Antar aag - 5 books and stories free download online pdf in Gujarati

અંતર આગ

અંતર આગ

5 - કમાટી બાગ

પ્રદીપ તેના ભૂતકાળની જેમ જ ઘેરથી નીકળી વિશ્વામિત્રી નદીને કિનારે આવેલા 'કમાટી બાગ' માં ગયો. ખબર નઇ તે પોતાનું મન હળવું કરવા માટે આ મુગ્ધ કરી મુકતા સ્થળે ગયો હશે કે પોતાની યાદો તાજી કરીને પોતાનો પ્રેમ વધુ ગાઢ કરવા માટે ગયો હશે પણ તેના ચહેરાની ફિક્કાસ, બેનૂર આંખો, સુક્કા પડી ગયેલા હોઠ અને દિવસોથી ધ્યાન ન અપાયેલા તેના વાળ અને દાઢી સ્પષ્ટ પણે કહી રહ્યા હતાં તે આલિયાને આ જન્મમાં ભૂલવા નહોતો માંગતો.

હવે એ સુંવાળા હાથ સહેલાવવાના નથી એટલે પ્રદીપના વાળ જાણે સજીધજીને તૈયાર થવાનું ભૂલી ગયા હતા. તેના ગાલ જાણે હવે એ હોઠોના સ્પર્શ મળવાનો નથી એટલે દાઢી સાથે દુશ્મની ભૂલી ગયા હતા. તેની આંખો જાણે હવે એ મધુર સ્મિત અને અતિ મધુર્યવંતો ચહેરો જોવાની નથી એટલે ફિક્કી પડી ગઈ હતી. પણ પ્રદીપ પિતાજીનું મન રાખવા માટે ત્યાં જતો. અને આજે પણ એ ત્યાં ગયો હતો. તેની નજર છોડ ઉપર ઊગી નીકળેલા ફૂલો પર ગઈ જે કરમાઈને નીચે પડેલ ફૂલોને કહી રહ્યા હતા કે તમારો સમય હવે પૂરો થયો.

"તું શું બનીશ? તારું ડ્રિમ શુ છે પ્રદીપ?"

"બેશક તું જ મારું સપનું છો આલિયા." પ્રદીપે આંખોથી આંખો મેળવીને કહ્યું.

"અરે એમ નઇ....." આલિયા હસી પડી "સિરિયસલી બોલ."

"ટુ બી એ ગ્રેટ બિઝનેસમેન."

"હં.... ગુડ. અને પ્રદીપ તું મને રોજ આજ બાગ માં કેમ લાવે છે?"

"તને ફૂલ ગમે છે ને આલિયા અને આ બાગમાં ઘણા ફૂલો છે એટલે." પ્રદીપે ફૂલોને સ્પર્શ કરતા કહ્યું.

"સો સ્વીટ, અને હા રોજ આમ રોઝની જેમ સ્વીટ રહેવાનું. હા રોઝ પરથી યાદ આવ્યું તને કયું ફૂલ ગમે છે?"

ઠંડો પવન વહેતો હતો ફૂલોના છોડ આમતેમ નમીને જાણે એ બંને નું સ્વાગત કરતા હતા.....!

"આ બાગ ના હજારો ફૂલોમાં તું મને સૌથી વધારે ગમે છે!" પ્રદીપ ના જવાબને જાણે વહેતો પવન બધા ફૂલો પર ફેરવીને એમની ખુશ્બૂ સાથે લઈને આલિયા સુધી પહોંચ્યો હોય એમ આલિયા નો ચહેરો ખીલી ઉઠ્યો..... ખરેખર ફૂલોની ખુશ્બૂ થી પણ વધારે મહેંક એના જવાબમાં હતી!

"ઓહો તો મિસ્ટર બાગબાન તમે ફૂલોને કેટલા સાચવો છો એતો આવનારો સમય જ કહેશે....." આલિયા એ એક કરમાઈને પડેલ ફૂલને ઉઠાવી પ્રદીપના હાથમાં મૂક્યું "ફૂલો જેટલા સુંદર હોય છે એમના નસીબ એટલા જ ખરાબ હોય છે પ્રદીપ. કોઈ મસળી દે, કોઈ એમને ચૂંટી લે કે પછી સમય એમને કરમાવી દે છે....."

અચાનક માળીએ ચાલુ કરેલ ફુવારાના પાણીથી પ્રદીપ યાદોમાંથી બહાર આવ્યો. તેને મનોમન થયું હું આલિયાને ખરેખર પણ સાચવી શક્યો નઈ, અને સાચે જ એક ફૂલની માફક તેને ટૂંક સમયમાં સમય ભરખી ગયો.....!!!

કેમ? શા માટે? કઈ રીતે? શુ કુદરતને મારો પ્રેમ મંજુર નહતો ? શુ એ મારા નસીબમાંજ નહતી? જો મારા નસીબ ખરાબ હતા તો એની સાથે કેમ એવું થયું? શુ અમારું અલગ પડવું લખાયેલું હતું ? તો પ્રકૃતિ અમને બીજી રીતે પણ અલગ કરી શકોત ને ? કેટલાય પ્રેમીઓ શંકા કુશંકાને લીધે પણ અલગ થાય છે ને? શુ અમારી એકબીજા માટેની લાગણીઓ એટલી પ્રબળ હતી કે શંકા અમારી વચ્ચે પગપેસારો કરી શકે એમ ન હતી? પણ કુદરત પાસે તો બીજા હજાર રસ્તા હોય માત્ર મૃત્યુ જ કેમ? કે પછી પ્રકૃતિ બધા રસ્તાઓ આજમાવી ચુકી હશે અને હારીને આ પગલું લીધું હશે ? તો આલિયા જ કેમ? ભાગ્ય મારો જીવ પણ લઇ શકી હોત ને? કે પછી આ અમારા પ્રેમની કસોટી છે? શું મારા આંસુ મારી આ વેદના વ્યથા એને પાછી લાવશે ? શુ ઈશ્વરે કંઈક જુદું જ વિચાર્યું હશે?

પ્રદીપ વિચારોમાં ક્યારે બાગ બહાર નીકળ્યો એ પણ ખબર ન રહી. વિચારોનો વંટોળ વધુને વધુ ઉગ્ર થતો ગયો, વધુને વધુ મોટું સ્વરૂપ ધારણ કરતો જ ગયો. પ્રદીપે અસહ્ય વેદનાથી બંને હાથે પોતાનું મસ્તક પકડ્યું અને જાણે સાંજે કોઈ ફૂલ કરમાઈને ઢળી પડે એમ તે ઢળતા સૂરજની સાથે ઢળી પડ્યો. થોડીવારમાં લોકોનું ટોળું થઈ ગયુ. બધા મદારીના ખેલ જેમ એને જોઈ રહયા.

"દારૂડિયો હશે....."

"ના ના ડ્રગ નો વ્યસની હશે દેખોને મોઢા માંથી ફીણ નીકળે છે....."

ટોળામાંથી અવાજ આવ્યા પણ કોઈ મદદ કરવા આગળ ન આવ્યું. તદ્દન ભારતના દરેક ટોળામાં જે અટકળો થાય એવી જ અટકળો થવા લાગી. અંતે એક હસમુખ યુવતી વહારે આવી તેણીએ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો અને સામેની હોટલથી પાણી લઇ આવી તેને હોશમાં લાવવાની કોશિશ કરી પણ પ્રદીપના આંસુ ની જેમ એ પાણી પણ નિર્થક બની તેના ચહેરા પરથી વહી ગયું....!!!

થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. ડોકટરે બોડી તપાસી પ્રાથમિક સારવાર ત્યાંજ કરી તેને વેનમાં ગોઠવી ડોકટર તેની પાસે જ બેઠા. એમ્બ્યુલન્સ ચાલુ થઈ અને ટોળું જાણે મદારીએ ખેલ સામટી લીધો હોય એમ વિખેરાવા લાગ્યું.

એમ્બ્યુલન્સનું સતત વાગતું હોર્ન, તેની સ્પીડ, ડોક્ટરના ચહેરાના ભાવ અને પ્રદીપનું મંદ મંદ ધબકતું હૃદય તેના ભવિષ્યને એ અપશુકનિયાળ સાંજની જેમ ઝાંખું કરી રહ્યા હતા.....!!!

To be continue…..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED