ઓહ ! નયનતારા - 29 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓહ ! નયનતારા - 29

29 - બોલને બાઉન્ડ્રી દેખાડી દીધી

દાદા અને દાદીના આવવાના કારણે નયનતારાને અમારા ઘરે રોકાવવું પડે છે એટલે થોડી મજા પડી ગઈ છે અને આજે રવિવાર છે. ત્રણ મહિનાથી મારું બુલેટ મોટરસાઈકલ એકલું એટુલું પડ્યું છે. સવારના સમયમાં બાઈકને પાણીથી સાફસૂફ કરીને ચમકાવવામાં આવે છે. રવિવાર, રજા, મજા અને નયનતારા... ઓહ, નયનતારા... આહ, નયનતારા.

સવારના અગિયાર વાગ્યાનો સમય છે. અમારી સૌથી જૂની કાર એમ્બેસેડર અમારા પાર્કિંગમાં આવી પહોંચી છે. ડ્રાઈવર કાસમભાઈ અને દાદીમા કારમાંથી નીચે ઊતરે છે. આંખે છાજલી કરીને રાબેતા મુજબ દાદી સૌથી પહેલા અમારા મકાનની સામે જુએ છે. દાદા અને દાદીની બન્નેની ઉંમર સિત્તેર-પંચોતર વર્ષની વચ્ચે છે. પણ દેશી ખોરાક અને ગામડામાં વધુ રહેવાથી ઉંમર દેખાતી નથી.

અચાનક મારા દાદાનો ચહેરો નજર સામે આવે છે. એ જ આછા કથ્થાઈ રંગની પાઘડી, સફેદ રંગનું આખી બાઈનું ખમીશ અને ઉપર પહેરેલી સફેદ રંગની બંડી, પોણા છ ફૂટ ઊંચી કાયા અને ચામડીનો રંગ મારી જેવો મતલબ કોપરસેડમાં ડૂબાડેલો રંગ... (કલર), પંચોતેર વર્ષની ઉંમરે ટટ્ટાર અને ખુમારીભરી ચાલ અને કાઠિયાવાડી અને કહેવતોની ઝડી વર્ષાવતી ભાષા અને પાછું અમારું ગામ જોગીદાસ ખુમાણની આંબરડી. સૌરાષ્ટ્રની રસધારના મુખ્ય પાત્રો કાઠી રાજપૂતોની ભૂમિ એટલે અમારું કાઠિયાવાડ છે.

આવતાવેંત અમારા ડ્રાઈવરને હુકમ કરે છે અને અસલ કાઠિયાવાડી ભાષા સાંભળવા મળે છે.

એલા એઈ કાસલા...! ઘરનાવને બોલાવ અને હટાણાના પોટલાવને ગાડીમાંથી કાઢીને માલીપા ઘરમાં રાખી દે.

અમારા દાદા આવે એટલે ગામડેથી કેટલીય જાતના સરસામાનનાં પોટલાં ભરીને એમ્બેસેડર ગાડીને પબ્લિક કેરિયર જેવી કરી નાખે છે. એકનો એક દીકરો હોવાથી દાદાનો બહુ લાડકો છું.

હજુ તો ફળિયામાં ઊભા છે ત્યાં જ હું તેની પાસે પહોંચી જાઉં છું અને દાદા અને દાદીને પગે લાગું છું અને અમારા વડીલ જેવા કાસમભાઈને પણ પગે લાગવાનો નિયમ ફરજિયાત પાળવાનો છે.

આવ આવ મારા ડાલમથ્થા, એલા કાસલા...! સાંભળ, મારો ગગો વિલાયત જઈને ગેડા અને દડા ઓલા ધોળીયાઉની હારે રમીને આવો છે.

ઘરમાં પ્રવેશતાં જ મારી મમ્મીને પૂછેઃ વઉ...! મારી છોડી ક્યાં ગઈ ? એટલે પ્રિયા કિચનમાંથી બહાર આવીને દાદા, દાદી અને કાસમભાઈને પગે લાગે છે.

