34 - ‘સીધી આંગળીએ ઘી ન નીકળે’
અચાનક મોબાઈલ સ્ક્રીન પર લંડનનો નંબર દેખાય છે. ફોન ઉઠાવતા જ મારા શરીરના રૂવાંડા ઊભા થઇ જાય છે. મારી ચેર પરથી સટાક દઈને ઊભો થઇ જાઉં છું.
એ જ અવાજ, જે સોળ વર્ષ પહેલા સાંભળ્યો હતો, એ જ ભીનાશ, એ જ શબનમી અહેસાસ, એ જ મધુરતા, ચુમાલીસ વર્ષની સ્ત્રી સારાહ એલન સ્ટેઇન અવાજમાં કાયમ છે.
‘માય બેબી, હાઉ આર યુ...?’
‘યસ, આઈ એમ ફાઈન...!’
‘સ્ટિલ ડ્રીમીંગ અબાઉટ મી ?’
‘યસ... નો... યસ... રાઈટનાવ...! બટ...?’
‘હેય... બેબી, યુ આર સ્ટિલ યંગ એન્ડ રોક્સ ?’
‘મેં...બી.’
‘લિસન, મારું નવું પુસ્તક ‘કોપરમેન ધ હિંદુ વોરિયર’ આ વખતે ‘પ્લેટીનમ બુક પ્રાઈઝ’ માટે સિલેક્ટ થયું છે.’ સારાહનો ઉત્સાહથી છલોછલ અવાજ આજે મારા દિલમાં સચવાયેલા રહસ્યોની કડીઓ વેરવિખેર કરી નાખે છે.
‘આઈ નો, પણ હજુ સુધી સમયના અભાવે આ પુસ્તક વાંચી શાયો નથી, આ પુસ્તક પ્રકાશિત થયા પછી ટૂંક સમયમાં જ બેસ્ટ સેલર બની ગયું હતું અને આ બાબતે ભરતનો પણ ફોન આવ્યો હતો.’ રૂટીન પ્રમાણે ફોનમાં જવાબ આપું છું.
‘તું પુસ્તકનું ફ્રન્ટ જોઇને ખુબ ખુશ થઇ જશે, આ પુસ્તકનો જે હિરો છે, જેને તારી કલ્પનામાં ફીટ કર્યો છે અને તારું નામ પણ આપ્યું છે.’ એકીસાથે અતિ ઉત્સાહથી બોલતી સારાહનો અવાજ દિલમાં ઘૂટન પેદા કરે છે.
‘આઈ એમ યોર પુઅર બેબી, આઈ એમ નોટ હિરો...!’
‘માય બેબી, યુ આર માય લાઈફ ટાઈમ હિરો, એન્ડ રાઈટ નાઉ યોર યંગ ફ્રેમ ઇનફ્રન્ટ ઓફ મી...!’
‘જાન્યુઆરી બાર તારીખે તું અને નયનતારા આ એવોર્ડ ફંકશનમાં આવે છે તેની ખાતરી મને હોવાથી તારી અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી થોડા દિવસો મારા માટે અલગ રાખશે તેની પણ મને ખાતરી છે તેથી આ દિવસે હું તારી રાહ જોવાનું છું અને તારી દીકરી તારાને પણ મળવાની બહુ ઈચ્છા છે. થોડા દિવસો પહેલા તેને આપણી બધી પર્સનલ વાત જણાવી હતી. તેને જણાવ્યું કે એલન તેનો પિતા નથી, પણ તું છે.’ સારાહ સતત એકધારું બોલ્યે જાય છે. અતિશય ઉત્સુકતાથી સારાહને પૂછ્યું, ‘તારા કેવી દેખાય છે...?’
‘બિલકુલ તારા જેવી આંખો અને સ્કીન મારા જેવી છે પણ રૂબરૂ જોઇશ ત્યારે આ રહસ્ય પરથી પડદો ઉંચકાય જશે.’ વાફાના અવાજમાં મારા પ્રત્યેની એ જ જૂની લાગણીઓ સજીવન થાય છે.
‘ઓકે... નયનતારા સાથે વાત કરી અને પછી આ તારા મોબાઈલમાં તને જણાવીશ.’
‘બાય... બાય બેબી.’
તારા આજે સોળ વર્ષની થઇ ગઈ હશે ! મારું પોતાનું લોહી અને મારી પુત્રી જેને મેં એક પણ વખત જોવાની કોશિશ કરી નથી ! છેલ્લા પંદર વર્ષમાં અસંખ્ય વખત લંડન ગયો પણ પિતા તરીકે કદી પણ આ દીકરીની યાદ આવી નહિ, મનોમન હું મારી જાતને કોશવા લાગ્યો. અચાનક રૂપતારાનો ચહેરો નજર સામે આવે છે. કદાચ બંનેના ચહેરા એક સરખા દેખાતા હશે ? એ કલ્પના પણ મગજમાં આવવા લાગી છે.
નયનતારાને તારા બાબતે હાલની તકે ચોખવટ કરવી મને જરૂરી લાગી નહી અને નયનતારાને મોબાઈલ કરીને આ વખતે લંડન જવું પડશે એ વાત તેને જણાવું છું અને તેને કાઈ પણ લાંબી પૂછપરછ કર્યા વિના ‘હા’ કહી દીધી.
અચાનક યાદ આવે છે. તારા જો મારી જ પુત્રી હોય તો આપોઆપ તેને જોતા જ ખબર પડી જશે કે આ હિન્દુસ્તાની પુરુષનું લોહી છે અને એલન તો પ્યોર અંગ્રેજ ગોરો છે અને જયારે સારાહને એલન થકી થયેલા બે પુત્રો માર્ક અને માઈકને જોતા જ લોહીનો રંગ વર્તાય જશે. એ રંગભેદ સ્પષ્ટપણે દેખાતો હશે તો અત્યાર સુધી એલન ચૂપ કેમ રહ્યો હશે ? આ બાબતે સારાહ સાથે કઈક સમજૂતી થઇ હશે ? અથવા પશ્ચિમી સંસ્કૃતિમાં આવી બાબત આ ગોરા લોકો માટે ગૌણ છે ?
ફરીથી લંડનની એક નવી સફર શરુ થશે, જે બીઝનેસ ટ્રીપ નહિ પણ એક પ્રચલિત શબ્દ ક્રોસબિડીંગ છે તેનું રહસ્ય જાણવા માટે આ વખતે લંડનની સફર ફરજીયાત કરવાનો ઈરાદો દ્રઢ કરવો પડે છે. લોહી પોકારતું હોય અને આ કાઠીયાવાડી જીવ થોડો અછાનો રહે...!
તારીખ આઠ જાન્યુઆરીનો દિવસ છે. પ્રિયાના ઘરમાં ભોજનને ન્યાય આપી મારા બંને કલેજાના ટુકડા સાથે બાળક બની ગયું છું. મહિનામાં દસ-બાર દિવસ મુંબઈ રહેવાનું હોવાથી મારા ત્રણે સંતાનો સાથે ખાસ્સો સમય વિતાવું છું પણ નયનતારાને મુંબઈ આવવા માટે બેથી ત્રણ મહિનાની વાટ જોવી પડે છે. જયારે જયારે સંતાનોની વાત નીકળે ત્યારે નયનતારાના ચહેરા પર એ મમતાની મૂર્તિની મુસ્કાન જોવા મળે છે. ‘માં’ દુનિયાનો સૌથી ખૂબસૂરત અને માયાળુ શબ્દ મને બહુ ગમે છે.
જાન્યુઆરીની કડકડતી ઠંડી વચ્ચે રૂપતારા એકલી અમારી સાથે લંડન આવે છે. મારા બંને પુત્રોના ધમપછાડા સ્કૂલનું બહાનું બતાવી માંડ શાંત કર્યા હતા અને આ કામ મારે એકલાએ કરવું પડ્યું હતું, કારણ કે ત્રણ વ્યક્તિઓને છાની રાખવાની જવાબદારી નિભાવવી પડી હતી. નયનતારા, વિરમ અને ધરમ આ ત્રણેયને શાંત રાખવા પ્રિયાનો પણ સાથ મળ્યો હતો.
ટર્મિનલ ફોર હિથરો એરપોર્ટ જયારે પહેલી વખત વિદેશી ધરતી પર પગ મુક્યો હતો ત્યારે આ માયાવી સૃષ્ટિએ મને અચંબિત કરી નાખ્યો હતો અને આજે ઊલટું છે. ગુજરાતના ગુજરાતીઓએ યુરોપ અને અમેરિકાને અચંબિત કરી નાખ્યું છે. ૧૯૯૨ નું ગુજરાત અને ૨૦૦૮ નું ગુજરાત યાદ આવતા ટર્કીના મુસ્તફા કમાલપાશાનો અવતાર પુરુષ આજના ગુજરાતનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીમાં દેખાય છે. કમાલપાશાએ જે ટ્રેન્ડ સેટ કર્યો હતો તે આજે ટર્કીમા દેખાય છે અને નરેન્દ્ર મોદીનો એક ટ્રેન્ડ છે તે ધીરે ધીરે હિન્દુસ્તાનમાં સેટ થતો દેખાય છે. પ્રવીણભાઈના શબ્દો અક્ષરશ: સાચા પડે છે. ‘૨૦૦૫ પછીનું આપણું ગુજરાત ક્યાં ને ક્યાં પહોંચી જશે.’
ઓબામાની સરકારમાં સાત જેટલા હિન્દુસ્તાનીઓ, ઇંગ્લેન્ડની ટીમમાં ત્રણથી ચાર હિન્દુસ્તાની મૂળના ખેલાડીઓ રમતા જોવા મળે છે, હિન્દુસ્તાનના બીઝનેસમેન દ્વારા યુરોપિયન કમ્પીઓને ટેક ઓવર કરવાનો ટ્રેન્ડ, રતન તાતાએ કોરસને ટેક ઓવર કર્યા પછી ગોરાઓની કોરસમાં કાગારોળ મચાવવી. લક્ષ્મી મિત્તલ દ્વારા બ્રિટનના મોંઘા આવાસોની ખરીદી, ગુજરાતમાં નેનો કારનું આગમન, અત્યારે ચાલતી દંભી બિનસાંપ્રદાયિકતાના ટ્રેન્ડ વચ્ચે હિંદુ આતંકવાદનો જુઠો પ્રચાર, મુંબઈમાં નવેમ્બર 26-૨૦૦૮ના ઓબેરોય અને તાજ અને કોલાબા પાસે આતંકવાદી હુમલાઓની યાદોની કડવી અને ક્રૂર વાસ્તવિકતા વચ્ચે આજે લંડન શહેરની રંગીનીયતમાં એક રોમાન્સ અને રોમાંચ બંને એકીસાથે દેખાય છે.
