ભાગ ૮
માયાએ ઘરે પરત આવીને તરત જ મોહ અને સત્યમના માતા-પિતાને માંડીને વાત કરી. મોહએ કહ્યું કે તેણે સત્યમના પત્રની રાહ જોવી જોઈએ અને તેને વિશ્વાસ હતો કે સત્યમ ચોક્કસ તેના માતા-પિતાને મળશે અને કદાચ બંસરીને પણ. થોડા સમય માટે મોહને ચિંતા થઇ આવી કે ક્યાંક તે બંસરીને ખોઈ દેશે? જો બંસરીને તેના અસલી પિતા વિષે જાણ થશે તો? પછી પોતે જ પોતાને સાંત્વના આપી કે એવું કંઈ જ નહિ થાય અને બંસરી પોતાના પાસે જ રહેશે. માયાએ જાણે મોહનું મન વાંચી લીધું હોય તેમ મોહને બેડરૂમમાં આવવા કહ્યું, મોહ તેને રૂમ સુધી અનુસર્યો. મોહના રૂમમાં ગયા બાદ માયાએ તેના પાછળ દરવાજો બંધ કર્યો અને મોહને પોતાની તરફ ફેરવ્યો અને પૂછ્યું કે શું થયું? મોહથી ના રહેવાયું એટલે તેણે માયાને પોતાના મનની વાત કરી. માયાને જાણે પ્રેમ ઉભરાયો મોહ પર અને તેને જોશથી આલિંગન આપ્યું, આ વખતે મોહે પણ માયાને વળતું આલિંગન આપ્યું. માયાએ કહ્યું કે તે નાહકની ચિંતા કરે છે અને બંસરી કશે જવાની નથી આપણને છોડીને. મોહને “આપણને” સાંભળીને આનંદ થયો અને તેને થોડી રાહત થઇ.
ધાર્યા પ્રમાણે સત્યમનો પત્ર આવી પહોચ્યો અને તેણે માતા-પિતાને તથા બંસરીને ક્યાં અને ક્યારે મળવું તે જણાવ્યું. નિર્ધારિત દિવસે અને સમયે મોહે જાતે તે લોકોને સત્યમે જણાવેલા સ્થળે ઉતાર્યા અને તેમની મીટીંગ પતે પછી પોતે લેવા આવશે તેમ જણાવીને તે નીકળી ગયો. સત્યમને જોઇને તેના માતાના આંસુ અટકતા જ નહોતા, જયારે તેના પિતા મક્કમ તો હતા પરંતુ અંદરખાને તો તે પોતે પણ ભાવુક થઇ ગયા હતા. સત્યમની માં એ તેને હાલ ને હાલ ઘરે પાછો આવવા વિનવ્યો પરંતુ સત્યમે ના પાડી અને કહ્યું કે તે જેમ ચાલે છે તેમ ચાલવા દેવા માંગે છે અને તેનું ઘરે પાછા આવાનું જરા પણ મન નથી, તે નહોતો ચાહતો કે તેના ઘરે પાછા આવાથી લોકોને એમ થાય કે માયાએ પણ પરત ફરવું જોઈએ પોતાના પતિ પાસે, જે તેણે મનમાં વિચાર્યું પણ પોતાના માં-બાપને કહ્યું નહિ. બંસરી તો ચુપચાપ બેસી રહી હતી કેમકે તે ફોટો પરથી તો જાણતી હતી કે સત્યમ જ તેના અસલી પિતા છે પરંતુ તેને કેવી રીતે તેના સાથે વર્તવું સમજાયું નહિ. સત્યમે બંસરી સાથે લાડ તો લડાયા પણ સંકોચ સાથે કેમકે તે બંસરીના મનમાં મોહનું સ્થાન લેવા નહોતો માંગતો. ૩-૪ કલાક મળીને તેઓ છુટા પડ્યા અને સત્યમે કહ્યું કે તે અવારનવાર મુંબઈ આવતો રહેશે અને તેના માં-બાપને ચોક્કસ મળશે. બંસરીને મળવાનો તેણે વાયદો કર્યો નહિ જે તેના માં-બાપને થોડું અજુગતું લાગ્યું કેમકે કયો પિતા પોતાની દીકરીથી આવો અલગ રહી શકે. મોહ તેમને આવીને તેડી ગયો. ઘરે જઈને તેમણે માયાને જે કંઈ પણ વાતચીત થઇ તે કહી અને બીજા દિવસની ટીકીટ કરાવી આપવાનું કહ્યું જેથી તેઓ મુંબઈ પાછા જઈ શકે, માયાએ થોડા દિવસ રોકાઈ જવા ઘણું કહ્યું પરંતુ તેઓ ના માન્યા. તેઓ ગયા બાદ બધું પાછુ હતું તેવું ને તેવું રૂટીન ચાલુ થઇ ગયું. સત્યમ પણ વિના ભૂલે પત્ર લખતો રહેતો પણ માયા કોઈ પ્રત્યુત્તર આપી શકતી નહિ કારણકે સત્યમ પોતાનું ઠેકાણું લખતો જ નહોતો. આ બધામાં મોહ જાણે એકદમ ચુપ જ થઇ ગયો હતો કારણકે તેણે સતત ડર રહ્યા કરતો કે ક્યાંક તે પાછી માયાને ખોઈ ના બેસે આટલા વર્ષો પછી ફરીથી. તે સતત માયાના સંપર્કમાં રહેતો, બંસરી માટે પણ વધારે પડતો જ કાળજી લેતો થઇ ગયો હતો, માયાને તેના માતા-પિતાના ત્યાં પણ એક રાત રોકાવા નહોતો દેતો, બંસરીને જાતે સ્કુલે લેવા-મુકવા જવા લાગ્યો. માયાને આ બધું બહુ મોડેથી ખબર પડી.
