથે સંકળાયેલ. જેમ જેમ ખન્ના બંધુઓના ધંધાનો વિકાસ થતો ગયો એમ એમ બાબુ બિહારીનો હોદ્દો પણ વધતો રહ્યો. બાબુએ પેટમાં પેસીને પગ પહોળા કર્યા હતા અને ખન્ના ઈન્ડ્રસ્ટીસમાં યુનિયનની સ્થાપના કરવામાં એ સફળ થયો હતો. અજય ખન્નાએ એને બહુ સમજાવ્યો હતો કે યુનિયનબાજી બંધ કરે. પૈસાની, ઘરની લાલચ આપી હતી. ધમકી પણ આપી હતી! પણ બાબુ એકનો બે ન થયો. એને લીડર બનવું હતું. વળી એને દત્તા સાવંતનો સાથ હતો. દત્તા સાવંત અખિલ ભારતીય મજદૂર સંગઠનના સર્વે સર્વા હતા. લાખો મજદુરો એમના નામે મરવા તત્પર રહેતા. દત્તાએ જ બાબુ બિહારીનો હાથ પકડ્યો હતો. એને દોર્યો હતો. દત્તા સાવંત અખિલ ભારતીય મજદૂર સંગઠનમાં રેલ્વે, મુંબઈ-બેસ્ટ, ટેક્ષી-રિક્ષા ડ્રાવયર એસોશિયેસન વગેરે જોડાયેલ હતા અને દત્તાએ એમાં વધારે ને વધારે યુનિયનો જોડાવાની જાણે એક ઝુંબેશ ઉપાડી હતી. એ દિવસની બાબુ બિહારી સાથેની મિટીંગમાં દત્તાજી પણ હાજર રહેવાના હતા પણ એમને અચાનક કોલકાતા જવું પડેલ એટલે એ હાજર રહી શક્યા ન્હોતા. મિટીંગમાં બાબુ સાથે ઘણી ચણભણ થઈ હતી. અને કોઈ નિર્ણય લેવાયો ન્હોતો. આમ છતાં અજય ખન્ના અને બાબુ બિહારી બન્ને આજય ખન્નાની ગાડીમાં જ મુંબઈ આવવા નીકળ્યા હતા. આ વાત મિસ પિંટોએ કહી ત્યારે ઈંસપેક્ટર વિજય વાઘમારેને દાળમાં કંઈક કાળું દેખાયું હતું.

‘બાબુએ રજાઓ મૂકી હતી.’ મિસ પિંટોએ કમ્પ્યુટરના મોનિટર પર નજર કરી કહ્યું, ‘બાબુ કો જાના થા ધનબાદ. એની ફ્લાઇટ સાંતાક્રુઝ પરથી હતી. એટલે એ બોસ સાથે એમની ગાડીમાં જ મુંબઈ આવ્યો હતો. એ દિવસે જ અજય ખન્નાનું અપહરણ થયું હતું.’

ઈંસપેક્ટર વિજય વાઘમારે એ વાત નોંધી લઈ અગિયારમી જુનની ધનબાદ જતી ફ્લાઈટના પેસેંજરોની યાદી મેળવી. બાબુ બિહારી જેટ એરવેઈઝની સવારની છ પચાસની ફ્લાઇટ નંબર 9W2153 મારફત કોલકાતા ગયાનું જાણવા મળ્યું.

-તો શું બાબુ બિહારી આ ખેલનો ખેલાડી હતો? અહિં સ્થાનિક ગેંગને કામ સોંપી એ ધનબાદ પહોંચી ગયો હોય??

-રેન્સમ મની દશમી જુને મુકેશ મિલમાં છોડવામાં આવ્યા હતા. બીજે દિવસે એટલે અગિયારમીએ બાબુ બિહારી કોલકાતા ગયો હતો. શું એની સાથે પૈસા હતા?

એણે બે બેગો ચેક-ઈન કરી હતી.

-એ બેગમાં શું હતું?

બાબુને શોધવા માટે ચક્રો ગતિમાન થયા. કોલકાતા સુધી પગેરું મળતું હતું. ત્યારબાદ બાબુ હવામાં ધુમ્રસેર ભળે એમ ગાયબ થઈ ગયો હતો. એ ધનબાદ એના ઘરે પહોંચ્યો જ ન્હોતો. એના બુઢાં મા-બાપે તો બાબુને વરસોથી જોયો ન્હોતો.

ત્યાંથી બીજી માહિતી એ મળી કે બાબુનો ભાઈ સુબોધ બિહારી ઝારખંડ મુક્તિ મોરચાનો આગળ પડતો કાર્યકર હતો અને હવે નેક્સલાઈટ બની ગયો હતો. એના નામની ધાક બોલતી હતી ઝારખંડમાં. ઝારખંડ પોલીસને પણ એની તપાસ હતી. ગરીબ આદિવાસીઓમાં સુબોધ બિહારી ઘણો જ પ્રિય હતો. એ કારણે એને પોલીસ શોધી શકતી ન્હોતી. એ અમીર જમીનદારોને, વેપારીઓને લૂંટી એમાંના પૈસા ગરીબોમાં વહેંચી દેતો. એટલે એ સુબોધ ‘સહાય’થી ઓળખાતો.

-તો શું બાબુ સુબોધને પૈસા પહોંચાડતો હતો એની નેક્સાલાઈટ પ્રવૃત્તિ માટે…

-સુબોધને આદિવાસીઓનો પુરો સાથ હતો. એ કારણે જ એ પકડાતો ન્હોતો. એની પાસે વફાદાર માણસોની ટોળી હતી. હથિયાર હતા. ગામડામાં આવેલ જમીનદારોને એઓ લૂંટતા. એવું પણ જાણવા મળ્યું કે સુબોધે થોડા દિવસમાં જ આધુનિક હથિયારોનું મોટું કંસાઈનમેંટ મેળવ્યું હતું.

