સંધ્યા ટાણે Heena Hemantkumar Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા ટાણે

સંધ્યા ટાણે

જાણીતા અને તેમની શાખામાં મજબૂત ગણી શકાય એવાં વકીલ ચંદ્રેશસરનાં નિધન પછી એમની ઓફિસને શોર્ટ આઉટ કરવાનું જવબદારીભર્યું કામ એમની જ પર્સનલ આસીસટન્ટ એવી અભિજ્ઞાને સોંપવામાં આવ્યું. અભિજ્ઞા દરેક ફાઇલને માવજતપૂર્વક તપાસી રહી હતી. અને એનો સંપૂર્ણ રીપોર્ટ ચંદ્રેશસરનાં પુત્ર અવસરસરને આપવાનો હતો. મોટો ખડક થઇ શકે એટલી ફાઇલ્સનું નિરીક્ષણ કરી રહેલ અભિજ્ઞાનાં હાથે ચંદ્રેશસરની એક પર્સનલ ડાયરી ચડી. અભિજ્ઞા ડાયરીનાં પાનાં ઉથલપાથલ કરી રહી હતી. ત્યાં એની નજર લીલી શાહીથી લખેલ એક પ્રકરણ પર પડી. ‘પર્સનલ ડાયરી નહીં વાંચવી’ એવી પોતાની જાત સાથે ગાંઠ વાળી ચૂકેલ અભિજ્ઞા પોતાની જિજ્ઞાસાવૃત્તિને રોકી શકી નહીં. ઉપરછલ્લી નજર ફેરવી રહેલ એ લીલી શાહીવાળા પ્રકરણમાં અભિજ્ઞાને ઊંડો રસ પડ્યો. એ સાંજે એની ડ્યુટી પુરી થવા છતાં એ ઘેર જવાનું ભૂલી ગઇ. અને‚ ઓફિસનાં એક ખૂણામાં બેસી એ ચંદ્રેશસરનાં જીવનનાં લીલીવનરાઇ જેવાં સમૃધ્ધ પ્રકરણને વાંચવા મશગૂલ થઇ ગઇ. એનાં સહકાર્યકર્તાઓ એક પછી એક ઘેર જવા નીકળી રહ્યા હતા. અભિજ્ઞા બધાંને એક સરખો જવાબ આપતી રહી- “હં‚ તમે નીકળો. હું થોડું કામ પતાવીને નીકળીશ.” અભિજ્ઞા ચંદ્રેશસરના એ લીલી શાહીવાળાં પ્રકરણને વાંચવામાં ગળાડૂબ થઇ ગઇ.

