જીવન સંસાર Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

જીવન સંસાર

જીવન ખજાનો ભાગ-૫

જીવન સંસાર

રાકેશ ઠક્કર

જીવન જીવવાની સાચી રીત

એક આશ્રમમાં ગુરૂને એક શિષ્યએ નાનકડો પ્રશ્ન પૂછયો.,''ગુરૂજી, સંસારમાં કેવી રીતે રહેવું જોઈએ?'' ગુરૂ બહુ જ્ઞાની હતા. શિષ્યનો પ્રશ્ન સાંભળી મંદ મંદ હસ્યા અને કહ્યું કે એક - બે દિવસમાં હું તને વ્યવહારમાં જવાબ આપીશ.

બીજા દિવસે ગુરૂનું પ્રવચન ચાલુ થયું. ત્યારે એક શ્રધ્ધાળુ મીઠાઈ લઈને આવ્યો અને ગુરૂને પ્રેમપૂર્વક ભેટ આપી. ગુરૂએ મીઠાઈ લઈ લીધી અને લાવનાર કે ત્યાં બેઠેલા લોકો તરફ ધ્યાન આપ્યા વગર ઉંધા ફરીને બધી મીઠાઈ ખાઈ ગયા. શ્રધ્ધાળુ નારાજ થઈને જતો રહ્યો પછી ગુરૂએ શિષ્યને પૂછયું,''મારા વ્યવહાર માટે તેની પ્રતિક્રિયા શું હતી?'' શિષ્ય કહે, ''ગુરૂજી, એ માણસ દુઃખી થઈને તમારા વિશે ખરાબ બોલીને જતો રહ્યો. કહેતો હતો કે આવા તે કેવા સંત? ના મને પૂછયું કે સામે બેઠેલાને વિવેક ખાતર પણ પૂછયું'' એક દિવસ પછી બીજા એક શ્રધ્ધાળુએ ભેટમાં કોઇ વસ્તુ આપી. ગુરૂએ તેને ઉઠાવીને જોયા વગર પાછળની બાજુ ફેંકી દીધી. અને ભેટ લાવનાર સાથે પ્રેમથી વાત કરવા લાગ્યા. પણ ગુરૂના આવા વર્તનથી ડઘાઈ ગયેલો એ માણસ તરત જ જતો રહ્યો. શિષ્યએ કહ્યું કે તે પણ આપના વર્તનથી દુઃખી થઈને ગયો હતો. અને કહેતો ગયો કે વિચિત્ર સંત છે. મારી સાથે તો પ્રેમથી વાતો કરી પણ મારી ભેટનું અપમાન કર્યું.

જ્યારે ત્રીજો માણસ પ્રસાદની ભેટ લઈને આવ્યો ત્યારે ગુરૂએ તેની સાથે સારો વ્યવહાર કર્યો. તેમણે ભેટમાંથી થોડું પોતે ખાધું, થોડું લાવનારને આપ્યું અને બાકીનું હાજર શ્રધ્ધાળુઓમાં વહેંચી દીધું. ગુરૂએ ભેટ લાવનાર સાથે પ્રેમથી ચર્ચા પણ કરી. તેના ગયા પછી શિષ્યએ કહ્યું કે આ વ્યક્તિ ખુશ થઈને તમારા વખાણ કરતો ગયો.

ત્યારે ગુરૂએ તેને સમજાવતાં કહ્યું, ''વત્સ, ત્રણ પ્રકારના વ્યવહારમાં આ ત્રીજો શ્રેષ્ઠ છે. દાતા એટલે કે ભગવાન બહુ ભાવનાથી આપણને ભેટ આપે છે. આપણે તેને ભોગવીએ છીએ પણ દાતા તરફ ધ્યાન આપતા નથી. આ પહેલો વ્યવહાર થયો. બીજા વ્યવહારમાં આપણે દાતાની ભેટને ફેંકી દીધી અને તેની પ્રશંસા કરતા રહ્યા. ત્રીજો અને સાચો વ્યવહાર એ છે કે દાતાએ આપેલી ભેટનો યોગ્ય ઉપયોગ કરી તેનો ઉપકાર માનીએ. ભેટથી પરમાર્થ કરીએ અને દાતા સાથે પણ સહજ સંબંધ બનાવી રાખીએ. સંસારમાં રહેવાની આ સાચી રીત છે. આ રીતથી વ્યક્તિ સુખેથી રહી શકે છે. જીવન જીવવાની સાચી રીત એ છે કે લોકો સાથે સારો અને મિત્રતાભર્યો વ્યવહાર રાખવો. જે બધાને ગમશે.''*

દુઃખની વચ્ચે જીવવાની એ જ બે ત્રણ રીત છે,

સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર.

-બેફામ

*

આ દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. તમારો પોતાનો વ્યવહાર જ મિત્ર કે શત્રુ બનાવવા માટે જવાબદાર છે.

***

માણસ સર્વ શક્તિમાન નથી


સંત બાબા ગુલાબચંદ અઘોરી પોતાના અદભૂત ચમત્કારોથી જાણીતા હતા. તેમના ચમત્કાર જોઈને લોકો આભા બની જતા. લોકોને ચમત્કાર બતાવતાં તેમને પોતાના પર અભિમાન આવી ગયું. તેમને એવું લાગવા માંડયું કે તે ગમે તે કામ કરી શકે છે. તેઓ જેમને પણ મળતા તેમની સાથે પોતાના અદભૂત ચમત્કારોની વાત કરી આંજી દેવાનો પ્રયત્ન કરતા.

એક દિવસ સંત બાબા ગુલાબચંદ અઘોરી સાહિત્યના લેખક સુદર્શન સિંહ ચક્રની એક કવિતા સાંભળીને ગદગદ થઈ ગયા. અને તેમની મુલાકાત કરી કહ્યું, ''ચક્રજી, હું તમારી રચનાથી બહુ પ્રભાવિત થયો છું. માગી લો જે માગવું હોય તે. દિલ ખોલીને માગી લો. જે માગશો તે મળી જશે. આજે હું તમારા પર ખુશ છું.'' બાબાની વાત સાંભળી ચક્રજીએ વિનમ્રતાથી કહ્યું, ''બાબા, મારે કંઈ જ જોઈતું નથી. હું ભગવાનની ભક્તિ અને સાહિત્યની સાધના કરતો રહું એવા આશીર્વાદ આપો બસ. ''પણ બાબા તેમને માગવા માટે સતત આગ્રહ કરતા રહ્યા. અને બોલ્યા, ''ચક્રજી, આજે હું પહેલી વખત કોઈને આટલો આગ્રહ કરી રહ્યો છું. નહિ માગો તો પાછળથી પસ્તાશો.

આખરે બાબા આગ્રહથી હારીને ચક્રજી બોલ્યા, ''પણ હું માગીશ તે આપી શકશો કે કેમ એ પહેલાં વિચારી લો.''
બાબા કહે, ''તમે જે માગશો તે હું આપીશ. હું તમને વચન આપું છું.'' ચક્રજીએ આખરે પોતાની માગ કહી. અને બોલ્યા, ''બાબાજી, તો એવા આશીર્વાદ આપો કે ભારતમાં જેટલા પણ રોગી છે તે નિરોગી થઈ જાય. અને જે ગરીબ છે તે ગરીબ ના રહે.'' ચક્રજીની આ અશક્ય માગ સાંભળી બાબા હેરાન રહી ગયા. અને રડી પડયા. તે ચક્રજીને નતમસ્તક થઈ બોલ્યા, ''ચક્રજી, આજે મારી આંખો ખૂલી ગઈ છે. મારું અભિમાન નષ્ટ થઈ ગયું છે. મને આજે જ્ઞાન થયું છે કે માણસ બધું જ કરવાની ક્ષમતા ધરાવતો નથી. તે ગમે તેટલી સિધ્ધિઓ પ્રાપ્ત કરી લે તો પણ અક્ષમ જ રહેશે. સર્વ શક્તિમાન તો કેવળ કુદરત છે. મનુષ્યની અનેક મર્યાદાઓ છે. તે ભગવાન બની શકે નહિ.''

બાબાને આત્મજ્ઞાન થયું તે જાણી ચક્રજી ખુશ થઈને ત્યાંથી નીકળી ગયા.

*
એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા,

જેણે વીતાવી હોય જવાની ગુમાનમાં.

-મરીઝ

*

મદ કોઇ ઘટનાથી પ્રગટતો દુર્ગુણ છે અને અભિમાન અથવા અહંકાર એ સ્વભાવગત દુર્ગુણ છે.

- મોરારિબાપુ


***

મનની સ્થિરતાનો ચમત્કાર


એક માણસ જાણીતા સંત પાસે ગયો અને પોતાની સમસ્યા રજૂ કરતાં કહ્યું,''મહારાજ, મને જીવનના સત્યનું સંપૂર્ણ જ્ઞાન છે. મેં શાસ્ત્રોનો ઉંડાણથી અભ્યાસ કર્યો છે. છતાં કોઈ કામમાં મારું મન લાગતું નથી. હું કોઈપણ કામ કરવા બેસું ત્યારે મારું મન ભટકવા લાગે છે. એટલે એ કામ છોડી દઉં છું. મનની આ અસ્થિરતાનું કારણ શું છે? કૃપા કરીને મને તેનું નિવારણ કરી આપો.'' સંતે તેને રાત્રિ સુધી રાહ જોવાનું કહ્યું.

રાત પડી એટલે સંત તેને તળાવના કિનારે લઈ ગયા. અને તળાવના પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ બતાવીને કહ્યું કે, ''એક ચંદ્ર આકાશમાં છે અને એક આ પાણીમાં છે. તારું મન આ પાણીની જેમ છે. તારી પાસે જ્ઞાન છે. પણ તેનો ઉપયોગ કરવાને બદલે તેને મનમાં સંઘરીને બેઠો છે. આ પાણી પણ એ રીતે માત્ર અસલી ચંદ્રનું પ્રતિબિંબ લઈને બેઠું છે. તારું જ્ઞાન ત્યારે જ સાર્થક થઈ શકે જયારે તેને એકાગ્રતા અને સંયમ સાથે વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવે. પાણીમાં દેખાતો ચંદ્રમા તો એક ભ્રમ છે. આ ચંદ્ર મુકત આકાશના ચંદ્રની કોઈ રીતે બરાબરી કરી શકે નહિ. એટલે તારે કામમાં મન લગાવવા માટે આકાશના ચંદ્ર જેવા બનવાની જરૂર છે. તળાવમાં દેખાતો ચંદ્ર પાણીમાં કાંકરો નાખવાથી હાલક-ડોલક થવા લાગે છે. તારું મન પણ સામાન્ય વાતમાં ડોલવા લાગે છે. તારે જ્ઞાનને જીવનમાં નિયમપૂર્વક વાપરવું પડશે. ત્યારે તું નિર્ધારિત લક્ષ્ય હાંસલ કરી શકીશ. શરૂઆતમાં થોડી પરેશાની આવશે પણ પછી મન સ્થિર રહેવા લાગશે. અને એનો ચમત્કાર દેખાશે.'' સંતની વાત સાંભળી માણસને ખ્યાલ આવી ગયો કે મનની સ્થિરતા અને ચિત્તની એકાગ્રતાથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. તે સંતુષ્ટ થઈ સંતનો આભાર માનીને ચાલી નીકળ્યો.

*
બિછાને નહીં તો હશે મનમાં કાંટા,

ફૂલોની પથારી નથી કોઈની પણ.

-ર્ડા.મનોજ જોશી

*
મન ઉપર માનવીનો કાબૂ એટલે વિકાસ, માનવી ઉપર મનનો કાબૂ એટલે વિનાશ.

***

બોલાયેલા શબ્દો પાછા ન મેળવાય


એક ખેડૂતને ગુસ્સો જલદી આવી જતો. તે ગમે તેની સાથે ઝઘડી પડતો. પછી મગજ શાંત થાય ત્યારે પસ્તાવો થતો. પણ તેના આવા સ્વભાવને કારણે લોકો તેની સાથે બહુ વાત કરતા ન હતા કે સંબંધ રાખવામાં રસ બતાવતા ન હતા.

એક દિવસ આ ખેડૂતે કોઈ વાતે પડોશી સાથે ઝઘડો કર્યો અને ગમેતેમ બોલી નાખ્યું. પણ થોડા સમય પછી તેને થયું કે તેણે ખોટું કર્યું છે. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. હવે પોતાના શબ્દો પાછા કેવી રીતે લેવા તે માટે વિચારવા લાગ્યો. કોઈ ઉપાય ન મળતાં તેને ગામના પાદરે બેસતા એક સંત યાદ આવ્યા.

ખેડૂત સંતને મળવા ગયો. અને નમન કરીને પોતાની સમસ્યા જણાવી. ''મહારાજ, હું મારા શબ્દો પાછા લેવા માગું છું. કોઈ ઉપાય બતાવો.'' સંતને ખબર પડી કે આ ખેડૂતનો સ્વભાવ જ એવો છે. બોલતી વખતે કોઈ ભાન રહેતું નથી અને પછી ઉપાય શોધે છે. એટલે તેમણે કહ્યું, ''એક કામ કર. થોડા લીલા પાંદડા લઈને ગામના ચોતરાની વચ્ચે મૂકી આવ.'' ખેડૂતને આ વાત અટપટી લાગી. પણ સંતનો આદેશ હતો એટલે તેણે એ મુજબ જ કર્યું. અને પછી સંત પાસે જઈને કહ્યું કે તેણે ચોતરા પાસે લીલા પાંદડાનો ઢગલો કરીને મૂકી દીધો છે.

સંતે તેને કહ્યું,''જા હવે જઈને એ બધા જ પાંદડા અહીં લઈ આવ.'' ખેડૂતને નવાઈ લાગી. પાંદડા અહીં જ લાવવાના હતા તો પછી પહેલાં ત્યાં શું કામ મૂકવા કહ્યા? પણ તે ઉપાય ઈચ્છતો હતો એટલે સવાલ કર્યા વગર ચોતરા પાસે ગયો. ત્યાં જઈને જોયું તો એકપણ પાંદડું ન હતું. બધા જ પાંદડા હવામાં ઉડી ગયા હતા. તેને થયું કે બીજા લીલા પાંદડા તોડીને સંતને બતાવું. પણ તેને લાગ્યું કે આમ કરવાથી સાચો ઉપાય નહિ મળે. સંત જે કહે તે સાંભળવાની તૈયારી સાથે ખેડૂત તેમની પાસે પહોંચ્યો. અને કહ્યું, ''મહારાજ, ક્ષમા કરજો. પણ મેં મૂકેલા પાંદડા ઉડી ગયા છે. કહેતા હોય તો બીજા લઈ આવું.'' સંતે કહ્યું, ''બસ આ જ વાત તારા કહેલા શબ્દો સાથે થાય છે. તું સરળતાથી તેને તારા મોંમાંથી કાઢી શકે છે પણ પાછા મેળવી શકતો નથી. મોંમાંથી નીકળેલા શબ્દો છૂટી ગયેલા તીર જેવા હોય છે. તેને પાછા લાવી શકાય નહિ. એટલે ખરાબ બોલતા પહેલાં સો વખત વિચાર કરવો.'' ખેડૂતને પોતાની ભૂલનું ભાન થઈ ગયું. તેને ઉપાય મળી ગયો. તે સંતના આશીર્વાદ લઈને ઘરે ગયો.

*
શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?

ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

-રમેશ પારેખ

*ન બોલાયેલા શબ્દના તમે માલિક છો, અને બોલાયેલા શબ્દના ગુલામ.


***

દોસ્તીનો નવો અંદાજ


આ પ્રસંગ એ સમયનો છે જયારે ર્ડા. ઝાકીર હુસેન વધુ અભ્યાસ માટે જર્મની ગયા હતા. ત્યાં કોઈપણ અજાણી વ્યક્તિ બીજી અજાણી વ્યક્તિને પોતાનો હાથ આગળ કરી નામ બતાવતા હતા. અને આ રીતે અપરિચિતો એકબીજાના દોસ્ત બની જતા હતા. દોસ્તી કરવાનો આ રીવાજ ત્યાં બહુ પ્રચલિત હતો.

એક દિવસ ઝાકીર હુસેનની કોલેજમાં વાર્ષિક ઉત્સવ મનાવાઈ રહ્યો હતો. કાર્યક્રમનો સમય થઈ રહ્યો હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઝડપથી ત્યાં જઈ રહ્યા હતા. બધા સમયસર પહોંચવા માગતા હતા. ઝાકીર હુસેન પણ ઝડપથી લાંબા ડગ ભરતા જઈ રહ્યા હતા. તેમણે જેવો કોલેજમાં પ્રવેશ કર્યો કે એક શિક્ષક પણ બીજી બાજુથી પ્રવેશ કરી રહ્યા હતા. ઉતાવળમાં અને અજાણતા બંને એકબીજા સાથે અથડાઈ ગયા.

શિક્ષકે ઝાકીર હુસેન સાથે ટક્કર થયા પછી ગુસ્સામાં તેમની તરફ જોઈને કહ્યું,''ઈડીયટ, જોઈને ચાલને.'' ઝાકીર હુસેને હસીને તેમની સામે હાથ લાંબો કરીને કહ્યું,''હું ઝાકીર હુસેન, ભારતથી અહીં અભ્યાસ કરવા આવ્યો છું.'' ઝાકીર હુસેનની હાજરજવાબી અને દોસ્તીનો હાથ જોઈ શિક્ષક મહાશયનો ગુસ્સો ઉડી ગયો અને હસીને બોલ્યા,''બહુ સરસ, તારી હાજરજવાબીએ મને પ્રભાવિત કર્યો છે. આમ કરીને તેં અમારા દેશના રીવાજને માન આપ્યું છે અને સાથે મારી ભૂલનો અહેસાસ પણ કરાવી દીધો છે. ખરેખર આપણે અજાણતામાં એકબીજા સાથે અથડાયા હતા. એટલે મારે ક્ષમા માગવાની જરૂર હતી. અપશબ્દ બોલવા જોઈતા ન હતા.'' શિક્ષકનો જવાબ સાંભળીને ઝાકીર હુસેન બોલ્યા,''કોઈ વાંધો નહિ, આ બહાને આપણી દોસ્તી તો થઈ ગઈ.'' પછી બંને હસતા-હસતા એકબીજાના મિત્ર બનીને વાર્ષિકોત્સવમાં ભાગ લેવા ગયા.

*
જૂની છે એ ખબર, ચાંદમાં દાગ છે,

દોસ્ત! એ પૂર્વગ્રહ મૂકીને આવીએ.

- સુનીલ શાહ

*
મિત્રતા એવો છોડ છે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સીંચવો પડે છે.


***

સમયની કિંમત


અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ જયોર્જ વોશિંગ્ટન તેમની સાદગી માટે જાણીતા હતા. તેઓ સમયથી બંધાયેલા હતા. અને સમયનું મૂલ્ય પણ સમજતા હતા. તે પોતાનું કામ ચોક્કસ સમય પર જ કરતા અને જે ના કરતું હોય તેને સાચા રસ્તે લાવવાનો પ્રયત્ન પણ કરતા હતા. એમના ઘરના નોકરો આ સ્વભાવથી પરિચિત હતા. એટલે દરેક કામ સમયસર કરવાનો પ્રયત્ન કરતા.

તેઓ રાષ્ટ્રપતિ બન્યા એ વાતને થોડા મહિના થઈ ગયા. ત્યારે અમેરિકી કોંગ્રેસની ચૂંટણી થઈ. તેમાં જીત મેળવનાર કોંગ્રેસીઓને જયોર્જે પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું. આશય એ હતો કે એકબીજાનો પરિચય થાય અને દરેકને તેમનું કર્તવ્ય સમજાવવામાં આવે. પરંતુ નવા ચૂંટાયેલા સભ્યો સમયસર આવ્યા નહિ. અલબત્ત વધારે મોડું પણ થયું ન હતું. તેઓ આવ્યા ત્યારે તેમણે જોયું કે જયોર્જ ભોજન કરવા બેસી ગયા હતા. તેમને નવાઈ લાગી. તેઓ વિચારવા લાગ્યા કે મહેમાનો આવ્યા વગર રાષ્ટ્રપતિ મહોદય ભોજન કરવા કેમ બેસી ગયા.

જયોર્જે બધાના ચહેરા પર આશ્ચર્યના ભાવ જોઈને કહ્યું, ''ભાઈઓ, એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. હું મારા તમામ કામ સમય પર જ કરું છું. તેથી મારો રસોઈયો એ જોતો નથી કે આમંત્રિત મહેમાનો આવી ગયા છે કે નહિ. એ તો નિર્ધારિત સમય પર ભોજન લાવીને પીરસી દે છે.'' એ સાંભળીને આવેલા સભ્યોને પોતાની ભૂલનો અહેસાસ થયો. અને રાષ્ટ્રપતિ જયોર્જ વોશિંગ્ટનની માફી માગી.

રાષ્ટ્રપતિ જયોર્જ વોશિંગ્ટને તેમને સમજાવતાં કહ્યું કે,''જીવનની દરેક ક્ષણ કિમતી છે. એટલે પોતાનું કાર્ય સમય પર કરવું જોઈએ જેથી સારું પરિણામ પ્રાપ્ત થાય.''

નવા સભ્યોને પહેલી જ મુલાકાતમાં રાષ્ટ્રપતિ પાસેથી સમયપાલનનો પાઠ શીખવા મળી ગયો.

*

સમયને હાથ જોડયા તોય પાછો કયાં વળે છે..જો..!

અને માંગ્યા વગર પીડા બધી આવી મળે છે..જો..!

-લક્ષ્મી ડોબરીયા

*
સમય અને સમુદ્રની ભરતી કોઈની વાટ જોતા નથી.


***

કુદરત પર સૌનો અધિકાર


એક વખત એક રાજાએ વિચાર્યું કે રાજયની સૌથી મોટી નદીનું પાણી પડોશના રાજય સુધી જાય છે. એ પાણીને અટકાવવું જોઈએ. એના પર પોતાના રાજયનો જ હક છે. એટલે તેમણે એ નદી પર બંધ બનાવીને પાણી અટકાવી માત્ર પોતાની પ્રજા ઉપયોગમાં લઈ શકે એવું આયોજન કરવા મંત્રીને સૂચના આપી.

મંત્રીએ પોતાના અનુભવની વાત કરતાં કહ્યું,''મહારાજ, આ કુદરતી પાણી છે. ન જાણે તે કેટલી સદીઓથી વહી રહ્યું છે. તેને અટકાવવાનો આપણાને કોઈ અધિકાર નથી. સૌને કુદરતના પાણીનો ઉપયોગ કરવાનો હક છે. અને આપણે આ પાણી રોકીને વગર કારણે શા માટે પડોશી રાજા સાથે દુશ્મની કરવી જોઈએ? મારો મત એવો છે કે માનવ હિતની આ વાત હોવાથી આપનો વિચાર પડતો મૂકો તો સારું.'' પણ રાજાએ મંત્રીની એક વાત ના સાંભળી. અને આદેશ આપ્યો કે આ નદીનું પાણી આગળ જતું અટકાવી દેવામાં આવે. જેથી પાણી પેલી તરફ જઈ ના શકે.

મંત્રીએ રાજાના હુકમનું પાલન કરવા સિવાય કોઈ આરો ન હતો. રાજાના હુકમ મુજબ ઉનાળામાં પાણી ઘટી ગયું ત્યારે બંધ બનાવી દેવામાં આવ્યો. પણ ચોમાસું આવ્યું એટલે નદીમાં પાણીનું સ્તર વધવા લાગ્યું અને આગળ જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાથી પાણી રાજયમાં ઘૂસવા લાગ્યું. લોકોમાં ગભરાટ ફેલાયો.

મંત્રીએ રાજાને કહ્યું, ''મહારાજ, પાણી રાજમહેલ તરફ આવી રહ્યું છે. હું તમને બંધ માટે ના કહેતો હતો પણ તમે માન્યા નહિ. માનવી બીજાનું અહિત કરવા જતાં તેનું જ અહિત થાય છે.'' પણ રાજા હજુ પોતાના અભિમાનમાં હતા એટલે બોલ્યા,''તમે ચિંતા ના કરો. હમણાં વરસાદ રહી જશે એટલે વાંધો નહિ આવે.'' એમ કરતાં સવાર થઈ. પણ કાળા વાદળો ઘેરાયેલા હોવાથી સૂરજ દેખાયો નહિ. રાજાએ સવારે મંત્રીને બોલાવી પૂછયું, ''આજે રાજયમાં આટલું બધું અંધારું કેમ છે?'' મંત્રીએ મોકો ઝડપી લીધો અને કહ્યું, ''મહારાજ, સૂરજ આપણા પડોશી રાજયની બાજુથી ઉગે છે. તેમણે પણ નક્કી કર્યું છે કે સૂરજ તેમના રાજય તરફથી ઉગે છે એટલે તેનો ઉપયોગ માત્ર તેઓ જ કરશે. એના પર એમનો જ અધિકાર છે.'' મંત્રીની વાત સાંભળી રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમને ખ્યાલ આવી ગયો કે કુદરત પર સૌનો અધિકાર છે. કુદરત બધા પર સરખી મહેરબાની કરે છે. તેના પર રોક લગાવી ના શકાય. તેમણે તરત જ નદી પરના બંધને તોડવાનો આદેશ આપ્યો.

*ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથીયે છેટો રહે છે,

બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

-હિતેન આનંદપરા

*સંતતિ અને સંપત્તિ એ કુદરતની દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ના કરાય પણ પ્રયત્ન કરાય.


***