ભાગ ૭
મોહ માયાને પોતાના બંને હાથોમાં ઉપાડીને તેમના બેડરૂમ તરફ આગળ વધ્યો. માયાને કિંગ સાઈઝ બેડ પર સુવડાવી તેણે દરવાજો બંધ કર્યો. અત્યાર સુધી માયા મોહના અંતરમનને સમજી ચુકી હતી પરંતુ તેણે આજે કોઈ જાતની આનાકાની કરી નહિ કારણકે આટલા વર્ષોની તડપ આજે તેને પૂરી કરવી હતી. મોહ માયાની બાજુમાં આવીને આડો પડયો, કશું જ બોલ્યા વગર તેણે માત્ર માયાના બંને હાથ પોતાના હાથમાં લીધા અને છતને તાકીને સુઈ રહ્યો. માયા મોહ તરફ સરકી અને મોહની છાતી પર પોતાનું માથું મૂકી પડી રહી. મોહ માયાની પીઠને પસવારી રહ્યો. બંનેએ ઘણો સમય આ રીતે જ પસાર કર્યો. હળવેકથી માયા મોહના મુખ પાસે પહોંચી અને મોહ કંઇક કરે એવી અપેક્ષા સાથે પણ મોહ જરા પણ હાલ્યો નહિ. માયાને ત્યારે મોહના શબ્દો યાદ આવ્યા કે તે પોતે ક્યારેય તેનો પતિ હોવાનો હક નહિ જમાવે અને કોઈ પણ જાતની બળજબરી નહિ કરે. માયાના કોમળ હાથોનો સ્પર્શ મોહને રોમાંચ આપી રહ્યો... મોહનું મુખ પોતાના તરફ ફેરવીને માયાએ તેને તસતસતું ચુંબન આપ્યું, મોહ અવાચક થઇ ગયો અને તેણે મોઢું બીજી બાજુ ફેરવી દીધું. માયાએ પૂછ્યું શું થયું? ત્યારે મોહે કહ્યું કે તેને એવું ના લાગવું જોઈએ કે તે મોકાનો ફાયદો ઉઠાવી રહ્યો છે. આ સાંભળી માયા થોડું મલકાઈ. આ જોઈ મોહથી પણ હસી પડાયું.
પછી તે માયા તરફ પડખું ફેરવીને સુઈ રહ્યો અને માયાના ચહેરાને તાકી રહ્યો, માયા શરમાઈ ગઈ. મોહ આવું ના જુઓ પ્લીઝ...તેનાથી બોલી ઉઠાયું. ક્યાં હતી તું માયા? કેમ દુર જતી રહી હતી? તને કંઈ અંદાજ પણ છે તારા પછી મારી શું હાલત થઇ હતી એનો? હું દરેક સ્ત્રીમાં માયાને જ શોધતો, મારી માયાને. આવું ઘણું બધું મોહને કહેવાની ઈચ્છા થઇ પણ તે ચુપ રહ્યો. થોડી સેકંડ બાદ બંને એકબીજાના અધરોની તરસ છીપાવી રહ્યા. બંને જણા એકબીજામાં ક્યારે ઓતપ્રોત થઇ ગયા તેનો તેમને ખ્યાલ જ ના રહ્યો. માયાના ચહેરા પર ગજબની કાંતિ હતી, જે મોહ અનુભવી શકતો હતો. પરમસુખ પામ્યા બાદ બંને જણા થોડી વાર માટે આલિંગનમાં પડ્યા રહ્યા. હવે પોતે સત્યમના પત્રો વિષે શું કરવાની છે તેમ મોહે માયાને પૂછ્યું. માયાએ વિચાર્યું કે હવે તો સત્યમના માતા-પિતા અને પોતાના માં-બાપને વાત જણાવવી જોઈએ. તે વિચારે એણે બંને ઘરે વારફરતી ફોન કરીને જણાવ્યું. સત્યમના માતા-પિતા તો વિશ્વાસ જ કરી ના શક્યા કે સત્યમ હજી જીવે છે અને આટલા વર્ષોથી તે તેમના સામે નહોતો આવ્યો. તેઓ તાબડતોબ માયા પાસે આવે છે તેમ જણાવ્યું. માયાએ ઘણી આનાકાની કરી કેમકે તે પહેલા એકલી સત્યમને મળવા માંગતી હતી, પણ સત્યમના માં-બાપ ના માન્યા. તેઓ બીજા જ દિવસની ફલાઈટ પકડીને આવી પહોંચ્યા. મોહે તેમની આગતાસ્વાગતામાં કોઈ કમી ના રાખી. બંસરી દાદા-દાદીને અચાનક આવેલા જોઈ રાજી રાજી થઇ ગઈ. તેઓ શરૂઆતના પત્રો વાંચતા વેંત સમજી ગયા કે ચોક્કસ આ અક્ષરો સત્યમના જ હતા. માયા સત્યમના નેક્સ્ટ પત્રની આતુરતાથી વાટ જોવા લાગી.
