પૃથિવીવલ્લભ - 18 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથિવીવલ્લભ - 18

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૮. નિરાધારતા

મૃણાલવતી ગઈ - નાઠી. તે પોતાના ખંડમાં ગઈ. મૃગચર્મની પથારી પર પડી. તેનું મગજ ચકર-ચકર ફરતું - તેનું હૃદય ન સમજાય એવું તાંડવનૃત્ય ખેલતું હતું.

તેના રોમેરોમે અગ્નિની જ્વાળા ઊઠતી. તેને શ્વાસેશ્વાસે તે જ્વાળાઓ વધતી. આટલાં વર્ષના જીવનમાં આ ક્ષોભ, આ ગભરાટ, આ જ્વાળાઓ તેણે જોઈ નહોતી, તેનો પ્રતાપ અનુભવ્યો નહોતો.

વાસનાપૂર્ણ વાક્યો, પુરુષનો સ્પર્શ, પુરુષ કે સ્ત્રીનું ચુંબન - આ બધાથી તે અપરિચિત હતી. તેના આવા અચાનક પરિચયથી તે ત્રાસી ઊઠી, તેનાં અંગેઅંગ કાંપવા લાગ્યાં. આવા અઘોર કલંકમાંથી કેમ બચવું તે તેને સૂઝ્‌યું નહિ.

તેના જેવી નિષ્કલંક, જીવનમુક્તને આવા પાપચારીનો સ્પર્શ ? જીભ કરડવી ? ભીંત સાથે માથું ફોડવું ? અગ્નિમાં ઝંપલાવવું ? આ કલંક કેમ દૂર કરવું ? એ કૃત્ય જોઈ પૃથિવી કેમ રસાતળ ન ગઈ ? સૂર્યનારાયણ કેમ ન થંભ્યો ? ધરતીમાતાએ કેમ માર્ગ ન આપ્યો ? શું મોઢું લઈ બેસી રહે ? તેની ગૂંગળામણનો પાર જ ન રહ્યો. તેના આત્મતિરસ્કારનો પ્રવાહ તેની શાંતિ, બુદ્ધિ, સ્વસ્થતાને ઘસડી ગયો. તે ડૂબતા માણસની માફક તરફડિયાં મારી રહી.

અને તેનું અપમાન ! પોતે કોણ ? સમ્રાટની કુંવરી, સમ્રાટની બહેન, સમ્રાટની વિધાત્રી - તેનું આવું અપમાન ! તેના મુખની આસપાસ અસહ્ય જ્વાળાઓ ભભૂકવા લાગી; તેની આંખોમાંથી ઊકળતા લોહ સમી અશ્રુધારાઓ વહી રહી. અધમ, લંપટ, પાપાચારી મુંજ તેની સાથે આ પ્રમાણે વર્ત્યો ? ભલે તે મુંજને ડામે, તેનો શિરચ્છેદ કરાવે, તેના ટુકડા કરાવે તોપણ થયું અપમાન કેમ અણથયું થાય ? તેણે કરેલું ઘોર કર્મ કયો દંડ વિસરાવે ?

પોતાની નિરાધારતાનું ભાન આવતાં તેની અકળામણનો પાર રહ્યો નહિ. તેણે કચવાટમાં હાથપગ પછાડ્યા. મૂઠીઓ વાળી. દાંત કચકચાવ્યા. બધા વિચારો નિરર્થક લાગ્યા, મુંજ - પાપી, લંપટ મુંજ - વિજેતા થયો. પોતે અધમ, કલંકિત થઈ. અને આ સ્થિતિમાંથી નીકળવાનો રસ્તો રહ્યો નહિ.

એને પોતાની નિર્જીવતાનું ભાન થયું. તેની આત્મશ્રદ્ધા જે પહેલાં માત્ર ડગવા માંડી હતી તે અદૃષ્ટ થઈ. તેણે મુંજને મહાત કરવાના વિચારો કર્યા હતા. - પોતાની, તૈલપની સત્તાના દોરથી તેને બાપડો બિચારો કરવાનો ઇરાદો રાખ્યો હતો - પોતાની બાહોશીથી દબાવી શરમિંદો બનાવવાની આશા રાખી હતી. આ બધા વિચારો, ઇરાદાઓ, આશાઓ ધૂળમાં મળી ગયાં. સેના ગમે તેને પતિ માને, માળવા કે તૈલંગણના ગમે તે માલિક હોય, પોતે ગમે તેવી જીવનમુક્ત હોય તોપણ મુંજ પૃથિવીવલ્લભ તે પૃથિવીવલ્લભ જ રહેવાનો. તે શરમાઈ, ગૂંગળાઈ. આ ખ્યાલ તેના મગજ આગળ સ્પષ્ટ થયો, તે અધમમાં અધમ હતો, છતાં તેનો પ્રતાપ અણઝાંખ્યો હતો, તેનું વ્યક્તિત્વ સહુથી નિરાળું ને પ્રતાપી હતું. તૈલંગણના જેવી તેની તરફ દ્વેષ ધરનારી પ્રજાને પણ તેણે ગાતી, નાચતી કરી, તેના જેવી પ્રભાવશાળી, ભયંકર સ્ત્રીને પણ અધમતાનો કડવો અનુભવ કરાવ્યો; ડિલ પર અંગારાનો ડામ પાડતાં પણ તે તેવો - પૃથિવીવલ્લભ જ રહ્યો.

તેની નજર આગળ મુંજનું તેજસ્વી, પ્રતાપી, હસતું મુખ તરી આવ્યં. જ્યારે રણમલ્લે ડામ દીધો, જ્યારે તે પોતે પણ ચીસેચીસ પાડત ત્યારે પણ તેના મુખની શાંતિ અણભેદાયેલી રહી; તેની આંખો હસતી ને હસતી રહી; તેના મુખ પરની મીઠાશમાં જરાયે મિશ્રણ થયું નહિ.