Aehsas - 9 books and stories free download online pdf in Gujarati

એહસાસ -9 છેલ્લું પ્રકરણ

એહસાસ - 9

“માન્યું કે અમે ઘરેથી ભાગીને એમનાં નવાબી ખાનદાન (કુટુંબ) નું નાક વાઢયું હતું, પરંતુ એમણે શું કર્યુ? આટલી હદ સુધી નીચતા! કોઈ કાળે હું એમની માફી નહિ માંગીશ.” ડેડીનો ગુસ્સો સાતમાં આસમાને હતો, સફાનું પોતાનું મગજ પણ ફર્યુ જ હતું, ‘ નાના અને અરબાઝ સમજે છે શું પોતાની જાતને? માન્યું કે મમ્માની ભૂલ થઈ હતી વર્ષો પહેલાં ઘરેથી ભાગીને ડેડી સાથે મેરેજ કર્યા, પરંતુ એમાં મારી શું ભૂલ? એ બન્નેને સજા આપવા માટે મારો ઉપયોગ કરવાનો? હું કંઈ રમકડું થોડું છું? કે એ બંને જેમ મનફાવે તેમ મારી સાથે રમ્યા કરે છે! પહેલા કિડનેપ કરી, મહેલમાં બંદી બનાવી, સાથે રાખીને મમ્મા-ડેડીને શોધવાનું નાટક કર્યું, એ બન્ને શોધવા આવ્યા ત્યારે મને ગાયબ કરી, મને અરબાઝ સાથે પરણાવવા માટે મારા મા-બાપને જીવતેજીવ મારી નાખ્યાં, નીચતાની પણ હદ હોય છે યાર, અને હવે હું પ્રેગ્નેનન્ટ છું ત્યારે અહીં મૂકીને સાહેબ કહે છે, હું મજબૂર છું! હૂંહ.. મજબૂર…! માય ફૂટ…! છેલ્લાં ચાર મહિનાનો સમયગાળો એનાં મગજમાં કોઈ ફિલ્મની રીલની જેમ ફરી રહ્યો, અચાનક ઊભી થઈ અને શહબાઝ પાસે આવીને બોલી, “ડેડી, પ્રોમિસ મી. તમે મારા માટે નાનાજાનની માફી નહિ માંગો. એ લોકો અપરાધી છે, આપણે નથી. માફી નાનાજાન માંગશે. તમે લવમેરેજ કર્યાં તે ગુનો ગણાય! અને એ લોકોએ મને કિડનેપ કરી ઈમોશનલ બ્લેકમેલ કરી છેવટે ધોકો આપ્યો, એ એમની માટે સવાબ (પુણ્ય) નું કામ ગણાય?!? આ કેવા ડબલ સ્ટાન્ડર્ડ નિયમો છે મમ્મા, તમારા નવાબી કુટુંબનાં? મારે એ સેલ્ફીશ લોકો પાસે જવું પણ નથી, અને તમારે બન્નેએ લડવા જવાની પણ જરૂર નથી, આપણે વકીલ થ્રુ ડાઇવોર્સ પેપર મોકલી આપીશું અને કોર્ટથી લડી લઈશું. એ લોકોએ મારી સાથે જે રમત રમી છે, હું એ માટે કેસ કરવા ચાહું છું. ”

શહબાઝ એકટક પોતાની લાડકી તરફ તાકી રહ્યાં, ચાર મહિનામાં એમની રમતિયાળ માસૂમ દીકરી કેવી મેચ્યોર થઈ ગઈ હતી, સફાનાં પેટમાં પાંગરી રહેલ બાળક માટે એ કદાચ માફી પણ માંગી લેત, પરંતુ એમને નવાબ સાહેબ પર સખત ગુસ્સો આવતો હતો, અત્યારે સામે આવે તો ગોળી મારી દેવાનું મન થતું હતું. જેમણે પોતાને સજા આપવા માટે સફાને હથિયાર બનાવી એને માનસિક યાતનાં આપી, પરંતુ હવે સફા પોતે જ ત્યાં જવા નહોતી ચાહતી. દીકરી એમને માટે સાપનો ભારો નહિ, પણ વહાલનો દરિયો હતી, એની ખુશીમાં જ એમનું સર્વસ્વ હતું. એમણે સફાને ગળે લગાવી લીધી અને કપાળે ચુંબન કર્યું. સાયમા બેગમ પણ પતિ અને દીકરીની તાર્કિક દલીલોથી સહમત હતાં. એમને પણ અબ્બાજાનની હરકતોથી શરમ આવી રહી હતી, પરંતુ એ કંઈ પણ કરી શકવા અસમર્થ હતાં. ક્રુરતાની બધી હદ વટાવી ચૂકેલ એ ઘરમાં પગ મૂકવા પણ એમનું મન માનતું નહોતું.

સફાની જીદને કારણે શહબાઝ હુસૈને પોતાનાં ચક્રો ગતિમાન કર્યા, ડાયવોર્સ પેપર તૈયાર કરાવ્યા અને કાવતરું કરી બળજબરીપૂર્વક લગ્ન કરાવવાનાં આરોપસર સફા દ્વારા એફ. આઈ. આર. દાખલ કરાવી.

***

ઈડરગઢ પેલેસની દિનચર્યા રોજની જેમ સામાન્ય રીતે ચાલી રહી હતી, બધા સવારનો નાસ્તો કરી પોતપોતાનાં કામે વળગી ગયા હતાં, નવાબ વાહેદઅલી ખાન ઓરડામાં હુક્કો ગડગડાવી રહ્યાં હતાં, હુક્કાનું તમાકું બળીને પૂર્ણ થવાની અણી પર હતું, પરંતુ એમનું ધ્યાન સામેની દિવાલે હતું, ડાઇવોર્સની નોટિસ અને સફાએ કરેલ કેસની એમને મન કોઈ ચિંતા નહોતી. એમની વગ બહુ પહોંચેલ હતી,આવા નાના-મોટા કેસ રફેદફે કરવા રમત વાત હતી એમને માટે ! પરંતુ બીજા એક કારણે ગઈકાલ રાતથી એ ચિંતાતુર હતા, એ કારણ હતું, અરબાઝનાં અવાજનો બદલાયેલ રણકો..! બે-ત્રણ દિવસથી અરબાઝ કોઈ વાતનો સીધો જવાબ આપતો નહોતો, તોછડાઈ આવી ગઈ હતી એનાં અવાજમાં! સફાને એ ખૂબ ચાહતો હતો, એ ખબર હતી એમને. ઈવન કે પોતે પણ સફાની યાદમાં ઝૂરી રહ્યાં હતાં. આદત જ પાડી હતી એ છોકરીએ, અરબાઝ સાથે શાદી પછી એમનાં દરેક નાનામોટા કામ સફાએ પોતાનાં માથે લઈ લીધાં હતાં, નોકરોની પૂરી ફૌજ હોવા છતાંય. એ કહેતી “ એને ગમતું હતું, ડેડીનું દરેક કામ એ જ કરતી” એની એ વાત પર નવાબ આંખો ફેરવી લેતા, હ્દય ગ્લાનિથી ભરાઈ જતું. પછી સોચતાં, આ છોકરી પર પોતે બહું અત્યાચાર કર્યો છે, સાગમટે માફી માંગી લઈશ..! પરંતુ હવે એવું લાગવા માંડ્યું હતું કે એ સમય આવી ગયો છે. નવાબી અહંકારને કારણે તેઓ પોતાનાં લોકોની નજરમાંથી નીચા પડવા તૈયાર નહોતાં. એમણે નોકરને હાક લગાવી હુક્કામાં ચલમ ભરવાનો અને અરબાઝને હાજર થવાનો હુકમ આપ્યો.

***

શહબાઝ હુસૈન બપોરે લંચ માટે હવે ઘરે જતાં, સફાને એકલતા ન સાલે એ માટે ઓફિસનાં જરૂરી કામ પૂરા કરી બની શકે તેટલો વધુ સમય તેઓ ઘરે વીતાવતાં. સફા ઘરની ઘરેડમાં ફરી ગોઠવાઈ ગઈ હતી. પરંતુ એનું પૂર્ણ વ્યક્તિત્વ બદલાઈ ગયું હતું. ઊછળતી કૂદતી લાડકી ધીરગંભીર બની ગઈ હતી. પ્રેગ્નન્સીનાં કારણે અભ્યાસ ઘરેથી કરી ફક્ત એક્ઝામ આપવા જવાની ગોઠવણ થઈ ગઈ હતી. સાયમા બેગમ પૂરતું ધ્યાન રાખતાં હતાં, છતાં કોઈકવાર પેલેસની યાદો તાજી થઈ જતી, પરંતુ એ યાદોને એ ધક્કો મારીને કાઢી મૂકતી.

લંચ આરોગી સાડા ત્રણ સભ્યોનું આ પરિવાર ડ્રોઈંગરૂમનાં સોફા પર બિરાજમાન ટેલિસિરિયલમાં વ્યસ્ત હતું, શહબાઝને સાસુ-વહુની કચકચવાળી સિરિયલોમાં કંટાળો આવતો, એ મોબાઈલમાં બીઝી હતાં, અચાનક મેઈનડોર પાસેથી “મ્યાંઉ” નો અવાજ આવ્યો. સફા ઊઠવા જતી હતી, પણ ડેડીએ એને અટકાવી પોતે ઊઠી દરવાજાનો લેચ ખોલ્યો. પ્યોર વ્હાઈટ પર આછા કેસરી પટ્ટાવાળા કલરની એક બિલાડી એમનાં પગ પાસેથી પસાર થઈ ડ્રોઇંગરૂમમાં ચકળવકળ નજર ફેરવતી સફાનાં ખોળામાં ભરાઈ ગઈ, સફા એને ઊંચકી આશ્ચર્યથી પસવારતા બોલી, “ ઓહ માય સ્વીટી હુર્રૂ,તું અહીં કયાંથી આવી?” બીજી પળે એનું હ્દય કંઈક અનિષ્ટની આશંકાથી કંપી ઊઠ્યું,એની આંખો ડેડી તરફ ઊઠી, ડેડીનું એકટક ધ્યાન દરવાજાની બહાર ગેટ તરફ હતું, સાયમા અને સફા બંને શહબાઝ પાસે ગયાં, ગેટથી મેઈનડોરનાં અડધે રસ્તે આવી ચૂકેલ મેહમાનોને જોઈ સફાનો પારો ઊપર ચડી ગયો. સાયમાને કપાળે પરસેવો વળી ગયો,શહબાઝ ગુસ્સામાં હતાં કે હેબતમાં, એમની મુખમુદ્રા પરથી કળવું અશક્ય હતું. સાયમાએ પતિને દરવાજાથી દૂર લઈ જઈ સામેની સોફાચેર પર બેસાડ્યા, સફાને પણ પાસે ખેંચી. ઝડપથી દોડી ટીપૉઈ પરથી રીમોટ ઊઠાવી ટીવી ઓફ કર્યું, ફરી સફા પાસે આવી મેઈનડોરની સમાંતરે આંખ ઠેરવી. ત્રેવીસ-ચોવીસ વર્ષનાં સમયગાળામાં અબ્બાજાન લાકડીનાં ટેકે ચાલતાં થઈ ગયા હતાં, એક આકર્ષક મોડર્ન નવયુવાન એમનો બીજો હાથ પકડીને અત્યંત ધીરજ સાથે એમને બંગલામાં લાવી રહ્યો હતો. સ્ટીકવાળો હાથ અમ્મીજાનનાં (બેગમ સાહેબા ) હાથમાં હતો, પાછળ દિલનવાઝભાઈ અને મેહરીનભાભી ધીમી ચાલે એ બંનેનું અનુસરણ કરી આગળ વધી રહ્યા હતાં. સાયમાએ દીકરીને સાથે રાખી પતિનાં પડખે ઓથ લીધી, અબ્બા પ્રત્યેની ફરિયાદો ક્યાંય છૂ થઈ ગઈ, ઊલટું ભૂતકાળની યાદો ફરી સજીવન થવા માંડી.