આઝાદી પહેલાંના સમયની એ વાત હતી. એક અંગ્રેજ ઓફિસર એનાં ફેમિલી સાથે ભારતમાં ડ્યુટી કરી રહ્યા હતા. ઑફિસરને એક સુંદર સાત-આઠ વર્ષની બાર્બરા નામે દીકરી હતી. બાર્બરાનો જન્મ અહીં ભારતમાં જ એક સુંદર સ્ટેટમાં થયો હતો. પહાડોની વચ્ચેથી ખળભળતી નદીનાં કિનારે એ જહોજલાલીભર્યું સુંદર રાજ્ય કુદરતનાં ખોળે વિક્સવ્યું હતું. એની રમણિયતાની વાત છેક બ્રિટન સુધી પ્રસરેલી હતી. ભારત આઝાદ થતાં ઓફિસર પણ એમનાં ફેમિલી સાથે ઇંગ્લાંડ ગયા. બાર્બરાનું શિક્ષણ‚ ઉછેર બધું જ ઇંગ્લાંડમાં થયું. પરંતુ એનાં માનસપટ પર કોતરાયેલ જન્મભૂમિનું તીવ્ર સ્મરણ થઇ આવતું. એનાં રોમેરોમમાં ભારતનાં એ સ્ટેટની મહેંક પ્રસરતી હતી. યોગ્ય ઉંમરે જીવનનાં યોગ્ય તબક્કાઓ બાર્બરા પસાર કરતી રહી એનું જીવન હંમેશા સમૃધ્ધીમય અને આનંદમય રહ્યું. જીવનમાં એને કોઇ બાબતની કમી-અછત ન હતી. આમ છતાં ક્યાંક અધૂરપ રહી ગયાનો અફસોસ પણ હતો. બાર્બરા હવે જીવનમાં સાઠીએ પહોંચી. જીવનને સંપૂર્ણ માણ્યાનાં આનંદ સાથે ક્યાંક જન્મભૂમિની ખોટ એને વર્તાતી. જન્મભૂમિ એને પોકારી રહી હોય એવું એ વારંવાર અનુભવતી. બાર્બરાએ હવે નક્કી જ કરી દીધું કે જીવનનો ઉતરાર્ધ જન્મભૂમિમાં વીતાવવો છે. બાર્બરા ભારત આવી વસ્યા. દરરોજ નદીકિનારે ટહેલવું‚ પર્વતોને ખૂંદવા‚ જર્જરીત થયેલ છતાં આત્મીયતાની અનુભૂતિ કરાવતાં એ પેલેસમાં જવું એ એમનો નિત્યક્રમ બની ગયો. ભારતમાં વસી બાર્બરામેડમ પોતાનાં જીવનનાં ઉતરાર્ધને ખૂબ માણી રહ્યા હતા.

મૂળ આ જ ગામનાં વતની પણ નોકરી અર્થે અમદાવાદ વસેલ કરશનભાઇ પણ એમની બેંકની સરકારી નોકરીમાંથી રીટાયર્ડ થઇ ગયા હતા એમની ધર્મપત્નિનું નિધન થતાં કરશનભાઇને એકલવાયું જીવન શહેરમાં સતાવી રહ્યું હતું. એમણે પણ બાકીનું જીવન માદરે વતન બાપ-દાદાનાં મકાનમાં વીતાવવા નિર્ણય લીધો. આમ‚ કરશનભાઇ પણ વતનમાં સ્થાયી થયા.

