એહસાસ - 2
પચીસ કિલોમીટર જેટલું હાઈવે પર દોડી મારૂતિ વેને હવે જંગલ નો ઉબડખાબડ રસ્તો પકડ્યો, સફા જાગૃત પણ શૂન્ય અવસ્થા માં નિષ્ક્રિય બેઠી હતી, આવી ગાડી માં એને અને પેલા યુવક ને પણ ફાવટ આવતી નહોતી, એ યુવક નાં ચેહરા પર થી એ અકળાઈ ગયો હોય એવુ લાગતુ હતુ, સફા એ થોડી વાર પહેલા દરવાજો ખોલવાની કોશિશ કરી હતી, પણ પેલા યુવક નો કરડાકી ભર્યો ચહેરો અને ભરાવદાર હાથ ઉઠતો જોઈ પાછો હાથ હટાવી લીધો, હોશ ખોવા પહેલા અને હોશ આવવા પછી એ યુવક કે એનાં સાથી એ કોઈ બેશરમ હરકત કરી નહોતી, એ બાબતે સફા પણ નચિંત થઈ હતી, પણ મામલો શું છે?, એ એની સમજ માં આવતો નહોતો, યુવકે વિન્ડો ખોલી સિગારેટ સળગાવી, સફા એ નાક પર હાથ મૂકી અણગમો દર્શાવ્યો, પહેલી વાર એ યુવક નાં હોઠ પર સ્મિત ફરક્યુ, અને એણે સિગારેટ ફેંકી ગ્લાસ બંધ કર્યો, ડ્રાઈવર બાહોશી થી ખરાબ રસ્તા પર ધીમે ધીમે ખાડા બચાવતો ડ્રાઈવ કરી રહ્યો હતો, લગભગ દસેક કિલોમીટર પછી ફરી વેન ને સારો પાકો રસ્તો મળ્યો, યુવકે આગળ ની સીટ પર થી નાસ્તા ની બેગ લઈ એમાંથી વેફર્સ કાઢી બે પેકેટ સફા ને આપ્યા, એણે ગરદન હલાવી નારાજગી જાહેર કરી..
“ મેડમ, સફર લાંબો છે, હજી ત્રીસ કિલોમીટર આગળ જવાનું છે, થોડો નાસ્તો સારો રહેશે… રિઝવાન, બે ટીન આપ તો કૂલર માંથી.. તું પણ લેજે ” યુવકે ડ્રાઈવર ને ફ્રેન્ડલી લહેજા માં કહ્યુ,
“ જી અરબાઝ ભાઈ ” કહેતા રિઝવાને વેન થોડી ધીમી પાડી, ગિયર બોક્ષ ની આગળ ગોઠવેલા ચોરસ કૂલર માંથી બે ટીન પાછળ આપ્યા, અરબાઝે એક સફા ને આપ્યુ અને એક પોતે પીવા માંડયો, આગળ ચેકપોસ્ટ આવતી દેખાઈ રહી હતી, સફા નું સોફ્ટ ડ્રિંક નું ટીન પુરૂ થતા જ અરબાઝે કલોરોફોર્મ વાળો રૂમાલ એને નાકે લગાડયો, અને ગરદન સીધી કરી સીટ પર ટેકવી દીધી, ચેકપોસ્ટ પર કોઈ ની મજાલ નહોતી કે આ ગાડી ને ચેક કરે પણ સફા બૂમાબૂમ કરે તો વાત કાબૂ બહાર જાય તેમ હતી, અને અરબાઝ ને એ મંજૂર નહોતુ… દાદા નાં હુકમ મુજબ કામ શાંતિ થી કરવાનું હતું, ચેકપોસ્ટ પર તૈનાત પોલીસે વેન ને હાથ લગાડવાનું તો દૂર, ડ્રાઈવર નો ચેહેરો જોઈ હાથ હલાવી આગળ જવાનું ગ્રીન સિગ્નલ આપ્યુ, ચેકપોસ્ટ નું બેરિયર ક્રોસ કરી રિઝવાન પાછળ ફરી અરબાઝ સામે મલકાયો, અરબાઝ ખડખડાટ હસી પડ્યો..
હા, આ એમનો ઈલાકો હતો, આસપાસ નાં પચાસ ગામ સુધી એમની હાક વાગતી, ચકલુંય નવાબ વાહેદ અલી ખાન ની પરવાનગી વગર ફરકી નો’તુ શકતુ, હવે નવાબ તો નો’તા રહ્યા, પણ દબદબો અને જાહોજલાલી એવી જ હતી, અંગ્રેજી રાજ માં આ એક જ ઈલાકો એવો હતો, જે અંગ્રેજ સત્તા ની પકડ થી દૂર રહયો હતો, એ નવાબ અમજદ અલી ખાન ની દુરંદેશી અને શાણપણ નાં પ્રતાપે, ગરીબો નાં બેલી, ઈન્સાફ નાં પ્રતીક ગણાતા આ વંશ માં પરંપરાગત દરેક વારસ જન્મજાત શૂરવીર હતો, લોકશાહી સ્થાપિત થયા પછી પણ નવાબ નો લકબ રહ્યો અને એ લકબ ને સાર્થક કરતા હોય તેમ હમણા સુધી ગામેગામ થી ગરીબ અને દુખિયારી પ્રજા નાં પ્રશ્નો નાં નિરાકરણ માટે બાકાયદા દરબાર ભરાતો, ઈવન કે નવો હોદ્દો ધારણ કરનાર સરકારી અમલદારો પણ નવાબ સાહેબ ની દુઆ અને રહેમ નજર માટે દરબાર માં હાજરી આપતા, સુખ અને એશ્વર્ય નવાબ પરિવાર નાં પગ માં આળોટતુ હતુ, નવી પેઢી નો પહેરવેશ બદલાયો હતો પણ ઠાઠ એ જ હતા..
સારા – નરસા રસ્તા નો અનુભવ લઈ વેન દિવાનગઢ સ્ટેટ માં પ્રવેશી, ટાઉન ની ભવ્યતા આંખો ને આંજી દે તેવી હતી, સફા હમણા જ હોશ માં આવી હતી, અહીં નાં જૂના ખડતલ મકાનો ની સામે શહેર નાં આર. સી. સી. નાં મકાનો ની ચમક ઝંખવાઈ જાય તેવી હતી, બાર-પંદર ઈંચ ગેરૂઆ રંગ ની નક્શીદાર દિવાલો, તોતિંગ દરવાજા, ઝરૂખાઓ પર થી નજર હટવાનું નામ લેતી નહોતી, કિલ્લા નાં તોતિંગ ગેટ સામે વેન ઉભી રહી, સંત્રી એ ગેટ ખોલ્યો, ટાઈમ મશીન નો ઉપયોગ કરી પોતે મોગલો નાં સમય માં પ્રવેશી રહી હોય એવી અનુભૂતિ સફા ને થઈ, ગેટ ની એક્ઝેક્ટ સામે ભવ્ય પેલેસ ની અદ્ભુત નકશી કામ ડૂબતા સૂરજ ની રોશની માં ઝગારા મારતી હતી, પેલેસ ની આસપાસ સારી એવી જગ્યા માં ઠેરઠેર જાતભાત નાં વૃક્ષો હતા, ગેટ ની પેલેસ સુધી જવા માટે પહોળો રસ્તો લાલ-પીળા પત્થર નાં બ્લોક ફીટ કરી શણગારાયો હતો, રસ્તા ની બંને બાજુએ અતિ નયનરમ્ય બાગ રંગબેરંગી ફુલો થી શોભી રહ્યા હતા, પેલેસ ની ડાબી – જમણી બાજુ એ કિલ્લા ની ભારે ભરખમ દિવાલ ને અડી લાઈનબંધ ઓરડા હતા, પેલેસ નો પાછળ નો ભાગ હજી નજરો થી ઓઝલ હતો, આખો કિલ્લો અંદાજે 20 એકર માં વિસ્તર્યો હશે, કિલ્લા નું સંપૂર્ણ બાંધકામ બેનમૂન હતુ..
સફા ને મન માં થયુ, ‘ કિડનેપ થઈ ને જો ન આવી હોત તો, આખી જિંદગી અહીં જ વિતાવી દેત ‘, (એને ક્યાં ખબર હતી કે આખી જિંદગી એણે અહીં જ કાઢવાની છે), એને યાદ આવ્યુ, મમ્મા (સાયમા બેગમ) આવા જ કોઈ રજવાડા ની શહજાદી હતી, મમ્મા – ડેડી નાં લવમેરેજ હતા, મમ્મા એ થોડી ધણી વાતો સંભળાવી હતી પોતાનાં મહાન ખાનદાન ની, પણ એ થોડી વાત માં મમ્મા એટલુ રડેલી કે એણે આગળ સાંભળવાનું લેટ ગો કર્યુ હતુ, નાના – નાની – મામા – માસી વિશે એને હંમેશા જાણવાની જિજ્ઞાસા રહેતી, એ જયારે પણ મમ્મા ને પૂછતી, મમ્મા પોતાનાં ભૂતકાળની વાર્તા ની શરૂઆત રૂઆબભેર કરતી, પણ અધવચ્ચે રડી રડી ને એની હાલત ખરાબ થઈ જતી, એ કારણે છેલ્લા બે વર્ષ થી એણે મમ્મા નો ભૂતકાળ ઉખેળવાનું બંધ કરી દીધુ હતુ, એ વર્તમાન માં જીવવા ચાહતી હતી, હા, એને ભૂતકાળ જાણવો હતો, પણ મમ્મા નાં ભોગે નહિ, એને ગુમાવી ને નહિ..
