એહસાસ
ભાગ 8
લાલ રંગનાં દુલ્હનનાં ડ્રેસમાં સજજ સફાએ કાજળઘેરી આંખોમાંથી નીકળતા આંસુને માંડ રોક્યા હતાં, છતા વારેઘડીએ આંખ ભીની થવાનું ચૂકતી નહોતી, બાર દિવસ પૂર્વે બપોરનાં સમયનું અરબાઝનું આગમન એનાં માથે વીજળીની જેમ ત્રાટક્યુ હતું, અરબાઝનાં હાથમાં રહેલ ન્યુઝપેપર અને અરબાઝની સાથે સાથે ઓરડામાં જમાં થયેલ પરિવારજનોનાં મોઢા પર છવાયેલી ગમગીની જોઈ એનું હ્દય ઘેરી આશંકાથી કંપી ઊઠ્યું, સમાચાર પરની નજર હટે તે પહેલા મામીઓ અને કઝીન્સની સહાનુભૂતિ અને નાનીનો પીઠ પર ફરતો હાથ પણ એને બેહોશ થતા ન બચાવી શક્યા, ત્રણ વારની બેહોશી પછી એ ગોઝારા સમાચારને એ પચાવી શકી હતી, ત્યારપછી બેહોશીનું સ્થાન આંસુઓએ લઈ લીધું, જે આજપર્યંત અવિરત ચાલુ હતું, મમ્મા-ડેડીનાં કારક્રેશમાં મૃત્યુનાં સમાચારે એની દુનિયા વીરાન કરી નાખી હતી..
બે દિવસ જૂના ઈડરગઢથી પ્રકાશિત થતા એ ન્યુઝપેપરમાં વચ્ચેનાં પેજ પર એક ભયાનક અકસ્માતનાં ન્યુઝ છપાયા હતા, સમરતપુરથી ઈડરગઢ જતા હાઈવે પર લોડેડ ટ્રકની ખતરનાક ટક્કરથી સી. આર. વી. હોન્ડા કારનાં ફૂરચેફૂરચા ઊડી ગયાનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ દેખાતો હતો, ચાર મૃતકોનાં નામમાં સફાનાં ડેડી-મમ્મા અને બે એનાં માટે અજાણ્યા હતા. કોઈ સ્વજનને ગુમાવ્યાનું દુખ એ જ જાણી શકે, જેણે ગુમાવ્યા હોય, પોતીકાની અચાનક વિદાયનો રંજ ઘેરી અસર છોડી જાય છે. મા-બાપ સાથે વિતાવેલ બાવીસ વર્ષની અગણિત પ્રેમાળ ક્ષણો રહીરહીને સાંભરી જતી હતી, છતા મૃત્યુ પામનારની પાછળ કોઈ મરી નથી જતું, વિરહ અને વિષાદ સાથે પાછળ રહેલા સ્વજનોએ મન મારીને પણ જીવવુ પડે છે, એક નક્કર હકીકત છે. હવે પેલેસવાસીઓ સિવાય એનું આ જગતમાં કોઈ નથી, એ સત્ય એણે મનોમન સ્વીકારી લઈ અરબાઝ સાથે નિકાહ માટે તૈયાર થઈ, કોઈએ એને નિકાહ માટે દબાણ નહોતુ કર્યુ, બધા જ એનાં ગમમાં ભાગીદાર હતા, છતા એ ગમ ભુલાવવો અઘરો હતો એનાં માટે, નાના મામી શેહનાઝમામીની સલાહ હતી નિકાહની, એમનાં શબ્દોમાં, “ગમને ઉડાવવા માટે ખુશીનો છંટકાવ જરૂરી છે, અરબાઝનાં સાંનિધ્યમાં તારી એકલતા અને દુખ બંને દૂર થઈ જશે” ને અનુસરી એણે નવા જીવનનો આરંભ કરવાનો નિર્ણય કર્યો..
***
સમય કયારેય ન કોઈનાં માટે અટક્યો છે, ન અટકશે. દરેક રાત પછી એક નવી સવાર ઊગવાની રાહમાં જ હોય છે, અરબાઝ એક આદર્શ પતિ અને રોમેન્ટિક પ્રિયતમ પુરવાર થયો હતો,પરિપકવ હતો છતા એનાં બનાવટી રમતિયાળપણાથી સફા પોતાનું કામ પણ વિસરી જતી, મમ્મા-ડેડીને ખોવાનું દુખ એ લગભગ ભૂલી ગઈ હતી, હા, એ બંને માટે દરેક નમાઝ પછી દુઆ કરવાનું એ ચૂકતી નહોતી, દોઢ મહિનામાં એ સંપૂર્ણ અરબાઝમય અને અરબાઝ, સફામય થઈ ગયો હતો, અને આજે એક બહુ મોટી ખુશખબરી પણ મળી હતી, પેલેસની બધી સ્ત્રીઓએ સફાનાં વધામણાં લીધા, એનાં ઉદરમાં પ્રેમનું અંકુર રોપાઈ ગયુ હતું, છોકરો આવે તો શહબાઝ અને છોકરી આવે તો સાયમા નામ રાખવું, સફાનાં એ નિર્ણય પર અરબાઝે મંજૂરીની મહોર લગાવી દીધી, દિવસો પાણીનાં રેલાની જેમ પસાર થતા હતા, શાદી પછી એ બંને સતત હનીમૂન મનાવતા જ રહ્યા હતા..! શાદી પછી તરત સ્વિત્ઝરલેન્ડ નવ દિવસ માટે જઈ આવ્યા, બે મહિનામાં બે વિદેશની સફર થઈ ચૂકી હતી, નજીકનાં બે-ત્રણ હિલસ્ટેશન પણ ફરી ચૂક્યા હતા, દર વીકેન્ડ પર આઊટીંગ તો ખરૂ જ, અરબાઝને પણ એની જેમ લોંગડ્રાઈવ ઘણુ ગમતું, ટૂંકમાં અરબાઝ આ સમયગાળામાં એને એકલી જ નહોતો મૂકતો, ધીમે ધીમે સમય પોતાનું કામ કરતો રહ્યો અને અરબાઝનાં પ્રેમાળ સાંનિધ્યમાં એ પોતાનું વ્યકિતત્વ પણ ભૂલી એનામાં એકાકાર થઈ ગઈ, પ્રેગ્નન્સીનાં સમાચાર વાયુવેગે પેલેસમાં ફેલાઈ ગયા, કોઈ વાત પર સફાનું અરબાઝ વિશે પૃચ્છા કરવાથી કઝીન બહેનો પ્રેમથી મુબારકબાદી આપી સાથે ચિડાવી પણ રહી હતી, “ હમણા સુધી શાદી જ નહોતી કરવી અને હવે અરબાઝભાઈ વિના સૂનું લાગે છે”
અરબાઝ દાદા નવાબ વાહેદ અલી ખાનનાં ઓરડામાં એમની સામેની ખુરશીમાં ટટ્ટાર બેઠો દાદાને અવિશ્વાસભરી આંખોથી ટગર ટગર તાક્યા કરતો હતો, દાદાએ જે કહ્યુ હતુ, એ માનવામાં આવતુ નહોતું, દાદા આવું બોલી જ કેમ શક્યા, એક ક્ષણ માટે એને દાદાની માનસિક હાલત પર પણ શંકા ઉપજી..! પ્રતિકારરૂપે ઘણુંબધું કહેવું હતું એને, પરંતુ શબ્દો જીભ પર આવીને અટકી ગયા, ફકત એટલું જ બોલી શક્યો, “ સફા પ્રેગ્નેનન્ટ છે, આ હાલતમાં એને કઈ રીતે ત્યાં છોડું?..”
“ બેટા, આ છેલ્લી વાત અમારી માનો, અમારા બોલ પર ભરોસો કરો, સફા બેટી પાછી અહીં જ આવશે. કામ પુરૂ થવા આવ્યું છે, ચેકમેટનાં સમયે તમે આમ હાથ ઊંચા કરી દો, તે ન ચાલે. અમે બધું ગોઠવી દીધું છે, કાલે તમારી પર ફોન આવશે, તમારા સાસરે જવાની તૈયારી કરો. એક વાત યાદ રહે, તમારે સફાને ગેટ પર છોડી નીકળી આવવાનું છે, પછી એક પણ કોલ એ નંબરનો રિસીવ કરવાનો નથી, દુલ્હન એનાં મા-બાપ સાથે આવશે..!” નવાબનાં બોલવામાં આજીજી, હુકમ અને કડકાઈનું મિશ્રણ હતું, જે અરબાઝને વધુ મૂંઝવતું હતું.. હવે એની પાસે બચાવનાં કોઈ શબ્દો પણ ન હતા, કાલનાં ફોનકોલની રાહ જોવા સિવાય એ કંઈ કરી શકે તેમ પણ નહોતો…
***
શહબાઝ હુસૈને ઘણા પ્રયત્નો કર્યા સફાનાં કિડનેપીંગને ઈડરગઢ પેલેસ સાથે જોડવા માટે સાયમાને સમજાવી જોયા, છેવટે પેલેસમાં સાથે લઈ જઈને પણ શોધી આવ્યા, પરંતુ સફાની સુગંધ પણ નહોતી મળી. સંત્રી મુકેશથી અપમાનિત થઈ પેલેસમાંથી રવાના થયા બાદ પંદર દિવસ સળંગ મુંબઈની પાર્ટી સાથે મિટિંગ, લંચ અને ડિનર પાર્ટીઓ પછી સાયમાને પેલેસમાં લાવવામાં સફળ રહ્યા હતા, આ સમયે પણ પેલા સંત્રીએ અટકાવ્યા તો ખરા જ, પરંતુ સાયમાને કારણે તુરંત પ્રવેશ મળી ગયો હતો. પેલેસમાં સાયમાની એક બહેન, ત્રણ ભાભીઓ, સફાની ઉમરની પાંચ-છ યુવતીઓ, થોડી નાની છોકરીઓ અને નોકરો સિવાય ઘરનો એક પણ પુરૂષ હાજર નહોતો, નવાબ અને બેગમ પણ નહિ..!
