એહસાસ
ભાગ-6
‘હમમમ… તો સફા આ માણસ નાં કબજા માં છે, ફોન કરી ને અમને બોલાવ્યા, લક્ઝરી સુવિધા ઓ આપી, હવે ખિલ્લી ઉડાવે છે, પરંતુ…. અમે એનાં કબ્જા માં હતા, એ ધારતે તો અમને નુકસાન પહોંચાડી શકતો હતો, મારી ને ફેંકી દેત તો કોઈ ને ખબર ન પડત.. પણ એણે એક નાની સરખી ઈજા નથી પહોંચાડી, અરે.. ઉપર થી લકઝરી ફેસીલીટી આપી,.. એણે સફા ને કિડનેપ કરી અને કોઈ માંગણી પણ નથી કરી… મન માં આ તાળો બેસાડી ને અચાનક શહબાઝ થોડા જોર થી બોલ્યા, “ ધેટ મિન્સ એ વ્યકિત નો ઘ્યેય આપણ ને કોઈ પણ પ્રકારનો નુકસાન પહોંચાડવા નો બિલકુલ નથી, હું ખાતરી સાથે કહી શકુ છું કે સફા એ લોકો પાસે સહીસલામત છે, મને એવું લાગે છે કે એ મેન્ટલી આપણને ટોર્ચર કરી રહ્યો છે,પરંતુ શું કામ? એ નથી સમજાતું..! ”
“ એવો તો કોઈ માણસ મારા ધ્યાન માં નથી, આપણે કોઈ નું કશું બગાડ્યુ નથી, એવુ તો કોણ હોઈ શકે? જે આપણી પાછળ પડી ગયો છે?,..” સાયમા બેગમે પતિનાં ખભે હાથ રાખી દરેક સમયે સાથે હોવાની પ્રતીતિ કરાવી, પત્ર વાંચી શહબાઝ હુસૈન ની મૂંઝવણ માં ઓર વધારો થયો..
મેઈનડોર નો લોક ખોલી ડ્રોઈંગરૂમ નાં સોફા પર બંને ચિંતાતુર ચેહરે બેઠા, શારીરિક થાક બિલકુલ ન હતો, પરંતુ મન થી થાકી ગયા હતા બંને, એક ની એક દીકરી બે મહિના થી ગાયબ હતી, એ વ્યક્તિએ પત્ર માં બરાબર જ લખ્યુ હતુ, દરેક સુવિધાઓ અને એશોઆરામ હોવા છતા જેને કોળિયો ગળે ન ઉતરે,પરિવાર માં ખાલીપો વર્તાય,એ દુનિયા નો સહુ થી દુઃખી વ્યક્તિ જ કહેવાય, પ્રાણપ્રિય, જાજરમાન પત્ની પાસે હોવા છતા શહબાઝ પોતાની જાત ને આ સમયે એકલો અનુભવી રહ્યા, એક-દોઢ કલાક જેવુ મગજ કસવા છતાકંઈ સુઝતુ નહોતુ, અને હવે જયાં સુધી કોઈ કલુ ન મળે ત્યાં સુધી આમ જ કન્ફયુઝન માં દિવસો કે મહિનાઓ કાઢવાનાં હતા..
“ શહબાઝ, આરામ કરી લો, નહિ તો બિમાર થઈ જશો, શું કરવુ, એ કાલે નિરાંતે આપણે સોચીશુ,કોઈ સારા ડિટેક્ટિવ ની સલાહ લઈશું, તમે કહેતા હો તો આપણે દિવાનગઢ જઈએ, હું આપણા બંને વતી માફી માંગી લઈશ, અબ્બાજાન નો ગુસ્સો પણ હવે ઠંડો પડી ગયો હશે, મને વિશ્વાસ છે, અબ્બા આપણ ને માફ કરી દેશે, અને સફા ને ગમે ત્યાં થી શોધી કઢાવશે.” સાયમા બેગમે પતિ ને દિલાસો આપવા પૂરી કોશિશ કરી..
શહબાઝ હુસૈન ની આંખો ઝીણી થઈ, પત્ની તરફ તકાઈ “ તારા અબ્બા…( એક ઉંડી સોચ માં થોડી સેકંડ થોભી ને) હા, હા.. હમ્મ..” શહબાઝ સોફા પર થી ઊભા થઈ ગયા, બંને હાથ નાં અંકોડા ભેરવી અત્યંત વિચારમગ્ન દશા માં ડ્રોઇંગરૂમ નો એક પૂરો રાઉન્ડ માર્યો, બીજો રાઉન્ડ મારવાનો સ્ટાર્ટ કર્યો અને અચાનક સાયમા પાસે આવી બરાડ્યા, “ હા, સાયમા, નવાબ સાહેબ જ આટલુ બધુ કરી શકે…”
“ વોટ?! શહબાઝ પ્લીઝ, ડોન્ટ થિંક બેડ થિંગ્સ, મારા અબ્બા શું કામ સફા ને કિડનેપ કરાવે?? સાયમા ની આંખો માં આશ્ચર્ય ઉમટી પડ્યુ..
“ સાયમા ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, આપણી અહીં કોઈ સાથે દુશ્મની નથી, બીજી કોઈ જગ્યાએ પણ નથી, કોઈ પૈસા માટે કિડનેપ કરે તો પૈસાની માંગણી કરે, ન કે આપણને આ રીતે લઈ જાય, અને ફાઇવસ્ટાર હોટલ માં એક રાત આરામ કરાવી ને ફરી સહીસલામત મૂકી જાય, મારા વેપારી પ્રતિસ્પર્ધી ઓ એટલા બુદ્ધિશાળી અને પૈસાદાર નથી, કે આવો મોટો અને ફૂલપ્રુફ પ્લાન બનાવી શકે.. અને એમની પાસે એટલી તાકાત પણ નથી, કે મારી દીકરી ને હાથ લગાવી શકે, આઈ સ્વેર.. આપણે ભાગી ને શાદી કરી એ તારા અબ્બા હજી ભૂલ્યા નહિ હોય.. શેમ ઓન મી, મને અત્યાર સુધી આ વિચાર કેમ ધ આવ્યો? આઈ એમ ટોટલી બ્લાઈન્ડ, મારી અક્કલ પર કાટ ચડી ગયો છે, સાયમા.. લિસન,.. હું ગેરંટી સાથે કહુ છું કે તારા અબ્બા એ જ સફા ને કિડનેપ કરાવી છે, અને સફા લગભગ ત્યાં દિવાનગઢ નાં પેલેસ માં જ છે, અથવા એમનાં બીજા કોઈ ઠેકાણે ”
“ પણ એમને કયાં ખબર છે કે આપણે આ શહેર માં રહીએ છીએ? અને ધારો કે એમને ખબર પડી ગઈ હોય, તો આપણ ને બે ને કિડનેપ કરે, સફા ને શું કામ? મારી દીકરી એ એમનુ શું બગાડ્યુ? સો વાત ની એક વાત, મારા અબ્બા નવાબ છે, કોઈ ગુંડા મવાલી નથી.. તેઓ આવા વિચિત્ર કામ નહિ કરે અને ન કોઈ ને કરવા દે…” સાયમા બેગમે શહબાઝ નાં સંશય નો મજબૂતીપૂર્વક વિરોધ કર્યો.. શહબાઝ ને આ મામલે ચૂપ રહેવા નું ઉચિત લાગ્યુ, પરંતુ એક શંકા એમનાં મન માં ઘર કરી ગઈ હતી, એનું સમાધાન ન થાય ત્યાં સુધી ઊંઘ આવવાની નહોતી એ પાકુ હતુ… બીજે દિવસે એમણે એકલા જ સફા ની શોધ માં દિવાનગઢ પેલેસ જવાનું નક્કી કર્યુ, પરંતુ એમને ક્યાં ખબર હતી કે આ એમની એક મોટી ભૂલ હતી!! સાયમા સાથે હોત તો સફા સુધી પહોંચવાનો રસ્તો બની શકયો હોત, આ એક ભૂલ ને કારણે સફા એમનાં થી વધુ દૂર થઈ ગઈ, એ એમને ઘણા સમયે ખબર પડી…
