Kaalratri - 15 books and stories free download online pdf in Gujarati

કાળરાત્રી-15

( આપણે આગળના ભાગમાં લેખકે બુનાના કેમ્પમાં જોયેલા કેટલાક જાહેર ફાંસીના હૃદય દ્રાવક અનુભવો વાંચ્યા. હવે, આગળ વાંચો...)

ઉનાળો પૂરો થવામાં હતો. યહુદીઓનું નવું વર્ષ આવવાની તૈયારીમાં હતું. વર્ષના છેલ્લા દિવસે સમગ્ર કેમ્પમાં એક અજંપો અને ચિંતાનું વાતાવરણ હતું. શું અમારા બધા માટે આ વીતી ગયેલું વર્ષ છેલ્લું વર્ષ હતું ? શું અમે આવતા નવા વર્ષનો છેલ્લો દિવસ નહોતા જોઈ શકવાના ? આ પ્રશ્નો બધાના મનમાં હતા.

વર્ષના છેલ્લા દિવસે અમને ખાસ જાડું સૂપ આપવામાં આવ્યું. અમારા માંથી કોઈએ તેને હાથ પણ ન લગાવ્યો. અમે બધા પેહલા પ્રાર્થના કરવા માંગતા હતા. બધા હાજરી માટેના, કાંટાળા તારોથી ઘેરાયેલા મેદાનમાં ભેગા થયા. દરેક બ્લોક માંથી કેદીઓ ધીરે ધીરે આવવા લાગ્યા. યુરોપના અલગ અલગ ખૂણાઓ માંથી અહીં લાવવામાં આવેલા અમે સૌ એક હોવાનો અનુભવ આ માનવસર્જિત આફત વચ્ચે પણ કરી રહ્યા હતા.

તે મેદાન પર ઉભા ઉભા હું મનમાં ક્રોધ સાથે ભગવાન વિશે વિચારી રહ્યો, "હે, ઈશ્વર, તું શું છે ? આ ભયગ્રસ્ત, ગુસ્સાથી ભરેલા અને હતાશ ટોળા સામે તું શું છે ? તેમની યાતનાઓમાં તારી ભવ્યતા મને કેમ નથી દેખાતી ? તું શા માટે આ બધા થાકેલા અને દુઃખી લોકોના ઘવાયેલા મગજ તથા સડી રહેલા શરીરો સાથે રમત રમી રહ્યો છું ? "

આશરે દસેક હજાર કેદીઓ પ્રાર્થના માટે ભેગા થયા હતા. ઓફિસરો અને આગની ભઠ્ઠીમાં લોકોને ફેંકવાનું કામ કરવાવાળા જ્લ્લાદો પણ તેમાં સામેલ થયા.

"હે, ઈશ્વર તારું નામ હંમેશા કાયમ રહે..."

બધાને સંબોધી રહેલા કેદીનો અવાજ વાતાવરણમાં ગુંજ્યો.

"ઈશ્વર અમે સૌ તારી કૃપાની યાચના કરીને તને યાદ કરીએ છીએ..."

હજારો લોકો નીચા નમીને પ્રાર્થના કરવા લાગ્યા.

ઈશ્વરને યાદ કરીએ ? શા માટે હું તેને યાદ કરું ? મારા સમગ્ર અસ્તિત્વના દરેક અણુએ તેની સામે બંડ પોકાર્યું. હું તેને યાદ કરું કેમ,કે તેણે હજારો બાળકોને આગના હવાલે થવા દીધા ? હું તેને યાદ કરું કેમ,કે તેના કારણે જ કેમ્પમાં છ આગની ભઠ્ઠીઓ દિવસ રાત નિર્દોષ લોકોને જીવતા બાળવાનું કામ કરી રહી છે ? તેણે જ બીરકેનાઉં, ઓસચવિત્ઝ, બુના અને તેમના જેવા બીજા કેમ્પોને બનવા દીધા.

હું, અમારી બધાની, આ યાતના ભોગવવા માટે તેણે કરેલી પસંદગી માટે તેનો આભાર માનું ? હું શા માટે તેને યાદ કરું ?

મેં સ્ટેજ પરથી પ્રાર્થના બોલી રહેલા કેદીનો અવાજ કાંપતો હોય તેમ અનુભવ્યું, જાણે તે રડી રહ્યો હોય. તે સ્ટેજ પરથી અમને બધાને જોઈ રહ્યો હશે. થોડીવાર પછી પ્રાર્થના વચ્ચે તેના ડૂસકાંઓ સ્પષ્ટ સંભળાવા લાગ્યા.

"આ પૃથ્વી અને બ્રહ્માંડ ભગવાનના બનાવેલા છે."

થોડી થોડી વારે તે અટકતો. શબ્દો જાણે તેના ગળામાં અટવાઈ જતા હોય તેમ લાગતું હતું. તેને પોતાને કદાચ એ પ્રાર્થનામાં વિશ્વાસ ન હતો.

અને હું, ભૂતકાળનો ધાર્મિક છોકરો, વિચારી રહ્યો કે ભગવાને એડમ અને ઇવને આજ્ઞા ન માનવા માટે સજા કરેલી. તેને નોહાના સમયમાં ગુસ્સે થઇ ને આખી પૃથ્વી ડૂબે તેવું પૂર મોકલેલું. તેણે ભૂતકાળમાં પાપીઓનો નાશ કરવા અનેક પરચાઓ બતાવ્યા હતા. તેણે આ બધું પોતાનામાં ન માનનાર વિરુદ્ધ કરેલું.

અહીં ઉભેલા હજારો કેદીઓએ તેનો શું ગુનો કર્યો હતો ? શા માટે અમને આ સજા મળી રહી હતી? છતાં આ હજારો લોકો તેનામાં વિશ્વાસ રાખીને તેની જ પ્રાર્થના કરતા ઉભા હતા.

હું પેહલા તેની પ્રાર્થના કરતો. જાણે આખી દુનિયાના અસ્તિત્વનો ભાર મારી પ્રાર્થના પર રહેલો હોય તેમ પ્રાર્થના કરતો પણ હવે હું પ્રાર્થના નોહતો કરતો. હવે, હું ફરિયાદી હતો અને ભગવાન આરોપી. મારી આંખો ખુલી ચુકી હતી. હું આ ભગવાન, દયા અને પ્રેમ વગરની દુનિયામાં એકલો હતો. મારા અસ્તિત્વમાં માત્ર રાખ જ બચી હતી. હું પેહલા કરતા વધારે મજબૂત થયો હતો. મારુ જીવન હવે ભગવાન નામની કોઈ અદ્રશ્ય તાકત સાથે નોહતું જોડાયેલું.

પ્રાર્થના પુરી થતા અમે બધા પોત પોતાના બ્લોકમાં પોહચ્યાં. બધા એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપી રહ્યા હતા.

મને મારા પિતા યાદ આવ્યા. મારે તેમને નવા વર્ષની શુભેચ્છા આપવાની બાકી હતી. હું તેમને શોધવા લાગ્યો. તેઓ એક ખૂણામાં દીવાલને ટેકો દઈને ઉભા હતા. હું તેમની પાસે ગયો. મેં તેમનો હાથ ચૂમ્યો અને નવા વર્ષની શુભેચ્છા આપી. મેં તેમના હાથ પર ગરમ આસુંઓ પડતા અનુભવ્યા. એ મારા આંસુ હતા કે તેમના તેનો મને ખ્યાલ ન આવ્યો. તેઓ કદાચ મારી મા અને બહેનો વિશે વિચારી રહ્યા હતા.

સુવા માટેની ઘંટડીએ અમને પાછા વર્તમાનમાં લાવી દીધા. મેં મારા પિતાના ચહેરા તરફ નજર કરી. મેં તેમના ચેહરા પર કોઈ ભાવ શોધવાનો પ્રયત્ન કર્યો પણ તેમના ચેહરા પર કોઈ ભાવ નોહતો.

યહૂદીઓના નવા વર્ષ પછી અમારા માટે ઉપવાસનો એક દિવસ આવે છે. આ દિવસે બધા ફરજીયાત ઉપવાસ કરે છે. કેમ્પમાં આ દિવસે ઉપવાસ કરવો કે નહીં તેના વિશે ચર્ચા થઇ. ઉપવાસનો મતલબ હતો મોતને વધુ નજીક બોલાવવું. અમે બધા ખુબ જ અશક્ત હતા. અમે ફરજીયાત ઉપવાસ ઉપર જ હતા. અમને ભાગ્યે જ ભરપેટ ખાવા મળતું. જે લોકો ઉપવાસ કરવાના પક્ષમાં હતા તેમની દલીલ એમ હતી કે આપણે ભગવાનને એવું બતાવવું જોઈએ કે અમે તારામાં, આટલા કષ્ટો પછી પણ, વિશ્વાસ ધરાવીએ છીએ.

મેં ઉપવાસ ન કર્યો. ઉપવાસ ન કરવાના બે કારણ હતા. એક તો મારા પિતાએ ના પાડી હતી. બીજું કારણ એ હતું કે હું હવે ભગવાનમાં માનતો નહોતો. મને અમારી યાતનાઓ વિષે તેનું મૌન અકળાવતું હતું. મેં રોજની જેમ જ મારું ભોજન કરીને ભગવાન સામે વિદ્રોહ કર્યો.

નવા વર્ષમાં એસ.એસ.એ અમને એક નવી ભેંટ આપી. એક દિવસ જયારે અમેં રોજના મજૂરીકામ પરથી પાછા ફર્યા ત્યારે જલદી જલદી હાજરી લેવામાં આવી. જલદીથી બધાને સૂપ આપવામાં આવ્યો. મને હવે મારા પિતાથી અલગ બ્લોકમાં રાખવામાં આવ્યો હતો. મારી કામ માટેની ટુકડી પણ બદલાઈ ગઈ હતી. હું હવે બાંધકામ માટેની ટુકડીમાં હતો, જેમાં મારે બાર કલાક પથ્થરો ઉંચકવાનું કામ કરવું પડતું.

તે દિવસે હાજરી અને જમવામાં થયેલ ઉતાવળનું કારણ પછી ખબર પડી. તે દિવસે ભઠ્ઠી માટે પસંદગી થવાની હતી.

પસંદગીની પ્રક્રિયા બહુ સરળ હતી. એક જર્મન ઓફિસર અમારી ચકાસણી કરતો. તે શારીરિક રીતે સૌથી નબળા કેદીઓના નંબર નોંધતો. નોંધાયેલા કેદીઓને આગની ભઠ્ઠીમાં જીવતા ફેંકી દેવામાં આવતા.

સૂપ પીધા પછી અમે અમારા બ્લોકમાં ભેગા થયા.

જુના કેદીઓ અમને કેહવા લાગ્યા," તમેં બધા નસીબદાર છો. બે વર્ષ પેહલા આ કેમ્પ નર્કથી પણ બદતર હતો. ભાગ્યે જ જમવાનું મળતું. ધાબળાઓ અને પલંગની અછત હતી. અમે કડકડતી ઠંડીમાં જમીન પર નગ્ન અવસ્થામાં સુઈ રહેતા. દર અઠવાડીયે ભઠ્ઠી માટે પસંદગી થતી. એસ.એસ.ના સૈનિકોને દરરોજ અમુક સંખ્યામાં કેદીઓને મારવાનો લક્ષ્યાંક આપવામાં આવતો. આખો દિવસ કાળી મજૂરી કરવી પડતી. તમે બધા સાચે જ ખુબ નસીબદાર છો."

"આ પરિસ્થિતિને તમેં સારી કહો છો ?" હું બોલ્યો.

"તને બીક લાગે છે ને છોકરા ? અમને પણ લાગતી..." એક કેદી હસીને બોલ્યો. તેઓ યાતનાઓ સહીને રીઢા થઇ ગયા હતા.

વૃદ્વ કેદીઓ બીકના માર્યા ખૂણામાં ઉભા ઉભા પ્રાર્થના કરી રહ્યા હતા. તેમની ભઠ્ઠી માટે પસંદ થવાની શક્યતા વધુ હતી. થોડા જ કલાકોમાં અમારા માંથી કોણ જીવશે અને કોણ નહિ, તેનો નિર્ણય થવાનો હતો.

મને અચાનક મારા પિતાનો વિચાર આવ્યો. તેઓ કેમ્પમાં આવ્યા પછી ખુબ જ અશક્ત થઇ ગયા હતા. તેમની ઉંમર જાણે દસ વર્ષ વધી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું. મને તેમની ચિંતા થવા લાગી.શું તેઓ પસંદગીની પ્રક્રિયા માંથી બચી જશે ? આ સવાલના કારણે હું પરેશાન થઇ ગયો.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED