કાળરાત્રી-5 Narendrasinh Rana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાળરાત્રી-5

પ્રકરણ-5

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યું કે લેખક અને તેમના પરિવારને અન્ય યહૂદીઓ સાથે જર્મનો દ્વારા કોઈ અજાણ્યા સ્થળે લઇ જવા માંટે ટ્રેનના પશુઓ ભરવાના વેગનોમાં ભરવામાં આવ્યા. હવે આગળ વાંચો...)

ટ્રેનના વેગનોમાં બેસવાની કે સુવાની જગ્યા નોહતી. ખુબ ઓછી જગ્યામાં અમને ઠાંસીને પશુઓની જેમ ભરવામાં આવ્યા હતા. અમે બેસવા માટે વારા કર્યા. ડબ્બામાં શ્વાસ લેવા જેટલી પણ હવા નોહતી. અમુક નસીબદારોને એક માત્ર બારી પાસે જગ્યા મળી હતી. તેઓ બહારના દ્રશ્યો જોઈ શકતા હતા.

બે દિવસની મુસાફરી પછી તરસ અને ગરમી અસહ્ય થઈ પડ્યા.

કેટલાક લોકો હુંફ મેળવવા એકબીજાને વળગીને બેસી ગયા. જેમાં કેટલાક વિજાતીય યુવાન હૈયાઓ પણ હતા પણ કોઈએ એ તરફ ધ્યાન ન આપ્યું.

હજુ કેટલોક ખોરાક બાકી હતો. અમે અર્ધા ભૂખ્યા રહેવાનું નક્કી કર્યું હતું કેમકે અમને ખબર નોહતી કે અમારે હજુ ક્યાં સુધી આમ આ વેગનમાં રેહવું પડશે.

ટ્રેન ચેકોસ્લોવાકિયાની સરહદે આવેલા એક નાના સ્ટેશને ઉભી રહી. અમને ત્યારે ખબર પડી કે અમને હંગેરીની બહાર લઇ જવામાં આવી રહ્યા હતા.

વેગનના દરવાજા ખુલ્યા અને એક જર્મન અધિકારી એક હંગેરીયન અધિકારી સાથે અંદર આવ્યો.

"આ ક્ષણથી તમે બધા જર્મન સેનાના કબજામાં છો. જેમની પાસે હજુ પણ સોનુ, ચાંદી કે કોઈ પણ કિંમતી સામાન છે તે અત્યારે જ જમા કરાવી દે. જો પછી કોઈની પાસે પણ કોઈ પણ સમાન મળશે તો તેને ગોળી એ દેવામાં આવશે. જે લોકો બીમાર છે તેઓ મેડિકલ વેગનમાં જઈને રિપોર્ટ કરે." જર્મન અધિકારીએ જાહેરાત કરી.

જાહેરાત પછી હંગેરીયન અધિકારીએ અમારી વચ્ચે એક ટોપલી કિંમતી સમાન ભેગો કરવા ફેરવી.

"તમે બધા કુલ એંશી વ્યક્તિઓ છો. જો તમારા માંથી કોઈ એક પણ વ્યક્તિ ઘટ્યો તો તમને બધાને ગોળીએ દેવામાં આવશે." જર્મન અધિકારીએ જાહેરાત કરી.

બન્ને અધિકારીઓ ગયા. પાછા વેગનના બારણાં બહારથી વાસવામાં આવ્યો. અમારી દુનિયા ફરી એ અંધકાર ભરેલા વેગનમાં સમાઈ ગઈ.

અમારી વચ્ચે એક સ્ત્રી હતી. જેનું નામ મિસિસ સ્કેચર હતું. તેની ઉંમર આશરે પચાસેક વર્ષની હશે. તે તેના દસ વર્ષના પુત્ર સાથે અમારા વેગનમાં હતી. તે તેના પતિ અને મોટા બે પુત્રોથી વિખુટી પડી ગઈ હતી. તેના પતિ અને મોટા બે પુત્રોને ભૂલથી આગળના જથ્થા સાથે મોકલી આપવામાં આવ્યા હતા. તે અમારા ઘરે ઘણીવાર આવતી. તેનો પતિ ખુબ ધાર્મિક હતો. તે આખો દિવસ સિનેગોગમાં પડ્યો રહેતો. તેના પરિવારનું ભરણ પોષણ આ સ્ત્રી જ કરતી હતી.

પોતાના પતિ અને બે પુત્રોથી વિખુટા પડી જવાના કારણે મિસિસ સ્કેચરનું માનસિક સંતુલન બગડી ગયું હતું. અમારી યાત્રાના પ્રથમ દિવસે તેણે બબડાટ કરવાનો શરૂ કર્યો. તે બધાને વારંવાર પૂછી રહી હતી કે તે તેના પરિવારથી કેમ વિખુટી પડી ગઈ છે? તેનો બબડાટ ધીરે ધીરે વધી રહ્યો હતો.

ત્રીજી રાત્રે જયારે અમારા માંથી ઘણા સુવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે અચાનક મિસિસ સ્કેચરે ચીસ પાડી.

"આગ...મને આગ દેખાય છે. ભયાનક આગ." તે બારી બહાર આંગળી ચીંધીને રાડો પાડી રહી હતી.

કેટલાકે બારી બહાર નજર પણ કરી પણ તેમને રાતના અંધકાર સિવાય કઈં ન દેખાયું. મિસિસ સ્કેચરની ચીસો હજુ પણ ચાલુ જ હતી.

અમારા માટે તેમની ચીસો અસહ્ય હતી. અમે બધા સ્તબ્ધ હતા. અમે જાણે નર્કના દ્વાર અમારા માટે ખુલી ગયા હોય તેમ અનુભવી રહ્યા હતા.

"તેમનું મગજ ફરી ગયું છે." અમે એક બીજાને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો.

કોઈએ તેમને શાંત કરવા માથે ભીના પોતા પણ મુક્યા. પણ તેમની ચીસો ચાલુ રહી,"આગ...મને આગ દેખાય છે. કોઈ મને બચાવો."

તેમનો દસ વર્ષનો છોકરો તેમને વળગીને શાંત કરવા પ્રયત્ન કરી રહ્યો હતો,"માં તું શાંત થઇ જા. ત્યાં બહાર કશું જ નથી."

તેનું આક્રન્દ મને તેની માંની ચીસો કરતા પણ વધુ દુઃખ પહોંચાડી રહ્યું હતું.

કેટલીક સ્ત્રીઓએ તેને શાંત કરવા પ્રયત્ન કર્યો," તને તારા પતિ અને બાળકો ચોક્કસ મળશે પણ તું અત્યારે શાંત થઈ જા."

તે જાણે કોઈ ભૂત વળગ્યું હોય તેમ હજુ બોલી રહી હતી," તમને લોકોને આ ભયાનક અગનજ્વાળાઓ નથી દેખાતી? આ આગથી મને બચાવો."

અમે એક બીજાને અને ખાસ તો અમારી પોતાની જાતને સમજાવવા કહી રહ્યા હતા," તે ભૂખ અને તરસને કારણે રાડો પાડી રહી છે. તે એટલે જ આગની વાતો કરી રહી છે."

તેની ચીસો અમારા માટે અસહ્ય થઇ રહી હતી. અમે બધા પણ જાણે તેણીની જેમ જ માનસિક સંતુલન ગુમાવી રહ્યા હતા. અંતે કેટલાક યુવાનોએ તેણીને પકડીને હાથ અને મોં બાંધી દીધા જેથી તે ચીસો ન પાડી શકે. તેનો પુત્ર રડતો રહ્યો અને કરગરતો રહ્યો પણ બધાની સહનશક્તિ જવાબ દઈ ચુકી હતી. બધા એ મિસિસ સ્કેચરને બાંધવાનું સમર્થન કર્યું.

વેગનમાં ફરી શાંતિ પ્રસરી. તેણીનો પુત્ર તેની પાસે બેસીને રડી રહ્યો હતો. મેં ફરી રાહતનો શ્વાસ લીધો. અમે બધા પાછા સુવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

એક કે બે કલાક પસાર થયા હશે કે અચાનક ફરી પાછી એ જ પરિચિત ચીસોએ અમને હચમચાવી નાખ્યા. મિસિસ સ્કેચર પોતાના બંધનોમાંથી મુક્ત થઈ ને ફરી ચીસો પાડી રહ્યા હતા.