“અમારી ધારણા એવી હતી કે આપ અમારી પાસે આવી માફી માંગશો, પરંતુ આપે અમારી…” દરવાજા માંથી અંદર દાખલ થતા જ નવાબ સાહેબે વાતચીતની શરૂઆત કરી પાસેનાં સોફા પર બેસવા જતા હતાં, પરંતુ શહબાઝ – સાયમાની ઓથેથી નીકળેલી સફાનાં એક વાકયે એમને ઊભા રહેવા મજબૂર કર્યા, “ શું કામ માફી માંગે તેઓ? એમનો ગુનો? આપનો ઈશારો જો ચોવીસ વર્ષ પહેલાંનાં એમનાં લવમેરેજ તરફ હોય, તો માફ કરજો નાનાજાન… આપ, અરબાઝ અને પેલેસનાં એકેએક મેમ્બર મારા મમ્મા-ડેડીથી વધુ મોટા ગુનેગાર છો. ડેડીએ મમ્માને કીડનેપ નહોતા કર્યા, જયારે આ મહાશય,” એણે અરબાઝ તરફ ગુસ્સાથી હાથ બતાવ્યો, “ એમણે આપનાં મહાન હુકમને તાબે થઈ મારૂં અપહરણ કર્યું, પેલેસમાં મને નવાસીનું લેબલ ચોંટાડી નજરકેદ કરી, મમ્મા-ડેડીને શોધવા આવ્યા ત્યારે અમારી મુલાકાત ન કરાવવા માટે તમે એમને પણ કિડનેપ કરાવ્યા! તમે એમને જીવતેજીવ મારી નાંખ્યાં, ફક્ત અરબાઝ સાથે મારી શાદી કરવા માટે? એ માટે તો હું એમ પણ તૈયાર જ હતી! તો પછી આ બધું કરીને આપને શું મળ્યું, નાનાજાન? માફી આપે માંગવી જોઈએ, ન કે મારા મમ્મા-ડેડી માંગે.” ક્રોધનાં અતિરેકમાં સફા કાંપવા માંડી હતી.

બેગમ, અરબાઝ, દિલનવાઝ, મેહરીન બધાની આંખો ઝૂકેલી હતી, બધાં સફાની આંખમાં આંખ મેળવવાથી કતરાતાં હતાં,સિવાય કે એકમાત્ર નવાબ વાહેદઅલી ખાન.. તેઓ પણ સફાની દલીલો સામે ઢીલા થઈ ચૂક્યાં હતાં, ધબ.. નાં અવાજ સાથે તેઓ સોફા પર બેસી પડ્યા. ગળામાંથી માંડ માંડ અવાજ નીકળ્યો, “ બેટા, અમે આપનાં ગુનેહગાર છીએ. એ માટે જ અહીં આપ લોકો સમક્ષ હાજર થયા છીએ. સાયમા જાણે છે, પોલીસ અને કોર્ટ અમારૂં કંઈ બગાડી શકે એમ નથી. આપની ડાઇવોર્સની નોટિસ અને કેસનો સમન્સ કચરાને હવાલે કરી દેતા અમે એક સેકન્ડ પણ નથી સોચ્યુ. આજે અહીં અમે ફક્ત આપની જ માફી માંગવા આવ્યા છીએ, સફા બેટા. અમે જે કંઈ કર્યુ, ફક્ત અને ફક્ત આપનાં મા-બાપને “એહસાસ” થાય, એ માટે જ કર્યુ છે. આપ આપનાં મા-બાપથી ફકત ચાર મહિના દૂર રહ્યાં, તેમાં એ બંનેનાં શું હાલ થયા, મારા ખ્યાલથી એ આપે જાણી લીધું હશે આ છ દિવસમાં. અમારી દીકરી અમારાથી ચોવીસ વર્ષથી દૂર છે, અમારી હાલત આપ નહિ જાણી શકો, બેટા.” નવાબ સાહેબનો અવાજ ભરાઈ ગયો, આ વાર્તાલાપ દરમ્યાન બેગમ સાયમા પાસે પહોંચી એમને ગળે મળી આંસુંઓનો ધોધ બંને પક્ષે વહાવી ચૂક્યા હતાં. અરબાઝની મમ્મી મેહરીનભાભી પણ સાયમાને મળીને છૂટા પડ્યા. એ ત્રણેનું ધ્યાન ફરી નવાબ સાહેબ અને સફાની દલીલો પર કેન્દ્રિત થયું, ત્રણેયનાં મોઢા પર ચિંતાની રેખાઓ હતી અને હૃદય ખુદાની વિનવણીમાં તલ્લીન હતું.