માયા ઓફીસમાં મીટીંગમાં વ્યસ્ત હતી તો તે મોહનો ફોન રીસીવ ના કરી શકી. મોહે ૧૦-૧૫ વાર ફોન કર્યા તો પણ જવાબ ના મળતા તે સીધો માયાની ઓફીસ પહોચી ગયો. સિક્યુરીટી ગાર્ડે ઘણો સમજાયો કે તે અંદર નહિ જઈ શકે કેમકે મીટીંગમાં કોઈ પણ બહારની વ્યક્તિને મંજુરી નથી પણ તે ના માન્યો અને તેના સાથે ઝઘડવા લાગ્યો. એટલી હદે ઝગડયો કે અવાજ છેક મીટીંગમાં પહોચી ગયો તો બધા બહાર આવી ગયા, માયાએ આવીને જોયું તો મોહ હતો. તેને ઘણી શરમ આવી બધાને કહેતા કે તે તેનો પતિ હતો એમ. તેણે બધાની માફી માંગી અને મોહને ઘરે જવા કહ્યું. મોહ ગુસ્સામાં જતો રહ્યો જે માયા મહેસુસ કરી શકી.
સાંજે ઘેર આવીને જોયું તો મોહ હાજર ન હતો એટલે માયાએ થોડો સમય બંસરી સાથે વિતાવ્યો અને તેને જમાડીને સુવડાવી દીધી. મોહ ક્યારેય એટલું મોડું આવતો નહિ પણ તે દિવસે તે છેક ૧ વાગ્યા પછી ઘરે આવ્યો, માયા તેની રાહ જોઇને જ બેઠી હતી, તે આવીને સીધો બેડરૂમમાં જતો રહ્યો, તેણે માયાને જોઈ છતા ના જોઈ હોય તેમ તે જતો રહ્યો.માયા તેના પાછળ રૂમમાં ગઈ, જઈને જોયું તો મોહ તેમ જ સુઈ ગયો કપડા બદલ્યા વગર. માયાએ એ.સી. ચાલુ કર્યું અને તેને સરખી રીતે સુવાડ્યો અને તેના બાજુમાં જ બેસી રહી અને મોહના માથે હાથ ફેરવવા લાગી, મોહને થયું કે કોઈ તેના માથે હાથ ફેરવી રહ્યું છે પણ તે એટલો ઊંઘમાં હતો કે તેણે જાગીને જોયું પણ નહિ અને તેમ ના તેમ સુઈ ગયો. માયા આખી રાત તેની બાજુમાં એમજ બેસી રહી. સવારે ઉઠીને મોહે જોયું તો માયા તેના બાજુમાં જ બેઠા બેઠા સુઈ ગયેલી અને તેનો હાથ હજી પણ મોહના માથા પર જ હતો. મોહે તેનો હાથ હટાવીને પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયો અને તૈયાર થઈને ઓફીસ જવા પણ નીકળી ગયો. આજે તે બંસરીને સ્કુલે મુકવા સુદ્ધા ન ગયો. માયાનું અલાર્મ વાગ્યું ત્યારે છેક તેણે એહસાસ થયો કે તેણે બંસરીને સ્કુલે મુકવા જવાનું છે અને ઓફીસ માટે પણ પોતે મોડી થઇ જવાની છે. એક સેકંડ માટે તેને મોહ પર બહુ જ ગુસ્સો આવ્યો કે આવી રીતે તે પોતાની જવાબદારીઓ માંથી છટકી જ કેમ શકે? પછી તેને ગઈકાલની વાત યાદ આવી અને થયું કે કદાચ મોહ હજી પણ પોતાના પર ગુસ્સે છે તેથી તે કહ્યા વિના જ જતો રહ્યો આજે. તેણે ફટાફટ બંસરીને તૈયાર કરી અને પછી પોતે પણ હાંફળીફાંફળી તૈયાર થઈને ઓફીસ માટે રવાના થઇ. આખો દિવસ તેનું મન ઉચાટમાં જ રહ્યું કેમકે આજે તો મોહે તેને લંચ બ્રેકમાં ફોન પણ નહોતો કર્યો, તેને થયું કે આજે તે સામેથી કરે ફોન પણ પછી તે અટકી ગઈ. જેમ-તેમ દિવસ પસાર કરીને તે સીધી મોહની ઓફીસ પહોંચી ગઈ અને ત્યાં જઈને તેને જાણ થઇ કે મોહ તો આજે આખો દિવસ ઓફીસ આવ્યો જ નહોતો. તેણે સવારે જ બધી મીટીંગ અને દિવસના બધા પ્રોગ્રામ રદ કરી દીધા હતા. હવે તેને ખરી ચિંતા થઇ કેમકે ગમે એટલા પ્રોબ્લેમ થાય તો પણ મોહ ક્યારેય પોતાના કામને અસર થવા નહોતો દેતો. તેણે તાબડતોબ મોહને ફોન લગાવ્યો પણ મોહે તેનો ફોન કટ કરી નાખ્યો. તેણે મોહને વોટ્સએપ પણ કર્યું કે તે ક્યાં છે? મને તારી ચિંતા થાય છે. મોહે ટૂંકમાં રીપ્લાય આપ્યો કે તે ઠીક છે અને ઘરે મોડો આવશે. માયા સીધી ઘરે રવાના થઇ.