વઉ...! આ છોડીને કાંઈ ખવરાવતા નથી ? મારા મમ્મી માથે ઓઢીને જરા નીચે નજર નાખીને દાદી સામે જોઈને કહે છે.

તમારી દીકરીને કોળીયા ભરાવીએ તો જમે...!

જો તો ખરી...! આ છોડી સુકાઈને સાઠીકડા જેવી થઈ ગઈ છે. દાદીમા પણ પ્રિયાને સામે જોઈ મારી મમ્મીને કહે છે.

દાદા સોફા પર બેસે છે અને દાદીમા સોફાની સામેની ભારતીય બેઠક પર બેસે છે. નયનતારા હજુ પણ રસોડામાં જ છે.

જા છોડી. સંધાઈ માટે ચા મૂક.

થોડીવાર પછી નયનતારા ટ્રેમાં બધા માટે ચા લઈને આવે છે. નયનતારાની સામે જોઈને તેની સામે નખરા કરું છું એટલે મમ્મી મારી સામે આંખો દેખાડીને પોતાનો ગુસ્સો જાહેર કરે છે.

નયનતારએ આજ મમ્મીની ઘાટા લાલ રંગની આભલાં અને હીરા ટાંકેલી બોર્ડરવાળી બાંધણી પહેરેલી છે. ગુલાબી કાયાવાળી નાગરાણી નયનતારા અને લાલ રંગની બાંધણીનો રંગ બાંધણીના છેડે ટાકેલી બોર્ડરમાં આભલા અને હીરા ચમકે છે. આ બોર્ડરની ફરતી કરની વચ્ચે દેખાતા નયનતારાનાં મુખનું દેદીપ્યમાન સૌંદર્યને જોઈને હું લાલ લાલ થઈ જાઉં છું.

માથે ઓઢીને નયનતારા દાદા-દાદી અને કાસમભાઈને પગે લાગે છે. નયનતારાને દાદાએ પહેલીવાર જોવાનો પ્રસંગ છે. મારા બર્થ-ડે વખતે ઉનાળુ પાક લેવાની શરૂઆત હતી એટલે દાદા અહીં આવી શક્યા નહોતા.

દાદા...! આ તમારા દીકરાની વહુ છે. પ્રિયા દાદાને કહે છે.

ઈ તો મને ખબર છે, તારા બાપનો ફોન આઈવો હતો, પણ આ ગગાએ નાગર ભામણની છોરી હારે ઘર માંડવાનો કાંથી વિચાર આઈયો છે ? દાદાની કાઠિયાવાડી ભાષાનો પ્રહાર અસ્ખલિત વહે છે.

દાદા...! ભાઈને આની સાથે પ્રેમ થઈ ગયો હતો અને પપ્પાના મિત્રની છોકરી છે. આપણા નાગરપરાવાળા કેશવબાપાના દીકરા મુકુન્દભાઈની છોકરી છે. પ્રિયા નયનતારાની વ્યવસ્થિત ઓળખાણ આપે છે.

નાની વઉ હાંભર...! તારો દાદો કેશો માસ્તર મારો જૂનો ભાઈબંધ હતો, અમે બેઈ હારે જ આ શેરમાં આવ્યા હતા, નાગરના લતામાં અમે બેઉ હારે ત્રીસ વરહ સુધી ભેરાભર રેતા હતા. તારી દાદી મરી ગઈ એના મઈના પછી તારો દાદો એની પાછળ પાછળ પરલોક પોગી ગયો હતો. બચારો બવ હારો માણહ હતો.

સાડીનો છેડો દાંતની વચ્ચે ભરાવીને નયનતારા દાદને જવાબ આપે છે. જી દાદાજી. નયનતારાની સામે જોઈને મારાથી હસી પડાય છે.

ક્યાં ગઈ...!

એટલે દાદીએ જવાબ આપ્યો - આ રઈ અંઈયા જ છું.

તારી નાની વવને મારી હામે ખુરશીમાં બેહાડ, નાગરની છોડીને નીચે બેસાડીને પાપમાં પડવું નથી. આ તો ભગવાનની કૃપા કેવાય કે આપણા જેવા વહવાયાના ઘરમાં નાગરની છોડી વઉ બનીને આવશે.

દાદા...! હવે ઈ જમાના ગયા. હવે કેટલાયના નાત બહાર લગ્ન થાય છે. પ્રિયાને જ દાદાની સામે વાતો કરવાનો હક્ક છે.

ઈ તો મનેય ખબર છે, પણ આજ હુધી મને જાણવામાં આવું નથ કે નાગરની છોડી નાતબારા ગઈ હોય. આ તો ભાઈ નસીબ લઈને સારા ચોઘડીયે આઈવો છે. દાદા બોલે છે અને નયનતારા નીચું જોઈને દાંતની વચ્ચે બાંધણીના છેડાને ડોક હલાવી હામાં હા પૂરાવે છે.

દાદા...! આ ડોક્ટરનું ભણે છે અને ત્રણ વર્ષ પછી ઓર્થોપેડિક સર્જન બની જશે...! પ્રિયા નયનતારાની ઓળખાણમાં વધારો કરતી જાય છે.

સરજન એટલે ઓપરેશન કરે ઈ દાક્તર...? આ નવી વઉ કોના ઓપરેશન કરવાનું ભણી છે ?

દાદા...! હાડકાંના ઓપરેશન, કોઈને ફ્રેક્ચર થયું હોય તેનાં ઓપરેશન, એવાં બધાં ઓપરેશનની સર્જન બનવાની છે. પ્રિયા જવાબ આપે છે.

એ છોડી...! આ નવી વઉને હરખી રીતે ખવરાવો પીવરાવો છો ને ?

હા...! દાદા અને બહુ ધ્યાન રાખીએ છીએ.

સાંભર નવી વઉ...! રોટલા ઘડતાં આવડે છે ?

જી...દાદાજી...!

દાદા...! ત્રણ મહિના ભાઈ ઈંગ્લેન્ડ હતો ત્યારે આ નયનતારા આપણા ઘરે રોકાણી હતી એટલે તેને બધી રસોઈ બનાવતા આવડી ગઈ છે. પ્રિયાએ જવાબ આપ્યો.

હારૂ...હારૂ, જાવ હવે. નવી વઉને માલીપા લઈ જાવ.

મારા ઘરમાં આજે 1940 થી 1990ના સમયગાળાનો ઈતિહાસ જીવંત છે. એમાંય દાદા અને પ્રવીણભાઈના પિતા ગોકળબાપા અહીંયા આવે ત્યારે બન્નેની વાતો સાંભળીને હસીહસીને બેવડા વળી જવાય છે.

ગોકળબાપા જ્યારે અહીંયા હોય ત્યારે સિગારેટ મારા દાદા પાસે જરૂર માગે અને સિગારેટ પીતા પીતા શું બોલે...? અંઈના જેવી ધોરી બોડી ત્યાં ધોરીયાવના મલકમાં ના મલે, ઈ ધોરીયાવની બીડી પણ મોરી મૂતર જેવી હોય, અસલ એની બાયડી જેવી કેમેય કરીને હરખી રીતે ધગે જ નઈ.

જ્યારે લંડન શહેર વિશે પૂછીએ તો શું જવાબ આપે...? આ લંડન શહેરમાં અમારા જેવા ગઈઢાનું કામ નહીં, પણ જુવાનિયાને જલસા પાણી થઈ જાય. આઈ રેવાય નય પણ આપણા જુવાનિયાઓને વારતેવારે હટાણું કરવા જેવું છે.

પ્રવિણભાઈના પિતા ગોકળબાપા સાથે મારે મિત્ર જેવો વ્યવહાર છે. ઘણી વખત પાતળી અને લાંબી છોકરીની વાત કરીએ તો ગોકળબાપા શું બયાન આપે...? ઈ બધાય હાડકાના ભારા કેવાય. આપણા કામની નથ, છોડીઓ તો હતી અમારા જમાનામાં મારા પાચસરા ગામની...! માંડ માંડ કમખાની દોરી બાંધી શકાય એવી જુવાની ફાટફાટ થાતી હોય ! આ હાડકાના ભારા જેવી છોડીઓના હિસાબે જ આ સિઝેરિયન ડોક્ટરને બખ્ખા થઈ જાય છે.

બધી વાતો યાદ કરતાં ક્યારેક એકલા એકલા હસવું આવી જાય છે. જે રૂમમાં નયનતારા અને પ્રિયા બેઠા છે તે રૂમ તરફ ડગ માંડુ છું ત્યાં ફરી દાદાનો અવાજ આવે છે. ઊભો રે ગગા...! તું પણ તારા બાપની જેમ કાં વવઘેલો થાશ, આંઈ તારો દાદો બેઠો છે એની પાહે બેસી જા.

દાદા ઘરે આવે એટલે બહુ મજા પડી જાય. કોઈનું એની પાસે ચાલે નહીં. નાનપણથી દાદાના લાડપ્યારથી ઉછર્યો છું. ક્યારેક મમ્મી દાદાની સામે મને ખીજાય તો મમ્મીનું આવી બન્યું સમજો અને દાદા કહે. મારા ગગાને ખીજાઈને અડધો કરી નાઈખો છે !

બચપણ છોડીને જવાનીમાં કદમ રાખીએ ત્યારે જવાનીનો રોમાંચ હોય છે અને બચપણ છૂટવાની એક વિષાદભાવના મનમાં ઘૂંટાતી હોય છે.

સાંજનો સમય છે અને રવિવારનો દિવસ છે. યુવાનોને જલવા દેખાડવાનો દિવસ છે. ક્રિકેટની કીટનો ભાર નથી, વાફાની યાદોનો બોજ નથી, બોલ લાગવાનો ડર નથી, બુલેટ મોટરસાઈકલની કીક મારી નયનતારાને પાછળ બેસાડી શહેરની લટાર મારવા નીકળીએ છીએ.

નયનતારાને ત્રણ મહિના પછી મારી પાછળ બેસવાનો મોકો મળ્યો છે. તેને બન્ને બાજુ પગ રાખીને બેસવાની આદત પડી ગઈ છે. કમર ફરતે સખ્તાઈથી હાથને ભીંસીને નયનતારાની કાયાનો સ્પર્શ મારી પાછળ થાય છે.

રામ...! તને કાંઈ થાય છે ?

શું થાય ?

ત્રણ મહિના પછી તારી પાછળ આ રીતે બેસવાનો મોકો મળ્યો છે. તારા શરીરને સખતાઈથી દબાવીને બેઠી છું છતાં પણ એક પણ શબ્દ બોલતો નથી કે લંડનવાળી કોઈ છોકરીના વિચાર કરે છે ?

લંડનમાં તો બધી મોટરકારો હોય છે, પણ બાઈક જોવા મળે નહીં.

થોડું વધુ જોર કરીને મારી સાથે ચિપાઈને બેસે છે અને પૂછે છે, એ જ જૂની સ્ટાઈલ યાદ આવે છે. મજા આવી રામ...?

હવે તેના જ શબ્દોમાં તેને જવાબ આપું છું. આવી ગઈને સીધી લાઈન ઉપર ? મારા વિના તને કેવી તકલીફ પડે છે, જોઈ લીધું ને...?

રામ...! કેમ મારી ભાષા બોલે છે ?

ક્યારેક તો મારો હાથ ઉપર રહેને ?

એક વાત પૂછું ? ખોટું નહીં લગાડે તો જ પૂછું ?

પૂછો જે પૂછવું હોય તે...!

લંડનમાંથી તેં મને પેલી અરબી છોકરી વાફાને ઘરેથી ફોન કર્યો હતો ત્યારે તેના ઘરમાં તું એકલો હતો ?

કેમ રહી રહીને આવું પૂછવું પડે છે ?

એક કામ કરીએ, આપણે જરા એકાંતમાં જઈને બેસીએ એટલે વિગતવાર વાતચીત કરીને મારી શંકાને સમાધાન કરવું છે.

ઓ.કે. જેવી તારી મરજી...!

અમારી બાઈક એક શાંત જગ્યાએ પાર્ક કર્યું અને બાજુમાં એક સિમેન્ટનો બાંકડો જે બગીચાઓમાં હોય છે તેના પર બેસી ગયાં.

પહેલા મારી વાત શાંતિથી સાંભળ અને પછી તું મને જવાબ આપજે, જો સાંભળ...!

તને એવો ડર હોય કે સાચી વાત જણાવતા નયનતારા નારાજ થઈને કોઈ અવિચારી પગલું ભરશે અથવા સંબંધ કાપી નાખશે એવી નોબત આવશે તો એ વિચાર મનમાં રાખવાનો નથી. ત્રણ મહિના ઈંગ્લેન્ડના પશ્ચિમી સંસ્કૃતિના મુક્ત વાતાવરણમાં વિતાવ્યા છતાં પણ તું તારી જાતને મારી સામે નિર્દોષ સાબિત કરવાની કોશિશ કરતો નહીં ! જે હોય તે સાચી હકીકત મને બેધડક જણાવીશ તો તને વચન આપું છું. તારા લગ્ન પહેલાની અને લગ્ન પછીની પહેલી અને છેલ્લી ભૂલ સમજીને હું તને માફી આપીશ ! કારણ કે મને ખબર છે કે તારું વર્તન ક્યારેક ક્યારેક અમીરજાદા જેવું હોય છે. પણ તારા કરતા આ તારી નયનતારા તારી પાછળ વધારે પાગલ છે ! અને તેનો અનુભવ મને આ છેલ્લા ત્રણ મહિનામાં થઈ ગયો છે. આમ બોલીને નયનતારા મારા ખભે પોતાનું માથું રાખે છે.

એક લાંબો શ્વાસ લઈને અને વિચાર કરું છું. અંદરથી મને ડર સતાવે છે કે કદાચ નયનતારા સાચી વાત જાણવા પોતે ખોટું નાટક કરતી હશે તો ? અને કદાચ મારા પ્રત્યે તેની આટલી આસક્તિ છે તેનો મને બરાબર ખ્યાલ છે. એટલે તેનું બહાનું બતાવીને પણ સાચી વાત જાણવા માગતી હશે ? બધી ગડમથલના અંતે સાચું બોલવાનો નિર્ણય કરી લીધો હતો. પણ વાફા મારા કારણે અને તેના આગ્રહના કારણે પ્રેગનન્ટ બની છે તે જણાવવાનું મેં છુપાવી રાખ્યું હતું.

તારે મને શું કહેવાનું છે તેનો તખ્તો તૈયાર કરે છે...? નયનતારા મારો હાથ દબાવીને પૂછે છે. પણ મારી સામે આંખથી આંખ મીલાવીને મને પૂછ્યું નહીં એટલે થોડી અકળામણ થાય છે.

અંતે મન મક્કમ રાખીને વાત કરવાનું નક્કી કર્યું કારણ કે નયનતારા પ્રત્યે મને એટલો લગાવ અને આસક્તિ છે જેની કોઈ સીમા નથી. કદાચ નયનતારા ચાલી જાય તો જિંદગીભર કુંવારું બેસવું પડે તો પણ મને મંજૂર છે.

પ્રવીણભાઈની ઓફિસમાં હું અને વાફા બાજુ બાજુમાં બેસતાં હતાં અને ધીરે ધીરે દોસ્તી વધતી ગઈ અને તે એકલી રહેતી હોવાથી તેના ઘરે તેની સાથે વાતો કરવાની બહુ મજા આવતી હતી અને તેના ઘરે વ્હીસ્કી પીવાની બહુ મજા આવતી હતી. એટલે ફક્ત કંપની ખાતર શરૂઆતમાં દોસ્તી રાખી હતી. અટકી અટકીને જમાબ આપવા છતાં કપાલે પરસેવો વળી જાય છે.

એ બધી વાત બરાબર છે. મને ખબર છે કે તને નવું નવું જાણવાની બહુ જિજ્ઞાસા છે પણ મારો સવાલ શું છે ? તેનો જવાબ તારે આપવાનો છે.

વાફા પણ તારી જેમ એજ્યુકેટ છોકરી છે. ઓક્સફોર્ડ ગ્રેજ્યુએટ છે અને જર્નાલિઝમનો કોર્સ કર્યો છે અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એજ્યુકેશન લીધું છે. તેની અઠ્ઠાવીસ વર્ષની ઉંમરમાં નવ વર્ષ તો કેમ્પસમાં વિતાવ્યા છે. આ ઉપરાંત ઈકોનોમિક્સ પર તેના અમુક પુસ્તકો પર ગોલ્ડ સ્ટાર બુક જેવી વર્લ્ડ ફેમસ કંપની પ્રકાશિત કરવાની છે અને આ બધી ખૂબીઓના કારણે તેની કંપની મને બહુ ગમતી હતી. ધીરે ધીરે બધી હકીકત એક પછી એક નયનતારાને જણાવું છું.

કમ ટુધ મેઈન પોઈન્ટ...! તમારી ઓફિસમાં લીધેનો સ્ટાફ ફોટો અને બીજા ફોટાઓ જોયા પછી વાફા જેવી છોકરી એક પણ તમારા સ્ટાફમાં દેખાતી નથી અને આવી ખૂબસૂરત છોકરી અને હાઈલી એજ્યુકેટેડ છોકરી તારી સાથે દોસ્તી રાખે અને તને ઘરે પણ લઈ જઈને વ્હીસ્કી પીવડાવે છે. આ બધી વાતો મને વિચિત્ર લાગે છે. કારણ કે વાફા જેવી ખૂબસૂરત છોકરીઓ તો બહુ ઓછી જોવા મળે છે અને એ છોકરી તારી સાથે દોસ્તી રાખે એ નવાઈની વાત છે ? નયનતારાની અસ્પષ્ટ ગોળગોળ ભાષા મને બહુ સમજાણી નહીં.

એટલે મેં પૂછ્યું કે... તારો મતલબ શું છે...?

મતલબ એ છે કે વ્હીસ્કી સુધી જ વાત છે કે ત્રણ મહિના રાતભર જાગીને ફક્ત વાતો જ કરતા હતા કે બીજું પણ કોઈ કાર્ય કરતા હતા ? ફરી પાછી ગોળ ગોળ ભાષા નયનતારા ઉચ્ચારે છે.

ઓકે...! મતલબ તું એ પૂછવા માગે છે કે મેં તેની સાથે કેટલી રાત્રી વિતાવી છે ?

યસ...! હાઉ મેની ટાણ યુ ઈન્જોઈડ સેક્સ વિથ ધેટ એજ્યુકેટેડ ગર્લ નેમ્ડ વાફા...? નયનતારા આજે પહેલી વખત મારી સામે ઈંગ્લિશમાં થોડા ઊંચા અવાજે બોલી હતી.

સાચું બોલું છું...! તો સાંભળ...! પૂરી વાત સાંભળ્યા વિના નયનતારા ફીરથી બોલે છે, સાચું બોલવા માટે જીગર જોઈએ રામ... મેં તને કહ્યું હતું ને કે તું હજુ પણ બાળક જેવો છે.

ઓકે... લગભગ દસથી બાર...! પછી આગળ બોલી શક્યો નહીં અને ગળામાં ડૂમો ભરાઈ ગયો.

મને બધી ખબર હતી છતાં પણ મારે એકવાર તારા મુખેથી આ વાત સાંભળવી હતી એટલે તને બધી પૂછપરછ કરી છે. નયનતારા સાચું બોલે છે કે ખોટું બોલે છે મારી સમજમાં આવતું નથી.

તો મને શા માટે પૂછે છે...? જો તને બધી વાતની પહેલેથી ખબર હતી તો બધી ચોખવટ કરવાનો મતલબ શું છે ?

કાંઈ નહીં...! તારી ભૂલ માટે તને માફી બક્ષું છું, તેનું એક માત્ર કારણ કોણ છે તે જાણવું છે તારે...?

કોણ છે ?

ભારતીભાભી...!

શું...?

હા...! ભારતીભાભી સાથે મારે ફોન પર વાત થઈ હતી. તું ત્યારે વાફા સાથે પ્રવીણભાઈની કંપનીના કામ માટે ઈસતંબુલ ગયો હતો. પછી ભારતીભાભીએ તેના અને પ્રવીણભાઈના પુનર્મિલનની બધી વાત કરી હતી ત્યારે એમ કહેતા હતા કે તું નસીબદાર છે કે તને આવો પતિ મળ્યો છે. નયનતારાની વતો મને ભેદભરમવાળી લાગી કારણ કે તેણે કદી ભારતીભાભીનો ચહેરો પણ જોયો નથી.

તું કઈ રીતે ભારતીભાભીને જાણે છે, તેં કદી પણ ભારતીભાભી અને પ્રવીણભાઈને જોયાં પણ નથી...?

તો સાંભળ...! જ્યારે ફોન આવ્યો ત્યારે હું ઘરે એકલી હતી. મને ભારતીભાભીએ ત્યાંના મુક્ત વાતાવરણની બધી અંતરંગ વાતો જણાવી હતી અને પોતાની બધી અંગત વાતો મને જણાવી હતી. તારા મનઘડત તુક્કાથી તીર નિશાન પર બરાબર લાગી ગયું તે બધું ઠીક છે. પણ ભારતીભાભીએ વાફાની પૂરેપૂરી પ્રોફાઈલ બતાવી દીધી હતી. ભરતભાઈ સાથે સંબંધની તેને જાણ હતી. ત્યારબાદ ગોલ્ડ સ્ટાર બુકની ઓફિસ ફોન કરીને વાફા સાથે વાત પણ કરી હતી અને ત્યારબાદ મને ખાસ સલાહ આપી કે આ બાબતે જે કાંઈ પણ થયું હોય તેના માટે તારા પતિનો દોષિત માનીને તારા લગ્નજીવનને બરબાદ કરવાની ભૂલ નહીં કરવાની, કારણ કે અહીં ઈંગ્લેન્ડમાં આવું બધું સામાન્ય છે.

મતલબ કે ફક્ત એક ફોનમાં ભારતીભાભીએ તને બધું જણાવી દીધું ?

ના...! ચારથી પાંચ વખત ભારતીભાભી સાથે વાત કરી હતી. જ્યારે પહેલી વખત ફોન આવ્યો ત્યારે મેં કહ્યું. નયનતારા બોલું છું ત્યારે તે જરા વિચારમાં પડી ગયા હતા એટલે મેં ચોખવટ કરી કે હું તારી પત્ની છું અને અમારી સગાઈ થઈ છે. તું ઈંગ્લેન્ડમાં છે તેટલા દિવસ હું અહીંયા રહેવાની છું. આ બધી વાત થયા પછી આ બધું જાણવા મળ્યુ હતું.

ઓકે, પ્લીઝ...! લગ્ન થયા પછી કોઈપણ ખોટું કામ નહીં થાય તેની ખાતરી આપું છું. જે થયું તેના માટે મને માફી કરી દે. નયનતારાને શાંતિથી અને થોડું મન મક્કમ કરીને જણાવું છું.

રામ...! માફી માગે છે..! અને તે પણ બાળક જેવી કાકલુદીભરી ભાષા બોલીને, તું તારી જાતને શા મટે નબળી પાડે છે ? મેં ડોક્ટર તરીકે વિચાર કરીને માફ કર્યો છે. કારણ કે તારી પત્ની તરીકે નયનતારાએ કદી પણ વિચાર કર્યો નથી. ઘણા સ્ટુડન્ટ લગ્ન પહેલા સેક્સ માણે છે અને છુટા પડી જાય છે અને પછી પરણી જાય છે પણ હું દસ ધોરણ ભણેની છોકરી હોત અને આ વાત મારી જાણમાં આવી હોત તો કદાચ માફ ન કરી શકું અથવા જિંદગીભર આ કડવી યાદો સાથે તારી સાથે લગ્નજીવન ધરાર ધરાર નિભાવી લેવું પડે !

નયનતારાને મારા પડખામાં દબાવીને આંખો બંધ કરી દીધી અને મન ઉપરનો બોજ હલકો થતા અકલ્પનીય રાહત થઈ ગઈ હતી.

ફરી નયનતારા બોલે છે. તારી જીત એક જ વાતમાં છે જો તેં નેવી-ડેવાળા દિવસે તારી ઈમાનદારી ના બતાવી હોત તો હું તારા પ્રત્યેના કંઈક અલગ વિચાર ધરાવતી હોત, એટલામાં સમજી જવું કે આપણી ભારતીય સંસ્કૃતિના વાતાવરણ અને પશ્ચિમી સંસ્કૃતિના વાતાવરણમાં એક જ માણસ કેટલો બદલી શકે છે.

ઓહ માય ગોડ...! નયનતારા તું કેટલું વચિારે છે ? મારી કલ્પના બહારની તારી વાત સાંભળીને આજે ખરેખર તારા જેવી પત્ની મળી તેના માટે હું નસીબદાર છું. નયનતારા હજુ પણ મારા ખભા પર માથું રાખીને મારી વાતો સાંભળે છે.

એ માટે તારે ભારતીભાભી અને તારી પર્સનલ લાઈબ્રેરીના બધા લેખકોનો આભાર માનવો પડશે, સમજ્યો કે નહીં...! કે સમજાવવું પડશે મારા રામ...!

ઓહ યસ મારી મંદોદરી...!

વ્હોટ...! નયનતારા ઉવાચ.

મંદોદરી અને રામને સાથે જોઈને અહીંયા ટોળું જમા થઈ જશે. નયનતારા લ્હેકાથી બોલે છે.

આ જામનગર છે. અહીંયા તું જુએ છે કે કેટલાં પ્રેમીપંખીડાં એકબીજા સાથે ચોંટીને બેઠેલાં હોય છે. કદી કોઈએ તેના તરફ જોવાન તકલીફ કરી છે અથવા આ લોકોને કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી પડે છે ?

તારી વાત સાચી છે. આ શહેર જલદીથી આધુનિક વિચારો અપનાવે છે. આપણાં ઘરન આસપાસ કેટલા લવબર્ડ બેઠેલાં હોય છે. ઘણાં તો ખરા બપોરે પ્રેમગોષ્ઠિ કરતા જોવા મળે છે. નયનતારા પોતાના અનુભવો કહે છે.

અત્યારે તો રાત્રીનો સમય છે. ચાલો આપણે બન્ને પણ પ્રેમગોષ્ઠિ શરૂ કરીએ. નયનતારાને ફરીથી જોરથી પડખામાં દબાવી દીધી.

તું તો હવે લંડન રિટર્ન છે. તને થોડી પ્રેમગોષ્ઠિ ફાવશે...? ચાલો, આપણે બન્ને પણ મુક્ત પંખી બની જઈએ... નયનતારાએ બોલને બાઉન્ડ્રી દેખાડી દીધી.