કાલ્પનિક વાસ્તવિકતા – ૨૯
ભાર્ગવ પટેલ
“હા, દિવ્યા જ બોલું છું”
“હાઉ આઈ મીન હાઉ ઈઝ ધીસ પોસીબલ”
“ઇટ્સ કોલ્ડ ડેસ્ટીની ડીયર”
“કિસ્મત સાવ આવું કરી શકે આપણી સાથે?”
“આનાથી પણ ખરાબ કે પછી બધાથી ક્યાય વધુ સારું કરી શકે છે એ”
“એટલે તું અને જેનિશ, એટલે કે જેનિશ જે મારો દોસ્ત છે એ અને તું બંને..”, સંકેત ખુબ જ મુંઝવાયેલો બોલતો હતો.
“હા, અમે બંને સાથે છીએ. એ તારો આટલો કરીબી દોસ્ત છે એ જાણીને મને પણ આશ્ચર્ય થયું જ છે”
“તમે બંને ક્યારે અને ક્યાં મળ્યા? તું અત્યારે ક્યાં છે?”, સંકેતે સવાલોનો મારો ચલાવ્યો.
“બીજા પ્રશ્નનો જવાબ થોડો ઇઝી છે, હું અત્યારે બેંગ્લોર છું. પહેલા સવાલનો જવાબ લાંબો છે, એક્ચ્યુલી એક્ઝામમમાં વિસ્તારપૂર્વક લખવા પડતા સવાલો જેવો સ્તો”
“તું આટલી હજીયે આટલી નોર્મલ અને ખુશ છે એ જોઇને આઈ ફિલ ગુડ”, સંકેત ભૂતકાળની યાદોમાં સર્યો અને આટલું બોલતા ગળગળો થઇ ગયો.
“હેલો હેલો હેલો, નો એની ઈમોશનલ સીન સંકેત, પ્લીઝ. આટલા વર્ષે આપણે બે દોસ્ત તરીકે ના મળી શકીએ”, દિવ્યા આંસુ ના આવવા દેવા જહેમત ઉઠાવી રહી હતી.
“મળી શકીએ ઓફ કોર્સ”
“એની વે, જેનિશ ત્યાં છે તારી સાથે?”
“એ કેફેમાં ગયો હમણાં. હું જાઉં એટલે ફોન કરાવું”
“ઠીક છે. અને એને આ વાત કરીશ નહિ, આમેય મેં એને કહેલું છે પણ તારું નામ કે પરિચય કશું આપ્યું નથી. આ ઇત્તેફાક આપણા બંને વચ્ચે રહે તો જ સારું. નહિ તો ઘણા બધા સંબંધો અત્યારે છે એવા નહિ રહે કદાચ”
“એ પણ કાંઈ કહેવાની વાત છે યાર?!”, સંકેતે કહ્યું.
“બાય ધ વે, તારા કેસમાં એ બીઝી છે અત્યારે?”
“હા”
“શું થયું છે? તો એને છેક ત્યાં આવવું પડ્યું”
“આ સવાલ પણ વિસ્તારપૂર્વક જવાબ આપવો પડે એવો છે, ફરી વાત કરીએ”
“ઓકે, બાય”
“બાય”, કહીને સંકેતે કેફે તરફ ડગ માંડ્યા અને જતી વખતે દિવ્યા સાથેની કન્વર્ઝેશન હિસ્ટ્રી ડીલીટ કરી નાખી.
કેફેમાં એ પ્રવેશ્યો ત્યાં સુધી જેનિશની અનિલ અને પ્રિયંકા વચ્ચે બધી જ વાતચીત થઇ ચુકી હતી.
“આ ભાભીને તારા વગર ચેન પડતું નથી લાગતું”, પોતાની ભૂતકાળની પ્રેમિકાને ભાભી કહેવી એ જહેમતનું કામ સંકેતે મોં પર નકલી સ્માઈલ આપીને કર્યું.
“કેમ?”
“કેટલા ફોન કરે છે ક્યારના! અને તું પણ ફોન ત્યાં ભૂલીને આવતો રહ્યો”
“ઓહ ગોડ! મને મારી કામમાં બધું ભૂલી જવાની કુટેવના લીધે આજે ફરી લેકચર સાંભળવું પડશે”, કહીને એણે તરત જ દિવ્યાને ફોન કર્યો..
“સોરી સોરી સોરી બકા. હું તને પછી ફોન કરું. એક્ચ્યુલી ફોન કારમાં ભૂલી ગયો હતો”, દિવ્યાએ ફોન ઉપાડતાની સાથે સંકેતે કહ્યું.
“કશો વાંધો નહિ”, કહીને દિવ્યાએ ફોન મુક્યો.
