ઓચિંતી મુલાકાત... Dr. Pritu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓચિંતી મુલાકાત...

ભાગ ૪

પોતાના વાયદા પ્રમાણે મોહ અને માયા દર અઠવાડિયે મળવા લાગ્યા, પોતાના એ જ પ્રિય કેફે માં. ઘણી વાર માયા બંસરીને પણ સાથે તેડી લાવતી. નાનકડા ફૂલના મોઢે મોહ અંકલ સાંભળવું મોહને અતિ પસંદ પડતું. હવે તો માયા પણ ફોન પર ખુશ લાગતીતી, કામના લીધે એનું મન પરોવાયેલું રહેતું હશે એ વિચારે એના માં-બાપ અને સાસુ-સસરા ઘણા ખુશ હતા કે ચલો હવે માયા પોતાની જીંદગીમાં વળી પાછી પાટે ચડી રહી છે. પરંતુ માયાની ખુશીનું કારણ માયા જ જાણતી હતી. મોહને મળવું જાણે રૂટીન થઇ ગયું હતું એના માટે. બંસરી પણ હળીમળી જતી મોહ સાથે. ત્રણ જિંદગીઓ ફરી પાછી મુસ્કુરાઈ રહી હતી. મોહના ઘરે પણ મોહના ખુશ રહેવા પાછળ બધા ખુશ હતા, આટલા વર્ષોમાં પહેલાનો મોહ જો પાછો આવી ગયો હતો.

માયા પોતે પોતાના ઓફીસ કામ અને ઘરકામમાં એટલું પરોવાઈ જતી કે ઘણીવાર એ ઘરે દિવસો સુધી ફોન કરવાનું ભૂલી જતી. પરાણે એના માં-બાપ કે સાસુ-સસરા એને ચહીને ફોન કરતા રેગ્યુલર. વચ્ચે વચ્ચે માયાના માં-બાપ એને મળવા આવતા રહેતા, એ દરમ્યાન મોહને મળવા જવું શક્ય ના થતું. મોહ પણ સમજી જતો હતો કેમકે હવે તો વાટસ-એપ ના કારણે તેઓ રેગ્યુલર સંપર્કમાં રહેતા હતા. બંનેની વાતોમાં પણ ઘણી પરિપક્વતા આવી ચુકી હતી. મોહ હંમેશાની જેમ માયાને એ જ આદર અને માનથી સંબોધતો, જયારે માયા પણ મોહ સાથે પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વર્તતી. તેઓ રવિવારે ગાર્ડનમાં અચૂક મળતા, એ બહાને બંસરીને રમવા પણ મળી જતું અને મોહ-માયા મળી પણ શકતા. લોકોને આ ત્રણને જોઇને વહાલ જ ઉપજતું કે કેટલો સરસ અને પ્રેમાળ પરિવાર છે, પણ હકીકત નો મોહ અને માયા જ જાણતા હતા.

એક દિવસ અચાનક માયાને બંસરીની સ્કુલમાંથી તુરંત આવી જવા ફોન આવ્યો, માયા તો ઘભરાઈ ગઈ કેમકે આવી ઈમરજન્સી આજ સુધી આવી નહોતી. માયા હાંફળીફાંફળી સ્કુલે પહોંચીને જોયું તો બંસરી એક બેંચ પર સુતી હતી. માયા રીતસરની દોડી અને બંસરીને જગાડવા લાગી. એના ક્લાસ ટીચર જોડે જ ઉભા હતા અને માયાને કીધું કે આજે ચાલુ કલાસે બંસરી અચાનક બેભાન થઇ ગઈ. સ્કુલના ડોકટરે તપાસીને કહ્યું કે બંસરી બહુજ નબળી છે, એને બરાબર પોષણની જરૂર છે અને સૌથી વધુ માં-બાપના પ્રેમની. આ સાંભળી માયા પોતાનું રુદન રોકી ના શકી. કારણકે ત્યાં હાજર લોકોને ખ્યાલ હતો કે માયા સિંગલ પેરેન્ટ હતી અને પોતાનાથી થતું બધું કરતી હતી બંસરી માટે. થોડો સમય રહીને બંસરીને હોશ આવી ગયો અને અચાનક મમ્માને સ્કુલમાં જોઇને થોડું અજીબ લાગ્યું એને. માયા તરત એને લઈને ઘર તરફ રવાના થઇ. ઘેર પહોંચીને માં-દીકરીએ પહેલા તો શાંતિથી જમ્યુ પછી માયા બંસરીને લઈને નજીકના ગાર્ડનમાં લઇ ગઈ કેમકે એ જાણતી હતી કે બંસરી એનાથી જરૂર એના મનમાં કોઈ વાત છુપાવી રહી છે. થોડી આડીઅવળી વાતો કરીને માયાએ બંસરીને પૂછ્યું કે શું છે જે પોતાની મમ્માને કહી નથી શકતી? બંસરી હવે એટલી તો મોટી થઇ ગઈ હતી કે મમ્મા કયા સંદર્ભમાં પૂછી રહી છે. તેણે ભોળાભાવે મમ્માને જણાવ્યું કે સ્કુલમાં બધાના મમ્મી-પપ્પા બંને મુકવા-લેવા આવે છે ઘણીવાર. જયારે મારે તો કાયમ તું જ આવે છે. “આજે ક્લાસ માં ટીચરે પપ્પા પર નિબંધ લખવાનો કહ્યો ત્યારે મારા પાસે કઈ લખવા માટે હતું જ નહિ મમ્મા.” આટલુંક કહેતા તો બંસરી રડવા લાગી, માયા એને વળગી પડી. માયાને હવે સમજાયું કે પોતાનું આટલુંઅમથું નાનું ફૂલ કેટકેટલું મગજમાં સંઘરી રાખતું હશે. બંસરીનો ફેવરીટ આઈસક્રીમ ખવડાવીને આજે તો માયાએ એનું મન બીજે વાળી દીધું પણ એને ખબર હતી કે આ બાબત જલ્દીથી પાછી એના સામે આવીને ઉભી રહેશે.

સામાન્ય રીતે માયા મોહને ફોન કરવાનું ટાળતી, પણ આજે એણે મોહને સાંજે મળવા માટે કહ્યું, કેમકે એ શહેરમાં મોહ સિવાય એનું કોઈ મિત્ર હતું નહી અને બંસરીના બનાવ પછી એનું મન કેમેય કરીને કશે લાગતું નહોતું. પોતે પોતાની દીકરીની માં તો બની શકી પરંતુ બાપ ના બની શકી એનો એને ભારે અફસોસ થતો હતો આજે. એને બસ પોતાના મનનું બધું કોઈને કહી દેવું હતું જેથી એ થોડું હળવું અનુભવ કરે. મોહ આવ્યો ત્યારે માયાના ચહેરાને જોઇને જ સમજી ગયો કે જરૂર કોઈ ગંભીર બાબત લાગે છે. પહેલા તો બંને માટે કોફી મંગાવી અને પછી માયાને થોડું ઠીક લાગતા એણે માંડીને વાત કરી. મોહએ પૂછ્યું કે તો હવે તે શું વિચાર્યું છે? માયા પાસે આનો ખરેખર કોઈ જ જવાબ હતો નહિ. કેમકે એ માનસિક રીતે હજી પણ બીજા લગ્ન માટે તૈયાર નહોતી અને એને લાગતું હતું કે કોણ એણે પોતાની દીકરી સાથે સ્વીકાર કરશે કે કેમ? આપણો સમાજ ગમે એટલો આગળ વધે પરંતુ હજી પણ ઘણી બાબતોમાં આપણે આપણી માનસિકતામાં પછાત જ છીએ, જેમકે ફરીથી લગ્ન કરવા, અને વધુ મુશ્કેલ જયારે તમારે એક સંતાન હોય. આપણે આસાનીથી લોકોને બીજી વારનો ચાન્સ જ આપવા નથી માંગતા. માયાએ મોહનું મંતવ્ય જાણવાનો પ્રયત્ન કર્યો, અને જવાબ માં મોહએ કહ્યું કે તેણે હવે પોતાની જીંદગીમાં આગળ વધવું જોઈએ, પોતાના માટે નહિ પરંતુ બંસરી માટે થઈને તેણે ખરેખર શાંત મગજે વિચારવું જ રહ્યું. માયાને પણ તે વાત સાચી લાગી, પોતે તો જેમતેમ કરીને જીંદગી કાઢી નાખશે પણ બંસરી તો હજી નાની જ છે અને તેના આગળ તેનું બાળપણથી લઈને આખુ ભવિષ્ય ઉભું છે. અને બાપ વિનાની દીકરીઓની હાલત તેણે આટલા વર્ષોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોઈ જ છે, આ શું આપણો સમાજ પુરુષપ્રધાન હતો અને હજી પણ છે જ અને કદાચ લોકોની રૂઢીચુસ્ત વિચારસરણીને કારણે આગળ પણ રહેશે જ. માયાને સાચે આ બાબતમાં વિચારવાનું મન થયું આખરે. મોહનો આભાર માનીને પોતે ઘર માટે રવાના થઇ. મોહને અચાનક આ તક ઝડપી લેવાનું એક ક્ષણ માટે મન થયું પરંતુ તેને એ પણ ડર હતો કે ક્યાંક માયા પોતાને એના પર દયા કરી રહ્યો છે એવું ના લાગે અને કદાચ એના લીધે માયા એની સાથે મિત્રતા પણ તોડી નાખશે એવું લાગ્યું એટલે એણે એ ઈચ્છાને ત્યાં જ મારી નાખી. પોતે પણ પોતાના કામમાં પરોવાઈ ગયો. ઘણા દિવસો સુધી તેઓ મળ્યા પણ નહિ અને મોહએ માયાને પોતાનો સમય લેવા માટે થઈને મળવા માટે કહ્યું પણ નહિ, એ જાણતો હતો કે માયાને જરૂરીયાત મહેસુસ થશે એટલે સામેથી પોતાનો સંપર્ક કરશે જ. અને થયું પણ એવું જ, એક સાંજે માયાનો ફોન આવ્યો કે આજે સાંજે આપણે મળીશું. તેઓ મળ્યા, માયાએ ભાર દઈને પોતાની ઈચ્છા દર્શાવી. બંસરીને તો એમપણ મોહ સાથે ફાવતું જ હતું, માયાએ મોહને પોતાના સાથે લગ્ન કરવા પ્રસ્તાવ મુક્યો. મોહને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો બેસતો કેમકે એણે જરા પણ આ વસ્તુ વિચારી નહોતી. માયાએ વિસ્તારથી બધું વાત કરી કે તેણે પોતાના માં-બાપ અને સાસુ-સસરા બધાની પરવાનગી લીધી છે પછી જ આ વિષે વિચાર્યું છે અને પોતે માત્ર ને માત્ર પોતાની દીકરી બંસરી માટે થઈને બીજા લગ્ન કરવા જઈ રહી છે, કારણકે એણે પતિ કરતા વધુ પોતાની દીકરી માટે પિતાની વધુ જરૂર છે. મોહ પોતાને રોકી ના શકયો અને માયાને ત્યાં ને ત્યાં વળગી પડયો એ પણ એકદમ જોશથી. માયા મોહના જોર જોર થી ધડકી રહેલા હૃદયના ધબકારાને સાંભળી શક્તિ હતી. એ એમનું બીજું આલિંગન હતું પણ આજે એ એકતરફી હતું, માત્ર મોહ તરફથી. માયા થોડી અળગી થતા બોલી “મોહ, તને કંઇક કહેવા માંગું છું.” “તું આપણા લગ્ન પછી બેશક મારી દીકરીનો પિતા બની શકીશ પણ હું કદાચ તારી પત્ની ના બની શકું. એ માટે હું અત્યારથી તારી માફી માંગું છું.” મોહને નવાઈ ના લાગી કેમકે તે જાણતો હતો કે માયા આવું કહી શકે છે. મોહએ માયાના બંને હાથ પોતાના હાથમાં દબાવીને કહ્યું “મારા તરફથી તારા પર કોઈ જાતનું દબાણ નથી માયા, ના હતું કે ના હશે. હું તારા પતિ બનવાની સાથે બંસરીનો કર્તવ્યનિષ્ટ પિતા બનવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. હું તારી ભાવનાઓને ક્યારેય ઠેસ ના પહોચે એનું ધ્યાન રાખીશ.” આજે બે હૃદય ખુશ હતા, એક પોતાની દીકરીનો પિતા પામીને જયારે બીજું વર્ષો જુનો પ્રેમ પોતાના જીવનસાથી તરીકે પામીને.

