Featured Books
શ્રેણી
શેયર કરો

એક પત્ર મારા ભવિષ્યના વેલેન્ટાઈન માટે - Letter to your Valentine

એક પત્ર મારા ભવિષ્યના વેલેન્ટાઈન માટે

હર્ષ મહેતા

પ્રિય (હું તને હવે તો પ્રિય કહી શકું ને) મિત્ર/સાથી,

આશા છે કે તું ત્યાં - આપણા ભવિષ્યમાં ખુશ હોઈશ, હું અહીં એકદમ ખુશ છું. હા,હા હું જાણું છું કે કોઈ પણ પત્રમાં પહેલા તો તારીખ, સરનામું જ હોય પણ તે નથી લખી શકાયું. કેમકે, આ પત્રને હું કોઈ તારીખ કેમ આપી શકું ? મેં તો વર્ષોથી આ પત્ર ને દિલના કોઈક ખૂણે આમજ સાચવી રાખ્યો છે ! હવે જો તું સરનામાની વાત કરે તો એ પણ મને નથી ખબર હજી ! એટલે મારા માટે આ ઠામ-ઠેકાણા વગરનો પત્ર બહુ મહત્વ ધરાવે છે ને કદાચ તને પણ આ ગમશે જ.

હમણાં હમણાં જ વેલેન્ટાઈન ડે ગયો, ને બધી જગ્યાએ બસ પ્રેમની અઢળક વાતો થવા લાગી. પ્રેમ શું હશે, એમાં શું થાય સાચો પ્રેમ ક્યારે મળે, સાચો પ્રેમ કેમ ઓળખાય આ બધા પ્રશ્નો મારા મનમાં પણ ઉદભવતા હતા. પણ હું કોને પુછું ? એટલે આ બધા પ્રશ્નોને બદલે મારા બધા જવાબો જ હું એક પત્રમાં લખું એવો વિચાર આવ્યો. એટલે મારી બધી લાગણીઓને હું આ પત્રમાં વર્ણવવાની કોશિશ કરી રહ્યો છું. આ બધા દિવસોમાં ખબર નહિ કેટકેટલાય પ્રેમીઓએ પોતાની પ્રેમિકાઓ તથા કેટલીય પ્રેમિકાઓએ પોતાના પ્રેમીને પ્રપોઝ કર્યો હશે. કેટલાય વચનો આપ્યા હશે, કેટલીય આશાઓ આપી હશે. પણ, મને નથી લાગતું કે પ્રેમને જાહેર કરવા માટે કોઈ એક દિવસની જરૂર હશે. પ્રેમ તો દિવસે-દિવસે વધતો જતો હોય છે ને ? જોકે એવું પણ નથી કે આ બધાનો પ્રેમ સદાય ટકી રહેવાનો છે,પણ આપણો પ્રેમ સદાય ટકી રહેશે. આ જન્મ ને આવતા બધા જન્મ સુધી ! એની હું ખાતરી આપું છું.

એવું નથી કે મેં પોતે કદી પ્રેમ વિશે વિચાર્યું નથી પણ આ બાબતમાં હું વધારે આગળ વધ્યો નથી. કોઈ ભારતીય છોકરાની હોય એવી જ મેન્ટાલિટી મારી પણ છે : કે છોકરી ગોતવાનું કામ મા-બાપ પર છોડી દઈએ તો સારું. ભલે તને આ વિચારધારા થોડી જૂની લાગે પણ હું આ બાબતમાં આટલુંજ વિચારું છું. એની બદલે મેં મારું બધું ધ્યાન ઊંચું એજ્યુકેશન લઈને પગભર થવામાં આપ્યું છે. જેથી મને, મારા પરિવારને ખાસ કરીને તને ભવિષ્યમાં કોઈ તકલીફ ન આવે. જો સારી નોકરી હશે તો સારી છોકરી મળશે જ કે એવું કંઈક જે વડીલોના મોઢેથી સાંભળ્યું છે એ વિશે પણ મારી માન્યતા છે કે આ વાત સાચી હશે. કદાચ!

સામાન્ય રીતે પત્રમાં પોતાના હાલ-હવાલ કહેવાના હોય છે ને સામે વાળાના પૂછવાના હોય છે. મારા હાલહવાલ ને મારી વાતો તો મેં તને થોડી ઘણી કહી દીધી. પણ હું કેવી રીતે તને પુછું, મને તો તારું નામ પણ કદાચ નથી ખબર, મને તો એ પણ નથી ખબર કે આપણે હજી સુધી મળ્યાં છીએ કે નહિ. મેં કયારેય તને જોઈ છે કે નહિ ? તે મને ક્યારેય નિહાળ્યો છે કે નહીં ? હું હજી પણ તારા અવાજ વિશે અટકળો લગાવું છું કે તારો અવાજ કેવો હશે.

આપણે અત્યાર સુધી મળી ચુક્યા હોઈએ તો સારું, એનાથી મને તારા વિશે થોડી ઘણી ખબર તો હશે જ. કેમકે નહીંતો આપણી મુલાકાત જો ભવિષ્યમાં ખરેખર - પહેલી મુલાકાત હશે તો મારુ શુ થશે ? હું તારી સાથે કેમ વર્તીશ ? હું તને ક્યાંક વિચિત્ર નહિ લાગુ ને ? મારી વાતો સાંભળીને તને હસવું નહિ આવી જાય ને ? હું ક્યાંક તને સદાય માટે નિરખતો નહિ રહી જાઉંને ? હું તને ગમીશ તો ખરો ને ? શું મારામાં એ બધા ગુણ હશે કે જે તું હંમેશથી ધારશ કે તારા જીવનસથીમાં હોવા જ જોઈએ ? શું તારા ધારેલ 'પ્રિન્સ ચાર્મ' જેવો દેખાવામાં મારાથી કોઈ કમી તો નહીં રહી જાય ને ? તું દિલ ખોલીને તારા બધા ( બધા નહીતો અમુક રહસ્યો ) મારા સાથે શેર કરવામાં ખચકાટ તો નહીં અનુભવ ને ? બધા કહે છે - એમ તને જોઈને મને 'લવ એટ ફર્સ્ટ સાઇટ' તો નહીં થઈ જાય ને? ક્યાંક હું મારા હાથથી તારા નાજુક હાથને પકડી લેવાની ભૂલતો નહિ કરું ને ? મારી જો ફર્સ્ટ ઇમ્પ્રેશન ખરાબ પડશે તો એને તું લાસ્ટ ઇમ્પ્રેશન તો નહીં માની લે ને ? બસ, બસ આવા તો કેટલાય સવાલો મારા મનમાં થયા જ કરે છે, એના જવાબો ક્યારે મળશે શું ખબર ?

સૌથી મહત્વનો સવાલ કે તું મને એટલો પ્રેમ કરીશ કે જેટલો હું તને કરતો આવ્યો છું ? જોકે, આ સવાલનો જવાબ મને ખબર છે કે આનો જવાબ ના જ હશે કે કેમકે જેટલો હું તને પ્રેમ કરતો આવ્યો છું કે એટલું શાયદ હું ખુદને પણ ના કરી શકું !

મારી નાની-મોટી મુંઝવણો જો કહેવા બેસીશ તો કદાચ આ પત્ર પૂરો જ નહીં થાય ! પણ મેં તારા માટે, આપણા ભવિષ્ય માટે અઢળક સપના સેવ્યા છે એ તો હું તને નિઃશંકપણે કહીને જ રહીશ : છોકરો છું તો શું થયું ? અમારા મનમાં પણ સપના તો હોય જ ને,ભલે છોકરો (કે મોટી વયે પુરુષ) કહી ના શકે પણ એનું મન પણ એના જીવનસાથી જોડે આ બધા સપના પુરા કરવા માટે થનગનતું હોય જ છે.

જોકે, મારા સપનાઓની લિસ્ટ બહુ લાંબી છે :

- હું ચાહું છું કે તારી મોર્નિંગ મારા 'ગુડ મોર્નિંગ' ના મેસેજથી થાય ને તારી આંખો મારા 'ગુડ નાઈટ' કહેવા સુધી મારી રાહ જુએ.

-હું હંમેશા તારી સાથે મારી દિવસભરની વાતો કરવા માગું છું, પણ એ પહેલા તારો દિવસ કહેવો ગયો એ જાણવા માંગુ છું.

  • -હું કોઈપણ તહેવારે તને સૌથી પહેલું વિશ કરવા માગું છું.
  • - તારો બર્થડે હોયને એની આગલી રાત્રે જ 12 ના ટકોરે સરપ્રાઈઝ આપવા માંગુ છું, ને એ સરપ્રાઈઝ મળ્યા પછી તારા આશ્ચર્યભર્યા ચહેરાને હંમેશા માટે કેમેરામાં કેદ કરવા માગું છું.
  • હું તારી સાથે લગ્ન કરીને હંમેશા તને પોતાની પાસે રાખવા માંગુ છું. એટલે હવે પછી મારા સપનાઓની લિસ્ટ ઓર લંબાશે:
  • - તારી સાથે કયારેક લોન્ગ -ડ્રાઈવ તો ક્યારેક એમજ કોઈ દરિયાના કિનારે - ખુલા પગે ને ભીની રેતીમાં તારો હાથ પકડીને લાંબો સમય સુધી ચાલતો રહેવા માગું છું.
  • - હું શિયાળામાં, પણ જો તું હા કહેતો જ બેફામપણે આઈસ્ક્રીમ , કુલ્ફી ને એ બધું ખાવાને તને ખવડાવવા માગું છું.
  • - હું તારા હાથે બનાવેલ એ બધી વસ્તુઓ ખાવા માગું છું, જે બનાવતી વખતે તને મારા જ વિચારો આવતા હોય.
  • - હું મારી બાઇકમાં બેસાડીને વટભેર તને બધે ફેરવવા માંગુ છું.
  • - હું તારી સાથે, ભલે મને ન આવડે તો પણ સેલ્ફી માટે વિચિત્ર પોઝ કરવા માગું છું.
  • - હું મારા લેપટોપમાં હંમેશા તારો ચહેરો વોલપેપર તરીકે રાખવા માગું છું, એટલે કામ કરતા કરતા પણ મને તું ક્યાંય ભુલાઈ ન જાય.
  • - હું તારી મરજી મુજબનું શર્ટ પહેરીને ઑફિસે જવા માંગુ છું ને તું પણ મારા ગમતા કલરના કપડાં વધુ પહેરે એવું ઇચ્છુ છું.
  • - હું, હું એ બધું જ કરવા માગું છું જેમા તારી હાજરી હોય....
  • હવે તું કહીશ કે આ બધા સપનાઓ તો બધા પ્રેમીઓ સેવતા જ હોય છે. પણ એમાં વિશેષ શું ? એટલે હું તને કેટલાક વચનો પણ અત્યારથી આપવા માંગું છું: ( વળી આ વચનો તો તારી પાસે લેખિતમાં હશે, એટલે હું પાછળથી ઇન્કાર પણ ના કરી શકું !!)
  • - પહેલા તો હું તને સંપૂર્ણ રીતે જાણવાનો પ્રયત્ન કરીશ ને તારી બધી વાતો ને શાંતિથી સાંભળી લઈશ.તું મને સમજી શકે એ માટે હું મારાથી બનતું બધું જ કરીશ.

    - તારા બધા મજાક-મસ્તીને હસ્તે મોઢે હસી કાઢીશ.

    - તારી નાની-મોટી મુશ્કેલીઓને મારા ખભે લઈ લેવા માટે હું તૈયારી બતાવું છું.

    - મારી હાજરીથી તને વધુ સિક્યોર લાગશે એની હું ગેરંટી આપું છું.