પોણા બે કલાક જેટલી એકધારી ડ્રાઈવ કરી દિવાનગઢ પેલેસ નાં ગેટ ની સામે થી જરા ક્રોસ માં સાંકડી ગલી નાં નાકે શહબાઝે CRV HONDA ઉભી રાખી, સવાર નાં દસ વાગ્યા હતા, સૂર્ય ધીરે ધીરે ગરમ થઈ રહ્યો હતો, પહેલા બહાર થી અવલોકન કરી પછી આગળ વધવુ, એમ મનમાં નક્કી કરી કાર માં બેસી ને જ કિલ્લા તરફ મીટ માંડી, પરંતુ અડધો કલાકમાં વટેમાર્ગુ ઓ ને ઘૂરી ઘૂરીને જોતા જોઈ એહસાસ થયો કે અહીં લાંબો સમય ઉભા રહેવુ શક્ય નહોતું… છતા લોકો ને ઈગ્નોર કરી મિશન ચાલુ રાખ્યુ, કલાક વિત્યો પણ કંઈ ન વળ્યુ, અંતે “આ પાર કે પેલે પાર” બબડતા કાર માંથી બહાર નીકળ્યા, સંત્રી ની નજર માં આવ્યા વિના અંદર જવુ અશક્ય હતુ, એની પાસે જ જઈ ઉભા રહ્યા, “ નવાબ સાહબ સે મિલના હે ”
મૂળે ઉત્તર પ્રદેશ નાં નિવાસી લાગતા ચાલીસ – બેંતાલીસ વર્ષીય સંત્રી ની નજર મા ગલી નાં નાકે ઉભેલ કાર હતી જ, અને કાર માંથી કિલ્લા પર વોચ રાખતા આ માણસ ને એ કયાર નો નીરખી રહ્યો હતો, પરંતુ કયા કારણે એ માણસ આવુ કરતો હતો, એની સમજ ની બહાર હતુ, અચાનક પોતાની તરફ આવતો જોઈ એ ચોંક્યો અને સાબદો થઈ ગયો, સૂટબૂટ વાળો માણસ વ્યવસ્થિત લાગતો હતો, પરંતુ છેલ્લા એક કલાક ની એની ગતિવિધિઓ એને શંકાસ્પદ બનાવતી હતી, અને નવાબ સાહેબ ને પૂછ્યા વિના એને અંદર જવાની પરવાનગી એટલે નોકરી માંથી પાણીચુ પાકુ, એટલુ એ સમજતો હતો, એટલે એ જ પહેલો બોલી પડ્યો, “ આજ દરબાર નહી ભરા હે, સા’બ… વો તો હર રવિવાર કો લગતા હે, આપ ગલત ટાઈમ પે આયે હો, સા’બ. ”
“ અરે, મુજે દરબાર કા કુછ કામ નહી હે, ભાઈ, મુજે નવાબ સાહબ સે પર્સનલ કામ હે.”
થોડી વાર વિચાર કરી એ સિક્યુરીટી કેબિન તરફ ગયો, વળી ફરી ને પૂછ્યુ, “ મૈં અફઝલ સા’બ સે પૂછ લેતા હું, આપકા નામ? કહાં સે આયે હો? ઔર કયા કામ હૈ? ”
“શહબાઝ હુસૈન, સમરતપુર સે.. આપકે નવાબ સાહબ પહેચાનતે હૈ મુજે..” ન ચાહવા છતા એમની વાત મા થોડી કડવાશ આવી ગઈ, સાચુ નામ કહેવા પાછળ નો આશય નવાબ ને ચોંકાવવાનો હતો, પરંતુ એમની આ ધારણા સદંતર ખોટી હતી…!
વધુ આવતા અંકે…