ફરી કેટલાક યુવાનોએ મિસિસ સ્કેચરને પકડીને બાંધ્યા. જયારે તેમણે તેણીને મારવાનું શરૂ કર્યું ત્યારે ઘણા લોકોએ પ્રોત્સાહન પણ આપ્યું. લોકો કોઈ પણ ભોગે તેની ચીસોથી મુક્ત થવા માંગતા હતા.

"તેને ચુપ કરો. ગમે તેમ કરીને તેને ચીસો પાડતી બંધ કરો. તે અહીંયા એકલી નથી."

મિસિસ સ્કેચરને માથામાં ફટકા મારવામાં આવ્યા. એવા ફટકા જે તેણી માટે જીવલેણ સાબિત થઇ શકે તેમ હતા. તેનો દીકરો તેણીને વળગીને ચુપચાપ બધું જોઈ રહ્યો હતો.

રાત જાણે પુરી થવાનું નામ નોહતી લઇ રહી. પરોઢિયે મિસિસ સ્કેચર શાંત થઇ ગઈ. તે એક ખૂણામાં બેઠી બેઠી દૂર શૂન્યમાં તાંકી રહી હતી. તે હવે અમને બધાને નોહતી જોઈ રહી.

તે આખો દિવસ એકલી, ચુપચાપ, આસપાસના વાતાવરણથી અલ્પિત બેસી રહી. સાંજના સમયે તેણી ફરીથી ચીસો પાડવા લાગી.

"આગ, ત્યાં સામે જુઓ..." તે બહાર તરફ આંગળી ચીંધી રહી હતી. ક્યાંક દુર એક જ જગ્યા તે વારંવાર આંગળી ચીંધી રહી હતી.

કોઈને પણ હવે તેને મારવાની ઈચ્છા નોહતી. ગરમી, તરસ, ગુંગળામણ અને વાસના કારણે અમે થાક્યા હતા. છતાં તેણીની ચીસો અમને વધારે હેરાન કરી રહી હતી. થોડા વધુ દિવસો આ રીતે પસાર કરવા પડ્યા તો અમે પણ મિસિસ સ્કેચરની જેમ ચીસો પાડવા લાગીશું એવું લાગતું હતું.

અંતે કોઈ સ્ટેશને ટ્રેન ઉભી રહી. બારી પાસે ઉભેલા કોઈએ સ્ટેશનનું નામ વાંચ્યું : "ઓસચવિત્ઝ"

કોઈએ આ નામ પેહલા સાંભળ્યું નોહતુ.

ટ્રેન તે સ્ટેશને વધારે સમય ઉભી રહી. બપોર ધીરે ધીરે પસાર થઈ. વેગનના દરવાજા ખુલ્યા. બે માણસોને પાણી લાવવા માટે નીચે ઉતરવાની પરમિશન મળી.

જયારે તેઓ પાછા આવ્યા ત્યારે એક સોનાની ઘડિયાળ (જે તેમણે સાચવી રાખી હતી) ના બદલામાં માહિતી લાવ્યા હતા કે આ છેલ્લું સ્ટેશન હતું. અમારે અહીં જ ઉતરવાનું હતું. ત્યાં એક લેબર કેમ્પ હતો તેમાં અમને રાખવામાં આવવાના હતા. લેબર કેમ્પમાં પરિસ્થિતિ સારી હતી. યુવાનોને ફેકટરીઓમાં કામ કરવાનું હતું જયારે વૃદ્ધોને ખેતરોમાં કામ કરવાનું હતું. બધાને પોતાના પરિવારો સાથે જ રાખવામાં આવવાના હતા.

લોકોનો આત્મવિશ્વાસ પાછો આવ્યો. અચાનક અમને જાણે ગઈ રાતના ભયમાંથી છુટકારો મળ્યો હોય એમ લાગ્યું.

મિસિસ સ્કેચર હજુ ખૂણામાં બેઠી હતી. તેણી જાણે આસપાસના ઉત્સાહ જનક વાતાવરણથી અલ્પિત હતી. તેનો પુત્ર તેનો હાથ પંપાળી રહ્યો હતો.

ધીરે ધીરે સાંજ ઢળવા લાગી. અમે અમારો વધેલો ઘટેલો ખોરાક જમ્યા. રાત્રે દસ વાગે અમે બધા સુવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાં અચાનક જ...

"આગ, ત્યાં જુઓ આગ છે."

અમે ફરીથી બારી તરફ ધસારો કર્યો અને બહાર નજર કરી. ત્યાં કઇં જ નોહતુ. અમે ફરી એક વાર મિસિસ સ્કેચરની વાતમાં આવી ગયા હતા. અમે બધા અમારી જગ્યાઓએ પાછા ફર્યા. અમારો ભય પાછો આવી ગયો હતો. આખા દિવસનો આત્મવિશ્વાસ ગાયબ થઇ ગયો હતો. મિસિસ સ્કેચર હવે ભયના માર્યા આક્રન્દ કરી રહી હતી. અમે બહુ પ્રયત્નો પછી તેણીને શાંત કરી શક્યા.

અમારા વેગનમાંથી કોઈએ બહાર આંટા મારી રહેલા જર્મન અધિકારીને મિસિસ સ્કેચરને મેડિકલ વેગનમાં સારવાર માટે મોકલી આપવા પણ કહ્યું. જર્મન અધિકારીએ અમને ધીરજ રાખવાની સલાહ આપી.

રાત્રે અગ્યાર વાગ્યાની આસપાસ ટ્રેન ફરીથી ચાલુ થઇ અને ધીરે ધીરે ચાલવા લાગી. અમે બધા બારી પાસે બહારનું દ્રશ્ય જોવા ટોળે વળ્યાં. આશરે પંદર મિનિટ પછી ટ્રેન એકદમ ધીમી પડી ગઈ. ત્યારે અમે પેહલી વાર તે કાંટાળા તારની વાડ જોઈ. અમને સમજાઈ ગયું કે અમે કેમ્પમાં પહોંચી ગયા હતા.

અમે મિસિસ સ્કેચરના અસ્તિત્વને ભૂલી ગયા હતા કે ત્યાં ફરીથી તેમણે ચીસ પડી," જુઓ, ત્યાં જુઓ, આગ અને તેની જ્વાળાઓને જુઓ."

અને તે સાથે જ ટ્રેન ઉભી રહી ગઈ. આ વખતે અમે સાચે જ એક લાંબી ચીમનીમાંથી કાળા આકાશમાં ઉઠતી આગની જ્વાળાઓ જોઈ.

મિસિસ સ્કેચર આ સાથે જ શાંત થઇ ગયા અને પોતાની જગ્યાએ બેસી ગયા.

અમે રાત્રીના અંધકારમાં તે અગનજ્વાળાઓને તાંકી રહ્યા. વાતાવરણમાં એક વિચિત્ર વાસ ફેલાયેલી હતી. તે સાથે જ અમારા વેગનના દરવાજા ખુલ્યા. ચટ્ટા પટ્ટાવાળા જેકેટ અને કાળા પેન્ટ પહેરેલા માણસો અંદર પ્રવેશ્યા. તેમના હાથમાં બેટરીઓ અને લાકડીઓ હતી. તેમણે અમને લાકડીઓ વડે મારવાનું શરૂ કર્યું. તેઓ બોલી રહ્યા હતા,"ચાલો બધા, બધું અહીંયા જ મુકીને બહાર નીકળો."

અમે બહાર કુદી પડ્યા. મેં મિસિસ સ્કેચર તરફ જોયું. તેમનો દીકરો હજુ તેમનો હાથ પકડીને ઉભો હતો.

અમારી સામે પેલી અગનજ્વાળાઓ હતી. હવામાં ભૂંજાયેલા માંસની વાસ હતી. તે આશરે મધરાતનો સમય હતો અને અમે બર્કનાઉનાં કેમ્પમાં પહોંચી ગયા હતા.

(લેખક અને તેમના પરિવારની શું હાલત થશે? શું લેખક આ વિપત્તિ માંથી બચી જશે? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ...)