કાલ્પનિક વાસ્તવિકતા - ૩૦ Bhargav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ્પનિક વાસ્તવિકતા - ૩૦

કાલ્પનિક વાસ્તવિકતા –૩૦

ભાર્ગવ પટેલ

નોવેલ વિષે

આ ભાગ થકી હું આ કથાને અહી વિરમું છું. આપ સૌએ આપનો પ્રેમ રીવ્યુ થકી પ્રદર્શિત કર્યો એ બદલ અંતઃકરણથી બધાનો આભારી છું. ૨૯ ભાગ પહેલા જ્યારે મેં આ નોવેલની શરૂઆત કરી હતી ત્યારે ઓછા ભાગમાં પૂરી કરવાનું વિચાર્યું હતું પણ જેમ જેમ પાત્રો બનતા ગયા તેમ તેમ મારો પ્રથમ નોવેલ લખવાનો ઉત્સાહ વધતો ગયો અને અંતે ૩૦ ભાગની સફર ખેડી આજે અહી વિરામ પામી. આ ભાગ વાંચ્યા પછી પણ આપ આપના સાચા પ્રતિભાવો મને આપજો એવી આશા. જેથી કરીને સૂચનોનો અમલ બીજી કૃતિમાં કરી શકું. અને હા! આ ભાગ બાકીના તમામ ભાગ કરતા લાંબો છે જેની આગોતરી જાણ કરું છું, જેથી સમય લઈને તમે વાંચી શકો.

આભાર.

{ભાર્ગવ પટેલ (૯૮૭૯૬૯૯૭૪૬) (પ્રતિભાવો વોટ્સએપ પર પણ મને જણાવજો જે વધુ કારગત રહેશે આપણા સંબંધો માટે)}

***

ભાગ ૩૦

‘આટલો મહત્વનો ટર્નીંગ પોઈન્ટ પર આવેલો કેસ છોડીને આ માણસ કંપનીની મીટીંગ માટે સુરત કેમ જતો હશે?’ એક વાર જેનિશના મનમાં આ વિચાર આવીને જતો રહ્યો.

“ઠીક છે. તારે જવું હોય તો ભાભીને કહીને નીકળ. અહી આ બધું તો હું સંભાળી લઈશ”

“અહી વિશાલ અને મારા પપ્પા છે જ જો તને કોઈ હેલ્પ જોઈતી હોય તો. સોરી યાર રીયલી સોરી દોસ્ત, છેક ક્લાઈમેક્સ સુધી આવેલો હું આમ છોડીને જાઉં છું”

“લે! તું તો વિદેશ જતો હોય એમ કરે છે લ્યા! તું આવીશ જ ને પરમ દિવસ સુધીમાં”

“હા, એ તો છે જ પણ આ કંપનીવાળાઓનું કશું કહેવાય નહિ. મીટીંગ પછી ટ્રેનીંગ પણ ગોઠવી લે”

“પણ તું અત્યારે કેમ એ બધું વિચારે છે? હમણાં તો તારે બે દિવસ માટે જ જવાનું છે ને?”

“હા આમ તો. કાલે સાંજે તો આવી જ જવાશે”

“બસ તો પછી! શું વાંધો છે. તું નીકળ જલ્દીથી. અનીલ અને પ્રિયંકા પેલા બંનેને મળીને આવે એટલે બધી વાત તને કહીશ”

“ઓકે, ચલ તો હું નીકળું છું”

“ઓકે ટેક કેર! બાય”, કહીને જેનિશ નિશ્ચિત જગ્યા પર પહોચ્યો અને સંકેત એના મનમાં ચાલતા મંથન સાથે ઘરે પહોચ્યો.

“મારે સુરત જવાનું થયું છે અચાનક”, પ્રવેશતાવેંત સંકેતે અમીને કહ્યું.

“કેમ આમ અચાનક સુરત?”, અમીએ એક સ્વાભાવિક સવાલ કર્યો.

“આપણી કંપનીના બધા ડીલર્સની મીટીંગ છે પરમ દિવસ સુધી”

“પણ ગઈ કાલે એના વિષે આપણને કોઈ મેઈલ કે ઇન્ફોર્મેશન મળી નથી”, અમી ઓફિસે બેસતી હોવાથી એને બધો ખ્યાલ રહેતો.

“મને હમણાં જ આલોકનો ફોન આવ્યો કે અરજન્ટ મીટીંગ રાખી છે”

“આમ કેવી રીતે અરજન્ટ મીટીંગ રાખી શકે એ લોકો? કમ સે કમ કહેવું તો જોઈએ બે દિવસ પહેલા.! માણસને બીઈજા પણ કામ હોય કે નહિ?”, કહેતી કહેતી અમી સંકેતની બેગ પેક કરવા માટે એમના રૂમ તરફ ગઈ.

પત્નીઓ પણ ખુબ અકળ હોય છે. એમને પોતાના પતિ માટે એટલી બધી લાગણી હોય છે કે પતિ હેરાન થવાના જ છે એની જાણ હોવા છતાં પતિને જેના તરફથી હેરાન થવું પડતું હોય એના પ્રત્યે ગુસ્સો તો જતાવશે જ! ખબર નહી કેમ આટલી બધી પ્રેમાળ પત્નીઓ પર બનતા ટુચકા અને લગ્ન પછીની લાઈફના જોક્સ બધા કેમ કેમ ફેલાવી શકતા હશે?

મુકેશભાઈ અને અસ્મિતાબેન પણ સંકેતની આમ અચાનક ગોઠવાયેલી મીટીંગ વિષે કશું સમજી શક્યા નહિ. પણ હવે કશું થાય એમ નહતું. સંકેતથી વડોદરા રોકાવાય એમ નહતું, કારણ કે છેવટે તો આ જ એ કંપની હતી જેના નામથી બીઝનેસ ચાલુ કર્યો એથી જ સંકેત અત્યારે જ્યાં છે ત્યાં હતો.

