ભાગ ૫
કંઇક અજુગતું લાગતા મોહથી માયાને પુછાઈ ગયું કે બધું બરાબર છે ને? માયાને એ સમયે મોહને કહેવાનું ઉચિત ના લાગ્યું એટલે એણે હા પાડીને વાત ત્યાં જ પતાવી દીધી અને મોહએ માની પણ લીધું. મોહના ગયા બાદ માયાએ તરત જ એ પત્ર પોતાના બેગમાં મૂકી દીધો અને બંસરીને તૈયાર કરવામાં પરોવાઈ ગઈ. બંસરીને સ્કુલે મુકીને માયા ઓફીસ પહોંચી અને પોતાના ક્યુબીકલમાં બેસીને તરત પત્ર કાઢીને વાંચવા લાગી.
“કેમ છે, માયા? મને નહોતી ખબર કે તું મારી રાહ નહિ જુએ. લોનાવલાના દિવસો મને હજી પણ યાદ છે. તને પણ હશે જ કદાચ એવી આશા રાખું છું. બંસરીને જોઈ હતી, ખુબ ખુશ હતી. હવે એટલું તો નક્કી છે કે તને ખબર પડી જ ગઈ હશે કે આ પત્ર તને કોણ મોકલી રહ્યું છે.”
આટલુંક વાંચતા તો જાણે માયા અર્ધબેભાન જેવી થઇ ગઈ, કપાળે પરસેવાની સેરો ફૂટી નીકળી અને હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. રૂમાલથી પરસેવો લુછીને માયાએ આગળ વાંચવાનું ચાલુ રાખ્યું. “હવે તને એમ થતું હશે કે કેમ આટલા વર્ષો પછી તને હું આમ પત્ર લખી રહો છું. આટલા વર્ષો હું ક્યાં હતો? તમે લોકોએ મને બહુ શોધ્યો અને તેમ છતાં હું ના મળ્યો અને એવું ઘણું બધું. કંઇક તો કારણો હશે જ ને? મારા અચાનક ગાયબ થઇ જવા પાછળ. ચાલ, હવે પછી ફરી ક્યારેક તને પત્ર મોકલીશ. ત્યાં સુધી આવજો. બંસરીને બહુ જ બધો પ્રેમ.” માયાને કશું ખબર જ ના પડી કે એ શું કરે. મોહને કહેશે તો તે ચિંતા કરશે અને નહિ કહે તો એને ચેન નહિ પડે. આખો દિવસ તેણે એ જ અસમંજસમાં કાઢી નાખ્યો. આખરે તેણે સત્યમના હવે પછીના પત્રની રાહ જોવાનું નક્કી કર્યું પરંતુ એમાં પણ એક સમસ્યા હતી, ક્યાંક એ પત્ર મોહના હાથમાં આવી ગયો તો? મોહ પોતાના વિષે શું વિચારશે? તે આખી રાત તેણે પડખા ફેરવીને કાઢી નાખી. મોહને ખ્યાલ તો આવી જ ગયો હતો કે કંઇક તો બાબત છે જે માયા તેનાથી છુપાવી રહી છે પણ તેણે માયાને ઠીક લાગશે ત્યારે કહેશે એમ માની જવા દીધું.