મોર્નિગવોક કરતાં–કરતાં બાર્બરા અને કરશનભાઇ રસ્તાનાં બંને કિનારે-કિનારે દરરોજ પોતપોતાની મસ્તીથી ચાલતાં. પોતાનાં હિસ્સાનાં સૂરજને દિલમાં ભરી લેતા. પોત-પોતાનાં જીવનને માણતા. બંનેનો રસ્તો એક જ હોય દરરોજ નિયત સમયે અને સ્થળે તેઓને એકબીજાને સામસામે મળવાનું થતું. લાંબા સમયે બંને માટે એકબીજાનો ચહેરો જાણીતો થતો ગયો. એક જ રસ્તાનાં નિયમિત રાહદારી હોવાનાં નાતે બાર્બરા મેડમ અને કરશનભાઇ બંને એકબીજાને પ્રભાતનું સુંદર સ્મીત આપતા. સમય વીતતાં એકબીજાને મંગલમય દિવસ માટે શુભેચ્છા પાઠવતા. બંનેની બાળક જેવી નિર્દોષ એવી દોસ્તી વધતી ગઇ. ક્યારેક ક્યારેક એકબીજાનાં સંગાથે તેઓ પર્વતો પર ટ્રેકીગ માટે જતા. સમય વીતતો ગયો તેમતેમ તેમની નિર્દોષ મૈત્રી પ્રગાઢ બનતી ગઇ. સાથે વોક કરવું‚ ગાર્ડનમાં બેસવું‚ કરન્ટ ટોપીક પર ભાંગીટૂટી ભાષામાં ચર્ચા કરવી વિગેરે એમનો નિત્યક્રમ બનતો ગયો. નિયત સમયે ટહલવાં નીકળતાં બંને મિત્રોને જોઇ ગામમાં લોકોને કૂતૂહલ થતું. વળી‚ કેટલાંક પોતપોતાની વિચારશક્તિ પ્રમાણે એલફેલ વાતો કરતા. પરંતુ અલગારા એવાં બંને મિત્રોને ક્યાં કોઇની પડી જ હતી! અરે! બંને વચ્ચે કોમ્યુનિકેશન પણ ભાંગુટૂટૂં હતું તે છતાં સરસ ટ્યુનીગ હતું. ભાષાભેદ નડતર ક્યાંય ન થતી. જાણે નિયતિની ડિઝાઇન હતી. સંધ્યાટાણે ભગવાને બાર્બરામેડમ કરશનભાઇ માટે જ આ ઘટનાનું નિર્માણ કર્યું હતું. બંને વૃધ્ધા એકમેકનાં ટેકટેકે જીવનની સુંદર સંધ્યા માણી રહ્યા હતા. બાર્બરામેડમ અને કરશનભાઇને ગામ માટે કંઇક નવું કરી છૂટવાની તીવ્ર તમન્ના હતી. ગામનાં હિતાર્થે એમણે એક પછી એક પ્રોજેક્ટ બનાવ્યા. બંને એ પોતપોતાનાં જીવનભરનાં અનુભવોનો નિચોડ કામે લગાવ્યો. ગામવાસીઓને કરશનભાઇ પ્રાથમિક વાંચતા-લખતાં શીખવતા તો બાર્બરામેડમ સ્વચ્છતા અને પૌષ્ટિક આહાર-વિહારની રીતભાવ શીખવતા. એમણે ગૃહઉદ્યોગો વિકસાવ્યા. નજીકનાં શહેરોમાં વેચતા આથી ગામલોકોની સધ્ધરતા વધતી ગઇ. સરકારે કરશનભાઇ અને બાર્બરામેડમની કામગીરીની નોંધ લઇ, ગામનાં વિકાસ માટે સબસીડી જાહેર કરી. આથી આદીવાસીઓનું પછાત ગામ જાણે નંદનવન બની ગયું. એમણે નાનકડાં ગામમાં હોસ્પીટલ, સ્કૂલનો વિકાસ કર્યો. ગામલોકો માટે તો જાણે સાક્ષાત ભગવાન ઊતર્યા હોય એવાં ખુશ્ખુશાલ હતા. બાર્બરામેડમ અને કરશનભાઇનો નિયમિત વોક કરવાનો નોયમ ગમે તેટલું કામનું ભારણ હોય તો પણ અકબંધ રહેતો. ગમે તેટલી ઠંડી, ગરમી કે વરસાદ હોય એમનાં વોકનો નિત્યક્રમ ક્યારેય પણ તૂટ્યો ન હતો.

ગામમાં નવા-સવા વકીલ થયેલ એવાં એક માત્ર થનગનતો યુવાન ચંદ્રેશને આ જોડી જોવાથી ખૂબ અંતરnoનો આનંદ અનુભવાતો. નિયત સમયે વોક કરતાં આ બે મુક્ત પંખીઓને નીહાળવા ચંદ્રેશ પોતાનાં ઝરુખામાં અવશ્ય આતુરતાથી વાટ જોતા. ચંદ્રેશ ભણેલ-ગણેલ હોવાથી એને અંગ્રેજી બોલવું‚ સમજવું ફાવતું એને પણ ધીમે-ધીમે બાર્બરામેડમ અને કરશનભાઇ સાથે મિત્રતા થઇ ગઇ.

નિર્મોહી‚ ભોળાં એવાં બાર્બરામેડમ અને કરશનભાઇએ ચંદ્રેશને ખૂબ પ્રેમથી આવકાર આપ્યો. એ ત્રણેયની મંડળી ખૂબ જામી. જાણે એક હુંફાળો પરિવાર બની ગયો ત્રણે એકમેકનાં વર્ષોના સાથી બની ગયા. વર્ષો વીતતા ગયા. બાર્બરામેડમ અને કરશનભાઇની મિત્રતા પણ જીવનનાં સંધ્યા ટાણે વધુને વધુ મુગ્ધ બનતી ગઇ. બંને એક્બીજાનાં સહારા માટે નિર્માયા હોય એવું અનુભવાતું. ચંદ્રેશ એનાં સાક્ષી રહ્યા.

વર્ષોનાં નિત્યક્રમ પ્રમાણે આજે બાર્બરામેડમ એમનાં નિયત સમયે વોક માટે નહીં આવ્યા. કરશનભાઇ મૂંઝાયા એમનાં ધબકારા વધી ગયા. કરશનભાઇને બાર્બરામેડમનાં ઘરનું એડ્રેસ સુધ્ધાં ખબર ન હતી પરંતુ એરિયાનો અંદાજ હતો. હાંફળા-ફાંફળા કરશનભાઇએ બાર્બરામેડમનું નિવાસ શોધી કઢ્યું એમણે ખખડાવ્યો પરંતુ કોઇ અણસાર ન આવતા તેઓ ઘરમાં દાખલ થયા. બાર્બરામેડમની તબિયત લથડી હતી તેઓ એમનાં બેડ પર નીરવશાંતિથી સૂતાં હતા. કરશનભાઇ બાર્બરામેડમને તાબડતોબ ડૉક્ટર પાસે લઇ ગયા. ચંદ્રેશ પણ તાબડતોબ ત્યાં પહોંચી ગયા. ડૉક્ટરે તપાસ કરી જણાવ્યું “ઉંમર એનું કામ કરી રહી છે. હવે જેટલા દિવસ‚ મહિના જીવે એ ઇશ્વરનું બોનસ હશે.” ખૂબ સામાન્ય અને બે દિવસની ટૂંકી માંદગીમાં બાર્બરામેડમનું તેડું આવી ગયું. બાર્બરાને અંત:સ્ફૂરણા થઇ ગઇ કે હવે એમનું જીવન પુરું થઇ રહ્યું છે. કરશનભાઇ ‘બાર્બરા નહીં રહે તો....’ એવી પરિસ્થિતિ સ્વીકારવા બિલકુલ અસમર્થ હતા. તેઓ તદન ગુમશૂમ થઇ ગયા હતા. ચંદ્રેશ આખી પરિસ્થિતિ પામી ચૂક્યા હતા. સતત ઉભા પગે ચંદ્રેશ ત્યાં જ હાજર રહ્યા. બાર્બરામેડમે એક હાથ ચંદ્રેશના હાથમાં મૂક્યો. અનાયાસે જ કરશનભાઇએ પણ તેમનો એક હાથ ચંદ્રેશનાં હાથમાં મૂક્યો. ચંદ્રેશ કંઇક સમજે એ પહેલાં એનાં શરીરમાંથી કોઇક લખલખું પસાર થઇ ગયું. કંઇક દૈવી અલૈકિક વાઇબ્રેશન અનુભવાયું પોતે સ્વસ્થ થાય એ પહેલાં બાર્બરામેડમ અને કરશનભાઇનાં શરીરમાંથી એકી સાથે આત્મા અંતરિક્ષમાં વિલીન થઇ ગયો. ચંદ્રેશે બંનેને એકી સાથે સરકતા અનુભવ્યા.

જીવનનાં સંધ્યાટાણે બે નિર્દોષ પંખીઓ ચહેંકી ગયા, મલકી ગયા, ગહેંકી ગયા. જીવનમાં સર્જતા વિવિધ પ્રકરણો પૈકી આ એક પ્રકરણ ચંદ્રેશને જીવનનો અર્થ સમજાવી ગયું જે એણે માવજત પૂર્વક લીલી શાહીથી પોતાની અંગત મૂલ્યવાન ડાયરીમાં અંકિત કરી દીધું.

અભિજ્ઞાએ ડાયરી બંધ કરી. સંધ્યાટાણે જીવનને ઉત્સવ બનાવી ઉજવી જનાર એ બંને પંખીઓને નમન કરી રહી.