જીવન કર્તવ્ય
રાકેશ ઠક્કર
જીવન ખજાનો ભાગ-૧૯
શિક્ષકનું કર્તવ્ય
જાણીતા સ્વતંત્રતા સેનાની સૂર્યસેનની નિમણૂંક બંગાળના એક વિદ્યાલયમાં થઈ હતી. તેઓ સ્વાભિમાની અને આદર્શવાદી વ્યક્તિ હતા. શિક્ષક તરીકે તેમણે વિદ્યાર્થીઓમાં એક અલગ સ્થાન બનાવ્યું હતું.
એ સમયની આ વાત છે જયારે વિદ્યાલયમાં વાર્ષિક પરીક્ષા ચાલી રહી હતી. અને એમને નિરીક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી. યોગાનુયોગ એવો હતો કે તેમણે નિરીક્ષક તરીકે જે વર્ગમાં ફરજ બજાવવાની હતી તેમાં વિદ્યાલયના એક અંગ્રેજ મુખ્ય પ્રાધ્યાપકનો પુત્ર પરીક્ષા આપી રહ્યો હતો.
સૂર્યસેન એ વર્ગના વિદ્યાર્થીઓ પર બરાબર નજર રાખી રહ્યા હતા. થોડી વાર પછી તે દરેક વિદ્યાર્થી પાસે જઈ તેનું નજીકથી નિરીક્ષણ કરવા લાગ્યા. દરેક વિદ્યાર્થી ધ્યાનપૂર્વક પેપર લખતો હતો. કોઇ આમતેમ નજર પણ કરતા ન હતા. પરીક્ષા કાર્ય શાંતિથી ચાલી રહ્યું હોવાનો તેમને સંતોષ થઇ રહ્યો હતો. તે જયારે મુખ્ય પ્રાધ્યાપકના પુત્ર પાસે પહોંચ્યા ત્યારે તે નકલ કરી રહ્યો હતો. તેની આ પ્રવૃત્તિ ખોટી હતી. તેમણે તરત જ તેને પરીક્ષા આપતાં રોક્યો અને વર્ગખંડની બહાર જવા હુકમ કર્યો. તેમને મન તે અંગ્રેજ મુખ્ય પ્રાધ્યાપકનો પુત્ર નહીં પણ માત્ર એક વિદ્યાર્થી જ હતો.
જયારે પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે મુખ્ય પ્રાધ્યાપકનો પુત્ર નાપાસ થયો હતો. આ જાણીને બધા શિક્ષકોને સૂર્યસેનની નોકરીની ચિંતા થવા લાગી. તેમને લાગતું હતું કે હવે તેમની નોકરી જતી રહેશે. અને ત્યારે જ મુખ્ય પ્રાધ્યાપકે તેમને બોલાવતાં શિક્ષકોની ચિંતા વધી ગઈ. જયારે સૂર્યસેનને કોઈ વાતનો ડર ન હતો.
મુખ્ય પ્રાધ્યાપકે સૂર્યસેનનું સ્વાગત કર્યું અને આદરપૂર્વક કહ્યું:''મને એ જાણીને આનંદ થયો કે આ વિદ્યાલયમાં તમારા જેવા કર્તવ્યનિષ્ઠ અને આદર્શવાદી શિક્ષક છે. કે જેમણે મારા પુત્રને પણ દંડ કરતી વખતે કોઈ ડર કે સંકોચ ના રાખ્યો. સાચું કહું તો જો તમે તેને નકલ કરતાં પકડયો પછી કોઈ દબાણમાં રહીને પાસ કરી દીધો હોત તો હું તમને નોકરીમાંથી કાઢી મૂકત.''
સૂર્યસેને તરત જ કહ્યું:''અને જો તમે તેને પાસ કરવા મને મજબૂર કર્યો હોત તો હું રાજીનામું આપી દેત. હું રાજીનામું ખિસ્સામાં લઈને જ આવ્યો છું.''