એ વાતને અઠવાડિયું વીતી ગયું ત્યારે સવારે ફરી પાછો માયાના નામ એ પત્ર આવ્યો. આ વખતે પણ નસીબજોગે માયાએ જ પત્ર રીસીવ કર્યો એટલે ઘરમાં બીજા કોઈને જાણ ના થઇ. માયાએ બહુ પ્રયત્નો કર્યા કે કઈ જગ્યાએથી પત્ર આવે છે જેથી તે સત્યમ સુધી પહોંચી શકે પરંતુ સત્યમ એવું કંઇ પણ નિશાની છોડતો જ નહોતો કે માયા તેના સુધી પહોંચી શકે. વળી પાછા ડર સાથે માયાએ પત્રને પોતાના ઓફીસ બેગમાં મૂકી દીધો અને ઓફીસએ પહોંચીને વાંચશે એવું નક્કી કર્યું. મોહ આટલા દિવસોથી નોટીસ કરી રહ્યો હતો કે માયા કોણ જાણે કેમ આટલી બેચેન રહે છે. તેણે માયાને સાંજે ઓફીસથી આવીને પૂછવાનું વિચાર્યું. માયા ઝટપટ ઓફીસ પહોંચી અને પત્ર ખોલીને બેઠી. “કેવું ચાલે છે તારું લગ્નજીવન, માયા? આખરે તો તું બહુ ખુશ હોઈશ ને? પોતાના પ્રેમી સાથે લગ્ન કરીને? મને ખાતરી હતી કે તું મારા પત્રની બહુ આતુરતાથી વાટ જોતી હોઈશ. તું જાણવા નથી માંગતી? કે હું ક્યાં છું? આટલા વર્ષો ક્યાં હતો? હવે હું કેવો લાગુ છું? મને તારી લાઈફની અત થી ઇતિ કેમનું ખબર છે? ધીરે ધીરે તને બધા સવાલના જવાબ આપતો રહીશ. ચિંતા ના કરીશ. હું તારી નવી જિંદગીમાં બાધારૂપ બનવા નથી આવ્યો. આવજે.” માયા પત્રને એકીટશે નીરખી રહી, જયારે તે મારી જિંદગીમાં દખલરૂપ બનવા આવ્યો જ નથી તો પોતાને પત્ર કેમ લખે છે? આખરે સત્યમના મનમાં ચાલી શું રહ્યું છે? શું પોતે ખરેખર આ વાત લાંબા સમય સુધી મોહથી છુપાવી શકશે કે તેણે બને એટલું જલ્દી એને કહી દેવું જોઈએ? માયાનું દિમાગ ચકરાવે ચઢી ગયું.
સાંજે પહોચીને તેણે મોહને થોડી વાત કરવી છે તેમ કહીને બંસરીને દાદી પાસે મુકીને બંને બહાર ગયા. ગાર્ડનમાં પહોંચીને માયાથી રહેવાયું નહિ એટલે તે રડવા લાગી, મોહને ચિંતા થઇ કે શું થયું અચાનક? મોહએ માયાનો હાથ પોતાના હાથોમાં લઈને પહેલા તો તેને શાંત થઇ જવા કહ્યું અને પછી વાત કરવાનું કહ્યું. પોતાનો ડૂસકો શાંત થતા માયાએ પાછલા બે અઠવાડિયામાં સત્યમથી મળેલા પત્રોની વાત કરી. મોહ તો અવાચક થઇ ગયો કેમકે આવું થશે એવી તો એને કલ્પના માત્ર નહોતી. પોતે કેવી રીતે પ્રત્યુત્તર આપવો તેને ના સમજાયું. પોતે શું કરવાનું વિચાર્યું છે તેમ તેણે માયાને પૂછ્યું, જેનો માયા પાસે પણ જવાબ નહોતો. પહેલા તો તેને એમ થયું કે કોઈ તેના સાથે મજાક કરી રહ્યું છે. પરંતુ પછી તેને એ પણ યાદ આવ્યું કે પોતાના અને મોહના સંબંધ વિષે તો તેણે પોતાના માં-બાપ સુદ્ધાને કહ્યું નથી તો પછી સત્યમને કેવી રીતે ખબર પડી. અને જે જે વાતો સત્યમે પત્રમાં લખી હતી તે બધી સાચી હતી એટલે ચોક્કસ આ જે કોઈ પણ હતું એ સત્યમ સિવાય બીજું કોઈ હોવું શક્ય નહોતું. તેને થયું કે સત્યમના માતા-પિતાને તેણે જણાવું જોઈએ પણ પછી થયું તે લોકો ચિંતામાં આવી જશે.
માયાએ શું કરવું જોઈએ?
જાણો આવતા અંકે...
પ્રિતુ રાણા
વ્યવસાયિક ચિકિત્સક