પેલેસની મહિલાઓ વરસો પછી સાયમાને ભેટીને ખૂબ રડી, મોટી ભાભીએ નવાબ સાહેબ અને બેગમની સાયમાનાં પેલેસમાંથી ભાગી જવાનાં સમયની હાલત કહેતા ઉમેર્યું, “ અબ્બાજાન માટે આપ મરી ગયા છો, માટે મહેરબાની કરી એમની હાજરીમાં પેલેસમાં પગ મૂકવાની હિંમત નહિ કરતા, એ તો સારૂ છે, આજે બંને બહારગામ ગયા છે, અને આપનાં ભાઈઓ પણ કામ અર્થે બહાર છે, નહિતર અહીંની તસ્વીર અત્યારે કંઈક અલગ જ હોત..!”
સાયમા બેગમે પોતાની તકલીફ અને અહીં આગમનનું કારણ અલગ રીતે રજૂ કર્યુ, “ મારી દીકરી સફાને કોઈ કિડનેપ કરી ગયું છે, અઢી-ત્રણ મહિના થવા આવ્યા, કોઈ પત્તો નથી, અમે અબ્બાજાનની માફી માંગી એમની મદદ લેવા આવ્યા છીએ”. જવાબમાં મોટી ભાભીએ કહ્યું, “ અબ્બાજાન આટલા વર્ષો પછી આપને માફ કરે એ શક્ય નથી, બની શકે… આપ બંને પરનાં ગુસ્સાને કારણે તેઓ આપની દિકરીને શોધીને એને પણ નુકસાન પહોંચાડે! અહીંથી બહાર નિકળી જીવતા રહેશો તો આપ એને શોધી શકશો, પરંતુ એમની પાસે મદદ માંગવાની ભૂલ ન કરતા, એમનાં સ્વભાવથી આપ સારી રીતે પરિચિત છો. ”
પોતાનાં મા-બાપને મૃત માની એક લાડકી પેલેસની વહુ બની એનાં મનનાં માણીગર સાથે હનીમૂન મનાવવા ગઈ છે, એ વાતથી સદંતર અજાણ એ દંપતી ઘોર નિરાશ થઈ ચૂક્યા હતા, વિધિની વક્રતા કહો કે નવાબનાં ગોખાવેલ અને ભાભીનાં મુખથી બોલાયેલ ધમકી સમા એ બોલથી બંનેએ બીજી વાર પેલેસમાં પગ ન મૂકવાનો નિર્ણય કર્યો.. જો કે એ નિર્ણય બહુ જલ્દી તૂટવાનો હતો..!
પોલીસ સ્ટેશનનાં ચક્કર કાપવા વિના હવે કોઈ કડી શહબાઝ પાસે હતી નહિ, જેનાં થ્રુ એ તપાસ કરી શકે! પેલેસની મુલાકાતને પણ ત્રણેક મહિના જેવો સમય વિતી ગયો, બસ, હવે તો કુદરતનાં સહારે બધું છોડી દીધું હતું,બપોરે પોણા ત્રણ વાગ્યે ફાઈલોનો અતિવ્યસ્ત કાર્યક્રમ પડતો મૂકી ઘરેથી સાયમાનાં કોલે એમને ઘરે દોડવા વિવશ કર્યા, હા, કોલમાં કહેવાયું હતું, સફા ઘરે આવી ગઈ છે, એકલી અને સહી સલામત..!