આ જાણીને મુખ્ય પ્રાધ્યાપકનો આનંદ બમણો થઈ ગયો અને તે બોલ્યાઃ'તમારા જેવા શિક્ષકો જ કર્તવ્ય અને આદર્શના ઉદાહરણ છે.'
*
કર્મ એ તો આપણું છે કર્તવ્ય,
રોપણી કર, ફાલની ચિંતા ન કર.
*
આપણો જન્મ આપણા માતા-પિતાને આભારી છે પણ આપણું જીવન આપણા શિક્ષકને આભારી છે.
***
સેવાનો સંદેશ
મિસ્ત્ર દેશમાં સેરાપિયો નામના સંત રહેતા હતા. તેમના જીવનનો એક માત્ર હેતુ બીજાઓની સેવા કરવાનો હતો. તેમના શરીર પર એક જ કપડું રહેતું હતું. અને તે પણ કયારેક તે જરૂરિયાતમંદ ગરીબને દાનમાં આપી દેતા હતા.
સંતમાં સેવા ભાવના એટલી પ્રબળ હતી કે તે પોતાની જાતને પણ એક ચોક્કસ અવધિ માટે વેચીને ગરીબોને આર્થિક મદદ પહોંચાડતા હતા. તેમનું આ આચરણ સૌ કોઈ માટે નવાઈ પમાડનારું હતું.
એક દિવસ તેમના પરમ મિત્ર તેમને મળવા આવ્યા. સેરાપિયોની પરિસ્થિતિ જોઈને તેઓ ચોંકી ગયા. શરીર પર નામ પૂરતું એક કપડું હતું. અને ઘરમાં કોઈ સાધન ન હતું. સેવાનો આવો ભેખ ધરેલો માણસ તેમણે જોયો ન હતો. તેમને કલ્પના ન હતી કે આવી સ્થિતિમાં તે જીવતા હશે. તેમની દશા જોઈ મિત્રએ પૂછયું:''ભાઈ, તમને નગ્ન અને ભૂખ્યા રહેવા માટે કોણ વિવશ કરે છે?''
સંત સેરાપિયો બોલ્યાઃ''મિત્ર, ગરીબ અને અસહાય લોકોની દશા હું જોઈ શકતો નથી. મારા ધર્મ પુસ્તકમાં આદેશ છે કે ગરીબ અને દુઃખી લોકોની સેવા માટે પોતાની તમામ વસ્તુઓ વેચી નાખો. મેં ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનો જીવનમાં ઉદ્દેશ રાખ્યો છે. બીજું કંઇ નહીં.''
મિત્રએ ઘરમાં નજર નાખીને કહ્યું:''પણ મિત્ર, તમારું એ ધર્મ પુસ્તક કયાં છે? મને પણ જોવા દો.''
સંત કહેઃ''મેં અસહાયની સેવા માટે તેને પણ વેચી દીધું છે. જે પુસ્તક સેવા માટે તમામ સામાન વેચવાનો આદેશ કરતું હોય તો જરૂરિયાત વખતે તેને પણ વેચી શકાય છે. તેનાથી બે લાભ છે. પહેલો એ કે જેના હાથમાં આ પુસ્તક જશે તેની ત્યાગ વૃત્તિ વધુ નીખરશે. અને પુસ્તકના બદલામાં જે પૈસા આવશે તેનાથી જરૂરિયાતમંદોની સેવા થશે.''
સંતની વાત સાંભળી મિત્ર વિચારમાં પડી ગયો. તેને થયું કે સેવા માટે પૈસા હોય એ જરૂરી નથી. સેવા ભાવનાની વૃત્તિ હોય તો કોઈપણ રીતે કોઈને મદદરૂપ થઈ શકાય છે.
સંત સેરાપિયોના સેવાના સંદેશની એ મિત્ર પર એવી અસર થઈ કે તેમણે પણ સંતનો માર્ગ પકડી લીધો.
*
સૌ પ્રત્યે રાખો રહેમ, તો ઈશ્વર મળે,
જીવો, સંતોએ કહ્યું તેમ, તો ઈશ્વર મળે.
-'સાગર' રામોલિયા
*
સેવા દિલ અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જ જીવનનું લક્ષ્ય છે.
***
સમય પર મદદ એ જ માનવસેવા
એક વખત બેંજામિન ફ્રેંકલિને એક ધનવાન વ્યક્તિને ત્યાં જઈ તેમના ટેબલ પર સિક્કા મૂકીને કહ્યું:''સાહેબ, આપે મારા ખરાબ સમય વખતે જે મદદ કરી હતી એ માટે બહુ આભારી છું. પણ હવે હું એટલો સક્ષમ થઈ ગયો છું કે તમારી પાસેથી લીધેલું ઉધાર ચૂકવી શકું છું. એ ઉધારના સિક્કા હું આપને પરત કરવા આવ્યો છું. તેનો સ્વીકાર કરો અને મને ઋણમુક્ત કરો.'' બેંજામિન ફ્રેંકલિનની વાત સાંભળી નવાઈ પામીને એ ધનવાન બોલ્યાઃ''માફ કરશો, પણ હું તમને ઓળખતો નથી. અને મેં તમને સિક્કા આપ્યા હોય એવું મને કંઈ જ યાદ નથી.''
બેંજામિન કહેઃ''વર્ષો જૂની વાત છે એટલે બની શકે કે તમે મને ભૂલી ગયા હોય. પણ હું એ દિવસોમાં અખબારના પ્રેસમાં કામ કરતો હતો. એક દિવસ અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ ત્યારે મેં તમારી પાસેથી વીસ ડોલર ઉધાર લીધા હતા.'' બેંજામિનની વાત સાંભળી એ વ્યક્તિએ પોતાના યુવાનીના દિવસો યાદ કર્યા ત્યારે સ્મરણ થયું કે પ્રેસમાં એક બાળક કામ કરતો હતો. અને એ બીમાર થયો ત્યારે તેને કંઈક મદદ કરી હતી.
એ વ્યક્તિએ બેંજામિન સામે અહોભાવથી જોઈને કહ્યું:''મિત્ર, મને યાદ આવી ગયું છે. પણ એ તો માનવ સહજ ધર્મ છે કે મુશ્કેલીમાં હોય તેની મદદ કરવી જોઈએ. એટલે એક કામ કર. આ સિક્કા તારી પાસે જ રાખ. અને કોઈ જરૂરતમંદ વ્યક્તિ જયારે તારી નજરમાં આવે ત્યારે તેને મદદ માટે આપજે.'' એ વ્યક્તિની વાતથી બેંજામિન પ્રભાવિત થયા અને સિક્કા પરત લઈ આવ્યા. એ પછી એક જરૂરતમંદ યુવાનની મદદ માટે તેમણે એ સિક્કા આપ્યા.
થોડા સમય પછી એ યુવાને તેમને સિક્કા પાછા આપ્યા ત્યારે તેમણે કહ્યું:''ભાઇ, જયારે તું સક્ષમ થઈ જાય ત્યારે આ સિક્કા તારા જેવા જરૂરતમંદને આપજે. હું સમજીશ કે મને સિક્કા મળી ગયા છે.'' એ યુવાને પણ કહ્યું:''હું એવું જ કરીશ.'' ત્યારે બેંજામિને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું:''કોઈ જરૂરતમંદની સમય પર મદદ કરવી એ જ માનવતા છે. આપણે જયારે કોઈની મદદ કરીએ છીએ ત્યારે તે સો ગણી વધુ થઈને આપણી પાસે આવે છે. અને આપણને સફળ બનાવે છે.''*
સૌની કરે મદદ ને એ માગ્યા વિના કરે,
માનવનું કામ હોય ના, એ બસ ખુદા કરે.
- રવિ દવે 'પ્રત્યક્ષ'
*
કોઈની મદદ માટે હાથ લંબાવો તો એના ચહેરા સામે ના જોશો. કારણ કે મજબૂર માણસની આંખમાં ઉગેલી શરમ આપણા દિલમાં અભિમાનના બીજ વાવે છે.
*****