જીવન ખજાનો ૮ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

જીવન ખજાનો ૮

જીવન ખજાનો ભાગ-૮

જીવન ઓળખ

-રાકેશ ઠક્કર

પોતાની અલગ ઓળખ ઉભી કરો

અંગ્રેજીના વિશ્વવિખ્યાત લેખક જયોર્જ બર્નાડ શોના જીવનનો આ એક પ્રસંગ છે. તેઓ બહુ હસમુખ સ્વભાવના હતા. તે પોતાની હાજરજવાબી અને સટીક ટિપ્પણીથી સામેની વ્યક્તિને આભો કરી દેતા હતા. તેમની લોકપ્રિયતા એટલી બધી હતી કે તે જ્યાં જતાં ત્યાં ભીડ જામી જતી અને તેમને ઘેરીને લોકો વાત કરવામાં આનંદ અનુભવતા.

એક વખત કોઈ કોલેજના કાર્યક્રમમાં તે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા. અને કાર્યક્રમ પૂરો થયો એટલે લોકો હંમેશની જેમ તેમના હસ્તાક્ષર મેળવવા પડાપડી કરવા લાગ્યા.

લોકોમાં એકદમ આગળ ધસી આવેલા એક યુવાને ઓટોગ્રાફ બુક ધરીને તેમના હસ્તાક્ષરની માંગણી કરતાં કહ્યું, ''સર, મને સાહિત્યનો બહુ શોખ છે. હું તમારો બહુ મોટો ચાહક છું. મેં તમારા બધા જ પુસ્તકો વાંચ્યા છે. તમે મારા પ્રિય લેખક છો. મારે તમારા હસ્તાક્ષર સાથે એક સંદેશ જોઈએ છે. એમ કરશો તો તમારી મોટી મહેરબાની થશે. હું મારા જીવનમાં હજી સુધી અલગ ઓળખ બનાવી શક્યો નથી. પણ બનાવવા માગું છું. તમે કંઈક સલાહ આપો.'' યુવાનની વાત સાંભળીને જયોર્જ બર્નાડ શો મંદમંદ હસ્યા અને તેના હાથમાંથી બુક લીધી. પછી તેમાં સંદેશ લખી હસ્તાક્ષર કરી પાછી આપી.

યુવાને પુસ્તિકા ખોલીને સંદેશ વાંચ્યો તો હેરાન રહી ગયો. જયોર્જ બર્નાડ શોએ લખ્યું હતું કે, પોતાનો સમય બીજાના હસ્તાક્ષર એકઠા કરવામાં બગાડવો ના જોઈએ. બલ્કે એવું કામ કરવું જોઈએ કે બીજા તમારા હસ્તાક્ષર મેળવવા માટે પડાપડી કરે. પોતાની અલગ ઓળખ ઉભી કરવા હર પળ મહેનત કરવાનું અને સંઘર્ષરત રહેવાનું જરૂરી છે.

જયોર્જ બર્નાડ શોનો સંદેશ વાંચીને યુવાને ઉત્સાહ અને ખુમારીથી કહ્યું, ''સર, હું તમારો સંદેશ જીવનભર યાદ રાખીશ. અને એક અલગ ઓળખ ઉભી કરીને બતાવીશ.'' યુવાનનો આત્મવિશ્વાસ જોઈને જયોર્જ બર્નાડ શો ખુશ થયા. અને તેની પીઠ થપથપાવીને ભવિષ્યની શુભકામના પાઠવી ત્યાંથી નીકળી ગયા.

*
કોનો સાથ જીવનમાં સારો 'શૂન્ય' તમે પોતે જ વિચારો,

મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

-'શૂન્ય' પાલનપુરી

*

પ્રતિભા મહાન કાર્યોનો પ્રારંભ કરે છે, પરંતુ એને પૂરાં તો પરિશ્રમ જ કરે છે.