નવાબ સાહેબે સાયમા તરફ એક નજર કરી અને ફરી તૂટેલો દોર સાંધ્યો, “અને આજે અમારી એ દીકરી અમારી નજર સમક્ષ હોવા છતા ન પોતે માફી માંગે છે, ન આપ સાથે થયેલ અત્યાચારનો હિસાબ માંગે છે! હા, સંતાનો એક વય સુધી જ સંતાન રહે છે, અમે એ ભૂલી ગયા હતાં. સમય સાથે ચાલવામાં અમે ઉણા ઊતર્યા છીએ. બની શકે તો અમને માફ કરજો, સફા બેટા. આપનાં મા-બાપને સબક શીખાડવામાં અને અમારી લાચારીનો એહસાસ કરાવવાની લ્હાયમાં અમે મર્યાદા ચૂકી ગયા. શહબાઝ સાહબ માફ કરજો, અમે આપને અને આપનાં બેગમને પણ ઘણી તકલીફો આપી છે,” ભરાઈ ગયેલ ગળાને ખંખારીને નવાબ સાહેબે પોતાનાં પ્રભાવશાળી અવાજમાં વાત આગળ વધારી, “ અમારી ધારણા હતી, દીકરીનાં બાપનું માથું હંમેશા એનાં શ્વસુરપક્ષની સામે હંમેશાં ઝૂકેલ હોય છે, પરંતુ આ પ્રથા આજે, અત્યારે જ અમે તોડીએ છીએ, અરબાઝનાં મા-બાપ વતી અમે એમનાં દાદા આપની દીકરી સફાનાં હાથની ભીખ માંગીએ છીએ, એમ સમજો, આ એક નવાબ નહિ, પરંતુ ગરીબ લાચાર માણસની ગુઝારીશ છે.” ક્યારનું રોકેલ રૂદન છેલ્લાં વાકય સાથે સફા પ્રત્યેની લાગણી અને પશ્ચાતાપ રૂપે નવાબની આંખોમાંથી સ્વરૂપે વહી રહ્યાં. સાયમા દોડીને નવાબ સાહેબનાં પગમાં પડી ગયાં, નવાબે સોફા પરથી ઊભા થઈ વર્ષોથી વિખૂટી દીકરીને ગળે લગાવી લીધી, હોલમાં હાજર સર્વેની આંખો ઓછે-વત્તે અંશે ભીની હતી, એ આંસુંઓમાં ફરિયાદો વહી ગઈ હતી અને આવનાર ભવિષ્યનાં સોનેરી સપનાં તરી રહ્યા હતાં.

અરબાઝ ધીમે રહીને સફા પાસે આવ્યો, અને હાથની કોણીથી સફાની કોણીને સ્પર્શ કર્યો, સફાએ એની સામે જોયું, અરબાઝે આંખ મારી. સફાએ ગુસ્સાથી જોયું અને એનાં કાન પાસે મોં લઈ જઈ કહ્યું, “ તમારે કંઈ પણ કામ કરવું હોય તો દાદા પાસે પરવાનગી લેવી પડે છે, આ હરકત માટે પૂછ્યું એમને?” અરબાઝ છોભીલો પડી ગયો, સફા એનું મોઢું જોઈ પોતાનાં હાસ્ય પર કાબુ રાખી ન શકી, એનાંથી જોરથી હસાઈ ગયું, બધાં આશ્ચર્યથી એને જોવા લાગ્યા, આ વેળા ઓછપાઈ જવાનો વારો સફાનો હતો,અને હસવાનો અરબાઝનો….!