મારતી ગાડીએ શહબાઝ ઘરે પહોંચ્યાં, ત્યાં તો કંઈક અલગ જ નજારો હતો, એમની ધારણા પ્રમાણે સફા એની મમ્માને ભેટીને રડતી હશે, ચાર મહિનામાં સહેલી યાતનાઓ ગણી ગણીને કહેતી હશે, અને સાયમા બેગમ એને સધિયારો આપતા હશે, અને પોતે જઈને એ નપાવટ કિડનેપરનું ઠેકાણું શોધીને બદલો લેશે..! અહીં સફા રડી તો રહી હતી, પરંતુ ચાર મહિનાનાં કારાવાસની યાતનાઓ પર નહિ, બલ્કે એને કથિત કિડનેપર અહીં મૂકીને ચાલ્યો ગયો હતો, એ કારણે રડતી હતી, અને સાયમા મોં વકાસીને એને જોઈ રહ્યા હતાં..!
બધી આપવીતી જાણીને એમનું મોં પણ ખુલ્લું રહી ગયું, આખું કારસ્તાન નવાબ સાહેબનું ગોઠવેલું હતું, એ સાંભળી સાયમાનું મોં પડી ગયું, પતિ સાથે આંખમાં આંખ મેળવવું તેમને અઘરું થઈ ગયું, કારક્રેશનાં ન્યૂઝ વાંચી પોતે મેરેજ માટે તૈયાર થઈ, તે સાંભળી બંને ગાંડાની જેમ એકબીજાના મોં તાકી રહ્યા..!
અને છેલ્લે સફાનાં શબ્દોમાં…. “અરબાઝ પર કોઈકનો નનામો કોલ આવ્યો. આપ બંને જીવતા છો, એવી જાણકારી આપી. હું ખુશીથી પાગલ થઈ ગઈ, અરબાઝ પણ મને ખુશ જોઈ ખુશ હતાં, અમે તાત્કાલિક અહીં આવવા માટે નીકળી પડ્યા, થોડો ઘણો નાસ્તો અને એક બે જોડ મારા કપડા મેં સાથે લઈ લીધાં. રસ્તામાં એમણે મને મારો સેલફોન આપ્યો, મને ઘણું અજીબ લાગ્યું જયારે ઘર પાસે આવતા પાછળની વાતો યાદ કરી એમણે મારી માફી માંગી!ગેટ પાસે મને ડ્રોપ કરી મને કહ્યું, “તું અંદર જા, હું વસીમ પાસે જઈને આવું છું.” હું અંદર આવી મમ્માને મારી દાસ્તાન સંભળાવવામાં એટલી બીઝી થઈ ગઈ કે અરબાઝનું ધ્યાન જ ન રહ્યું, મારા પર્સમાં મારો ફોન વાગ્યો ત્યારે ચોંકી, કોલ અરબાઝનો હતો, “સોરી જાનું, બટ હું તારી પાસે નથી આવી શકતો, અને તને સાથે લઈ દિવાનગઢ જઈ શકું એમ પણ નથી, દાદાસાહેબનો હુકમ છે. સોરી, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી, હું કંઈ કરી શકું એમ નથી, તારા મમ્મા-ડેડી જ એમને સમજાવી શકે એમ છે. પ્લીઝ, અંકલ-આન્ટીને સમજાવવાની કોશિશ કર કે દાદાની માફી માંગી લે ” મને ગુસ્સો આવી ગયો, મેં પણ સામે સવાલ કર્યો, શાદી અધવચ્ચેથી છોડીને ચાલ્યા જવા માટે કરી હતી? એ કંઈ ન બોલ્યા, પણ મને લાગે છે એ પણ રડતા હતાં. આઈ નો, એ પણ મજબૂર છે, કારણ કે પેલેસમાં નાનાજાનનાં નામનાં સિક્કા પડે છે. એમની હુકમને ગણકારવાની કોઈની હિંમત નથી.”
“ માફી..? માય ફૂટ..! તને કિડનેપ કરી, આપણને મળવાથી રોકવા માટે કેવા છેલ્લી કક્ષાનાં પેંતરા કર્યા, અમોને મૃત જાહેર કરી ધોકાથી તારી શાદી કરાવી, અને હવે આ હાલતમાં (પ્રેગ્નેનન્ટ) તને અહીં મોકલી આપી કે હું એ ડોસાની માફી માંગું? કોઈ કાળે એ શક્ય નથી….
ક્રમશ…