સંકેત પોતાની કાર લઈને રવાના થયો. વિશાલને બાઈક લઈને જેનિશ સાથે રહેવા માટે પોર મોકલ્યો.

***

અનિલ અને પ્રિયંકા મહેમુદ અને સુધીરની પરવાનગીથી એમની બહારથી એક ખંડેર દેખાતી ફેક્ટરીમાં પ્રવેશ્યા. અંતરિયાળ વિસ્તાર હોઈ આ રસ્તા પર અવરજવર પણ નહીવત કહી શકાય એવી હતી.

સુધીર પોતે અનિલ અને પ્રિયંકાને વિવિધ જગ્યાઓ બતાવતો હતો. બહારથી ખાસ ધ્યાન દોરી ના લેતી બિલ્ડીંગમાં અંદરખાને જોનારની આંખો અંજાવી નાખે એટલી હદે કાર્યાન્વિત હતી. દરેક બ્રાન્ડેડ કંપનીની મશીનરીના મુખ્ય અને પાયાના પાર્ટ્સનું બનાવટીકરણ અહી થતું હતું. એસી અને રેફ્રીજરેટરથી માંડીને દરેક મોટા મોટા મશીનોના અલગ અલગ વિભાગો પાડેલા હતા. વર્કર વર્ગ પણ ખાસો મોટો હતો. અહી ન તો વર્કરોને કોઈ આઈકાર્ડ આપવામાં આવતું કે ન તો કોઈ યુનિફોર્મ! અહી એન્ટ્રી અને એક્ઝીટ બંને એક ખાસ પ્રકારના નિર્ધારિત કોડીંગમાં ચાલતું જે કોડ દરેક દિવસે બદલાતો રહેતો.

અનિલ અને પ્રિયંકા પહેલા તો થોડા હેબતાઈ ગયા. પોતે કોઈ અલગ જ પ્રકારની દુનિયામાં આવી ગયા હોય એમ લાગ્યું. પણ પછીથી પોતે આ બધાના જાણકાર હોવાનો રોલ અદા કરી રહ્યા હોવાનું ભાન થતા એમને પોતાનું મન મક્કમ કરીને બધી માહિતી મગજમાં નોટ કરવા માંડી.

“યેસ મિસ્ટર સુધીર. આઇ થિન્ક તમે અમારું ક્ન્સાઇન્મેન્ટ પાર પાડવા એલીજીબલ તો છો જ. શું કહેવું સર?”, પ્રિયંકાએ કહ્યું. બધું જોયા પછી એ લોકો બધું ફાઇનલાઇઝેશન કરવા માટે મહેમુદની નાની કહી શકાય એવી ઓફીસમાં બેઠા હતા.

“હા, આમ તો આપી શકાય પણ..”, અનિલે જાણીજોઇને પણ કહ્યું જેથી તે સુધીરના મનમાં કેટલી ઉત્સુકતા છે તે જાણી શકે.

“પણ શું સર? અમારી કોઈ ભૂલ થઇ છે કે શું?”, સુધીરના આવા પ્રશ્નથી એની ઉત્કંઠા ઉજાગર થઇ ગઈ.

“પણ એટલા માટે કે તમે અમારું કામ અમારા નોટીસ પીરીયડમાં પૂરું તો કરી આપશો ને?”, અનિલે પોતાની અદાથી પૂછ્યું.

“હા સર સ્યોર. તમે એની ચિંતા અમારા પર છોડી દો”, સુધીરે ખાતરી આપી.

“તો આપણે બધું ડિસ્કસ કરી લઈશું સર?”, પ્રિયંકાએ અનિલને પૂછ્યું.

“સ્યોર”, અનિલે કહ્યું.

“આજે અમે લોકો તમને એક બ્લુ પ્રિન્ટ આપીશું જેના પરથી તમારે લોકોએ આવતીકાલ સાંજ સુધીમાં એના જેવા જ હુબહુ નકલી પાર્ટના પચાસ નંગ અમે તમને આપીએ એ સરનામે પહોચાડવાના રહેશે. ત્યાં અમારી પોતાની એક આગવી ચેકિંગ સીસ્ટમ છે જ્યાં તમારા પાર્ટ્સ ચેક થશે અને જો ત્યાંથી ‘ઓકે’નો સિગ્નલ મળશે તો જ તમને આગળના દસ હજાર નંગ બનાવવાનો એક મોટો ઓર્ડર રીલીઝ કરાશે”

દસ હજાર નંગની વાત માત્ર સંભાળીને સુધીર મનોમન નફાની ગણતરી કરી રહ્યો હતો. અત્યાર સુધી આટલો મોટો ઓર્ડર એ લોકોને મળ્યો નહતો અને ઉપરથી એમના ક્ષેત્રના માંધાતા લોકો સાથે સાંઠગાંઠ લાંબા ગાળે મોટો ફાયદો કરાવી શકે તેમ હતી.

ત્યાં જ મહેમુદે પોતાની શંકા વ્યક્ત કરી, “અમારો નફો કેટલો આ બધામાં? ટકાવારી અને એ બધું તો હજી નક્કી કરવાનું બાકી છે”

“મારી વાત હજી પૂરી નથી થઇ મિસ્ટર મહેમુદ. એ દસ હજાર નંગમાં જેટલો નફો થશે એમાં હું અને તમે બંને ૬૦-૪૦ ના ભાગીદાર હોઈશું”

“પણ એની માર્કેટ પ્રાઈઝ અને એ બધું કેટલું છે તો અમનેય ખબર પડે કે અમે કેટલું કમાવવાના છીએ”, મહેમુદ કોણ જાણે કયા કારણથી અનિલ અને પ્રિયંકાથી સુધીર કરતાં ઓછો અંજાયો હતો.

પ્રિયંકા એના આ સવાલથી ગભરાઈ ગઈ પણ એ ગભરાહટનું પ્રતિબિંબ મોં પર ન આવવા દીધું.

“એની માર્કેટ પ્રાઈઝ અને તમારો નફો બધું જ તમને તમારા આ દસ નંગના એપ્રૂવલ પછી જ અમે જણાવીશું. આ અમારી પોલીસી છે. જો તમને એ માન્ય ન હોય તો હું અત્યારે ખોટો તમારી સાથે મારો અને તમારો સમય બગાડી રહ્યો છું.”, અનિલે મક્કમતાતજી એનો પ્રત્યુત્તર આપ્યો.

“અરે ના ના સર! એને તો આદત છે વાતે વાતે ક્લેરીફીકેશન કરવાની એટલે જસ્ટ પૂછી લીધું હશે બાકી એના મનમાં એવું કાંઈ નથી. કારણ કે અમે તો ધંધો લઈને બેઠા છીએ એટલે કામ તો મારે કરવાનું જ રહ્યું”, પોતાની મીઠી વાતોથી જાણે કે તે અનિલ અને પ્રિયંકાને પોતાના વશમાં કરી રહ્યો હોય એમ એને લાગતું હતું.

“જો આ લોકો રેડી હોય તો ફાઈલ આપો અને જલ્દીથી પ્રોડક્શન ચાલુ કરાવડાવો. આવતી કાલે સાંજે એપ્રુવલ આવે તો કામ જલ્દી શરુ થાય. મારા માથે આ કન્સાઈનમેન્ટને લઈને ખાસું પ્રેશર છે ઉપરથી હું જરાય સમય બરબાદ કરી શકું એમ નથી મિસ પ્રિયંકા”, પહેલી વાર મહેમુદ અને સુધીરે એનું નામ સાંભળ્યું એટલે એમને ખ્યાલ આવ્યો કે હજી સુધી તેઓ આ બંનેના નામ જાણતા નહતા.

“અરે હા સર! તમારું નામ તો પૂછવાનું રહી જ ગયું. વ્હોટ ઈઝ યોર ગુડ નેમ?”

“અનિલ! અનિલ વરવટે”

પ્રિયંકાએ એનું પેનડ્રાઈવ લેપટોપ સાથે કનેક્ટ કર્યું અને મહેમુદના ઈમેઈલ આઈડી પર બ્લુ-પ્રિન્ટ મોકલી આપી.

“ઓકે તો સુધીર, મહેમુદ તમે કામ સારી રીતે પાર પાડી શકશો એવી આશા રાખીશ અને આવતીકાલે તમે બંને દસ નંગ લઈને નિર્ધારિત જગ્યાએ પહોચી જજો. પ્રિયંકા તમને સરનામું જણાવી દેશે”, કહીને અનિલે પ્લાનિંગનું અંતિમ સ્ટેપ પૂરું કર્યું.

“ઓકે મિસ્ટર વરવટે. અમે તમને નિરાશ નહિ કરીએ”

“હેડ અ ગુડ ટાઈમ વિથ યુ ટુડે”, કહીને અનિલ ખુરશી પરથી ઉભો થયો અને પ્રિયંકા સાથે બહાર તરફ ડગ માંડ્યા.

***

બહાર થોડે છેટે જેનિશ અને વિશાલ રાહ જોઇને ઉભા હતા. પ્રિયંકાએ મિસ કોલ મારફતે એ લોકોને બધું સેફ છે અને એ લોકો નીકળી રહ્યા છે એવો મેસેજ આપી દીધો એટલે ત્યાં જ બધી વાત કરવી રિસ્કી હોવાથી બંને બાઈક પર વડોદરા તરફ પાછા ફર્યા. અનિલ અને પ્રિયંકા ભાડેથી લીધેલી કારમાં વડોદરા તરફ આવવા નીકળ્યા.

વડોદરાના સાર્વજનિક ટોકિંગ પોઈન્ટ એવા ડેરી-ડેન સર્કલ પાસે ચારેય મળ્યા. અનિલે મહેમુદ અને સુધીર કન્વીન્સ થઇ ગયાના સમાચાર આપ્યા. સાથે સાથે એ બંનેએ નોટ કરેલી તમામ માહિતી શેર કરી. આ પરથી જેનિશને અંદાજ આવ્યો કે એ લોકો કેટલી હદે ભારતના માર્કેટમાં ડ્યુપ્લીકેશન લાવી શકે છે અને ભારતના પોતાના જેન્યુઈન માર્કેટને મોટો ફટકો મારીને વેરવિખેર કરી શકે છે.

“હવે આગળનો પ્લાન શું છે જેનિશ?”, પ્રિયંકાએ પૂછ્યું.

“હું વિચારું છું કે હવે આપણે ઇન્સ્પેક્ટર જાડેજાનો સંપર્ક કરવો જોઈએ”, જેનિશના મનમાં માસ્ટરસ્ટ્રોક રેડી હતો.

“એકદમ પરફેક્ટ”, વિશાલે કહ્યું.

“આપણા પ્લાનિંગ મુજબ એ લોકો આવતીકાલ સાંજ સુધી દસ નંગ તૈયાર કરી જ લેશે એટલે એ સામાન સાથેની ગાડી જાડેજાના હાથે પકડાવી દઈએ અને પછી કેસ માટે જોઈતા તમામ પુરાવા આપીને આ મામલો રફેદફે કરીએ. આમ થવાથી સુધીર અને મહેમુદ પાસેથી પોલીસને જે માહિતી મળશે એ પરથી ગુજરાત સિવાયના રાજ્યોમાં થઇ રહેલી આવી ગતિવિધિઓ પર કાયમ માટે રોક લાગી જશે. યસ, ઈટ ઈઝ ધ પરફેક્ટ ટાઈમ ટુ ઇન્વોલ્વ પોલીસ ઇન ધીસ”, જેનિશે અંતિમ એક્શન પ્લાનની સ્ટ્રેટેજી નક્કી કરી.

આ સારા સમાચાર આપવા વિશાલે અમીને ફોન કર્યો. જેનિશે સંકેતને ફોન કરીને બીજા ફેઝની સફળતા જણાવવા તાલાવેલી દાખવી પણ સંકેતનો ફોન સ્વીચ ઓફ હતો અને એ પણ સાંજે સાડા છ વાગ્યે. એટલે એની સાથે વાત ન થઇ.

જેનિશ વિશાલને લઈને સંકેતના ઘરે આવ્યો. એના પરીવાર સાથે જમ્યો.

“ભાભી! સંકેત સાથે વાત થઇ એના સુરત ગયા પછી?”, હાથ લૂછતાં લૂછતાં એણે અમીને પૂછ્યું.

“હું પાંચ વાગ્યાની ટ્રાય કરું છું પણ એમનો ફોન સ્વીચ ઓફ જ આવ છે. મારેય એમને આજની બધીવાટ કરવી હતી પણ..”

“બરાબર! હશે. કદાચ બેટરી નહિ હોય. જોશે એટલે કરશે ફોન”

“હમ્મ્મ્મ”

“અત્યારે હું જાડેજા સાહેબને મળવા જાઉં છું. મળશે ને?”

“હા કદાચ મળશે જ.”

“હું એમની સાથે બધી વાત કરીને આવું રાત્રે”

“ઓકે. વિશાલને સાથે લઈને જજો જેનિશભાઈ”

“હા ભાભી. સ્યોર”

***

“તમે આટલું બધું કર્યું ત્યા સુધી અમને જાણ પણ ના કરી અને હવે અમને ઇન્વોલ્વ કરવા માંગો છો?”, જાડેજાએ જેનિશ અને વિશાલની તમામ વાતો સંભાળીને પૂછ્યું.

“જુઓ સર, અમે આ ઓપરેશન અમારા માટે નથી કર્યું અને જો એવું હોત તો અમે તમારી પાસે કદાચ આવતા પણ નહિ યુ સી. પણ આ એક રાષ્ટ્રહિત માટે કરાયેલું ઓપરેશન છે. કદાચ આના પર અત્યારે ગંભીરતા નહિ દાખવીએ તો ભવિષ્યમાં બેધ્યાનપણું દાખવવા બદલ મીડિયામાં પોલીસતંત્ર વિષે ચાર વાતો થશે એ તમને જ નહિ ગમે સર”, જેનિશે સહજતાથી ચોખ્ખા શબ્દોમાં કહ્યું.

“તો તમને અમારા તરફથી શું મદદ જોઈએ છે?”, જાડેજા થોડા નરમ પડ્યા.

“એટલી જ કે તમે એ લોકોની કારમાં એ બંનેને રંગેહાથ પકડી લો, બસ! પછી આગળનું કામ આપ સારી રીતે જાણો જ છો”, જેનિશે કહ્યું.

“તમે સ્પષ્ટતા કરો”

“એમના બીજા રાજ્યોના ઠેકાણા, એમની પુરેપુરી ગેંગ વગેરે વિશેની માહિતી તમે કઢાવી શકશો એવો મને પૂર્ણ વિશ્વાસ છે”

“ઓકે. તો મને તમામ પુરાવા આપો જેથી હું એના આધારે કમિશ્નર સાહેબને વાત કરી લઉં અને કાલે રાત્રે તમને મદદરૂપ થઇ શકું”

જેનિશે તમામ પુરાવા જાડેજા સાહેબને બતાવ્યા. જેનિશે જે રીતે બધા પુરાવા ભેગા કર્યા હતા એ જાણીને એમને આશ્ચર્ય સાથે ગર્વની મિશ્રિત લાગણી થઇ.

“નકલી પાર્ટ્સના કેસીસ તો ઘણા ફાઈલ થયા અને અમે એને સોલ્વ કરવા માટે ટ્રાય પણ કર્યો પણ અમનેય હજી આટલી બધી માહિતી મળી નથી. યુ હેવ ડન સચ અ ગ્રેટ જોબ મિસ્ટર મેકવાન! કેસ પૂરો થશે ત્યારે સો ટકા અમે તમને એની ક્રેડીટ આપીશું”

“એની કોઈ જરૂર નથી સર, થેન્ક્સ અ લોટ”

“ઓકે મિસ્ટર મેકવાન આવતીકાલે તમે જે જગ્યા નિશ્ચિત કરો એ જગ્યાએ હું મારી પોલીસવાન લઈને ઉભો રહીશ અને એનાથી ચારેક કિલોમીટર આગળ મારી ત્રણ હવાલદારની એક બટાલિયન હાજર રહેશે એટલે કોઈ ગેપ ના રહે”

“ઓકે સર. થેંક યુ સો મચ કે તમે અમને સારી રીતે સમજ્યા”, જેનિશે આભાર માન્યો.

“એક્ચ્યુલી સંકેતે જ્યારનું મને નકલી પાર્ટ્સના ફરિયાદીઓ વિષે પૂછ્યું હતું ત્યારનો મેં એમની પાછળ એક ખબરી મુક્યો હતો, પણ એણે કશી ખાસ માહિતી આપી નહિ પણ હા, એ સંકેતની આસપાસ રહેલા લોકોની વાત કરતો હતો એ તમે જ હતા એ ખોટો ના હોય તો?”

“હા, એ અમે જ હતા”

“બરાબર. ચાલો ત્યારે આવતીકાલનું ઓપરેશન સફળ થાય એ માટે જાન લગાવી દઈએ”

“સ્યોર સર”, કહીને જેનિશ અને વિશાલ ઘરે જવા નીકળ્યા.

ઘરે પહોચીને જેનિશે દિવ્યાને ફોન કરવાનું વિચાર્યું પણ મોડું થઇ ગયું હોઈ ‘એ અત્યાર સુધી ઊંઘી ગઈ હશે કદાચ’ એમ વિચારીને રહેવા દીધું.

***

સંકેત સાથે હજી સુધી એના સુરત માટે નીકળ્યા પછી કોઈની વાત થઇ નહતી. ખરેખર એ સુરત જ ગયો હતો? ના. એ સુરત નહતો ગયો કે ન તો કોઈ મીટીંગમાં ગયો હતો. એ ગયો હતો દિવ્યાના મમ્મી પપ્પા અને એના ભાઈને મળવા માટે અમદાવાદ!! એ પોતાના અંગત મિશન પર હતો. ‘મિત્રના હકમાં આવતું હોય એ કર’ આ વિધાન સાર્થક કરવાનું મિશન. કોઈ પણ ભોગે જેનિશ અને દિવ્યાનું મિલન શક્ય બનાવવા એ પોતાના ભવિષ્ય પર પ્રશ્નાર્થ મૂકી શકે એવા કેસને છોડીને અમદાવાદ આવી પહોચ્યો હતો. ત્યાં જેનિશ બધું સંભાળી શકે એમ હતો એવો વિશ્વાસ એને અહી લઇ આવ્યો હતો.

સૌપ્રથમ એણે પોતે જે હોટેલમાં રોકાયો હતો ત્યાં દિવ્યાના ભાઈ પથિકને બોલાવીને તમામ વાત કરી. પથિક સંકેતની વાત સાથે સંમત હતો કારણ કે એ સરખી પેઢીનો જ હતો અને પોતાની બહેનના સુખ અને ખુશીઓની ચિંતા કરતો હતો. એ બંનેએ આવતીકાલે દિવ્યાના મમ્મી પપ્પા સાથે એમના માટે આ એક આંચકો કહી શકાય એવી વાત કરવાનું નક્કી કર્યું.

***

બીજે દિવસે બપોરે અનિલ પર સુધીરનો ફોન આવ્યો.

“હેલો”, અનિલે અભિવાદન આપ્યું.

“હા, મિસ્ટર અનિલ વરવટે? સુધીર બોલું છું, સુધીર શર્મા”

“કહો મિસ્ટર સુધીર”

“પાર્ટ્સ રેડી છે. સરનામું આપો”

“પ્રિયંકાને આપું છું ફોન, તમે ડિસ્કસ કરી લો”

“ઓકે”

અનિલે પ્રિયંકાને ફોન આપ્યો.

“હા સુધીર, તમારે આ દસેદસ નંગ એકસાથે અમારી સુરતમાં રહેલી એક જગ્યાએ પહોચાડવાના રહેશે. હું એડ્રેસ એસએમએસ કરું છું આ નંબર પર. શક્ય હોય તો તમે બંને સાથે જ જજો જેથી તમને ખ્યાલ આવે કે અમે લોકો કોઈ બડાઈ નહતા હાંકતા. અથવા તો કોઈ સાથે મોકલાવી પણ શકો છો. અમને કશો વાંધો નથી. અમારે બસ અમારા કમીટમેન્ટ પ્રમાણે દસ નંગ ત્યાં પહોચી જવા જોઈએ”

“ના મેડમ, અમે બંને જ સાથે જઈશું”

“તો તમારી કારનો નંબર વગેરે મને મેસેજ કરી દેજો કારણ કે એના વગર તમને ત્યાં એન્ટ્રી નહિ મળે”

“ઓકે મેડમ”

ફોન મુકાયો. પ્રિયંકાએ જેનિશને અને જેનિશે ઇન્સ્પેક્ટર જાડેજાને આ બધી જ વાત કહી. જાડેજાએ કરજણ વટાવ્યા પછીના ચેકપોસ્ટથી આગળમેઈન હાઈવેથી એક ગામમાં જતા અંતરિયાળ રસ્તા પર પોતાની ત્રણ હવાલદારની બટાલિયન મોકલવાનો બંદોબસ્ત કરી દીધો.

ખરાખરીનો ખેલ સાંજે છ વાગ્યે મહેમુદ અને સુધીર સુરત જવા નીકળે ત્યારે થવાનો હતો. એ લોકો નફાની લાલચમાં કશું જોઈ શકતા નહતા. મહેમુદની શંકાઓ પણ કદાચ દબાઈ ગઈ હતી.

બંને જણ સાથે નીકળ્યા. કરજણનું ચેકપોસ્ટ વટાવ્યું. જેનિશ અને વિશાલ બાઈક પર એમની પાછળ હતા. જ્યારે અનિલ અને પ્રિયંકા રીક્ષામાં એમની પાછળ હતા. જેનિશ જાડેજા સાહેબ સાથે સતત ફોન પર કોન્ટેક્ટમાં હતો. એમની ગાડીનો નંબર જાડેજાને આપેલો હતો એટલે એમના ત્રણેય હવાલદાર અને પોતે જાડેજા સાહેબ એમની રાહ જોઇને ઉભા હતા.

મહેમુદે અચાનક ગાડીની ઝડપ વધારી. સુધીર કશું સમજી શકે એ પહેલા ગાડી સિત્તેર, એંશી અને સો સુધી પહોચી.

“શું કરે છે મહેમુદ?”

“આપણને ફસાવવામાં આવ્યા છે સુધીર. મેં તને પહેલા જ કહ્યું હતું નફાની લાલચ ના કર”

“તને કેવી રીતે ખબર પડી?”

“કરજણના ચેકપોસ્ટ પછી કોઈ દિવસ તરત જ લહેરીપુરા પોલીસ સ્ટેશનની જીપ જોઈ છે?”

“કામથી આવ્યા હશે એમાં શું ટેન્શન લે છે આટલું બધું?”

“જો પાછળ જો હવે”

સુધીરે પાછળ જોયું તો સાચે એ પોલીસજીપ એમનો પીછો કરી રહી હતી.

“ઓહ શીટ! ભગાવ ગાડી”

મહેમુદે પૂરું એક્સીલેટર દબાવી દીધું. એ લોકો જો આટલી જ સ્પીડે જાય તો ઝડપથી હવાલદારો જ્યાં ઉભા છે એ જગ્યાને ઓળંગી જાય એમ લાગતું હતું.

મહેમુદનું સારું ડ્રાઈવિંગ આજે એમને સાથ આપી રહ્યું હતું. વળી, ઝાંખું અંધારું થયું હોઈ એનો લાભ પણ એ લઇ લેવા માંગતો હતો. હજી એણે હેડલાઈટ ચાલુ કરી નહતી. પાછળ ઇન્સ્પેક્ટર જાડેજા પણ જીપની સ્પીડ સિંક્રોનાઈઝ કરવાની કોશિશ કરી રહ્યા હતા. એમણે બાજુમાં બેઠેલા સબ ઇન્સ્પેક્ટરને ત્રણ હવાલદારોને ત્યાંથી જીઓ લઈને રોંગ સાઈડે આવવા જણાવ્યું.

સબ ઇન્સ્પેક્ટર આ સાંભળીને થોડો અચકાયો. પણ જાડેજાના મગજમાં કશુક અલગ જ ચાલી રહ્યું હતું. એમણે ફરીથી ફોન કરવા તાકીદ કરી એટલે સબ ઈન્સ્પેક્ટરે હવાલદારોને તેમ કરવા જણાવ્યું. એટલે ત્યાંથી પણ એક પોલીસવાન સામેથી મહેમુદ અને સુધીર તરફ આવી રહી હતી. મહેમુદ જે લેનમાં ગાડી ચલાવતો હતો એ લેનમાં આગળ એક બીજી કાર જતી હતી. એ કારની બાજુમાં મધ્યલેનમાં ઘરની તિજોરીઓ ભરેલો ટેમ્પો જતો હતો.

મહેમુદે બધાનો ઓવરટેક કરવા અંતિમ લેનમાં ગાડી લીધી. એટલે સ્વાભાવિકપણે એની ગાડીની ઝડપ થોડી ઘટી. ઇન્સ્પેક્ટર જાડેજાએ પોતાની જીપમાં પાછળ બેઠેલા હવાલદારને એક મોટી સર્ચલાઈટ ચાલુ કરવા કહ્યું અને એ લાઈટને જીપની બારીમાંથી તિજોરીના એક કાચ પર એવી રીતે પાડવાનું કહ્યું જેથી એનું પરાવર્તિત થયેલું પ્રતિબિંબ મહેમુદની આંખમાં પડે.

હવાલદારે ચાલુ ગાડીએ ભારે જહેમત બાદ કામ પાર પાડ્યું. પ્રતિબિંબ અચાનક આંખમાં પડતા એની આંખો અંજાઈ ગઈ અને એણે સ્ટીયરીંગ પરનો કાબુ ઘુમાવ્યો. એમની કાર ડાબી બાજુ ધકેલાઈ અને એક ઝાડના થડ સાથે અથડાઈને ઉભી રહી ગઈ.

રોંગ સાઈડમાં આવતી પોલીસવાન પણ ત્યાં સુધી પહોચી ગઈ હવાલદારોએ કાર ચારેય બાજુથી ઘેરી લીધી. મહેમુદ અને સુધીર ખુબ જહેમત બાદ બહાર નીકળી શક્યા. એમનો પૂરો ખેલ ખતમ થઇ ચુક્યો હતો.

“તમારી ગેઈમ ઓવર મહેમુદ અને સુધીર. યુ બોથ આર અન્ડર અરેસ્ટ”

જેનિશ અને વિશાલ ત્યાં આવી પહોચ્યા અને થોડીક વારમાં અનિલ અને પ્રિયંકાની રીક્ષા પણ પહોંચી. એ લોકો રીક્ષામાંથી ઉતર્યા અને સ્પોટની નજીક પહોચ્યા. મહેમુદ અને સુધીરને આખી વાત સમજાઈ ગઈ. નફો રળવાની લાલચ એમના કાળા કરતૂતોનો અંત સાબિત થયું.

“થેંક યુ જાડેજા સાહેબ તમે સમયસુચકતા દાખવી એટલે આ પોસીબલ થયું”

“મેન્શન નોટ મિસ્ટર મેકવાન! ખરી સમયસૂચકતા તો તમે દાખવી છે. દેશને તમારા જેવા વધુ પ્રાઈવેટ ડીટેક્ટીવ્સની જરૂર છે જે જાસુસીને માત્ર એક ધંધો નથી સમજતા”

“આભાર આપનો સાહેબ, પણ મારા જેટલો જ ફાળો અનિલ, પ્રિયંકા, વિશાલ, અમી અને સંકેતનો છે”

“એ તો છે જ! આ ગેંગને પકડાવીને તમે લોકોએ ઉમદા કામ કર્યું છે”

“થેંક યુ સર”, અનિલે કહ્યું.

“આ લોકોને થાણે લઇ જઈએ છીએ. બાકીની વિધિ ત્યાં જઈને કરીશું”, જાડેજા સાહેબે કહ્યું.

“ઓકે” કહીને બધા પોતપોતાના વાહન પર રવાના થયા. આજુબાજુ થયેલા ટોળાને વીંધતી પોલીસવાન મહેમુદ અને સુધીરને બંદી બનાવીને જઈ રહી હતી. સંકેતનો સૌથી મોટો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો હતો પણ એ પોતે અહી હાજર નહતો.

***

અમી, મુકેશભાઈ અને અસ્મિતાબેન એમની રાહ જોઇને ઘરે બેઠા હતા. અનિલ અને પ્રિયંકાનું જમવાનું પણ આજે અમીએ ઘરે જ બનાવ્યું હતું.

ચારેય જણ બની શકે એટલી ઝડપથી ઘરે પહોચ્યા. બધાને લાગતું હતું કે સંકેત પણ ઘરે હશે. પરંતુ એ હજીયે આવ્યો નહતો.

“ભાભી! હજી સંકેત નથી આવ્યો?”, જેનિશ થોડો નિરાશ થઈને પ્રવેશતાવેંત બોલ્યો.

“ના એ હજી નથી આવ્યા. એમનો ફોન હજીયે સ્વીચ ઓફ આવે છે”, અમી ચિંતિત સ્વરે બોલી.

“હવે ફોન કરવાનું રહેવા દે બકા”, ઘરના મુખ્ય પ્રવેશદ્વારથી સંકેતે ઘરમાં આવતા આવતા કહ્યું.

“ઓહો સાહેબ મીટીંગ પતાવીને આવ્યા ખરા એમ ને?”

“હમ્મ્મ્મ, બહુ અઘરી મીટીંગ હતી. માંડ સકસેસ થઇ”

“એટલે?”, અમીએ પૂછ્યું.

“એટલે.. પછી કહું”

“એની વે, હમને હમારા વાદા નીભા દિયા દોસ્ત! પેલા લોકોની અટકાયત થઇ ગઈ છે હવે તમારી ફરિયાદ હંમેશ માટે દુર થઇ ગઈ છે”, જેનિશે ખુશખબર આપી.

“એ તો મને ખ્યાલ જ હતો. એટલે જ તો હું નિશ્ચિંત થઈને જઈ શક્યો”

“હમ્મ્મ્મ, પણ ફોન સ્વીચ ઓફ રાખીને તમે અમારા ભાભીને ટેન્શનમાં લાવી દીધા હતા”

“એ જરૂરી હતું, જરૂરી હતું જેનિશની ફીસ ચુકવવા માટે”

“ફીસ? શેની ફીસ??”, જેનિશે પૂછ્યું.

“તું આટલે દુરથી મારો કેસ સોલ્વ કરવા છેક વડોદરા આવે તો એની ફીસ તો મારે આપવી જ રહી”

“પૈસા વૈસાની વાત ના કરીશ પ્લીઝ, નહિ તો હું નીકળી જઈશ હમણાં જમ્યા વગર જ”

“અરે અરે અરે! સાંભળ તો ખરો”

“મારે કશું નથી સાંભળવું, હું જાઉં છું”, જેનિશ ઉભો થઈને ગેસ્ટ રૂમ તરફ જવા લાગ્યો.

“હું આવી તોય નીકળી જઈશ?”, ઘરના દરવાજા બહાર દિવ્યા આવીને ઉભી હતી.

બધાની નજર દિવ્યા પર જઈને અટકી ગઈ. આખા ઘરમાં સંકેત અને જેનિશ સિવાય કોઈ દિવ્યાને ચહેરાથી ઓળખતું નહતું.

“તું? અહી? ક્યારે આવી? આઈ મીન મને કહ્યા વગર?”, જેનિશે દિવ્યાને એક પછી એક સવાલો કર્યા.

“મારા કહેવાથી”, સંકેતે કહ્યું.

“તારા કહેવાથી? એટલે? તમે બંને એકબીજાને કઈ રીતે ઓળખો?”, સવાલોનો કાફલો સંકેત તરફ ઝીંકાયો.

“એ બધું મહત્વનું નથી”, સંકેતે કહ્યું, “અત્યારે વાત છે તારી ફીસની!”

“જો વળી પાછું તને ફીનું ભૂત વળગ્યું?”

“હું પૈસા નથી આપવાનો તને દોસ્ત! ઉપરથી તારો જ ખર્ચો કરાવવાનો પ્લાન છે”

“હું ગાંડો થઇ જઈશ લ્યા! તું મને કહી દે જલ્દી જે હોય એ! એક્ચ્યુલી તમે બંને કહી દો”

“હા, સંકેત તમે કહો તો ખરા આ બધું શું છે એમ?”

“રીલેક્સ રીલેક્સ! ચાલો કહું છું. આ દિવ્યા છે જે જેનિશની વાઈફ ટુ બી છે અને...”, સંકેતે મોટા અવાજે બૂમ પાડી, “અંકલ! આંટી! પથિક! તમે પણ આવી જાઓ અંદર”

દિવ્યાના મમ્મી પપ્પા અને એનો ભાઈ પ્રવેશે છે.

‘ઓહ ગોડ! આ લોકો અહિયાં કેવી રીતે?’, જેનિશ વિચારમાં પડ્યો.

“અને આ દિવ્યાના મમ્મી, પપ્પા અને ભાઈ છે”

“આવો બધા. બેસો”, કહીને મુકેશભાઈ અને અસ્મિતાબેને સ્વાગત કર્યું. અમી રસોડામાં પાણી લેવા ગઈ. એ પણ વિચારમાં પડી ગઈ કે સંકેત દિવ્યાને એટલે કે પોતાના ભૂતકાળની પ્રેમિકાને આમ આ રીતે ઘરે લઇ આવ્યા એ પણ એના આખા કુટુંબ સાથે?

“પહેલી વાત તો એ કે હું સુરત નહિ અમદાવાદ ગયો હતો. કોઈ મીટીંગમાં નહિ પણ દિવ્યાના મમ્મી પપ્પાને જેનિશ અને દિવ્યાના લગ્ન માટેની વાત કરવા”

બધા આશ્ચર્યથી સંકેતની વાત સાંભળી રહ્યા હતા.

“દિવ્યા એના મમ્મી પપ્પાને જેનિશ વિષે કહેવા માટે યોગ્ય સમયની રાહ જોતી હતી. પણ એ ડરના લીધે ક્યારેય કહી શકવાની નહતી કારણ કે એક વાર પહેલા પણ તે આવું કરી ચુકી હતી અને એનું પરિણામ નકારાત્મક હતું”, સંકેતે કહેવાનું શરુ કર્યું, “એટલે મેં જેનિશ અને દિવ્યા માટે આ સ્ટેપ લીધું અને જે મને લાગે છે ત્યાં સુધી એકદમ સાચું હતું”

“એ દિવસે કેફેની બહાર યાદ છે જેનિશ હું મોડો અંદર આવ્યો હતો?”

“હા હા! યાદ છે”

“ત્યારે મને પહેલી વાર ખબર પડી કે એ છોકરી દિવ્યા જ છે કે જેને તું પ્રેમ કરે છે”

“બરાબર, એટલે કે દિવ્યા મને જે એના પ્રથમ પ્રેમભંગની વાત કરી હતી એ તમારા બંનેની વાત હતી”

“હા! એ સમય પછી મને તો અમી જેવી સારી છોકરી મળી ગઈ પણ કદાચ દિવ્યાના મનમાંથી પ્રેમ નામની વસ્તુ સદાયના માટે ચાલી ગઈ હતી. પણ તે એ લાગણી ફરીથી જગાવી. તેમ છતાં દિવ્યાને એમ જ લાગતું હતું કે તમારો અંજામ પણ પ્રેમભંગ સ્વરૂપે જ હશે એટલે જ એ અંકલ આંટી સાથે વાત કરવામાં લંબાવતી હતી”

“ઓહ આઈ સી!”, જેનિશે કહ્યું.

“પણ હવે સહેજ પણ એવું નથી. સંકેતે જ્યારે તમારા બંને વિશે એમને વાત કરી ત્યારે એમને પહેલા તો દુખ એ વાતનું થયું કે અમારી છોકરી અમારાથી એટલી દુર થઇ ગઈ છે કે એના મનની વાત પણ અમને કરી શકે? એ જાણીને મને એક પિતા તરીકે ખુબ આઘાત લાગ્યો. પણ એ ય મારી જ ભૂલ છે કે સમાજના ખોટા નિયમો અને ચાર લોકોની વાતોથી ડરીને અમે અમારી જ દીકરીની ખુશી રંજાડતા હતા. એ લોકોનું તો શું છે? સારું કે ખરાબ જે પણ કરો છતાં એ વાતો તો કરવાના જ છે એનો અહેસાસ અમને સંકેતે અપાવડાવ્યો કે ડરની કાલ્પનિકતા કરતા પોતાનોની વાસ્તવિક ખુશી વધારે મહત્વની છે”, દિવ્યાના પપ્પાએ કહ્યું.

“અને એટલે જ અમે દિવ્યાને તાબડતોબ ફ્લાઈટમાં બપોરે અમદાવાદ બોલાવી અને વર્ષો પહેલા મારી જે ભૂલથી અમારી દીકરી માનસિક રીતે અમારાથી દુર ગઈ હતી એ ભૂલ અમે સુધારી લીધી”, દિવ્યાની મમ્મી બોલી.

“એટલે?”, જેનિશે પૂછ્યું.

“એટલે એમ કે તું અમને લગ્નનું પાર્ટી ક્યાં આપીશ વડોદરામાં કે પછી બેંગ્લોરમાં એ નક્કી કરી લે”, સંકેતે કહ્યું, “અને મેં કહ્યું હતું ને કે ફીસ તો તારે લેવી જ પડશે! હવે તારે લગ્ન ના કરીને ફીસ પાછી આપવી હોય તો બેશક મને કોઈ વાંધો નથી, હા હા હા”

જેનિશ તરત પોતાની જગ્યાએથી ઉભો થઈને સંકેતને ભેટી પડ્યો, “તારી આ ફીસ એટલી બધી વધારે છે કે એના ભાર નીચે હું કદાચ દબાઈ જઈશ દોસ્ત” એ ઓલ્મોસ્ટ રડવા લાગ્યો હતો.

આસપાસ બેઠેલા બધાની આંખોમાં હરખના પાણી હતા. મુકેશભાઈ અને અસ્મિતાબેનને પોતાના દીકરા પર ગર્વ કરવાનું એક વધુ કારણ મળી ગયું. અમીએ સંકેત સામે જોઇને પોતાની લાગણી આંખોથી વ્યક્ત કરી. કેમ નહિ? આખરે એના પતિએ એ કરી દેખાડવાની હિંમત કરી જે સામાન્યતઃ કોઈના પણ માટે એક પડકાર સમાન હતી.