Jivan Khajano - 4 books and stories free download online pdf in Gujarati

જીવન ખજાનો - 4

જીવન જ્યોત

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૪

પ્રયાસથી નિખરે જીવન


જર્મનીમાં વિલહેમ નામનો એક બાળક ભણવામાં આળસ કરતો હતો. તેને શાળાએ લઈ જવાનું કામ માતા માટે મુશ્કેલ બનતું હતું. શાળામાં પણ તે ભણવામાં ધ્યાન આપતો ન હતો. તેના તોફાનોની ફરિયાદો આવતી હતી. તેને ભણવાનું ગમતું ન હતું. એટલે શાળાએ ન જવાના બહાના બનાવ્યા કરતો હતો.

એક દિવસ શાળાએથી આવતી વખતે તેણે માતાને રોડ નજીક રમતા કેટલાક બાળકો બતાવ્યા. અને કહ્યું, ''મમ્મી,આ બાળકો કયાં શાળાએ જાય છે? એ તો શાળામાં ગયા વગર જ મોટા થઈ રહ્યા છે. અને કેટલા ખુશ છે. તેમને કોઈ ચિંતા નથી. કેવો આનંદ માણે છે.'' માતાએ ત્યારે તેને કોઈ જવાબ આપ્યો નહિ.

બીજા દિવસે સવારે માતાએ તેને ઘર બહાર રોડની બાજુમાં ઉગેલા ઝાડી- ઝાંખરા બતાવ્યા. અને પૂછયું, ''આ છોડ કોણે ઉગાડયા છે બેટા?' પુત્રએ તરત કહયું, ''મા, એ તો આપમેળે ઉગ્યા છે. તેને કુદરતી તાપ, ઝાકળ અને વરસાદ મળી રહે એટલે ઉગે જ ને. તેની માવજત કરવાની જરૂર નથી.'' માતાએ પૂછયું,''એ તને કેવા લાગે છે?'

પુત્ર કહે,''એ તો જંગલી છોડ છે. એ વળી કેવા લાગવાના. એનો તો કોઈ ઉપયોગ પણ નથી.'' પછી માતા તેને ઘરમાં લઈ ગઈ અને કૂંડામાં ઉગાડેલા ગુલાબના છોડને બતાવીને પૂછયું, ''બેટા, આ ગુલાબ કેવા લાગે છે?''

પુત્ર કહે,''બહુ સુંદર લાગે છે. એની પપ્પા કેટલી કાળજી રાખે છે. નિયમિત રીતે ખાતર-પાણી આપે છે. મને તો ગુલાબનો રંગ અને સુગંધ બહુ ગમે છે.'' માતાએ તરત કહ્યું,''બેટા, આ ફૂલ એટલા માટે સારા લાગે છે કેમકે તેને પ્રયત્ન કરીને ઉછેરવામાં આવ્યા છે. જીવન પણ એવું જ છે. હંમેશા સારું જીવન પ્રયાસોથી જ મળે છે. અને એ માટે સારા શિક્ષણ, પ્રશિક્ષણ અને મહેનતની જરૂર પડે છે. તારામાં અને પેલા રોડ પર રમતા બાળકોમાં શું ફરક છે તેની તને આગળ જતાં ખબર પડશે.''

માતાએ જંગલી છોડ અને ગુલાબના છોડના આપેલા ઉદાહરણથી પુત્ર સમજી ગયો કે શિક્ષણ અને પ્રયાસથી જ જીવનનું સાચું ઘડતર થાય છે. એ પછી તેણે શાળાએ ઉત્સાહ અને આનંદથી જવાનું શરૂ કરી દીધું.


*

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,

બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.

– મરીઝ

*

શિક્ષણ એટલે જન્મથી માંડીને મરણ સુધીના બધા વાતાવરણની અસરો, બધા પ્રકારની કેળવણી, બધી શિસ્ત અને બધી સંસ્કૃતિનો સરવાળો.


***

બીજાના સુખની ઈર્ષા નહિ

એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેને વારસામાં એક નાનકડું ખેતર મળ્યું હતું. તેમાં શાકભાજી ઉગાડીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. અને જીવન વ્યતિત કરતો હતો. તેની પાસે વધારે ધન- સંપત્તિ ન હતા. તેથી સ્વભાવ ઈર્ષાળુ હતો.

આવા સ્વભાવને કારણે તેને અડોશ-પડોશમાં રહેતા લોકો સાથે જ નહિ સંબંધીઓ સાથે પણ બનતું ન હતું.
ખેડૂતની ઉંમર વધવા લાગી હતી. એટલે ખેતી કામમાં તેને મુશ્કેલી પડતી હતી. એની પાસે બળદ ન હતા. જાતે હળ ચલાવવું પડતું હતું. પાણી માટે કૂવો ન હતો. એટલે વરસાદ પર જ નિર્ભર રહેવું પડતું હતું. બીજી તરફ તેના અડોશ- પડોશના ખેડૂતો પાસે બધી સુવિધા હતી. તેથી તેને પોતાની કિસ્મત પર ગુસ્સો આવતો હતો. અને બીજાની સુવિધાની ઈર્ષા થતી હતી.

એક દિવસ તે ખેતરેથી થાકયો-પાકયો ઘરે આવી રહ્યો હતો. ત્યારે માર્ગમાં સફેદ કપડાં પહેરેલા અને સફેદ દાઢીવાળા સંત જેવા ભાઈ મળ્યા. સંતે તેને અટકાવીને પૂછયું,''કેમ ભાઈ, બહુ દુઃખી લાગી રહ્યો છે? કોઈ સમસ્યા છે?''

ખેડૂત કહે,''મહારાજ, શું કહું તમને? મારી પાસે ધનનો અભાવ છે. જો મારી પાસે બળદ હોત તો હું ખેતીમાં ઘણું સારું કામ કરી શકત. બળદની મદદથી આરામથી ખેડવાનું, રોપવાનું, સિંચાઈનું બધું કામ સરળતાથી કરી શકત.'' સંત કહે,'''માની લે કે તને એક બળદ મળી જાય તો તું શું કરે?'

ખેડૂત કહે,''મને બહુ આનંદ થાત. મારી ખેતીનું કામ સરળ થઈ જાત. પણ મને કયાંથી બળદ મળવાનો હતો?''
સંત કહે,''હું તને બળદ આપું છું, પણ ઘરે જઈને તારા પડોશીને મારી પાસે મોકલજે.'' ખેડૂત કહે,''તમે મને બળદ આપશો એ જાણીને મને બહુ આનંદ થયો. પણ તમે મારા પડોશીને શા માટે મળવા માગો છો?'' સંત કહે,''તારા પડોશીને કહેજે કે મારી પાસે આવીને બે બળદ લઈ જાય.'' સંતની વાત સાંભળીને ખેડૂતને ગુસ્સો આવ્યો અને ઈર્ષાની આગમાં સળગવા લાગ્યો. પછી તરત બોલી ઉઠયો,''તમે જાણતા નથી. મારા પડોશી પાસે બધું જ છે. જો તમે મારા પડોશીને બે બળદ આપવા માગતા હોય તો મારે એક બળદ પણ જોઈતો નથી.'' સંત કહે,''તારી સમસ્યા શું છે તેની તને ખબર છે? તારી સમસ્યા ગરીબી નહિ ઈર્ષા છે. તને જે મળી રહ્યું છે તેનાથી તું સંતુષ્ટ થઈ જાત તો તારા પડોશીઓ કે સંબંધીઓની સુખ સુવિધાની ઈર્ષા ના કરત. અને સંસારનો સૌથી સુખી વ્યક્તિ બની જાત.'' સંતની વાત સાંભળી ખેડૂતને પોતાના સ્વભાવનો વાંક દેખાયો. અને એ દિવસથી તેણે ઇર્ષા કરવાનું છોડી દીધું.

*

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંય હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસર થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલાં?

– ‘શુન્ય’ પાલનપુરી

*

ઈર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઈ શકતી હોય છે.

***

નિઃસ્વાર્થ સેવાનો આનંદ


જમશેદજી મહેતા એક મોટા વેપારી અને સમાજ સેવક હતા.

એક વખત તેમની પાસે કરાચીના જાહેર દવાખાનાની સંચાલક સમિતિના સભ્યો દાન લેવા માટે આવ્યા. દવાખાનામાં વધુ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે તેઓ સમાજ સેવકો અને વેપારીઓ પાસેથી દાન મેળવી રહ્યા હતા.

એક સભ્યએ દાનનો હેતુ સમજાવી જમશેદજીને કહ્યું કે,''મહાશય, અમારી સમિતિએ નિર્ણય લીધો છે કે જે વ્યક્તિ દસ હજાર કે તેથી વધુ દાન દવાખાના માટે આપશે તેનું નામ દવાખાનાના મુખ્ય દરવાજા પાસેની તક્તિ પર લખવામાં આવશે.'' એમની વાત સાંભળીને જમશેદજી સહેજ હસ્યા અને તેમને બેસવાનું કહી તિજોરીમાંથી રૃપિયા લઈ આવ્યા. અને સભ્યને આપ્યા.

સભ્યએ રૂપિયા ગણ્યા તો નવ હજાર નવસો પચાસ હતા. તે નવાઈ પામ્યા. અને લાગ્યું કે ગણવામાં કંઈક ભૂલ થઈ છે. ફરી ગણ્યા તો પણ એટલા જ થયા. એટલે જમશેદજીને કહ્યું,''મહાશય, તમે નવ હજાર નવસો પચાસ રૂપિયા આપ્યા છે. બીજા પચાસ રૂપિયા આપો તો તક્તિ પર તમારું નામ આવશે.'' સભ્યની વાત સાંભળી જમશેદજીએ વિનમ્રતાથી કહ્યું,''ભાઈઓ, મારા માટે આટલું દાન આપવું યોગ્ય છે. હું પૂરા દસ હજાર આપીને મારા દાનની જાહેરાત કરવા માગતો નથી. હું માનું છું કે દાન એવી રીતે કરવું જોઈએ કે જમણા હાથથી આપીએ તો ડાબા હાથને પણ ખબર ના પડે. જાહેરાતથી દાનનું મહત્વ રહેતું નથી. મહત્વ દવાખાનાના ઉદ્દેશનું રહેવું જોઈએ નહિ કે દાતાનું. જો આ રીતે દાનનો પ્રચાર કરવામાં આવશે તો નિર્ધન વ્યક્તિઓને ત્યાગ અને સેવાની પ્રેરણા કયાંથી અને કેવી રીતે મળશે? એ લોકો ઓછી રકમ આપવામાં શરમ અનુભવશે. સાચી વાત કહું? જે આનંદ નિઃસ્વાર્થ સેવામાં છે એ તક્તિ પર નામ લખાવવામાં નથી.'' જમશેદજીની વાત સાંભળી બધા સભ્યો દંગ રહી ગયા. અને તેમની સેવાભાવના પ્રત્યે નતમસ્તક થઈ તેમનો આભાર માની આપેલ રકમ લઈ નીકળી ગયા.

*

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.
'ગની' દહીંવાળા

*

દાન આપનારની કયારેય અછત હોતી નથી, મેળવનારે લાયકાત કેળવવી પડે છે.


***

ફકીરની સિકંદરને શિખામણ

ભારત આવતાં પહેલાં વિશ્વ વિજેતા બનવાની મુરાદ સાથે સિકંદર ડાયોજીનીસ નામના ફકીરને મળવા ગયો. ડાયોજીનીસ મોટાભાગે નગ્ન અને પરમાનંદની અવસ્થામાં રહેતા હતા. સિકંદરે તેમને પ્રણામ કર્યા. અને આશીર્વાદ માગ્યા. ત્યારે ડાયોજીનીસે પૂછયું કે તું કયાં જઈ રહ્યો છે? ત્યારે સિકંદરે કહ્યું કે મારે એશિયાનો આખો મહાદ્વીપ જીતવો છે. એ માટે પ્રસ્થાન કરવાનો છું.

ડાયોજીનીસે પૂછયું, ''એ પછી શું કરીશ?' સિકંદર કહે, ''ભારતને જીતીશ.'' ડાયોજીનીસ કહે, 'એ પછી?' સિકંદર કહે, ''બાકીની દુનિયાને જીતી લઈશ.'' ડાયોજીનીસે ફરી પૂછયું, 'એ પછી?' સિકંદરે છોભીલા પડીને કહ્યું, ''એ પછી આરામ કરીશ.''

સિકંદરની વાત સાંભળી ડાયોજીનીસ હસવા લાગ્યા અને બોલ્યા,''જે આરામ તું આટલા દિવસો પછી કરવાનો છે તે હું હમણાં જ કરી રહ્યો છું. જો તું આરામ કરવા માગે છે તો આટલા કષ્ટ ઉઠાવવાની શું જરૂર છે? હું અત્યારે નદીના કિનારે શાંતિથી આરામ કરી રહ્યો છું. તું પણ આરામ કરી શકે છે.'' સિકંદર ડાયોજીનીસની વાત સાંભળીને એક પળ માટે શરમ અનુભવવા લાગ્યો. તેણે વિચાર્યું કે તેની પાસે બધું જ છે. પણ શાંતિ નથી. જયારે ડાયોજીનીસ પાસે કંઈ જ નથી પણ તેમનું મન શાંત છે.

સિકંદર કહે,''મને તમારી ઈર્ષા થઈ રહી છે. હું ઈશ્વર પાસે એટલું માંગીશ કે મને આવતા જન્મમાં તમારા જેવો બનાવે. હું જરૂર પાછો આવીશ. પણ મારે અત્યારે જવું પડશે. કેમકે મારી યાત્રા હજુ પૂરી થઈ નથી.''
ત્યારે ડાયોજીનીસે તેને જવાબમાં કહ્યું, ''એમાં તું ઈશ્વરને વચ્ચે કેમ લાવી રહ્યો છે? મારા માટે સિકંદર બનવું કઠીન છે. કેમકે હું આખું વિશ્વ કદાચ જીતી ન શકું. પણ તારા માટે ડાયોજીનીસ બનવું સરળ છે. પોતાના કપડાંને શરીરથી અલગ કરી દે અને હમણાંથી જ આરામ કરવાનું શરૂ કરી દે.'' ડાયોજીનીસની વાત સાંભળીને સિકંદર અવાક્ રહી ગયો. તેની પાસે કોઈ જવાબ ન હતો.


*

વમળ આ વ્યસ્તતાઓના હવે વિખેરાય તો સારું,

આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે.

-જિગર જોષી 'પ્રેમ'

*
જયારે દિલ અને મન બંને શાંતિમાં હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ આરામ મળી આવે છે.


***

દુઃખ નહિ આનંદ વહેંચો


એક વખત તૈલંગસ્વામીને હેરાન કરવાના ઇરાદાથી એક વ્યકિતએ દૂધના પાત્રમાં ચૂનાનું પાણી નાખી દીધું. સ્વામીજીએ પાત્ર તરફ જોયું અને ચૂપચાપ એ પાણી પી લીધું.

પેલો માણસ વિચારવા લાગ્યો કે ચૂનો બહુ જલદી અસર કરશે. ઘણી વાર સુધી તેણે રાહ જોઈ પણ સ્વામીજીને કોઈ અસર ના થઈ.

તે પરેશાન થઈ ગયો. તેનો જીવ ગભરાવા લાગ્યો. અને દુઃખથી તડપવા લાગ્યો.
તે પોતાને ગુનેગાર સમજવા લાગ્યો. તે સમજી ગયો કે સ્વામીજીને પરેશાન કરવાને કારણે તેની આ દશા થઈ છે. તે વધુ સમય સુધી વાતને પોતાના દિલમાં છુપાવી ના શકયો. અને સ્વામીજીના પગમાં પડી માફી માગવા લાગ્યો.

સ્વામીજી બોલી શકે એવી સ્થિતિમાં ન હતા. તે ચૂપચાપ સહન કરી રહ્યા હતા. તેથી નજીકમાં પડેલી સ્લેટમાં લખીને પેલા માણસને કહ્યું,''ચૂનાનું પાણી મેં પીધું અને પરિણામ તારે ભોગવવું પડયું. તેનું એક જ કારણ છે કે આપણા બંનેના દિલમાં આત્મા વસે છે. જો બીજાની આત્માને કષ્ટ આપવામાં આવે તો એ કષ્ટ જાતે પણ ભોગવવું પડે છે. એટલે બીજાને કષ્ટ આપવાનો પ્રયત્ન કરવો ના જોઈએ.'' પછી સ્વામીજીએ એ વ્યક્તિના માથા પર હાથ ફેરવ્યો અને તેનું દરદ જતું રહ્યું.

એ વ્યક્તિએ સ્વામીજીની માફી માંગીને કહ્યું કે હવે પછી તે કોઈને હેરાન કરશે નહિ. તેને ખ્યાલ આવી ગયો કે આપણે કોઈ વ્યક્તિને વિના કારણ હેરાન કરવી ના જોઈએ. જેટલું આપણે તેને હેરાન કરીએ છીએ તેનાથી બેગણું દરદ કુદરત આપણને આપે છે. એટલે જિંદગીમાં આનંદ વહેંચવો જોઈએ દુઃખ નહિ.


*
એ ખજાનો હશે ખુશીનો ઉઘાડી જોજે,

તને જે આદમી ઉપરથી પાયમાલ મળે.

-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

*

ખુશીની આપણે જેટલી વધુ લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.


***


સફળતા માટે સંઘર્ષ જરૂરી


જાણીતા બ્રીટીશ લેખક માર્ક રુદરફોર્ડના બાળપણની આ ઘટના છે.

એક દિવસ માર્ક દરિયા કિનારે બેઠા હતા. દૂર એક જહાજ લંગર નાખીને ઉભું હતું. તેમને થયું કે જહાજને નજીકથી જોવા માટે તરીને એ જહાજ સુધી જવું જોઈએ. માર્ક તરવાનું તો જાણતા જ હતા. એટલે યાહોમ કરીને દરિયામાં કૂદી પડયા. ઉત્સાહ ઘણો હતો. ઝટપટ તરતા જહાજ સુધી પહોંચી ગયા. અને આનંદમાં જહાજના થોડા ચક્કર લગાવ્યા. તેમને તો મજા પડી ગઈ. એક અનોખો આનંદ અનુભવવા મળ્યો.

થોડીવાર પછી થાક લાગવા માંડતા તેમણે કિનારે પાછા વળવાનું નક્કી કર્યું. અને કિનારા તરફ નજર નાખી તો ઘણું અંતર લાગ્યું. કિનારો દૂર હતો. અને શરીરમાં હવે ઝાઝી શક્તિ ન હતી. જહાજ સુધી પહોંચવાની સફળતા અને વિજયનો આનંદ હવે ઉડી ગયો.

મનમાં હતાશા વ્યાપવા લાગી. કિનારા સુધી પહોંચવા બાબતે શંકા ઉભી થઈ. તેમને પોતાની તરવાની શક્તિ ઉપર અવિશ્વાસ ઉભો થવા લાગ્યો. સફળતા પછી નિરાશા આવી રહી હતી. આવા વિચારોથી માર્કનું શરીર શિથિલ થવા લાગ્યું. સ્ફૂર્તિલા હોવા છતાં આટલું લાંબું અંતર કાપતા પહેલાં મનમાં ડૂબી જવાનો ભય ઉભો થયો.

નિરાશા અને નિષ્ફળતાના નબળા વિચારોમાંથી બહાર નીકળવા તેમણે મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. મનને નિરાશાથી આશા તરફ વાળવા માંડયું. કશું જ અશકય નથી. પોતે દરેક પડકાર ઝીલવા સક્ષમ છે. એવા વિચારો સાથે મન મજબૂત બનવા લાગ્યું. અને તે પોતાની અંદર પરિવર્તન અનુભવવા લાગ્યા. શરીરમાં એક નવી શક્તિનો જાણે સંચાર થવા લાગ્યો.

તેમણે તરવાનું શરૂ કરી દીધું. અને તરતા તરતા વિચારવા લાગ્યા કે કિનારે ના પહોંચાય તો તેનો અર્થ મોત છે. અને કિનારા સુધી પહોંચવાનો પ્રયાસ એટલે ડૂબીને મરી જતા પહેલાંનો સંઘર્ષ. આ વિચારે તેમને સંજીવની આપી. તેમણે વિચાર્યું કે જો ડૂબવાનું જ હોય તો એ પહેલાં સંઘર્ષ કેમ ન કરવો. અને તેમના મનમાં ભયનું સ્થાન વિશ્વાસે લઈ લીધું. અને તે તરતા તરતા કિનારા સુધી પહોંચવામાં સફળ થઈ ગયા. બાળપણની આ ઘટનાએ તેમને જીવનભર પ્રેરણા આપી. તેમને એ શીખ મળી કે જીવનમાં સફળતા મેળવવા માટે સંઘર્ષ જરૂરી છે.


*
અસફલતા એક ચુનૌતી હૈ,

ઈસે સ્વીકાર કરો, કયા કમી રહ ગયી?