૧૦૨૪માં મહમદ ગઝનીએ શિવલિંગ તોડીને ધાર્મિક સ્થાન અને મૂર્તિખંડનનો જે ટ્રેન્ડ શરુ થયો હતો તે ટ્રેન્ડ છેક નવસો વર્ષ પછી ૧૯૯૨ ડિસેમ્બરમાં રીવર્સ થઈને અટકે છે અને એ જ મહિનામાં ૧૧ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ નયનતારા નામની મારી સૌન્દર્યની મૂર્તિ પૂજાની શરૂઆત કરું છું. આજે રહી રહીને સંજય છે કે આપણે હિંદુઓ, શા માટે મુર્તીપુજા કરીએ છીએ ? એ માટે કદાચ આપણું એક પત્નીત્વ જવાબદાર હશે એવું મને લાગે છે.
મેં પણ બુતખીલાફતના માહોલમાં શા માટે રામધુન છોડી, આ વાત દિમાગમાં બેસતી નથી ! બહુ વાંચ વાંચ કરવું એ પણ એક પ્રકારના પાગલપણાની નિશાની છે.
‘રામ...! ભારતીભાભી આપણને લેવા માટે આવી ગયા છે, કે હજુ પણ આ તારા પ્રિય શહેરની ઠંડીમાં ઊભું રહેવું છે.’ નયનતારાનો અવાજ કાને પડતા જ મારી વિચાર્તન્દ્રા તૂટે છે.
અમારી કાર ફરીથી એ જ રસે ચાલે છે. હંસલો વેસ્ટ, હંસલો સેન્ટ્રલ, સાઉથ ઈલિંગ, ડોલીશ હિલ, નિસડન થઈને કિંગ્સબરી પહોંચતા કારને કલાકનો સમય લાગે છે. પ્રવીણભાઈનું ઘર જાણે અમારું પોતાનું જ હોય તેવું લાગે છે અને ૧૯૯૨ પછી ભારતીભાભી સાથે એક જાતની માયા બંધાઈ ગઈ છે. જયારે પણ મને મળે ત્યારે એક જ વાતનો ઉલ્લેખ જરૂરથી કરે છે : ‘તારા કારણેજ મારું ઘર તૂટતા બચી ગયું છે.’ ભારતીભાભી હવે છેતાલીસની આસપાસ પહોંચી ગયા છે પણ આ લંડન શહેરની હવા જ કઈક એવી છે જેમાં જવાનીને બહુ સાચવતા આવડી જાય છે. દિયર-ભાભીની મસ્તી પણ કઈક ઔર હોય છે. ભારતીભાભી મારાથી લગભગ આઠ વર્ષ ઉમરમાં મોટા છે પણ કદી મેં તેને તમે કહ્યું નથી. ૧૯૯૨થી તું-નો વ્યવહાર શરુ થઇ ગયો છે.
ઘરમાં પ્રવેશાતા જ નેવું વર્ષના કડેઘડે દેખાતા ગોકળબાપાનો અવાજ સંભળાય છે : ‘ઈ સંધુય પછી, પેલા મારી ધોળી બીડીઓ મને આપી દે.’
‘નયનતારા ! બાપાના સિગારેટના પેકેટ આપી દે, મારો ભાઈબંધ આ બીડીઓ વગર મરી જશે.’ શું કરું યાર, દિલ કાઠીયાવાડી ખરું ને !
પ્રવીણભાઈના વિશાળ મકાનમાં ઉપરના માળે હવે મારો પરમેનંત એક રૂમ છે. રૂમમાં હું એકલો પહોંચું છું.
નયનતારાના આજે રૂપરંગ અને મિજાજ અલગ છે. અહી સખત ઠંડી હોવાથી ન્યુયોર્કમાંથી ખરીદેલ લાંબો ઓવરકોટ, માથામાં ટોપી, હાથમાં મોજા પહેરેલા હતા. બ્લેક ઓવરકોટ અને બ્લ્યુ જીન્સ પહેરેલી આડત્રીસ વર્ષની નયનતારા આજે બ્રિટીશ ગોરી જેવી દેખાતી હતી. નયનતારા રૂમમાં પ્રવેશતા જ ફરિયાદ કરે છે : આ ઇંગ્લેન્ડની ઠંડી ગાત્રો ગાળી નાખે છે !
એટલે નયનતારાને મેં પૂછ્યું : ‘બ્રાન્ડી પીશું તો ઠંડી ઊડી જશે અને તને વધુ ઠંડી લાગતી હોય તો હું તો છું.’
કબાટમાંથી બ્રાન્ડીની બોટલ અને ત્રણ ગ્લાસ બહાર કાઢ્યા બાદ ત્રણ ગ્લાસ ભરું છું, એટલે નયનતારા મને પૂછે છે : ‘કેમ ત્રણ ગ્લાસ ભારે છે ?’ એટલે મેં કહ્યું, ‘ભારતીભાભી હમણાં અહીયા આવવા જોઈએ...!’
‘કેટલા વર્ષે તમે બંને સાથે લંડન આવ્યા. મને બહુ આનંદ થયો છે.’ ભારતીભાભી અંદર પ્રવેશતા જ પોતાની ખુશી વ્યક્ત કરે છે અને અમારી સામે પડેલા લંડનના ટેબ્લોઈડ એટલે કે અડધિયા અખબારો પડેલા છે તે બતાવતા કહે છે કે ‘છેલ્લા બે મહિનાથી આ લંડનના છાપાવાળાઓ સારાહ એલનની પાછળ પડી ગયા છે.’
