ભાગ – ૧૦
બંસરી ઉછળતી-કુદતી પપ્પા સાથે મસ્તી કરવા લાગી. મોહ પણ તેના સાથે મસ્તીમાં ઓતપ્રોત થઇ ગયો. જયારે માયા બાથરૂમમાં મોહના સ્પર્શેલા સ્થાનોને ખુબ જ વ્હાલથી યાદ કરી કરીને માણી રહી. એની એ જગ્યાઓ એ અડીને ખુદ રોમાંચ અનુભવી રહી. તેણે ફરીથી ઉત્તેજનાનો અહેસાસ કર્યો પરંતુ તેણે ધ્યાન રાખ્યું કે કોઈ પણ જાતનો અવાજ બહાર ના જાય કેમકે બંસરી જો રૂમમાં હતી. મોહને શંકા તો ગઈ કે માયાને આટલી વાર કેમ લાગી બાથરૂમમાં આજે પછી થયું કે કદાચ નાહવા બેસી ગઈ હશે. થોડી વાર રહીને માયા બહાર આવી ત્યારે મોહ તેનો ચહેરો વાંચી શક્યો અને મલકાયો. આખરે માયાની ખુશીનું કારણ પોતે જ તો હતો. માયા શરમાઈ ગઈ અને ઘરના કામોમાં પરોવાઈ ગઈ.
સાંજે મોહ અને બંસરી આરામમાં હતા ત્યારે અચાનક માયાને સત્યમના પત્ર વિષે યાદ આવ્યું. તેણે યાદ કરવું પડ્યું કે પોતે એ પત્ર ક્યાં મુકીને ચાલી ગઈ હતી. પછી નિરાંતે પત્ર વાંચવા બેઠી. સત્યમે પત્રમાં જણાવ્યું કે પોતે આટલા ગાળામાં એકવાર મુંબઈ જઈ આવ્યો હતો અને પોતાના માતા-પિતાને મળી આવ્યો હતો. બધું હેમખેમ છે. પિતાથી હવે કંપની એકલા હાથે સંભાળાતી નથી એટલે તે અહિયાં રહીને થોડી થોડી મદદ કરતો રહેશે બાકી જરૂરી મીટીંગ અને ઓફીસના કામથી લોકોને મળશે તો તેના પિતા જ. પોતે હજી પણ પોતાની હયાતી દુનિયા સામે લાવવા માંગતો નહતો. આખરે પત્રના અંત ભાગે તેણે પોતાનો ફોન નંબર લખ્યો અને કહ્યું હતું કે કોઈ પણ સમયે માયા તેને ફોન કરી શકે છે. માયા આ જ પળની રાહ જોતી હતી કે કેમ કરીને તે સત્યમનો સંપર્ક સાધી શકે. તેણે વિના વિલંબે સત્યમને ફોન લગાડ્યો અને જાણે તેના ફોનની વાટ જ જોવાતી હોય તેમ એક જ રીંગમાં સત્યમે ફોન ઉપાડી લીધો અને તરત બોલી ઉઠ્યો “હા બોલ, મારી દીકરીની મમ્મી.” માયા ચોંકી ગઈ કેમકે તેણે આ રીતનું અભિવાદન ધાર્યું નહોતું. થોડી સેકંડ માયા કશું બોલી શકી નહિ પછી સામેથી સત્યમે કહ્યું કે માયા શું થયું? મારાથી કંઇક ખોટું બોલાઈ ગયું? હેલો હેલો? ત્યારે માયાએ કહ્યું કે તે તેને મળવા માંગે છે અને તે પણ બની શકે એટલું જલ્દી. સત્યમે સ્થળ અને સમય કહ્યો જે ૨ દિવસ પછીનો હતો.
માયાને થયું કે પોતે સત્યમ સાથે વાત કરી છે અને તેને મળવા જવાની છે તે વિષે મોહને જાણ હોવી જોઈએ પછી થયું કે તેણે જે વિચાર્યું છે તે પહેલા અમલમાં મુકે પછી શાંતિથી તે મોહને જણાવશે. બીજા દિવસથી માયા તો ઓફીસ જવા લાગી અને મોહ પણ પોતાના કામમાં લાગી ગયો. નિર્ધારિત સ્થળે અને સમયે માયા પહોચી ગઈ સત્યમને મળવા. કાફેમાં તેણે પહેલાથી જ ટેબલ બુક કરાવી રાખ્યું હતું. પોતે ટેબલ પાસે હજી પહોંચી જ હતી અને પાછળથી પોતાના નામની બુમ સાંભળી અને તે ત્યાં જ અટકી ગઈ કેમકે અવાજ સત્યમનો નહિ પરંતુ મોહનો હતો. તેણે મોહનું અહિયાં હોવું જરા પણ ધાર્યું નહોતું અને હવે પોતે અહિયાં શું કરી રહી છે તે તેણે મોહને જણાવું જ પડશે. ભારે ચિંતામાં તે પાછળ ફરી અને મોહે આવીને તેને ચુસ્ત આલિંગન આપ્યું, માયા થોડી શરમાઈ ગઈ કેમકે મોહે ક્યારેય જાહેરમાં આવી લાગણી વ્યક્ત કરી નહોતી. મોહે પૂછ્યું કે આ સમયે તે અહી શું કરી રહી છે? માયાએ કહ્યું કે તેને ઓફીસના કામથી ૧-૨ જણને મળવાનું છે તો તેમણે અહિયાં મળવાનું નક્કી કર્યું છે એમ. મોહે તે માની લીધું અને તેણે કપાળે ચૂમી ભરી, સાંજે ઘરે મળીએ તેમ કહી તે નીકળી ગયો. માયાએ હાશકારો અનુભવ્યો. આ બધું સત્યમ કેફેના બીજા છેડેથી જોઈ રહ્યો હતો પણ તે મોહના જવાની રાહ જોતો હતો કેમકે તેણે માયાનો ચહેરો વાંચી લીધો હતો અને ખ્યાલ આવી ગયો હતો કે માયાએ મોહને તેમની મીટીંગ વિષે જણાવ્યું નથી. તો તે પતિ-પત્ની વચ્ચે કોઈ સમસ્યા ઉભી કરવા નહોતો માંગતો. મોહ ખરેખર નીકળી ગયો છે તે ખાતરી કરીને પોતે માયાના ટેબલ પર આવ્યો. માયા હજી પણ ચિંતામાં લાગતી હતી. તેણે આવીને કહ્યું કે ચિંતા ના કર, મોહ જતો રહ્યો છે. આવું બોલતા જ માયાને ખ્યાલ આવી ગયો કે સત્યમને મોહના અહિયાં હોવાની ખબર હતી પણ તે સામે આવ્યો નહિ.
થોડી ઔપચારિક વાતો કાર્ય બાદ માયાએ થોડા ગંભીર અવાજે સત્યમને કહ્યું કે તેણે એક નિર્ણય લીધો છે અને આશા રાખે છે કે સત્યમ તેને સાથ આપશે. સત્યમે તેને બિન્દાસ હા પાડી અને કહ્યું કે તે બંસરી અને માયા માટે જે સારું હશે તે ચોકકસપણે કરશે. માયાએ કહ્યું કે સત્યમે હવે તેનો કે બંસરીનો સંપર્ક ના કરવો જોઈએ કેમકે વર્તમાનમાં તેનો પોતાનો હવે પરિવાર છે. સત્યમ તેનો ભૂતકાળ છે જે તેણે પાછળ છોડવું બધા માટે હિતાવહ રહેશે. સત્યમને થોડું અચરજ થયું પણ તેને ખબર હતી કે માયાએ જે વિચાર્યું હશે તે સારું જ વિચાર્યું હશે છતા કુતુહલવશ તેનાથી પુછાઈ ગયું કે એવું શું થયું અચાનક કે માયાએ આવો નિર્ણય લેવો પડયો. માયાએ મોહના વર્તન વિષે જણાવાનું વિચાર્યું પછી થયું કે સત્યમને તે બધું જણાવવું જરૂરી નથી. તેણે ટૂંકમાં કહ્યું કે તે પોતાના ભૂતકાળના લીધે પોતાનું વર્તમાન બગાડવા માંગતી નથી અને બંસરીનું ભવિષ્ય તો નહિ જ. માયાએ તે પણ કહ્યું કે સારું થશે અગર સત્યમ તે બધાથી કાયમ માટે કશે દુર જતો રહે અને ફરી ક્યારેય તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ના કરે. અને માયાએ તે પણ કહ્યું કે તેને લેખિતમાં સત્યમનો બંસરી પર કોઈ પ્રકારનો કાનૂની હક નથી તે જોઈએ છે જેથી ભવિષ્યમાં બંસરીને કોઈ પણ જાતની તકલીફ ના પડે. બધું શાંતિથી સાંભળી લીધા બાદ સત્યમે માયા સામે એક મુદ્દતી થાપણ મૂકી જે બંસરીના નામે હતી. તેની રકમ જોઈ માયા ચોંકી ગઈ. રકમ હતી ૧૦ કરોડ રૂપિયા, જે બંસરી ૧૮ વર્ષની થશે ત્યારે માત્ર તેને જ મળશે. નામનિયુક્તિમાં માયાનું નામ હતું. સાથે અમુક કાગળિયાં પણ હતા જેમાં મુંબઈની બધી મિલકત, ઓફીસ અને બધા ફાર્મહાઉસ બંસરીના નામે હતા. બધું થઈને મિલકત કરોડોમાં થતી હતી. માયાએ તે કંઈ પણ સ્વીકારવાની ધરાર ના પાડી કેમકે તે અને મોહ સક્ષમ હતા બંસરીનો તમામ ખર્ચો ઉપાડવા માટે. વળી પાછુ મોહ શું વિચારશે તે જાણી માયાએ ચોખ્ખી ના કહી દીધી. સત્યમને માયાની વાત વ્યાજબી લાગી પણ માયાના નિર્ણયના લીધે સત્યમે બધું આજે જ આપવું પડ્યું નહીતો તે બંસરી જયારે ૧૮ વર્ષની થવાની હતી ત્યારે જ આપવાનો હતો. પણ હવે તેના પાસે બીજો કોઈ ઉપાય નહોતો. માયાએ એક શરતે બધું સ્વીકારવાનું કહ્યું અગર તે પોતે બંસરીને આ બધું જાતે આપશે તો જ. એ બહાને માયા ચાહતી હતી કે એક છેલ્લી વાર બંસરી પોતાના અસલી પિતાને મળીલે. સત્યમ તૈયાર હતો. તે સાંજે જ માયા બંસરીને સ્કુલે સીધી સત્યમને મળવા લઇ આવશે તેમ કહ્યું કેમકે માયા સત્યમ નામનું પ્રકરણ તેની જિંદગીમાંથી જેટલું બને એટલું જલ્દી પતાવવા માંગતી હતી.
સાંજે સ્કુલેથી બંસરીને લઇ પોતે સીધી સત્યમને મળવા ગઈ. બંસરી સત્યમને જોઈ થોડું અચકાઈ. સત્યમે પહેલી વાર અને છેલ્લી વાર પણ બંસરીને પોતાની બાથમાં લીધી અને તેના ગાલે ચૂમી ભરી. બંસરી માટે આ બધું કંઇક અજુગતું જ હતું. બંસરીથી છુટા પડતી વખતે પહેલી વાર સત્યમની આંખોમાં ભીનાશ હતી, જે માયા મહેસુસ કરી શકી. બધા કાગળિયાં એક પ્લાસ્ટિકબેગમાં બંસરીને આપ્યા બાદ સત્યમ ખાલી એટલું જ બોલી શક્યો કે બેટા આ તારો હક છે અને એને સાચવીને રાખજે. છોકરમત બંસરીએ તરત બેગ લઇ લીધી, તેને એમ કે અંદર ડ્રોઈંગબુક્સ હશે. સત્યમે છેલ્લી વાર માયા સાથે હાથ મિલાવ્યો અને ભારે હૈયે ત્યાંથી નીકળી ગયો. તેણે પાછુ વાળીને જોયું સુદ્ધા નહિ. આખરે એક દિવસ તો આ થવાનું જ હતું.
બંસરી તો ખુશ થતા થતા ઘરે આવી. આવીને તેણે મોહને પોતે આજે સત્યમને મળી તેમ કહ્યું ત્યારે મોહને ખુબ જ આઘાત લાગ્યો કેમકે તેને આશા હતી કે માયા તેનાથી કશું જ છુપાવશે નહિ. મોહે ત્યારે તો કઈ પ્રત્યુત્તર ના આપ્યો. બંસરી આખી પ્લાસ્ટિકબેગ લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. માયા નીચી નજરે મોહ સામે આવીને ઉભી રહી.
વધુ આવતા અંકે.
પ્રિતુ રાણા
વ્યવસાયિક ચિકિત્સક