બીજા જ મહીને માયાના માં-બાપ અને સાસુ-સસરા આવી પહોચ્યા અને આર્યસમાજમાં મોહ અને માયાના પરિવારજનોની હાજરીમાં લગ્ન થયા. આટલા બધામાં સૌથી ખુશ બંસરી હતી, અને આખરે એના માટે તો થઇ રહ્યું હતું આ બધું તો એના ખુશ થવું સ્વાભાવિક હતું. માયા માટે આ બધું સહેલું નહોતું કેમકે આજે પોતે કોઈને ફરી વાર પત્ની છે, માતા તો હતી જ, પાછુ સાસરે જવાનું, પાછુ બધું નવેસરથી શરુ કરવાનું. આખરે દુનિયાની સામે તો એને મોહની પત્ની જ બનીને રહેવાનું હતું, અંદરખાને શું હકીકત હતી એ માત્ર મોહ અને માયા જ જાણતા હતા. બધું ઠેકાણે પડતું જતું હતું. હવે કેફેમાં માત્ર એક કપલ જ નહિ પરંતુ તેમની દીકરી પણ તેમને સાથ આપતી હતી.

એક સવારે માયા પર એક પત્ર આવ્યો અને જાણે માયાને નાનો હૃદયરોગનો હુમલો આવી ગયો કેમકે પોતે એ અક્ષરોને બહુ સારી રીતે ઓળખતી હતી.

કોનો હતો એ પત્ર?

વધુ આવતા અંકે...

પ્રિતુ રાણા

વ્યવસાયિક ચિકિત્સક