“હા, તો અત્યાર સુધી તું ક્યાં હતો સંકેત?”, જેનિશે પૂછ્યું.
“અરે હું અમી સાથે વાત કરતો હતો. એ આજના પ્લાનિંગનું સ્ટેટસ પૂછતી હતી. મેં કહ્યું હું કેફેમાં જઈને કહું”
“અચ્છા! હા તો એમને કહી દો કે પ્લાન ગોન વેલ! પહેલો ફેઝ એકદમ જક્કાસ રહ્યો. એ લોકો કન્વીન્સ થઇ ગયા”
“ઓહ ધેટ્સ ગ્રેટ”
“હવે પછીનું પ્લાનિંગ શું છે?”, સંકેતે પૂછ્યું.
“એ બધી અમારે વાત થઇ ગઈ છે. કાલે આ બંને એમની જગ્યાએ જવાના છે”
“બરાબર”, પછી સંકેતે આગળ કશું પૂછ્યું નહિ.
“તો શું કરવું છે? પોલીસને કહી દેવું છે અને પછી એમને રંગાયેલા હાથે ઝડપાવી દઈએ એટલે મામલો પતે”, અનિલે કહ્યું.
“નો નો નો નો! એવી મુર્ખામી નથી કરવાની આપણે”
“તો?”, પ્રિયંકાએ પૂછ્યું.
“આપણને આ બંનેની જ જાણ છે. એમની ફેક્ટરીમાં ત્યાં શું શું છે અને કેવી રીતે આ લોકો બધા કામ પાર પાડે છે એની છણાવટ કરવાની બાકી છે હજી. કદાચ આપણે ધારીએ તેનાથી પરિસ્થિતિ વધારે ગંભીર હોઈ શકે છે”
“મતલબ?”, વિશાલે પૂછ્યું.
“મતલબ એમ કે એમનું નેટવર્ક કઈ કઈ જગ્યાએ અને કેટલે સુધી છે એ જોયા પછી પોલીસને આમાં ઇન્વોલ્વ કરાય”
“બરાબર, એ સારું રહેશે”, પ્રિયંકાએ કહ્યું.
“શું કે’વું સંકેત?”
“હે? શું?”, વિચારોમાંથી સંકેતને જેનિશે આ પૂછીને ઝંઝોડ્યો.
“તું કયા વિચારોમાં ખોવાયેલો છે લ્યા?”
“અરે કાંઈ નઈ. બરાબર છે તારું પ્લાનિંગ, ગો અહેડ”
અત્યારે જાણે કે આ પ્રોબ્લેમ સંકેત માટે ગૌણ બની ગયો હતો. કુદરતે એની અને દિવ્યાની સાથે જે અજીબ ઇત્તેફાક કર્યો હતો અને જીવનના જે મોડ પર દિવ્યા એને ફરીથી મળી એ સંજોગો વિષે તે ઊંડા વિચારોમાં ગરકાવ હતો.
“ચાલો તો આપણે અત્યારે છુટા પડીશું? કાલ માટે સેમ આવો જ કોન્ફિડેન્સ રાખજે પ્રિયંકા. બસ કાલે બધું પાર પડે પછી એમની ખેર નથી”
“યેસ”, અનિલે કહ્યું.
બધા છુટા પડ્યા.
સંકેત, જેનિશ અને વિશાલ સંકેતના ઘરે પહોચ્યા. બધા આ ત્રણેયની રાહ જોતા હતા. હજી સુધી કોઈ જમ્યું નહતું, કારણ કે બધાય હવે આખી વાત જાણતા હતા. એ લોકોના આવ્યા પછી જમવાનું પીરસાયું. જેનિશે આજની સફળતાની વાત કરી અને આવતીકાલે કેવી રીતે બીજો ફેઝ એક્ઝીક્યુટ કરવાનો છે એ પણ બધાને કહ્યું.
“કોઈને કશું થાય નહિ ને આમાં? અને ખાસ કરીને અનિલ અને પ્રિયંકાને?”, અસ્મિતાબેને પૂછ્યું.