…. સમાપ્ત

લેખકનાં બે શબ્દો

સૌપ્રથમ હું મારા પ્રિય વાચકોનો હ્દયપૂર્વક આભાર માનું છું, “એહસાસ”ની ક્ષતિઓને અવગણી એનાં મર્મને સમજી, માણી મારો ઉત્સાહ વધારવા બદલ. જોકે મેં પાછળનાં ત્રણ પાર્ટમાં એ ક્ષતિઓને સુધારવાની પુરતી મેહનત કરી છે, છતાંય આપ વાચકોને કોઈક ભૂલ હજી પણ જણાય, તો મને જણાવી સુધારણામાં મદદરૂપ બની મને આભારી કરશો.

પાત્રાલેખનની દ્રષ્ટિએ નવાબનું પાત્ર મારા માટે બહુ અધરૂ હતું અને પ્રિય પણ. દીકરીનાં વિરહમાં પાગલ બાપ કોઈપણ હદ સુધી જઈ શકે છે, આપ લોકોએ નવાબનાં કૃત્યોને ધિક્કાર્યા હશે, પરંતુ અંત સુધીમાં આપ એમને કરૂણાની આંખથી જોવા લાગ્યા હશો, એવી અપેક્ષા છે. આપ જો નવાબની પીડા સમજી ગયા હશો તો હું એને મારી સફળતા સમજીશ.

મા-બાપ સંતાનોની લાગણીઓ સમજે, બાળકોને લગતા દરેક મહત્વપૂર્ણ નિર્ણયોમાં એમની ખુશીઓને અગત્યતા આપે, તો સામે પક્ષે સંતાનોએ પણ મા-બાપની લાગણીઓને સમજવું જોઈએ, ઉતાવળ અને નાદાનીમાં લેવાયેલ એક ખોટો નિર્ણય તેઓનાં વૃદ્ધ હ્દયને ઠેસ પહોંચાડી શકે છે. સમાજમાં છાશવારે બનતી ઘટનાઓનાં સંદર્ભે આ નવલકથાનું નિર્માણ થયું છે, કલ્પનાશક્તિ નો અતિરેક થયો હોય એવો ભાસ પણ આપને થાય તો હ્દયપૂર્વક માફી ચાહું છું.

આ સ્થાને મને પહોંચાડવા બદલ મારા લેખક મિત્રોનો જેટલો આભાર માનું, ઓછો છે. ખાસ કરીને અનિષ ચાર્મ અને નીલ મુરાની, જેમણે આ નવલકથાનાં અનુસંધાને મને પુરતું પ્રેરકબળ પુરૂ પાડયું અને અકીલ કાગડા અને અમીન સુનીલની સારા લખાણની અપેક્ષાઓ મને વધુ સારૂ લખવાનું જોમ પુરૂ પાડતા હતાં. સૌથી વધુ પીઠબળ મને મળ્યું છે, અમારી હાઈસ્કૂલમાં 32 વર્ષોથી સતત કાર્યરત સેવાભાવી આચાર્ય જનાબ એસ. જી. અમલા સાહેબનું. એકતાબેન દોશીએ વ્યાકરણ અને જોડણીની ક્ષતિઓ પ્રત્યે ધ્યાન દોર્યું, Heartily thanks to all.

અંતે.. જેવી રીતે મને નવાબનું પાત્ર પ્રિય છે, તેમ આપ વાચકોને કયું પાત્ર ગમ્યું અને કયું ન ગમ્યું? નવલકથામાં આપનાં ગમા-અણગમા નીચે માંથી કોઈ પણ એક માધ્યમ દ્વારા મને જણાવશો જરૂર, જેથી મારી બીજી નવલકથા ફેસબુકનાં મારા પેજ “સાહિત્ય કલરવ”પર નજીકનાં ભવિષ્યમાં પ્રકાશિત થવા જઈ રહી છે, તેનાં લેખનકાર્યમાં મને મદદરૂપ થઈ શકે..

ફેસબુકની મારી વોલ પર- solly fitter અથવા ફેસબુક મેસેન્જર પર આપનાં પ્રતિભાવો આવકાર્ય રહેશે.

અથવા વોટસએપ દ્વારા – +91 9909652477

અથવા ઈ-મેઈલ કરી શકો છો – smoothsolly2001@yahoo.com

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED