ઓચિંતી મુલાકાત... Dr. Pritu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓચિંતી મુલાકાત...

ઓચિંતી મુલાકાત...

(ભાગ એક)

મોહ પોતાની ધૂન માં ગાડી હંકારે જતો હતો કેમક રેડીઓ પર જે ગીત વાગી રહ્યું હતુ એ તેને ભૂતકાળ માં સરી જવા પર મજબુર કરી રહ્યું હતું. ભારે પ્રયત્નો બાદ પણ તે પોતાને અમુક યાદો થી બચાવી ના શક્યો. ત્યાં એના પગે અચાનક બ્રેક ના મારી હોત તો સામે એક મહિલા અને બાળકી નો જીવ ગયો હોત. વાંક બંને નો હતો કેમકે મોહ પોતાની ધૂન માં હતો અને પેલી મહિલા પણ આજુબાજુ જોયા વગર રસ્તો ઓળંગી રહી હતી. બ્રેક ના ઘસરકા નો અવાજ એટલો તીવ્ર હતો કે રસ્તા પર ના બધા ની નજર એ લોકો પર પડી. મોહ હાંફળોફાંફળો નીચે ઉતર્યો કે ક્યાંક પેલા લોકો ને ઈજા તો નથી પહોંચી ત્યાં તો એના પગ ત્યાં જ થંભી ગયા જયારે એણે પેલી મહિલા નું મોઢું જોયું. અચાનક એનું મગજ વર્ષો ગણવા માંડ્યું કે કેટલા વર્ષો થયા કે એણે માયા ને રૂબરૂ જોઈ જ નહોતી. ત્યાં સામે થી અવાજ આવ્યો “મોહ, તું?” અને એ સાથે જ મોહ વર્તમાન માં પરત ફર્યો અને એટલું જ બોલી શક્યો “હા, હું જ મોહ, કોઈ નો ભૂતકાળ” અને એની નજર બાળકી પર પડી, અને એને સમજતા વાર ના લાગી કે તેણી માયા નું જ નાનું સ્વરૂપ હતું. ફૂલ જેવી બાળકી નો ઘભરાઈ ગયેલો ચહેરો જોઇને મોહ ને તરત જ ઉમળકો ઉમટ્યો અને તેને મોહ એ પોતાની બાહોમાં ભરી લીધી. મોહ ના આવા વર્તન થી માયા થોડી ખચકાઈ અને પાછળ હટી ગઈ. બંને ને લઈને મોહ રોડ ની સાઈડ માં ગયો અને ગાડી ને પણ સાઈડ માં પાર્ક કરી. મોહ થી અનાયાસે પુછાઈ ગયું કે “કશેક થોડો સમય બેસી શકીએ?” અને જવાબ માં હા સાંભળવાની એની જરા પણ અપેક્ષા નહોતી.

મોહ બંને ને લઈને નજીક માં નાનું કેફે જેવું હતું ત્યાં ખૂણા ની જગ્યા શોધીને બેઠો જેથી તે શાંતિ થી વાત કરી શકે. ઔપારિક વાતચીત પછી મોહ થી પૂછ્યા વિના ના રહેવાયું કે આ નાનું ફૂલ કોનું છે અને કેટલા વર્ષ નું થયું. કેમકે તેના મગજે ગણત્રી કરી લીધી હતી અને એટલું ચોક્કસ હતું કે એને અને માયા ને અલગ થયે લગભગ ૯ વર્ષ થઇ ચુક્યા હતા મતલબ કે પેલું ફૂલ કદાચ ૩-૪ વર્ષ નું હોવું જોઈએ. મોહ બસ માયા ને જોયા જ કરી રહ્યો હતો એવું લાગતા માયા એ વાત શરુ કરી કેમકે બપોર ના સમય ના લીધે કેફે માં ખાસ માણસો હતા નહિ અને અચાનક આમ મોહ ને મળવાથી એના મન માં થોડો આવેગ પણ હતો. વાત વાત માં મોહ એટલું જરૂર જાણી શક્યો કે પેલું નાનું ફૂલ માયા નું જ હતું પણ એ જાણી ને દુખ પણ થયું કે માયા સિંગલ પેરેન્ટ હતી. બાળકી ના નામ એ પણ મોહ ને વધુ કુતુહલતા ઉપજાવી કેમકે એનું નામ બંસરી હતું, એ જ નામ જે એને કોઈના સાથે સપના ની દુનિયા માં નક્કી કરેલું, કેમકે એની પ્રિયતમા ને કૃષ્ણ પ્રત્યે અઢળક પ્રેમ હતો અને સ્વાભાવિક રીતે કૃષ્ણ ને લગતી બધી બાબતો પર પણ. મોહ ને વિચારોમાં ખોવાયેલો જોઇને માયા એ કહ્યું કે એને નીકળવું પડશે કેમકે બંસરી ને ડોક્ટર ની અપોઈન્ટમેંટ છે. મોહ એ બહુ પ્રયત્નો કર્યા કે પોતે મૂકી જશે ગાડી માં પણ માયા ના માની અને તે લોકો તરત નીકળી ગયા. છેક પછી મોહ ને યાદ આવ્યું કે એણે માયા નો કોઈ કોન્ટેકટ નંબર તો લીધો નહિ. ભારે હતાશા સાથે એ પણ નીકળી ગયો કેફે માંથી. બીજી એક ઓચિંતી મુલાકાત ની આશા માં...

ઘરે આવીને મોહ નું મન કશામાં લાગતું નહોતું એ જાણીને એની મમ્મી થી રહેવાયું નહિ અને પૂછ્યું કે શું બાબત છે પણ મોહ એ તબિયત ઠીક નથી એનું બહાનું બતાવીને ફરીથી ગાડી લઈને નીકળી પડ્યો. અને એ જ જગ્યા એ એનાથી ગાડી ઉભી રહી જ્યાં પહેલી વાર ઓચિંતી મુલાકાત થઇ હતી માયા સાથે. એક નાનું અમથું રોડ સાઈડ કેફે જેવું હતું, જ્યાં મોહ નું આવું જવું તો સામાન્ય હતું કેમકે ત્યાં બહુ ભીડ નહોતી રહેતી અને મોહ ને શાંતિ થી કોફી પીવા જોઈએ. એટલે એ કાયમ આવી શાંત જગ્યા જ શોધતો ફરતો. કેમકે માણસ ને જયારે પોતાની જ કંપની ની આદત પડી જાય પછી એને ભીડ થી દુર જ રહેવું પસંદ પડે. ઉનાળા ની બપોર હતી એ,મોહ ને હજી પણ યાદ છે. રોજીંદી આદત પ્રમાણે કોલેજ પછી કોફી પીવાની લત એને એ બપોરે પણ કેફે માં લઇ આવી. એમ તો એની રોજીંદી મુલાકાત ના લીધે કેફે નો ૨-૩ જણ નો સ્ટાફ એને જાણતો જ હતો. પણ એ દિવસે કેફે માં નવો ચહેરો હાજર હોવાને કારણે બધા એની સરભર માં થોડા વ્યસ્ત હતા. એ હકીકત મોહ થી છુપી ના રહી શકી કેમકે ૨-૩ વાર ઓર્ડર આપ્યા પછી પણ એની ટીપીકલ કડક અને સાવ ઓછી ખાંડ વાળી કોફી આવી નહોતી. થોડી અકળામણ થતા તે ઉભો થઈને જતો જ હતો કે કોઈનો તીણો અવાજ એના કાને પડ્યો કે તમારી ચાવી ટેબલ પર જ રહી ગઈ છે. અને જેવું મોહ એ દિશા માં ફર્યો એને ખ્યાલ આવી ગયો કે આજે સ્ટાફ કોની સરભર માં લાગેલો છે એમ. એકતો બપોર નો ઉકળાટ અને પોતાની કોફી ના પી શકવાની પળોજણ ના કારણે એ ખાલી થેંક યું કહીને ચાલ્યો ગયો. એના જતા ની સાથે જ વેઈટર કોફી લઈને આવ્યો પણ મોડું થઇ ચુક્યું હતું અને એને અફસોસ થયો કે એના બોસ એને વઢશે કે આજે ફરીથી પોતાના ખિસ્સા ના પૈસા જોડવાના આવશે નુકશાન ના. જાણે એનો ચહેરો વાંચી લીધો હોય એમ પેલો નવો ચહેરો બોલી ઉઠ્યો કે વાંધો નહિ.એ કોફી મને આપી દો કેમકે મારે એમપણ મોડું થઇ રહ્યું છે. અને કોફી પીતાની સાથે જ એને પેલા ગયેલા માણસ માટે સ્વભાવિક રીતે આશચર્ય થયું કેમકે એને પણ એવી જ કોફી પસંદ હતી જે નવા ચહેરા ને પસંદ હતી, એ નવો ચહેરો એટલે “માયા”!...

બીજા દિવસે મોહ કેફે માં પ્રવેશતા ની સાથે ચેક કરીને બેઠો કે આજે તો બીજું કોઈ છે નહિ ને જે એની કોફી નું મોડું થવાનું કારણ બને. પણ કોઈ નહોતું એટલે એ શાંતિ થી એની ગમતી ખૂણા વાળી ચેર માં જઈને બેઠો. કોફી નો ઓર્ડર આપ્યા બાદ એમજ બહાર નજર નાખતો હતો ત્યાં પેલો ચહેરો નજર આવ્યો જે પોતાની દિશા માં જ આવી રહ્યો હતો અને મોહ એ નજર ફેરવી લીધી જાણે એણે પેલી ને જોઈ જ નથી. પણ પેલી તો એના સામે આવીને બેસી ગઈ. અને મોહ થી બોલાઈ ગયું “એક્સકયુંઝમી?” “હાઈ, હું માયા!” “ગુસ્સો કરો એ પહેલા કંઈક કહેવા માંગું છું” “તમે તો કાલે અકળાઈને જતા રહ્યા પણ તમારા પાછળ કોઈને પોતાના ખિસ્સા માં થી રૂપિયા જોડવા પડશે એવું વિચાર્યું હતું? ના.” છેક ત્યારે મોહ ને યાદ આવ્યું કે કાલે પોતે કોફી પીધા વિના ચાલ્યો ગયો હતો ગુસ્સા માં. થોડો શરમિંદા થઇ ગયેલો ઉભા જ થવા જતો હતો કે જઈને પેલા વેઈટર ને સોરી કહી આવું ત્યાં જ માયા એ એને રોક્યો અને કહ્યું કે જોકે,કોફી સારી હતી હો.તમારી ચોઈસ મને ગમી.આવું બોલીને માયા જતી રહી અને મોહ એ યાદ કરીને પેલા વેઈટર ને સોરી કીધું અને વધારે ટીપ પણ આપી. મોહ ને અચાનક જ પેલી વ્યક્તિ માટે માન ઉપજ્યું કે જેણે એકદમ શાંતિ થી પોતે કરેલી ભૂલ સમજાવી. પછી તો એ લોકોનું કેફે માં મળવાનું જાણે રોજિંદુ થઇ ગયું. માયા પોતે શહેર માં નવી હતી જયારે મોહ તો ત્યાં જ જનમ્યો અને મોટો થયેલો એટલે માયા ને નવા શહેર માં સેટ થવામાં મોહ એ ઘણી મદદ કરી. ગાઢ મિત્રતા માં ક્યારે બંને ની કોલેજ પતી ગઈ અને નોકરી એ લાગી ગયા એ જરા પણ ખ્યાલ ના આવ્યો. જાણે નજર ફેરવતા જ બે વર્ષ વીતી ના ગયા હોય એવું લાગ્યું. કોણ જાણે કેમ પણ મોહ માયા થી આકર્ષાયો હતો એ બંને ને જાણ હતી પણ બંને અજાણ છે એવો જ ડોળ કરતા. મોહ એ માયા ની વર્ષગાંઠ પર પોતાના મન ની વાત કહેવાનું નક્કી તો કર્યું હતું પણ કહી ના શકયો, કદાચ એને માયા ની મિત્રતા ખોવાનો વારો આવે એવો ડર પણ હતો. પણ માયા ને મોહ ના મન માં શું ચાલી રહ્યું છે એનો અંદાજો હતો જરૂર. એ બસ રાહ જોતી હતી કે ક્યારે ખરેખર મોહ પોતાના મન ની વાત કરે.

પોતે થોડા દિવસ માટે પોતાના ઘરે જવાની છે એ વાત જાણીને મોહ તો જાણે હેરાન પરેશાન થઇ ગયો કેમકે આટલા વર્ષો થી એ લોકો નું રોજે મળવું જાણે એક રીત ની આદત બની ગઈ હતી, અને સૌથી ખરાબ આદત માણસ ને જો પડતી હોય તો એ બીજા માણસ ની જ હોય છે અને જયારે એ માણસ થી અળગા થવાનું થાય એ અસહ્ય હોય છે. મોહ એ તો નક્કી કરેલું કે પોતે માયા ને જવા જ નહિ દે. પરંતુ માયા ને ગયે જ છુટકો હતો કેમકે એના પપ્પા એ જબરજસ્તી આવાનું કીધેલું. અસમંજસ માં જેમતેમ દિવસો તો નીકળી ગયા પરંતુ હવે મોહ માટે પોતાની લાગણીઓ છુપાવવી અઘરું હતું એટલે એણે બીજા જ દિવસે બધું કહી દેવાનું ઉચિત સમજ્યું. રોજ કરતા વહેલા મોહ એમના મનપસંદ કેફે માં પહોચી ગયો...પરંતુ માયા કેમ જાણે આજે આવી નહિ...

વધુ આગલા ભાગ માં...