-એના પૈસા ક્યાંથી આવ્યા?

વિકી ખન્ના જ્યારે તક મળતી ત્યારે પોલીસની નાકામી પર ઝેર ઓકતો રહેતો. વળી એણે એના બડે ભૈયાને શ્રદ્ધાંજલિ રૂપે એક બ્લોગ શરૂ કર્યો હતો. જેના પર એણે વિજય ખન્નાની જીવન ઝરમરની સાથે સાથે એને લાગતા શંકાસ્પદ વ્યક્તિઓની છણાવટ અને પોલીસની કુથલી એ કરતો રહેતો અને એના મિત્ર વર્તુળમાંથી એને વિવિધ કોમેંટ્સ મળતી. એ કારણે અખબારોને અને ટીવી ચેનલોને પણ મસાલો મળી રહેતો હતો.

અજય ખન્નાના કોઈ સગડ મળતા ન્હોતા. બાબુ બિહારી સાવ ગુમ થઈ ગયો હતો.

વિકીએ એના ભાઈની કોઈપણ માહિતી માટે પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું.

બાબુ બિહારીને શોધવા માટે રેડ કૉર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી. આકાશ પાતાળ એક કરી નાંખવામાં આવ્યા હતા. દરેક એરપોર્ટ, રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેશનો પર અને પુરા ઝારખંડમાં બાબુ બિહારીના ફોટાઓ પહોંચાડવામાં આવ્યા. આમ મુખ્ય શકમંદ હતો બાબુ બિહારી. હવે એ સાવ અદૃશ્ય થઈ ગયો હતો. ઝારખંડની પોલીસનો સહકાર મળતો ન્હોતો. આ આખું ઓપરેશન પાર પાડવાની બાબુની ઓકાત ન્હોતી એ સ્વાભાવિક હતું.

-એને કોણે મદદ કરી?

-શું એના ભાઈ સુબોધ સહાય અને એની ટોળકી મુંબઈ આવી હતી આ કિડનૅપ માટે?

સુબોધ સહાયની પણ કોઈ માહિતી મળતી ન્હોતી. એનો ફોટાઓમાં પણ ઘણી વિવિધતાઓ જોવા મળતી હતી. વેશ પરિવર્તનમાં એ પાવરધો હતો. સ્થાનિક રાજકારણીઓનું પણ એને બેકઅપ રહેતું હતું તો પોલીસને એ બન્ને હાથોમાં રમાડતો હતો.

દિવસો પસાર થઈ રહ્યા હતા. અજય ખન્ના કિડનેપ કેસ ઘણો જ ગૂંચવાય ગયો હતો. ઈ. વિજય વાઘમારેની દશા મા મને કોઠીમાંથી કાઢ જેવી થઈ ગઈ હતી. વિકી ખન્નાને પણ પોલીસની કામગીરીથી ભારે અસંતોષ હતો. હોમ ડિપાર્ટમેન્ટમાં એની વગ વધી હતી. શાસક પાર્ટીને એણે ચૂંટણી ભંડોળમાં ખાસ્સું ડોનેશન આપ્યું હતું. હોમ મિનિસ્ટરે પણ હવે સીધો ખન્ના કેસમાં સીધો રસ લેવા માંડ્યો હતો. અને એ કારણે પોલીસની કાર્યવાહી પર પણ અસર થતી હતી. વિકીએ વિજય વાઘમારેના હાથમાંથી કેસ લઈ બીજા કોઈ કાર્યદક્ષ ઑફિસરને સોંપવા માટેનું દબાણ વધારવા માંડ્યું હતું. ઈ. વાઘમારેની તકલીફ વધી રહી હતી. વિજય ખન્નાના દુશ્મનોની એક યાદી બનાવવામાં આવી. એમાં એક નામ ધ્યાનાકર્ષક હતું રાજીવ રાહેજાનું! રાજીવ અને અજય ખન્ના એક વાર કન્સટ્રક્ટશન બિઝનેસમાં સાથે હતા. એક હાઈરાઈઝ બિલ્ડિંગના ફ્લૅટ ના વેચાણ સમયે બન્ને વચ્ચે મનદુઃખ થયું જે એમના વિભાજનમાં પરિણમ્યું અને રાહેજાએ ‘રાહેજા ડેવલપર’ નામે અલગ કંપની શરૂ કરી. રાહેજા ખન્નાને કપરો સમય આપતા. કારણકે એઓ ખન્નાની દરેક ચાલ સમજતા અને રાહેજા ડેવલેપરે ખન્ના કન્સટ્રક્ટશનના ઘણા સોદાઓ પડાવી લીધા હતા. તો ખન્નાએ રાજીવ રાહેજાને ધંધામાં ખતમ કરી દેવાની ધમકી આપી હતી. શું એ ધમકીનો અમલ થાય એ પહેલાં જ રાહેજા ગૃપે અજયને પતાવી દીધા…? એવું પણ જાણવા મળ્યું કે બાબુ બિહારી ગુપ્ત રીતે રાજીવ રાહેજાને મળતો હતો. એમની સલાહ લેતો હતો. આ બાબુ બિહારીએ ઘણા છેડાઓ એવા છોડ્યા હતા કે જેનો અંત મળતો ન્હોતો અને હવે બાબુ બિહારી જ ગુમ થઈ ગયો હતો.

(...તો હવે ખેલ કેવો કેવો ખેલાયો જાણવા વાંચો ભાગ બે...ને ખેલ ખેલો..

***