  • - આપણી મુલાકાત પછી થોડા સમયમાં જ 'તારાથી વધુ તને જાણનાર' હું બની જઈશ એની ખાતરી આપું છું.
  • - તારી નાની-મોટી ભૂલોને બને એટલી જલ્દી ભૂલી જઈશ.
  • - તારી બધી ફરજોને પુરી કરવા હું હરહંમેશ તારી મદદ કરીશ.
  • હવે સપનાઓ બતાવાઈ ગયા ને વચનો અપાઈ ગયા, હવે મારી જે અપેક્ષાઓ છે તારા માટે એ પણ તને કહી દઉં એટલે આ પત્ર અધુરો ના રહે ( ને મારા પાસે પણ લેખિતમાં કોઈ પુરાવો હોય ). જોકે મારી લગભગ,બધી અપેક્ષાઓ સામાન્ય જ છે પણ અમુક છે જે હું કહીશ:

    - તું મારા ઘરે આવીને મને, મારા મા-બાપને સંભાળી લે એજ મારી મુખ્ય અપેક્ષા છે. ને આનો હું બદલો તો નહીં ચૂકવી શકું પણ તારા નવા ઘરમાં તારો એક જૂનો મિત્ર હું હોઈશ એની સંપૂર્ણ ખાતરી આપું છું.

  • - તું મને સમજવાનો પ્રયત્ન કરજે - આ અપેક્ષાનું હંમેશા તું ધ્યાન રાખે, એવું હું ઇચ્છીશ.
  • - એક પુરુષ તરીકે મારા કયારેક ઉભરાયેલા ગુસ્સાને, તારા પ્રેમથી પહોંચી વળવા પ્રયત્ન કરજે એવું હું ઇચ્છુ છું.
  • - તારામાં બીજા ગુણો હોય કે ન હોય પણ વફાદારી, પ્રામાણિકતા ને થોડી-ઘણી સમજદારી હશે તોપણ હું ચલાવી લઈશ.
  • હવે મારા શબ્દોનું જ્ઞાન તો પરાકાષ્ઠાએ પહોંચી ગયુ છે. પણ મારી લાગણીઓ તો અનંત છે ને ! જે વખતે વખતે આપણી મુલાકાતોમાં તને જોવા મળશે.
  • આ પત્રમા મેં મારી બધી લાગણીઓ કહી દીધી છે. એક છોકરા તરીકે રૂબરૂ કદાચ હું કે બીજો કોઈ પણ આ બધી વાતો ન બોલી શકે એની તને ખબર હશે જ. એટલે, એક રીતે આ પત્ર મારુ દિલ જ છે એમ કહીશું તો ચાલશે.
  • બસ, મારું આ દિલ ને પત્ર તને કયારે મળશે એની રાહ હું જોઈ રહ્યો છું. હું તને મળવા બેતાબ છું, તારા મોઢે મારું નામ સાંભળવા માટે પણ. બીજી બધી વાત મળ્યાં પછી. ( જો તને મળ્યા પછી વાત કરી શકવાની હાલતમા હું હોઈશ તો )
  • તારી પણ લાગણીઓ હશે ને અપેક્ષાઓ, સપનાઓ ને વચનો એવું બધું હશે તો એને મારો નમસ્કાર કહેજે. તારા દિલને હંમેશા મારા માટે ધબકતું રાખજે.
  • આમેય, ટપાલી તો ઓળખાણમાં છે બસ સરનામાંની વાટ જોવાઇ રહી છે !! બસ, એટલું વિચારજે કે જો મારી કલ્પનાઓમાં હું તને આટલો પ્રેમ કરું છું, તો હકીકતમાં તું મારી સામે હોઈશ ત્યારે ? હાશ, હવે મારા શબ્દો પુરા થયા.
  • એ જ તારા દર્શનનો અભિલાષી (હંમેશાથી).....
  • તારા વગર હંમેશા અધુરો,
  • તારો પ્રિય.
  • ( મારા મનમાં ઊંડે ઊંડે પણ એવી આશા છે કે તું પણ બધાથી છુપાઈને,કોઈક ખૂણે બેસીને મારા માટે -એટલે તારા ' ફ્યુચર / ભવિષ્ય ના વેલેન્ટાઈન 'માટે આવો કોઈ પત્ર લખે ને કદાચ એવું થાય કે આપણે એ પત્ર એક્સચેન્જ કરી શકીએ ને તને મારો લખેલો પત્ર વધુ ગમી જાય.... હવે જો મારી વધારે જ યાદ આવે તો ભવિષ્યમાંથી આવી જા ને, હું તો અહીંજ છું.)
  • ***