આદત મુજબ પત્ર એના સમય પર આવી પહોંચ્યો અને સત્યમે માયાને મળવા માટે આજીજી કરી અને કહ્યું કે પોતે એકલી જ આવે મળવા, બંસરીને પણ સાથે ના લાવવા કહ્યું. માયા ઘણી નર્વસ થઇ ગઈ પણ મોહે તેણે હિંમત આપી અને કહ્યું બધું બરાબર જ થશે માટે તેણે બિન્દાસ સત્યમને મળવા જવું જોઈએ. સત્યમે દર્શાવેલા તારીખ અને સમય પર માયા એકલી પહોંચી ગઈ. થોડો સમય રાહ જોયા બાદ એક રીક્ષામાંથી સત્યમ ઉતર્યો. માયાની જિંદગી જાણે ત્યાં જ થંભી ગઈ. તે સીધો માયા તરફ આગળ વધ્યો. માયા હજી પણ ત્યાં જ સ્તબ્ધ ઉભી હતી. તેણે માયા પાસે આવીને હાથ આગળ કર્યો પણ માયાએ કંઈ પ્રત્યુત્તર ના આપ્યો. તેઓ અંદર કેફેમાં જઈને બેઠા. છેલ્લેથી બીજા પત્રમાં સત્યમે જે ખુલાસો કર્યો હતો તે બાદ માયા તેના સામે નજરો મેળવી શક્તિ નહોતી, તેનો અંદાજ આવતા સત્યમે કીધું કે ભૂલી જા જે થયું એ. હું ખુશ છું કે મારી દીકરીને પિતા મળી ગયો અને તને તારો પસંદીદાર જીવનસાથી. પણ હા, દુખી એટલે છું કેમકે હવે તારો સાથ નથી. માયાએ કહ્યું કે તેણે સત્યમને શોધવાના બને એટલા પ્રયત્નો કર્યા હતા પણ નિરાશા જ સાંપડી હતી. માયા થોડી ગુસ્સે પણ હતી કેમકે આટલા વર્ષો દરમ્યાન સત્યમને બધું જ જાણ હતી અને તેમ છતાં તે ગાયબ હતો, પોતાની દીકરીથી પણ. સત્યમે માફી માંગી અને કીધું કે હું બસ એ જ આશામાં હતો કે તને તારો પ્રેમ મળી જાય. માયા ખીજાઈ ગઈ કે આટલું મહાન બનવાની જરૂર નહોતી, એતો એવી કોઈ કોમળ ક્ષણ હશે કે તેનાથી મોહનું નામ લેવાઈ ગયું હશે પરંતુ લગ્ન બાદ તે માત્ર ને માત્ર સત્યમને જ વફાદાર રહી હતી (ગઈ કાલ સુધી- તેવું માયા મનમાં બોલી). સત્યમે કીધું કે તેની તેને જાણ હતી પણ તે ખરેખર માયાને મોહ સાથે જોવા માંગતો હતો. માયાએ સત્યમને કીધું કે તેના માં-બાપ અહિયાં જ છે અને તેને મળવા માંગે છે. સત્યમે કીધું કે તે જણાવશે ક્યારે મળવું એમ. તે સાથે જ બંને છુટા પડ્યા...
વધુ આવતા અંકે...
પ્રિતુ રાણા
વ્યવસાયિક ચિકિત્સક