વેન પેલેસ નાં ચાર મોટા થાંભલા વચ્ચે આવી ને ઉભી રહી, બ્રેક નાં ઝાટકા સાથે સફા વિચારો માંથી બહાર આવી, અરબાઝ નીચે ઉતરી એનાં તરફ ફર્યો, “ ચાલો મેડમ, તમારૂ મોસાળ આવી ગયુ..!” પછી રિઝવાન તરફ ફર્યો, " ગાડી ને બરાબર ધોઈ ને નંબર પ્લેટ બદલી નાખી ગેરેજ માં મૂકી દે, હવે હમણા એનું કંઈ કામ નથી.. સફા ' મોસાળ' શબ્દ પર ચોંકી જરૂર, પણ અરબાઝ નાં રસ્તા માં બોલાયેલા થોડા વાકયો ને કારણે એ કટાક્ષ સમજી..
એક કહ્યાગરી છોકરી ની જેમ એણે ચૂં-ચાં કર્યા વિના અરબાઝ થી થોડુ અંતર રાખી ને પેલેસ ની અંદર પ્રયાણ કર્યુ, બહાર થી વધુ પેલેસ અંદર થી ખૂબસૂરત હતો, પચાસ બાય પચાસ ફૂટ નો મોટો હૉલ, બંને તરફ નકશીદાર હાથા વાળી રજવાડી ખુરશી ઓ લાઈનબંધ ગોઠવેલ હતી, સામે છેડે એક સ્ટેજ પર એક ત્રણ ભપકાદાર ખુરશી ઓ હતી, વચ્ચે ની ખુરશી અસલ જુના જમાના ના રાજા ઓ જે સિંહાસન વાપરતા, તેવી જ હતી, અહીં ની એકેએક વસ્તુ સફા ને એટલી પોતીકી અને આત્મીય લાગી રહી હતી કે એને થયુ કે કાશ, આ એનું મોસાળ હોય..! એટલે જ અરબાઝ નો કટાક્ષ એને ગમ્યો હતો, સ્ટેજ અને લાઈનબંધ ખુરશી ઓની વચ્ચે થી નીકળી અરબાઝ જમણી તરફ નાં દરવાજા તરફ ફંટાયો, સફા એ અનુકરણ કર્યુ, એ દરવાજો ખોલી અંદર ગયો અને સફા ને ત્યાં ઉભા રહેવાનો હુકમ કર્યો, બે જ મિનિટ માં પંદર-સોળ જાજરમાન સ્ત્રીઓ એનાં આસપાસ ફરી વળી, બધી એક-એક થી ચડિયાતી હતી, પંદર વર્ષથી લઈ ચાલીસ વર્ષ સુધી ની સ્ત્રીઓ એ ટોળા માં હતી, કોઈ માથે હાથ ફેરવતુ, કોઈ ગાલે વહાલ વરસાવતુ, તો કોઈ આંગળી નાં ટચકા ફોડી બલાઓ ઉતારતુ, મીઠડા લેતુ, એને કહેવાનું મન થયુ, " કિડનેપ થઈ ને આવી છું, અરબાઝ ને પરણી ને નથી આવી !" એને નવાઈ લાગી રહી હતી, એ લોકો ને આવુ બધુ કરતા જોઈ ને, એક વાત એણે ખાસ નોટ કરી, કે બે - ત્રણ સ્ત્રીઓ નાં ફેસ એની મમ્મા ને મળતા આવતા હતા..! મમ્મા નાં સગા તો ન હોય ને આ લોકો? એ આશંકા એ જોર પકડ્યુ, એને આશ્ચર્ય થી તાકી રહેતી જોઈ એક મોટી ઉમર નાં મહિલા આગળ આવ્યા, એનું કપાળ ચૂમ્યુ અને અનહદ પ્રેમ થી બોલ્યા, “ બિલકુલ મારી સાયમા જેવી જ છે… બેટા… આપનુ આમ નવાઈ પામવુ જાઈઝ છે, અમોને ખેદ છે, કે આપને આ રીતે અહીં આવવુ પડ્યુ, પરંતુ આપનાં નાના અબ્બા નવાબ સાહેબ નાં હુકમ સામે અમે મજબૂર છીએ, આ આપની મા નો, આપનો જ મહેલ છે, ઘણા વર્ષો બાદ આ પેલેસ માં ખુશી આવી છે, આપના દીદાર થી અમારી જીવવાની તમન્ના જાગી ગઈ છે…” નવાબી લહેજા માં નવાસી ને આદરપૂર્વક સંબોધન કરતા એ સફા નાં નાની હતા, બીજી બધી આંખો માંથી પણ સફા માટે સ્નેહ નીતરતો હતો..
“ દાદા અબ્બા આપને મેહમાન ને લઈ અંદર બોલાવે છે. ” અરબાઝે અંદર થી આવી સફા ની નાની ને કહ્યુ, “મેહમાન” શબ્દ પર સફા એ મોં ચઢાવી અરબાઝ તરફ જોયુ, પણ ઝાલિમે એક નજર ન જોયુ, નાની અમ્મા પ્યાર થી એનો હાથ પકડી નવાબ સાહેબ નાં શયનકક્ષ તરફ દોરી ગયા..
ક્રમશ..