“અરે ના આંટી! અમે લોકો પુરતી તકેદારી રાખીશું. ડોન્ટ વરી”
“હમ્મ્મ્મ”
“તમે લોકો જે કામ કરી રહ્યા છો એનાથી તમને તો કદાચ ફાયદો થશે જ પણ એક મોટા વર્ગને પણ થશે કે જેઓ આવી છેતરપીંડીના શિકાર છે. પરોક્ષ રીતે તમે રાષ્ટ્રને મદદરૂપ થવા જઈ રહ્યા છો. આ એક સારી વાત છે”
“જી અંકલ. થેન્ક્સ અ લોટ. તમારા આશીર્વાદ આપજો”
“સારા કામ માટે પરમાત્મા આશીર્વાદ આપે છે. અમે તો સામાન્ય જીવાત્મા છીએ”
સંકેત ચુપચાપ જમીને પોતાના રૂમમાં ગયો. એના ટેબલ પર બેસીને બારીના કાચમાંથી બહાર જોઈ રહ્યો હતો. કોમન ફ્રેન્ડ યામિની સાથે મોકલાવેલી દિવ્યાની પેલી ચિઠ્ઠી યાદ આવી. એણે હજીયે એ સાચવીને મૂકી રાખી હતી. એ ફરીથી વાંચી,
“કૃષ્ણના રુકમણી સાથે લગ્ન થયા પછી રાધાએ કૃષ્ણને સવાલ પૂછ્યો,
‘જીવનભર મેં તને જીવનથીય વધારે પ્રેમ કર્યો અને છેલ્લે તે લગ્ન રુકમણી સાથે કેમ કર્યા?’
કૃષ્ણએ સુંદર વાક્યથી જવાબ આપ્યો,
‘લગ્ન બે અલગ વ્યક્તિત્વોના થઇ શકે, જયારે હું અને તું તો એક જ છીએ’
બસ, હું પણ એ જ માનું છું”
આ વાંચ્યા પછી એના મનમાં યામીની સાથે દિવ્યા વિષે થયેલી આખી વાત યાદ આવી. “એક છોકરો એને ગમ્યો હતો અને બધું જ જલ્દીથી નક્કી થઇ જાય એમ છે”, યામિનીના આ શબ્દો ફરીથી પડઘા સ્વરૂપે એને સંભળાયા.
‘એ છોકરો કોણ હશે કે જેની સાથે એનું બધું જલ્દીથી નક્કી થવાનું હતું? અને એ સમયે નક્કી થયું હોત તો અત્યારે એ જેનિશ સાથે કેમ છે? શું જેનિશ જ એ છોકરો હશે?’, એણે સ્વગત પૂછ્યું.
‘આ બધું તું શું કામ વિચારે છે?’, રીચેકિંગ ફોર્મ ભરતા પહેલા જે અવાજ સંભળાયો હતો એ જ અવાજ ફરી સંભળાયો.
‘કેમ? હું નહિ તો બીજું કોણ વિચારે?’
‘આ વિચારવાની હવે તારી પાસે સત્તા નથી’
‘એક મિત્ર તરીકે તો છે જ’
‘મિત્રની સત્તાઓ માર્યાદિત હોય છે’
‘તો? શું કરું?’
‘જે મિત્રની સત્તામાં આવતું હોય એવું કર’
‘દર વખતે આવી અકળ ભાષા ક્યાંથી લઇ આવો છો’
‘આ ભાષા તારી જ છે. તું છું એ હું જ તો છું’, કહીને એ અવાજ અમીએ બારણું ખોલ્યું તે સાથે વિલીન થયો.
“પણ મારે શું કરવું જોઈએ એની એક હિન્ટ તો આપો”, સંકેત બોલ્યો.
“તમારે અત્યારે તમારી પ્રિય પત્ની સાથે વાર્તાલાપ કરવો જોઈએ”, અમીએ હળવા અંદાજમાં કહ્યું.
“અરે! અમી”
“એકલો એકલો કોની સાથે વાત કરે છે?”, એણે પૂછ્યું.
“મારી સાથે, હા હા”
“અચ્છા એવું?”
“હા”
“તો શું વાત કરી જરા કહો તો”
“એ જ કે..”, સંકેત દિવ્યા અને જેનિશની વાત અમીને કહેવા જઈ રહ્યો હતો અને અચાનક ક્ષણાર્ધમાં જ એને થયું કે ‘ના આ વાત અમી કે જેનિશ કોઈને કહેવી નથી’
“એ જ કે જેનિશનું પ્લાનિંગ સકસેસ કેવી રીતે જશે અને બધું સમુંસુતરું કરવા માટે હજી મારે શું કરવું પડશે અને કેટલો સમય જશે, વગેરે”
“અરે બધું થઇ જશે. મને જેનિશભાઈ પર વિશ્વાસ છે, એમનો અનુભવ ખુબ જ વધારેલાગે છે આવા કેસમાં”
“હા એ તો છે જ”
“ચિંતા નહિ કર, બધું સારું જ થશે”, કહીને અમીએ વ્હાલથી સંકેતના ગાલે હળવું ચુંબન કર્યું.
“આઈ નો! લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ”, સંકેતે પણ વળતું આલિંગન આપ્યું.
“ચાલો હવે, સવારે હું ઓફીસ જઈશ એટલે એમની સાથે તું જ પોર જજે અને જે હોય એ મને કહેજે ઓકે?”
“સારું! વિવેક અને બાકીના લોકો ઓફીસમાં કામ બરાબર કરે છે ને?”
“હા, એ તો બધું બરાબર જ ચાલે છે”
“કાલે વિશાલને લઇ જા, સ્ટોક મેનેજ કરીને નવી ઇન્ક્વાયરી હોય તો એ ઓર્ડર કરી દેશે. તને રાહત રહેશે”
“હા. અમે બંને જઈશું કાલે”
આ કેસ ચાલુ થયા પછી સંકેત લગભગ ઓફીસ ઓછું જતો. અમી અને વિશાલ બધું સંભાળી લેતા એટલે એને વાંધો નહતો. ક્રીટીકલ કામ વખતે જ એ જતો.
‘જે મિત્રની સત્તામાં આવતું હોય એ કર’ વિષે વિચારતો વિચારતો સંકેત ઊંઘી ગયો.
***
બીજે દિવસે સવારે પ્લાનિંગ મુજબ જેનિશ અને સંકેત પોર જવા નીકળ્યા. ત્યાં અનિલ અને પ્રિયંકા મહેમુદ અને સુધીરની ફેક્ટરીએ પહોચીને એન્ટ્રી લેવાની તૈયારીમાં હતા.
સંકેતની કાર વરણામા પહોચી હશે ત્યાં જેનિશ પર દિવ્યાનો ફોન આવ્યો. એણે કાપી નાખ્યો. ફરી આવ્યો અને એણે ફરીથી પણ કાપી નાખ્યો.
“ઉપાડી લે ભાઈ કશુંક કામ હશે”
“અરે કશું કામ નહિ હોય. મેં એને કાલે કહ્યું કે આ કેસ પતાવીને હું એના મમ્મી પપ્પાને મળવા અમદાવાદ જઈ આવીશ ત્યાં સુધી એ વાત કરી રાખે લાઈક બેકગ્રાઉન્ડ તરીકે”
“તો?”
“એ એમ કહે છે કે હમણાં એ માટે યોગ્ય સમય નથી. અલા આવું ક્યાં સુધી ચાલે યાર! મારે એની સાથે રહેવું છે અને એ હજી વાત કરતા બીવે છે”
“કરશે લ્યા સમય જોઇને”
“ખેર, લાવ ફોન કરી લઉં! એક તો આનાથી વધુ નારાજ નથી રહેવાતું મારાથી!”, કહીને એણે દિવ્યા સાથે વાત કરી.
એ લોકો પોર પહોચ્યા. અનિલ અને પ્રિયંકા ફેક્ટરીની અંદર હતા. સંકેતે એ જગ્યાથી થોડે દુર ગાડી પાર્ક કરી. દરવાજો ખોલીને ઉતરતા ઉતરતા સંકેતના મનમાં પવનની લહેરખી જેવો વિચાર ઝબકી ગયો. એણે ફોન કાઢ્યો, સાયલન્ટ મોડ ઓન કર્યો અને ખાલી ખાલી કોઈનો કોલ આવ્યા વગર કે કોઈને કોલ કર્યા વગર વાત કરવા લાગ્યો.
“નો નોટ પોસીબલ મિસ્ટર આલોક. મુઝે યહા થોડી અર્જન્સી હૈ, મેં નહિ આ પાઉંગા. તીન દિન તો બોહોત જ્યાદા હૈ”
થોડી વાર થોભ્યો.
“એસા હી હૈ તો એક કામ કરતા હું આજ દોપેહર નિકલતા હું કલ શામ કો વાપિસ આ જાઉંગા”
ફરીથી થોડી વાર થોભ્યો.
“ઓકે ચલો મિલતે હૈ મિસ્ટર મુંબઈકર, બાય”
“શું થયું લ્યા?”
“સુરત જવું પડશે તત્કાલ”
“કેમ??”,
“અમારા ટેરેટરી મેનેજરનો ફોન હતો. ડીલર્સની એક અરજન્ટ મીટીંગ બોલાવી છે ત્રણ દિવસની. ત્રણ દિવસ નહિ તો આજે અને કાલે તો રહેવું જ પડશે મારે ત્યાં”
“સારું તો તું આજનું આપણું પ્લાનિંગ પતે એટલે નીકળ. મીટીંગ અરજન્ટ હોય તો અટેન્ડ કરવી જ પડે”
“હમ્મ્મ્મ, જવું તો પડશે જ”
(ક્રમશઃ)