*

***
આસપાસમાં પણ થાય ક્રોધની અસર


આદિ શંકરાચાર્ય અને મંડન મિશ્ર વચ્ચે સોળ દિવસથી શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. એમાં મંડન મિશ્રની પત્ની દેવી ભારતી નિર્ણાયક હતા. હાર- જીતનો કોઈ નિર્ણય આવી રહ્યો ન હતો. લોકો ઉત્સુકતાથી તેમને સાંભળતા હતા. ઘણા દિવસથી સામસામે દાખલા - દલીલો ચાલી રહી હોવાથી દેવી ભારતી બહાર જઈ શકયા ન હતા. આજે જરૂરી કામથી બહાર જવું પડે એમ હતું. એટલે બહાર જતા પહેલાં બંનેના ગળામાં ફૂલની એક-એક માળા નાખી અને કહ્યું,''મારી ગેરહાજરીમાં આ માળાઓ મારું કામ કરશે.'' દેવી ભારતીના ગયા પછી શાસ્ત્રાર્થ વધુ ઉગ્ર બન્યો. સામસામી રજૂઆતો અને સવાલ-જવાબનો દોર ચાલ્યો.
દેવી ભારતી જયારે કામ પતાવીને પાછા ફર્યાં ત્યારે આવીને સૌપ્રથમ આદિ શંકરાચાર્ય અને મંડન મિશ્રના ગળામાં રાખેલી ફૂલોની માળાઓ બરાબર નિરખી અને તેની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. પછી પોતાનો નિર્ણય જાહેર કર્યો. તેમના નિર્ણય મુજબ આદિ શંકરાચાર્ય વિજેતા થયા હતા. અને તેમના પતિ મંડન મિશ્રનો પરાજય થયો હતો. લોકોને એ વાતનું આશ્ચર્ય થયું કે દેવી ભારતીએ કયા આધારે પતિને પરાજિત જાહેર કર્યા.
એક વ્યક્તિએ શંકા વ્યક્ત કરતાં કહ્યું,''દેવીજી, તમે તો શાસ્ત્રાર્થની વચ્ચે જ ચાલ્યા ગયા હતા. તો પછી આવીને તરત કેવી રીતે નિર્ણય જાહેર કર્યો ?'' દેવી ભારતીએ જવાબમાં કહ્યું,''જયારે કોઈ વિદ્વાન શાસ્ત્રાર્થમાં પરાજિત થવા લાગે છે ત્યારે તે ક્રોધ કરે છે. તેની અસર એ વ્યક્તિ ઉપરાંત આસપાસના વાતાવરણ ઉપર પણ થાય છે. મારા પતિ મંડન મિશ્રના ગળાની ફૂલોની માળા ક્રોધના તાપને કારણે સુકાઈ જેવી ગઈ હતી. જયારે આદિ શંકરાચાર્યજીના શાંત સ્વભાવથી ગળાની માળાના ફૂલ હજુ પણ તાજા જ છે. એના પરથી જ ખબર પડી જાય છે કે આદિ શંકરાચાર્યજીની જીત થઈ છે.'' દેવી ભારતીના આ નિર્ણયને બધાએ સંમતિથી વધાવી લીધો.

*
ચાહું છું એને વધારે તીવ્રતાથી,

વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

-અનિલ ચાવડા

*
ક્રોધ ખરાબ છે. કારણ કે પહેલાં પરેશાની, પછી પરસેવો અને અંતે પસ્તાવો.


***
મહાપુરૂષોને શ્રધ્ધાંજલિની સાચી રીત


આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના અસંખ્ય ભકતો હતા. તેઓ જયાં પણ જતા ત્યાં તેમના પ્રભાવથી નવા શિષ્ય બનતા. અને શિષ્યો એમના માટે કંઈક કરવાની ઈચ્છા રાખતા હતા. તેથી તેમને સંતોષ હતો. તેમના નજીકના શિષ્યોમાં એક હતા પંજાબના પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી. તેઓ લાંબા સમય સુધી સ્વામીજીના સાંનિધ્યમાં રહ્યા. તેમણે સ્વામીજી પાસેથી ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સ્વામીજી પણ તેમના પ્રત્યે પ્રેમ રાખતા. દરમ્યાનમાં સ્વામીજીનું અવસાન થયું. એ પછી તેઓ લોકોને સ્વામીજીનું જ્ઞાન આપતા હતા.

એક દિવસ એક બીજો શિષ્ય આવ્યો. તેણે પંડિત વિદ્યાર્થીને કહ્યું,''પંડિતજી, આપણા સ્વામીજી મહાજ્ઞાની હતા. તેમની સાથે તમારો ઘનિષ્ઠ સંપર્ક હતો. એટલે એમના વિશે તમારી પાસે ઘણી જાણકારી હશે. તમે સ્વામીજીનું જીવનચરિત્ર કેમ લખતા નથી?'' પંડિતજીએ બહુ ગંભીરતાથી કહ્યું,''સ્વામીજીનું જીવન ચરિત્ર લખવાનો ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યો છું. શરૂઆત પણ કરી ચૂકયો છું.''

આ સાંભળીને બીજા શિષ્યએ બહુ ઉત્સુકતાથી પૂછયું,''આ જીવનચરિત્ર કયારે પૂરું થશે? કયારે પ્રકાશિત થશે પંડિતજી? આ તો તેમને શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ કહેવાશે.'' પંડિતજીએ કહ્યું,''તમે એમ વિચારતા હશો કે હું કાગળ પર તેમનું જીવનચરિત્ર લખી રહ્યો છું. પણ મારું એવું માનવું છે કે મહાપુરૂષોનું જીવનચરિત્ર માણસના સ્વભાવમાં અને આચરણમાં લખાવું જોઈએ. હું એવો પ્રયાસ કરી રહ્યો છું કે મારું જીવન સ્વામીજીના આદર્શોને અનુરૂપ હોય. હું એમના પદ્ચિન્હો પર ચાલી શકું. કોઈપણ મહાપુરૂષના વિચારોને આચરણમાં મૂકવા એ જ તેમના પ્રત્યેની સાચી શ્રધ્ધાંજલિ હોય શકે. જીવનચરિત્ર કાગળ પર નહિ આચરણમાં ઉતારવાનું હોય. આમ કરવાથી એ મહાપુરૂષના વિચારો ચારે તરફ ફેલાય છે. તેનો લાભ માત્ર તેમના શિષ્યોને જ નહિ સમાજના દરેક વ્યક્તિને મળે છે.'' પંડિતજીની વાત સાથે બીજો શિષ્ય સંમત થયો. અને સ્વામીજીના વિચારો મુજબ આચરણ કરવાનો સંકલ્પ કર્યો.

*
જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો!

ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,

દીનદુઃખિયાના આંસુ લો'તો અંતર કદી ના ધરાજો, મારું જીવન...

*

જીવન મળવું એ ભાગ્યની વાત છે. મૃત્યુ આવવું એ સમયની વાત છે, પણ મૃત્યુ પછી લોકોના દિલમાં જીવિત રહેવું એ કર્મોની વાત છે.

*

***
જ્ઞાનનું અભિમાન ન હોય

નાલંદા વિશ્વવિદ્યાલયમાંથી ધર્મશાસ્ત્રોનું જ્ઞાન મેળવીને કૌશલે વિશેષ યોગ્યતા મેળવી હતી. પણ તેને પોતાના જ્ઞાનનું અભિમાન થવા લાગ્યું. તે અભ્યાસ પૂર્ણ કરી જયારે નાલંદા છોડી રહ્યો હતો ત્યારે છેલ્લી વખત પોતાના ગુરૂને મળવા ગયો અને આશીર્વાદ લીધા.

ગુરૂએ કહ્યું,''બેટા, તેં ઘણું જ્ઞાન મેળવ્યું છે. હવે તેનો લોકો માટે તું ઉપયોગ કર.'' ત્યારે કૌશલે કહ્યું,''ગુરૂદેવ, આપે જે જ્ઞાન આપ્યું તે મેં ગ્રહણ કર્યું છે. પરંતુ મારા જ્ઞાનની તરસ હજી છીપાઈ નથી. હું હજુ વધુ જ્ઞાન મેળવવા માગું છું.''

ગુરૂએ વધુ દલીલ કરી નહીં અને કહ્યું,''બેટા, પાટલિપુત્રના ધર્માચાર્ય યોગી મહારાજના આશ્રમમાં ચાલ્યો જા. એ તને વધુ જ્ઞાન આપશે.'' કૌશલ સીધો ધર્માચાર્ય યોગી મહારાજના આશ્રમમાં પહોંચી ગયો. ધર્માચાર્યએ તેના આવવાનું કારણ પૂછયું. કૌશલ કહે,''મેં નાલંદામાં ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હવે હું વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યો છું. કૃપા કરીને મને શિષ્ય બનાવો.'' ધર્માચાર્યએ તેના અભ્યાસ વિશે પૂછયું. ત્યારે કૌશલે ગર્વથી કહ્યું,''મને લગભગ દરેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. મેં બધા જ ગ્રંથોનો અનેક વખત અભ્યાસ કર્યો છે. અને શાસ્ત્રાર્થમાં મોટા મોટા વિદ્વાનોને હરાવ્યા છે. પણ મારે હજી વધારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે.'' ધર્માચાર્યએ એક શિષ્યને બોલાવી તેની પાસે બે પાણીના ગ્લાસ મંગાવ્યા. પછી એક ભરેલા પાણીના ગ્લાસમાં વધુ પાણી રેડવા લાગ્યા. તેથી ગ્લાસમાંથી પાણી બહાર છલકાવા લાગ્યું. છતાં તેમણે પાણી નાખવાનું બંધ ના કર્યું. એટલે કૌશલે હેરાનીથી કહ્યું,''ગુરૂદેવ, આપ શું કરી રહ્યા છો? પાણીનો ગ્લાસ ભરાઈ ચૂકયો છે. એમાં વધુ પાણી આવી શકે એમ નથી. તમે તેમાં પાણી નાખવાની ખોટી કોશિશ કરી રહ્યા છો.'' ધર્માચાર્યએ પાણી નાખવાનું બંધ કર્યું. પછી મુસ્કુરાતા કહ્યું,''બેટા,જ્ઞાનનું પણ એવું જ છે. જેમ પાણી નાખવા માટે ગ્લાસ ખાલી હોવો જોઈએ એમ જ્ઞાન મેળવવા માટે ખાલી અને ખુલ્લુ મન જરૂરી છે. મનમાં ગ્રહણશીલતા હોવી જોઈએ. તેં તારા મનમાં અનેક પૂર્વગ્રહ અને ભ્રમ ભરી રાખેલા છે. એ સ્થિતમાં મારું આપેલું જ્ઞાન કયાં સમાશે?'' આ સાંભળીને કૌશલનું અભિમાન જતું રહ્યું. તેણે ધર્માચાર્યના પગે પડીને માફી માગી.

*
કોઈ ધરમ નથી કોઈ કરમ નથી કોઈ જ્ઞાન નથી અજ્ઞાન નથી,

તું બુધ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

-શયદા
* માણસ કદાચ બ્રહ્માંડને સમજી શકશે પરંતુ પોતાના અભિમાનને નહિ, કારણ કે સ્વ એ તારાઓ કરતાં પણ દૂર છે.


***