દેખો ઔર સુધાર કરો જબ તક ના સફલ હો

નીંદ ચૈન કી ત્યાગો તુમ

સંઘર્ષ કા મૈદાન છોડકર મત ભાગો તુમ

કુછ કીયે બીના હી જય-જય-કાર નહીં હોતી

કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

-હરિવંશરાય બચ્ચન

*

જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

***
મન પર ભાર ના રાખો

કોલેજમાં મનોવિજ્ઞાનનો પીરીયડ હતો. નવા અધ્યાપક આવ્યા હતા. પ્રથમ તેમણે વિદ્યાર્થીઓ સાથે પરિચય કર્યો. અને પછી ભણાવવાનું શરૂ કર્યું. પણ તેમણે જોયું કે કેટલાક વિદ્યાર્થીઓ મનથી સાંભળી રહ્યા ન હતા. તેઓ કોઈ ભાર નીચે દબાયેલા જણાતા હતા. એટલે ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ઉઠાવીને તેમણે વિદ્યાર્થીઓ ને કહ્યું,''તમે આ ગ્લાસને જુઓ.'' વિદ્યાર્થીઓને થયું કે સાહેબ એ જ અડધો ગ્લાસ ભરેલો અને અડધો ખાલીવાળી જૂની વાર્તા કરશે. એના બદલે અલગ વાત કરતાં અધ્યાપકે પૂછયૂં, ''આ ગ્લાસનું વજન કેટલું હશે?'' વિદ્યાર્થીઓએ પ૦ ગ્રામથી લઈ સવાસો ગ્રામ સુધીના વજનનું અનુમાન કર્યું. એટલે અધ્યાપકે કહ્યું, ''ચાલો, વજનની વાત જવા દો, એ બહુ મહત્વનું નથી. મહત્વની વાત એ છે કે હું હાથમાં કેટલી વાર સુધી આ ગ્લાસને ઉઠાવી રાખવા સક્ષમ છું. જો હું પાંચ-દસ મિનિટ પકડી રાખીશ તો મને ખાસ કંઈ ફરક પડશે નહિ. પણ જો હું એક કલાક સુધી તેને હાથમાં પકડી રાખીશ તો મારો હાથ જરૂર દુઃખવા લાગશે. જો હું આખો દિવસ ગ્લાસને હાથમાં રાખીને ઉભો રહું તો નક્કી મારો હાથ જૂઠો પડી જશે. અને મારે ઘણી તકલીફ સહન કરવી પડશે.''

અધ્યાપક શા માટે આવું કહી રહ્યા છે તે વિદ્યાર્થીઓને સમજાતું ન હતું. એક વિદ્યાર્થીએ કહ્યું પણ ખરું કે આ વાત તો બધા જાણે છે. અને અનુભવ પણ છે. ત્યારે અધ્યાપકે આગળ સમજાવતા કહ્યું,''પણ મનની આવી વાતની તમને ખબર છે? જો હું નાનકડી કોઈ સમસ્યા અંગે ચિંતા કરીશ તો મનને બહુ ભાર લાગશે નહિ. કે તકલીફનો અહેસાસ થશે નહિ. જો હું સતત એ બાબતે વિચારીને પરેશાન થતો રહું તો નક્કી મને તણાવનો અહેસાસ થશે. આખો દિવસ વિચારતો રહું તો એના બોજથી મન ખિન્ન થઈ જશે. એક જ વાતને કલાકો સુધી મનમાં સંઘરવાથી તે ભારરૂપ બની જાય. અને શરીરમાં ઉત્સાહ ના રહે. એટલે યોગ્ય એ જ છે કે સમસ્યા અંગે મનન- મંથન કરીને તરત જ તેનો ઉપાય શોધી લેવો. કોઈ પરેશાની હોય તો એને મનમાં ઘર ન કરવા દો. કે એનાથી તણાવમાં ના રહો. કેમકે એની અસર આરોગ્ય ઉપર થાય છે. કોઈપણ સમસ્યાને પોતાના પર હાવી થવા ન દો. શક્ય હોય એટલું જલદી તેનું સમાધાન શોધી લો. મન પરનો ભાર તમને હેરાન કરતો રહેશે.'' કયારનાય પોતાની ચિંતા અને સમસ્યાથી પીડાતા કેટલાક વિદ્યાર્થીઓ આ ઉપાય સાંભળી મનોમન ખુશ થઈ ગયા.

*

લેતાં લાગે ભાર ભાર, પણ દેતાં હળવું હળવું,

'હું' ની અંદર ભાર ભાર, 'હું' - બહાર હળવું હળવું.

-ચંદ્રકાંત શેઠ

*

હે પરમાત્મા, મારી વાણી મારા મનમાં સ્થિર થાઓ અને મારું મન મારી વાણીમાં સ્થિર થાઓ. - ઐતરેય ઉપનિષદ


****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED