ઓપરેશન ગોલ્ડન ઈગલ 14 Pratik D. Goswami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપરેશન ગોલ્ડન ઈગલ 14

ઓપરેશન ગોલ્ડન ઈગલ

પ્રકરણ: ૧૪

પ્રતીક. ડી. ગોસ્વામી

30 નવેમ્બર, નવી દિલ્હી..

વહેલી સવારનાં ધુમ્મસિયા વાતાવરણને ચિરતી એક ખાસ બનાવટની બી.એમ.ડબલ્યુ કાર ઝડપથી દિલ્હીના રસ્તાઓ પર દોડી રહી હતી. 'રો' ચીફ અરુણબક્ષી એ કારમાં બેઠા હતાં. તેમની સાથે પાકિસ્તાનમાં 'રો'નાં ઓપરેશનનોનાં સૂત્રધાર અને જોઈન્ટ સેક્રેટરી વિજય બંગવાની પણ હતાં. રાયસીના હિલ ખાતે આવેલી સેક્રેટરીયેટ બિલ્ડીંગનો સાઉથ બ્લોક તેમનો મુકામ હતો. અહીં જ ભારતીય વડાપ્રધાનની કચેરી આવેલી હતી.

એક અર્જન્ટ મીટીંગ બોલાવવામાં આવી હતી, જેમાં બંગવાનીને ખાસ હાજર રહેવાનું વડાપ્રધાન બ્રિજમોહન તિવારીએ સૂચન કર્યું હતું.

'અંદર આવી શકું, સર !' અરુણ બક્ષીએ દરવાજા પર ટકોરા પાડતાં પૂછ્યું. આ એ જ ઓફીસ હતી, જેમાં 'ઓપરેશન ગોલ્ડન ઈગલ'ની રૂપરેખા પહેલી વાર ચર્ચાઈ હતી. અહીંની દીવાલો ગૂંગી અને બહેરી હતી, યાને કે સાઉન્ડ પ્રૂફ હતી. તેથી બધી કોન્ફીડેન્શિયલ ચર્ચાઓ કરવા માટે ભારતના વડાપ્રધાનો આ ઓફિસનો જ ઉપયોગ કરતાં હતાં.

'આવો બક્ષી, બેસો !' બ્રિજમોહન તિવારી સવારની કડક આદુ વાળી ચા પીતાં અને ફાઈલો ફંફોસતાં બેઠાં હતાં. તેમણે ચાનો કપ ટેબલ પર મૂકીને આગંતુકોને આવકાર આપ્યો.

'ચા લેશો કે કોફી ?'

'ના સર આભાર, પણ અત્યારે કશું જ નથી પીવું. ઓપરેશન બાબતે એક ખાસ માણસની તમારાથી મુલાકાત કરાવવી છે.' બક્ષીએ બંગવાનીનો પરિચય આપતાં કહ્યું, 'સર, આ જ છે વિજય બંગવાની. પાકિસ્તાનમાં આપણાં ઓપરેશન્સના ચીફ ! તમે મળાવવાનું કહ્યું હતું, એટલે આમને અડધી નીંદરમાંથી ઉઠાડીને લઇ આવ્યો છું.'

તિવારી હસ્યાં, 'વેલકમ વિજય ! તમારા વિશે કાલે અરુણે જણાવ્યું હતું. સારું કામ કરી રહ્યા છો.' તેમણે વિજય બંગવાનીનું અભિવાદન કરતાં કહ્યું.

'આભાર સર !' બંગવાનીના અવાજમાં શિસ્ત સાથે તિવારી પ્રત્યેનો આદર સ્પષ્ટ છલકાઈ રહ્યો હતો. આવો વડાપ્રધાન મળે, તો અમલદારોનો જુસ્સો ચરમ પર હોય એ સ્વભાવિક છે.

'ઓપરેશનનું શું સ્ટેટસ છે અરુણ ?' બ્રિજમોહન તિવારીએ મુદ્દાની વાત કરી.