એટલે મેં કહ્યું : ‘મને બધી જાણકારી છે.’
‘તને લાગતું નથી કે આ બધી ખણખોદ અને તેના ભૂતકાળ બાબતે લખેલી વિગતો અને સારાહની લાઈફ સ્તાઈલની આલોચના, તેના જૂના સંબંધો વિશેની બધી વિગતો, આ પત્રકારો એક પછી એક લેખમાં પ્રગટ કરે છે, તેના કારણે તને છાંટા ઉડશે તો આપણા બીઝનેસ ફિલ્ડની પ્રતિક્રિયા શું આવશે તેનો અંદાજો છે...?’ ભારતીભાભીને આ બધા અખબારો વાંચીને મારા વિષે થોડી ચિંતા થઇ તેવું લાગે છે.
દર વખતની જેમ નયનતારા આવા કપરા સવાલોનો જવાબ દેવા આગળ આવે છે. નયનતારા તુરત જ જવાબ આપે છે : ભાભી ! આવી બાબતોની સૌથી વધુ અસર લગ્નજીવન પર પડે છે, પણ અહીયા તો કોઈ એવી શંકા ઊભી થતી નથી એટલે આવી બાબતોને ગોસીપ ગણીને ધ્યાનમાં લેવી ના જોઈએ.’
હવે રહીરહીને મારા મનમાં ધ્રાસકો પડે છે. આજ સુધી સારાહની પુત્રી તારા વિષે મેં કદી પણ નયનતારાને વાત કરી નથી. મનમાં ગડમથલ ચાલે છે. બ્રાન્ડીનો અડધો ગ્લાસ ગટગટાવી જાઉં છું. નયનતારાની અને મારી આંખો સામસામે ટકરાઈ છે.
‘અત્યારે સારાહ એલનની બોલબાલા છે. ફાઈનાન્સ એડવાઇઝરી બોર્ડની મેમ્બર છે અને સ્ટેઇન ગ્રુપની સીઈઓ છે. એલન સ્ટેઇનને હવે સારાહની છાયામાં રહેવું પડે છે. સારાહના પુસ્તકો અને તેની કોલમને કારણે હમણાં હમણાં બહુ ચર્ચામાં છે. એમાં પણ આ છેલ્લા પુસ્તકોના અમુક લખાણો સામે આ ગોરાઓ અને અમુક સમુદાયના લોકોએ સખત વિરોધ નોધાવ્યો છે. તે તો આ પુસ્તક વાંચ્યું જ હશે ?’
‘ના...! સમયના કારણે જ વાંચ્યું નથી. પણ આપણા ગુજરાતના અખબારોની કોલમમાં આવતા લખાણો વાંચ્યા હતા પણ ગુજરાતના કોલમવીરોએ રાબેતા મુજબ અંગ્રેજી લેખકોના વખાણ કરવામાં જ વધુ રસ ધરાવતા લેખો લખે છે. તેમાં એ માત્ર આપણા કાઠીયાવાડી લેખકની કોલમની સચ્ચાઈ કોવા મળે છે અને હમણાં હમણાં મોટા લેખકોના પુસ્તકોમાં વિવાદિત લખાણો લખવાની ફેશન થઇ ગઈ છે.’ મારો વિષય નથી એ બાબત પર બોલવું જરા આકરું લાગે છે.
‘જે હોય તે, પણ આજે આપણા ગ્રુપની યુરોપમાં અને બ્રિટનમાં બહુ મોટી વેલ્યુ છે. પંદર વર્ષા પહેલા અને આજના સમયમાં ઘણું બદલાઈ ગયું છે. ભરતભાઈ તો હવે હવામાં ઊડે છે. હમણાં ભરતની પાછળ પણ આ પત્રકારો પડી ગયા છે. અને ભરતભાઈનો થોડો રંગીન મિજાજ પણ જવાબદાર છે અને મીનાક્ષી પણ થોડી બેચેન બની ગઈ છે. ભરત હવે બે દિવસ લંડનમાં રહે છે અને ત્રણ દિવસ બુડાપેસ્ટમાં તેની નવી નવી પ્રેમિકા જોડે રહે છે.’ ભારતીભાભી તેની વ્યથાનું વર્ણન કરે છે.
‘પ્રવીણભાઈની આજે પેલા સ્ટારએજ ફૂડ કોર્પોરેશનવાળા રોલેન્ડ સાથે મીટિંગમાં છે. એટલે રાત્રે મોડા આવશે તો થોડી વાર આરામ ફરમાવી અને આપણે ચારેય આજે કોઈ રેસ્ટોરાંમાં ડીનર લેવા જઈએ તો કેવું રહેશે ?’ નયનતારા અને ભારતીભાભી સામે મારો પ્રસ્તાવ મૂકતાની સાથે બંને ખુશ થઈને મંજૂરી આપે છે.
‘રૂપતારાએ તો અહીયા આવવાની સાથે જ પથારીમાં લંબાઈ દીધું છે.’ નયનતારા જાણ કરે છે.
થોડી વાર પછી અમો ચારેય વ્યુંપાર્ક રેસ્ટોરાંમાં પહોંચીએ છીએ. ગોરાઓ અને પંચરંગી પ્રજાઓથી આ રેસ્ટોરાં હંમેશા ભરેલું હોય છે. રૂપતારાએ પોતાની ફેવરીટ મેક્સિકન વાનગીનો ઓર્ડર આપ્યો. મારે અને નયનતારાને આજે સલાડ છોડીને કઈક નવી વાનગીઓની લહેજત માણવી જોઈએ એટલે થાઈ વેજીટેબલ ફૂડનો ઓર્ડર આપીએ છીએ. ભારતીભાભીએ પણ અમારી જેમ ફૂડનો આનંદ માણવાનું નક્કી કર્યું.
અચાનક આછા પ્રકાશમાં ફ્લેશ લાઈટના ઝબકારા થાય છે. સતત એક-બે મિનીટ સુધી કેમેરાની ફ્લેશ લાઈટ ઝબકતી રહે છે. એટલે નયનતારા બોલે છે : ‘આ કેમેરાવાળા જ્યાં જઈએ ત્યાં પીછો છોડતા નથી. મુંબઈ, દિલ્હી, લંડન કે અમદાવાદ કોઈપણ પબ્લિક પ્લેસમાં આ ફોટોગ્રાફર લોકો પહોંચી જાય છે.’
એક ફોટોગ્રાફર અમારી પાસે આવીને કહે છે : ‘ઇફ યુ ડોન્ટ માઈન્ડ પ્લીઝ...! વી વોન્ટ યોંર ફેમિલી ફોટો.’
‘ઓકે શ્યોર...!’ નયનતારા ફોટો પાડવાની મંજૂરી આપે છે.
‘અહીયા સારાહના એવોર્ડ ફંકશનના બે દિવસ પહેલા લંડનમાં એટલા માટે આવ્યા હતા કે બે દિવસ સુધી કોઈ પ્રકારની ખલેલ પડ્યા વિના આરામ મળી શકે પણ અહીયા આ ફોટોગ્રાફરો પીછો છોડતા નથી.’ હું જરા કંટાળાભર્યા સ્વરે ભારતીભાભીને આ વાત જણાવું છું.
‘રામ...! આ છેલ્લા પંદર વર્ષમાં આપણા ગોકળબાપમાં કોઈ ફર્ક પડ્યો છે ? તેના દીકરાઓની આજે શું પોઝીશન છે તેનાથી તેને કાઈ પણ ફર્ક પડતો નથી અને તે હંમેશા કહે છે : ‘ભારતીવહુ... આ રૂપિયાને શું આપણે ગળે બાંધીને લઈ જવા છે...!’ ભારતીભાભીને હવે એકલતા સતાવે છે. કારણ કે આકાંક્ષા અને મિહિરને ગોકળબાપાની જીદના કારણે હિન્દુસ્તાનમાં અભ્યાસ માટે મોકલી દીધા છે.
આજે અહેસાસ થાય છે કે આ ગુજરાતીઓની પછેડી બહુ લાંબી થઇ ગઈ છે. લાંબી એટલે યુરોપ અને અમેરિકા સુધી પહોંચી ગઈ છે.
ત્રીજે દિવસે સવારના અખબારોમાં નજર નાખવાની ઈચ્છા થતા એક પછી એક લંડનના અડધિયા (ટેબ્લોઈડ)માં ઉપરછલ્લી નજર નાખું છું. એક ટેબ્લોઈડમાં એક દિવસ અગાઉ વ્યુ પાર્ક રેસ્ટોરાંમાં લીધેલો ફેમિલી ફોટો છપાયો છે અને બરાબર તેની બાજુમાં સારાહ, એલન અને તારા તથા માઈક અને માર્કનો ફોટો છપાયો છે અને તેનું મથાળું છાપેલું છે ‘ધ કોપર કનેક્શન સિક્રેટ.’
હવે મને લાગ્યું કે આ પુસ્તક જરૂર વાંચવું પડશે જ, જેના કારણે સારાહ આટલા મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે.
ભારતીભાભી પાસેથી સારાહની આ લેટેસ્ટ બુક માગી અને વાંચવાની શરુ કરું છું. લખાણો વાંચતા જ ખ્યાલ આવે છે કે આ પણ ફેન્ટશી સ્ટોરી છે. સોળમી સદીની શરૂઆતના સમયની વાત છે. એશિયામાં છેલ્લી ચારથી પાંચ સદીઓના અરબસ્તાન તરફથી આવતા ખલીફાઓ અને તેના લશ્કરથી કચડાયેલી એશિયાની મહાસત્તાઓ અસ્તવ્યસ્ત થઇ ગઈ છે, ત્યારે સોળમી સદીની શરૂઆતમાં હિન્દુસ્તાનમાં મહાપ્રતાપી રાજા તુંગભદ્રનો ઉદય થાય છે અને એક પછી એક યુદ્ધ લડીને ઈરાનને પણ રણસંગ્રામમાં હરાવે છે. તુંગભદ્ર અને તેની સેનાના યોદ્ધાઓ પડછંદ અને છ ફૂટ ઊંચા અને શરીરનો તામ્રવર્ણ રંગ, વૃષભદેવની જેમ શિંગવાળા, મુગટો પહેરીને આ સેના ઈરાનના રસ્તેથી ટર્કી (તુર્કીસ્તાન) પહોંચે છે ત્યારે તુર્ક બાદશાહે આ મહાપરાક્રમી યોદ્ધા સામે લડવા સ્પેન, ગ્રીસ, ઇટાલી અને ઈંગ્લેન્ડના યોદ્ધાઓ પોતાના લશ્કરમાં સામેલ કર્યા છે. તુંગભદ્રની સેનાની તૈયારી અને તેના લશ્કરના સૈનિકોની સરખામણી લેખકે આ પ્રકારે કરી છે :
‘હિન્દુસ્તાનની ધરતી પર સુરજના તાપમાં તપેલા નખશીખ તામ્રપુરુષોની આર્યવંશી સેનાના યોદ્ધાઓ સામે આ મિશ્રિત સેનાના યોદ્ધાઓ જેઓ રોમન, ગ્રીક, ઓટોમોન, મુર, સેક્સોન, વાઈકિંગ, નોર્મન, એન્જેવીન અને અરબ વંશના મિશ્રણોથી પેદા થયેલી આ પેઢીના સૈનિકોની સરખામણી કરતા એક જાતવાન ઘોડા અને એક ખચ્ચર જેટલો ફર્ક દેખાય છે.