'સર, અત્યાર સુધી બધું યોજનાબદ્ધ ચાલી રહ્યું છે, પણ બલૂચોની 'દુઆઓ' મેળવવા આપણને ઈરાનમાં ડિપ્લોમેટિક બેકઅપની જરૂર પડશે..' બક્ષીએ કહ્યું. અહીં 'બલૂચોની દુઆઓ'નો અર્થ બલુચિસ્તાનની આઝાદી થતો હતો.

'થઇ જશે ! બીજું કંઈ ? અને હા, આપણાં બાર જવાનોનાં કોઈ સગડ મળ્યા ?'

'સર વી વર વેરી ક્લોઝ, પણ પાકિસ્તાનીઓ વધુ ચબરાક નીકળ્યા.' બંગવાનીએ કહ્યું, પછી આગળ ધપાવ્યું, 'અમને શંકા હતી, કે પાકિસ્તાનનાં ઘાયલ સૈનિકોની આડમાં તેઓ આપણાં જવાનોને ગુજરાનવાલાં લઇ ગયાં હતાં. તેથી અમે ત્યાં જાસૂસી કરાવી, પણ આજે પરોઢે અથવા તો ગઈ કાલે રાત્રે તેઓએ કેદીઓનું સ્થાન બદલાવી નાખ્યું. અમારા એજન્ટોને અંધારામાં રાખીને તેમણે સિફતપૂર્વક કામ પતાવી દીધું. હવે એ લોકો પાકિસ્તાનમાં ક્યાં હશે એના પર અમારી તપાસ ચાલુ છે. દુશ્મનને ફસાવવા ફરીથી જાળ પાથરવી પડશે !'

'એ ગમે તે કરો, પણ મારે એ બાર સૈનિકો પાછા જોઈએ, જીવતાં ! અને હા, મારે મન પાકિસ્તાનીઓની કિંમત મારા દેશનાં જવાનોથી વધુ નથી... આને છૂટ સમજો કે આદેશ, પણ બાર જવાનોની રિહાઈ જલ્દીથી કરાવો !'

'સર, વી વીલ ટ્રાય અવર બેસ્ટ !' બક્ષીએ કહ્યું.

'ગુડ. અચ્છા અરુણ, એક બાબતમાં મારે તમારી સલાહ જોઈતી હતી.'

'જી, બોલો સર, તમારી શું મદદ કરી શકું ?'

'મેં હમણાં થોડીવાર પહેલાં ઇકબાલ શાહિદ સાથે વાત કરી. તમને શું લાગે છે, આ હુમલામાં તેમનો કોઈ આડકતરો સહયોગ હોઈ શકે ?' તિવારીએ પૂછ્યું.

'સર, હજી પૂરી માહિતી બહાર નથી આવી, પણ એક વાત તો સાફ છે, આ હુમલો પાકિસ્તાની પ્રાઈમ મિનિસ્ટરને અંધારામાં રાખીને કરવામાં આવ્યો છે.'

'તમે આટલું સરળતાથી કેમ કહી શકો વિજય ?'

'કારણકે આજે સવારે ઇકબાલ શાહિદ અને તુઘલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ છે !' બંગવાનીએ કહ્યું. જનરલ કયાની માટે 'ઓપરેશન ગોલ્ડન ઈગલ'ના સૂત્રધારોએ ગુપ્તતા જાળવવા ખાતર 'તુઘલક' નામ નક્કી કર્યું હતું. પાકિસ્તાનના સરમુખત્યાર સમા સેનાપતિ માટે એ એકદમ યોગ્ય કોડવર્ડ હતો.

અત્યારે જે કમરામાં આ વાતચીત થઇ રહી હતી, ત્યાં આઈએસઆઈના હાથ પહોંચી શકે એ અશક્ય હતું, છતાં બધાં વચ્ચે ટ્યુનિંગ જળવાય અને ભવિષ્યમાં કોઈ ગફલત ન થાય, એટલે તેઓ કયાનીને 'તુઘલક' કહીને જ બોલાવતાં હતાં.

'અચ્છા, તમને કેવી રીતે ખબર ?' તિવારીની આંખોમાં આશ્ચર્ય સાથે શંકા પણ હતી, જેનું સમાધાન અરુણ બક્ષીએ માત્ર એક જ વાક્યમાં કરી આપ્યું, 'સર, વી આર રો !'

તિવારી મલક્યા, તેમણે મજાકમાં કહ્યું 'અરુણ, તમારા ઇરાદા સારા નથી લાગતાં !'

'બેશક નથી જ સર, ઘણાં સમય પછી અમને અમારી તાકાત બતાવવાનો અવસર મળ્યો છે, આમાં અનેકનાં માથા ઉડશે એટલું તો નક્કી ! અરુણ બક્ષીએ જવાબ સ્મિત સાથે આપ્યો, પણ તેમની વાતમાં ગંભીરતા હતી.

'ગુડ હોલ્ડ ઓફિસર, તમારા પાસેથી આવી જ આશા હતી. પણ ઓપરેશનની સફળતા માટે 'તુઘલક'નું તખ્તાપલટ જરૂરી છે ! એ બાબતે કંઈ વિચાર્યું છે ?'

અરુણ બક્ષી વિચારમાં પડ્યાં. પાંચેક મિનિટ પછી તેમણે કહ્યું, 'સર, આપણે પાકિસ્તાની વડાપ્રધાનની મદદ કરીએ !!'

બીજી પંદરેક મિનિટ પછી અરુણ બક્ષી અને વિજય બંગવાની 'પીએમઓ'થી નીકળીને 'રો'નાં હેડક્વાર્ટરે પહોંચ્યા. આગળની યોજના વિચારીને તેના માટેની જરૂરી સાવધાનીઓ પહેલાંથી જ બરાબર ચકાસી લેવી જરૂરી હતી.

***

'સલામ અલયકુમ, જનાબ !' મુખ્યમંત્રી ફારૂક ઓમરની કેબિનના દરવાજે સિકંદરે ટહુકો કર્યો. ઓમરે પોતાનાં નાક પર આવી ગયેલા ચશ્મા સરખા કર્યા અને સામે જોયું. સામે સિકંદર યુનિફોર્મમાં ઉભો હતો. તેનાં હાથમાં ફાઇલોનો થોકડો હતો.

'આવો મિયાં !' ઓમરે કટાક્ષથી કહ્યું. સિકંદરની હમણાંની કામગીરીઓથી તેઓ અસંતુષ્ટ હતાં. સિકંદર તેમનાં લહેજાની તીખાશ સમજી ગયો, છતાં તે સ્વસ્થતાપૂર્વક આગળ વધ્યો. તેણે સાથે લાવેલી ફાઈલોનો થપ્પો ઓમરના ટેબલ પર મૂક્યો.

'આ શું ઉપાડી લાવ્યો છે સિકંદર ?'

'સર ! આપણાં કાળાં કારનામાઓ આમાં કેદ છે.'

'મતલબ ?' ઓમરનો અવાજ અધ્ધર થયો.

'મતલબ એમ કે આ ફાઇલોમાં આપણાં વિરુદ્ધના સબૂતો છે, જે હવે તમને સોંપું છું. હવે આને કોઈ રીતે ઠેકાણે પાડી દેજો.'

'અરે વાહ ! મારો બેટો, આ તને મળ્યા ક્યાંથી ?'

'ડીસીપીએ આપ્યાં.'

'એલા સવાર સવારમાં શરાબ ટટકાવીને આવ્યો છે કે શું ? ડીસીપી આપણો દુશ્મન છે, એ થોડી આપણી મદદ કરવાનો હતો ?'

'જનાબ, એ તમારો દુશ્મન છે, મારો નહીં ! અને હા, એણે મદદ નથી કરી. મારી વફાદારીથી ખુશ થઈને મને પ્રમોશન આપ્યું છે. જુઓ !' કહેતાં તેણે પોતાના ખભા પરની પટ્ટી તરફ આંગળી ચીંધી. એ પટ્ટીમાં બે સ્ટારને બદલે ત્રણ સ્ટાર લગાવેલાં હતાં. યાને કે સિકંદર હવે સબ ઈન્સપેક્ટરમાંથી ઈન્સપેક્ટરની બઢતી પામ્યો હતો.

એ જ ગર્વિલા અવાજે તેણે આગળ ધપાવ્યું 'અને જનાબ, હવેથી આ મોટા કેસની તપાસ મને સોંપી છે. એમાં એકાદ-બે ફાઇલ તમારી છે, અને અમુક પેલાં અબુ સુલેમાનની પણ છે !'

'સરસ સરસ ! હું પણ તને ઇનામથી નવાજીશ, આજે સાંજે બે પેટી તારા ઘરે પહોંચી જશે. આવું જ કામ કરતો રહીશ, તો હુંય તને પ્રમોશન આપીને માલામાલ બનાવી દઈશ.'

'શુક્રીયા જનાબ...'

'લાગે છે ડીસીપીના નસીબમાં હજુ જીવવાનું લખેલું છે, હવે આપણને એનાથી કોઈ ખતરો નથી. ચાલ, તું નીકળ. સવાર સવારમાં કોઈ જોઈ જશે, તો આપણે કારણ વગર શંકામાં આવી જઈશું !'

'જી જનાબ, ખુદા હાફિઝ !' કહીને સિકંદરે સેલ્યુટ કરી. ફુલાતો ફુલાતો તે બહાર નીકળી ગયો.

ધર્મના નામે આતંકનો ધંધો કરતાં અમુક મુલ્લાંઓની ઉશ્કેરણીને કારણે કાશ્મીરીઓમાં 'જય હિન્દ' કહેવાની આદત ન હતી. તેથી, સરકારી કામકાજમાં પણ એ શબ્દનો ઉપયોગ કરનાર વિરલાંઓ બહુ જૂજ હતાં.

સિકંદરના ગયા પછી ઓમર ફાઇલ સામે જોઈ રહ્યાં. તેમને કાશ્મીરની રાજનીતિમાંથી બેદખલ કરી શકનાર સબૂતોનો થોકડો તેમની નજર સામે પડ્યો હતો. હવે એનો નિકાલ કઈ રીતે કરવો એ વિચારવાની તકલીફ તેમના સડેલાં તડબૂચ જેવા દિમાગે લેવાની હતી !

***

બ્રિગેડિયર અનીલ શર્માના ઘરે કશ્મીર પોલીસે કુંભમેળો સર્જ્યો હતો. બંગલા બહાર ભારી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતાં. કોઈને પણ અંદર જવાની પરમિશન ન હતી, મીડિયાને પણ નહીં ! ખુદ ડીસીપી વિશ્વજીતસિંહે તપાસનો ચાર્જ પોતાના હાથમાં લઇ લીધો હતો. મામલો જ એવો હતો.

ગઈકાલ બપોરથી બ્રિગેડિયર શર્મા નિદ્રાધીન હતો. ના નિદ્રાધીન નહીં, બેહોશ હતો ! હા, તેણે કાલે ચિક્કાર મદિરા પેટમાં ઠાલવી હતી, પણ એનો નશો કંઈ અઢાર-વીસ કલાક થોડો ચાલે ? અને બ્રિગેડિયર પાછો કસાયેલો ફૌજી આદમી હતો, તેથી તેનું શરીર શરાબ સારી રીતે પચાવી જાણતું હતું. તો પછી તે માત્ર નશાને લીધે કોમામાં કઈ રીતે હાલ્યો જાય ? અત્યારે જોકે એ બાબતે કોઈ સબૂત અને સાક્ષી વગર માત્ર અનુમાનો જ લગાવી શકાય એમ હતાં. પોલીસ બેડો પણ એ જ કરી રહ્યો હતો, એક અફસર-ડીસીપી વિશ્વજીતસિંહ સિવાય !