તુંગભદ્રની સેનામાં જાતવાન ઘોડાઓ, હાથીઓ અને તે સમયના આધુનિક હથિયારો અને જે દેશમાં જીત મેળવેલી તે દેશના રાજાઓના હથિયારો પણ લુંટી અને પોતાની સેનાને વધારે તાકતવર બનાવી છે.
તુંગભદ્ર પોતે મહાપ્રતાપી હોવાથી સાથે સાથે અંતે વિદ્વાન અને ચુસ્ત હિન્દુધર્મી હોય છે. પોતાના વિજયની સાથે સાથે સમ્રાટ અશોકે જેમ બોદ્ધ ધર્મનો પ્રચાર વધાર્યો હતો તેવી જ રીતે તુંગભદ્ર પોતે હિંદુ ધર્મનો પ્રચાર વધારતો જાય છે. પોતે અતિ વિદ્વાન હોવાથી જે દેશમાં વિજય પતાકા લહેરાવે છે તે દેશના ધાર્મિક વડાઓ સાથે શાસ્ત્રોક્ત ચર્ચા કરે છે અને શાસ્ત્રોક્ત ચર્ચામાં શરત મુજબ જે હરે તેને હિંદુ ધર્મ સ્વીકારવો પડે છે પણ તુંગભદ્ર અતિ વિદ્વાન હોવાથી દરેક વખતે શાસ્ત્રોક્ત ચર્ચામાં પોતે વિજય થતો હતો.
તુર્કિસ્તાનની સેનાને તુંગભદ્ર ચાર દિવસમાં રગદોળી નાખી અને પાંચમે દિવસે યુરોપની ભૂમિ પર પોતાનો પહેલા વિજયનો જોરદાર જલસો ગોઠવ્યો હતો. આ જલસામાં તુર્કીસ્તાનની સ્થાનિક નર્તકીઓ જે નાચવા આવી હતી તેની ખૂબસુરતી ઉપર રાજા તુંગભદ્ર મોહી પડે છે ત્યારે તેને વિચાર આવે છે કે આવી ખુબસુરત છોકરીઓના દેશમાં આવા નમાલા યોદ્ધાઓ પાકે છે. તુર્કીસ્તાનની ખુબસુરત છોકરીઓ શોધી શોધીને પોતાના યોદ્ધાઓને ભોગવવા આદેશ આપે છે ને પોતે તુર્કીસ્તાનમાં એક મહિનો આરામ ફરમાવશે તે દરમ્યાન તુર્કિસ્તાનની દરેક ખૂબસૂરત છોકરીઓને ગર્ભવતી બનવવાનો આદેશ આપે છે, જેથી આવનારી પ્રજા તુંગભદ્રના યોદ્ધાઓ જેવી ખડતલ અને મજબૂત બને.
હવે તુંગભદ્રની સેનાના યોદ્ધાઓ અડધા યુરોપમાં કબજો જમાવી દીધો છે. સ્પેન, ગ્રીસ, ઇટાલી અને ફ્રાન્સને હરાવીને બ્રિટન ઉપર આક્રમણ કરવા તેની નૌસેના ફ્રાન્સના દરિયાકિનારે ત્રણ મહિનામાં હજારોની સંખ્યામાં વહાણ બનાવી પોતાની જળસેનાને તૈયાર કરે છે.
તુંગભદ્ર રાજાએ જે દેશને પરાજિત કર્યા છે તે બધા દેશની રાજકુંવરીઓને પોતાની રાણી બનાવી છે. તેમની એક રાનીએ આ તુંગભદ્ર રાજાને કાને એવી વાત નાખી હોય છે કે ‘બ્રિટનની રાજકુમારી પ્રિન્સેસ સારાહ અતિ ખૂબસૂરત અને વિદ્વાન છે. જો તમે તેને શાસ્ત્રોક્ત ચર્ચામાં પરાજિત કરી શકશો તો અમો હિન્દુસ્તાન તમારી સાથે આવીશું. નહીતર અમો અહીયા ઈંગ્લેન્ડમાં રહી જઈશું.’
રાજા તુંગભદ્રની મહાપ્રતાપી સેનાની સામે આધુનિક બ્રિટીશ લશ્કર પણ પગે પડી ગયું હતું. છેવટે તુંગભદ્ર અને પ્રિન્સેસ સારાહ વચ્ચે શાસ્ત્રોક્ત ચર્ચા થાય છે. લગભગ એક મહિના સુધી આ ચર્ચા બંધ બારણે ચાલે છે અને આ ચર્ચા દરમિયાન પ્રિન્સેસ સારાહ અને તુંગભદ્ર એકબીજાની બહુ નજીક આવી જય છે. પછી તો રોજ રાત્રીના રાજા તુંગભદ્ર અને સારાહ કામશાસ્ત્ર અને શતકોના ગ્રંથો ઉપર અભ્યાસ કરીને રોજ નવી સૃષ્ટિના અવનવા આનંદ માણે છે.
લેખકે સારાહ અને તુંગભદ્ર રાજાની કામલીલાના પ્રસંગમાં અમુક એવાં સંવાદો ઊભા કર્યા છે જેથી આ પુરુષ સમાજ વિચલિત થાય છે. આ સિવાય દુનિયાનો કોઈપણ પુરુષ તેને ખચ્ચર જેવો દેખાય છે અને આ ખચ્ચર જેવા પુરુષોને પણ અવનવા રંગો હોય છે. જેમકે લાલ, પીળા, બદામી, રાખોડી, મીટ્ટી જેવા રંગોના હોય છે અને કામલીલાઓનું કામુક ભાષામાં વર્ણન કરેલ છે.
મૂળ આ પુસ્તક તો એક કલ્પના પર આધારિત છે પણ જે ભાષા વાપરેલી છે અને સારાહ બ્રિટનની રાજકુમારી હોવાથી આ ગોરાઓ અને તુર્કી લોકોએ થોડા અપમાનબોધ સામે વિરોધ નોધાવ્યો છે. પણ બ્રિટન જેવા દેશમાં ઈરાન કે આપણા દેશ જેવું ધર્મઝનૂન ન હોવાથી માત્ર પુસ્તકનું લખાણ એક ફેન્ટેસી આધારિત હોવાથી સાહિત્યની અહીયા કદર થાય છે.
છતાં પણ સારાહ એલન સ્ટેઇન આ બ્રીટીશરોને ખુશ રાખવા વાર્તાનો અંત સુખદ રાખ્યો છે. લખે છે કે ‘રાજા તુંગભદ્ર અને પ્રિન્સેસ સારાહ બંને અતિ વિદ્વાન અને બુદ્ધિશાળી હોવાથી છેવટે ત્રણ મહિના પછી રાજા તુંગભદ્ર શાસ્ત્રોક્ત ચર્ચામાં હારનો સ્વીકાર કરે છે. પણ રાજા તુંગભદ્ર તો પ્રિન્સેસની પાછળ દિવાનો થઇ ગયો હતો. વિદ્વાન હોવાથી વૈચારિક અને શાશ્વત સૌન્દર્યનું એક અગમ્ય આકર્ષણ પેદા થયું હતું.
‘પ્રિન્સેસની શરત મુજબ તુંગભદ્ર રાજાને પ્રિન્સેસ સાથે લગ્ન કરી અને અહી બ્રિટનમાં રહેવું પડે છે અને તેના હજારો તામ્ર પુરુષો જેવા યોદ્ધાઓને સ્કોટલેંડ, આયર્લેન્ડ અને જર્મનીમાં મોકલી દેવાય છે. રાજા તુંગભદ્ર અને પ્રિન્સેસ એટલા ગળાડૂબ પ્રેમમાં હર કે આજે પણ ન્યુ કેસલના પેલેસમાં આ બંનેના ભૂત આંટા મારતા દેખાય છે.’
વાફા (સારાહ) સાથેની પ્રથમ મુલાકાતથી છેવટની ઘડી સુધીની એક એક પળ યાદ આવે છે. ચૌદ વર્ષની ઉમરથી મને સાહિત્યનો રંગ ચડી ગયો હતો. ઈતિહાસ વિશેની મારી અમુક નબળાઈઓને સારાહ એલન સ્ટેઇને આ બુકમાં સબળ બનાવીને અમારા બંનેની અંતરંગ પળોને બખૂબીથી વર્ણવી છે. આ બધા સંસ્કૃતના લખાણો કોઈ આપણા ભારતીય પંડિત પાસેથી શીખ્યા હશે અથવા આ પુસ્તકના અનુસંધાન માટે તેની મદદ લીધી હશે.’
ફરી પાછો મને મારો જુનો સમય આદ આવે છે. ત્યારે જિંદગી માખણમાં છરી ફરે તેમ જીવતો હતો. આટલો મોટો બીઝનેસ, આટલી પ્રસિદ્ધિ અને હવે તો દુનિયાના ખ્યાતનામ ‘પ્લેટીનમ બુક પ્રાઈઝ’ વિજેતા બુકમાં મારી બાવીસ વર્ષની ઉમરે જે મારા વિચારો હતા તેના ઉપરથી આખી કલ્પનાની કડીઓને એક પછી એક ગોઠવી અને અક્ષરેઅક્ષરમાં ઉતારી દીધી છે. બુદ્ધિ, વિદ્યા, પાવર અને સ્ત્રી આ ચારેય વસ્તુઓ એકસાથે ભેગી થાય એટલે કેવી અશાંતિ સર્જાય છે અને આ સારાહ તો જાણીજોઈને આવા શબ્દો તેના દરેક પુસ્તકમાં લખે છે. આમે પણ આ પ્રાઈઝ વિજેતા અને મોટા ગજાના લેખકોને એક અલગ ટ્રેન્ડ સેટ કરવા આવું લખવું જરૂરી હોય છે. પણ આજે મને એવું લાગ્યું કે સારાહે લખેલું આ પુસ્તક વાંચતા મારા પ્રત્યેની તેની લાગણીઓ આજે પણ જીવંત છે અને આ લાગણીઓ દર્શાવવા સારાહ એલન સ્ટેઇનને સાહિત્યના મજબૂત માધ્યમનો ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો છે.
પાંચ કલાકમાં તો આખું પુસ્તક વાંચી નાખ્યું અને ફરી પાછા પેલા અખબારમાં પેલા ફોટાઓનું મથાળું યાદ આવતા તે બંને ફોટાઓનું નિરીક્ષણ કરું છું. જોતા જ ખ્યાલ આવી જાય છે કે રૂપતારા અને તારા આ બંને વચ્ચેનું સામ્ય શોધવાનું રહસ્ય લખેલું છે. હવે તો આ વાત બ્રિટીશ અખબારો થકી જગજાહેર થવાની છે અને માટે હવે કઈ પણ ડર રાખવાની જરૂર નથી. નયનતારાને સારાહ તે વખતની વાફા સાથેના સંબંધો વિશે ચોખવટ લગ્ન પહેલાજ થઇ ગઈ હતી. એકવાર કોઈ વ્યક્તિલાઈમલાઈટમાં આવે પછી તેને સતત લાઈમલાઈટમાં રહેવાની આદત પડી જાય છે અને આ માટે કોઈ ને કોઈ ગતકડા શોધવા પડે છે.
મારા પોતાના વિચાર આવતા જ પ્રિયા યાદ આવી જાય છે. ભાઈને સતત લાઈમલાઈટમાં રાખવા પ્રિયા સતત તેના સંબંધનો ઉપયોગ કરે છે અને સામાન્ય ફોટાનો બહુ મોટા પાયે ઉપયોગ કરે છે.
કાદમ્બરી શર્મા નામની મોડેલની યાદ આવે છે. ખ્યાતનામ મેગેઝીન દ્વારા યોજાતી બ્યૂટી કોન્ટેસ્ટમાં રનર્સઅપ થયેલી હતી. બે એડ મળ્યા પછી હવામાં ઉડવા લાગેલી હતી. તેની હવા કાઢવા પ્રિયાએ બનાવેલા પ્લાનમાં મારો ઉપયોગ થયો હતો તે યાદ આવતા જ મને અને નયનતારાને હસવું આવી જાય છે.
પ્લાન મુજબ પ્રિયા અને કાદમ્બરી બંને ખ્યાતનામ રેસ્ટોરાંમાં ડીનર માટે જાય છે. બરાબર અગિયારના સમયે મારે એ રેસ્ટોરાંના પાર્કિંગ લોટમાં તરુણની પજેરો ૨૮૦૦ જીપ લઈને ઊભું રહેવાનું હતું. સામેથી પ્રિયા અને કાદમ્બરી આવતા દેખાય છે. મારી પાસે પહોંચી અને પ્રિયાને અચાનક કઈક યાદ આવતા રહે છે : ‘કાદમ્બરી તું અહીયા બે મિનીટ ઊભી રહે. મારી ચાવી રેસ્ટોરાંમાં ભૂલી ગઈ છું તે લઈને આવું છું.’
ત્યાં અચાનક મારી બાજુમાં ઊભેલી કાદમ્બરી અને મારા ઉપર કેમેરાની ફ્લેશના બે-ત્રણ ઝબકારા ફેંકાય છે. કાદમ્બરી અને મને કાઈ સમજાતું નથી એવો અમો બંને ડોળ કરતા હતા ત્યાં પ્રિયા આવી જાય છે. એટલે પ્રિયા ને મેં કહ્યું કે ‘આ પાર્કિંગ લોટમાં પણ આ કેમેરાવાળા પહોંચી જાય છે.’ એટલે પ્રિયા મારી સામે અને કાદમ્બરી સામે જોઇને કહે છે : ‘કેમેરાની ફ્લેશ, ગ્લેમર, ગર્લ અને બિઝનેસમેન આ ચારેય વસ્તુઓ એકીસાથે સીધી લાઈનમાં આવી જાય તો છાપાવાળાઓને મજા પડી જાય છે.’
બે દિવસ પછીના અખબારોમાં મારો અને કાદમ્બરીનો ફોટો છપાયો છે અને મથાળું છે ‘ગ્લેમર વર્લ્ડમાં પગ મૂકતાની સાથે જ પરિણીત બિઝનેસમેન સાથે રોમાંસ.’
પછી શું થયું તે પ્રિયા જાણે અને કાદમ્બરી શર્મા જાણે છે. આપણે કાઈ પણ લેવાદેવા નથી. પછી ખબર પડી હતી કે પ્રિયાની મહેરબાનીથી બે એડ મળી હતી અને આગળની એક માટે બીજા એક ફેશન ડિઝાઈનની મદદ લીધી હતી. ફક્ત એટલી વાત માટે પ્રિયાએ કાદમ્બરીની ગેમ કરી નાખી હતી. આપણા કાઠીયાવાડની કહેવત યાદ આવે છે :
‘સીધી આંગળીએ કદી ઘી ના નીકળે.’