વિશુ આ બધા પાછળનું સંભવિત કારણ જાણતો હતો, છતાં અત્યારે તે એક પોલીસ ઓફિસરના રોલમાં હતો, તેથી બધા સામે તેણે પોતાનું 'રો' છાપ દિમાગ ન ચલાવવાનું નક્કી કર્યું હતું.

થોડીવારમાં સાયરનની કીકીયારીઓ કરતી મિલિટરી એમબ્યુલન્સ પોર્ચમાં આવીને ઉભી રહી. બ્રિગેડિયર શર્મા બેહોશીમાં સરી પડ્યો હોવાના લીધે હાઈ-કમાન્ડે તેનું કોર્ટમાર્શલ મોકૂફ રાખવું પડ્યું હતું, ઉપરાંત સરહદ પર થયેલાં હુમલામાં તેની બેદરકારી (કે સંડોવણી) વિશે તપાસ હજુ ચાલુ હતી, તેથી તેને મિલિટરી હોસ્પિટલમાં રાખવામાં આવે એ સ્વાભાવિક હતું.

એમબ્યુલન્સનો પાછળનો દરવાજો ખૂલ્યો, અને બે પટાવાળાઓ સ્ટ્રેચર લઈને અંદર દોડ્યાં. તેમની સાથે એક ડોક્ટર પણ આવ્યો હતો. વિશુ બહાર ઉભો ઉભો તેની જ રાહ જોઈ રહ્યો હતો.

ડોક્ટરની સાથે તે બ્રિગેડિયરના શયનખંડમાં દાખલ થયો, જ્યાં બિસ્તર પર બ્રિગેડિયર લેટેલો હતો. કાનમાં સ્ટેથોસ્કોપનાં બે ભૂંગળા ભરાવી, તેનો એક છેડો બ્રિગેડિયરની છાતી પર મૂકીને ડોક્ટરે થોડી સેકન્ડ તપાસ્યા કર્યું. ગતાગમ ન પડી, એટલે તેનું કાંડું પકડ્યું અને નાડી તપાસી. પછી આંખોનો વારો આવ્યો. બધું તપાસી લીધા પછી આખરે તેણે સ્ટેથોસ્કોપ હટાવીને ઠંડા અવાજે નિદાન આપ્યું, 'હી ઇઝ ઈન કોમા, જલ્દી હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.'

બ્રિગેડિયર શર્મા કોમામાં છે, એ તો ત્યાં હાજર લોકો પહેલાંથી જ જાણતાં હતાં, તેથી તેમના હવભાવમાં કોઈ ફરક ન પડ્યો. તરત જ બ્રિગેડિયરને સ્ટ્રેચર પર સુવડાવી બહાર લઇ જવામાં આવ્યો. ભારે શરીરને ઉપાડવા માટે બે સુકલકડી પટાવાળાઓ અસમર્થ હતાં, તેથી સિકંદરે તેમની મદદ કરી. ફરી સાયરનનો ઘૂઘવાટ કરતી એમ્બ્યુલન્સ મિલિટરી હોસ્પિટલ તરફ રવાનાં થઇ !

તેનાં ગયા પછી શર્માના બંગલે બે કોન્સ્ટેબલ તૈનાત કરીને વિશ્વજીત એન્ડ કંપની પોલીસ સ્ટેશને આવવા નીકળ્યાં. વિશુનો આજકાલ માનીતો થઇ પડેલો, અને તાજી જ બઢતી પામેલો ઇન્સપેક્ટર સિકંદર પણ તેની સાથે હતો.

'તને શું લાગે છે સિકંદર ? આ બ્રિગેડિયર અચાનક કોમામાં કેવી રીતે જઈ શકે ?'

'સર, મને તો લાગે છે કે એણે જાતે જ કોઈ દવા ખાઈ લીધી છે. નાલેશીથી બચવું ન પડે એટલે !' સિકંદરે ઠાવકાઈથી જવાબ આપ્યો.

'હમ્મ, મને પણ એવું જ લાગે છે !' વિશુ બોલ્યો, જે હળાહળ જૂઠ હતું.

ક્રમશ: